ફિલ્મ માટે મને એક પ્રશ્ન ઉપસ્થિત થાય જ છે કે ફિલ્મ બનાવતા
પહેલા સ્ક્રીપ્ટ પર કોઈ ડિરેક્ટરને નહીં કહેતું હોય કે આવી ફિલ્મ ના બનાવાય! આ પ્રશ્ન
એટલો જ ખતરનાક છે જે હું સાવ નાનો હતો ત્યારે મેં ’કુરબાની’ જોઈને
પપ્પાને પૂછ્યું હતું કે ’જિન્નત અમાનને ઘેરથી કોઈ કંઈ કહેતું નહીં હોય?’ ધર્મા પ્રોડક્શન
ખૂબ કમાણી કરી ચૂકેલું બૅનર છે એટલે ખોટા રૂપિયા બગાડી શકે જો કે અહીં આ ઉપરાંત ડિરેક્ટર
પુનિત મલ્હોત્રા સાથેના કરણ જોહરના ખાસ અંગત સંબંધો પણ આ ફિલ્મ બનાવવાનું એક કારણ હોય
શકે! સારી ફિલ્મ ન બનાવી શકાય તો ચાલે પણ ખરાબ ફિલ્મ તો ન જ બનાવવી જોઈએ એવું મારું
માનવું છે કારણ કે આખરે તો દર્શકો પૈસા ખર્ચે જ છે, એટલે જ તમે ફિલ્મ જોઈને કહેશો કે
’ગોરી તેરે પ્યાર મેં’ લૂટ ગયે હમ પૈસે મેં.....
પુનિત મલ્હોત્રાના
કરણ જોહર સાથે વર્ષોથી સંબંધો વણાયેલા છે. પુનિતે ૨૦૦૧માં ’કલ હો ન હો’માં
આસિસ્ટન્ટશીપથી કેરિયરની શરૂઆત કરી હતી. આ પછી ’પહેલી’ અને
’દોસ્તાના’માં
પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે. આ દરમિયાન કરણ-પુનિતના અંગત સંબંધોને
કારણે કરણે પુનિતની લખેલી ’આઇ હેટ લવ સ્ટોરીઝ’ પ્રોડ્યુસ કરી. ફિલ્મ ખાસ ચાલી નહીં પણ પુનિત
પર કરણ ફરી જુગાર રમવા તૈયાર થયો અને ’ગોરી તેરે પ્યાર મેં’ ડિક્લેર
કરી. જો કે ૨૦૧૧માં જાહેર થયેલી ફિલ્મ કોણ જાણે ક્યા મહુરતે શરૂ થઈ હશે કે એક પછી એક
પ્રૉબ્લેમ આવતા જ ગયા. ફિલ્મ જાહેર થઈ ત્યારે ઇમરાન ખાન અને સોનમ કપૂર લીડ કરશે એવી
રજૂઆત પ્રેસ સમક્ષ કરવામાં આવી. થોડા સમયમાં જ ઇમરાને સ્ક્રીપ્ટ સામે વાંધો ઉઠાવ્યો
અને ફિલ્મ કરવાની ના પાડી. ફિલ્મની ઑફર ગઈ શહીદ કપૂર પાસે પણ શહીદને પણ સ્ક્રીપ્ટ જામી
નહીં એટલે શહીદે પણ ફિલ્મ માટે ના પાડી. આ દરમિયાનમાં જ પુનિત અને સોનમ કપૂરના સંબંધોની
ચર્ચા મડિયામાં છપાતી એટલે સોનમે પણ ફિલ્મ કરવાની ના પાડી અને કારણ આપ્યું કે એ નથી
ઇચ્છતી કે લોકો એમ માને કે ડિરેક્ટર સાથેના સારા સંબંધોને કારણે આ ફિલ્મ એને મળી રહી
છે. આ પછી કરીનાને કન્વીન્સ કરવામાં આવી અને ફરી ઇમરાન સાથે ચર્ચા શરૂ થઈ. ઇમરાનના
કહેવા પ્રમાણે સ્ક્રીપ્ટમાં ફેરફારો કરવામાં આવ્યા અને ઇમરાને આ પછી ફિલ્મ કરવાની હા
પાડી. જો કે મને એક પ્રશ્ન એ થયો કે જો ફેરફાર પછી પણ આટલી ખરાબ સ્ક્રીપ્ટ છે તો ફેરફાર
પહેલા કેટલી ખરાબ હશે? ફિલ્મના આખરમાં શ્રધ્ધા કપૂરને લેવામાં આવી. ’આશિકી ૨’ હીટ
રહી એનો ફાયદો ઉપાડવાની કોશિશ કરવામાં આવી. મેં કહ્યું એમ ફિલ્મમાં એટલાં બધા રીપ્લેશમેન્ટ્સ
થયા છે કે વાત ન પૂછો. નરગીશ ફખ્રી એક સોંગ માટે સાઇન કરવામાં આવી હતી અને છેલ્લે એનું
રીપ્લેશમેન્ટ ઇશા ગુપ્તાએ કર્યું. આટલી બધી મહેનત પછી ફિલ્મનું શૂટ શરૂ થયું છેક ફેબ્રુઆરી
૨૦૧૩માં અને આટલી રાહ જોઈને પણ એટલી જ ખરાબ ફિલ્મ બની....
ઇમરાન એવું માને
છે કે તેની વાઇફ અવંતિકા તેના માટે લક્કી છે એટલે પોતાની ફિલ્મમાં એક ઝલક માટે પણ અવંતિકાને
લાવે છે પણ અફસોસ કે અવંતિકાના લક પણ આ ફિલ્મને ઉગારી શકે એવું એક પણ લક્ષણ ફિલ્મમાં
નથી! ઇમરાનને હું બહુ સારો આર્ટિસ્ટ માનતો જ નથી પણ આ ફિલ્મમાં તો એટલી હદે ખરાબ એક્ટીંગ
કર્યું છે કે સતત આમીર ખાનની નકલ કરવા છતા એક્ટીંગ જરા પણ ગમે એવી નથી. કરીના કપૂર
સેલેબલ સ્ટાર છે. કરીનાની છેલ્લી ફિલ્મ ’સત્યાગ્રહ’ પણ હીટ રહેલી. કરીનાના કહેવા
મુજબ એ ભારી ભરખમ ફિલ્મ્સ કરીને થાકી છે એટલે થોડી લાઈટ ફિલ્મ કરવી હતી જેથી એણે આ
ફિલ્મ સ્વીકારી પણ ફિલ્મના પહેલા દ્ગશ્યને બાદ કરતા કરીનાને હિસ્સે તો દુ:ખ ભર્યો રોલ
જ છે. કરીના જેવી સેલેબલ સ્ટાર કેમ આવી ફિલ્મ સાઇન કરતી હશે? અનુપમ ખૈર જેવા ગ્રેટ
કલાકારને પણ વેડફી નાખવામાં આવ્યો છે.
ફિલ્મની વાર્તા
જ એટલી નબળી છે કે ક્યાંય પણ કોઈ પણ કન્વીન્સીંગ કે લોજીકલ વાત નથી. ઇમરાન સાઉથના ઇન્ડિયન
છે જે અમેરિકાથી ભણીને પાછો આવ્યો છે. એ શા માટે દિલ્હી રહે છે એ વાતનો કોઈ જ ખુલાસો
નથી અને અચાનક જ વાર્તા બેંગ્લોર તરફ ફંટાય જાય! શ્રધ્ધા કપૂરને શા માટે ફિલ્મમાં લેવામાં
આવી છે એ વાત પણ તમને નહીં સમજાય. શ્રધ્ધા કપૂર સાથે ઇમરાન મેરેજની હા પાડી દે છે અને
શ્રધ્ધા એક પંજાબી છોકરાને પ્રેમ કરે છે. ઇમરાન વારંવાર શ્રધ્ધાને કહેતો રહે છે કે
જો તું પ્રેમ કરતી હો તો તારા ઘેર કહી દે, હું કોઈ મદદ નહીં કરું. શ્રધ્ધા કરીના સાથેના
સંબંધોની વાત ઇમરાન પાસેથી જાણે છે અને લગ્નના મંડપ પર એને કન્વીન્સ કરીને ત્યાંથી
ભગાવે છે. હવે આ લોજિક ન સમજાયું કે જો ઇમરાન ભાગી જાય તો શ્રધ્ધા માટે એના ઘરના બીજો
કોઈ છોકરો નહીં શોધે? ફિલ્મ પંજાબી બૅકગ્રાઉન્ડ, સાઉથ બૅકગ્રાઉન્ડ થઈને સીધી ગુજરાત
પહોંચે છે. કરીના એક ગામડામાં વસી રહી છે અને ત્યાંના લોકોની સેવા કરે છે. પ્રોડ્યુસરને
હશે કે સાઉથ, નૉર્થ અને ગુજરાત ત્રણ ટેરીટોરીની વાતો કરીએ તો બધી પ્રકારનું ઑડિયન્સ
મળે પણ જો એક પણ વસ્તુ યોગ્ય રીતે પ્રદર્શિત ન થઈ હોય તો પછી બચારા પ્રેક્ષકો પણ શું
કરે? અચાનક જ ફિલ્મ વળાંક લે પૂલ બનાવવાના પ્રશ્ન પર અને વિલનની એન્ટ્રી થાય. અનુપમ
ખેરને જો કોઈ પોલીટીકલ નેતા બતાવ્યો હોત તો વાત અલગ હતી પણ ધોતિયું ઝભ્ભો પહેરીને ગુંડાગીરી
કરતો કલેક્ટર બતાવવામાં આવ્યો! આટલી હદે સ્ટોરીની નબળાઈ કોઈને પણ નજરમાં નહીં આવી હોય!
ફિલ્મને કૉમેડી બનાવવાની કોશિશ કરવામાં આવી છે પણ લેખકને એક પણ પંચ નથી મળ્યો જ્યાં
દિલ મૂકીને હસી શકાય. અરે ફિલ્મમાં મેલોડ્રામા ઉમેરવાની કોશિશ પણ કરી એમ છતા કોઈ રીતે
મેલોડ્રામાં પણ ઊભો ન થયો! પૂલનું કામ અટકી જાય છે અને આખુ ગામ મળીને પૂલના કામમાં
લાગે અને જાતે પૂલ બનાવીશું એવું નક્કી કરે. વાત કેટલી સરસ છે પણ જે રીતે ગામવાળા કામ
કરવામાં જોડાય છે એ જુઓ તો ટ્રેજડી કરતા કૉમેડી વધુ લાગશે....
વિશાલ શેખરનું
મ્યુઝિક પણ ફિલ્મને ઉગારી શકશે નહીં. એક પણ ગીતના વખાણ થઈ શકે એમ નથી. મહેશ લીમીયે
આ પહેલા ઘણી સારી સિનેમેટોગ્રાફી કરી ચૂક્યા છે પણ આ ફિલ્મમાં એક પણ જગ્યા પર એક પણ
દ્ગશ્ય સારી રીતે ફિલ્માવેલું નથી, ઉલ્ટાનું ટેક્નિકલ ખામીઓ દેખાય છે કે ઘણી જગ્યા
પર કેમેરો ડીફોકસ થઈ જાય છે. રેમો ડી’સોઝાના ડાન્સનો પણ કમાલ ન દેખાયો. ફિલ્મમાં
ગામડું બતાવવામાં આવ્યું છે પણ ક્યાંય આર્ટ ડિરેક્શન એવું નથી કે તમે ખરા અર્થમાં ગુજરાતનું
કોઈ ગામડું કલ્પી શકો. ટૂંકમાં કહીંએ તો ખરાબ ફિલ્મ બનાવવા માટે બધાએ સાથે મળીને મહેનત
કરી હોય એવું લાગે છે! અને સાચે જ બધાએ મળીને એક ખૂબ જ સરસ રીતે પૂરા દિલથી ખરાબ ફિલ્મ
બનાવી છે. સ્ટાર આપવાની કોઈ પણ રીતે મારી હિમ્મત નથી થતી એટલે ક્ષમા કરજો....
પેકઅપ:
"આજે ’ગોરી તેરે પ્યાર મેં’ જોઈને
મેં સમય સાથે બદલો લીધો...
સમયે મને ઘણીવાર બરબાદ કર્યો છે આજે મેં સમય બરબાદ કર્યો...’
No comments:
Post a Comment