ગૂડ
બાય રીવ્યૂ....
છેલ્લા ત્રણ વર્ષથી સતત એક એક ફિલ્મ જોઈ
અને મને જેવી ફિલ્મ લાગી એવી રીતે જ રજૂ કરી. ફિલ્મના મૂલ્યાંકનમાં ઘણી વાર વિરોધ પણ
સહન કર્યો અને દલિલો પણ થઈ છતાં હું કહેતો રહ્યો કે ફિલ્મની પસંદ એ દરેક વ્યક્તિની
અંગત બાબત છે. જે વાર્તા મને ગમે એ તમને ન પણ ગમી શકે, જે રજૂઆત મને ન ગમે એ તમને ગમી
પણ શકે પણ હાં વર્ષોના ફિલ્મના અનુભવને લીધે ટેક્નીકલ વાત હોય, સ્ક્રીનપ્લેની વાત હોય,
એક્ટીંગની વાત હોય તો હું બીજા કરતા વધારે સારી રીતે સમજી શકું એટલે મારી રીતે ફિલ્મના
દરેક પાસાં વિષે લખતો રહ્યો. ઘણી વાર મિત્રોની ફિલ્મ્સ માટે પણ લખવાનું આવ્યું અને
ઘણી વાર ફિલ્મ પી.આર.ઓ. ટીમ તરફથી આર્થિક લાલચ પણ આપવામાં આવી પણ મારી જાત સાથે ઇમાનદાર
રહીને હંમેશા લખ્યું છે. આવા તો અસંખ્ય સંભારણા રહ્યા છે રીવ્યૂ લખવાના પણ આજે સમય
છે આ રીવ્યૂને ગૂડ બાય કહેવાનો...
ફિલ્મ મારો જીવ છે. એક એક ફિલ્મને બારીકાઈથી
જોઈ છે અને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ઘણીવાર તો ફરીથી ફિલ્મ જોઈ છે કે કોઈ મુદ્દો
ચૂકી ન જવાય. આમ તો ફિલ્મ રીવ્યૂ નહોતો લખતો ત્યારે પણ જોતો જ હતો પણ ’અબતક’ તરફથી
લખવાની ઓફર મળી કે તરત જ સ્વીકારી લીધી અને એ સાથે જ બ્લોગ શરૂ કર્યો. બ્લોગ લખવાનું
શરૂ કરતા ફેસબૂક પર શેર કરવાનું શરૂ કર્યું. ક્યારેક ૫૦૦ જેટલા રીડરનો ફીગર જોઈને છાતી
ફૂલાય જાય કે વાહ ઘણા વાંચકો છે અને ક્યારેક ૧૦ રીડર પણ જોયા છે અને મોરલ તૂટ્યું છે.
સમય વિતતા એક વાત ખૂબ જ સરસ બની કે ૧૦૦ જેટલા એવા ફોલોવર્સ મળ્યા જે માત્ર રીવ્યૂ વાંચીને
ફિલ્મ જોવી કે નહીં તે નક્કી કરતા થયા. ’અબતક’માં નંબર વાંચીને ફોન કરતા લોકો પણ મળ્યા
જે દરેક રીવ્યૂ વાંચ્યા પછી ફોન કરે અને વધુ વિગતો પણ જાણે. રીવ્યૂમાં માત્ર ફિલ્મને
જ નહીં પણ ફિલ્મના કલાકારો, ટેકનીશિયન્સ, રાઇટર્સ, ડિરેક્ટર્સ વિષે પણ લોકોને જણાવવાનો
પૂરો પ્રયત્ન કર્યો. માત્ર ફિલ્મ જ જોઈને જ નહીં પણ ફિલ્મમાં કોણ કોણ છે એ જાણવા માટે
ઓછામાં ઓછા ૩ દિવસ સુધી પૂરો અભ્યાસ પણ કરતો રહ્યો છું...
નથી ઇચ્છતો તો પણ ખૂબ જ દુ:ખ સાથે કોલમ
બંધ કરી રહ્યો છું. મને પોતાને એવું લાગે છે કે જાણે શરિરનું કોઈ અંગ કાપીને મૂકી રહ્યો
હોઉં. મારા પર અચાનક જ મારા ૨.૫ વર્ષના બાળકની જવાબદારી આવી ગઈ. બાળકને સવારે ૯ વાગ્યે
પ્લેહાઉસ તૈયાર કરીને મૂકવા જવાનું અને ૧૧.૪૫ તેડવા જવાનું. આ પછી તેને જમાડવાનો, રમાડવાનો
અને ઉંઘ કરાવવાની. બાળક સાંજે જાગે એટલે ફરી પપ્પા જોઈએ અને તેની સાથે રમવાનું. રાત્રે
ચક્કર મરાવવા લઈ જવાનો, જમાડવાનો અને મહા મહેનતે ’મમ્મા સુવલાડે’ કહે છતાં બીજી વાતો
પર ચડાવી અને કેટલીએ વાર્તાઓ કરીને ઊંઘાડવાનો. આ તમામ વચ્ચે બિઝનેસ પણ કરતો રહેવાનો
એટલે રીવ્યૂ ઇમાનદારીથી ન થઈ શકે. તમે જે જવાબદારી ઇમાનદારીથી ન નિભાવી શકો એ ઉપાડવી
જ નહીં. જ્યાં સુધી બાળક ૬ વર્ષનું ન થાય ત્યાં સુધી મારો ક્રમ આ જ રહેશે એટલે લગભગ
૩.૫ વર્ષના બ્રેક પછી ફરી લખવાનું શરૂ કરીશ, ત્યાં સુધી વાંચકોની બે હાથ જોડીને માફી...
મને લખતો કરવા માટે શ્રી સતીષભાઈ મહેતાનો
દિલથી આભાર અને મને સતત વાંચતા રહેવા માટે મારા તમામ વાંચકોને સલામ. હું આશાવાદી છું
માટે આશા રાખું છું કે ફરી લખવાનો મોકો મળશે અને ફરી આપણો સેતુ બંધાશે...
પેકઅપ:
"કોઈના હોવા ન
હોવાથી ક્યારેય દુનિયા અટકી નથી જતી"-દિલીપ કુમાર... યુસુફ સા’બ વાત સાચી પણ હકીકત
એ છે કે એ વાતનો દુનિયાને ફેર ન પડે પણ લાગતા વળગતાને તો ચોક્કસ ફેર પડે છે અને તેની
દુનિયા તો અટકી જાય જ છે...
No comments:
Post a Comment