ઘણીવાર ફિલ્મ એનાઉન્સ થાય અને ધડાધડ પૂરી પણ થઈ જાય, તો ક્યારેક
કોક ફિલ્મ રાહ જોઈને માંડ માંડ પૂરી થાય. આમ બોલ બચ્ચનની શરૂઆત ૨૦૧૦માં થઈ હતી પણ રોહિત
શેટ્ટીનો આગ્રહ હતો કે ગોલમાલ ૪ પહેલા બનાવવામાં આવે. ગોલમાલ ૩ સારો ધંધો કરવામાં સફળ
રહી હતી. રોહિત શેટ્ટીનો સિતારો જ્યારે સાતમા આસમાન પર છે ત્યારે પોતાની બ્રાન્ડનો
ઉપયોગ કરી લેવો એ મત સાથે ૨૦૧૦માં ગોલમાલ ૪ રોકી દેવામાં આવી. અજય દેવગણ હવે પાક્કો
પ્રોડ્યૂસર થઈ ગયો છે. એટલે જ કદાચ ગોલમાલ ૪ને પાછડ છોડીને આ ફિલ્મ હાથમાં લેવામાં
આવી. અજયનું માનવું હતું કે સિરીઝ ફિલ્મની વચ્ચે ઓછામાં ઓછું બે વર્ષનું અંતર રહેવું
જોઇએ. ૨૦૧૧માં બોલ બચ્ચનની દોર ફરી રોહિત શેટ્ટીએ સંભાળી અને ૬ જુલાઈના રોજ રીલીઝ થઈ.
અમોલ પાલેકર વાળી ગોલમાલનો જ બેઝ લઈને બનાવેલી ફિલ્મ એટલે બોલ બચ્ચન. ફિલ્મ માટે એટલું
કહી શકાય કે ફિલ્મમાં મનોરંજન તો છે જ પણ ટૂકડે ટૂકડે મનોરંજન મળે છે.
ફિલ્મના નિર્માણ પછી ફિલ્મમાં ઘણા બધા ફેરફારો થયા છે. આ ફિલ્મ
એનાઉન્સ થઈ ત્યારે લીડ રોલમાં બિપાસા બસુને સાઇન કરવામાં આવી હતી પણ ખરેખર ફ્લોર પર
ગઈ ત્યાં સુધીમાં ફેરફાર સાથે અસીન લીડ રોલમાં આવી ગઈ. આ રીતે જ સેકન્ડ લીડ જેનેલીયા
ડીસોઝાએ સંભાળવાનું હતું પણ લગ્ન અને થોડા ઝગડાને કારણે આ રોલ પ્રાંચી દેસાઈને આપવામાં
આવ્યો. આ ગુજરાતી કુડી નસીબ લઈને જન્મી છે. અચાનક જ મોટા બૅનરની ફિલ્મ અને સારો રોલ
મળી જાય છે. ફિલ્મમાં અભિષેક બચ્ચનની સામે હિરોઈન એટલે એક ગજુ કાઢ્યું કહેવાય. કૉમેડી
સર્કસના કેટલા બધા એપીસોડથી સાંભળતા સાંભળતા થાકી ગયા હતા કે ’જયપુર મેં સેટ લગા હૈં’. પોતાના
વચન પ્રમાણે ક્રિષ્નાને પોતાનો પ્રથમ બ્રેક રોહિત આપ્યો ખરો. અર્ચના પુરનસીંઘ સાથે
પણ રોહિત વફાદારી નિભાવી. પોતાની સાથે જજ કૉમેડી સર્કસના જજની ખુરસી સજાવતી અર્ચનાને
ભાડુતી માતાનો રોલ આપ્યો. આપણો ગુજરાતી બંદો નિરજ વોરા પણ રોહિત શેટ્ટીનો માનીતો કલાકાર
રહ્યો છે માટે એ પણ અજય દેવગણના સાથી તરીકે આખી ફિલ્મમાં જોવા મળશે.
ફિલ્મ સફળ કરવા માટે જાતજાતના નુસ્ખાઓ કરવામાં આવે છે અને એમાં
પણ ખાસ કરીને રોહિત શેટ્ટીને તો કોઈ પણ રીતે પોતાની ફિલ્મ પ્રોમોટ કરવી જ હોય છે. આમ
જુઓ તો આ પ્રોમોશનનો સૌથી મોટો ફાયદો અજય દેવગણે ઉઠાવી જ લીધો. ૪૫ કરોડના બજેટમાં બનેલી
ફિલ્મ પહેલા જ ૯૪ કરોડમાં ફોક્સ સ્ટાર સ્ટુડિયોને આપી દેવામાં આવી. જો કે રાજુ શાહ
જે બીજા નિર્માતા હતા એમણે ૩૬ કરોડ ન ચુકાવતા અષ્ટવિનાયક ડીસ્ટ્રીબ્યુટર જોડે લીગલ
ઝગડામાં પણ ઊતરવું પડ્યું હતું. અજય દેવગણની એક વાત તો વખાણવી જ પડે કે ટેબલ પર જ ફિલ્મ
વહેંચાય ગઈ હોવા છતા દરેક રીયાલીટી શો માં ફિલ્મના પ્રચાર માટે રોહિત શેટ્ટી અને અભિષેક
બચ્ચન સાથે પહોંચી ગયો. રોહિત શેટ્ટીની એક પછી એક ફિલ્મ સફળ રહેતી હોય ત્યારે રોહિત
પણ આવી તકો છોડવી ન જોઈએ. જો વાંચકો જાણતા ન હોય તો કહી દઉં કે રોહિત શેટ્ટી જન્મવાની
સાથે જ ફિલ્મ્સ સાથે જોડાયેલો રહ્યો છે. લોકોને જો યાદ હોય તો જૂના ફિલ્મ્સમાં વિલન
તરીકે આવતો શેટ્ટી એટલે બીજો કોઈ નહીં પણ રોહિત શેટ્ટીનો બાપ. એક તો અભિષેક બચ્ચન હોય
અને બીજુ જૂના મિત્રનો પુત્ર ડિરેક્ટર હોય ત્યારે અમિતાભ બચ્ચને પણ બેક બોલ બચ્ચન કરવા
આવવા જ પડે. ફિલ્મમાં ટાઇટલ સોંગ કે આઇટમ સોંગ જે કહો તે બચ્ચન સા’બે કર્યું.
બચ્ચન તો બચ્ચન જ છે. અમસ્તાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ’સાલા બોલ બચ્ચન હૈં, ઔર
કુછ નહીં’ સાંભળવા
નહીં મળતું હોય.
એક્ટીંગની વાત કરીએ તો ફિલ્મમાં મુખ્ય પાત્ર ભલે અભિષેકનું
રહ્યું પણ ફિલ્મમાં સતત છવાયેલો તો અજય દેવગણ જ રહે છે. અજય દેવગણને પહેલા ફિલ્મ ફૂલ
ઔર કાંટેમાં જોયો ત્યારે એવું કહેવાય ગયું હતું કે બીજો મીઠુન ચક્રવર્તી આવી ગયો પણ
અજય દેવગણ માટે આ વાક્ય ખોટું સાબિત થયું. અજય દેવગણ એક પછી એક ફિલ્મમાં અભિનય શીખતો
ગયો. બોલ બચ્ચનના અભિનય માટે એટલું કહી શકાય કે અજયની જગ્યા પર બીજો કોઈ પણ અભિનેતા
હોત તો આ ફિલ્મમાં એક્ટીંગ જોવા ન મળ્યું હોત. પૃથ્વીરાજસિંહ રઘુવંશી એટલે કોઈ પણ એન્ગલથી
રજવાડું નથી એવું ન લાગે. આ રીતે અભિષેક ડબલ રોલ નિભાવવા માટે ખૂબ મહેનત કરતો જોવા
મળ્યો. ફિલ્મનું નામ અબ્બાસ અલી અને ઊભું કરાયેલું નામ એટલે અભિષેક બચ્ચન જ. મૂછોનો
એજ કૉન્સેપ્ટ પણ મૂછો વગરના પાત્રને સ્ત્રેણ લક્ષણો આપીને દોસ્તાના યાદ કરાવી દીધું.
અસરાની ઉમર થઈ ગઈ છતા પોતાના પાત્ર માટે પુરા વફાદાર જ રહ્યા છે. અસરાની પોતાના નાનામાં
નાના પાત્રને પણ ન્યાય આપે છે. ફિલ્મમાં અજય દેવગણના દૂરના ભાઈ અને દુશ્મનનું કૅરેક્ટર
એટલે જીતુ વર્મા. બિચારાંએ ઘણી ફિલ્મ્સ કરી પણ માર ખાવાનું જ કામ મળ્યું છે. બંને હિરોઇન્સના
ભાગે બહુ જાજુ કામ નથી તો પણ કહેવા ખાતર અસીન લીડ છે પણ વધુ કામ પ્રાંચીનું રહ્યું.
ફિલ્મનું સૌથી જમા પાંસુ હતું ફિલ્મના ડાયલોગ્સ. ઘણી જગ્યાએ
ફિલ્મ નબળું પડી શકે તેમ હતું પણ ડાયલોગ્સ અને એમાં પણ ખાસ કરીને અજય દેવગણનું ઇન્ગલીશ.
જે રીતે કોઈ પણ કહેવત કે કોઈ પણ વાતને અંગ્રેજીમાં ભાષાંતર કરીને રજૂ કરવાની કળા વખાણવા
લાયક છે. જે લોકોને ફાઇટ્સ ગમે છે એમના માટે પણ એકદમ ફૂલ ફટાંગ ફાઇટ સિન્સ છે જ. રોહિત
શેટ્ટીની ફિલ્મ હોય અને વાયર ફાઇટ્સ ન હોય તો કેમ ચાલે? એ રીતે જ રોહિત શેટ્ટીની ફિલ્મ
હોય અને ગાડીઓ ન ઊડે તો પણ કેમ ચાલે? રોહિત જ્યારે પણ ફિલ્મનું બજેટ રજૂ કરે ત્યારે
નિર્માતા એક પ્રશ્ન ચોક્કસ પૂછે છે ’કિતની ગડિયાં તોડને કી હૈં’. ફિલ્મનું
લગભગ ૧૦% બજેટ તો ગાડીઓ તોડવામાં જ જતુ રહે છે. આમ જોવા જુઓ તો જૂની બોટલ અને નવો શરાબ
જ છે પણ બ્લેન્ડ કરવા માટે પુરી મહેનત લીધી છે એટલે એકાદ પેગ મારવામાં વાંધો નહીં.
ક્રિટીક્સના મતે ફિલ્મ ખૂબ જ નબળી છે, ફિલ્મને અમુક ક્રિટીક્સ
તરફથી તો ૦.૨૫ સ્ટાર આપવામાં પણ મારો અભિપ્રાય થોડો અલગ પડે છે. ફિલ્મની એક એન્ટરટાઇન્મેન્ટ
વેલ્યૂ હોય છે. દરેક પાસાઓને ધ્યાનમાં લઈને જ બધી ફિલ્મ્સ જોવાય નહીં. જો કે બોલ બચ્ચન
ફિલ્મની વાર્તા બેસાડવા માટે ઇન્ટરવલ સુધીનો સમય લેવામાં આવ્યો છે પણ આશ્ચર્ય વચ્ચે
આ અડધું ફિલ્મ મનોરંજક છે. ઇન્ટરવલ પછી જૂના ગોલમાલની લગભગ નકલ બનાવવામાં આવી છે. બધા
જ એક્સપેક્ટેડ દ્ગશ્યો છે તો પણ રજૂઆત સુંદર રીતે કરી છે. ફિલ્મ માટેની એક ટીપ એ છે
કે એન્ડ પહેલાની અડધી કલાક પહેલા નીકળી જશો તો કંઈ ગુમાવશો નહીં. આ અડધો કલાક એવું
જ લાગશે કે એકાદ ઇમ્પૉર્ટન્ટ ફોન કોલ કરી શકાય કે પછી એકાદ સેન્ડવીચ ખાવા પણ જઈ શકાય.
રોહિત શેટ્ટીની સ્ટાઇલ મુજબ છેલ્લે બતાવવામાં આવતું મેકીંગ જોવા માટે પાછાં ફરવું પડે
એ નહીં ભૂલતા...
પેકઅપ:
“તમે
બંને એક સરખા લાગો છો, ભાઈઓ છો?”
“ના,
અમે પાડોશી છીએ”
No comments:
Post a Comment