ફિલ્મ માટે સ્ટોરી મહત્વની છે જ પણ જો
ફિલ્મ સર્જક મહાન હોય તો નાના નાના પ્રસંગોને પણ લાગણીઓ સાથે જોડીને એક ઉત્તમ સર્જન
બહાર લાવી જ શકે. આ પ્રસંગો બહાર આવે સ્ક્રીનપ્લે અને ડાયલૉગથી અને એથી પણ ઉપર હોય
તો ડિરેક્શનથી. ઝોયાને આ ફિલ્મ લખવા અને ફિલ્મને છેક સુધી લાગણીઓ સાથે જોડી રાખવા માટે
દિલ ખોલીને અભિનંદન આપવા જ પડે. ફિલ્મનું શીર્ષક ’દિલ ધડકને દો’ યથાર્થ છે કેમ કે ફિલ્મ
જોઈને તમે પણ કહેશો જ કે દિલ ધડકને લગા....
ઝોયા અખ્તર ફિલ્મ તો વારસામાં લઈને જ જન્મી
છે. ઝોયા એટલે જાવેદ અખ્તર અને હની ઇરાનીની પુત્રી અને ફરહાન અખ્તરની બહેન. શરૂઆતના
સમયમાં જાવેદ અખ્તર સાહેબ અથવા ફરહાન અખ્તરને લીધે ઓળખાતી ઝોયાની ફિલ્મ ’જિંદગી ના
મીલેગી દોબારા’ પછી એક ખૂબ સારી ડિરેક્ટર તરીકે થવા લાગી. માણસના એવા ઇમોશન્સની વાતો
જે ક્યાંય રજૂ ન થઈ હોય તે બતાવવામાં ઝોયાની માસ્ટરી છે. આમ તો તેનું પહેલું ડિરેક્ટેડ
ફિલ્મ ’લક બાય ચાન્સ’ હતું પણ ઝોયાની ઓળખ ઊભી કરવામાં નિષ્ફળ ગયેલું. આર્ટમાં ગ્રેજ્યુએશન
પૂરું કરીને ઝોયા ન્યુયોર્ક યુનિવર્સિટી ફિલ્મ સ્કૂલમાં ફિલ્મ પ્રોડક્શન શીખવા ગઈ પણ
પ્રોડક્શન સાથે તેનો એટલો જ રસ ડિરેક્શનમાં પણ હતો. ભારત પરત ફરીને તેણે ’બોમ્બે બોય્ઝ’,
’દિલ ચાહતા હૈ’ અને ’લક્ષ્ય’ જેવી ફિલ્મ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી. સિનેમાના ૧૦૦
વર્ષ પર બનેલી શૉર્ટ સ્ટોરીઝની ફૂલ ફિલ્મ ’બોમ્બે ટૉકીઝ’માં પણ ઝોયાની સ્ટોરી જોવી
ગમી જ હતી. ઝોયાની ફિલ્મ ’જિંદગી ના મીલેગી દોબારા’ સારી ફિલ્મ જ હતી પણ જો આ ફિલ્મની
વાત કરીએ તો એટલું જ કહેવું પડે કે ઝોયા ખૂબ જ સારી ડિરેક્ટર છે. આ ફિલ્મના ડિરેક્શનને
તમે શ્રેષ્ઠ ડિરેક્ટેડ ફિલ્મના લિસ્ટમાં મૂકશો જ....
ફિલ્મની સ્ટોરી પર ઝોયા અને રીમા કાગથી
૨૦૧૧થી જ કામ કરતા હતા. સ્ટોરી અને સ્ક્રીનપ્લે તે બંને મળીને લખશે એવા નિર્ણય સાથે
બારીકાઈથી ફિલ્મ લખવા લાગ્યા અને કાસ્ટિંગ પર પણ કામ કરવા લાગ્યા. ફિલ્મની જ્યારે જાહેરાત
થઈ ત્યારે રણબિર કપૂર અને કરીના કપૂર ભાઈ બહેનના રોલમાં ફિલ્મમાં કામ કરશે એવી જાહેરાત
થઈ અને આ ઉપરાંત ઋત્વિક રોશન અને કેટરીના કૈફના નામની પણ જાહેરાત થઈ પણ ફિલ્મ લેઇટ
થતી ગઈ અને એ સાથે સૌથી પહેલા રણબિર કપૂરે ફિલ્મ છોડી અને એ પછી તરત જ કરીનાએ પણ ફિલ્મ
કરવાની ના પાડી દીધી. ફિલ્મ પર ફરી કામ ૨૦૧૪માં શરૂ કરવામાં આવ્યું ત્યાં સુધીમાં ઋત્વિક
અને કેટરીના પણ ફિલ્મ છોડી ચૂક્યા હતા. હવે ફાઇનલ કાસ્ટિંગમાં રણવિર સિંઘ, પ્રિયંકા
ચોપ્રા, ફરહાન અખ્તર અને અનુષ્કા શર્માના નામની જાહેરાત થઈ ચૂકી હતી. આ જાહેરાત સાથે
જ અનીલ કપૂર ઘરના મુખ્ય પાત્રની ભૂમિકામાં જોવા મળશે એ પણ જાહેરાત થઈ. અનીલ કપૂર સામે
તેમની પત્નીના રોલ માટે પણ ત્રણ નામ સામે આવ્યા હતા. માધુરી દિક્ષિત, તબ્બુ અને રવિના
ટંડન પણ છેલ્લી પસંદગી શેફાલી શાહ પર ઉતારવામાં આવી. આમ ૨૦૧૧માં શરૂ થયેલા ફિલ્મના
વિચારને ઓન શૂટ જતા છેક મે-૨૦૧૪ સુધી રાહ જોવી પડી! પહેલું શેડ્યૂલ કૃઝ પર નક્કી થયું.
ફ્રાન્સ, સ્પેન, ટુનેશિયા અને ઇટલી મુખ્ય લોકેશન્સ હતા. બીજું અને છેલ્લું શેડ્યૂલ
મુંબઈમાં ઓગસ્ટ ૨૦૧૪માં શરૂ કરીને ફિલ્મ પૂરી કરવામાં આવી. ફિલ્મના એક એક લોકોશનનો
પૂરો ઉપયોગ કરવાનું ચૂક્યા નથી. ઝોયાને વર્લ્ડના સારા લોકેશન્સ ગમે જ છે જે તેની અગાઉની
ફિલ્મમાં પણ તમે ઓબઝર્વ કર્યું જ હશે...
અનીલ કપૂરને સફેદ વાળમાં જોવાની મઝા છે.
આ પહેલા પણ ’લમ્હે’માં તમે જોયા જ હશે પણ ઓરીજીનલ સફેદ વાળ સાથે તેમના એક્ટીંગમાં વર્ષોનો
અનુભવ દેખાય આવે છે. ૧૯૭૯માં એક નાના રોલ સાથે ફિલ્મમાં પગ મૂકતા અનીલ કપૂરની આજની
તારીખ સુધીની ફીટનેસ જોઈને સારા સારાને ઈર્ષા આવે. બહુ ઓછા લોકોને ખબર હશે કે અનિલ
કપૂરનું ફિલ્મ ડેબ્યૂટ તેલુગુ ફિલ્મ ’વામસા વૃકસ”થી થયું હતું. આ ફિલ્મમાં અનીલ કપૂર
ફેમીલીના વડા કમલ મહેરાના પાત્રમાં છે. અનીલ કપૂર સામે તેમની પત્ની નીલીમા મહેરાના
પાત્રમાં શેફાલી શાહ છે. શેફાલી આમ તો સિરિયલ્સ કરતી હતી પણ ફિલ્મમાં તેનો પહેલો બ્રેક
’રંગીલા’માં હતો. શેફાલીની ખૂબ જ સરસ એક્ટીંગ જોવી હોય તો ’મોન્સૂન વેડીંગ’ જોઈ લેવું.
કબીર મહેરા તરીકે રણવિર સિંઘ છે. રણવિર માટે એટલું જ કહી શકાય કે ૨૦૧૦માં ઇન્ડસ્ટ્રીમાં
પગ મૂક્યો અને ૨૦૧૫માં ટોપના કલાકારમાં તેની ગણતરી થાય છે જે તેના એક્ટીંગ માટે ઘણું
કહી જાય છે. રણવિરની બહેનની ભૂમિકામાં આયેશા મહેરા તરીકે પ્રિયંકા ચોપરા છે. મીસ ઇન્ડિયા
વર્લ્ડ રહી ચૂકેલી પ્રિયંકા ડિરેક્ટરની એક્ટર છે. પ્રિયંકાના અદભૂત એક્ટીંગનો પરિચય
બધાને થયો જ હશે. ફરાહ અલી તરીકે અનુષ્કા શર્મા છે. અનુષ્કા માટે આ પહેલા પણ ઘણું લખી
ચૂક્યો છું માટે એટલું જ કહીશ કે મારી ફેવરીટ એક્ટ્રેસ. સન્ની ગીલ તરીકે ફરહાન અખ્તર
છે. ફરહાન અખ્તરને કુદરતની સૌથી મોટી ભેટ હોય તો તેનો અવાજ. મંત્રમુગ્ધ કરી દેતા અવાજ
સાથે એક્ટીંગ માટે તો બસ ’ભાગ મિલ્ખા ભાગ’ એક જ ફિલ્મ જોઈ લેવું. ઓફબીટ ફિલ્મ જ વધારે
કરતો રાહુલ બોઝ માનવ નામના પાત્રમાં છે. રાહુલ સારો એક્ટર હોવા ઉપરાંત સારો ડિરેક્ટર
પણ છે. રાહુલની ડિરેક્ટેડ ફિલ્મ ’ધ વિસ્પર્સ’ જો ક્યાંયથી મળે તો જોઈ લેવું. માનવની
મમ્મીના પાત્રમાં ઝરીના વહાબ છે. રીધીમા સુદ નૂરીના પાત્રમાં અને તેના પિતાના પાત્રમાં
અર્ચના પુરનસિંઘના પતિ પરમિત શેઠી છે. ફિલ્મ જોયા પછી એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે શું
આ ફિલ્મમાં બધા કલાકારોએ નક્કી કર્યું હશે કે ચલો સ્પર્ધા કરીએ કોણ સારુ એક્ટીંગ કરે
છે! એક પણ પાત્ર માટે એમ કહી શકાય તેમ નથી કે આ પાત્ર ખાસ ન જામ્યું. ફિલ્મમાં ઘણા
પૂરક કલાકારો પણ છે પણ એક પણ નબળા આર્ટિસ્ટ નથી. દરેક પાત્ર પાસે પૂરતા ન્યાય સાથે
કામ લેવામાં આવ્યું છે...
રીતેષ સીદવાની અને ફરહાન અખ્તર ફિલ્મ પ્રોડ્યૂસર
છે. ડાયલૉગ ફરહાન અખ્તરે લખ્યા છે અને વધારાના ડાયલૉગ જાવેદ અખ્તરે લખ્યા છે. મ્યુઝિક
શંકર ઇશાન લોયે આપ્યું છે. જંગલી પીકચર્સ અને એક્સેલ એન્ટરટેઇન્મેન્ટને પ્રોડક્શન કંપનીની
ક્રેડિટ આપવામાં આવી છે. ઇરોઝ ઇન્ટરનેશનલ ફિલ્મના ડીસ્ટ્રીબ્યૂટર છે. ઝોયાની સ્ટાઇલ
મુજબ ફિલ્મનો રન ટાઇમ ખૂબ લાંબો ૧૭૦ મીનીટનો છે. ફિલ્મના પ્રમોશન પર પણ ખાસ ધ્યાન આપવામાં
આવ્યું છે. ફિલ્મ ફેમિલી ફિલ્મ છે એટલે અનીલ કપૂર ફેમિલી, જાવેદ અખ્તર ફેમિલી અને રીતેષ સીદવાની ફેમિલીએ ત્રણ વાર ટ્રેઇલર લોંચ કર્યું.
આ ઉપરાંત ચેનલ્સ અને સોશિયલ મીડિયાનો પણ પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમિર ખાને ટ્વિટ
કરીને છેલ્લે જ ખુલાસો કર્યો કે ફિલ્મના સૂત્રધાર એટલે કે કૂતરા પ્લુટોનો અવાજ આમિરે
આપ્યો છે. કાર્લોસ કેટલાનની અદભૂત સિનેમેટોગ્રાફી પણ આ ફિલ્મને ચાર ચાંદ લગાવે છે.
ટૂંકા પ્રસંગો લઈને ક્લાસ ફિલ્મ કેમ બની શકે અને એ પણ લગભગ ત્રણ કલાક સુધી દર્શકોને
કેમ સીટ પરથી હલવા ન દે તેનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ આ ફિલ્મ છે. ફિલ્મ ૪ સ્ટાર ડીઝર્વ
કરે છે...
પેકઅપ:
"બે ફિલ્મ ’ગૂંડે’
અને ’બાજીરાવ મસ્તાની’માં પ્રિયંકા ચોપરા રણવિર સિંઘની પ્રેમિકા અને પત્ની તરીકે છે
ત્યારે આ ફિલ્મમાં બહેન બનાવવી બહુ જ અઘરી પડી હશે"
No comments:
Post a Comment