Saturday, 18 August 2012

જીસ્મ ૨: ન જોવું ગમે એવું શરિર




ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું કહેવાય છે કે જ્યારે કંઇ પણ ન વેંચાય ત્યારે સેક્સ તો ચોક્કસ વેંચાય છે. આમ પણ ઇતિહાસ રહ્યો છે કે જે ડિરેક્ટર્સ આર્ટના નામ પર સેક્સ વેંચવા નિકળ્યા છે એમનો ધંધો જોરશોરથી ચાલ્યો છે. ખાસ કરીને રાજ કપૂર ઉત્તમ ઉદાહરણ બની શક્યા છે. જે સમયે લોકો માટે બીકીની આશ્ચર્ય હતું એ સમયે રાજ કપૂર બ્લેક & વ્હાઇટ ફિલ્મમાં પણ બીકીની બતાવી ચૂક્યા છે. આ રીતે જ એમની તો ઘણી બધી ફિલ્મ્સમાં માત્ર સેક્સ જ પીરસવામાં આવ્યુ છે. હાં ફેર એટલો છે કે એ કલાત્મક રીતે રજૂ થયુ છે એટલે ફિલ્મની જરૂરિયાત ગણાય. આ પછી તો બસ ટ્રેન્ડ જ શરૂ થયો કે ફિલ્મ્સમાં કોઈ ને કોઈ બહાને સ્ત્રીને નગ્ન બતાવવી. ભારત હજુ પણ પુરુષ પ્રધાન દેશ છે એટલે સ્ત્રીઓને જ આ વાતનો ભોગ બનવું પડે. ભારતમાં ધીમે ધીમે ગાળોનો પણ ફિલ્મમાં છૂટથી ઉપયોગ થવા લાગ્યો અને ટૂંકા વસ્ત્રો તો સાવ સામાન્ય બની ગયા. મહેશ ભટ્ટ કેમ્પ આ પ્રકારની ફિલ્મ્સ માટે પ્રખ્યાત થવા લાગ્યો. કોઈ પણ એમની ફિલ્મ હોય એની અમૂક ખાસીયતો રહી જેવી કે શ્રેષ્ઠ સંગીત, ઓછુ બજેટ, સેક્સનો ભરપૂર ઉપયોગ અને એમ છતા લોકોને ગમે તેવી ફિલ્મ્સ બનાવવી. મહદ અંશે સફળતા પણ મળી. જીસ્મ જ્યારે રજૂ થયુ ત્યારે મુખ્ય વાત સેક્સ જ હતી. લોકોએ આ પ્રકારની સેક્સ ફિલ્મ પસંદ પણ કરી હતી. જીસ્મ બોક્સ ઓફીસ પર ખૂબ સફળ ફિલ્મ સાબિત થઈ ચૂકી હતી. બસ ત્યારથી જ નિર્માત્રી પૂજા ભટ્ટના મગજમાં જીસ્મ ૨નો કીડો સરવળતો હતો. જીસ્મમાં એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં પ્રખ્યાત મોડેલ જહોન અબ્રાહમને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. ઘણા બધા ક્રિટીક્સ અને આમ લોકો માટે પ્રશ્ન તો હતો જ કે શું એક મોડેલ એક્ટીંગ કરી શકે? પણ પૂજા ભટ્ટે સ્થાપિત કર્યુ કે એક્ટીંગ ન કરી શકે તો પણ મોડેલ ફિલ્મમાં ચાલી તો જાય જ. એ વાત અલગ છે કે જહોન અબ્રાહમ સમય જતા એક સારો કલાકાર બની શક્યો છે અને હાલ સારો નિર્માતા પણ કહી શકાય.

હવે વાત આવી જીસ્મ2ની. કુદરતી રીતે બીગ બોસ જેવા હીટ પ્રોગ્રામમાં સની લીયોનને બોલાવવામાં આવી. મહેશ ભટ્ટ મહેમાન તરીકે બીગ બોસમાં હાજરી આપી આવ્યા હતા. પૂજા ભટ્ટને જીસ્મ2 માટે પણ આવો જ વિચાર આવ્યો કે એક પોર્ન સ્ટાર શા માટે હિરોઈન ન બની શકે? તરત જ અમલ કરવામાં આવ્યો અને સનીને જીસ્મ2 માટે સિલેક્ટ કરવામાં આવી. તાબડતોડ તૈયારીઓ શરૂ થઈ અને તવો ગરમ છે ત્યાં જ ભજીયુ તળી તેવાનું નક્કી કરી લેવામાં આવ્યું. પહેલી એપ્રીલ ૨૦૧૨થી ફિલ્મની શરૂઆત કરવામાં આવી. ફિલ્મની શરૂઆત કરવાની તારીખ જ એ રીતે નક્કી કરવામાં આવી હતી કે દર્શકોએ સમજી જવુ જોઈતુ હતુ કે એપ્રીલ ફૂલ તો બનવાના જ છીએ. જયપુર, ગોવા અને શ્રીલંકા જે હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખાસ શૂટીંગ સ્થળો બની ચૂક્યા છે તો પૂજા ભટ્ટ પણ કેમ બાકી રહી જાય? ગોવા ગવર્નમેન્ટ સામાન્ય સ્ટેટ કરતા એક ડગલું આગળ જ રહે છે. છેલ્લા ત્રણ વર્ષથી ગોવા ગવર્નમેન્ટે જાહેરાત કરી છે કે જો કોઈ પણ ફિલ્મનું ૫૦%થી વધુ શૂટીંગ ગોવામાં થશે અને એ ફિલ્મ રીલીઝ થશે તો એ ફિલ્મને ૨૦ લાખ રૂપિયાની સબસીડી આપવામાં આવશે અને ફિલ્મ જો વધુ બજેટની અને સારી હશે તો આ સબસીડી ૧ કરોડ સુધી પણ જઈ શકે. નિર્માતાઓ માટે આ ખાસ લોભાવનારી વાત છે અને સાથે સાથે ફિલ્મથી ગોવા ગવર્નમેન્ટને કરોડોની કમાણી પણ થાય છે એ વાત અલગ. આ વાતનો લાભ લેવા માટે ફિલ્મનું નિર્માણ સ્થળ ગોવા નક્કી કરવામાં આવ્યુ હશે. એ સાથે જ ફિલ્મ માટે જયપુરમાં તો ગમે ત્યારે સેટ લાગેલા જ હોય છે. આ તૈયાર બનેલા સેટનો પૂજા ભટ્ટે લાભ લઈ લીધો. શ્રીલંકા નિર્માણ માટે સૌથી સસ્તુ એટલે વિદેશ પણ ગણાય જાય અને બજેટ પણ ન વધે. માત્ર ચાર મહિનામાં જ ફિલ્મ પૂરુ કરી દેવામાં આવ્યુ. વાત અશક્ય લાગશે પણ શક્ય બની કેમ કે સની લીયોને તો કંઈ જ કરવાનું નથી સિવાય કે પોતાનું શરિર બતાવવું! એક્ટીંગનો પાર્ટ તો રણદીપ હૂડા, અરુણોદય સિંઘ, આરીફ ઝકારીયા વિગેરેને હિસ્સે હતી.

ઇન્ટરનેટનો જમાનો, ખુલ્લી બજાર, માંગો તે મળે જેવી સ્થિતિ હોય ત્યારે સની લીયોનને કપડા સાથે જોવાનો ખર્ચ કોણ કરે? તો પણ પ્રેક્ષકો માટે તો સેક્સ રસનો જ વિષય રહ્યો છે માટે ફિલ્મ જોવા તો જવાના જ છે પણ મલ્ટીપ્લેક્ષમાં ૧૮૦ની ટીકીટ દીધા પછી સમજશે કે સનીનું બધું જ જોવું હોય તો માત્ર એક કલાક ગુગલ દેવતાને શરણે જઈને સની લીયોન લખે કે તરત જ મળી જાય. હવે જ્યારે સનીને પોર્ન મૂવીમાં બધું કરતી અને બધું જ જોઈ ચૂક્યા હો ત્યારે થોડુ થોડુ કોને ગમે? ફિલ્મ જોઈને પછી નેટ પર સર્ચ કરવા વાળાની સંખ્યામાં પણ વધારો તો થશે જ પણ સર્ચમાં કટકાઓ હાથમાં આવી જાય એટલે એવું કહેવાની ઇચ્છા થશે કે શની ભારે નથી! સની લીયોને જે કામ પોર્ન મૂવીમાં કર્યું છે એ કામ અહીં તો કરવાનું નહોતુ એટલે એ સિવાયની એક્ટીંગની તો બિચારી પાસે આશા પણ કેમ રાખવી? યુપીની કોઈ યુવતી હોય એવું દેખાડવાની પુરી કોશિશ કરવામાં આવી છે અને મહદ અંશે સફળતા પણ મળી છે એમ છતા જ્યારે એક્ટીંગની વાત આવી ત્યારે ખબર પડી કે સની લીયોન માત્ર અને માત્ર પોર્ન મૂવી માટે જ સર્જાયેલ છે. માછલીને પાણીમાં જ રહેવા દેવા જોઈએ, એની સુંદરતા જોઈને જો ધરતી પર મૂકવામાં આવે તો એ મરી જાય છે. આ રીતે જ સની લીયોનને પોર્ન મૂવીમાં જ રહેવા દેવી જોઈતી હતી. ફિલ્મમાં બતાવીને ઘણાના ડ્રીમ્સ પર પાણી ફરી ગયુ છે.
ફિલસૂફીની વાતની જેમ રમતા સંવાદો ફિલ્મ માટે એક પણ ફિલસૂફી રજૂ નથી કરી શક્યા. બાઇબલના રેફરન્સ શરૂ થતી ફિલ્મ પણ ધાર્મિકતા જેવું કંઇ જ નહીં. મહેશ ભટ્ટના લેખનનો કમાલ આપણે જોઈ જ ચૂક્યા છીએ. જ્યારે મહેશ ભટ્ટે ફિલ્મ સ્ક્રીપ્ટ લખી હોય ત્યારે દર્શકોને એટલું તો લાગે જ કે વાતમાં કંઈક દમ હશે જ. એ સાથે એ વિચાર પણ આવે કે સેક્સને તો પૂરો ન્યાય આપવામાં આવ્યો જ હશે. જો સની દેઓલને ફિલ્મમાં લેવામાં આવે અને રાડો પાડીને થાંભલાઓ ન તોડાવવામાં આવે તો એનો અર્થ શું? એવી જ રીતે જ્યારે સની લીયોનને ફિલ્મમાં રોલ આપવામાં આવ્યો હોય અને જો નગ્નતા પડદા પર ન જોવા મળે તો એનો અર્થ શું? જો કે પૂજા ભટ્ટ માત્ર પોર્ન મૂવી જ નહોતી બનાવતી એટલે વચ્ચે સ્ટોરી પણ ઉમેરવામાં આવી છે. એ વાત અલગ છે કે સ્ટોરી કે સેક્સ બે માંથી એક પણ વાત પર જોર આપી શકાયુ નથી. બાવાના બેય બગડ્યા જ છે. ફિલ્મનું કથાનક તમને શરૂઆતમાં એવુ ફિલ કરાવે કે વાત કંઈક જોરદાર બનશે અને સેક્સ, લસ્ટ, લવ, ધોખા, ખૂન ખરાબા ઘણું બધુ જોવા મળશે પણ હાય રે કિસ્મત આવું તો કંઈ જ ના થયું. હું તો રૂપિયા બગાડી આવ્યો, મારા વહાલા દર્શકો મને ખબર છે કે તમે સની લીયોન માટે જ ફિલ્મ જોવા જશો તો પ્લીઝ નહીં જતા એના કરતા એકાદ કલાક યુ ટ્યુબ દેવી કે ગુગલ દેવતાને શરણે જઈને સની લીયોનને જોઈ લેજો….




પેકઅપ:
આંબાના ઝાડ પર બેઠેલા ડિરેક્ટરને વાંદરાએ પૂછ્યુ “શું આવ્યા છો?” ડિરેક્ટરે જવાબ આપ્યો “બદામ ખાવા”. વાંદરાએ આશ્ચર્ય વચ્ચે કહ્યું કે “આ તો આંબાનું ઝાડ છે!”. ડિરેક્ટરે તરત જ જવાબ આપ્યો “તું તારુ કામ કર, બદામ મારા ખીસ્સામાં છે”

No comments:

Post a Comment