વિધુ વિનોદ ચોપરા ભારતીય દર્શકોની રગ જાણી ગયા હોય એવું આ રીવ્યુ
લખતા પહેલા મને લાગતું હતું. એક પછી એક સફળ ફિલ્મ્સ પછી એ મુન્નાભાઈ સિરીઝ હોય કે થ્રી
ઇડિયડ્સ હોય દરેક ફિલ્મમાં ઓડીયન્સની લાગણીઓ સાથે ખૂબ સારી રીતે રમી શક્યા હતા. વિધુ
વિનોદ ચોપરા પોતાની દરેક ફિલ્મમાં પુરેપુરો જીવ રેડી દે અને ખાસ કરીને ફિલ્મના સ્ક્રીનપ્લેમાં.
જો તમે લાગણીશીલ માણસ હો તો વિધુ વિનોદ ચોપરાની દરેક ફિલ્મમાં એકાદ વાર તો રડ્યા હશો
જ. આ ઉપરાંત પેટ પકડીને હસ્યા પણ હશો. પણ દરેક વાર ઇમોશન કામ કરે જ એવું શક્ય નથી.
વિધુ વિનોદ ચોપરા આ ફિલ્મમાં પબ્લિક ઇન્ટરેસ્ટના બે પોઇન્ટ્સ લઈને આવ્યા. એક ક્રિકેટ
અને બીજો પિતા પુત્રનો પ્રેમ. ફેરારી અચાનક વચ્ચે ઘૂસી ગઈ પણ નકામી સાબિત થઈ. જો કે
વિધુ વિનોદ ચોપરા હોશિયાર માણસ છે એટલે આ વાત પરથી ઘણી શીખ લઈ લેશે.
રાજેશ મપુસ્કર રાજકુમાર હીરાણીની બે ફિલ્મ્સ ’લગે રહો મુન્ના
ભાઈ’ અને
’થ્રી ઇડીયડ્સ’ માં
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા હતા. લગે રહોના શૂટીંગ દરમિયાન આ ફિલ્મનું
વિચારબીજ રોપાયું હતું. મોંઘી ગાડી શોધવાનું કામ રાજેશ મપુસ્કરને સોંપવામાં આવ્યું.
રાજેશને બધી જ ગાડીઓ મળી પણ ફેરારી ક્યાંય ન મળી. લગે રહોના પોસ્ટ પ્રોડક્શન વખતે રાજેશે
આવીને વિચાર રજૂ કર્યો કે જો ફેરારી એક દિવસ માટે ચોરી કરી હોય તો શું થાય? આ વિચાર
પછી નીરજ વોરા, રાજેશ મપુસ્કર અને વિધુ વિનોદ ચોપરા ત્રણ લેખકોએ સાથે મળીને આ ફિલ્મ
લખવાની શરૂઆત કરી. સાડા છ વર્ષની મહેનતને અંતે ફિલ્મની વાર્તાએ આકાર લીધો. બોમન ઇરાની
અને શરવન જોષી જેવા બે દિગ્ગજોના ખભા પર ફિલ્મ ખેંચી શકાશે એવી ધારણાઓ કરવામાં આવી
પણ કથાવસ્તુ જ જો નબળી હોય તો ફિલ્મના કલાકારો પણ શું કરી શકે?
ફિલ્મ એક પારસી ફેમીલીની છે. શરમન જોષી (રુસ્તમ ડેબૂ), પુત્ર
કાયો (ઋત્વિક સહોરે) અને બોમન ઇરાની (ડેબૂ સર) એટલે કે શરમનના પિતા એક સામાન્ય ફેમિલી
છે. શરમન આર. ટી.ઓ. ક્લાર્ક છે. શરમનનો પુત્ર કાયો ખૂબ સારુ ક્રિકેટ રમે છે. જ્યાં
સુધી પોતે પહોંચી શકે એટલાં ખર્ચ તો કરી લે છે પણ જ્યારે જાહેરાત થાય છે કે સારા રમતવીરોને
લોર્ડ્સ ટ્રેઇનિંગ માટે લઈ જવાના છે અને એ માટે ૧.૫૦ લાખની ફી છે ત્યારે શરમન લોન માટે
પ્રયત્ન શરુ કરે છે પણ ક્યાંય લોન મળતી નથી. પ્રોવિડન્ડ ફંડના રૂપિયા પણ ઉપાડવાની કોશિશ
કરે છે પણ ૧૫ દિવસના સમયમાં એ શક્ય બનતું નથી. આ દરમિયાન એક કોર્પોરેટરના લગ્ન માટે
ફેરારીની જરૂર હોય છે. આ કામ શરમનને સોંપવામાં આવે છે અને એક દિવસ માટે ૧.૫૦ લાખ ભાડું
આપવાની વાત થાય છે. શરમન ગાડી લેવા માટે બોમન ઇરાનીના સંબંધો વાપરીને સચીન તેંડુલકરના
ઘેર જાય છે અને આશ્ચર્ય વચ્ચે ફેરારીની ચાવી દરવાજો ખોલીને આપી દેવામાં આવે છે. ઘરનો
નોકર આકાશ દાભડે (મોહન) એવું માને છે કે ગાડી સાફ કરવા વાળો વ્યક્તિ આવ્યો છે. શરમન
પાસે પોતાના પુત્ર માટે લંડન જવાની ફી ખૂબ મહત્વની છે એટલે એ ફેરારી લઈને જતો રહે છે.
રૂપિયા લઈને પાછો ફરે છે પણ ભૂલથી રૂપિયા ફેરારીમાં જ રહી જાય છે અને ટ્રાફિક પોલીસ
કાર ઉપાડી જાય છે. બીજી તરફ આકાશ અને દીપક સીરકે (ચોકીદાર મામા) પોતાની ભૂલના હિસાબે
પોલીસ ફરિયાદ કરવાને બદલે ફેરારી શોધવા માટે હેરાન થાય છે. આ બધા વચ્ચે એક સ્ટોરી એવી
પણ છે કે બોમન ઇરાની અને પરેશ રાવલ (દિલીપ ધર્માધિકારી) એક વખત સાથે રમતા ક્રિકેટર્સ
હતા. કોઈ પણ એક જ વ્યક્તિ ભારતની ટીમમાં રમવા માટે સિલેક્ટ થઈ શકે એમ હતો માટે પરેશ
રાવલ બોમન ઇરાનીના ચશ્મા તોડી નાખે છે અને બોમન ઇરાની સિલેક્ટ નથી થતા. બોમન ઇરાની
આ વાતને લઈને પરેશ રાવલ પાસે પૌત્ર માટે રૂપિયા માગવા પણ જાય છે પણ વિલને તો પોતાનું
કર્તવ્ય નિભાવવાનું હોય એટલાં માટે કોઈ પણ પ્રકારની મદદ નથી જ કરવાની હોતી. એટલું જ
નહીં પણ ફાઇનલ સિલેક્શન માંથી પણ નામ કમી કરી દેવામાં આવે છે. બધાના વિરોધ વચ્ચે બાળક
ફાયનલી સિલેક્ટ થાય છે પણ પિતા ફેરારી ચોરીને રૂપિયા લઈ આવ્યા છે એ વાત બાળકને મંજૂર
નથી. આ વચ્ચે ઘણા નાના નાના પાત્રો વચ્ચે થતી ઇમોશનલ રમત છે અને અંતે લોકો ભેગા મળીને
દોઢ લાખ રૂપિયા ભરે છે.
ઉપરની વાત વાંચીને સરસ લાગીને? પણ જ્યારે પડદા પર આ આખી વાત
જોશો તો તમને સમજાશે કે સ્ક્રિનપ્લે એટલો બધો નબળો છે કે ધરાર ફિલ્મ ખેંચી હોય એવું
લાગ્યા કરે. વાત વાતમાં ઇમોશન જોડી દેવામાં આવે અને પબ્લીકને રડાવવાની કોશિશ જારી રાખવામાં
આવે પણ શબ્દો કરતા સિચ્યુએશન વધારે રોવડાવી શકે એ રાઇટર્સ ભૂલી ગયા. મને લાગે છે કે
જો આ ફિલ્મ માંથી ફેરારી બાદ કરી નાખવામાં આવી હોત તો ફિલ્મ વધુ સારી રીતે બનાવી શકાઈ
હોત. લોકોનો ક્રિકેટ તરફનો ક્રેઝ સમજી શકાય છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ પણ ૧૪ વર્ષના
છોકરાને એક ટ્રેઇનિંગ કૅમ્પમાં મોકલવા માટે આટલી મહેનત અને આવી વાર્તા ગળે ઉતરતી નથી.
આ રીતે જ સ્ટોરીના ખાંચાઓ પણ નરી આંખે દેખાય આવે છે. બોમન ઇરાનીને તૂટેલા ચશ્માંને
લીધે બેટીંગ કરતી વખતે દડો લાગે છે અને એ સિલેક્શન માંથી બહાર ફેંકાઈ જાય છે જ્યારે
બોમન ઇરાની તો બોલર છે એવું દેખાડવામાં આવે છે. એ રીતે કોઈ પણ વાતને લાંબા લાંબા ડાયલોગ્સ
દ્વારા એસ્ટાબ્લીશ કરવાની રીત આજના ઓડીયન્સને પસંદ ન જ આવે. આજનું ઓડીયન્સ એટલું તો
શીખી જ ગયું છે કે પ્રસંગો છે તો જ ફિલ્મ છે, વાતો માટે નાટક અને સિરિયલ છે જ. જો કે
આ ફિલ્મ માટે એક પોઝીટીવ વાત એ રહી કે અમુક ટુકડાઓ અસરકારક રહ્યા પણ આપણે તો આખી ફિલ્મ
જોવી હોય કટકા નહીં. આ ફિલ્મ જો એક કલાકની હોત તો સારી હોત પણ હજુ ભારતીય દર્શકો શૉર્ટ
ફિલ્મના એટલાં શોખીન નથી એટલે મહેનત કરીને ફૂલ લેન્થ ફિલ્મ બનાવવી જ પડે છે.
ફિલ્મને ઉગારવા માટે હોટ વિદ્યા બાલન પાસે પણ ખાસ એક આઇટમ સોંગ
કરાવવામાં આવ્યું પણ આ ગીત પણ કોઈ ફાયદો કરાવી નહીં શકે. ફિલ્મને એક ફાયદો ચોક્કસ થયો
કે સાથે જોડાયેલા નામો જેવા કે વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હીરાણી વિગેરેને લીધી ખૂબ
ઝાઝી ટૉકીઝ અને મલ્ટીપ્લેક્ષમાં રીલીઝ મળ્યું જેના લીધે ૧૦ કરોડના બજેટમાં બનેલી ફિલ્મ
પહેલા ત્રણ દિવસમાં ૧૨.૫૦ કરોડનો ધંધો કરી ચૂકી છે. મારા જેવા ઘણા લોકોના પૈસા પડી
ગયા છે અને હજુ પડશે. ફિલ્મ રીવ્યુ માટે એક રિવાજ રહ્યો છે કે જેટલા રૂપિયા મળે એ મુજબ
રીવ્યુ આપવો તો પણ હજુ ઘણા ક્રિટીક્સ એવા છે કે જે સત્ય જ કહે છે એટલે સારા ક્રિટીક્સ
તરફથી ૨.૫ સ્ટાર આપવામાં આવ્યા છે પણ હું એમાં પણ અડધા સ્ટારનું ડિસ્કાઉન્ટ લઈને ૨
સ્ટાર જ આપુ છું.
પેકઅપ:
“શિવાજીની
તલવારથી મર્યા એના કરતા શિવાજી બીડીથી વધારે મર્યા છે”
No comments:
Post a Comment