ગુજરાતી હોવાના નાતે જ્યારે ગુજરાતી ફિલ્મ હાઉસફૂલ
છે એવું જાણવા મળે એટલે ગજગજ છાતી ફૂલાય એ સ્વાભાવિક છે. આ પહેલા પણ ’વીર હમીરજી-સોમનાથના
રખેવાળ’નો રીવ્યુ
લખ્યો ત્યારે ફેસબૂકના ઇનબોક્ષમાં ઘણા લોકોએ મને લખ્યું હતું કે જો ગુજરાતી ફિલ્મ્સને
બિરદાવવામાં નહીં આવે તો ગુજરાતી ફિલ્મ્સ ક્યારેય સારી નહીં બને. એ સમયે પણ મેં જવાબ
આપેલો કે કોઈ તો પ્રયત્ન કરે કે જુનવાણી રાડો પાડવાની રીત, બાપુ ગજબ થઈ ગયો, ચોરણી
કેડીયા વગેરે માંથી બહાર આવવું જ પડશે. જરૂર હતી ફક્ત એવા વ્યક્તિની કે જે ગુજરાતી
ફિલ્મ માટે પેશન ધરાવતી હોય અને વહેતી ગંગામાં હાથ ધોવાને બદલે સામા પ્રવાહે તરવાની
હિંમત દાખવે. અભિષેક જૈન આ માટે હિંમત દાખવી શક્યા એ માટે પહેલા તો આખી ’કેવી રીતે
જઈશ?’ ફિલ્મની ટીમને એક સલામ. સૌરાષ્ટ્રમાં રહેવાનો એક ગેરફાયદો થયો કે આ ફિલ્મ ગુજરાત
કરતા એક અઠવાડીયુ મોડી રીલીઝ થઈ અને મોડી જોવા મળી.
ફિલ્મ માટે જરૂરી તત્વો છે સિનેમેટોગ્રાફી,
વાર્તા, એક્ટીંગ, એડીટીંગ, મ્યુઝિક અને સેટ ડીઝાઇનીંગ. આ બધા જ તત્વોને એક તાંતણે ચલાવતો
રથ ચાલક એટલે ડિરેક્ટર. કેવી રીતે જઈશનો યુ ટ્યૂબ પર લાખો લોકો એ પ્રોમો જોયો હશે.
પ્રોમો જોતા સમયે એટલો તો વિચાર આવેલો કે ફિલ્મ હટ કે હશે અને ખરેખર જોવા ગયો ત્યારે
ખબર પડી કે ફિલ્મ ખરેખર હટ કે છે. ફિલ્મમાં એક ગજાના કલાકારો છે. ટોમ અલ્ટર, અનંગ દેસાઈ,
રાકેશ બેદી, કેનેથ દેસાઈ જેવા બોલીવુડના જાણીતા ચહેરાઓ લેવામાં આવ્યા. આ બધા જ કલાકારોને
આ પહેલા પણ ઘણી ફિલ્મ્સમાં આપણે જોઈ ચૂક્યા છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે ઉપર લખેલા
દરેક આર્ટીસ્ટ્સ પોતાના કામને પુરેપૂરી વફાદારીથી નિભાવે છે. આ ફિલ્મમાં હીરો અને હીરોઇન
બંને માટે પહેલું ફિલ્મ હતું. દિવ્યાંગ ઠક્કર અને વેરોનિકા ગૌતમ. કોઈ પણ એંગલથી બંનેની
એક્ટીંગ નબળી કહી શકાય નહીં. ફિલ્મની સિનેમેટોગ્રાફી પુષ્કર સિંઘે સંભાળી હતી. ગુજરાતી
ફિલ્મમાં મોટામાં મોટી નબળાઇ હોય છે બજેટની. આ કારણોથી મોટાભાગે ગુજરાતી ફિલ્મ જેવીસી
૭૦૦ કૅમેરા પર શૂટ કરવામાં આવે છે. આ કૅમેરાની નબળાઇ એ છે કે ફૂલ એચ.ડી. કેમેરો હોવા
છતા સારુ રિઝલ્ટ આવતું નથી. કેવી રીતે જઈશ રેડ કૅમેરા પર શૂટ કરવામાં આવી છે. હું માનુ
છું ત્યાં સુધી પહેલી ગુજરાતી ફિલ્મ હશે જે રેડ કૅમેરા પર શૂટ થઈ હોય. સિનેમેટોગ્રાફી
સાવ ટ્રેડિશનલ છે. કોઈ પ્રયોગ કરવાની કોશિશ કરવામાં આવી નથી એમ છતા ફિલ્મનું એક પણ
દ્ગશ્ય નબળું ફિલ્માવવામાં નથી આવ્યું. તમને ક્યારેય ફિલ્મ દરમિયાન એવો અહેસાસ નહીં
થાય કે તમે બોલીવુડનું એક સારી કક્ષાનું હિન્દી ફિલ્મ જોઈ રહ્યા નથી. અભિષેક જૈન અને
અનીશ શાહ બંને એ મળીને ફિલ્મ લખી છે. ઇન્ટરવલ સુધી વાર્તા જરા પણ આગળ નથી વધતી કે નથી
કોઈ ખાસ પ્રસંગો નથી. સ્ક્રીનપ્લે માટે કહી શકાય કે પ્રમાણથી થોડો ઊતરતો છે તો પણ અત્યાર
સુધી આવેલી કોઈ પણ ગુજરાતી ફિલ્મ કરતા અનેક ગણો સારો છે. તાજ અલી નક્વીનું સેટ ડીઝાઇનીંગ
એકદમ સરસ રહ્યું. ખૂબ ઓછા સેટ હોવા છતા જે રીતે સેટ ગોઠવવામાં આવ્યા છે એ દેખાડે છે
કે એક પટેલનું જ ઘર છે. મનન મહેતાના એડીટીંગના પણ વખાણ કરવા પડે. ફિલ્મના ટેક્નિકલ
પાર્ટમાં જોઈએ તો ડિરેક્ટર ખૂબ બધું શૂટ કરીને આપે છે એ પછી મૂળ વાર્તાને બહાર લાવવી
એ કામ એડિટરનું હોય છે. અહીં મનન મહેતા એ ખૂબ સરસ કામ બતાવ્યું છે. એડીટીંગ સાથે જોડાયેલુ
હોય છે વિઝ્યુઅલ સ્પેશિયલ ઇફેક્ટ (વીએફએક્સ). રીહાન પટેલ વીએફએક્સ ડિરેક્ટર છે. એમણે
જરૂર પડ્યે પોતાના ચમકારા બતાવ્યા છે. ફિલ્મનું મ્યુઝિક મારા ફેસબૂક ફ્રૅન્ડ મેહુલ
સુરતીનું છે. ચીલાચાલુ ગરબા, ખોટા પ્રેમગીત કે પછી આરતી આ ફિલ્મમાં નથી. એકદમ બોલીવુડ
સ્ટાઇલનું મ્યુઝિક આપી કમાલ કરી છે. અભિષેક જૈનનું ડિરેક્શન એકદમ સ્ટાઇલીસ્ટ રહ્યું.
ઘણા દ્ગશ્યો લંબાણ વાળા હતા પણ એને બખૂબી છુપાવી શક્યા છે.
ફિલ્મની વાર્તા એક સાવ સામાન્ય
અને ઘણીવાર પટેલ કોમ્યુનીટીમાં જોવા મળતી વાત પર છે. બચુભાઇ પટેલ (કેનેથ દેસાઈ) અને
ઇશ્વરભાઇ પટેલ બંને મિત્રો છે. બંને અમેરિકા જવાનું સ્વપ્ન સાથે જુએ છે. ઈશ્વર પટેલ
અચાનક જ અમેરિકા જતા રહે છે. બસ ત્યારથી બચુ પટેલનું એક જ સ્વપ્ન છે કે અમેરિકા જવું.
આ માટે પોતે તો સફળ ન થઈ શક્યા પણ કોઈ પણ રીતે એમણે એમના બે માંથી એક પુત્રને અમેરિકા
મોકલવો છે. મોટા પુત્ર જીજ્ઞેષ (જય ઉપાધ્યાય) માટે પ્રયત્ન કરે છે પણ સફળ ન થતા હવે
બધી જ આશાઓ નાના પુત્ર હરીશ (દિવ્યાંગ ઠક્કર) પર છે. હરીશને અમેરિકા મોકલવા માટે બચુભાઇ
કંઈ પણ કરવા તૈયાર છે. વર્ષો પછી ઈશ્વર પટેલ ભારત પોતાની પુત્રી આયુષી (વેરોનીકા ગૌતમ)
સાથે પાછાં ફરે છે. એમના મનમાં તો બચુ માટે એટલો જ પ્રેમ છે પણ બચુ હજુ જૂની વાત ભૂલ્યો
નથી. બચુભાઇના પત્ની જ્યોત્સનાબહેન (દિપ્તી જોશી) સંબંધ જાળવવાની કોશિશ કરે છે પણ બચુભાઇનો
વિરોધ છે. હરીશ એક કેવીન નામના મિત્રને મળે છે જે એક એજન્ટ દોલતરામ ચૈનાની (રાકેશ બેદી)ને
મળાવે છે. ચૈનાની રૂપિયા ખંખેરતો જાય છે. આ દરમિયાન ૫૦ લાખ રૂપિયા જીજ્ઞેષ ગુંડાઓ પાસેથી
લે છે. એક તરફ આયુષી અને હરીશ વચ્ચેની મિત્રતા ગાઢ થતી જાય છે અને પ્રેમમાં પરિણમે
છે પણ જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે બચુભાઇ અપમાન કરીને ઇશ્વરભાઈને ઘરની બહાર કાઢી
નાખે છે. ચૈનાની મોટો ફ્રોડ નીકળે છે. આ બધા વચ્ચે અંતનો ડ્રામા તમે પોતે જ જોઈ લો
તો ગમશે…
ફિલ્મના નબળા પાસાઓની વાત કરીએ
તો ફિલ્મનું ડબીંગ ખૂબ જ નબળું પુરવાર થયું. આમ જોઈએ તો ગુજરાતી કલાકારોને ડબીંગની
બહુ ઓછી પ્રેક્ટીસ હોય છે એટલે કદાચ આવું બન્યું હોય. સાથે સાથે બીજી નબળી વાત એ રહી
કે ફિલ્મ એસ્ટાબ્લીશ થતા ખાસ્સો લાંબો સમય એટલે કે ઇન્ટરવલ સુધીનો સમય લીધો. ફિલ્મમાં
હરીશના મિત્રો તરીકે બતાવવામાં આવેલા કલાકારોમાં રાહીલ (અભિનય બેંકર) સિવાય બધાનું
એક્ટીંગ એકદમ આર્ટીફીશ્યલ લાગે છે. અભિનય બેંકર ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર પણ હતા માટે
એ અભિનય કરી જાણતા હોય જ. ફિલ્મ દરમિયાન કેવીનની પાર્ટીમાં આયુષી સાથે વાત કરવા માટે
આવેલ મિત્ર ફિલ્મના ડિરેક્ટર અભિષેક જૈન પોતે હતા. એમની અભિનય ક્ષમતા એમણે એક નાના
રોલમાં પણ પૂરવાર કરી છે. રીટા ભાદુરીની ઉમર
હવે ચાડી ખાય છે પણ વર્ષોનો અનુભવ વેડફાતો નથી. ખૂબ જ ટૂંકા રોલમાં પોતે હજુ પણ અભિનયની
રાણી છે જ એ સાબિત કરી શકી. રઈશ મણીયાર, જૈનેષ પંચાલ અને વિવેક ટેઇલર ત્રણે એ ગીતમાં
શબ્દો અદભૂત રેતે પુર્યા છે. રૂપકુમાર રાઠોડ, પાર્થિવ ગોહીલ અને ઐશ્વર્યા મજુમદારનો
અવાજ પણ વખાણવો જ પડે. ફિલ્મના સ્ક્રીનપ્લેનો એક ભાગ મને ખૂબ જ ગમ્યો. હરીશ-આયુષીના
લગ્ન પછી હનીમૂન પર ક્યાં જવું છે ના સવાલનો જવાબ તો યુ.એસ.એ. પર જ અટક્યો. ડિરેક્ટર
એ બતાવી દીધું કે પટેલના ઝહેનમાં અમેરિકા પડેલું હોય છે. હું એવું કહીશ કે અત્યાર સુધી
ગુજરાતી ફિલ્મ માટે નાકનું ટીચકું ચડાવતા દરેક સુજ્ઞ ગુજરાતીઓ એ આ પહેલને વધાવવા પણ
આ ફિલ્મ જોવુ જ જોઇએ. તમે આ ફિલ્મ જોઈને પૈસા વસૂલ કરશો એ ચોક્કસ છે.
પેકઅપ:
ફિલ્મના અંતના દ્ગશ્યોમાં ડૉક્ટર
જીજ્ઞેષના હાથમાં આવતા ડાયલૉગ બોલે છે ’કોન્ગ્રેચ્યુલેશન જીજ્ઞેષભાઇ તમને બાબો આવ્યો
છે’
No comments:
Post a Comment