સગુફ્તા રફીક પોતાની સ્ટોરી લઈને મુકેશ ભટ્ટને મળે છે અને કહે
છે કે આ ફિલ્મ તમારા જ બસની છે તો વિશેષ ફિલ્મસ જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરે. લગભગ ચાર
પાંચ વાર મુલાકાત પછી સ્ટોરી સ્વીકારી લેવામાં આવી અને એ સાથે અગાઉથી રજિસ્ટર કરી રાખેલા
ટાઇટલ્સ પણ ચેક કરવામાં આવ્યા. સૌથી પહેલું ટાઇટલ નક્કી થયું ’બ્લડ મની’ પણ
ભટ્ટ કૅમ્પમાં ચર્ચા થઈ કે આ ટાઇટલ આ ફિલ્મ માટે યોગ્ય નથી. એ પછી એક નવું ટાઇટલ રજિસ્ટર
કરવામાં આવ્યું ’ઇન્ફોર્મર’ પણ સફળતા માટે તો વિચાર કરવો જ પડે એટલે છેલ્લે આ પહેલા ૨૦૦૮માં
રજૂ થયેલી ’જન્નત’ ને ધ્યાનમાં રાખીને ’જન્નત2’ ટાઇટલ નક્કી થયું. આમ પણ સફળતા
માટે કહેવાય છે કે સફળ વ્યક્તિનો જ હાથ પકડવો બાકી તો ’સનમ હમ તો ડુબેંગે તુજે ભી લે
ડુબેંગે’ જેવો
ખેલ થાય.
મહેશ ભટ્ટ-મુકેશ ભટ્ટના કૅમ્પની એક ખાસિયત રહી છે કે હીરોઇન
તો નવી જ લેવી. બજેટ ઓછું થાય અને નખરા પણ સહન કરવા નહીં. ’ઇશા ગુપ્તા’ની ઉમેદવારી
ભટ્ટ કૅમ્પમાં એક વર્ષથી પેન્ડીંગ હતી અને આમ પણ આ ફિલ્મમાં ઇશાના ભાગે કોઈ ખાસ કામ
હતું નહીં એટલે સુંદરતાને ધ્યાનમાં લઈ ઇશાનું કાસ્ટિંગ થઈ ગયું. ઇમરાન હાસમી તો હોય
જ. ઇમરાન સામે એવી જ કેમેસ્ટ્રી ધરાવતો અને શંકી લાગતો વ્યક્તિ જોઇતો હતો. ડિરેક્ટર
કુણાલ દેશમુખની નજર સૌથી પહેલા જ રણદીપ હુડા પર હતી અને રણદીપનું પણ કાસ્ટિંગ થઈ ગયું.
હવે બાકી રહ્યું હતું એક માત્ર વિલનનું પાત્ર અને એમાં બાજી મારી મનીશ ચૌધરી એ. મનીશ
ચૌધરી આમ તો સ્ટેજ સાથે વર્ષોથી જોડાયેલા એટલે અભિનય ક્ષમતા માટે તો કોઈ શંકા જ ન કરી
શકાય. ઘણા વર્ષે આરિફ ઝકારીયાને જોઈને પણ આનંદ આવે જ. નવો છોકરો મહમદ જીસાન આયુબ પણ
મિત્રના પાત્રમાં પણ યોગ્ય ન્યાય આપી શક્યો. બીજેન્દ્ર કાલા એસીપી પ્રતાપના રાઇટ હેન્ડ
તરીકે નક્કી થયા એ માટે ’પાનસીંઘ તોમર’નો પ્રખર રોલ યાદ રાખવો જ પડે.
ફિલ્મનું સૌથી સબળ પાંસુ રહ્યું એક્ટીંગ. દરેક વ્યક્તિને સોંપવામાં
આવેલુ કામ પુરેપુરી ઈમાનદારીથી નિભાવી જાણ્યું છે. દિલ્હીની પૃષ્ઠભૂમિ પર ફિલ્માવવામાં
આવેલી જન્નત 2માં એક એક પાત્ર પોતાની આગવી છાપ ઉપસાવી શક્યું. ખાસ કરીને બે પાત્રોમાં
જ્યારે કોણ લીડ રોલ છે એ નક્કી ન થતું હોય ત્યારે બન્ને પાત્રોની કેમેસ્ટ્રી બહાર ન
આવે તો ફિલ્મ મરી જાય પણ અહીં એવું ન બન્યું અને કોઈ પણ સમયે જ્યારે જ્યારે ઇમરાન અને
રણદીપના સાથેના દ્ગશ્યો જોયા ત્યારે એવું લાગે કે બંને એકબીજાને પૂરક છે. એવી જ રીતે
વિલનની જોડી પણ ધ્યાન ખેંચવામાં સફળ રહી.
જન્નત સફળ ફિલ્મ રહી હતી પણ સ્ટોરી લોજિક ભૂલી જવાયું હતું.
જન્નતમાં ઇમરાન હાસમીનો ગેસીંગ પાવર સ્ટ્રોંગ બતાવવામાં આવે છે અને એ કહે કે આ બોલ
પર છગ્ગો લાગશે તો લાગે જ તો પછી એણે બૂકી થવાની શું જરૂર હતી? જન્નતમાં સ્ટોરી ધરાર
ખેંચવામાં આવી હતી જ્યારે જન્નત2 પોતાની મેળે આગળ વધે છે. સંપૂર્ણ લોજિક નથી ચૂકાયું
એમ કહી શકાય નહીં કેમ કે ફિલ્મને વધુ ફિલ્મી બનાવવા જતા પોલીસ કમિશ્નર શ્રી જ ફૂટેલા
બતાવાયા. જો એવું હોય તો એસીપી પાસેથી કેસ આરામથી ખેંચી શકાય કે એ સસ્પેન્ડ થઈ શકે
એવી પરિસ્થિતિમાં પ્રોટેક્ટ કરવા બદલે સસ્પેન્ડેશનનો ઑર્ડર હાથમાં આપી શકાય પણ ફિલ્મ
છે એટલે થોડી ઘણી ક્ષતિઓ તો સ્વીકારવી જ પડે. એમ છતા પણ ફિલ્મનું મહત્વનું પાંસુ રીઝનીંગ
છે જે સ્ટોરી રાઇટર એ નિભાવી જાણ્યું છે. સોનુ દિલ્હી (કુત્તી કમીની ચીઝ) ગમે ત્યારે
પોતાની અનુકૂળતા મુજબ પોતાના સ્ટેપ્સ બદલાવતો રહે અને દરેક વખતે એકદમ વાજબી લોજિક સાથે.
ફિલ્મનો અંત પણ સાયકોલોજીને ધ્યાનમાં લઈને જ આપવામાં આવ્યો છે. હું ખોટો નથી એવું મારી
પત્નીને ન કહેવું એવી સૂચના આપે કારણ કે એસીપી પોતાની પત્નીના મૃત્યુનો બોજ ગળે લઈને
ફરે એ રીતે સોનુની પત્ની ના ફરે...
પ્રિતમનું મ્યુઝિક ભટ્ટ કૅમ્પની હંમેશાની માફક સારા મ્યુઝિકની
રેંજ જાળવી શક્યું અને મ્યુઝિક માટે સારા સારા ક્રીટીક્સ તરફથી ૫ માંથી ૪ સ્ટાર મેળવવામાં
સફળ રહ્યું. વિશેષ ફિલ્મ્સ અને ફોક્સ સ્ટાર
સ્ટુડિયો દ્વારા ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું. ૧૮ કરોડમાં બનેલા ફિલ્મની પહેલા ત્રણ
દિવસની ડોમેસ્ટીક કમાણી ૨૪ કરોડ આસપાસ રહી એટલે ઓવરઓલ સફળ ફિલ્મ રહી. હાં એક વાત છે
કે જો ગાળો સાંભળવામાં વાંધો ન હોય તો ફેમિલી સાથે પણ ફિલ્મ જોઈ શકાય.
પેકઅપ: સ્વર્ગ
અને નર્ક વચ્ચેનો ફાંસલો ગર્લફ્રેન્ડ અને પત્ની જેટલો હોય છે.(તમે આગળ પાછળ ગોઠવી શકો)
No comments:
Post a Comment