Friday, 29 November 2013

બુલેટ રાજા: ડાયલોગના કમાલ સાથેની ઠીક ઠીક ફિલ્મ




         યુ.પી.ની પરિસ્થિતિ મુજબ ગમે ત્યારે ગમે ત્યાં ગોળીઓ વરસી શકે અને કોઈ પણ વ્યક્તિ રાતોરાત બાહુબલી બની શકે. વાત ગોળીઓથી જ આગળ વધે અને ગોળીઓ જ પ્રશ્નો ઉપસ્થિત કે પૂરા કરી શકે. યુ.પી.ના બૅકગ્રાઉન્ડને લઈને સતત ફાઇટ સાથે તિગ્માંશુ ધુલિયાએ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મનું ટાઇટલ પહેલા ’જય રામજી કી’ નક્કી કરવામાં આવ્યું હતું પણ સૈફ અલી ખાનના માનવા મુજબ ફિલ્મ જ્યારે બુલેટ પર જ ચાલતી હોય અને આખુ ફિલ્મ લગભગ બુલેટ પર સ્થિર હોય ત્યારે ફિલ્મનું નામ ’બુલેટ રાજારાખવું વધુ યોગ્ય ગણાય. સૈફનું સજેશન સ્વીકારવામાં આવ્યું અને એ સાથે જ તિગ્માંશુને તેની આવનારી ફિલ્મનું ટાઇટલ પણ મળી ગયું. ’રીવોલ્વર રાની. કંગના રાણાવત ’રીવોલ્વર રાની બનશે. ડાય્લોગ્ઝ તિગ્માંશુના જ છે એટલે આખી ફિલ્મમાં ક્યાંય એક પણ નબળો ડાયલૉગ નથી પણ ફિલ્મ લગભગ ’સાગીર્દ સ્ટાઇલ કહી શકાય એટલે કંઈ નવું ન આવ્યું, આ કારણથી જ સ્ટેટમેન્ટ તો એ જ આવે કે ડાયલોગના કમાલ સાથેની ઠીક ઠીક ફિલ્મ....


        તિગ્માંશુ ધુલીયાને હું ઉત્તમ ડિરેક્ટરની કક્ષામાં રાખુ છું. તિગ્માંશુની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી જ ધમાકેદાર રહી હતી. ૧૯૯૦માં ’બેન્ડીટ ક્વીનના કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ શરૂ કર્યું. ’બેન્ડીટ ક્વીન’ના કાસ્ટિંગ માટે જે લખો એટલું ઓછું છે. આ પછી એમણે ’સરદારમાટે કેતન મહેતાને આસિસ્ટ કર્યા. પોતાના સ્વતંત્ર ડિરેક્શનમાં એમની પહેલી ફિલ્મ હતી ’હાંસીલ’. ઝી સિને એવૉર્ડમાં ’હાંસીલ ૬ અલગ અલગ કેટેગરીમાં નોમીનેટ થયું અને બેસ્ટ સ્ક્રીનપ્લે એવૉર્ડ પણ જીત્યો. ’સાહેબ, બીવી ઔર ગૅંગ્સ્ટર માટે તો કહેવું જ શું? ઓલ ટાઇમ ફેવરીટ મૂવીમાં મૂકી શકાય એવી ફિલ્મ. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મની બીજી સિક્વન્સ આવતી હોય ત્યારે એ પહેલી કરતા નબળી જ સાબિત થઈ છે પણ તિગ્માંશુની ’શાહ, બીવી ઔર ગૅંગ્સ્ટર રિટર્ન પણ એટલી જ મજબૂત ફિલ્મ રહી. આ વચ્ચે આવેલી ’સાગીર્દ આમ હીટ ફિલ્મ ન હતી પણ પહેલીવાર દર્શકોને ખબર પડી કે આટલી સરસ રીતે વાર્તા લખાય શકે. ’પાનસિંગ તોમરમાટે નેશનલ એવૉર્ડ જીતીને બતાવી દીધું કે તિગ્માંશુ હટકે ડિરેક્ટર છે. ગઈ કાલે ફોન પર તિગ્માંશુ જોડે વાત થઈ ત્યારે ’બુલેટ રાજા માટે કહ્યું કે ’ઑફ બીટ ફિલ્મ્સ ઘણી બનાવી એટલે આ વાર મને થયું કે હું કોમર્સિયલ ફિલ્મ બનાવું. જોઉં કે લોકો મારી વાત સ્વીકારે છે કે નહીં’....


        એક સમય હતો જ્યારે હું સૈફ અલી ખાનને એક્ટર જ નહોતો ગણતો. સૈફની અંદર પુરુષ કરતા સ્ત્રીના લક્ષણો વધારે નજર આવતા પણ ’ઓમકારા જોયા પછી મારા વિચારો બદલાયા. એ પછી આવેલી સૈફની ફિલ્મ્સ પ્રમાણમાં સારી જ રહી છે. સૈફ આ ફિલ્મના પાત્ર માટે યોગ્ય છે જ. સોનાક્ષી આમ તો ઘણા ડિરેક્ટર માટે લક્કી રહી ચૂકી છે પણ એણે ’લૂટેરામાં રણવીર સિંઘની કારકિર્દી દાવ પર લગાડી દીધી હતી એ વાત અલગ છે. સોનાક્ષી સૈફ સાથે પહેલીવાર કામ કરી રહી હતી માટે મીડિયા સમક્ષ ઘણી ઉત્સાહિત થઈને સ્ટેટમેન્ટ્સ આપતી હતી. જોઈએ હવે દર્શકો કેવી રીતે આ ફિલ્મને લે છે. સ્પેશીયલ અપીરીયન્સમાં વિદ્યુત જામવાલને લેવામાં આવ્યો છે. વિદ્યુત વાળુ પાત્ર પહેલા ઇરફાનને આપવામાં આવ્યું હતું પણ ઇરફાન હવે ખૂબ જ વ્યસ્ત કલાકાર છે એટલે આખરે વિદ્યુતના હિસ્સે કામ આવ્યું. ફિલ્મમાં વિદ્યુતે કોઈ પણ ડુપ્લીકેટનો ઉપયોગ કર્યા વગર બધા જ સ્ટંટ દ્ગશ્યો જાતે જ ભજવ્યા છે. ગુલશન ગ્રોવર આજે પણ એ જ ફીટનેસ ધરાવતો માણસ છે. પોતાનું કોઈ પણ પાત્ર હોય ગુલશન ગ્રોવર એને વફાદાર હોય જ છે. રાજ બબ્બર પણ જિંદગી આખીનો અનુભવ લઈને કામ કરતા હોય ત્યારે એમના પાત્ર માટે પણ કંઈ કહેવું જ ન પડે. ફિલ્મના એક ઇમ્પૉર્ટન્ટ પાત્રમાં વિપીન શર્મા છે. જેલમાં રહીને નેટવર્ક ચલાવતા વિપીન શર્મા વિના જાણે ફિલ્મ શક્ય જ ન હોય એવું લાગે. રવિ કિશન ઘણી ફિલ્મ્સ કરી ચૂક્યો છે પણ આ ફિલ્મમાં એક સાવ અનોખાં કૅરેક્ટરમાં જોવા મળશે. સ્ત્રીના કપડા પહેરેલો રવિ જુઓ કે પછી ખૂંખાર શૂટર તરીકે જુઓ બંને માટે વખાણ કરવા જ પડે. ફિલ્મમાં જો કોઈ બાજી મારી ગયું હોય તો જીમી શેરગીલ. જીમી શેરગીલની એક્ટીંગ તિગ્માંશુના ડિરેક્શનમાં ખાસ ખીલે છે. હીરો કરતા પણ ફિલ્મમાં જીમીને જોવો ગમે છે.....


        ફિલ્મ ખરાબ નથી પણ આખી ફિલ્મ પ્રીડીક્ટેબલ છે. એક પછી એક સતત બનતા પ્રસંગો તમને ગમશે ખરા પણ જો તમે ફિલ્મના શોખીન વ્યક્તિ હશો તો તમને આગળ શું બનવાનું છે એનો ખ્યાલ આવી જ જશે. સાજીદ-વાજીદના ગીતો તમને ખુશ કરવા માટે પૂરતા નથી. ફિલ્મમાં વચ્ચે આવતા ગીતો તમને સ્ટોરી ડીસ્ટર્બ કરતા લાગે છે. માહી ગીલને સંબંધોના નાતે બોલાવીને એક આઇટમ સોંગ કરાવવામાં આવ્યું પણ એ ગીત ખાસ અસર છોડી શક્યું નથી. ફિલ્મનું જમા પાસું એનો સ્ક્રીનપ્લે છે. એકાદ બે જગ્યા પર ફિલ્મ ખોટા ટ્રેક પર ફંટાય છે પણ મહદંશે ફિલ્મનો સ્ક્રીનપ્લે ખૂબ જ ટાઇટ છે. હીરોઇન માત્રને માત્ર ફિલ્મમાં જગ્યા પૂરવા માટે જ લેવામાં આવી છે. હીરોઇનના હિસ્સે કોઈ જ કામ નથી કે પછી એ પાત્રને ફિલ્મ માંથી કાઢી નાખવામાં આવે તો ફિલ્મને કોઈ જ ફેર પડતો નથી. હવે હીરોઇન લીધી જ છે અને હીરોઇન બંગાળી બતાવી છે તો ફિલ્મને કલકત્તા લઈ જવી જ પડે. સોનાક્ષીના ઘેર બનતા તમામ પ્રસંગો કોઈ જ અર્થ વગરના છે. જીમી શેરગીલની એક્ઝીટ પછીની વાતો થોડી બોર કરી જાય છે.

        ફિલ્મનું સબળ તત્વ ફિલ્મના ડાયલોગ્ઝ છે. એક પણ જગ્યા પર વજન વગરની વાત નથી. જે પાત્ર સ્ટેટમેન્ટ કરે એ સ્ટેટમેન્ટની વેલ્યૂ છે. ફિલ્મ જો તમને હસાવશે તો દિલ દઈને હસાવશે અને જો જકડશે તો એ પ્રસંગ પૂરતી જકડી જ રાખશે. હાં તિગ્માંશુ જેવા ડિરેક્ટર દ્વારા થતી એક ભૂલ ખૂબ જ ખટકી. પોલીસથી બચવા રવિ કિશન પાગલ બનીને સ્ત્રીના વેશમાં રાધા બની રહે છે. ગુલશન ગ્રોવર પોતાના કામ માટે રવિ કિશનને પરત બોલાવે છે. રવિના પરત આવ્યા સાથે જ રવિની મોટી બધી મૂછો આવી જાય છે. બસ એક જ દિવસમાં સ્ત્રી માંથી ફરી ખૂંખાર શૂટર બનતા રવિને આવડી મોટી મૂછો કેમ વધી હશે એ પ્રશ્ન તમને થાય તો માનવું કે ભૂલ ડિરેક્ટરની છે.....


        ઓવર ઓલ તમને ફાઇટ ગમતી હશે, રાજનીતિમાં થતી રમત ગમતી હશે અને સૌથી વધુ એ કે સતત હીરોને જીતતો જોવો ગમતો હશે તો આ ફિલ્મ ગમશે જ. ફિલ્મમાં કોઈ પણનું એક્ટીંગ નબળું નથી એટલે એ બાબતે ખાંચો કાઢી શકાય એમ નથી. વાત પણ પ્રમાણમાં મજબૂત છે. જો કે ’બુલેટ રાજાનું પ્રમોશન એટલું જોરદાર નથી માટે દર્શકોની પાંખી હાજરી પહેલા જ શોમાં દેખાય આવી. ફિલ્મને ૨.૫ સ્ટાર તો આપી જ શકાય...



પેકઅપ:
’બુલેટ રાજામાં સોનાક્ષીના બોલ્ડ દ્ગશ્ય માટે ખૂબ ચર્ચાઓ થઈ પણ ફિલ્મમાં એ દ્ગશ્ય જ ન આવ્યું....

નેતાઓ કરી શકે તો ડિરેક્ટરે ખોટો પ્રચાર ન કરી શકે?

No comments:

Post a Comment