યશરાજ ફિલ્મ્સ
એટલે ફિલ્મ જેના રુહમાં છે એવી કંપની. યશરાજ બૅનર હેઠળ અનેક ફિલ્મ્સ આવી ચૂકી છે અને
અણધારી સફલતાઓ પણ મેળવી ચૂકી છે. યશરાજ ફિલ્મ્સ માટે માનીતો કલાકાર તો શાહરુખ ખાન જ
રહી ચૂક્યો છે પણ આ વખતે સલમાન ખાનનો ટેસ્ટ કરવાની ઇચ્છા થઈ. આમ તો આ ફિલ્મ માટે સલમાન
ખાનનું નામ કેટરીના કૈફ દ્વારા સજેસ્ટ કરવામાં આવ્યું હતું. ભૂતકાળનો પ્રેમ અને ખૂબ
સારી હાલની પણ મિત્રતા કેમ ભૂલી શકાય? કબીર ખાનના દિગ્દર્શન હેઠળ આ પહેલા કેટરીના ફિલ્મ
કરી ચૂકી હતી. કેટરીના અને કબીર ખાનની મિત્રતા ખૂબ સારી. ’ન્યુયોર્ક’ ફિલ્મ વખતે કેટરીના
અને કબીર વચ્ચે આ ફિલ્મ માટે વાતો થઈ હતી. કેટરીનાને એક એવૉર્ડ વખતે કબીરે ફિલ્મ જલ્દી
શરૂ કરવાની છે એવી સૂચના આપતા જ ખાસ અંગત રીતે કેટરીનાએ સલમાનની ભલામણ કરી. સલમાને
સાથે જ્યારે રૂપિયાની વાત થઈ ત્યારે સલમાને એટલું જ કહ્યું કે ’શાહરુખ સે એક રૂપિયા
જ્યાદા દે દેના’
જો કે પાછળથી સલમાન પોતાના આ સ્ટેટમેન્ટ પરથી ફરી ગયો હતો. એમ છતા પણ આખરે તો સલમાન
ખાન સેલેબલ હીરો છે. અત્યારે હોટ ડિમાન્ડ આઇટમ એટલે ’ટાઇગર’ તો સલમાન જ હોય.
કોમર્સિયલ દ્રષ્ટિએ ફિલ્મ હીટ થઈ શકે પછી ભલે ફિલ્મમાં કંઈ ભલીવાર ન હોય એટલે જ એક
થા ટાઇગર માટે સલમાન-કેટરીનાની જોડી, યશરાજનું બૅનર, વિદેશના અનેક લોકેશન પર શૂટીંગ
જેવા અનેક મસાલા ભરવામાં આવ્યા પણ મારા તો ૨.૩૦ કલાક બહુ ખરાબ રીતે બગડ્યા.
વર્ષોથી ચાલી
આવતી પરંપરા છે કે કોઈ પણ ફિલ્મ શુક્રવારે જ રીલીઝ થાય પણ ઈદનો તહેવાર, યશરાજ ફિલ્મ્સના
કોન્ટેક્ટ્સ અને ખાસ ઊભા કરાયેલા હાઇપ માટે આ ફિલ્મ બુધવારે રીલીઝ કરવામાં આવી. આ અનોખો
પ્રયોગ હતો અને આ પ્રયોગનો ઉપયોગ હવે અન્ય ફિલ્મ મેકર્સ પણ કરવા લાગે તો નવાઈ નહીં.
તમને આશ્ચર્ય થશે કે ભારતની પબ્લિક ફિલ્મની કેટલી શોખીન છે! ફિલ્મ રીલીઝ થઈ એ સાથે
પ્રથમ બે દિવસની કમાણીએ બધા જ રેકૉર્ડ બ્રેક કર્યા. આ બે દિવસમાં બોક્ષ ઓફીસ કલેક્શન
૩૩ કરોડનું થયું. એક વાત એવી પણ સાંભળવામાં આવી છે કે ફિલ્મ રીલીઝ પહેલા જ ઓવર્સીઝ
રાઇટ્સ ૭૫ કરોડમાં વહેંચી દેવામાં આવ્યા છે જે ફિલ્મના કુલ બજેટના પ્રમાણની કમાણી છે.
એક સાથે ૪૫૦૦ સ્ક્રીન પર તમને રીલીઝ મળે પહેલા બે દિવસનું કલેક્શન તમને આશ્ચર્ય નહીં
પમાડે. મોટા બૅનરની ફિલ્મમાં મહદંશે ગુમાવવાનું દર્શકોએ જ હોય છે. ફિલ્મ પ્રોડ્યુસર્સ
તો પોતાની કમાણી કરીને નીકળી જ જતા હોય છે. ભારત માટે એ સૌથી ખરાબ નસીબ છે કે ખરાબ
ફિલ્મ્સ ચાલી જાય છે અને ક્રીએટીવલી બનતી ફિલ્મ્સને કદાચ રીલીઝ પણ ન મળે.
નવેમ્બર ૨૦૧૦માં
ફિલ્મની સ્ક્રીપ્ટ કબીર ખાન અને નિલેશ મિશ્રા એ પૂરી કરી લીધી હતી. યશરાજ ફિલ્મ્સ દ્વારા
આ ફિલ્મ માટે હાં પણ પાડી દેવામાં આવી હતી. કબીર ખાન આ પહેલા યશરાજના બૅનર નીચે કાબુલ
ઍક્સ્પ્રેસ અને ન્યુયોર્ક એમ બે ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા હતા. આ બે ફિલ્મ સારી કે
ખરાબ કહેવાને બદલે એટલું તો હતું જ કે કમાણી કરાવી ચૂકી હતી. આદિત્ય ચોપરા કબીર ખાન
પર જુગાર રમવાની માનસિક તૈયારી પણ કરી ચૂક્યા હતા. સપ્ટેમ્બર ૨૦૧૧માં ફિલ્મ શૂટ થવાની
શરુ થઈ અને જૂન ૨૦૧૨ સુધી શૂટીંગ ચાલ્યું. યશરાજ સાથે પહેલી ફિલ્મ કરતા હોવાના લીધે
સલમાન ખાને એક થા ટાઇગરને પ્રાધાન્ય આપ્યું. પોતાના જ ભાઈ સોહેલ ખાનની ફિલ્મ શેરખાનની
ડેટ્સ અહીં ફાળવવામાં આવી. અને કેમ ના ફાળવે? સલમાને આ ફિલ્મ માટે ૩૨ કરોડ રૂપિયા લીધા
હતા. ઘરના કામ માટે તો ગમે ત્યારે સમય ફાળવી જ શકાય પણ ૩૨ કરોડ જતા થોડા કરાય? નસીબ
જોગે જો ફિલ્મ હીટ થઈ જાય તો યશરાજ બૅનરનો ફેવરીટ જેમ શાહરુખ રહ્યો છે એમ ભવિષ્યમાં
સલમાન રહે તો પણ નવાઈ નહીં. ડબ્લીન, આયરલેન્ડમાં ફિલ્મની શરૂઆત સપ્ટેમ્બરમાં થઈ પણ
શૂટીંગ રોકી દેવું પડ્યું કેમ કે સલમાનને ઓપરેશન માટે યુ.એસ. જવું પડ્યું. આ પછી ઇસ્તમ્બુલ,
ક્યુબા, હોંગકોંગ, બેંગકોક અને છેલ્લે દિલ્હી. આમ ઘણા બધા લોકેશન પર આ ફિલ્મ શૂટ થઈ
છે. ફિલ્મનો મુખ્ય બેઝ ધડાધડી એટલે સ્ટંટનો કાફલો ખૂબ મોટો હતો. એ વાત અલગ છે કે સ્ટંટ
ખાસ જામ્યા નહીં. એક ખાસ જાહેરાત કરવામાં આવી કે કેટરીના કૈફ આ ફિલ્મમાં મેકઅપ વગર
કામ કરશે. ફિલ્મ પ્રોડ્યુસરના કહેવા મુજબ કેટરીના આખી ફિલ્મમાં મેકઅપ વગર જ હતી સિવાય
કે વેશપલ્ટો કરતી વખતે. કેટરીના સુંદર છે જ પણ તમે ફિલ્મ જોઈને નક્કી કરજો કે ખરેખર
વિધાઉટ મેકઅપ હતી કે વીથ મેકઅપ.
સેટ પર લગભગ રોજ
કબીર ખાન અને સલમાન ખાન વચ્ચે ઝગડા થતા. એ રીતે જ કેટરીના અને સલમાન વચ્ચે પણ આ ફિલ્મના
શૂટ દરમિયાન ઘણા બધા ઝગડા થયા પણ રગડ-ધગડ કરતા ફિલ્મ પૂરી તો થઈ. સૌથી વધુ સારી વાત
એ રહી કે ફિલ્મના પ્રોમોશન વખતે બધા એક થઈ ગયા અને પોતપોતાના સ્ટેટમેન્ટ એ રીતે રજૂ
કર્યા કે મને તો થયું આ ફિલ્મી લોકોનું કંઈ કહેવાય નહીં! સલમાને કહેલું કે ’કબીર ખાનને
હું ડિરેક્ટર જ ગણતો નથી’. આ વાક્યને ફેરવીને સલમાને એવું કહ્યું
કે આ પહેલા ભલે કબીર ખાને ફિલ્મ્સ કરી હોય પણ લોકો કબીરને ડિરેક્ટર તરીકે આ ફિલ્મથી
ઓળખશે. જેમ કે મારી પહેલી ફિલ્મ હતી બીવી હો તો ઐસી પણ લોકો મને ઓળખે છે મૈંને પ્યાર
કીયા થી. આ રીતે જ એક ડ્રેસ માટે સલમાન અને કેટરીના વચ્ચે ઝગડો થયેલો અને આખો દિવસ
ફિલ્મનું શૂટીંગ રોકવું પડેલું પણ જ્યારે ફિલ્મ રીલીઝ વખતે આ પ્રશ્ન આવ્યો ત્યારે કેટરીનાએ
પણ સરસ રીતે કહ્યું કે અમે બધા ફિલ્મના બેટરમેન્ટ માટે કામ કરતા હતા અને એ માટે જો
એક ડ્રેસ પણ ખરાબ લાગે તો ન ચાલે, એટલે જ સલમાન કામ રોકીને પણ ફિલ્મ સાથે કોઈ કૉમ્પ્રોમાઇઝ
કરવા નહોતો માંગતો. વાહ ભાઈ ફિલ્મી લોકો! મને તો આ બધા સ્ટેટમેન્ટ વાંચીને જ આનંદ આવે.
પહેલા એમ થતું કે લે આ તો આમ કહેતા હતા અને હવે આમ કહે છે પણ જ્યારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના
લોકોની નજીક ગયો ત્યારે પેઇજ થ્રી ફિલ્મ સાવ સાચી છે એવું લાગવા માંડ્યું છે.
હવે આટલાં બધા
ચણા ચાવ્યા પછી તમને થાય કે ફિલ્મ તો સારુ હશે જ. સલમાન ખાન પણ હવે જ્યારે સ્ટોરી વાંચતો
અને ફિલ્મને સમજીને સાઇન કરતો થઈ ગયો છે ત્યારે એક ખાસ પ્રકારનું વિશિષ્ટ મનોરંજન મળશે.
પણ આ ફિલ્મ ન તો એન્ટર્ટાઇન છે કે ન તો કોઈ ખાસ છે. સલમાન રો નો એજન્ટ છે અને એક મિશન
માટે જાય છે. અહીંયાં તેને એક છોકરી ઝોયા એટલે કે કેટરીના સાથે પ્રેમ થઈ જાય છે. કેટરીના
આઇ.એસ.આઇ.ની એજન્ટ છે. હવે એક ઇન્ડિયન છોકરો અને પાકિસ્તાની છોકરી અને બંને એજન્ટ વચ્ચે
પ્રેમ થાય ત્યારે થોડી ઘણી મારામારી તો થવાની જ છે. અંતે દેશ માટે લડતો છોકરો પોતાના
પ્રેમ માટે લડે છે. બસ આટલી જ વાત છે અને આ વાત માટે તમારે ૧૪૭ મીનીટનો સમય બરબાદ કરવાનો
છે. ફિલ્મની વાર્તામાં જો કંઈ પોઝીટીવ વાત હોય તો એ છે કે પાકિસ્તાની છોકરી ભારત તરફી
થઈ જવાના બદલે બંને પોતપોતાના દેશને વફાદાર રહેવાનું નક્કી કરીને પોતપોતાની સંસ્થાનો
ત્યાગ કરે છે. ફિલ્મની શરૂઆત જ મારામારીથી થાય છે અને ચેઝીંગ તો એટલું બધું વધારે કે
એક ફાઇટ ૧૫ થી ૨૦ મીનીટ ચાલે અને એ પણ ધાર્યા મુજબ જ. કેટરીના પહેલીવાર એક્શન રોલમાં
આવી છે પણ ફિલ્મના એક્શનને ફોરેનના ફાઇટ માસ્ટર્સ, સ્ટંટ ડિરેક્ટર્સ પણ પ્રભાવ પાડી
શક્યા નથી. રણવીર શૂરીને ખૂબ સારો કલાકાર માનુ છું પણ અહીં સપોર્ટીંગ રોલમાં ભાઈ કંઈ
જ કરી ન શક્યા. કદાચ રણવીર ડિરેક્ટરનો એક્ટર છે એટલે સફળ ન રહી શક્યો હોય. આ રીતે જ
ગીરીશ કનાર્ડ ભલે ગમે તેટલા એવૉર્ડ જીતી ચૂક્યા હોય પણ આ ફિલ્મમાં સહન કરવા અઘરા પડે
છે. રોશન શેઠને લોકો જવાહરલાલ નહેરુથી વધારે ઓળખે છે. ભારત એક ખોજ સીરીયલથી વધુ જાણીતા
થયા છે પણ એમની ફિલ્મ્સનો અનોખો સ્વાદ અનેરો હોય છે. આ ફિલ્મમાં સાયન્ટીસ્ટનું નાનકડું
પાત્ર ભજવ્યું છે પણ જો ફિલ્મમાં કંઈ વખાણવા લાયક હોય તો રોશન શેઠનું એક્ટીંગ.
બોક્ષ ઓફીસ પર
આ ફિલ્મ સફળ રહી શકે એવું હું પહેલા પણ કહી ચૂક્યો છું પણ જો તમે સારી ફિલ્મ્સના શોખીન
હો તો પૈસા બગાડતા નહીં. ક્રિટીક્સ તરફથી ૪ સ્ટાર સુધી આપ્યા છે પણ હું તો ૧.૫ સ્ટાર
માંડમાંડ આપુ છું.
પેકઅપ:
ડૉક્ટર: એક ૨૫૦૦૦ ખર્ચો આ ડાઘ, ખીલ, કરચલીઓ બધું જ જતું રહેશે
સ્ત્રી: કોઈ સસ્તો ઉપાય?
ડૉક્ટર: લાજ કાઢવાનું
શરૂ કરી દો
સહજ સમાધિનો અર્થ સહજ રીતે થનારી સમાધિ અથવા તો સ્વાભાવિક સમાધિ એવો થાય છે. વેદાંતના સંસ્કૃત ગ્રંથોમાં એને બ્રહ્માકારવૃત્તિ અથવા તો સર્વાત્મકભાવ કહેવામાં આવે છે. શંકરાચાર્યે એને માટે બ્રહ્મમયી વૃત્તિ એવો શબ્દપ્રયોગ કરેલો છે. ગીતામાં એ દશાની પ્રાપ્તિ કરી ચૂકેલાને સ્થિતપ્રજ્ઞ, ગુણાતીત કે બ્રાહ્મી સ્થિતિપ્રાપ્ત પુરુષ કહેવાય છે, જેમાં સંપૂર્ણપણે શાંત થાય છે, અને કશું જ જોતું અથવા અનુભવતું નથી, તે સમાધિને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. મનનો સ્વભાવ જ દોડાદોડ કરવાનો છે. લગભગ દરેક સાધકને એનો એ સ્વભાવ નડે છે. છતાં પણ એના એવા સ્વભાવથી જ ડરવાનું કારણ નથી. ડરપોક નહિ પણ નીડર સાધકો જ આગળ વધી શકે છે.
ReplyDelete.
.
.
એક વાર આ સાધનામાં સફળતા મેળવી લીધી પછી એનો મોટામાં મોટો ફાયદો એ છે કે સાધક નીડરપણે સવા બે કલાક સુધી ’એક થા ટાયગર’ જેવું મૂવી પણ સહન કરી શકે છે....