’હરામઝાદે’, ’જીતેગા’ જેવા અનેક ટાઇટલ પર વિચાર થયો
પણ દિગ્દર્શક હબીબ ફૈઝલને હજુ પણ સંતોષ ન હતો. ઉત્સાહ વધારે એવું અને કંઈક નવીન પ્રકારનું
ટાઇટલ જોઇતું હતું. ચમત્કારિક રીતે એક બનાવ બન્યો. કૌશર મુનીરને ગીતકાર તરીકે નક્કી
કરવામાં આવ્યા. કૌશર મુનીર એ પહેલું ગીત, આઇટમ સોંગ પ્રકારનું લખવાનું હતું. કૌશર એક
ગીતની થોડી લાઇન લખીને હબીબ ફૈઝલને બતાવવા ગયા. આ ગીતમાં એક શબ્દ આવ્યો ’ઇશકઝાદે’ આ શબ્દ
હબીબના મગજમાં ઘૂસી ગયો અને એમને મળ્યું એક અનોખું ટાઇટલ ઇશકઝાદે…
આદિત્ય ચોપરા પાસે એક વાર્તા હતી. હબીબ અને આદિત્ય ચોપરા બંને
આ વાત પર વિચાર કરતા હતા. બંને એ સાથે મળીને સ્ક્રીન પ્લે તેમજ સ્ટોરી ડેવેલોપ કરવાનું
શરુ કર્યું. હવે વાત આવી કાસ્ટિંગની. ઘણા ચહેરાઓ હતા પણ હબીબને એવો હીરો જોતો હતો જે
એક સામાન્ય લાગે, આવારા લાગે અને છતા દેખાવડો હોય. હબીબની શોધ ચાલુ હતી ત્યારે ફેસબૂકમાં
અર્જુન કપૂર પર નજર પડી. બંને વચ્ચે વાતચીત શરુ થઈ. આમ તો અર્જુન અત્યાર સુધી આસિસ્ટન્ટ
ડિરેક્ટર તરીકે જ કામ કરતો પણ એક્ટીંગમાં પૂરતી સૂઝ તો હતી જ. કેમ? કેમ કે અર્જુન કપૂર
એટલે બીજો કોઈ નહીં પણ બોની કપૂરની આગલી પત્ની મોના કપૂરનો છોકરો એટલે અર્જુન કપૂર.
(ખાનદાની રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હોઈએ ત્યારે કોઈ ગોડ ફાધરની જરૂર પડતી
નથી) અર્જુન કપૂર માટે સાવ સહેલું તો ન જ હતું કેમ કે અપેક્ષાઓ વધારે હતી. ખૂબ મહેનત,
પ્રેક્ટીસ ઘણું બધું કરવું પડ્યું. ફિલ્મ દરમિયાનમાં અર્જુનનો એક અનુભવ તો સાવ અલગ
જ રહ્યો. ફિલ્મનું એક ગીત ’છોકરા જવાં’ સમયે સાવ અલગ ડાન્સ અને એક્ટીંગ કરવાની હતી.
હબીબ એ તો કહી દીધું કે જો અર્જુન ન કરી શકે તો એકલી છોકરી પર ગીત ફિલ્માવી લઇશુ. અર્જુનને
આ મંજૂર નહોતું. પુરા ૩ દિવસ સતત ૬ કલાક પ્રેક્ટીસ કરીને પોતાની જાતને પુરવાર કરી.
જો કે અહીં એ વાત પણ નોંધવી પડે કે રેખા અને ચીન્ની પ્રકાસ જેવા ડાન્સ ડિરેક્ટર હોય
કે જેમણે જોધા અકબર માટે નેશનલ એવૉર્ડ મળ્યો હોય ત્યારે થોડું સહેલું થઈ જાય.
હવે વાત હતી હીરોઇનના સીલેક્શનની. આદિત્ય ચોપરા સાથે આ પહેલા
પણ કામ કરી ચૂકેલી પરિનીતી ચોપરા પર નજર રોકાય એ શક્ય છે જ. પરિનીતી એ પોતાની પ્રથમ
ફિલ્મ ’લેડીઝ વર્સિસ રીક્કી બહેલ’માં પોતાની આવડત સાબિત કરી જ દીધી હતી. પોતાની પ્રથમ ફિલ્મમાં
જ ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુટ એવૉર્ડ જીતી લીધો હતો. અહીંયાં એક મુશ્કેલી એ હતી કે પરિનીતી
એટલે પાક્કે પાક્કી પંજાબી કુડી. આ પંજાબી કુડીને મુસ્લિમ છોકરીમાં ફેરવવી એટલે લોઢાના
ચણા ચાવવાનું કામ પણ હબીબ એ લખનઉ અને આજુબાજુના વિસ્તારની રેકી સમયે પરિનીતીને સાથે
રાખી. ત્યાંની મુસ્લિમ છોકરીઓ અને લોકોને મળાવ્યા, ત્યાંની રીતભાત, બોલચાલ દરેક પાસાઓનો
અભ્યાસ કરાવ્યો. પુરેપુરુ પોટેન્શીયલ ધરાવતી આ છોકરી માટે હવે કામ અઘરું ન હતું. પોતાની
જાતને મેક-ઓવર કરી પરિનીતી એ સાબિત કરી દીધું કે એ ભવિષ્યની વિદ્યા બાલન થાય તો નવાઈ
નહીં! પોતાના કામને ન્યાય આપવા માટે અનેક સ્ટંટ દ્ગશ્યો પરિનીતી એ પોતે જ ભજવ્યા. શૂટીંગ
દરમિયાનમાં કેટલીયે વાર પડી, લાગ્યું, છોલાણી પણ ડીરેક્ટરને જોઇતી વાત બહાર લાવીને
જ રહી. પરિનીતી માટે તો ફિલ્મ એકવાર જોવું જ જોઇએ. ફિલ્મમાં એક પાત્ર ચાંદ બેબી એટલે
કે ગૌહર ખાન પણ નોંધનીય રહી.
હબીબને એક એવું ગામ જોઇતું હતું જ્યાં આ ફિલ્મ થઈ શકે અને જેનું
બૅકગ્રાઉન્ડ એકદમ યુપી જેવું જ હોય. કચ્છ સુધી ચક્કર મારી આવેલા હબીબને છેલ્લે તો યુપી
જ જવું પડ્યું. ’હરદોઈ’, ’બારાબંડી’, ’બારાગાંવ’ અને
લખનઉના અમુક મહોલ્લામાં ફિલ્મનું શુંટીંગ થયું. હબીબનું માનવું હતું કે અસ્તિત્વમાં
હોય એવું ગામનું નામ રાખવું જ નહીં માટે એક આર્ટીફીશ્યલ નામ નક્કી કરવામાં આવ્યું
’અલમોર’ હરદોઈ,
બારાબંડી, બારાગાંવ અને લખનઉને ’અલમોર’ બનાવી દેવામાં આવ્યા. બાવીસથી વધુ ફિલ્મોનો
અનુભવ ધરાવતા આર્ટ ડિરેક્ટર ’શ્યામ કૌશલ’ એ આ કામ કરવાનું હતું અને બાખૂબીથી ગામ ફર્યું
છે એવું લાગ્યા વગર જ એમણે દરેક સેટ તૈયાર કર્યા. એથી પણ વિશેષ વાત એ રહી કે ફિલ્મમાં
ઍક્શન પણ શ્યામ કૌશલ એ જ સંભાળ્યું હતું.
કોણ જાણે કેમ પણ સુંદર મેઇકીંગ હોય છતા ફિલ્મ ક્યાંક માર ખાઈ
જતી જ હોય છે. ફિલ્મનું હાર્દ છે વાર્તા. મૂળ વાત મજબૂત હોવી જરૂરી છે. ઇશકઝાદેની ઘણી
જ વાત નોંધનીય છે પણ એક સાવ સામાન્ય વાત અને પ્રીડીક્ટેબલ સ્ટોરી. પોલીટીક્સ વચ્ચે
રમતી પ્રેમ કહાની. મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરાનું પ્રેમ પ્રકરણ. વિરોધ માંથી પાંગરતો
પ્રેમ. ફિલ્મમાં હજારો ગોળીઓ છૂટી પણ આખા ફિલ્મમાં એક પણ પોલીસ ન જોવા મળી. (કદાચ લેઇટ
પહોંચવાની આદત મુજબ ફિલ્મની સ્ક્રીન પર આવી શકી નહીં હોય!) રીવોલ્વરમાં છ ગોળીઓ હોય
છે પણ અહીં રીવોલ્વર માંથી ૨૦ ગોળી છૂટે તો કોઈ પ્રશ્ન નહીં કરવાનો. ’મૈં પરેશાં….” કદાચ
આ વર્ષના બેસ્ટ સોંગનો એવૉર્ડ જીતી શકે. અમિત ત્રિવેદી એકમાત્ર મ્યુઝિક ડિરેક્ટર છે
જે ચોરી વગરનો માલ પીરસે છે. ઓવરઓલ રેટીંગ આપવું હોય તો ૫ માંથી ૩.૫ સ્ટાર તો આપવા
જ પડે…
પેકઅપ: “પ્રેમ
એટલે મફતમાં કંઈક મેળવવાનો ફંડા”
No comments:
Post a Comment