Friday, 6 December 2013

આર...રાજકુમાર: ખર્ચ કરીને બનાવેલી ખરાબ ફિલ્મ




         
         ’રેમ્બો રાજકુમાર નામ સાથે ડિક્લેર થયેલી ફિલ્મને પ્રથમ ગ્રાસે જ મક્ષીકા આવી. રેમ્બો ટાઇટલ વર્લ્ડવાઇડ રજિસ્ટર હોવાથી ફિલ્મનું ટાઇટલ ’આર...રાજકુમાર રાખવામાં આવ્યું. આમ પણ પ્રોડ્યુસર્સ ફિલ્મ બનાવવા માટે ૪૦ કરોડનો ખર્ચ કરી ચૂક્યા હોય ત્યારે રેમ્બો નામના રાઇટના રૂપિયા ખર્ચવા ક્યાંથી પોસાય? રેમ્બો માંથી ફિલ્મમાં રોમિયો નામ રાખવામાં આવ્યું પણ એમ લાગ્યું કે કદાચ રોમિયોગીરી શબ્દ આ ફિલ્મ પરથી જ નહીં આવ્યો હોય ને? બોલીવુડ પણ આજકાલ સાઉથથી પ્રેરિત થઈને ધબાધબી પસંદ કરતું થઈ ગયું છે અને સાઉથ સ્ટાઇલની ઘણી બધી ફિલ્મ્સ બોક્ષ ઓફીસ પર પૂરતો ધંધો આપવામાં સફળ પણ રહી છે. પ્રોડ્યુસર્સ માટે પણ આ સ્ટાઇલની ફિલ્મ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે કેમ કે ૧૦૦ કરોડ તો રમતા રમતા ભેગાં થઈ જાય અને એટલે જ ખર્ચનો વિચાર કર્યા વગર ફિલ્મ બનાવવામાં આવે છે પણ ’આર...રાજકુમાર એટલે ખર્ચ કરીને બનાવેલી ખરાબ ફિલ્મ...



        ફિલ્મ આખી જોઈને પણ તમને પ્રશ્ન ઉપસ્થિત થશે કે ફિલ્મની સ્ટોરી શું હતી? કુલ ૧૩૯ મીનીટના રન ટાઈમમાં ચાલતી ફિલ્મમાં લગભગ ૨૫ મીનીટ ગીતો પાછળ છે. બાકી રહેલી ૧૧૩ મીનીટ માંથી ૭૦ મીનીટ ફાઇટ ખાતે ફાળવવામાં આવી છે અને હવે વધી ૪૩ મીનીટ તો એ ગલીપચી કરીને ધરાર હસાવવાનો પ્રયત્ન તથા થોડી ઘણી સ્ટોરી તો ઉમેરવી જ પડે ને? જો કે સોનાક્ષી સિંહાએ થોડી ઘણી બુધ્ધી વાપરી અને પોતાની ક્રેડિટ બચાવવાનો પ્રયત્ન કર્યો. ના...ના.. એક્ટીંગથી નહીં પણ તેની ઉપરા ઉપરી બે ફિલ્મ્સ ’બુલેટ રાજા અને ’આર...રાજકુમાર એક જ તારીખે રીલીઝ થવાની હતી. સોનાક્ષી ચિંતામાં પડી ગઈ હતી કે જો આવું થશે તો ફિલ્મનો ધંધો વહેંચાય જશે. આમ પણ સૈફને શાહીદ સાથેના કરીના કપૂરના સંબંધો યાદ હોય જ એટલે સમય મળ્યે વાર કરતા અચકાય નહીં એ વાત સ્વીકારવી જ પડે! ઇરોઝ એન્ટરટાઇન્મેન્ટે આ ફિલ્મ રીલીઝ કર્યું છે અને સોનાક્ષીને ઇરોઝ સાથે સારા સંબંધો છે. સોનાક્ષીએ મહેનત કરીને નક્કી કરાવ્યું કે પહેલા ’બુલેટ રાજા રીલીઝ થવા દઈએ, પછીના વીકમાં ’આર...રાજકુમાર રીલીઝ કરીશું. સોનાક્ષીની સમજ કામ લાગી કેમ કે બંને સાથે રીલીઝ થઈ હોત અને કોઈ ’આર...રાજકુમાર પહેલા જોઈ આવ્યું હોત તો ’બુલેટ રાજા જોવાની હિમ્મત ન કરત કેમ કે આ ફિલ્મ પછી સોનાક્ષી પ્રત્યે લોકોને થોડો ઘણો અણગમો તો આવવાનો જ હતો...



        સૌથી નસીબદાર રહ્યા સ્વર્ગસ્થ શ્રી હરી. શ્રી હરીએ ફિલ્મમાં અજીત ટાકા નામના વિલન તરીકે કામ કર્યું છે. ફિલ્મ પૂરુ થયા પછી શ્રી હરીના લીવરમાં પ્રૉબ્લેમ થયો અને થોડા દિવસો પહેલા જ એમણે લીલાવતી હોસ્પિટલમાં માત્ર ૪૯ વર્ષની વયે પ્રાણ ત્યજ્યા. ઈશ્વર એમની આત્માને શાંતિ આપે બાકી જો જીવંત હોત તો એમણે પણ આ ફિલ્મ સહન જ કરવી પડત! સુનીલ લુલ્લાને એકાદ ફિલ્મ ફ્લોપ જાય તો ખાસ ફેર નથી પડતો કેમ કે એમણે પ્રોડ્યુસ કરેલી મોટા ભાગની ફિલ્મ્સમાં એ પૂરતી કમાણી કરી ચૂક્યા છે પણ ફિલ્મના બીજા પ્રોડ્યૂસર વિકી રાજાની અત્યાર સુધી નાના બજેટની સારી ફિલ્મ બનાવીને કમાતા હતા. વિકી રાજાની એ ’ટેબલ 21’ અને ’3G’ જેવી બે ફિલ્મ બનાવીને થોડી આવક ઊભી કરી હતી. બધાને મોટું બનવાનો શોખ હોય જ અને ભાઈ આ ફિલ્મમાં ફસાય ગયા. આશા રાખીએ કે પ્રોડ્યૂસર તરીકે એમની આ આખરી ફિલ્મ ન હોય!


        પ્રભુ દેવા પોતાનું નામ સફળ ડિરેક્ટરમાં લખાવી ચૂક્યા છે. પ્રભુ દેવા બોલીવુડ ફિલ્મ્સની રગ પારખી ગયા છે. જો કે એમણે આપેલી છેલ્લી બધી જ હીટ સાઉથની ફિલ્મ્સની રીમેક જ હતી તો પણ એટલું તો જાણી જ ગયા છે કે એન્ટરટાઇન્મેન્ટ બીકતા હૈં. સાઉથની ફિલ્મની રીમેક ’રાવડી રાઠોરમાં તો એમણે શોટ ટુ શોટ કોપી કરેલા પણ વાત સ્ટોરી વાળી હતી અને એક્ટર્સ ગળે ઉતરે એવા હતા માટે સુપર ડુપર હીટ રહી. પ્રભુ દેવા મારધારની ફિલ્મ્સમાં જ ચાલે એવું એમને પણ લાગ્યું હશે કેમ કે છેલ્લે ’રમૈયા વસ્તાવૈયા લવ સ્ટોરી બનાવીને અનુભવી લીધું કે જો ફિલ્મ બનાવવી હોય તો મસાલો જ ભરવો જ પડે. ભાઈ ફરી પાછાં પોતાની ઓરીજીનલ સ્થિતિ પર પાછાં ફર્યા પણ એક ભૂલ થઈ ગઈ કે એમણે એમની વાર્તા જ પસંદ કરી અને સ્ક્રીનપ્લેમાં પણ પોતે હાથ જમાવ્યો. આ ભૂલ પણ જો માફ કરી દઈએ તો પણ સતત ફાઇટ બતાવતી ફિલ્મમાં જો શાહીદ કપૂરને લેવામાં આવે તો તો હદ જ થઈ જાય! સતત ૪ વર્ષથી ફ્લોપ ફિલ્મ આપતો શાહીદ તો આ ફિલ્મ પર ઘણી આશાઓ રાખીને બેઠો હતો પણ અતિરેક કોઈ જ પસંદ નથી કરતું. એટ લીસ્ટ હવે પ્રોડ્યુસર્સ પ્રભુ દેવાને ડિરેક્શન સોંપશે તો રીમેક જ બનાવવાનું કહેશે કેમ કે તેઓ કોપી ખૂબ સારી કરી શકે છે, નહીં કે સારી ફિલ્મ બનાવી શકે...



        પ્રિતમના કંપોઝ કરેલા ગીતો હાલના સંજોગોમાં લોકપ્રિય બની રહ્યા હતા. ખાસ કરીને ’સાડી કે ફોલ સા’ અને ’ગંદી ગંદી ગંદી બાતપણ ફિલ્મ જોયા પછી ગીતો સાંભળવાની ઇચ્છા ન થાય એવું બની શકે! આઇટમ સોંગની જેવા બે ગીત પણ ઉમેરવામાં આવ્યા છે. સાઉથની જાણીતી અભિનેત્રી ચાર્મી કૌર અને કન્નડની જાણીતી અભિનેત્રી રાગિણી દ્વીવેદીને સોંગમાં લાવવામાં આવી છે. કદાચ સાઉથના ઓડીયન્સને ટાર્ગેટ કરવાનો ઇરાદો હોય. જો કે પ્રભુ દેવાએ એક વાત યાદ રાખવાની જરૂર હતી કે કોઈ પણ હિન્દી ફિલ્મને સૌથી વધુ એટલે કે ૪૦ થી ૫૧ ટકા શેર ગુજરાત જ આપે છે...



        ફિલ્મમાં મુખ્ય ત્રણ વિલન છે. આશિશ વિદ્યાર્થી, સોનુ સુદ અને શ્રી હરી. આશિશ વિદ્યાર્થી જેટલો તગડો આર્ટિસ્ટ છે એટલું જ ખરાબ કામ આ ફિલ્મમાં કર્યું છે. આશિશને હવે ફિલ્મ્સ નથી મળતી એ હકીકત છે પણ તેની ઓરીજીનલ સ્ટાઇલ આ નથી જ! સોનુ સુદ બોલીવુડમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યો છે. સોનુ સુદ એક્ટીંગથી લઈને સ્ટાઇલ સુધી બધું જ જાણે છે પણ જ્યારે વાર્તા જ દમ વગરની હોય ત્યારે બચારો સોનુ પણ શું કરી શકે? સોનાક્ષી વધુ પડતી ફિલ્મ્સ કરીને સુખી બની ગઈ છે એટલે દરેક નવી ફિલ્મમાં તેની સાઇઝ વધતી જાય છે. જો સોનાક્ષી હવે વજન નહીં ઘટાડે તો કદાચ સાઉથ તરફ જતું રહેવું પડે એવું બને. શાહીદ કપૂર પાસે ઓડિયન્સને આપવા માટે હવે નવું કંઈ જ નથી રહ્યું. શાહીદ ખૂબ સારો ડાન્સર છે પણ આ ફિલ્મમાં તેની ડાન્સ સ્ટાઇલ જુઓ તો સમજાય જશે કે બસ એ જ જૂની પુરાણી સ્ટાઇલ છે. શાહીદે પણ હવે ફિલ્મ સ્વીકારતા પહેલા સેકન્ડ થોટ લેવાનો સમય આવી ગયો છે. આવી ફાઇટ ઓરીયેન્ટેડ ફિલ્મમાં શાહીદે સામેથી જ કહી દેવું જોઈએ કે તેનું ફીઝીક્સ નથી એટલે આવી ફિલ્મ ન કરાય. શાહીદને એ પણ યાદ રાખવું જોઈએ કે એ બોલીવુડના મોસ્ટ રીસ્પેક્ટેડ વ્યક્તિ પંકજ કપૂરનો છોકરો છે...



        ફિલ્મ હદ તો ત્યારે વટાવે છે જ્યારે ફિલ્મના અંતમાં શાહીદ કપૂરને આગળ અને પાછળ બે છરી લાગી હોય છે અને એ પછી લગભગ ૧૫ મીનીટ સુધી સોનુ સુદના હાથનો બેફામ માર ખાય છે. સોનુ સુદ પાસે શાહીદ સાવ જ બચ્ચું લાગે છે. તમને જોઈને તરત જ લાગે કે સોનુની એક ઝાપટ પણ આના માટે ઘણી થઈ જાય ત્યારે સોનુને જે રીતે મારે છે એ જુઓ એટલે હદની પણ હદ લાગશે. આ હદ આ પહેલા પણ ફિલ્મમાં જોવા મળશે જ્યાં શાહીદ ૨૫-૨૫ વ્યક્તિઓને એકલાં હાથે મારે છે. હું તો સહન કરી આવ્યો પણ તમે સહન કરવા ન જતા એવી વિનંતી. માત્ર લોકોના સંતોષ માટે ૧.૫ સ્ટાર આપું છું....



પેકઅપ:

’આર...રાજકુમારમાં શાહીદનો એક ડાયલૉગ "સાયલન્ટ હો જા વર્ના મૈં વાયોલન્ટ હો જાઉંગા" ...

સાવ સાચું શાહીદ હવે તું સાયલન્ટ હો જા વર્ના ઑડિયન્સ વાયોલન્ટ હો જાયેગી...’

No comments:

Post a Comment