Saturday, 18 August 2012

ગેંગ્સ ઑફ વસ્સેપુર : ડોક્યુમેન્ટરી કે ફિલ્મ?




ફિલ્મ સમાજના જુદાજુદા વર્ગોને સાંકળીને ઓડીયો-વિઝ્યુલ રજૂઆત કરતું મનોરંજન છે. ’આલમઆરાથી બોલતા ફિલ્મની શરૂઆત થઈ ત્યાર પછી ફિલ્મ ક્ષેત્રે ઘણા બધા ફેરફારો આવ્યા. ડિરેક્ટર્સના વ્યુ બદલાતા રહ્યા. સમય જતા ફિલ્મમાં પ્રયોગ કરવાની પ્રથા જાણીતી બની ગઈ. અમુક ડિરેક્ટર્સ તો પ્રયોગના જ ડિરેક્ટર્સ કહેવાવા લાગ્યા. એમાના એક ડિરેક્ટર એટલે અનુરાગ કશ્યપ. અનુરાગની ફિલ્મ જોવા વાળો એક ખાસ વર્ગ ઊભો થયો. અનુરાગને હું આસિસ્ટન્ટશીપ કરતો ત્યારથી ઓળખુ છું. લોખંડવાલામાં ચા ઊકળતી રેકડીને ટેકે ઊભા પણ ફિલ્મ, ફિલ્મ અને ફિલ્મની જ વાતો કરતો અનુરાગ ફિલ્મ્સમાં જીવ રેડી દેતો. આ પહેલા એક્ટીંગથી લઈને આસિસ્ટન્ટશીપ કરેલી એની ઘણી બધી ફિલ્મ્સ હતી પણ ખરી શરૂઆત કહી શકાય તો ’સ્લમ ડોગ મિલિયોનર આ ફિલ્મમાં લોકો ભલે ડેની બોયલને યશ આપતા પણ ખરા યશનો હકદાર અનુરાગ જ હતો. અનુરાગ ખૂબ સારો સ્ક્રિનપ્લે રાઈટર પણ રહ્યો છે. અનુરાગની લખેલી ‘સત્યા’, ’વોટર અને ’બ્લેક ફ્રાયડે માટે એવૉર્ડ પણ મળી ચૂક્યા છે. અનુરાગની ફિલ્મની સફર શરૂ થઈ શૉર્ટ ફિલ્મથી. ’લાસ્ટ ટ્રેઇન ટુ મહાકાલી જે અનુરાગના ડિરેક્શનમાં પહેલી ફિલ્મ હતી. આ પછીની દરેક ફિલ્મ્સ પ્રયોગાત્મક રહી જેમ કે ’બ્લેક ફ્રાયડે, ’નો સ્મોકીંગ, ’દેવ ડી, ’ગુલાલ, ’મુંબઈ કટિંગ, ’ધ ગર્લ વિથ યલ્લો બૂટ અને તાજેતરનો પ્રયોગ એટલે ’ગેંગ્સ ઑફ વસ્સેપુર. બસ અહીંયાં ભાઈ માર ખાઈ ગયા એવું લાગે છે.

ગેંગ્સ ઑફ વસ્સેપુર એટલે મૂળ પાંચ કલાકની ફિલ્મ. આમ તો કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પુરેપુરી પાંચ કલાકની ફિલ્મ દેખાડવામાં આવી પણ ભારતીય પ્રેક્ષકો હવે બે કલાકની ફિલ્મ પણ માંડ સહન કરે છે ત્યારે ફિલ્મને બે ભાગમાં રીલીઝ કરવાનું નક્કી થયું. પહેલો ભાગ ૨.૪૫ કલાકનો અને બીજો ભાગ ૨.૧૫ કલાકનો.  એક ભાગ સહન કરી ચૂકેલા પ્રેક્ષકો કદાચ ભાગ બે સહન ન કરે તો નવાઈ પામવી નહીં પણ ડિરેક્ટરની દ્રષ્ટિએ ફિલ્મમાં પ્રયોગ તો થવા જ જોઈએ. ફિલ્મની રજૂઆત માટે જરૂરી છે ખૂબ સારો સ્ક્રીનપ્લે. જીશાન કાદરી, અખીલેશ, સચીન લાડીયા અને અનુરાગ કશ્યપ પોતે આ ફિલ્મના સ્ક્રીનપ્લે લખ્યા છે. ફિલ્મની રજૂઆત કરવા માટે જ્યારે ડિરેક્ટર કે રાઈટર પાસે અન્ય કોઈ રસ્તો નથી રહેતો ત્યારે બૅકગ્રાઉન્ડ વોઈસ એટલે કે કોમેન્ટ્રીનો સહારો લેવો પડે છે. જેમ કે ’મહાભારતમાં ’મૈં સમય હું મૂકવામાં ન આવ્યું હોત તો વાર્તા એક તાંતણે ગૂંથવી શક્ય ન હોત. આ ફિલ્મ લખ્યા પછી અનુરાગને કદાચ ખબર પડી હશે કે પાંચ કલાક સુધી લોકોને બેસાડી કેમ રાખવા? આ કારણોથી જ ફિલ્મમાં વોઇસ ઓવરનો પ્રયોગ કરવામાં આવ્યો અને આ પ્રયોગ ફિલ્મને ફિલ્મ કરતા વધારે ડોક્યુમેન્ટરી સાબિત કરવા લાગી. પણ ડી.એન.એ. ના રિપોર્ટ મુજબ ટોપ ઇન્ફ્લ્યુઅન્શ ૫૦ માણસોમાં અનુરાગનો ઉલ્લેખ થતો હોય ત્યારે અનુરાગને પ્રયોગ કરવાની છૂટ આપોઆપ મળી જાય છે. જો કે અહીં એક ઉલ્લેખ કરવો જરૂરી છે કે જે લોકો બિહાર, ઝારખંડ જેવા વિસ્તારથી પરીચીત નથી એમના માટે તો આ ફિલ્મ સાવ નક્કામુ છે કેમ કે વિસ્તાર મુજબ દરેક વાર્તાનો ચાર્મ અલગ હોય છે. જો તમે થોડી ઘણી પણ વિસ્તારની સમસ્યા અને સ્થિતિ જાણતા હો તો જ તમને ફિલ્મ ગમે અને સમજ પડે.

ફિલ્મમાં ત્રણ પેઢીની વાતને વણવામાં આવી છે. ખૂબ ઉચ્ચ કક્ષાના આર્ટીસ્ટ્સ ભરવામાં આવ્યા છે. ફિલ્મનું ટાઇટલ છે ’ગેંગ્સ ઑફ વસ્સેપુર પણ જો ફિલ્મમાં કોઈ ગેંગ્સ ન દેખાય તો પણ પ્રશ્ન નહીં કરવાનો. આમ તો એક એકલા વ્યક્તિની જ લડાઈ છે પણ બે-ચાર વ્યક્તિઓ ભેગા થઈ જાય એટલે એને ગેંગ ગણી લેવી. પહેલા ભાગનું મુખ્ય પાત્ર છે મનોજ બાજપેઇ. મનોજ એક અચ્છો આર્ટિસ્ટ છે એ સાબિત કરી ચૂક્યો છે. આમ તો મહેશ ભટ્ટના ’તમન્ના ફિલ્મથી એની શરૂઆત થઈ છે પણ લોકો ઓળખતા થયા ’સત્યાના ભીખુ માતરેથી. ભીખુ માતરે પછી જો લેવલની કોઈ ભૂમિકા મળી હોય તો આ ફિલ્મ છે. મનોજને ઘણા બધા ડિરેક્ટર્સ વેડફી ચૂક્યા છે પણ અહીંયાં પૂરતી તક આપવામાં આવી. ક્રિટીક્સના મતે મનોજે ખૂબ સારુ પર્ફૉર્મન્સ આપ્યું પણ મારા મતે જરૂરિયાત કરતા થોડું વધારે ઓવર એક્ટીંગ કરાવવામાં આવ્યું છે. અનુરાગનો હંમેશા ફેવરીટ રહેલો આર્ટિસ્ટ ’પિયુષ મિશ્રા આ ફિલ્મમાં પણ એક લેવલથી કામ નિભાવી શક્યો છે. લોકો જો પિયુષ વિશે ન જાણતા હોય તો અહીં એક વાત કહી દઉં કે પિયુષ ખૂબ સારા આર્ટિસ્ટ હોવાની સાથે ખૂબ સારો લીરીસીસ્ટ પણ છે, ઉપરાંત ખૂબ સારો મ્યુઝિક કંપોઝર પણ છે. અનુરાગે આ ફિલ્મમાં પિયુષનો આર્ટિસ્ટ ઉપરાંત લીરીસીસ્ટ ને મ્યુઝિક માટે પણ ઉપયોગ કર્યો છે એટલે આ ફિલ્મના મ્યુઝિકના તો બે મોઢે વખાણ કરવા પડે. ફિલ્મ ન જોવો તો કંઈ ગુમાવશો નહીં પણ શક્ય હોય તો ફિલ્મના મ્યુઝિકને તો ખરીદી જ લેવું.

જો લોકો એ તાજેતરમાં વખણાયેલુ ફિલ્મ ’પાનસિંઘ તોમર જોયું હોય તો એના ડિરેક્ટર ’તિગ્માંશુ ધુલિયા પણ યાદ હશે. આ ફિલ્મમાં તિગ્માંશુને એક દમદાર કૅરેક્ટર રમધીર સિંઘનું આપવામાં આવ્યું છે અને બધાના આશ્ચર્ય વચ્ચે એક ડિરેક્ટર આટલું સારુ એક્ટીંગ કરી શકે એ એણે સાબિત કરી દીધું. પુરા ફિલ્મમાં સતત સ્ક્રીન પર આવતા તિગ્માંશુને માણવો એ એક લહાવો છે. ફિલ્મમાં નેગેટિવ કૅરેક્ટર પાસે વધુ સ્કોપ હોય છે અને એ તક ઝડપી શકે એ ખરો આર્ટિસ્ટ. અહીં તિગ્માંશુ એ આ તકનો પુરેપુરો ફાયદો ઉઠાવ્યો છે. ફિલ્મમાં મનોજ બાજપેઇની બે પત્નીઓ છે. પહેલી પત્ની એટલે ’રીચા ચઢ્ઢા અને બીજી પત્ની એટલે ’રીમ્મા સેન બંને પત્નીઓ પોત પોતાની જગ્યા પર એકદમ સુંદર રીતે એક્ટીંગ રજૂ કરી શકી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ’રીમા સેન છે જ એટલે આ ફિલ્મની હીરોઇન એ પોતાનું નામ રીમા હોવા છતા રીમ્મા કહેવડાવવાનું શરૂ કર્યું છે. જોઈએ નામનો જાદુ આવનારા ફિલ્મ્સમાં એને કેવો સાથ આપે છે. ફિલ્મની શરૂઆત મનોજ બાજપેઇના પિતા જેનું ફિલ્મમાં નામ છે શાહીદ ખાન અને જે ’જયદીપ અહલાવત્ત છે. જયદીપની આ પહેલાની ફિલ્મ્સ ’આક્રોશ, ’રોકસ્ટાર, ’ખટ્ટા મીઠ્ઠામાં પોતાની આવડત બતાવી હતી પણ આ ફિલ્મમાં જયદીપની એક્ટીંગ માટે કહી શકાય કે અત્યાર સુધીનું કેરિયર બેસ્ટ પર્ફૉર્મન્સ રહ્યું. ફિલ્મના બીજા ભાગ માટે ત્રીજી પેઢી પણ ઇન્ટ્રોડ્યુસ કરી દેવામાં આવી. ત્રીજી પેઢી એટલે મનોજ બાજપેઈની પહેલી પત્નીનું સંતાન ફૈઝલ ખાન. આ પાત્ર ’નવાઝુદ્દીન સીદ્દીકી એ ભજવ્યું છે. જે રીતે આ પાત્રને રજૂ કરવામાં આવ્યું છે એ સમજી શકાય છે કે બીજા ભાગમાં એ મુખ્ય પાત્ર બની રહેશે. ફિલ્મમાં ઘણા બધા પાત્રો છે. ફિલ્મના અંત સુધી પાત્રો ઉમેરાતા રહે છે. ફિલ્મમાં જો પાત્ર મહત્વનું હોય તો નીચે નામ લખવામાં આવે છે. તમને લાગે કે બસ હવે ઘણા પાત્રો થઈ ગયા હવે કોઈ નવું નામ નહીં ઉમેરાય તો તમે ભૂલ કરો છો. ફિલ્મની છેલ્લી ૩૦ મીનીટમાં પણ નવા બે પાત્રો આવે છે.

વ્યક્તિગત રીતે એક એક પાત્ર પોતાનું યોગ્ય યોગદાન આપવામાં સફળ રહ્યા છે પણ ફિલ્મનું સૌથી નબળું પાંસુ છે સ્ક્રિનપ્લે. સિનેમેટોગ્રાફી, સેટ ડીઝાઇનીંગ, મ્યુઝિક, ડિરેક્શન બધું જ યોગ્ય હોવા છતા ફિલ્મ ખરાબ છે એવું કહેતા હું અચકાઇશ નહીં. જો આ ફિલ્મ જોઈને તમે આખી વાત રજૂ કરી શકો તો તમે ફિલ્મ સમજવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ ગણાશો. ફિલ્મમાં તમે એક પણ દ્ગશ્યમાં સેટ નહીં થઈ શકો, તમે એક પણ વાતને સમજી નહીં શકો, તમે એક પણ જગ્યા પર સ્થિર નહીં થઈ શકો. એક વાત હજુ પુરી એસ્ટાબ્લીશ ન થઈ હોય ત્યાં બીજી વાત શરૂ થઈ જશે. અંત સુધી તમને ફિલ્મનો મુખ્ય ગોલ શું છે એ જ સમજ નહીં પડે. ડિરેક્ટર આખરે કહેવા શું માગે છે? આવો પ્રશ્ન થશે જ. જો તમે પ્રયોગાત્મક ફિલ્મ્સ જોવાના શોખીન હો તો ચોક્કસ આ ફિલ્મ જોજો પણ ફિલ્મ તરીકે નહીં. કોઈ લાંબી ડોક્યુમેન્ટરી જોતા હો એ દ્રષ્ટિએ ફિલ્મ જોશો તો ગમી પણ શકે.






પેકઅપ:
ટ્રાન્સપોર્ટનો ધંધો કરવા વાળા બધા ગધેડા નથી હોતા….”

No comments:

Post a Comment