Friday, 3 July 2015

ગુડ્ડુ રંગીલા: અંત પહેલાનું મનોરંજન



ગુડ્ડુ રંગીલા: અંત પહેલાનું મનોરંજન



            સુભાષ કપૂર નેશનલ એવૉર્ડ વિજેતા છે એટલે આશા તો વધારે રાખી જ શકાય તો પણ ’ગુડ્ડુ રંગીલા’ માટે એક તો કહેવું જ પડે કે ફિલ્મ અંત સુધી સરસ રીતે હસાવવામાં અને સાથે સાથે સ્ટોરીને આગળ વધારવામાં સફળ રહી. વાત પણ બહુ જ સામાન્ય છે પણ ટ્રીટમેન્ટની રીતે મજબૂત બનાવી શક્યા છે. જુના પુરાણા જોક પણ અમીત પણ ખૂબ સારી રીતે અર્ષદ વારસીને સાથ આપી શક્યો છે પણ ફિલ્મને જો ફિલ્મી બનાવવાનો અભરખો ડિરેક્ટર માંથી જતો રહે તો સાચે જ ફિલ્મ વધુ સારી બની શકે. આખી ફિલ્મ અંત સુધી આવે અને પછી શ્રીસ્વારાનું સ્ત્રી પરનું બધે જ સાંભળેલુ લેક્ચર ખૂંચે છે અને એ ઉપરાંત વિલન રોનીત રોયને ન મારે તો કેમ ચાલે? વિલનને મારવામાં પણ જો હથિયાર હોવા છતા હાથો હાથની ફાઇટ ન થાય તો પણ કેમ ચાલે? આવી લાલચને ન રોકવાને લીધી ફિલ્મ અંત પહેલા પૂરી માણી શકાય એમ છે...



            સુભાષ કપૂરે નક્કી જ કરી લીધું છે કે કૉમેડી ફિલ્મ્સ જ કરવી. સુભાષના નસીબ સારા છે કે તેમણે એમ.એ. પુરુ કર્યા પછી તરત જ પોલીટીકલ જર્નાલિસ્ટ તરીકે નોકરી મળી. હવે જ્યારે પોલીટીકલ જર્નાલિસ્ટ હોય ત્યારે હસવું તો આવે જ એટલે કૉમેડી ઝોનર જ બેસ્ટ માન્યું હશે. ૨૦૦૬માં મુંબઈ આવીને તેને પહેલું ફિલ્મ ’સે સલામ ઇન્ડિયા’ ૨૦૦૭માં રીલીઝ કરી. ફિલ્મ ક્યાંય ન ચાલી. આ પછી ત્રણ વર્ષે એટલે કે ૨૦૧૦માં ’ફંસ ગયા રે ઓબામા’ રીલીઝ થઈ અને એ સાથે જ સુભાષને લોકો ઓળખવા લાગ્યા. ઘણા કોમેડિયન સાથે બનેલી ફિલ્મ જોવી ગમે તેવી તો રહી જ. ૨૦૧૩માં ’જોલી એલ.એલ.બી.’ ખૂબ સારી રીતે બનેલી ફિલ્મ હતી. ઘણા ખાંચા હોવા છતા જોવા લાયક તો હતી જ. આ ફિલ્મ પછી તેમણે ’મુન્નાભાઈ ચલે દિલ્હી’ એનાઉન્સ કરી પણ શૂટ શરૂ થઈ શક્યું નથી. આશા રાખીએ કે તેમની આ ફિલ્મ હીટ જાય તો જલ્દી બીજુ ફિલ્મ મળે. એક ડિરેક્ટર માટે એક પછી બીજી ફિલ્મ માટે ત્રણ ત્રણ વર્ષ બેસવું પડે એ દુ:ખની વાત જ કહેવાય...


            ફિલ્મની વાર્તાનો મૂળ આધાર મનોજ-બબલી ઓનર કીલીંગ પર છે. હમણાં હમણાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખાપ પંચાયતની પાછળ પડી છે. થોડા સમય પહેલા જ ખાપ પંચાયત પર આધારિત ’મીસ તનકપુર હાજીર હો’ આવી અને તરત જ આ પણ ખાપ પંચાયતના જ ફેંસલાની વાત છે. મનોજ અને બબલી એક બીજાના પ્રેમમાં પડ્યા હતા અને હરિયાણા ખાપ પંચાયતે ફરમાન આપ્યું કે બંનેને મારી નાખવા. મનોજ-બબલીના લગ્ન ખાપ પંચાયતને મંજૂર ન હતા. આ મૂળ વાત પણ ફિલ્મની કથા ફેરવવામાં આવી છે અને રમૂજ ઉમેરવામાં આવી છે. કથા મુજબ...


            થોડા સમય પહેલા જ અર્ષદનું ફિલ્મ આવ્યું હતું ’વેલકમ ટુ કરાચી’ અને ખૂબ જ ખરાબ કામ આપ્યું હતું. અર્ષદ વિષે તેના રિવ્યૂમાં ઘણું લખી ચૂક્યો છું એટલે ટૂંકમાં લખુ તો ૨૦૦૪થી કેરિયરની શરૂઆત કરનાર અર્ષદને ૧૧ વર્ષના ગાળામાં ૧૪ એવૉર્ડ મળી ચૂક્યા છે. એવરેજ કાઢો તો દર વર્ષે એક કરતા વધારે એવૉર્ડ. મોટા ભાગના એવૉર્ડ તેને કોમીક રોલ માટે જ મળ્યા છે. અર્ષદનો કૉમેડીમાં જોટો શોધવો જ મુશ્કેલ છે. આ ફિલ્મમાં અર્ષદ રંગીલાના પાત્રમાં છે. અર્ષદ સાથે ગુડ્ડુ તરીકે અમીત સાધ છે. અમીત સાધને લોકો ટેલિવિઝનને લીધે વધારે ઓળખે છે. અમીત આ પહેલા પણ ફિલ્મ્સ કરી ચૂક્યો છે. અમીતની પહેલી ફિલ્મ ૨૦૧૦માં ’ફૂંક 2’ હતી. આ પછી તેણે ’મેક્સીમમ’ પણ કરી અને ’કાય પો છે’ કર્યા પછી લોકોના ધ્યાનમાં આવવા લાગ્યો. સાંભળ્યું છે કે ૨૦૧૫માં આ ફિલ્મ ઉપરાંત તેની બીજી ત્રણ ફિલ્મ્સ રીલીઝ થવાની છે. ભારત નાટ્યમ વિશારદ અદિતી રાવ હૈદરીની પહેલી ફિલ્મ મલયાલમ ભાષામાં ’પ્રજાપથી’ હતી. જો કે શૂટ પહેલા તામીલ ફિલ્મ ’શ્રીનગરમ’નું થયું પણ પહેલા રીલીઝ ’પ્રજાપથી’ને મળ્યું. ૨૦૦૭થી તેણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ પેસારો કર્યો. હિન્દીમાં તેની પહેલી ફિલ્મ ’દિલ્હી 6’ હતી. આ પછી અદિતિએ ’યહ સાલી જિંદગી’, ’રોકસ્ટાર’, ’લંડન પેરીસ ન્યૂયોર્ક’, ’મર્ડર 3’, ’બોસ’ અને ’ખુબસુરત’ જેવી સારા બૅનરની ફિલ્મ્સ કરી. અદિતિ સારી એક્ટર બનવા માટે પ્રયત્ન કરતી જોવા મળી જ છે. રોનીત રોય માટે તો શું લખવું? એક અદનો અદાકાર એટલે રોનીત રોય. ૧૯૮૪માં  ’દુશ્મનો કા દુશ્મન’ ફિલ્મ કરી પણ એ ફિલ્મ ક્યારેય રીલીઝ જ ન થઈ. ખૂબ લાંબા ગાળા એટલે કે છેક ૧૯૯૨માં  ’જાન તેરે નામ’ લીડ રોલમાં મળી. આ પછી તેમને ફિલ્મ તો મળતી રહી પણ ૧૯૯૭માં ટેલિવિઝનમાં કામ કરવાનું શરૂ કર્યા પછી તો ટેલિવિઝનના સુપર સ્ટાર બની ગયા. ખૂબ લાંબા અનુભવ પછી તેમણે સીલેક્ટેડ ફિલ્મ્સ કરવાનું નક્કી કર્યું અને એટલે જ કદાચ આજે ખૂબ સારા સારા ડિરેક્ટર્સના માનિતા કલાકાર છે. આ ઉપરાંત સંદીપ ગોયત અને શ્રીસ્વારા પણ છે. રાજીવ ગુપ્તા હવાલદાર ગુલાબસિંહના પાત્રમાં સાચે જ મઝા કરાવી જાય છે અને બ્રેજેન્દ્ર કાલા તો ખરેખર સારા કલાકાર છે જ. એક્ટીંગ માટે સૌથી વધુ માર્ક રોનીત રોયને જ આપવા પડે. ટેલિવિઝનના અમિતાભ બચ્ચન તરીકે ઓળખાતા રોનીત હવે સિનેમામાં પણ માનીતા કલાકાર બનતા જાય છે...


            મને ઘણી વાર થાય છે કે સંગઠનો કેટલો બધો ફિલ્મને કેટલો બધો સાથ આપે છે. એક ગીત ’માતા કા ઇમેલ’ માટે એટલો બધો વિરોધ દેખાડ્યો કે ગીત એમ જ હીટ થઈ ગયું. હાં સેન્સર બોર્ડ ઘણી બધી ગાળો ફિલ્મ માંથી કાપી નાખી. હવે જો સેન્સર બોર્ડને આ ગીત પણ કાપવા જેવું લાગ્યું હોત તો કાપી જ નાખત તો પછી આ ગીતનો વિરોધ કરીને મફતની પબ્લીસીટી આપવાની શું જરૂર હતી? અરે કોઈને ફિલ્મના ટાઇટલ ’ગુડ્ડુ રંગીલા’ સામે વિરોધ નથી જ્યારે ભોજપુરીનો આ નામનો ગાયક માત્ર અને માત્ર અશ્લીલ ગીતો જ ગાય છે. તમને સમય મળે તો ક્યારેક યુટ્યુબ પર એકાદ ગીત જોઈ લેજો એટલે ખબર પડી જશે. કોણ જાણે ક્યારે આપણી જનતા ફિલ્મને એક આર્ટ તરીકે સ્વીકારતી થશે!!!


            આજકાલ ગુજરાતી લોકો હિન્દી ફિલ્મમાં ખૂબ રોકાણ કરવા લાગ્યા છે. ગુજરાતની મુખ્ય મેન્ટાલીટી જ બિઝનેસ છે. કોઈ પણ ફિલ્મ જો રીલીઝ થાય તો એટલો ધંધો તો કરી જ લે કે પ્રોડ્યૂસર કમાણી કરે. આ કારણોથી જ આ ફિલ્મના પ્રોડ્યૂસર સંગીતા આહીર પણ ગુજરાતી જ છે. સુભાષ કપૂરે પોતે જ ફિલ્મ લખી છે. મ્યુઝિક અમિત ત્રીવેદીનું છે. અમીત એક ગીત તો એવું આપે જ જે લોકોની જીભ પર ચડી જાય. આ ફિલ્મનું ’કલ રાત માતા કા મુજે ઇમેલ આયા હૈ’ ધૂમ મચાવી રહ્યું છે. હિતેષ સોનીક પણ હવે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક માટે જાણીતું નામ છે. જેમી ફોલ્ડ્સની સિનેમેટોગ્રાફી છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો ખૂબ પાછળથી જોડાયું અને રીલીઝની જવાબદારી સ્વીકારી. ઓવરઓલ મનોરંજન માટે ફિલ્મ ૩ સ્ટાર આપવાને લાયક છે...




પેકઅપ:
"હમ ગયે થે ઉનકો મનને કે લીયે, વો ખફા લગે તો હમને ખફા હી રહેને દીયા..."- આ પંકતિ અનુસાર ગીતકાર પ્રેમિકાને કહેવા માગે છે કે તેલ લેવા જા

No comments:

Post a Comment