Thursday, 21 May 2015

તનુ વેડ્સ મનુ રીટર્ન્સ: મજબૂત સિક્વલ







           ફિલ્મનો એક ભાગ હીટ જાય એટલે બીજા ભાગની તૈયારી થવા જ લાગે પણ ભાગ્યે જ એવું બનતું હોય કે બીજો ભાગ જોવા લાયક હોય! અને એમાં પણ જો પહેલા ભાગથી બીજો ભાગ ચળિયાતો હોય તો કહેવું જ શું? સિક્વલ બનાવવા માટે સૌથી પહેલા તો ખૂબ સારી વાર્તા જોઈએ અને એ પણ એવી કે લોકોને એમ લાગે કે હાં ધરાર સિક્વલ બનાવવામાં નથી આવી. હિંમાશુ શર્માને દાદ આપવી પડે કે પહેલા ભાગ કરતા મુઠ્ઠી ઊંચુ ફિલ્મ લખવામાં સફળતા મેળવી અને એક મજબૂત સિક્વલ આપી શક્યા...


            આનંદ એસ. રાય એટલે ડિરેક્ટર રવિ રાયના ભાઈ. કોમ્પ્યૂટર એન્જિનિયર હોવા છતા તેમનું ધ્યેય હતું એટલે રવિ રાયને તેમની સિરિયલમાં આસિસ્ટ કરવા મુંબઈ આવી ગયા. આ પછી તેમણે એક બે સિરિયલ પણ ડિરેક્ટ કરી પણ ધ્યેય ફિલ્મ હોવાથી ૨૦૦૭માં ’સ્ટ્રેન્જર’ ફિલ્મ ડિરેક્ટ કર્યું. જેની નોંધ ન લેવાણી. આ પછી ૨૦૦૮માં ’થોડી લાઇફ થોડા મેજિક’ ડિરેક્ટ કરી, એ પણ ન ચાલી. ૨૦૧૧માં ’તનુ વેડ્સ મનુ’ ખૂબ સારી ચાલી અને એ સાથે તેમનું સ્થાન નિશ્ચિત થઈ ગયું. આ પછીની તેમની ફિલ્મ ’રાંઝણા’ સાથે તો આનંદ રાયનું નામ સારા ડિરેક્ટર્સમાં આવવા લાગ્યું. પહેલો ભાગ હીટ હતો અને ડિરેક્શન પણ સારુ જ હતું તો પણ બીજા ભાગ માટે  એમ કહેવું પડે કે શ્રેષ્ઠ ડિરેક્શન. એવી ઘણી બધી ઘટનાઓ છે જ્યાં ઇચ્છે તો ડિરેક્ટર સહેલાઇથી દ્ગશ્ય દેખાડી અને જતું કરી શકે પણ ફિલ્મના એક પણ દ્ગશ્યમાં કૉમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવ્યું. એક એક રીએક્શન પણ એટલી જ ખૂબી સાથે લેવામાં આવ્યું છે. આનંદ રાય આ ફિલ્મ સાથે નક્કી પૂરતી ક્રેડિટ કમાશે જ....


            કંગના રનૌત ભલે ગમે તેવી સાયકો બિહેવીયર કરતી હોય પણ એક્ટીંગની વાત આવે ત્યારે કંગનાના વખાણ જ કરવા પડે. કંગના ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેને અંગ્રેજી બોલતા નહોતું આવડતું. ઘણા અખબારોમાં કંગના વિષે ઘણું નેગેટિવ લખાતું હતું, જેની અસર કંગના પર થતી. વિચિત્ર વર્તન દ્વારા સતત સમાચારમાં રહેતી કંગના માટે લોકોના માનસમાં એવી જ છાપ હતી કે માત્ર પોતાની જાતને હાઇલાઇટ કરવા આવું વર્તન કરે છે અને કંગનાને એક્ટીંગ આવડતી જ નથી. આ વાતનો જવાબ આપતા ૨૦૦૬ની પહેલી ફિલ્મ ’ગૅંગ્સ્ટર’થી શરૂ કરીને છેક ૨૦૧૧ની ’તનુ વેડ્સ મનુ’ સુધીની સફર ખેડવી પડી! અને ૨૦૧૪ની ’ક્વિન’ પછી તો તેણે લોકોની બોલતી બંધ કરી દીધી. આ ફિલ્મમાં હરિયાણવી ભાષામાં કંગનાને બોલતી જોવી એ એક લહાવો છે. સૌથી નોંધવા લાયક વાત એ છે કે કંગના ડબલ રોલમાં છે અને એક મીનીટ માટે પણ તમને એમ નહીં જ લાગે કે આ એક જ હીરોઇન છે જે બે રોલ કરી રહી છે.  આર. માધવન પણ સતત મહેનત કરતો કલાકાર છે. ટેલિવિઝન એડથી પોતાની કેરિયર શરૂ કરનાર માધવનની પહેલી ફિલ્મ ૧૯૯૬માં ’ઇસ રાત કી સુબહા નહીં હોગી’ હતી. આ પછી હિન્દી ઉપરાંત તામિલ અને અંગ્રેજી ફિલ્મ્સ પણ કરી. માધવનની સૌથી મોટી ખૂબી એ છે કે એ હંમેશા અંડર એક્ટ કરે છે જે તેને અન્ય કલાકારોથી અલગ પાડે છે. જીમ્મી શેરગીલ રાજા અવસ્થીના પાત્રમાં છે. લોકોને યાદ નહીં હોય પણ જીમ્મીની કેરિયરની પહેલી ફિલ્મ ૧૯૯૬માં ગુલઝાર સાહેબની ’માચીસ’ હતી. જીમ્મીને આ પછી સતત ફિલ્મ્સ મળતી રહી છે. હિન્દી ઉપરાંત તે પંજાબી ફિલ્મ્સનો પણ માનીતો અને જાણીતો કલાકાર રહ્યો છે....


            આ મુખ્ય કલાકારો ઉપરાંત પણ બધા આર્ટિસ્ટ્સ ખૂબ સારી રીતે સિલેક્ટ કરવામાં આવ્યા છે. પપ્પી તરીકે દીપક ડોબ્રીયાલ છે. દીપક મૂળભૂત રીતે ડ્રામા આર્ટિસ્ટ છે. ટીપીકલ દેખાવને લીધે તેને સારા સારા ડિરેક્ટર્સ તરફથી સ્પેસિયલ રોલ મળતા જ રહ્યા છે. જસ્સી તરીકે એઝાઝ ખાન છે. એઝાઝ પણ ૧૯૯૯થી ફિલ્મ સાથે જોડાયેલ છે પણ તેની ખાસ નોંધ લેવાય તેવું કોઈ પાત્ર હજુ સુધી મળ્યું નથી. પાયલ રાઠોર તરીકે સ્વરા ભાસ્કર છે. આ સુંદર કન્યા લીડને લાયક છે પણ તેને સપોર્ટીંગ રોલ્સ જ મળ્યા છે અને જે તેણે પૂરી ઈમાનદારી પૂર્વક નિભાવ્યા છે. ચિન્ટુ તરીકે ઝીશાન અયૂબ છે. ઝીશાન એક પછી એક રોલમાં પોતાની ઓળખ વધારતો જ જાય છે. બહુ જ ટૂંકા સમયમાં ઝીશાન જાણીતું નામ બનશે એ નક્કી છે. તનુના પિતાના પાત્રમાં રાજેન્દ્ર ગુપ્તા અને માતાના પાત્રમાં નવની પરિહાર છે. વર્ષોના અનુભવી કે.કે. રૈના મનુના પિતાની ભૂમિકા ભજવે છે. તનુંનું બીજુ પાત્ર એટલે દત્તો અને દત્તોના ભાઈની ભૂમિકામાં રાજેશ શર્મા છે...


            પહેલો ભાગ સફળ થયાના એક મહિના પછી જ બીજો ભાગ ડિક્લેર કરવામાં આવ્યો હતો. એ સમયે ફિલ્મનું ટાઇટલ ’તનુ વેડ્સ મનુ-સિઝન 2’ નક્કી કરવામાં આવ્યું હતું પણ સમય જતા જ્યારે લોંચ થઈ ત્યારે ’તનુ વેડ્સ મનુ રીટર્ન્સ’ થઈ ગયું. એક વાત એવી પણ સાંભળવા મળી હતી કે આર. માધવનની જગ્યાએ શહીદ કપૂરને લેવામાં આવશે. આમ તો ફિલ્મ તરત જ બનાવવાની હતી પણ આનંદ રાય ’રાંઝણા’ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા એટલે પ્રોજેક્ટ પાછળ ઠેલાય ગયો. આ સમય દરમિયાન એવી વાત સાંભળવા મળી કે સિક્વલમાં ઇમરાન ખાન અને અનુષ્કા વર્મા મુખ્ય પાત્રો ભજવશે પણ છેલ્લે એ જ પાત્રો સાથે ઑક્ટોબર ૨૦૧૪માં ફિલ્મ શરૂ કરવામાં આવી. લોંચ થતા સાથે જ ફિલ્મને વિવાદમાં સપડાવું પડ્યું. જૂના પ્રોડ્યૂસર્સ તરફથી દાવો માંડવામાં આવ્યો કે તેમની મંજૂરી વિના બીજો ભાગ ડિરેક્ટર ન બનાવી શકે પણ કોર્ટ તરફથી આનંદ રાયનો જવાબ ગ્રાહ્ય રાખવામાં આવ્યો કે તેમણે કોઈ એવો એગ્રીમેન્ટ સાઇન નથી કર્યો કે તે બીજો ભાગ ન બનાવી શકે...


            પતિ અને પત્નીના સંબંધો એક સમય પછી એક બીજાને બોજ લાગવા લાગે છે. માધવન અને કંગનાના મેન્ટલ હોસ્પિટલના ઝગડાથી શરૂ થયેલી ફિલ્મ એટલી સરળતાથી આગળ વધે છે કે તમને સતત ગમતી જ રહેશે. પતિને એમ લાગે છે કે પત્ની તેને ત્રાસ આપે છે અને પત્નીને એમ લાગે છે કે પતિ તેને ત્રાસ આપે છે. પતિને મેન્ટલ હોસ્પિટલમાં છોડીને પત્ની કાનપુર આવી જાય છે. માધવનને દીપક છોડાવી દેશ પરત લાવે છે. માધવનનો પરિચર દત્તો એટલે કે બીજી કંગના સાથે થાય છે. નસીબ ખરાબ કે દત્તો માટે તેના ભાભીએ જોઈ રાખેલો છોકરો એટલે જીમ્મી શેરગીલ જ છે જે પહેલા ભાગમાં કંગના સાથે લગ્ન કરવાનો હતો. આ બધી જ લમણાઝીંક વચ્ચે ઘણા પાત્રો પોત પોતાનો રોલ ભજવે છે. અંત પર આવતા ફિલ્મ ઇમોશનલ થઈ જાય છે. કંગનાને ખબર પડે છે કે દત્તો સાથે માધવન લગ્ન કરી રહ્યો છે ત્યારે સત્યનો પરિચય થાય છે અને એ પછીની તેની માનસિક હાલત એટલે ફિલ્મનો શ્રેષ્ઠ ભાગ. એક એક દ્ગશ્ય વચ્ચે આવતી કૉમેડી હોય કે પછી ઇમોશનલ દ્ગશ્ય હોય ખૂબ માવજત સાથે કૅમેરામાં ઝીલવામાં આવ્યા છે. ફિલ્મને દરેક એંગલથી માણી શકાય એવી ફિલ્મ બની શકી છે...


            કિશોર લુલ્લા અને આનંદ રાય બંને પ્રોડ્યૂસર્સ છે. પ્રોડક્શન કંપનીની ક્રેડિટ કલર યલ્લો પીક્ચર્સને આપવામાં આવી છે. ગીતો તનીષ્ક-વાયુએ કંપોઝ કર્યા છે. ઇરોઝે ફિલ્મ ડીસ્ટ્રીબ્યૂટ કરી છે. ફિલ્મની સૌથી મોટી ક્રેડિટ જો કોઈ પણને આપવી હોય તો હિંમાશુ શર્માને આપવી પડે. ફિલ્મના દ્ગશ્યો તો શ્રેષ્ઠ લખ્યા જ છે પણ સંવાદો તો એક થી એક ચડે એવા છે. ફિલ્મને કંજૂસાઈ સાથે સ્ટાર આપવાનાં હોય તો પણ ૪ સ્ટાર આપવા જ પડે...



પેકઅપ:

"વાળ કપાવતી વખતે મારા વાણંદે પૂછ્યું કે ’સાહેબ ટૂંકા કરી દઉં?" મેં જવાબ આપ્યો કે "લાંબા તો નથી જ કરી શકવાનો તો ટૂંકા જ કરી દે"

No comments:

Post a Comment