ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેટલા બધાં
દાયકાઓથી ઊભી રહી છે. ફિલ્મ મીડિયા સફળ રહેવા પાછળનું એક કારણ એ છે કે દરેક વ્યક્તિને
એમ લાગે છે કે આ મારી વાત છે. ઘણીવાર એવું પણ બને છે કે આપણી અંદર પડેલી કેટલું બધું
કરવાની અપેક્ષા ફિલ્મનું એકાદ પાત્ર પુરુ કરતું હોય. સપનાઓ અને હકીકતો વચ્ચે રમતું
આ માધ્યમ કેટકેટલી વાતો રજૂ કરી ચૂકયુ છે અને આ રીતે જ એક મીડલ એજ માણસની ફિલીંગ્સની
વાત એટલે શીરીન ફરહાદ કી તો નિકલ પડી. ઉંમર કોઈ પણ હોય પણ પ્રેમ તો થઈ જ શકે. એમાં
પણ જો ૪૦ સુધી પહોંચતા સુધીમાં કોઈ છોકરી જીવનમાં ન આવી હોય અને એ પછી અચાનક જ કોઈ
આવી જાય અને ટીન એજ લવ જેવો માહોલ જામે તો એની મઝા જ અલગ હોય છે. એક વિચિત્ર પણ ખૂબ
ખુશ કરાવી દેતી લવ સ્ટોરી એટલે શીરીન ફરહાદ કી તો નીકલ પડી. જો સમય હોય તો તમે પણ ફિલ્મ
જોવા નીકળી જ જાવ કેમ કે તમને આ ફિલ્મ માટે સમય બરબાદ કર્યો નથી એવો અહેસાસ તો ચોક્કસ
થશે.
આ ફિલ્મથી ફરાહ ખાને એક્ટીંગની
દુનિયામાં પ્રથમ પગલું માંડ્યું છે પણ આ ફરાહની આ પહેલી ફિલ્મ નથી. કુછ કુછ હોતા હૈં
માં પહેલીવાર ફરાહ દેખાણી હતી. આ પછી ફરાહે નાના રોલમાં ઘણીબધી ફિલ્મમાં જોવા મળી છે.
જેમ કે કલ હો ના હો, મૈં હું ના, ઓમ શાંતિ ઓમ, જાને કહાં સે આયી હૈં, ખીચડી અને અગામી
ફિલ્મ જોકરમાં પણ ફરાહ જોવા મળશે. ફરાહ આમ જોઈએ તો ખાનદાની રીતે ફિલ્મ સાથે જોડાયેલી
રહી છે. જો તમે જૂની ફિલ્મ્સ જોઈ હોય તો તમને અગાઉ ડેઇઝી ઇરાનીના નામથી જાણીતી બાળ
કલાકાર યાદ હશે. હાલ હની ઇરાનીના નામથી અનેક ફિલ્મ, સ્ક્રીનપ્લે લખી ચૂકેલી આ હની એટલે
ડેઇઝી અને આ હની ઇરાનીની બહેન એટલે ફરાહ ખાનની માતા મેનકા. સાજીદ ખાનને પણ તમે ઓળખતા જ હશો. સાજીદની
સગી બહેન ફરાહ. ફરાહના જીવનની શરૂઆત ડાન્સ ગૃપ સ્પ્લાયર તરીકે થઈ હતી પણ સરોજ ખાને
કામ ઓછું કરી દેતા ફરાહને બ્રેક મળ્યો. જો જીતા વહી સિકંદર ફિલ્મના ઓરીજીનલ કોરિયોગ્રાફર
સરોજ ખાન હતા પણ અંગત કારણસર ફિલ્મ ન કરતા આ ફિલ્મની કોરિયોગ્રાફી ફરાહને ખંભે આવી.
આમ ફરાહની શરૂઆત ગણો તો ડાન્સ ડિરેક્ટર તરીકે જ થઈ હતી. આ ઉપરાંત ફરહાન અખ્તર અને ઝોયા
અખ્તરની કઝીન પણ ખરી. ફરાહને ખાસ લાભ મળ્યો શાહરુખ ખાન સાથેની દોસ્તીનો. શાહરુખ અને
ફરાહના અંગત સંબંધોને લીધે ફરાહની કોરિયોગ્રાફર તરીકે ફિલ્મ્સ તો ઘણી બધી મળી પણ કમાલ
થયો જ્યારે શાહરુખની એક ફિલ્મનું દિગ્દર્શન સોંપવામાં આવ્યું. મૈં હું ના ફિલ્મ સાથે
ફરાહને આખી ઇન્ડસ્ટ્રી ઓળખવા લાગી. ૨૦૦૪માં આ ફિલ્મ રીલીઝ થઈ હતી. આ ફિલ્મની સ્ક્રીપ્ટ
પણ ફરાહે જ લખી હતી. ફિલ્મને ઘણા એવોર્ડસ પણ મળ્યા. આ પછી છેક ૨૦૦૭માં ફરાહે બીજી ફિલ્મ
ઓમ શાંતિ ઓમ ડિરેક્ટ કરી. લોકો આ ફિલ્મને ઘણી સારી કહી ચૂક્યા છે પણ મારી દ્રષ્ટિએ
આ ફિલ્મમાં ડિરેક્શન જેવું કંઈ જ ન હતું અને પછી આ રીતે જ પુનરાવર્તન થયું તીસ મારખાંમાં.
આ ફિલ્મ માટે ક્રિટીક્સ પણ કહેવા લાગ્યા કે ખરાબ દિગ્દર્શનનો નમૂનો. પણ ફરાહ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘોળીને પી ગઈ છે.
પીર, બાવરચી, ભિસ્તી, ખર કોઈ પણ કામ હોય ફરાહ તૈયાર જ હોય છે. પોતાનું સ્થાન એક જગા
પરથી હટતું લાગે એટલે તરત જ બીજુ સ્થાન ખુલ્લું રાખે જ છે. આવું જ કંઈક કર્યું હોય
તો શીરીન ફરહાદ કી તો નીકલ પડી. મને હતું કે એક્ટીંગમાં તો ફરાહ નહીં જામે પણ પોતાના
પાત્રને પુરેપુરો ન્યાય આપવામાં સફળ રહી. એક પારસી ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે કામ કરતી
ફરાહ પણ ૪૦ વટાવી ચૂકી છે. કોઈ બોયફ્રેન્ડ મળ્યો નથી. પારસી કોમ્યુનીટીની અમુક ટીપીકલ
ખાસિયતો છે. જો તમારું પુરુ ઇન્વોલ્વમેન્ટ ન હોય તો તમે એક પારસીની ભૂમિકા ભજવી ન જ
શકો. ફરાહ એક લેવલથી પોતાની જવાબદારી નિભાવી શકી છે.
બોમન ઇરાની માટે તો કહેવું જ
શું? કોઈ પણ પાત્ર હોય બોમન એ માટે બેસ્ટ છે એવો અહેસાસ કરાવે જ. બોમન સાથે ખોસલા કા
ઘોસલા વખતે સાથે રહેવાનો મોકો મળ્યો હતો. આ ફિલ્મ વખતે બોમનની એક ખાસિયત જોઈ હતી. બોમનને
સિન સમજાવી દેવાનો, ડાયલોગ્ઝ આપી દેવાના પછી બોમન જ બધું કરે. ડિરેક્ટરને જે જોઇતું
હોય એથી ઘણું વિશેષ જ મળે. શોટના ડિવિઝન વખતે પણ જે સ્ટાઇલથી ડાયલૉગ બોલાયો હોય, જે
સ્ટાઇલથી આંગિક થયુ હોય એ સ્ટાઇલથી જ દશવાર શોટ લો તો પણ તમને મળે. આ ફિલ્મમાં બોમન
એક બ્રા-પેન્ટીની દુકાનમાં સેલ્સમેન છે. પોતાના લગ્ન માટેની પ્રોફાઇલમાં પણ બોમન આ
વાત ખુલ્લા મોઢે કહે છે. એક સોફ્ટ હાર્ટ પરશન, એકદમ સીધો સાદો અને જેના મનમાં સેક્સ
છે પણ દિલમાં નથી એવું પાત્ર. એક એક દ્રષ્ય પર તમે વાહ કહેશો જ. પોતાની મમ્મી નરગીસ
એટલે કે હની ઇરાની અને દાદી એટલે શમ્મી વચ્ચે પીસાતો દીકરો. ફિલ્મ દરમિયાનમાં ફરહાનના
હાથ પકડવાની ઘટનાઓ મઝા કરાવી જાય છે. સાથે સાથે મમ્મી અને દાદી તો કમાલ છે. કેમ ન હોય
શમ્મી તો બ્લેક & વ્હાઇટ ફિલ્મથી ફિલ્મ્સ સાથે જોડાયેલી છે. શમ્મીના ફિલ્મ્સનું
લીસ્ટ પણ થઈ શકે એમ નથી. આ ઉમરે પણ એટલું તો લાગે જ કે આ ખંઢેર બુલંદ છે. હની ઇરાની
(ડેઇઝી ઇરાની) ફિલ્મ ક્ષેત્રે વર્ષો કાઢી ચૂક્યા છે. પોતે જ્યારે સ્ક્રીનપ્લે રાઇટર
રહી ચૂક્યા હોય ત્યારે ક્યાં ક્યો પંચ કઈ રીતે આપવો એ જાણતા જ હોય. પોતાને મળેલો એક
પણ મોકો એમણે જવા દીધો નથી.
સંજય લીલા ભણસાલી આમ તો ખર્ચાળ
ફિલ્મ્સ બનાવવાના શોખીન છે પણ જ્યારે દીકરીને પહેલું ફિલ્મ સોંપવું હોય તો થોડું ધ્યાન
રાખવું પડે. જે રીતે ફરાહે ફિલ્મમાં એક્ટીંગની શરૂઆત કરી છે એ રીત જ બેલા ભણસાલી સેહગલે
પણ પોતાના ડિરેક્શન કેરિયરની શરૂઆત કરી છે. ફિલ્મ સંજય લીલા ભણસાલી અને સુનિલ લુલ્લાએ
પ્રોડ્યુસ કરી છે. દિગ્દર્શન પ્રમાણમાં ઘણું સારુ છે એટલે સંજયભાઈએ પણ કદાચ રસ લીધો
હોય અથવા પોતે જ ડિરેક્શન કર્યું હોય એવું પણ બને. ફિલ્મનું સંગીત જીત ગાંગુલીનું છે.
અમુક ગીતમાં ખરેખર મઝા આવે છે. ઉષા ઉથ્થુપનો અવાજ સાંભળીને દિલ બાગ બાગ થઈ જાય છે.
હું ઘણા સમયથી ઓછા બજેટની ફિલ્મ્સનો
આશિક રહ્યો છું. આ પાછળનું કારણ એ છે કે ખર્ચો કરીને તો કંઈ પણ કરી શકાય. જો તમારી
પાસે લીમીટેડ બજેટ છે અને તમારે લોકો સમક્ષ કંઈ રજૂ કરવું છે તો તમારું પુરેપુરુ ઇનોવોલ્વ્મેન્ટ
જોઇશે જ. અહીં મૅનેજમેન્ટનો સિદ્ધાંત લાગુ પડે કે ’ટુ એચીવ ટાર્ગેટ બાય અવેલેબલ
મીન્સ’. તમારે
ફરજિયાત સારી વાર્તા, સારુ એક્ટીંગ અને સારી ટ્રીટમેન્ટ આપવી જ પડે. શીરીન ફરહાદ કી
તો નીકલ પડી આ પ્રકારની ફિલ્મનું ખૂબ સારુ ઉદાહરણ છે. ફિલ્મ એક્સ્પેક્ટેડ છે. મીડલ
એજની લવ સ્ટોરી એ કંઈ નવાઈની વાત નથી. દરેક સામાન્ય ફિલ્મની જેમ જ આ ફિલ્મમાં પણ મેલોડ્રામા
છે. હવે શું થશે એ ખ્યાલ હોવા છતા તમને ફિલ્મ માણવાની મઝા આવશે. અહીં પણ પ્રેમ કહાની
સાવ સ્મુધ નથી જતી. ઘણી સ્ટ્રગલ, ઘણા ઇમોશન અને ઘણી વાતો અલગ રીતે રજૂ થઈ છે. કૉમેડીનું
ઝોનર છે પણ લાગણીઓ સાથે એટલે એક નવી રીતે મીડલ એજની ટીન એજર લવ સ્ટોરી બની શકી. કદાચ
સ્ટાર વધારે ન આપી શકાય પણ એવરેજ સારી એન્ટરટાઇન ફિલ્મ તો કહેવી જ પડે.
પેકઅપ:
ઘણા ૧૦ લાખની ગાડીમાં જઈને રોબ મારવાને બદલે ૧૦ રૂપિયાની ટીકીટ
ખરીદી ૫૦ લાખની બસમાં વટ પાડે છે.
www.jualalatsex69.com
ReplyDelete