સંગીત સાથે માણસોના જીવનમાં નૃત્ય પણ એટલી
રીતે જ જોડાયેલું છે. કોઈ પણ રાજ્ય લઈ લો અને કોઈ પણ ઉત્સવ લઈ લો ડાન્સ વગર અધૂરો જ
હોય. લોકોની રગરગમાં નૃત્ય સમાયેલુ હોય છે અને એટલે જ બાળકો પણ સૌથી પહેલું કંઈ શીખે
છે તો એ છે ડાન્સ. ડાન્સ રીયાલીટી શો શરૂ થયા પછી તો દરેક મા-બાપને તેના બાળકને ડાન્સર
બનાવવાનો ક્રેઝ શરૂ થયો છે. આ ક્રેઝના પરિણામે જ ભારત આખામાં ડાન્સ કલાસીઝ શરૂ થયા
છે. આવા જ વિષય પર ફિલ્મ બનાવવાની હોય તો લોકોના દિલમાં અને શરીરમાં જો થરકાટ ન આવે
તો જ નવાઈ એટલે જ આ ફિલ્મને ધડકતું મનોરંજન કહી શકાય...
રેમો ડી’સોઝા નામ સાંભળતા સારુ લાગે એ
માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો પોતાનું મૂળ નામ બદલાવતા આવ્યા છે. રેમોનું ઓરીજીનલ
નામ રમેશ ગોપી. પિતા ઍરફોર્સમાં હોવાને લીધે ઘણા સ્થળો પર તેમનો વસવાટ રહ્યો છે અને
તેનો લાભ ગુજરાતને પણ મળ્યો છે. રેમોનું સ્કૂલીંગ જામનગરમાં થયું છે. ડાન્સ પ્રત્યેની
તેમની રુચીને લીધે સતત ડાન્સ સાથે જોડાયેલ રહ્યા છે. ડાન્સ ડિરેક્ટર તરીકે ૧૯૯૫માં
તેમણે પહેલી ફિલ્મ ’બોલીવુડ ડ્રીમ્સ’ ડિરેક્ટ કરી હતી પણ ફિલ્મ રીલીઝ જ ન થઈ. આ પછી
૨૦૦૦ની સાલમાં ’દિલ પે મત લે યાર’ કોરિયોગ્રાફ કરી. આ પછી ક્યારેય અટક્યા જ નહીં. લગભગ
૧૦૦ થી વધારે ફિલ્મ કોરિયોગ્રાફ કરી છે. ફિલ્મ સાથે જે લોકો સતત જોડાયેલા રહે છે તેમને
ડિરેક્શનનો શોખ જાગે જ છે. ૨૦૦૭માં તેમને એક બેંગોલી ફિલ્મ ડિરેક્ટ કરવા મળી જે ફ્લોપ
રહી પણ હિંમત હાર્યા વગર ૨૦૧૧માં ’ફાલતુ’ ડિરેક્ટ કરી જે ખરેખર ફાલતુ ફિલ્મ જ હતી.
૨૦૧૩માં તેમણે જોયું કે તેમની વિશેષતા ડાન્સ જ છે એટલે ’એબીસીડી’ ડિરેક્ટ કરી જે સુપર
હીટ તો ન કહી શકાય પણ હીટ રહી. આ દરમિયાન જ ડાન્સના રીયાલીટી શો ખૂબ વધી ગયા હતા અને
લોકોને ગમતા પણ હતા. દરેક મા-બાપ પોતાના સંતાનને ડાન્સર બનાવવા માટે લાગી પડેલા હતા
ત્યારે ડાન્સ પરની ફિલ્મ સરસ રીતે ચાલી શકે એ વિચાર સાથે રજૂ થયેલો પહેલો ભાગ સારો
ચાલ્યો. હવે સીક્વલ તો બને જ. ’એબીસીડી 2’ પહેલા ભાગની ક્ષતિઓને દૂર કરવાના ઇરાદા અને
સારી સ્ટાર કાસ્ટ સાથે રેમોએ ડિરેક્ટ કરી. આશ્ચર્ય વચ્ચે એક કોરિયોગ્રાફર તરીકે હીટ
રહેલા રેમોનું ડિરેક્શન એટલું જ હીટ કહી શકાય. ઇમોશનને સરસ રીતે દર્શાવી શકવા બદલ રેમોના
વખાણ કરવા જ પડે...
વરુણ ધવન રેમોના જ ગૃપમાં એક ડાન્સર સુરેશ
છે તેનું પાત્ર ભજવે છે. વરુણ બહુ ટૂંકા ગાળામાં ખૂબ જ આગળ વધી ગયો છે. આમ તો ડેવિડ
ધવનનો પુત્ર એટલે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ ખૂબ જ સહેલો હતો પણ વરુણે એક્ટીંગ શરૂ કરતા
પહેલા ’માય નેઇમ ઇઝ ખાન’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. કરણ સાથેના ત્યારથી
જ સારા સંબંધ હોવાને લીધે કરણ જોહરની ફિલ્મ ’સ્ટૂડન્ટ ‘ઑફ ધ યીયર’માં રોલ મળ્યો. ફિલ્મ
ખૂબ જ હીટ રહી. આ પછીની તેની બે ફિલ્મ્સ ’મૈ તેરા હીરો’ અને ’હમ્પી શર્મા કી દુલ્હનિયા’
પણ સારી રહી. ’બદલાપુર’ જોયા પછી લાગ્યું કે છોકરામાં દમ તો છે જ. જો કોઈ સારા ડિરેક્ટર
ડિરેક્ટ કરે તો જોઈએ તેવું પર્ફૉર્મન્સ આપી શકે એમ છે. સૌથી મોટી વાત એ છે કે વરુણની
તમામ ફિલ્મ્સને સારા સારા એવોર્ડ્સમાં નોમીનેશન મળ્યું અને એવોર્ડ્સ પણ. વરુણની સામે
વિન્ની તરીકે શ્રદ્ધા કપૂર છે. શક્તિ કપૂર જેવા વિલનની છોકરી આટલી ક્યૂટ કેમ હોય? એવો
પ્રશ્ન પૂછવો નહીં. શ્રધ્ધાએ જ્યારે ’તીન પત્તી’ કરી ત્યારે એમ થયું કે છોકરી નહીં
ચાલે પણ ઇન્ડસ્ટ્રીનો એક નિયમ છે કે જેમ જેમ તમારો અનુભવ વધતો જાય તેમ તેમ એક્ટીંગ
નિખરતી જાય. શ્રધ્ધાની એક્ટીંગ સાથે સુંદરતા પણ વધી રહી છે. પ્રભુ દેવા વિશ્નુ સરની ભૂમિકામાં છે. ફિલ્મ ડાન્સ
આધારિત હોય અને પ્રભુ દેવા ન હોય એમ ચાલે? પ્રભુ દેવાના લોહીમાં જ ડાન્સ છે. તેમના
પિતા મુગુર સુંદર સાઉથની ફિલ્મ્સના કોરિયોગ્રાફર હતા. તામિલ ફિલ્મ્સથી કેરિયર શરૂ કરનાર
પ્રભુ દેવાના હિસ્સે ઘણા પ્રકારની જવાબદારી આવતી રહી. ક્યારેક એક્ટર તરીકે, ક્યારેક
કોરિયોગ્રાફર તરીકે તો આ બધા અનુભવો સાથે ડિરેક્ટર તરીકે પણ. હિન્દી સિનેમા જગતમાં
પણ પહેલું જ ફિલ્મ ’વોન્ટેડ’ તેમણે ડિરેક્ટ કર્યું અને સીધુ જ ૧૦૦ કરોડની ક્લબમાં આવી
ગયું. ’આર. રાજકુમાર’ ને છોડીને લગભગ બધી જ ફિલ્મ તેમણે સુપર ડુપર હીટ આપી. ડાન્સ એક્ટર
લોરેન હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પગ પેસારો કરતી જાય છે. આ ફિલ્મમાં લોરેન ઓલીવના પાત્રમાં
છે. આ ઉપરાંતના પાત્રો અલગ અલગ રીયાલીટી શો માંથી રેમો સાથે જોડાયેલા છોકરાઓ છે. ધર્મેશ,
રાઘવ, પ્રવિણ, સુષાંત, પુનીત, કાર્તિક બધાને આપણે ઘણા ડાન્સ રીયાલીટી શો કરતા જોયા
જ છે. પ્રાચી શાહ વરુણની માતાના પાત્રમાં છે. પૂજા બત્રા વર્ષો પછી જોવા મળ્યા. તીશ્કા
ચોપરા પણ એક નાની ભૂમિકામાં જોવા મળ્યા. રેમો પણ નાની ભૂમિકામાં જોવા મળ્યા પણ કોન્સિયસ
હોય તેવું લાગતું હતું...
ફિલ્મને પ્રમોટ કરવાના અને યુવા વર્ગને
આકર્ષવાના ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા છે. ઠેકઠેકાણે વરુણ અને શ્રદ્ધા ફિલ્મને પ્રમોટ
કરી રહ્યા છે. મુંબઈમાં તો વરુણ ધવનના એંકરીંગમાં એક ૪૦ મીનીટનો ખાસ ઑડિયન્સ પ્રોગ્રામ
યોજવામાં આવ્યો. લગભગ બધી જ ચેનલ પર અને રીયાલીટી શોમાં ફિલ્મને પ્રમોટ કરવામાં આવી
છે. ખાસ કરીને ભારત આખામાં જ્યાં જ્યાં ડાન્સ કલાસીઝ ચાલે છે ત્યાં પ્રમોશન ટીમ પર્સનલી
વીઝીટ કરે છે અથવા તો ઇમેલ, લેખિત કે ફોન કોલ દ્વારા આમંત્રણ અને આગ્રહ કરતા આવ્યા
છે. ફિલ્મના કાસ્ટિંગથી લઈને ફિલ્મ પ્રોડયૂસ થાય ત્યાં સુધીમાં ઘણા પ્રોબ્લેમ્સ થયા
હોય પણ આ ફિલ્મ સ્મૂધલી પૂરુ થયું છે. મોટા સેટ્સ, લાઇટીંગ્સ જેવા અધધ ખર્ચને લીધે
ફિલ્મનું બજેટ ૮૦ કરોડ ઉપર પહોંચ્યું છે. આશા રાખીએ કે ખર્ચ તો કાઢી લે બાકી ૧૦૦ કરોડની
ક્લબની આશામાં ઘણી ફિલ્મ્સ ખોટ કરે જ છે અને એટલે જ આજકાલ સ્મોલ બજેટ ફિલ્મ્સનો ક્રેઝ
વધી રહ્યો છે. જો કે ફિલ્મ પાસે હીટ જવા માટેના બધા જ ગુણો છે એટલે નક્કી ૧૦૦ કરોડની
ક્લબ પહોંચશે જ એવું લાગે છે.....
સિધ્ધાર્થ રોય કપૂરે ફિલ્મ પ્રોડ્યૂસ કરી
છે. ફિલ્મ લખી રેમોએ જ છે પણ ડાયલૉગ મયૂર પૂરીના છે. સ્ક્રીનપ્લે તુષાર હિંદવાણી અને
રેમો બંની મળીને લખ્યો છે. ફિલ્મનો મૂળ આધાર જ મ્યુઝિક છે. જો સારુ મ્યુઝિક હોય તો
જ સારો ડાન્સ થઈ શકે. ફિલ્મનું મ્યુઝિક સચીન-જીગરે આપ્યું છે. ફિલ્મમાં એટલે જ કહેવામાં
આવ્યું છે કે જે મ્યુઝિક ફિલ કરી શકે એ ડાન્સ કરી જ શકે. એની બડી કેન ડાન્સ! વિજય અરોરાની સિનેમેટોગ્રાફી છે અને અદભૂત રીતે
તેમણે પોતાનું કામ બતાવ્યું છે. ફિલ્મ 3Dમાં પણ છે. પ્રોડક્શન કંપનીની ક્રેડિટ વોલ્ટ
ડીઝની મોશન પીકચર્સ અને યુટીવી મોશન પીકચર્સને આપવામાં આવી છે. ૧૪૭ મીનીટનો રન ટાઇમ
ધરાવતી ફિલ્મનો લગભગ અડધો ભાગ તો ડાન્સમાં જ જાય છે , ડ્રામા માટે બહુ ઓછો સમય છે પણ
ક્લાસ ડ્રામા પણ છે. આ ફિલ્મને ૪ સ્ટાર આપવા
જ પડે તેવી ફિલ્મ છે....
પેકઅપ:
"આજના જમાનામાં જો રાવણ જો તમારી
પત્નીને ઉપાડી જાય તો એ રાક્ષસ કહેવાય કે દેવતા?"
No comments:
Post a Comment