Friday, 29 May 2015

વેલકમ ટુ કરાચી: કૉમેડીના નામે મજાક





           આમ જોઈએ તો ફિલ્મ બનાવવી એ જ અઘરો વિષય છે પણ ફિલ્મના વિવિધ ઝોનરમાં સૌથી અઘરું ઝોનર હોય તો કૉમેડી કેમ કે કૉમેડી માટે સારી સ્ક્રીપ્ટ, સારા ડાયલૉગ્ઝ, સારા આર્ટિસ્ટ્સ અને શ્રેષ્ઠ ટાઇમીંગ બધું જ સાથે હોય તો અને તો જ એક સારી ફિલ્મ બની શકે. કદાચ એવું બને કે આમાંથી એકાદ કે બે પાસા નબળા હોય તો પણ ચાલે એવી ફિલ્મ બની શકે પણ જો આખી ફિલ્મ પાસે એક જ સારો આર્ટિસ્ટ હોય તો ફિલ્મને કેમ ખેંચી શકાય? યાર ભગનાની સાહેબ સાવ આવી કૉમેડીના નામે દર્શકોની મજાક થોડી ઉડાડાતી હશે....


            આશિશ આર. મોહન માત્ર ૧૭ વર્ષની ઉમરે જ હિમાચલ છોડીને મુંબઈ આવેલા આશિશને નસીબ જોગે પહેલો જ પરિચય અનીલ દેવગણ સાથે થયો અને અજય દેવગણ અભિનીત ’બ્લેકમેઇલ’માં આસિસ્ટન્ટશીપ કરવા મળી. નસીબ જ્યારે સાથ આપે ત્યારે દરેક વાત પોઝીટીવ થતી જતી હોય છે, આમ જ એ સેટ પર જ તેની મુલાકાત રોહિત શેટ્ટી સાથે થઈ. રોહિતને મળતા સાથે જ તેણે રોહિત સાથે આસિસ્ટન્ટશીપ શરૂ કરી. અશિશે રોહિતને ’ગોલમાલ’, ’ગોલમાલ રિટર્ન’, ’ઓલ ધ બેસ્ટ’, ’ગોલમાલ ૩’માં આસિસ્ટ કર્યા. આશિશને લાગ્યું કે તે હવે કૉમેડી ફિલ્મ જરૂર ડિરેક્ટ કરી શકશે એટલે તેમની પહેલી જ ફિલ્મ અક્ષય કુમાર સાથે ’ખીલાડી 786' પોતાના ડિરેક્શનમાં કરી. ફિલ્મ ખાસ કમાણી કરી શકી નહીં પણ આશિશ ડિરેક્ટર બની ગયા.  હવે એમનું ડિરેક્શન કેવું છે એ જોવા માટે તો તમે ફિલ્મ જોતા જ નહીં કેમ કે ટાઇમીંગ નામે આ ફિલ્મમાં કંઈ જ નથી. મને તો લાગે છે કે આગલી ફિલ્મના તેમના ડિરેક્શનને પ્રોડ્યૂસર્સ તરફથી ખાસ ઓબઝર્વ કરવામાં આવ્યું હશે અને કદાચ આ કારણોથી જ આશિશને ૨૦૧૨ પછી ૨૦૧૫ સુધી રાહ જોવી પડી હશે...


            કોણ જાણે કેમ પણ ફિલ્મ ખૂબ જ હેરાનગતીના અંતે પૂરી થઈ શકી છે. ઑક્ટોબર ૨૦૧૪માં ફિલ્મનો મહુરત શોટ લેવામાં આવ્યો હતો અને એ સમયે લીડ અર્શદ વારસી સાથે ઇરફાન ખાન કરવાના હતા. મહુરત વખતે જ અર્શદે કહ્યું હતું કે ’’એક હીટ ફિલ્મ માટે બે સારા કલાકારથી વધારે શું જોઈએ?". ફિલ્મને યુ.કે. અને સ્કૉટલેન્ડમાં શૂટ કરવાનું નક્કી કરવામાં આવ્યું. પહેલે જ અઠવાડિયે ખબર પડી કે ઇરફાન ફિલ્મ છોડીને જતા રહ્યા છે. ઇરફાનનું ફિલ્મ માંથી હટવાનું કારણ ઇરફાને સજ્જતા દાખવીને આપ્યું નહીં. ઇરફાનની જગ્યા પર પ્રોડ્યૂસર વાસુ ભગનાનીના પુત્ર જેક્કીને લેવામાં આવ્યો. શૂટ શરૂ તો થયું પણ ફરી અટકી ગયું. વાસુ ભગનાની દ્વારા સમાચાર આપવામાં આવ્યા કે તેમના કરોડો રૂપિયાના ફિલ્મ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ચોરી થઈ ગયા અને શૂટ અટકી ગયું છે પણ ખણખોદિયા ફિલ્મ પત્રકારોએ શોધી કાઢ્યું કે ખરેખર હોટેલનું પેમેન્ટ ન કર્યું હોવાથી બધા જ ઇન્સ્ટ્રુમૅન્ટ હોટેલ મેનેજ્મેન્ટ કબ્જે કરી ચૂક્યું હતું. આ ઉપરાંત કોઈ પણ કલાકારને હોટેલ છોડવાની મંજૂરી પણ નહોતી. ગમે તેમ કરીને વાસુ ભગનાનીએ પેમેન્ટ તો કર્યું પણ કાસ્ટ અને કૃ ૧૦ દિવસ સુધી હોટેલમાં જ નજર કેદ રહ્યા! આટલું પૂરતું નહોતું ત્યાં એક નવી મુસીબત આવી કે સ્કૉટલેન્ડ મીલ્ટ્રી સાચા તાલીબાની માનીને બધા આર્ટિસ્ટને પકડી ગઈ. ફરી ૪ દિવસ શૂટીંગ અટક્યું. હજુ હેરાનગતી રહી જતી હતી ત્યાં મીડિયા સામે અર્શદ વારસીએ સ્ટેટમેન્ટ આપ્યું કે "જો ઇરફાન ફિલ્મમાં હોત તો ફિલ્મનો અનુભવ જ કંઈક અલગ હોત. જેક્કી યંગ આર્ટિસ્ટ છે અને વળી અનુભવની ખામી એટલે ફિલ્મ અલગ રીતે બહાર આવશે". જો કે ટ્રેલર લોચીંગ વખતે આ વાત પરથી અર્શદ ફરી ગયો પણ ફિલ્મને અસર તો પડે જ. આટલી મુસીબત પછી પણ ફિલ્મ માટે એટલું તો કહેવું જ પડે કે ઇરફાનના ફિલ્મ છોડ્યા પછી જરૂર આ ફિલ્મની સ્ક્રીપ્ટમાં પણ ફેરફારો થયા હશે. આખી ફિલ્મમાં ક્યાંય પણ ટાઇમીંગ જેવી વાત જ ઊભી નથી થઈ શકી અને એક પણ પંચને બહાર લાવવાનું શક્ય જ નથી બન્યું. ફિલ્મ જોવાનો પણ થાક લાગે એવી હથોડા છાપ કૉમેડી એક દિવસ અગાઉ રીલીઝ કરીને કદાચ જાતે જ શુક્રવારનું ઑડિયન્સ તોડવા માંગતી હશે!!!


            કેરિયર માણસને ક્યાંથી ક્યાં લઈ જાય એ ઘણીવાર નક્કી જ નથી  થતું. ૧૭ વર્ષની ઉમરે ડોર ટુ ડોર વેચાણ કરતો સેલ્સમેન અર્શદ ડાન્સનો શોખીન હતો. તેના આ શોખે જ તેને ૧૯૮૬માં અકબર સામીના ડાન્સ ગૃપ સાથે જોડ્યો. ડાન્સમાં જ સતત રચ્યો પચ્યો રહેતો અર્શદ ઇન્ડિયા લેવલની ડાન્સ કોમ્પીટીશનમાં ચોથા નંબરે આવ્યો. ૧૯૯૨માં ’રૂપ કી રાની, ચોરો કા રાજા’ ફિલ્મના ટાઇટલ ટ્રેકને કોરિયોગ્રાફ કરવાનો તેને મોકો મળ્યો. એક્ટીંગ માટે ક્યારેય વિચાર ન કરતા અર્શદે એ.બી.સી.એલ.ની જાહેરાત જોઈ પોતાનો બાયૉડેટા મોકલ્યો. આમ ૧૯૯૬માં તેને પહેલી ફિલ્મ ’તેરે મેરે સપને’ કરી. આ પછી તેને ફિલ્મ્સ મળતી રહી પણ ’મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ના સર્કિટને તો લોકો પ્રેમ કરવા લાગ્યા અને એ પછી ’ઇશ્કિંયા’નો બબ્બન પણ લોકોના હ્રદયમાં વસી ગયો. કૉમેડીની વાત આવે તો અર્શદનો જોટો શોધવો મુશ્કેલ છે પણ અહીં સાચે જ એક વાત સમજમાં આવી કે અર્શદ એક કો-સ્ટાર તરીકે ખૂબ સારુ કામ કરી શકે છે પણ જો સાથેનો સ્ટાર મજબૂત હોય તો જ. સર્કિટ એટલે જ લોકોને ગમ્યો કેમ કે સામે સંજય દત્ત એટલી જ મહેનત સાથે પંચ આપી અને ઉપાડી શકતો.  અર્શદ સાથે સેકન્ડ લીડમાં જેક્કી છે. જેક્કીની જો કોઈ ખૂબી હોય તો એ કે તેના પિતા પ્રોડ્યૂસર છે.  જેક્કી આ પહેલા પાંચ ફિલ્મ કરી ચૂક્યો છે પણ એમાં એક જ ખૂબી છે કે વાસુ ભગનાનીનો પુત્ર. ગુજરાતી માણસ તરીકે બતાવવામાં આવેલા જેક્કીને જોઈને જેમ સુજ્ઞ પ્રેક્ષકોને દિશા વાંકાણી તરફ દયા આવે એ રીતે જે તેના પર આવે છે. જેક્કીને ડાયલૉગ પણ દિશાની સ્ટાઇલથી જ બોલાવવામાં આવ્યા છે અને જે હસાવવાને બદલે ખૂંચે છે. હીરોઇન તરીકે સ્કૉટલેન્ડની ડાન્સર લોરેન છે. લોરેન ભલે સ્કૉટલેન્ડથી છે પણ હિન્દી ઇન્ડસ્ટ્રી સાથે તેનો નાતો સારો એવો રહ્યો છે. આ પહેલા તે ’એબીસીડી’ અને ’ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’માં નાના નાના રોલ પણ કરી ચૂકી છે બાકી ઘણા ડાન્સ ડિરેક્ટર્સ સાથે કામ કરી ચૂકી છે. ફિલ્મમાં તેને આપવામાં આવેલો એક માત્ર ડાન્સ સારી રીતે કર્યો છે પણ સામે મ્યુઝિક એટલું જ ખરાબ છે કે ગીત યાદગાર નહીં જ બની શકે. દિલીપ તાહિલ જેવા વર્ષોના અનુભવી કલાકાર પણ એટલાં જ ખરાબ લાગે છે જેટલું ફિલ્મ....


            ફિલ્મને થોડી ઘણી પણ રોચક બનાવવા કૌશલ બક્ષી, આશિશ મોહન સાથે અર્શદ વારસીએ પણ મહેનત કરી છે. મારા સારા મિત્ર વ્રજેશ હીરજીએ ફિલ્મ લખી છે પણ તેની ઓરીજીનલ વાર્તા અને ફિલ્મ વચ્ચે ખૂબ મોટો તફાવત છે માટે વ્રજેશને કંઈ કહેવું યોગ્ય નથી. સંગીત જીત ગાંગુલી, કે.કે. અને અમજદ નદીમનું છે. સિનેમેટોગ્રાફી માર્ક ન્યુટ્કીન્સની છે અને જે જોઈને તમને થશે કે જો ફોરેનના સિનેમેટોગ્રાફરને લીધો હોય અને છતા દ્ગશ્યો આઉટ ફોકસ જતા હોય તો શા માટે આવી મહેનત કરવી? પ્રોડક્શન કંપની તરીકે પૂજા એન્ટરટેઇન્મેન્ટને ક્રેડિટ આપવામાં આવી છે અને એ.એ. ફિલ્મ્સ ફિલ્મને ડીસ્ટ્રીબ્યૂટ કરી રહી છે. ફિલ્મને માત્ર અર્શદ વારસી માટે જ ૧.૫ સ્ટાર આપી શકાય....




પેકઅપ:
"આ ફિલ્મમાં શ્રેષ્ઠત્તમ અભિનય આપ્યો છે"-જેક્કી ભગનાની.... આવું સ્ટેટમેન્ટ ન કરાય જેક્કી ભાઈ કોઈ કાસ્ટ જ નહીં કરે.....

No comments:

Post a Comment