Saturday, 18 August 2012

વિક્કી ડોનર: ફેમિલી સાથે બેસીને માણી શકાય એવી એડલ્ટ ફિલ્મ



જમાનો બદલાય રહ્યો છે. સતત ભાગદોડમાં વ્યસ્ત જીવન વચ્ચે દર વર્ષે દરેક પુરુષ ૨% ફર્ટીલીટી ગુમાવતો જાય છે. એક સમય એવો હતો કે જો બાળક ન થાય તો સ્ત્રીને છૂટાછેડા આપી દેવામાં આવતા. કોઈ પણ રીતે પુરુષમાં ખામી હોય તો પણ જવાબદાર તો સ્ત્રી જ ગણાતી. સમય બદલાયો છે, લોકો મોડર્ન રીતે વિચારતા થયા છે. ખાસ કરીને મેટ્રો સીટીમાં ઇન્ફર્ટીલીટીના અનેક ક્લિનીક્સ ખૂલ્યા છે. સ્પર્મ ડોનેશન સીસ્ટમનો લોકો સ્વીકાર કરવા લાગ્યા છે ત્યારે ડિરેક્ટર સુજીત સીર્કર આવા જ નવા વિચાર સાથે વિક્કી ડોનરની પ્રોપોઝલ લઈને પહોંચ્યા જહોન અબ્રાહમ પાસે. વાત એડલ્ટ છે અને આવા વિષય પર ફિલ્મ ચાલે કે ન ચાલે અને લોકો એનો સ્વીકાર કરે કે ન કરે એ પ્રશ્ન જહોનને સતાવતો હતો પણ સુજીતની ત્રણ વર્ષની મહેનતને અંતે જુહી ચતુર્વેદી સાથે મળીને તૈયાર કરેલી વાત જહોન અબ્રાહમ એ સાંભળી તો ખબર પડી કે એક પંજાબી બંદા અને બેંગોલી છોકરી વચ્ચેની હળવી પ્રેમ કહાની વાર્તાનું મુખ્ય તત્વ છે. સુજીત સાથે જહોન અબ્રાહમ બીજી ફિલ્મની તૈયારી કરતો હતો પણ વિક્કી ડોનરને પ્રાયોરીટી આપવામાં આવી અને કસોકસ બજેટ નક્કી થયું. માત્ર ૫.૨૫ કરોડમાં એક ઉત્તમ કક્ષાની ફિલ્મ તૈયાર થઈ. જો તમે ફિલ્મને પ્રેમ કરો છો તો આ ફિલ્મ અચૂક જોવી

અભિનય એ ફિલ્મનું મુખ્ય પાંસુ છે અને વિક્કી ડોનરમાં તો કોના અભિનય માટે ખરાબ લખવું એ પ્રશ્ન છે. ડો. બલદેવ ચઢ્ઢા (અનુ કપૂર) ઇન્ફર્ટીલીટી ક્લિનિક ચલાવે છે અને એના એક પણ પેશન્ટને સંતોષ નથી. સતત બે વર્ષથી આર્ટીફીશિયલ ઇન્સ્યુમેશન (મેડિકલ ભાષામાં પુરુષ-સ્ત્રીના મીલન વગર ગર્ભ ધારણ કરાવવાની પ્રક્રિયાને આર્ટીફીશિયલ ઇન્સ્યુમેશન કહેવામાં આવે છે) માટે આવતા લોકો પણ સતત સારા મજબૂત સ્પર્મની માગણી કરે છે. ડો. ચઢ્ઢા માટે એવો ડોનર ગોતવો કે જેની ફર્ટીલીટી વધારે હોય એ મૂંઝવતો પ્રશ્ન છે. વિક્કી (આયુષ્માન ખુરાના) મમ્મી ડોલી (ડોલી આહલુવાલીયા) અને દાદી (કમલેશ ગીલ) સાથે રહે છે અને ભાઈ સંપૂર્ણ બેકાર છે. ડો. ચઢ્ઢા વિક્કીની પાછળ પડીને રૂપિયાની લાલચ સાથે અનેક નુસ્ખાઓ અજમાવે છે અને વિક્કીને સ્પર્મ ડોનેટ કરવા માટે રાજી કરે છે. વિક્કીના સ્પર્મ કાઉન્ટ ખૂબ જ સારા આવે છે. વિક્કી ડો. ચઢ્ઢા માટે કમાઉ દીકરો સાબિત થાય છે અને આ સાથે ઘરમાં પણ પૈસા પણ આવતા થયા. વિક્કીની લાઇફ સાવ બદલાય જાય છે. ડોલીનું ખાતું ખોલાવવા માટે વિક્કી એક બેંકમાં ચક્કર લગાવે છે. ત્યાં તેને અસ્મિતા રોય (યામિની ગૌતમ)નો પરિચય થાય છે. સમય સાથે બંને વચ્ચે પ્રેમ અને લગ્નની વાત આવે છે. પંજાબી અને બંગાળી કલ્ચર વચ્ચે થતો ખેલ ફિલ્મનું તત્વ બહાર લાવે છે. ડો. ચઢ્ઢા માટે વિક્કીના લગ્ન સારી નિશાની નથી પણ સંબંધોના નાતે માગું નાખવા જાવું પડે છે. લગ્ન પહેલા અસ્મિતા હકીકત જણાવે છે કે એ ડીવોર્સી છે પણ બધા એ ડીવોર્સ અને સંબંધને સમજી લગ્ન કરી આપે છે. અસ્મિતા જ્યારે જાણે છે કે પોતે ક્યારેય માં બની શકે એમ નથી ત્યારે ખૂબ દુ:ખી થાય છે. વિક્કીના રિપોર્ટ માટે એ કહે છે ત્યારે વિક્કી સ્વીકારે છે કે એ સ્પર્મ ડોનર રહ્યો છે. આ વાત પરનો ઝગડો વધે છે. આખરે ડો. ચઢ્ઢા મિત્રતા અને ઉપકારનો બદલો વાળી અસ્મિતાને મનાવી ફરી એક કુટુંબ બનાવી આપે છે.

વાર્તા વાંચીને તમને લાગતું હોય કે આ તો સાવ સામાન્ય વાત છે તો તમે ભૂલો છો. ફિલ્મનું તત્વ ત્યારે જ બહાર આવે જો ફિલ્મની ટ્રીટમેન્ટ પરફેક્ટ હોય. ડિરેક્ટર સુજીત એક પણ વાતને રજૂ કરવામાં પાછાં પડ્યા નથી. ફિલ્મના એક એક શોટ પર વાહ નીકળે જ અને સાથે ચહેરો હસતો જ રહે. આયુષ્માનનું પહેલું ફિલ્મ છે એ કહી જ ન શકાય કેમ કે એક પંકાયેલા એક્ટર તરીકે કોઈ પણ ખાંચા કાઢ્યા વગર પડદા પર માણી શકાય છે એ જ રીતે યામિની ગૌતમ માટે પણ એવું જ કહી શકાય. આયુષ્માનને ફિલ્મમાં જોઈને એટલું કહી શકાય કે જહોન અબ્રાહમનો પોતે એક્ટીંગ ન કરવાનો નિર્ણય વાજબી હતો. રોડીઝ-૨માં અને ઘણી બધી જગ્યાએ દેખાય ચૂકેલા આયુષ્માન માટે આ ફિલ્મ ચોક્કસ પણે એક ફૂટમાર્ક ફિલ્મ બનશે. ડોલી આહલુવાલિયા એક પંજાબી માં તરીકે પોતાની પુરેપુરી એક્ટીંગ આપવામાં સફળ રહી. ફિલ્મમાં એક ડાયલૉગ છે ’દાદી, દિલ્હી મેં દો હી ચીઝે મૉર્ડન હૈં, એક મેટ્રો ઔર દુસરી તું દાદી તરીકે કમલેશ ગીલનો અભિનય લાજવાબ રહ્યો. બંગાળી સ્ટેજ પર જેને લોકો સલામ કરી ચૂક્યા છે એવા જયંત દાસ અસ્મિતાના પિતાના રોલ માટે એકદમ સાચી ચોઇસ રહ્યા. સતત ૪૦ વર્ષના અભિનય ક્ષેત્રના અનુભવ માટે અનુ કપૂરનું તો પૂછવું જ શું? અનુ કપૂરની એક ખાસિયત રહી છે કે એ નાનામાં નાનો રોલ હોય તો પણ પૂરતા ધ્યાન અને ન્યાય સાથે નિભાવે છે. તેજાબમાં ગાવાના શોખીન કેન્ટીન બોયને પૂરતો ન્યાય આપ્યો એટલે જ તો ઝી ટીવીની અંતાક્ષરી એમને મળી હતી. ડો. ચઢ્ઢા તરીકે એક પણ જગ્યા પર અનુ કપૂરનો અભિનય માટે કંઈ કહેવા પણું જ નથી.

તમે જો એવું માનતા હો કે સ્પર્મ ડોનેશન જેવો વિષય છે તો ફિલ્મ ફેમિલી સાથે નહીં માણી શકાય તો તમે ભૂલ કરો છો. ફિલ્મને ભલે ’યુએ સર્ટીફીકેટ મળ્યું હોય તો પણ એવું કહેવું પડે કે એક પણ વાત વલ્ગર નથી અને એક પણ દ્ગશ્ય વલ્ગર નથી. જહોન અબ્રાહમ એન્ટર્ટાઇન્મેટ અને ઇરોઝ દ્વારા ૭૫૦ ટૉકીઝમાં ૨૦ એપ્રિલના રોજ રીલીઝ કરવામાં આવી. શુક્ર, શનિ અને રવિ ત્રણ દિવસનું ફિલ્મ કલેક્શન (ભારત) ૭.૫૦ કરોડ થઈ ચૂક્યું છે જ્યારે વિદેશનું કલેક્શન ૨ કરોડ થયું છે. માત્ર એકવાર જોઈને અટકી નહીં શકાય એટલે આવતા અઠવાડીયે આ આંકડાઓ ક્યાં પહોંચ્યા હશે એ કહેવું મુશ્કેલ છે.




પેકઅપ: વેસ્ટ ગયેલા સ્પર્મ હંમેશા વાતો કરતા જોવા મળ્યા છે કે આણે તો કેરિયર બગાડી નાખી!

No comments:

Post a Comment