અનુરાગ કશ્યપ પ્રયોગાત્મક વાતો રજૂ કરવા માટે પ્રખ્યાત છે.
આ પહેલાના ગેંગ્સ ઑફ વસ્સેપુરના આર્ટિકલમાં મેં મારો સ્પષ્ટ અભિપ્રાય રજૂ કર્યો હતો
કે આ વખતે ભાઈ માર ખાય ગયા છે પણ જ્યારે બીજો ભાગ જોયો ત્યારે હું મારુ સ્ટેટમેન્ટ
બદલીશ કે પહેલા ભાગ કરતા બીજા ભાગમાં વધુ સારી રીતે વાત દર્શકો સમક્ષ મૂકવામાં આવી
છે. પહેલા ભાગ વખતે વધુ પડતો વોઇસ ઓવરનો સહારો સાબિત કરતો હતો કે ફિલ્મને ખેંચવા માટે
કોઈ ને કોઈ સહારાની જરૂર છે પણ બીજા ભાગમાં વોઈસ ઓવરનો સાથ એટલો જ લેવામાં આવ્યો છે
જ્યાં જરૂર હોય. આમ તો આ ફિલ્મનું મૂલ્યાંકન કરવું એ સૌથી અઘરું કામ છે કેમ કે મૂળ
વાત જો સમજો તો ફિલ્મ બે ભાગમાં બનાવવામાં જ નથી આવી. આ એક જ ફિલ્મ છે જેને બે ભાગમાં
રીલીઝ કરવામાં આવી છે. એમ છતા ફિલ્મના પહેલા ભાગને જોઈને જે દુ:ખ થયુ હતું એ બીજા ભાગે
આશ્વાસન રૂપે સંભાળી લીધું. પહેલા ભાગ કરતા બીજા ભાગમાં અનુરાગ વધુ સચોટ રહ્યો. જે
વાત જે રીતે રજૂ કરવી હતી એ રીતે જ રજૂ કરી એટલે તમે જો પહેલો ભાગ ન જોયો હોય તો પાયરેટેડ
૨૦ રૂપિયાની સીડી લઈને પણ જોઈ લેજો અને પછી બીજો ભાગ થિયેટરમાં જોજો તો તમને ફિલ્મ
ચોક્કસ ગમશે.
અનુરાગ ફિલ્મને ઘોળી ને પી ચૂક્યો છે એટલે એક એક વાતનો ખ્યાલ
રાખી પ્રયોગ કરે છે. તમે ગમે તેટલી સારી ફિલ્મ બનાવો, તમે ગમે તેટલા સારા દિગ્દર્શક
હો પણ જો તમારી ફિલ્મ રીલીઝ ન થાય તો તમારી કલા શું કામની? આ વાત અનુરાગ પહેલેથી જ
જાણતો હતો. અનુરાગ આ કારણોથી પોતાની ફિલ્મ થિયેટર રીલીઝ કરવાના બદલે ફેસ્ટિવલ રીલીઝ
કરતો થયો. જો તમારી પાસે બ્રાન્ડ વાળા આર્ટીસ્ટ્સ નથી તો તમારો હાથ પકડવા કોઈ તૈયાર
નહીં હોય. આવા સંજોગોમાં જો તમારી ફિલ્મ એકાદ બે ફેસ્ટિવલમાં પ્રશંસા પામી ચૂકી હોય
તો તમારી ફિલ્મને રીલીઝ મળી શકે. અનુરાગ આજે ભલે એક મોટી બ્રાન્ડ હોય પણ એક ગરીબ ફિલ્મ
મેકરની પોતાની આગવી સ્ટાઇલને જીવતી રાખીને આ ફિલ્મ પણ કેન્સમાં પહેલા રજૂ કરવામાં આવી.
આ રીતે જ અનુરાગને જ્યાં સુધી હું ઓળખતો ત્યાં સુધી મને ખબર છે કે ૧૦ કે ૨૦ રૂપિયા
ખર્ચવા પણ અઘરા પડતા. જે વ્યક્તિએ ખરાબ દિવસો જોયા હોય એ રસ્તાઓ કાઢતા શીખી જ જાય છે.
ગેંગ્સના શૂટીંગ વખતે અનુરાગે દિવાળીનો સમય નક્કી કર્યો. હવે તમને થશે કે દિવાળીને
અને શૂટીંગને શું લાગે વળગે? પણ અનુરાગ માટે વધારે પડતી લાઇટ્સનો ખર્ચો કરવો શક્ય ન
હતો. દિવાળીના ગાળામાં બધે જ રોશની હોય છે અને જો તમે સારા કૅમેરાનો ઉપયોગ કરો તો આ
ઓછી લાઇટ્સમાં પણ તમે તમારું ધાર્યું કામ કરી શકો.
બહુ ઓછાં ડિરેક્ટર્સ છે કે જે પોતાની ફિલ્મમાં એક નવું પાત્ર
ઇન્ટ્રોડ્યુસ કરે અને કરોડો રૂપિયાનો જુગાર રમે. એક સમય હતો જ્યારે નવા આર્ટીસ્ટ્સ
ઇન્ટ્રોડ્યુસ થતા પણ હવે જ્યારે પબ્લિક ડિમાન્ડ થઈ ચૂકી છે કે જાણીતા કલાકાર અને પ્યોર
એન્ટર્ટાઇન્મેટ. આવા સંજોગોમાં અજાણ્યા કલાકારો લઈને ફિલ્મ ચલાવવી એ હિંમતનું કામ છે
પણ અનુરાગ આ માટે ટેવાયેલો છે. ગેંગ્સ ઑફ વસ્સેપુરના પહેલા ભાગનો રીવ્યુ લખ્યો ત્યારે
મેં લખેલુ કે જે રીતે નવાઝુદ્દીન સીદ્દીકીને રજૂ કરવામાં આવ્યો છે એ પરથી લાગે છે કે
નવાઝુદ્દીન ભાગ બે નો હીરો હશે અને એવું જ થયું. લોકો માટે મનોજ બાજપેયી ભલે એક બ્રાન્ડ
હોય પણ જો એક્ટીંગ માટે કંપેર કરવામાં આવે તો મનોજ કરતા નવાઝુદ્દીને મોટી છાપ છોડી
છે. એક ઇન્ટર્વ્યૂમાં નવાઝુદ્દીને કહ્યું પણ હતું કે “ડિરેક્ટર્સ હંમેશા મુખ્ય પાત્રમાં
હીરો મટીરિયલ શોધે છે. હું તો સમજી જ નથી શકતો કે આ હીરો મટીરિયલ શું છે! એમ છતા આ
ફિલ્મ પછી લોકોને મારામાં હીરો મટીરિયલ છે એવું લાગવા માંડ્યું છે” હું
નવાઝુદ્દીનની વાત સાથે સહમત છું. જો માત્ર હીરો મટીરિયલ પર જ ફિલ્મ ચાલતી હોત તો ઓમ
પુરી ક્યારેય હીરો બની શક્યા ન હોત.
અનુરાગની ખાસિયત એ છે કે એ કોઈ પણ પાત્ર પાસે ઑફ બીટ એક્ટીંગ
કરાવી શકે છે. પહેલા ભાગમાં મનોજ બાજપેયીની પહેલી પત્ની એટલે રીચા ચઢ્ઢા આ ભાગમાં પણ
એની પ્રતિભા બતાવવામાં પાછી નથી પડી. એક પત્નીથી લઈને એક માં સુધીના પોતાના પાત્રને
આથી વિશેષ ન્યાય આપવાનું વિચારી જ ન શકાય. ઘરના પાત્રને ગુમાવવાનું દુ:ખ બધાને હોય
પણ જો એ દુ:ખ વચ્ચે પણ બદલો ભૂલી ન શકાય એવી સ્થિતિ હોય અને એ પણ તમારે માત્ર ચહેરાના
ભાવથી જ બતાવવાનું હોય તો શું કરવું? માત્ર એક જ ડાયલોગના સહારે “તુમ લોગોં કો ખાના
હજમ કૈસે હોતા હૈં?” બોલીને જે ચહેરા પર રીચાએ ભાવ કંડાર્યા છે એ માટે એકવાર તો આફરીન
કહેવું જ પડે. એક પણ પાત્ર જાણીતું નથી છતા ગેંગ્સ ઑફ વસ્સેપુર 2 જોઈને એવું તો કહેવું
જ પડે કે એક પણ પાત્ર એક્ટીંગમાં એક પાંચિયા ભાર પણ નબળો નથી. નવાઝુદ્દીન એટલે કે ફૈઝલ
ખાનની પત્ની તરીકે હુમા કુરેશી જે રીતે ઇમોશન અને પ્રેક્ટીકલ બંને વચ્ચે પોતાનું પાત્ર
જાળવી શકી છે એ કાબિલે તારીફ છે. ફિલ્મમાં સુલતાન એટલે કે પંકજ ત્રીપાઠી આગલી સીક્વન્સને
જાળવતા એક અનોખું પાત્ર નિભાવી શક્યો છે. આ રીતે જ રીતે ભાગ 2માં ઇન્ટ્રોડ્યુસ થયેલું
પાત્ર ડેફીનેટ જે સરદાર ખાનની બીજી પત્નીનું દ્વારા પેદા થયેલું સંતાન. આ પાત્ર ભજવ્યું
છે ઝીશાન કુરેશીએ. ફિલ્મમાં પોતાના નામની જેમ જ પોતે ડેફીનેટ છે. પોતાના ગોલ, પોતાના
વિચારો, પોતાની સ્ટાઇલ બધું જ ડેફીનેટ સ્ટાઇલથી રજૂ કરીને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું
ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો છે. ગેંગ્સ ઑફ વસ્સેપુર 2ની ખાસ ખાસિયત એ રહી કે જે કોઈ
પાત્રો ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા એ બધા જ એક્ટીંગના બાદશાહ રહ્યા. પછી ભલે એ એક નાનું
પાત્ર હોય કે મોટું. ફિલ્મમાં એક કપડાના વેપારીથી શરૂ કરીને આગળ વધતો શમશાદ આલમ એટલે
કે રાજકુમાર યાદવ પણ એક અલગ જ છાપ છોડી શક્યો છે. ફિલ્મની મઝા એ હતી કે નામ કંઈક અલગ
રીતે જ રાખવામાં આવેલા. નવાઝુદ્દીનના ભાઈના પાત્રમાં આદિત્ય કુમારનું ફિલ્મમાં નામ
પર્પેન્ડીક્યુલર હતું. આ નામ કેમ રાખવામાં આવ્યું એની ચર્ચા ફિલ્મમાં નથી પણ જો ફિલ્મ
જોશો તો એવું તો લાગશે જ કે આ નામ એકદમ યોગ્ય છે.
પાત્રોની ચર્ચા થાય છે ત્યારે આગલાં ભાગથી ચાલ્યા આવતા પાત્રો જેવા કે તિગ્માંશુ
અને સત્ય આનંદ. રામાધીર સિંઘનું સચોટ પાત્ર અને સત્ય એટલે રામાધીર સિંઘના પુત્રનું
પાત્ર. સમય સાથે તાલ મિલાવતા તમને એક સેકંડ માટે પણ પ્રશ્ન નહીં થાય કે ધીમેધીમે ઉમર
અને એક્ટીંગની પરિપક્વતા કેટલી બધી સચોટ રીતે રજૂ થઈ શકી છે.
પહેલા ભાગ અને બીજા ભાગનું મૂલ્યાંકન કરીએ તો એક વાત સ્પષ્ટ
રીતે સામે આવે છે કે બીજો ભાગ પોતે જે કહેવા માગે છે એ કહે છે. વોઇસ ઓવરનો સહારો ત્યાં
જ લેવામાં આવ્યો છે જ્યાં ખૂબ જરૂર જણાય છે. દરેક પાત્રો પોતાના ગોલમાં સચોટ છે. કોઈ
પણ ફિલ્મ જોતા હો ત્યારે તમારી લાગણી કોઈ પણ પાત્ર સાથે જોડાય જાય છે પછી એ પાત્ર સાચું
હોય કે ખોટું. મેં ઘણા સમયે એવું ફિલ્મ જોયું છે કે જેમાં મને દરેક પાત્ર પોતપોતાની
જગ્યા પર સાચું લાગ્યું છે. મારી લાગણી દરેક પાત્ર સાથે જોડાયેલી રહી. ફિલ્મમાં કોઈ
દગો કરે તો પણ વાજબી લાગે અને કોઈ ન કરે તો પણ વાજબી લાગે. કોણ કોની સાથે જોડાય જાય
અને ક્યારે કયો દાવ રમે એ તમે ભલે પ્રીડીક્ટ કરી શકો તો પણ ફિલ્મ તમને જકડી રાખે છે.
એક પણ જગ્યા પર વિલન વિલનગીરી કરતો નથી પણ એ વિલન છે જ. પહેલો ભાગ જે હદે વાત રજૂ કરવામાં
નિષ્ફળ રહ્યો એ હદે જ બીજો ભાગ સફળ રહ્યો છે. ફિલ્મમાં ગાળો છે પણ એક પણ ગાળનો દુરુપયોગ
નથી થયો. જ્યાં જરૂર છે ત્યાં જ અને ખરા શબ્દોમાં જ ગાળ સાંભળવા મળશે. એક્ટીંગનો સર્વશ્રેષ્ઠ
નમૂનો જોવો હોય તો ગેંગ્સ ઑફ વસ્સેપુર 2 જોઈ જ લેવું….
પેકઅપ:
ગાળ એ પુરુષનું મેન્સીસ છે-ચંદ્રકાંત બક્ષી
No comments:
Post a Comment