તમે જે ફિલ્મની આતુરતા
પૂર્વક રાહ જોતા હો અને આ આતુરતાના અંતે તમને ફિલ્મ જોવા મળે ત્યારે અપેક્ષા વધી જ
જતી હોય છે અને તેમાં પણ ખાસ કરીને અનુરાગ કશ્યપ જેવા ડિરેક્ટરની ફિલ્મ હોય! ફિલ્મ
હંમેશા અંગત ગમા કે અણગમા સાથે જોડાયેલ હોય છે. ઘણી વાર મને ગમતી ફિલ્મ બીજા કોઈને
ન ગમે એવું પણ બની શકે માટે જ રિવ્યૂ લખતા સમયે એક ખાસ વાત ધ્યાનમાં રાખવી પડે કે કોઈ
વાંચકની અંગત લાગણી દુભાય નહીં. તો આ ખૂબ આતુરતાથી રાહ જોવડાવતી ’બોમ્બૅ વેલ્વેટ’ એટલી
સામાન્ય રહી કે વેલ્વેટનો લાસો અનુભવ લેવો હતો પણ કોટન જેવી રાહત પણ ન મળી...
ભારતના શ્રેષ્ઠ ડિરેક્ટર્સમાં નામ લેવાતા
અનુરાગ કશ્યપની મહેનત જરા પણ ઓછી નથી. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ૫૫
ફિલ્મ્સ જોઈને ઇમ્પ્રેસ થયેલા અનુરાગ સાયન્ટિસ્ટ બનવાનું છોડી, ૫૦૦૦ રૂપિયા ગજવામાં
મૂકીને મુંબઈ આવી ગયા. મુંબઈમાં એમ કામ મળવું સહેલું ન હતું અને ૫૦૦૦ રૂ. વપરાતા પણ
વાર ક્યાં લાગવાની હતી? રોડ પર, બોય્ઝ હોસ્ટેલની ટાંકી નીચે ઊંઘીને દિવસો પસાર કર્યા.
ખૂબ મહેનતના અંતે પૃથ્વી થિયેટરમાં એક નાટકમાં ૫૦૦૦ રૂપિયાની નોકરી મળી પણ નસીબ ખરાબ
કે ડિરેક્ટરનું અવસાન થતા એ પણ છૂટી ગઈ. અનુરાગનો સંકલ્પ હતો કે ઇન્ડસ્ટ્રીમાં કામ
કરવું જ છે એટલે સંનિષ્ઠ પ્રયત્નો દ્વારા સ્પોટ બોય, લાઇટમેન તરીકે પણ કામ કર્યા. અનુરાગને
સૂઝ્યું કે લખવું જોઈએ અને એ માટે પણ પ્રયત્નો શરૂ કર્યા. ૧૯૯૭માં તેને ’કભી કભી’ નામની
ટેલિવિઝન સિરિયલના એપીસોડ લખ્યા. આ દરમિયાન મનોજ બાજપેયી સાથે તેની સારી મિત્રતા થઈ
અને મનોજે અનુરાગની ઓળખાણ રામ ગોપાલ વર્મા સાથે કરાવી, રામ ગોપાલે સૌરભ શુક્લા અને
અનુરાગને ’સત્યા’ લખવા આપી. બસ પછી તો અનુરાગ એક પછી એક સારી ફિલ્મ આપવા લાગ્યા પણ
તેનું ડિરેક્શનનું સ્વપ્ન તો ’લાસ્ટ ટ્રેઇન ટુ મહાકાલી’ શૉર્ટ ફિલ્મથી થઈ. અનુરાગની
કોઈ પણ ફિલ્મ જોઈ લો વખાણ જ કરવા પડે. જો કે આ ફિલ્મ માટે નોંધવા લાયક વાત એ છે કે
અનુરાગનું આ પહેલું કોમર્સિયલ ફિલ્મનું ડિરેક્શન કહી શકાય. અનુરાગ હટીને ફિલ્મ બનાવવા
ટેવાયેલા છે પણ જો ૮૦ કરોડ જેવું અધધ બજેટ લઈને ફિલ્મ બનાવવાની વાત હોય તો અનુરાગ કશ્યપને
સલાહ દેવી જ પડે કે બહુ ઓછા બજેટની તેમની ફિલ્મ્સ કોમર્સિયલ ફિલ્મ કરતા વધારે સારી
બની છે...
સ્ટ્રીટ ફાઇટર જહોની બલરાજ એટલે કે રણબીર
કપૂર. ઘણીવાર એમ થાય કે રણબીરને એક્ટીંગ આવડતું નથી તો ઘણી વાર એમ થાય કે વાહ શું સરસ
આર્ટિસ્ટ છે. આ પાછળનું કારણ રણબીર ડિરેક્ટરનો એક્ટર રહ્યો છે. આ વાર ખૂબ સારા ડિરેક્ટરના
હાથમાં હોય ત્યારે એક્ટીંગ માટે શું કહેવું? અનુષ્કા શર્મા એટલે ફિલ્મની રોઝી. ધીમે
ધીમે એક્ટીંગની દુનિયામાં પોતાની જાતને સાબિત કરતી અનુષ્કાને હું પહેલી ફિલ્મથી સારી
એક્ટ્રેસ માનતો આવ્યો છું. આ ફિલ્મમાં તો અનુષ્કા એટલે ફિલ્મ જોવાનો લહાવો. કરણ જોહર પોતે એક સારો ડિરેક્ટર હોવાથી એક્ટીંગ
વિષે જાણતો હોય એ સામાન્ય વાત છે. એક ટીપીકલ પાત્ર કૈઝાદ ખંભાતા તરીકેનો તેનો રોલ પણ
નબળો નથી જ પણ કોણ જાણે ડિરેક્શનના ક્યા એંગલથી રણબીર કપૂરના હાથ પર આંગળી ફેરવતો બતાવવામાં
આવ્યો હશે એ સમજ ન પડી! કરણ આ પહેલા પણ સ્ક્રીન
પર આવી ચૂક્યો છે પણ કોઈ ખાસ પાત્ર તરીકે નહીં. બહુ જ નાના નાના રોલ કરીને થાકેલા કરણ
માટે આ મોટો બ્રેક કહી શકાય. ફિલ્મ દરમિયાન એક એક્ટ માટે કરણ સલાહ આપવા ગયો અને એ સાથે
જ અનુરાગે કહ્યું કે "તું માત્ર આ ફિલ્મમાં એક્ટર જ છો, માટે જે કહેવામાં આવે
એ જ કર". કેય કેય મેનન એટલે ફિલ્મના ઇન્સ્પેક્ટર કુલકર્ણી. અનુરાગની પહેલી ફિલ્મથી
શરૂ કરીને આજ સુધી જોડાયેલા કેય કેય એટલે એક્ટીંગના એક્કા જ ગણી શકાય. ફિલ્મમાં મનીષ
ચૌધરી જીમ્મી મિસ્ત્રી ન્યૂઝ એડિટરના પાત્રમાં છે. મનીષ ૨૦૦૩થી ફિલ્મ કરી રહ્યા છે.
તેમની એક પણ ફિલ્મ ખાસ નામ આપી શકી નથી. હવે જોઈએ આ ફિલ્મ પછી તેને શું ફાયદો થાય છે.
ક્વિઝ શો શું કહેવાય તેનું જ્ઞાન આપનાર સિદ્ધાર્થ બસુ રોમી પટેલ નામના કૅરેક્ટર સાથે
ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત સારા ડાન્સર અને એક્ટર એવા રેમો ફર્નાડીસ પણ પોર્ટૂગીસ
વ્યક્તિના પાત્ર તરીકે છે. રણબીરના મિત્ર તરીકે સત્યદીપ મિશ્રા આ ફિલ્મ સાથે પહેલી
ફિલ્મ કરી રહ્યા છે. નસીરુદ્દીન શાહના પુત્ર વિવાન ટોની નામના પાત્રમાં છે. એક એક પાત્ર
માટે જાણે ખાસ મહેનત લેવામાં આવી હોય એ રીતે બધા જ પાત્રો સિલેક્ટ કરવામાં આવ્યા છે...
જ્ઞાન પ્રકાશની બૂક ’મુંબઈ ફેબલેસ’ પરથી
આ ફિલ્મ બનાવવામાં આવી છે. વસન બાલા, અનુરાગ કશ્યપ, જ્ઞાન પ્રકાશ અને એસ. થાનકાચલમ
જેવા ચાર ચાર લેખકોએ મળીને સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ પર મહેનત કરી છે. અમિત ત્રીવેદીના
મ્યુઝિક માટેની મહેનતનો પણ કોઈ જવાબ જ નથી. એક એક ગીત વખતે અનુરાગ અને અમિત બંને હાજર
રહેતા અને જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી એરેન્જમેન્ટ પર કામ ચાલતું જ રહેતું.
બૅકગ્રાઉન્ડ સ્કોર પણ અમિતને જ સોંપવામાં આવ્યો હતો. અમુક જગ્યા પર જૂના ઇન્સ્ટ્રુમેન્ટ્સ
વાપરીને પાશ્વસંગીતની મઝા પણ અદભૂત કરાવી છે. રાજીવ રવિની સિનેમેટોગ્રાફી પણ અમુક કમાલના
લાઇટીંગ અને એંગલ સાથે માણવા જેવી છે. ફિલ્મનું બજેટ ૮૦ કરોડનું છે ત્યારે ૧૦૦ કરોડ
ક્રોસ કરવા તો રહ્યા જ અને કદાચ એટલે જ સ્ટાર ફોક્સ સ્ટુડિયોને ફિલ્મનું ડીસ્ટ્રીબ્યુશન
સોંપવામાં આવ્યું. પ્રોડ્યૂસર તરીકેની ક્રેડિટ વિકાશ બહેલ અને વિક્રમાદિત્ય મોટવાણેને
આપવામાં આવી છે. પ્રોડક્શન કંપની તરીકે ફેન્ટમ ફિલ્મ્સનું નામ રાખવામાં આવ્યું છે...
ફિલ્મને ૧૯૪૯થી શરૂ કરવામાં આવી છે અને ૧૯૬૯
સુધીનો ગાળો દેખાડવામાં આવ્યો છે. જ્યારે પિરિયોડીકલ ફિલ્મ બનાવવી હોય ત્યારે સૌથી
અઘરી વાત એ હોય કે ડ્રેસિંગ, આર્ટ ડિરેક્શન, પ્રૉપર્ટી, એસેસરીઝ બધું જ એ સમય કાળનું
જોઈએ નહિતર દર્શકો તરત જ પકડી પાડે. ફિલ્મમાં સિગારેટ સળગાવવા માટે વાપરવામાં આવેલી
માચીસ હોય કે પછી રોડ પરનું પાસિંગ કરતી કાર હોય તમે ક્યાંય પણ ખાંચો નહીં કાઢી શકો.
ફિલ્મની વાર્તા આમ તો લવ સ્ટોરી જ છે. ભાગલા સમયે મુંબઈ આવેલો રણબીર અને પોર્ટુગીઝ
રેમો ફર્નાડીસના જાળ માંથી છટકેલ અનુષ્કા શર્માની લવ સ્ટોરી છે. એક પ્રશ્ન થાય છે કે
જો માત્ર લવ સ્ટોરી જ હોય તો ફિલ્મને એક પિરિયોડમાં લઈ જવાની શું જરૂર છે? જેમ કે
’વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’ બનાવવું હોય તો હાજી મસ્તાનના સમયમાં સરવું જ પડે પણ અહિંયાં
સ્ટોરી સાથે આ ટાઇમ પિરિયોડને કંઈ જ લાગતું વળગતું નથી તો પછી આટલો ખર્ચ શા માટે? મુંબઈના
પરિચયમાં જે હશે તેમને ખબર હશે જ કે ’અપન કો યે માંગતા’ વાળી બોલવાની સ્ટાઇલ ખરેખર
૧૯૯૦ પછી આવી છે તો રણબીરને એ સ્ટાઇલના ડાયલૉગ આપવાનું કારણ શું? ફિલ્મના સ્ક્રીનપ્લે
પર ખૂબ મહેનત લેવામાં આવી છે પણ કદાચ સ્ટોરીનું રીડિંગ બરાબર નહીં થયું હોય! અનુરાગ
પાસે અપેક્ષા વધારે જ હોય ત્યારે ફિલ્મ નિરાશ કરી જાય છે. બધી જ રીતે ઉત્તમ અભિનય,
ઉત્તમ આર્ટ ડિરેક્શન, ઉત્તમ સંગીત, ઉત્તમ સંવાદો વચ્ચે પણ ફિલ્મને ૨.૫ સ્ટાર જ આપી
શકાય....
પેકઅપ:
"સલમાનને બે દિવસ
માટે બેલ મળ્યા એ પર આલ્યા ભટ્ટને મોટું આશ્ચર્ય થયું કે ખેતી વગર સલમાન બેલનું શું
કરશે?"
No comments:
Post a Comment