Thursday, 23 August 2012

શીરીન ફરહાદ કી તો નીકલ પડી: પ્રેમને ઉમરના અવરોધ નડતા નથી





ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેટલા બધાં દાયકાઓથી ઊભી રહી છે. ફિલ્મ મીડિયા સફળ રહેવા પાછળનું એક કારણ એ છે કે દરેક વ્યક્તિને એમ લાગે છે કે આ મારી વાત છે. ઘણીવાર એવું પણ બને છે કે આપણી અંદર પડેલી કેટલું બધું કરવાની અપેક્ષા ફિલ્મનું એકાદ પાત્ર પુરુ કરતું હોય. સપનાઓ અને હકીકતો વચ્ચે રમતું આ માધ્યમ કેટકેટલી વાતો રજૂ કરી ચૂકયુ છે અને આ રીતે જ એક મીડલ એજ માણસની ફિલીંગ્સની વાત એટલે શીરીન ફરહાદ કી તો નિકલ પડી. ઉંમર કોઈ પણ હોય પણ પ્રેમ તો થઈ જ શકે. એમાં પણ જો ૪૦ સુધી પહોંચતા સુધીમાં કોઈ છોકરી જીવનમાં ન આવી હોય અને એ પછી અચાનક જ કોઈ આવી જાય અને ટીન એજ લવ જેવો માહોલ જામે તો એની મઝા જ અલગ હોય છે. એક વિચિત્ર પણ ખૂબ ખુશ કરાવી દેતી લવ સ્ટોરી એટલે શીરીન ફરહાદ કી તો નીકલ પડી. જો સમય હોય તો તમે પણ ફિલ્મ જોવા નીકળી જ જાવ કેમ કે તમને આ ફિલ્મ માટે સમય બરબાદ કર્યો નથી એવો અહેસાસ તો ચોક્કસ થશે.

આ ફિલ્મથી ફરાહ ખાને એક્ટીંગની દુનિયામાં પ્રથમ પગલું માંડ્યું છે પણ આ ફરાહની આ પહેલી ફિલ્મ નથી. કુછ કુછ હોતા હૈં માં પહેલીવાર ફરાહ દેખાણી હતી. આ પછી ફરાહે નાના રોલમાં ઘણીબધી ફિલ્મમાં જોવા મળી છે. જેમ કે કલ હો ના હો, મૈં હું ના, ઓમ શાંતિ ઓમ, જાને કહાં સે આયી હૈં, ખીચડી અને અગામી ફિલ્મ જોકરમાં પણ ફરાહ જોવા મળશે. ફરાહ આમ જોઈએ તો ખાનદાની રીતે ફિલ્મ સાથે જોડાયેલી રહી છે. જો તમે જૂની ફિલ્મ્સ જોઈ હોય તો તમને અગાઉ ડેઇઝી ઇરાનીના નામથી જાણીતી બાળ કલાકાર યાદ હશે. હાલ હની ઇરાનીના નામથી અનેક ફિલ્મ, સ્ક્રીનપ્લે લખી ચૂકેલી આ હની એટલે ડેઇઝી અને આ હની ઇરાનીની બહેન એટલે ફરાહ ખાનની માતા મેનકા. સાજીદ ખાનને પણ તમે ઓળખતા જ હશો. સાજીદની સગી બહેન ફરાહ. ફરાહના જીવનની શરૂઆત ડાન્સ ગૃપ સ્પ્લાયર તરીકે થઈ હતી પણ સરોજ ખાને કામ ઓછું કરી દેતા ફરાહને બ્રેક મળ્યો. જો જીતા વહી સિકંદર ફિલ્મના ઓરીજીનલ કોરિયોગ્રાફર સરોજ ખાન હતા પણ અંગત કારણસર ફિલ્મ ન કરતા આ ફિલ્મની કોરિયોગ્રાફી ફરાહને ખંભે આવી. આમ ફરાહની શરૂઆત ગણો તો ડાન્સ ડિરેક્ટર તરીકે જ થઈ હતી. આ ઉપરાંત ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરની કઝીન પણ ખરી. ફરાહને ખાસ લાભ મળ્યો શાહરુખ ખાન સાથેની દોસ્તીનો. શાહરુખ અને ફરાહના અંગત સંબંધોને લીધે ફરાહની કોરિયોગ્રાફર તરીકે ફિલ્મ્સ તો ઘણી બધી મળી પણ કમાલ થયો જ્યારે શાહરુખની એક ફિલ્મનું દિગ્દર્શન સોંપવામાં આવ્યું. મૈં હું ના ફિલ્મ સાથે ફરાહને આખી ઇન્ડસ્ટ્રી ઓળખવા લાગી. ૨૦૦૪માં આ ફિલ્મ રીલીઝ થઈ હતી. આ ફિલ્મની સ્ક્રીપ્ટ પણ ફરાહે જ લખી હતી. ફિલ્મને ઘણા એવોર્ડસ પણ મળ્યા. આ પછી છેક ૨૦૦૭માં ફરાહે બીજી ફિલ્મ ઓમ શાંતિ ઓમ ડિરેક્ટ કરી. લોકો આ ફિલ્મને ઘણી સારી કહી ચૂક્યા છે પણ મારી દ્રષ્ટિએ આ ફિલ્મમાં ડિરેક્શન જેવું કંઈ જ ન હતું અને પછી આ રીતે જ પુનરાવર્તન થયું તીસ મારખાંમાં. આ ફિલ્મ માટે ક્રિટીક્સ પણ કહેવા લાગ્યા કે ખરાબ દિગ્દર્શનનો નમૂનો.  પણ ફરાહ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘોળીને પી ગઈ છે. પીર, બાવરચી, ભિસ્તી, ખર કોઈ પણ કામ હોય ફરાહ તૈયાર જ હોય છે. પોતાનું સ્થાન એક જગા પરથી હટતું લાગે એટલે તરત જ બીજુ સ્થાન ખુલ્લું રાખે જ છે. આવું જ કંઈક કર્યું હોય તો શીરીન ફરહાદ કી તો નીકલ પડી. મને હતું કે એક્ટીંગમાં તો ફરાહ નહીં જામે પણ પોતાના પાત્રને પુરેપુરો ન્યાય આપવામાં સફળ રહી. એક પારસી ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે કામ કરતી ફરાહ પણ ૪૦ વટાવી ચૂકી છે. કોઈ બોયફ્રેન્ડ મળ્યો નથી. પારસી કોમ્યુનીટીની અમુક ટીપીકલ ખાસિયતો છે. જો તમારું પુરુ ઇન્વોલ્વમેન્ટ ન હોય તો તમે એક પારસીની ભૂમિકા ભજવી ન જ શકો. ફરાહ એક લેવલથી પોતાની જવાબદારી નિભાવી શકી છે.

બોમન ઇરાની માટે તો કહેવું જ શું? કોઈ પણ પાત્ર હોય બોમન એ માટે બેસ્ટ છે એવો અહેસાસ કરાવે જ. બોમન સાથે ખોસલા કા ઘોસલા વખતે સાથે રહેવાનો મોકો મળ્યો હતો. આ ફિલ્મ વખતે બોમનની એક ખાસિયત જોઈ હતી. બોમનને સિન સમજાવી દેવાનો, ડાયલોગ્ઝ આપી દેવાના પછી બોમન જ બધું કરે. ડિરેક્ટરને જે જોઇતું હોય એથી ઘણું વિશેષ જ મળે. શોટના ડિવિઝન વખતે પણ જે સ્ટાઇલથી ડાયલૉગ બોલાયો હોય, જે સ્ટાઇલથી આંગિક થયુ હોય એ સ્ટાઇલથી જ દશવાર શોટ લો તો પણ તમને મળે. આ ફિલ્મમાં બોમન એક બ્રા-પેન્ટીની દુકાનમાં સેલ્સમેન છે. પોતાના લગ્ન માટેની પ્રોફાઇલમાં પણ બોમન આ વાત ખુલ્લા મોઢે કહે છે. એક સોફ્ટ હાર્ટ પરશન, એકદમ સીધો સાદો અને જેના મનમાં સેક્સ છે પણ દિલમાં નથી એવું પાત્ર. એક એક દ્રષ્ય પર તમે વાહ કહેશો જ. પોતાની મમ્મી નરગીસ એટલે કે હની ઇરાની અને દાદી એટલે શમ્મી વચ્ચે પીસાતો દીકરો. ફિલ્મ દરમિયાનમાં ફરહાનના હાથ પકડવાની ઘટનાઓ મઝા કરાવી જાય છે. સાથે સાથે મમ્મી અને દાદી તો કમાલ છે. કેમ ન હોય શમ્મી તો બ્લેક & વ્હાઇટ ફિલ્મથી ફિલ્મ્સ સાથે જોડાયેલી છે. શમ્મીના ફિલ્મ્સનું લીસ્ટ પણ થઈ શકે એમ નથી. આ ઉમરે પણ એટલું તો લાગે જ કે આ ખંઢેર બુલંદ છે. હની ઇરાની (ડેઇઝી ઇરાની) ફિલ્મ ક્ષેત્રે વર્ષો કાઢી ચૂક્યા છે. પોતે જ્યારે સ્ક્રીનપ્લે રાઇટર રહી ચૂક્યા હોય ત્યારે ક્યાં ક્યો પંચ કઈ રીતે આપવો એ જાણતા જ હોય. પોતાને મળેલો એક પણ મોકો એમણે જવા દીધો નથી.

સંજય લીલા ભણસાલી આમ તો ખર્ચાળ ફિલ્મ્સ બનાવવાના શોખીન છે પણ જ્યારે દીકરીને પહેલું ફિલ્મ સોંપવું હોય તો થોડું ધ્યાન રાખવું પડે. જે રીતે ફરાહે ફિલ્મમાં એક્ટીંગની શરૂઆત કરી છે એ રીત જ બેલા ભણસાલી સેહગલે પણ પોતાના ડિરેક્શન કેરિયરની શરૂઆત કરી છે. ફિલ્મ સંજય લીલા ભણસાલી અને સુનિલ લુલ્લાએ પ્રોડ્યુસ કરી છે. દિગ્દર્શન પ્રમાણમાં ઘણું સારુ છે એટલે સંજયભાઈએ પણ કદાચ રસ લીધો હોય અથવા પોતે જ ડિરેક્શન કર્યું હોય એવું પણ બને. ફિલ્મનું સંગીત જીત ગાંગુલીનું છે. અમુક ગીતમાં ખરેખર મઝા આવે છે. ઉષા ઉથ્થુપનો અવાજ સાંભળીને દિલ બાગ બાગ થઈ જાય છે.

હું ઘણા સમયથી ઓછા બજેટની ફિલ્મ્સનો આશિક રહ્યો છું. આ પાછળનું કારણ એ છે કે ખર્ચો કરીને તો કંઈ પણ કરી શકાય. જો તમારી પાસે લીમીટેડ બજેટ છે અને તમારે લોકો સમક્ષ કંઈ રજૂ કરવું છે તો તમારું પુરેપુરુ ઇનોવોલ્વ્મેન્ટ જોઇશે જ. અહીં મૅનેજમેન્ટનો સિદ્ધાંત લાગુ પડે કે ટુ એચીવ ટાર્ગેટ બાય અવેલેબલ મીન્સ. તમારે ફરજિયાત સારી વાર્તા, સારુ એક્ટીંગ અને સારી ટ્રીટમેન્ટ આપવી જ પડે. શીરીન ફરહાદ કી તો નીકલ પડી આ પ્રકારની ફિલ્મનું ખૂબ સારુ ઉદાહરણ છે. ફિલ્મ એક્સ્પેક્ટેડ છે. મીડલ એજની લવ સ્ટોરી એ કંઈ નવાઈની વાત નથી. દરેક સામાન્ય ફિલ્મની જેમ જ આ ફિલ્મમાં પણ મેલોડ્રામા છે. હવે શું થશે એ ખ્યાલ હોવા છતા તમને ફિલ્મ માણવાની મઝા આવશે. અહીં પણ પ્રેમ કહાની સાવ સ્મુધ નથી જતી. ઘણી સ્ટ્રગલ, ઘણા ઇમોશન અને ઘણી વાતો અલગ રીતે રજૂ થઈ છે. કૉમેડીનું ઝોનર છે પણ લાગણીઓ સાથે એટલે એક નવી રીતે મીડલ એજની ટીન એજર લવ સ્ટોરી બની શકી. કદાચ સ્ટાર વધારે ન આપી શકાય પણ એવરેજ સારી એન્ટરટાઇન ફિલ્મ તો કહેવી જ પડે.



પેકઅપ:
ઘણા ૧૦ લાખની ગાડીમાં જઈને રોબ મારવાને બદલે ૧૦ રૂપિયાની ટીકીટ ખરીદી ૫૦ લાખની બસમાં વટ પાડે છે.

Saturday, 18 August 2012

કેવી રીતે જઈશ? : ગુજરાતી ફિલ્મનું પેશન






ગુજરાતી હોવાના નાતે જ્યારે ગુજરાતી ફિલ્મ હાઉસફૂલ છે એવું જાણવા મળે એટલે ગજગજ છાતી ફૂલાય એ સ્વાભાવિક છે. આ પહેલા પણ ’વીર હમીરજી-સોમનાથના રખેવાળનો રીવ્યુ લખ્યો ત્યારે ફેસબૂકના ઇનબોક્ષમાં ઘણા લોકોએ મને લખ્યું હતું કે જો ગુજરાતી ફિલ્મ્સને બિરદાવવામાં નહીં આવે તો ગુજરાતી ફિલ્મ્સ ક્યારેય સારી નહીં બને. એ સમયે પણ મેં જવાબ આપેલો કે કોઈ તો પ્રયત્ન કરે કે જુનવાણી રાડો પાડવાની રીત, બાપુ ગજબ થઈ ગયો, ચોરણી કેડીયા વગેરે માંથી બહાર આવવું જ પડશે. જરૂર હતી ફક્ત એવા વ્યક્તિની કે જે ગુજરાતી ફિલ્મ માટે પેશન ધરાવતી હોય અને વહેતી ગંગામાં હાથ ધોવાને બદલે સામા પ્રવાહે તરવાની હિંમત દાખવે. અભિષેક જૈન આ માટે હિંમત દાખવી શક્યા એ માટે પહેલા તો આખી ’કેવી રીતે જઈશ?’ ફિલ્મની ટીમને એક સલામ. સૌરાષ્ટ્રમાં રહેવાનો એક ગેરફાયદો થયો કે આ ફિલ્મ ગુજરાત કરતા એક અઠવાડીયુ મોડી રીલીઝ થઈ અને મોડી જોવા મળી.

ફિલ્મ માટે જરૂરી તત્વો છે સિનેમેટોગ્રાફી, વાર્તા, એક્ટીંગ, એડીટીંગ, મ્યુઝિક અને સેટ ડીઝાઇનીંગ. આ બધા જ તત્વોને એક તાંતણે ચલાવતો રથ ચાલક એટલે ડિરેક્ટર. કેવી રીતે જઈશનો યુ ટ્યૂબ પર લાખો લોકો એ પ્રોમો જોયો હશે. પ્રોમો જોતા સમયે એટલો તો વિચાર આવેલો કે ફિલ્મ હટ કે હશે અને ખરેખર જોવા ગયો ત્યારે ખબર પડી કે ફિલ્મ ખરેખર હટ કે છે. ફિલ્મમાં એક ગજાના કલાકારો છે. ટોમ અલ્ટર, અનંગ દેસાઈ, રાકેશ બેદી, કેનેથ દેસાઈ જેવા બોલીવુડના જાણીતા ચહેરાઓ લેવામાં આવ્યા. આ બધા જ કલાકારોને આ પહેલા પણ ઘણી ફિલ્મ્સમાં આપણે જોઈ ચૂક્યા છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે ઉપર લખેલા દરેક આર્ટીસ્ટ્સ પોતાના કામને પુરેપૂરી વફાદારીથી નિભાવે છે. આ ફિલ્મમાં હીરો અને હીરોઇન બંને માટે પહેલું ફિલ્મ હતું. દિવ્યાંગ ઠક્કર અને વેરોનિકા ગૌતમ. કોઈ પણ એંગલથી બંનેની એક્ટીંગ નબળી કહી શકાય નહીં. ફિલ્મની સિનેમેટોગ્રાફી પુષ્કર સિંઘે સંભાળી હતી. ગુજરાતી ફિલ્મમાં મોટામાં મોટી નબળાઇ હોય છે બજેટની. આ કારણોથી મોટાભાગે ગુજરાતી ફિલ્મ જેવીસી ૭૦૦ કૅમેરા પર શૂટ કરવામાં આવે છે. આ કૅમેરાની નબળાઇ એ છે કે ફૂલ એચ.ડી. કેમેરો હોવા છતા સારુ રિઝલ્ટ આવતું નથી. કેવી રીતે જઈશ રેડ કૅમેરા પર શૂટ કરવામાં આવી છે. હું માનુ છું ત્યાં સુધી પહેલી ગુજરાતી ફિલ્મ હશે જે રેડ કૅમેરા પર શૂટ થઈ હોય. સિનેમેટોગ્રાફી સાવ ટ્રેડિશનલ છે. કોઈ પ્રયોગ કરવાની કોશિશ કરવામાં આવી નથી એમ છતા ફિલ્મનું એક પણ દ્ગશ્ય નબળું ફિલ્માવવામાં નથી આવ્યું. તમને ક્યારેય ફિલ્મ દરમિયાન એવો અહેસાસ નહીં થાય કે તમે બોલીવુડનું એક સારી કક્ષાનું હિન્દી ફિલ્મ જોઈ રહ્યા નથી. અભિષેક જૈન અને અનીશ શાહ બંને એ મળીને ફિલ્મ લખી છે. ઇન્ટરવલ સુધી વાર્તા જરા પણ આગળ નથી વધતી કે નથી કોઈ ખાસ પ્રસંગો નથી. સ્ક્રીનપ્લે માટે કહી શકાય કે પ્રમાણથી થોડો ઊતરતો છે તો પણ અત્યાર સુધી આવેલી કોઈ પણ ગુજરાતી ફિલ્મ કરતા અનેક ગણો સારો છે. તાજ અલી નક્વીનું સેટ ડીઝાઇનીંગ એકદમ સરસ રહ્યું. ખૂબ ઓછા સેટ હોવા છતા જે રીતે સેટ ગોઠવવામાં આવ્યા છે એ દેખાડે છે કે એક પટેલનું જ ઘર છે. મનન મહેતાના એડીટીંગના પણ વખાણ કરવા પડે. ફિલ્મના ટેક્નિકલ પાર્ટમાં જોઈએ તો ડિરેક્ટર ખૂબ બધું શૂટ કરીને આપે છે એ પછી મૂળ વાર્તાને બહાર લાવવી એ કામ એડિટરનું હોય છે. અહીં મનન મહેતા એ ખૂબ સરસ કામ બતાવ્યું છે. એડીટીંગ સાથે જોડાયેલુ હોય છે વિઝ્યુઅલ સ્પેશિયલ ઇફેક્ટ (વીએફએક્સ). રીહાન પટેલ વીએફએક્સ ડિરેક્ટર છે. એમણે જરૂર પડ્યે પોતાના ચમકારા બતાવ્યા છે. ફિલ્મનું મ્યુઝિક મારા ફેસબૂક ફ્રૅન્ડ મેહુલ સુરતીનું છે. ચીલાચાલુ ગરબા, ખોટા પ્રેમગીત કે પછી આરતી આ ફિલ્મમાં નથી. એકદમ બોલીવુડ સ્ટાઇલનું મ્યુઝિક આપી કમાલ કરી છે. અભિષેક જૈનનું ડિરેક્શન એકદમ સ્ટાઇલીસ્ટ રહ્યું. ઘણા દ્ગશ્યો લંબાણ વાળા હતા પણ એને બખૂબી છુપાવી શક્યા છે.

ફિલ્મની વાર્તા એક સાવ સામાન્ય અને ઘણીવાર પટેલ કોમ્યુનીટીમાં જોવા મળતી વાત પર છે. બચુભાઇ પટેલ (કેનેથ દેસાઈ) અને ઇશ્વરભાઇ પટેલ બંને મિત્રો છે. બંને અમેરિકા જવાનું સ્વપ્ન સાથે જુએ છે. ઈશ્વર પટેલ અચાનક જ અમેરિકા જતા રહે છે. બસ ત્યારથી બચુ પટેલનું એક જ સ્વપ્ન છે કે અમેરિકા જવું. આ માટે પોતે તો સફળ ન થઈ શક્યા પણ કોઈ પણ રીતે એમણે એમના બે માંથી એક પુત્રને અમેરિકા મોકલવો છે. મોટા પુત્ર જીજ્ઞેષ (જય ઉપાધ્યાય) માટે પ્રયત્ન કરે છે પણ સફળ ન થતા હવે બધી જ આશાઓ નાના પુત્ર હરીશ (દિવ્યાંગ ઠક્કર) પર છે. હરીશને અમેરિકા મોકલવા માટે બચુભાઇ કંઈ પણ કરવા તૈયાર છે. વર્ષો પછી ઈશ્વર પટેલ ભારત પોતાની પુત્રી આયુષી (વેરોનીકા ગૌતમ) સાથે પાછાં ફરે છે. એમના મનમાં તો બચુ માટે એટલો જ પ્રેમ છે પણ બચુ હજુ જૂની વાત ભૂલ્યો નથી. બચુભાઇના પત્ની જ્યોત્સનાબહેન (દિપ્તી જોશી) સંબંધ જાળવવાની કોશિશ કરે છે પણ બચુભાઇનો વિરોધ છે. હરીશ એક કેવીન નામના મિત્રને મળે છે જે એક એજન્ટ દોલતરામ ચૈનાની (રાકેશ બેદી)ને મળાવે છે. ચૈનાની રૂપિયા ખંખેરતો જાય છે. આ દરમિયાન ૫૦ લાખ રૂપિયા જીજ્ઞેષ ગુંડાઓ પાસેથી લે છે. એક તરફ આયુષી અને હરીશ વચ્ચેની મિત્રતા ગાઢ થતી જાય છે અને પ્રેમમાં પરિણમે છે પણ જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે બચુભાઇ અપમાન કરીને ઇશ્વરભાઈને ઘરની બહાર કાઢી નાખે છે. ચૈનાની મોટો ફ્રોડ નીકળે છે. આ બધા વચ્ચે અંતનો ડ્રામા તમે પોતે જ જોઈ લો તો ગમશે…

ફિલ્મના નબળા પાસાઓની વાત કરીએ તો ફિલ્મનું ડબીંગ ખૂબ જ નબળું પુરવાર થયું. આમ જોઈએ તો ગુજરાતી કલાકારોને ડબીંગની બહુ ઓછી પ્રેક્ટીસ હોય છે એટલે કદાચ આવું બન્યું હોય. સાથે સાથે બીજી નબળી વાત એ રહી કે ફિલ્મ એસ્ટાબ્લીશ થતા ખાસ્સો લાંબો સમય એટલે કે ઇન્ટરવલ સુધીનો સમય લીધો. ફિલ્મમાં હરીશના મિત્રો તરીકે બતાવવામાં આવેલા કલાકારોમાં રાહીલ (અભિનય બેંકર) સિવાય બધાનું એક્ટીંગ એકદમ આર્ટીફીશ્યલ લાગે છે. અભિનય બેંકર ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર પણ હતા માટે એ અભિનય કરી જાણતા હોય જ. ફિલ્મ દરમિયાન કેવીનની પાર્ટીમાં આયુષી સાથે વાત કરવા માટે આવેલ મિત્ર ફિલ્મના ડિરેક્ટર અભિષેક જૈન પોતે હતા. એમની અભિનય ક્ષમતા એમણે એક નાના રોલમાં પણ પૂરવાર કરી છે.  રીટા ભાદુરીની ઉમર હવે ચાડી ખાય છે પણ વર્ષોનો અનુભવ વેડફાતો નથી. ખૂબ જ ટૂંકા રોલમાં પોતે હજુ પણ અભિનયની રાણી છે જ એ સાબિત કરી શકી. રઈશ મણીયાર, જૈનેષ પંચાલ અને વિવેક ટેઇલર ત્રણે એ ગીતમાં શબ્દો અદભૂત રેતે પુર્યા છે. રૂપકુમાર રાઠોડ, પાર્થિવ ગોહીલ અને ઐશ્વર્યા મજુમદારનો અવાજ પણ વખાણવો જ પડે. ફિલ્મના સ્ક્રીનપ્લેનો એક ભાગ મને ખૂબ જ ગમ્યો. હરીશ-આયુષીના લગ્ન પછી હનીમૂન પર ક્યાં જવું છે ના સવાલનો જવાબ તો યુ.એસ.એ. પર જ અટક્યો. ડિરેક્ટર એ બતાવી દીધું કે પટેલના ઝહેનમાં અમેરિકા પડેલું હોય છે. હું એવું કહીશ કે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ માટે નાકનું ટીચકું ચડાવતા દરેક સુજ્ઞ ગુજરાતીઓ એ આ પહેલને વધાવવા પણ આ ફિલ્મ જોવુ જ જોઇએ. તમે આ ફિલ્મ જોઈને પૈસા વસૂલ કરશો એ ચોક્કસ છે.


પેકઅપ:
ફિલ્મના અંતના દ્ગશ્યોમાં ડૉક્ટર જીજ્ઞેષના હાથમાં આવતા ડાયલૉગ બોલે છે ’કોન્ગ્રેચ્યુલેશન જીજ્ઞેષભાઇ તમને બાબો આવ્યો છે

હાઉસફુલ ૨: ઝાઝા કાગડે ઘુવડ ઘેરાયું





આમ તો છેલ્લા ત્રણ મહિનાથી ફિલ્મ બની ચૂકી હતી પણ બીજી ફિલ્મોની રીલીઝની પાછળ થોડો સમય રાહ જોઈને સારા મહુરત પર રીલીઝ થયેલી ટાઇમપાસ ફિલ્મ હાઉસફુલ-૨ આ પહેલા ૨૦૧૦માં રજૂ થયેલી હાઉસફુલની કડી છે પણ એક્સ્પીરયંસ મેઇક્સ મેન પરફેક્ટ (વુમન પણ) પહેલી હાઉસફુલની સરખામણી એ ઘણી સારી કહી શકાય એવી ફિલ્મ રહી.

૧૯૯૮માં મલયાલમ ફિલ્મ મટ્ટુપતિ મચ્ચન’ બનેલી અને ઘણા લાંબા સમય પછી ૨૦૦૩માં એક તામિલ ફિલ્મ બની બંદા પરમશિવમ’. આ ફિલ્મ ખૂબ સારી ચાલેલી અને એની જ રીમેઇક એટલે હાઉસફુલ ૨. અગાઉ જ્યારે એકવાર તગડી કમાણી કરી ચૂક્યા હોય એટલે સીક્વલ તો કરવી જ પડે એવા વિચાર સાથે ફિલ્મ શરુ કરવામાં આવી. સાજિદ નડિયાદવાલા દ્વારા ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી અને ઇરોઝ એન્ટરટેઇન્મેન્ટ તેમજ નડિયાદવાલા ગ્રાન્ડ સન એન્ટરટેઇન્મેન્ટ દ્વારા ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવી. ધાર્યા કરતા સારા પરિણામો આપીને પ્રોડ્યુસરને ખુશ કરવામાં સાજિદ ખાનનો પૂરો ફાળો કહી શકાય અને વળી એથી પણ વિશેષ નડિયાદવાલા ખાનદાન ગ્રાન્ડસન સુધી પહોંચી ગયું અને યુ.કે. માં પણ ફિલ્મ રીલીઝ કરી કમાણીમાં ઉમેરો કરાવ્યો. ધુરંધર કલાકારોને લઈને કોઈ ફિલ્મ બનાવવી હોય તો વધુ બજેટની તૈયારી રાખવી જ પડે. ફિલ્મ્સ શરુ થઈ ત્યારે ૩૦ કરોડનું બજેટ નક્કી કરેલું હતું પણ સમય સાથે અને બે શેડ્યૂલ વચ્ચે ગેપ આવતા બજેટ ૪૫ કરોડ સુધી પહોંચી ગયું પણ હિન્દી સિનેમાનો ઇતિહાસ રહ્યો છે કે જે ફિલ્મને યોગ્ય રીલીઝ મળે એ ફિલ્મ પૂરતી કમાણી કરે જ છે. ગુમાવવાનું બિચારાં પ્રેક્ષકોએ જ હોય છે.

સાજિદ ખાનને એક સારા ડિરેક્ટર તરીકેની ક્રેડિટ આપવી જ ઘટે કેમ કે રણધીર કપૂર, ઋષિ કપૂર અને મિથુન ચક્રવર્તી જેવા સ્ટારને એક તાંતણે બાંધી શક્યો. જો કે રણધીર કપૂરની ઉમર ઊડીને આંખે વળગે છે . ગળાની તકલીફ, નાદુરસ્ત તબિયતને લીધી પોતે સમય ન આપી શક્યા હોવાથી એમના માટે ડબીંગ પુનિત ઇસ્સાર એ કર્યું. રણધીર કપૂરના મુખ પર પુનિત ઇસ્સારનો અવાજ થોડો વધારે નથી લાગતો? મિથુન ચક્રવર્તી ધીમે ધીમે પોતાનું સ્થાન કૉમેડીમાં પણ જમાવતા જાય છે અને કેમ ન જમાવે આટલાં વર્ષો સુધીનો નીચેના વર્ગનો અનુભવ અને પ્રેમ એમની સાથે છે! ઋષિ કપૂર પોતાની યુવાની આજની તારીખે પણ જાળવી રાખી શક્યો છે, જ્યારે ફિલ્મમાં જહોન અબ્રાહમની ઉમર ચાડી ખાય છે. અક્ષય કુમાર સામે અસીન ઘણી નાની લાગે છે પણ અક્ષય એક્ટીંગને ગળે ઉતારી ચૂક્યો છે જેથી પોતાની ઉમરને દેખાવા દીધી નથી અને ફિલ્મ દરમિયાન કોઈ પણ અક્ષય કુમાર માટે કજોડું કહી શકે એમ નથી. કૉમેડી ઝોનરમાં હ્રીતેષ દેશમુખ પોતાનું સ્થાન અને પક્કડ બન્ને જમાવતો જાય છે એ ફિલ્મમાં દેખાય જ છે. લગ્ન પછી માણસ નક્કામો થઈ જાય છે એવું માનતા લોકો માટે હાઉસફુલ ૨ માં હ્રીતેષ દેશમુખ પ્રેરણા સ્ત્રોત છે. ખૂબ જ ટેલેન્ટેડ પણ હવે લગભગ સપોર્ટીંગ આરટીસ્ટની કેટેગરીમાં ફીટ રહી ગયેલો શ્રેયસ તલપડે ફિલ્મમાં વેડફાઇ ગયો છે અને એવી જ રીતે એક્સ્ટ્રા ઓર્ડીનરી ટેલેન્ટ ધરાવતા બોમન ઇરાનીને પણ ડીરેક્ટરે વેડફ્યા જ છે.  જરાવાર માટે આવીને પણ ફિલ્મમાં પોતાની છાપ છોડી જવા માટે રણજીત સફળ રહ્યા. હવે તો મોટા ગજાની પ્રોડ્યુસર કહી શકાય એવી મલ્લયકા અરોરા ખાન પણ નાનું નાજુક પાત્ર ભજવવામાં સફળ રહી અને અહીં પણ મલ્લયકાને કામ કરવા માટે રાજી કરવા બદલ સાજીદ ખાનને બિરદાવવા જ પડે અને સાથે સાથે દબંગ ૩ને અગાઉથી વિદેશ રાઇટ્સ ખરીદી લેવાના નડિયાદવાલાના ઉપકારનો બદલો પણ ગણવો પડે! જેક્લીન, ઝરીન અને શાહઝનને હિસ્સે ટૂંકા કપડા સાથે પગ અને ક્લેવેજીસ બતાવવા સિવાય કંઇ વધારે કામ ન હતું માટે શક્ય તેટલો ન્યાય આપવાની કોશિશ કરી છતા અનુભવે પંકાયેલા કલાકારો સામે ખૂબ નબળી સાબીત થઈ. સાજીદ-વાજીદ હાલ બોલીવૂડના સૌથી વધુ ડીમાન્ડ ધરાવતા મ્યુઝીક ડીરેક્ટર બની ચૂક્યા છે અને હંમેશાની માફક એક સરસ મજ્જાનું ગીત લોક જીભ પર ચડાવવાની સ્ટાઇલ આ ફિલ્મમાં પણ જાળવી શક્યા છે. જો કે અહીં એક સ્ટેપ આગળ કહી શકાય કેમ કે કોઈ પણ રેડિયો ચેનલ પર બે ગીત સાંભળવા મળે જ અનારકલી ડીસ્કો ચલીઅને પાપા બેન્ડ બજાયે’. સુખવિંદર, શ્રેયા ઘોંષાલ, શાન, સુનિધી ચૌહાણ, મમતા શર્માના સુરીલા અવાજ માટે મ્યુઝીક ઘણા બધા માર્ક લઈ જાય છે.

ફિલ્મ માટે બધા જ ક્રીટીક્સ અલગ અલગ બોલ્યા છે. કોઈ ખૂબ સારુ તો કોઈ મગજ મૂકીને માણવાની કોમેડી કહે છે પણ બોક્સ ઓફીસ પર ધનનન્ન કરતા આંકડાઓ ફરતા જાય છે જે ક્રીટીક્સની કોમેન્ટ કરતા વધારે મહત્વના છે. છેલ્લે તો કમાણી જ સાથ આપવાની ને? પહેલા દિવસે ૧૩.૫ કરોડ, બીજા દિવસે ૧૫ કરોડ અને પ્રથમ અઠવાડીયે ભારતમાં ૪૯.૮૫ કરોડનો ધંધો કરવો એ સહેલી વાત તો નથી જ. એઝ યુઝવલ ગુજરાતીઓને તો ફિલ્મ રીલીઝ કરતા પહેલા ધ્યાનમાં રાખવા જ પડે એટલે બટુક પટેલનું પાત્ર ખાસ લખવામાં આવ્યું અને કેમ લખવામાં ન આવે? આ ફિલ્મનું પણ ૪૯.૮૦% કલેક્શન ગુજરાત માંથી જ તો આવ્યું છે. આ સાથે નડિયાદવાલા ગ્રાન્ડ સન એન્ટરટેઇન્મેન્ટ દ્વારા ફિલ્મ યુ.કે.માં પણ રીલીઝ થઈ અને ત્યાં પહેલા જ દિવસે ૧,૧૨,૦૭૫ પાઉન્ડનો ધંધો કરી લીધો. યુ.કે. ઉપરાંત યુ.એ.ઇ., યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ સારી એવી આવક કરવામાં સફળ રહી. કુલ એક જ અઠવાડીયામાં ૧૫૪.૮૫ કરોડનો ધંધો લાવીને હાઉસફુલ ૩ની તૈયારી માટે નડિયાદવાલાને વિચારતા કરી દીધા.

ઓવરઓલ ખૂબ વધુ પડતા કલાકારોને લઈને કોમેડી સર્જવાનો ખૂબ સારો પ્રયત્ન પણ આટલા બધા કલાકારોનો કાફલો સાથે હોય તો ગુજરાતી કહેવત ઝાઝા કાગડે ઘુવડ ઘેરાયની માફક બધાને ન્યાય આપવો શક્ય ન પણ બને. કોમેડીમાં લોજીક ચલાવવાની મનાઈ હોય છે માટે ફિલ્મ લોજીક વગર જ જોવું.



પેકઅપ:  હાઉસફુલનું બોર્ડ હાઉસફુલવાંચીને બહાર નીકળી ન જવું, ટીકીટ્સ મળે જ છે.

ફેરારી કી સવારી: દરેક વાર ઇમોશન કામ ન કરે






વિધુ વિનોદ ચોપરા ભારતીય દર્શકોની રગ જાણી ગયા હોય એવું આ રીવ્યુ લખતા પહેલા મને લાગતું હતું. એક પછી એક સફળ ફિલ્મ્સ પછી એ મુન્નાભાઈ સિરીઝ હોય કે થ્રી ઇડિયડ્સ હોય દરેક ફિલ્મમાં ઓડીયન્સની લાગણીઓ સાથે ખૂબ સારી રીતે રમી શક્યા હતા. વિધુ વિનોદ ચોપરા પોતાની દરેક ફિલ્મમાં પુરેપુરો જીવ રેડી દે અને ખાસ કરીને ફિલ્મના સ્ક્રીનપ્લેમાં. જો તમે લાગણીશીલ માણસ હો તો વિધુ વિનોદ ચોપરાની દરેક ફિલ્મમાં એકાદ વાર તો રડ્યા હશો જ. આ ઉપરાંત પેટ પકડીને હસ્યા પણ હશો. પણ દરેક વાર ઇમોશન કામ કરે જ એવું શક્ય નથી. વિધુ વિનોદ ચોપરા આ ફિલ્મમાં પબ્લિક ઇન્ટરેસ્ટના બે પોઇન્ટ્સ લઈને આવ્યા. એક ક્રિકેટ અને બીજો પિતા પુત્રનો પ્રેમ. ફેરારી અચાનક વચ્ચે ઘૂસી ગઈ પણ નકામી સાબિત થઈ. જો કે વિધુ વિનોદ ચોપરા હોશિયાર માણસ છે એટલે આ વાત પરથી ઘણી શીખ લઈ લેશે.

રાજેશ મપુસ્કર રાજકુમાર હીરાણીની બે ફિલ્મ્સ ’લગે રહો મુન્ના ભાઈ અને ’થ્રી ઇડીયડ્સ માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા હતા. લગે રહોના શૂટીંગ દરમિયાન આ ફિલ્મનું વિચારબીજ રોપાયું હતું. મોંઘી ગાડી શોધવાનું કામ રાજેશ મપુસ્કરને સોંપવામાં આવ્યું. રાજેશને બધી જ ગાડીઓ મળી પણ ફેરારી ક્યાંય ન મળી. લગે રહોના પોસ્ટ પ્રોડક્શન વખતે રાજેશે આવીને વિચાર રજૂ કર્યો કે જો ફેરારી એક દિવસ માટે ચોરી કરી હોય તો શું થાય? આ વિચાર પછી નીરજ વોરા, રાજેશ મપુસ્કર અને વિધુ વિનોદ ચોપરા ત્રણ લેખકોએ સાથે મળીને આ ફિલ્મ લખવાની શરૂઆત કરી. સાડા છ વર્ષની મહેનતને અંતે ફિલ્મની વાર્તાએ આકાર લીધો. બોમન ઇરાની અને શરવન જોષી જેવા બે દિગ્ગજોના ખભા પર ફિલ્મ ખેંચી શકાશે એવી ધારણાઓ કરવામાં આવી પણ કથાવસ્તુ જ જો નબળી હોય તો ફિલ્મના કલાકારો પણ શું કરી શકે?
ફિલ્મ એક પારસી ફેમીલીની છે. શરમન જોષી (રુસ્તમ ડેબૂ), પુત્ર કાયો (ઋત્વિક સહોરે) અને બોમન ઇરાની (ડેબૂ સર) એટલે કે શરમનના પિતા એક સામાન્ય ફેમિલી છે. શરમન આર. ટી.ઓ. ક્લાર્ક છે. શરમનનો પુત્ર કાયો ખૂબ સારુ ક્રિકેટ રમે છે. જ્યાં સુધી પોતે પહોંચી શકે એટલાં ખર્ચ તો કરી લે છે પણ જ્યારે જાહેરાત થાય છે કે સારા રમતવીરોને લોર્ડ્સ ટ્રેઇનિંગ માટે લઈ જવાના છે અને એ માટે ૧.૫૦ લાખની ફી છે ત્યારે શરમન લોન માટે પ્રયત્ન શરુ કરે છે પણ ક્યાંય લોન મળતી નથી. પ્રોવિડન્ડ ફંડના રૂપિયા પણ ઉપાડવાની કોશિશ કરે છે પણ ૧૫ દિવસના સમયમાં એ શક્ય બનતું નથી. આ દરમિયાન એક કોર્પોરેટરના લગ્ન માટે ફેરારીની જરૂર હોય છે. આ કામ શરમનને સોંપવામાં આવે છે અને એક દિવસ માટે ૧.૫૦ લાખ ભાડું આપવાની વાત થાય છે. શરમન ગાડી લેવા માટે બોમન ઇરાનીના સંબંધો વાપરીને સચીન તેંડુલકરના ઘેર જાય છે અને આશ્ચર્ય વચ્ચે ફેરારીની ચાવી દરવાજો ખોલીને આપી દેવામાં આવે છે. ઘરનો નોકર આકાશ દાભડે (મોહન) એવું માને છે કે ગાડી સાફ કરવા વાળો વ્યક્તિ આવ્યો છે. શરમન પાસે પોતાના પુત્ર માટે લંડન જવાની ફી ખૂબ મહત્વની છે એટલે એ ફેરારી લઈને જતો રહે છે. રૂપિયા લઈને પાછો ફરે છે પણ ભૂલથી રૂપિયા ફેરારીમાં જ રહી જાય છે અને ટ્રાફિક પોલીસ કાર ઉપાડી જાય છે. બીજી તરફ આકાશ અને દીપક સીરકે (ચોકીદાર મામા) પોતાની ભૂલના હિસાબે પોલીસ ફરિયાદ કરવાને બદલે ફેરારી શોધવા માટે હેરાન થાય છે. આ બધા વચ્ચે એક સ્ટોરી એવી પણ છે કે બોમન ઇરાની અને પરેશ રાવલ (દિલીપ ધર્માધિકારી) એક વખત સાથે રમતા ક્રિકેટર્સ હતા. કોઈ પણ એક જ વ્યક્તિ ભારતની ટીમમાં રમવા માટે સિલેક્ટ થઈ શકે એમ હતો માટે પરેશ રાવલ બોમન ઇરાનીના ચશ્મા તોડી નાખે છે અને બોમન ઇરાની સિલેક્ટ નથી થતા. બોમન ઇરાની આ વાતને લઈને પરેશ રાવલ પાસે પૌત્ર માટે રૂપિયા માગવા પણ જાય છે પણ વિલને તો પોતાનું કર્તવ્ય નિભાવવાનું હોય એટલાં માટે કોઈ પણ પ્રકારની મદદ નથી જ કરવાની હોતી. એટલું જ નહીં પણ ફાઇનલ સિલેક્શન માંથી પણ નામ કમી કરી દેવામાં આવે છે. બધાના વિરોધ વચ્ચે બાળક ફાયનલી સિલેક્ટ થાય છે પણ પિતા ફેરારી ચોરીને રૂપિયા લઈ આવ્યા છે એ વાત બાળકને મંજૂર નથી. આ વચ્ચે ઘણા નાના નાના પાત્રો વચ્ચે થતી ઇમોશનલ રમત છે અને અંતે લોકો ભેગા મળીને દોઢ લાખ રૂપિયા ભરે છે.

ઉપરની વાત વાંચીને સરસ લાગીને? પણ જ્યારે પડદા પર આ આખી વાત જોશો તો તમને સમજાશે કે સ્ક્રિનપ્લે એટલો બધો નબળો છે કે ધરાર ફિલ્મ ખેંચી હોય એવું લાગ્યા કરે. વાત વાતમાં ઇમોશન જોડી દેવામાં આવે અને પબ્લીકને રડાવવાની કોશિશ જારી રાખવામાં આવે પણ શબ્દો કરતા સિચ્યુએશન વધારે રોવડાવી શકે એ રાઇટર્સ ભૂલી ગયા. મને લાગે છે કે જો આ ફિલ્મ માંથી ફેરારી બાદ કરી નાખવામાં આવી હોત તો ફિલ્મ વધુ સારી રીતે બનાવી શકાઈ હોત. લોકોનો ક્રિકેટ તરફનો ક્રેઝ સમજી શકાય છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ પણ ૧૪ વર્ષના છોકરાને એક ટ્રેઇનિંગ કૅમ્પમાં મોકલવા માટે આટલી મહેનત અને આવી વાર્તા ગળે ઉતરતી નથી. આ રીતે જ સ્ટોરીના ખાંચાઓ પણ નરી આંખે દેખાય આવે છે. બોમન ઇરાનીને તૂટેલા ચશ્માંને લીધે બેટીંગ કરતી વખતે દડો લાગે છે અને એ સિલેક્શન માંથી બહાર ફેંકાઈ જાય છે જ્યારે બોમન ઇરાની તો બોલર છે એવું દેખાડવામાં આવે છે. એ રીતે કોઈ પણ વાતને લાંબા લાંબા ડાયલોગ્સ દ્વારા એસ્ટાબ્લીશ કરવાની રીત આજના ઓડીયન્સને પસંદ ન જ આવે. આજનું ઓડીયન્સ એટલું તો શીખી જ ગયું છે કે પ્રસંગો છે તો જ ફિલ્મ છે, વાતો માટે નાટક અને સિરિયલ છે જ. જો કે આ ફિલ્મ માટે એક પોઝીટીવ વાત એ રહી કે અમુક ટુકડાઓ અસરકારક રહ્યા પણ આપણે તો આખી ફિલ્મ જોવી હોય કટકા નહીં. આ ફિલ્મ જો એક કલાકની હોત તો સારી હોત પણ હજુ ભારતીય દર્શકો શૉર્ટ ફિલ્મના એટલાં શોખીન નથી એટલે મહેનત કરીને ફૂલ લેન્થ ફિલ્મ બનાવવી જ પડે છે.

ફિલ્મને ઉગારવા માટે હોટ વિદ્યા બાલન પાસે પણ ખાસ એક આઇટમ સોંગ કરાવવામાં આવ્યું પણ આ ગીત પણ કોઈ ફાયદો કરાવી નહીં શકે. ફિલ્મને એક ફાયદો ચોક્કસ થયો કે સાથે જોડાયેલા નામો જેવા કે વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હીરાણી વિગેરેને લીધી ખૂબ ઝાઝી ટૉકીઝ અને મલ્ટીપ્લેક્ષમાં રીલીઝ મળ્યું જેના લીધે ૧૦ કરોડના બજેટમાં બનેલી ફિલ્મ પહેલા ત્રણ દિવસમાં ૧૨.૫૦ કરોડનો ધંધો કરી ચૂકી છે. મારા જેવા ઘણા લોકોના પૈસા પડી ગયા છે અને હજુ પડશે. ફિલ્મ રીવ્યુ માટે એક રિવાજ રહ્યો છે કે જેટલા રૂપિયા મળે એ મુજબ રીવ્યુ આપવો તો પણ હજુ ઘણા ક્રિટીક્સ એવા છે કે જે સત્ય જ કહે છે એટલે સારા ક્રિટીક્સ તરફથી ૨.૫ સ્ટાર આપવામાં આવ્યા છે પણ હું એમાં પણ અડધા સ્ટારનું ડિસ્કાઉન્ટ લઈને ૨ સ્ટાર જ આપુ છું.




પેકઅપ:
શિવાજીની તલવારથી મર્યા એના કરતા શિવાજી બીડીથી વધારે મર્યા છે




ઇશકઝાદે: પરિનીતી ચોપરા બીજી વિદ્યા બાલન થાય તો ના નહીં





’હરામઝાદે, ’જીતેગા જેવા અનેક ટાઇટલ પર વિચાર થયો પણ દિગ્દર્શક હબીબ ફૈઝલને હજુ પણ સંતોષ ન હતો. ઉત્સાહ વધારે એવું અને કંઈક નવીન પ્રકારનું ટાઇટલ જોઇતું હતું. ચમત્કારિક રીતે એક બનાવ બન્યો. કૌશર મુનીરને ગીતકાર તરીકે નક્કી કરવામાં આવ્યા. કૌશર મુનીર એ પહેલું ગીત, આઇટમ સોંગ પ્રકારનું લખવાનું હતું. કૌશર એક ગીતની થોડી લાઇન લખીને હબીબ ફૈઝલને બતાવવા ગયા. આ ગીતમાં એક શબ્દ આવ્યો ’ઇશકઝાદે આ શબ્દ હબીબના મગજમાં ઘૂસી ગયો અને એમને મળ્યું એક અનોખું ટાઇટલ ઇશકઝાદે
આદિત્ય ચોપરા પાસે એક વાર્તા હતી. હબીબ અને આદિત્ય ચોપરા બંને આ વાત પર વિચાર કરતા હતા. બંને એ સાથે મળીને સ્ક્રીન પ્લે તેમજ સ્ટોરી ડેવેલોપ કરવાનું શરુ કર્યું. હવે વાત આવી કાસ્ટિંગની. ઘણા ચહેરાઓ હતા પણ હબીબને એવો હીરો જોતો હતો જે એક સામાન્ય લાગે, આવારા લાગે અને છતા દેખાવડો હોય. હબીબની શોધ ચાલુ હતી ત્યારે ફેસબૂકમાં અર્જુન કપૂર પર નજર પડી. બંને વચ્ચે વાતચીત શરુ થઈ. આમ તો અર્જુન અત્યાર સુધી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જ કામ કરતો પણ એક્ટીંગમાં પૂરતી સૂઝ તો હતી જ. કેમ? કેમ કે અર્જુન કપૂર એટલે બીજો કોઈ નહીં પણ બોની કપૂરની આગલી પત્ની મોના કપૂરનો છોકરો એટલે અર્જુન કપૂર. (ખાનદાની રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હોઈએ ત્યારે કોઈ ગોડ ફાધરની જરૂર પડતી નથી) અર્જુન કપૂર માટે સાવ સહેલું તો ન જ હતું કેમ કે અપેક્ષાઓ વધારે હતી. ખૂબ મહેનત, પ્રેક્ટીસ ઘણું બધું કરવું પડ્યું. ફિલ્મ દરમિયાનમાં અર્જુનનો એક અનુભવ તો સાવ અલગ જ રહ્યો. ફિલ્મનું એક ગીત ’છોકરા જવાં સમયે સાવ અલગ ડાન્સ અને એક્ટીંગ કરવાની હતી. હબીબ એ તો કહી દીધું કે જો અર્જુન ન કરી શકે તો એકલી છોકરી પર ગીત ફિલ્માવી લઇશુ. અર્જુનને આ મંજૂર નહોતું. પુરા ૩ દિવસ સતત ૬ કલાક પ્રેક્ટીસ કરીને પોતાની જાતને પુરવાર કરી. જો કે અહીં એ વાત પણ નોંધવી પડે કે રેખા અને ચીન્ની પ્રકાસ જેવા ડાન્સ ડિરેક્ટર હોય કે જેમણે જોધા અકબર માટે નેશનલ એવૉર્ડ મળ્યો હોય ત્યારે થોડું સહેલું થઈ જાય.

હવે વાત હતી હીરોઇનના સીલેક્શનની. આદિત્ય ચોપરા સાથે આ પહેલા પણ કામ કરી ચૂકેલી પરિનીતી ચોપરા પર નજર રોકાય એ શક્ય છે જ. પરિનીતી એ પોતાની પ્રથમ ફિલ્મ ’લેડીઝ વર્સિસ રીક્કી બહેલમાં પોતાની આવડત સાબિત કરી જ દીધી હતી. પોતાની પ્રથમ ફિલ્મમાં જ ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુટ એવૉર્ડ જીતી લીધો હતો. અહીંયાં એક મુશ્કેલી એ હતી કે પરિનીતી એટલે પાક્કે પાક્કી પંજાબી કુડી. આ પંજાબી કુડીને મુસ્લિમ છોકરીમાં ફેરવવી એટલે લોઢાના ચણા ચાવવાનું કામ પણ હબીબ એ લખનઉ અને આજુબાજુના વિસ્તારની રેકી સમયે પરિનીતીને સાથે રાખી. ત્યાંની મુસ્લિમ છોકરીઓ અને લોકોને મળાવ્યા, ત્યાંની રીતભાત, બોલચાલ દરેક પાસાઓનો અભ્યાસ કરાવ્યો. પુરેપુરુ પોટેન્શીયલ ધરાવતી આ છોકરી માટે હવે કામ અઘરું ન હતું. પોતાની જાતને મેક-ઓવર કરી પરિનીતી એ સાબિત કરી દીધું કે એ ભવિષ્યની વિદ્યા બાલન થાય તો નવાઈ નહીં! પોતાના કામને ન્યાય આપવા માટે અનેક સ્ટંટ દ્ગશ્યો પરિનીતી એ પોતે જ ભજવ્યા. શૂટીંગ દરમિયાનમાં કેટલીયે વાર પડી, લાગ્યું, છોલાણી પણ ડીરેક્ટરને જોઇતી વાત બહાર લાવીને જ રહી. પરિનીતી માટે તો ફિલ્મ એકવાર જોવું જ જોઇએ. ફિલ્મમાં એક પાત્ર ચાંદ બેબી એટલે કે ગૌહર ખાન પણ નોંધનીય રહી.

હબીબને એક એવું ગામ જોઇતું હતું જ્યાં આ ફિલ્મ થઈ શકે અને જેનું બૅકગ્રાઉન્ડ એકદમ યુપી જેવું જ હોય. કચ્છ સુધી ચક્કર મારી આવેલા હબીબને છેલ્લે તો યુપી જ જવું પડ્યું. ’હરદોઈ, ’બારાબંડી, ’બારાગાંવ અને લખનઉના અમુક મહોલ્લામાં ફિલ્મનું શુંટીંગ થયું. હબીબનું માનવું હતું કે અસ્તિત્વમાં હોય એવું ગામનું નામ રાખવું જ નહીં માટે એક આર્ટીફીશ્યલ નામ નક્કી કરવામાં આવ્યું ’અલમોર હરદોઈ, બારાબંડી, બારાગાંવ અને લખનઉને ’અલમોર બનાવી દેવામાં આવ્યા. બાવીસથી વધુ ફિલ્મોનો અનુભવ ધરાવતા આર્ટ ડિરેક્ટર ’શ્યામ કૌશલ એ આ કામ કરવાનું હતું અને બાખૂબીથી ગામ ફર્યું છે એવું લાગ્યા વગર જ એમણે દરેક સેટ તૈયાર કર્યા. એથી પણ વિશેષ વાત એ રહી કે ફિલ્મમાં ઍક્શન પણ શ્યામ કૌશલ એ જ સંભાળ્યું હતું.

કોણ જાણે કેમ પણ સુંદર મેઇકીંગ હોય છતા ફિલ્મ ક્યાંક માર ખાઈ જતી જ હોય છે. ફિલ્મનું હાર્દ છે વાર્તા. મૂળ વાત મજબૂત હોવી જરૂરી છે. ઇશકઝાદેની ઘણી જ વાત નોંધનીય છે પણ એક સાવ સામાન્ય વાત અને પ્રીડીક્ટેબલ સ્ટોરી. પોલીટીક્સ વચ્ચે રમતી પ્રેમ કહાની. મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરાનું પ્રેમ પ્રકરણ. વિરોધ માંથી પાંગરતો પ્રેમ. ફિલ્મમાં હજારો ગોળીઓ છૂટી પણ આખા ફિલ્મમાં એક પણ પોલીસ ન જોવા મળી. (કદાચ લેઇટ પહોંચવાની આદત મુજબ ફિલ્મની સ્ક્રીન પર આવી શકી નહીં હોય!) રીવોલ્વરમાં છ ગોળીઓ હોય છે પણ અહીં રીવોલ્વર માંથી ૨૦ ગોળી છૂટે તો કોઈ પ્રશ્ન નહીં કરવાનો. ’મૈં પરેશાં.” કદાચ આ વર્ષના બેસ્ટ સોંગનો એવૉર્ડ જીતી શકે. અમિત ત્રિવેદી એકમાત્ર મ્યુઝિક ડિરેક્ટર છે જે ચોરી વગરનો માલ પીરસે છે. ઓવરઓલ રેટીંગ આપવું હોય તો ૫ માંથી ૩.૫ સ્ટાર તો આપવા જ પડે



પેકઅપ: “પ્રેમ એટલે મફતમાં કંઈક મેળવવાનો ફંડા

જન્નત2- એકટીંગનો સુભગ તાલમેલ




સગુફ્તા રફીક પોતાની સ્ટોરી લઈને મુકેશ ભટ્ટને મળે છે અને કહે છે કે આ ફિલ્મ તમારા જ બસની છે તો વિશેષ ફિલ્મસ જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરે. લગભગ ચાર પાંચ વાર મુલાકાત પછી સ્ટોરી સ્વીકારી લેવામાં આવી અને એ સાથે અગાઉથી રજિસ્ટર કરી રાખેલા ટાઇટલ્સ પણ ચેક કરવામાં આવ્યા. સૌથી પહેલું ટાઇટલ નક્કી થયું ’બ્લડ મની પણ ભટ્ટ કૅમ્પમાં ચર્ચા થઈ કે આ ટાઇટલ આ ફિલ્મ માટે યોગ્ય નથી. એ પછી એક નવું ટાઇટલ રજિસ્ટર કરવામાં આવ્યું ’ઇન્ફોર્મર પણ સફળતા માટે તો વિચાર કરવો જ પડે એટલે છેલ્લે આ પહેલા ૨૦૦૮માં રજૂ થયેલી ’જન્નત ને ધ્યાનમાં રાખીને ’જન્નત2’ ટાઇટલ નક્કી થયું. આમ પણ સફળતા માટે કહેવાય છે કે સફળ વ્યક્તિનો જ હાથ પકડવો બાકી તો ’સનમ હમ તો ડુબેંગે તુજે ભી લે ડુબેંગે જેવો ખેલ થાય.

મહેશ ભટ્ટ-મુકેશ ભટ્ટના કૅમ્પની એક ખાસિયત રહી છે કે હીરોઇન તો નવી જ લેવી. બજેટ ઓછું થાય અને નખરા પણ સહન કરવા નહીં. ’ઇશા ગુપ્તાની ઉમેદવારી ભટ્ટ કૅમ્પમાં એક વર્ષથી પેન્ડીંગ હતી અને આમ પણ આ ફિલ્મમાં ઇશાના ભાગે કોઈ ખાસ કામ હતું નહીં એટલે સુંદરતાને ધ્યાનમાં લઈ ઇશાનું કાસ્ટિંગ થઈ ગયું. ઇમરાન હાસમી તો હોય જ. ઇમરાન સામે એવી જ કેમેસ્ટ્રી ધરાવતો અને શંકી લાગતો વ્યક્તિ જોઇતો હતો. ડિરેક્ટર કુણાલ દેશમુખની નજર સૌથી પહેલા જ રણદીપ હુડા પર હતી અને રણદીપનું પણ કાસ્ટિંગ થઈ ગયું. હવે બાકી રહ્યું હતું એક માત્ર વિલનનું પાત્ર અને એમાં બાજી મારી મનીશ ચૌધરી એ. મનીશ ચૌધરી આમ તો સ્ટેજ સાથે વર્ષોથી જોડાયેલા એટલે અભિનય ક્ષમતા માટે તો કોઈ શંકા જ ન કરી શકાય. ઘણા વર્ષે આરિફ ઝકારીયાને જોઈને પણ આનંદ આવે જ. નવો છોકરો મહમદ જીસાન આયુબ પણ મિત્રના પાત્રમાં પણ યોગ્ય ન્યાય આપી શક્યો. બીજેન્દ્ર કાલા એસીપી પ્રતાપના રાઇટ હેન્ડ તરીકે નક્કી થયા એ માટે ’પાનસીંઘ તોમરનો પ્રખર રોલ યાદ રાખવો જ પડે.

ફિલ્મનું સૌથી સબળ પાંસુ રહ્યું એક્ટીંગ. દરેક વ્યક્તિને સોંપવામાં આવેલુ કામ પુરેપુરી ઈમાનદારીથી નિભાવી જાણ્યું છે. દિલ્હીની પૃષ્ઠભૂમિ પર ફિલ્માવવામાં આવેલી જન્નત 2માં એક એક પાત્ર પોતાની આગવી છાપ ઉપસાવી શક્યું. ખાસ કરીને બે પાત્રોમાં જ્યારે કોણ લીડ રોલ છે એ નક્કી ન થતું હોય ત્યારે બન્ને પાત્રોની કેમેસ્ટ્રી બહાર ન આવે તો ફિલ્મ મરી જાય પણ અહીં એવું ન બન્યું અને કોઈ પણ સમયે જ્યારે જ્યારે ઇમરાન અને રણદીપના સાથેના દ્ગશ્યો જોયા ત્યારે એવું લાગે કે બંને એકબીજાને પૂરક છે. એવી જ રીતે વિલનની જોડી પણ ધ્યાન ખેંચવામાં સફળ રહી.

જન્નત સફળ ફિલ્મ રહી હતી પણ સ્ટોરી લોજિક ભૂલી જવાયું હતું. જન્નતમાં ઇમરાન હાસમીનો ગેસીંગ પાવર સ્ટ્રોંગ બતાવવામાં આવે છે અને એ કહે કે આ બોલ પર છગ્ગો લાગશે તો લાગે જ તો પછી એણે બૂકી થવાની શું જરૂર હતી? જન્નતમાં સ્ટોરી ધરાર ખેંચવામાં આવી હતી જ્યારે જન્નત2 પોતાની મેળે આગળ વધે છે. સંપૂર્ણ લોજિક નથી ચૂકાયું એમ કહી શકાય નહીં કેમ કે ફિલ્મને વધુ ફિલ્મી બનાવવા જતા પોલીસ કમિશ્નર શ્રી જ ફૂટેલા બતાવાયા. જો એવું હોય તો એસીપી પાસેથી કેસ આરામથી ખેંચી શકાય કે એ સસ્પેન્ડ થઈ શકે એવી પરિસ્થિતિમાં પ્રોટેક્ટ કરવા બદલે સસ્પેન્ડેશનનો ઑર્ડર હાથમાં આપી શકાય પણ ફિલ્મ છે એટલે થોડી ઘણી ક્ષતિઓ તો સ્વીકારવી જ પડે. એમ છતા પણ ફિલ્મનું મહત્વનું પાંસુ રીઝનીંગ છે જે સ્ટોરી રાઇટર એ નિભાવી જાણ્યું છે. સોનુ દિલ્હી (કુત્તી કમીની ચીઝ) ગમે ત્યારે પોતાની અનુકૂળતા મુજબ પોતાના સ્ટેપ્સ બદલાવતો રહે અને દરેક વખતે એકદમ વાજબી લોજિક સાથે. ફિલ્મનો અંત પણ સાયકોલોજીને ધ્યાનમાં લઈને જ આપવામાં આવ્યો છે. હું ખોટો નથી એવું મારી પત્નીને ન કહેવું એવી સૂચના આપે કારણ કે એસીપી પોતાની પત્નીના મૃત્યુનો બોજ ગળે લઈને ફરે એ રીતે સોનુની પત્ની ના ફરે...

પ્રિતમનું મ્યુઝિક ભટ્ટ કૅમ્પની હંમેશાની માફક સારા મ્યુઝિકની રેંજ જાળવી શક્યું અને મ્યુઝિક માટે સારા સારા ક્રીટીક્સ તરફથી ૫ માંથી ૪ સ્ટાર મેળવવામાં સફળ રહ્યું.  વિશેષ ફિલ્મ્સ અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું. ૧૮ કરોડમાં બનેલા ફિલ્મની પહેલા ત્રણ દિવસની ડોમેસ્ટીક કમાણી ૨૪ કરોડ આસપાસ રહી એટલે ઓવરઓલ સફળ ફિલ્મ રહી. હાં એક વાત છે કે જો ગાળો સાંભળવામાં વાંધો ન હોય તો ફેમિલી સાથે પણ ફિલ્મ જોઈ શકાય.



પેકઅપ: સ્વર્ગ અને નર્ક વચ્ચેનો ફાંસલો ગર્લફ્રેન્ડ અને પત્ની જેટલો હોય છે.(તમે આગળ પાછળ ગોઠવી શકો)

ડિપાર્ટમેન્ટ અન ઓર્ગેનાઇઝ્ડ ખાતું




ફિલ્મ ઇન્ડસ્ટ્રી શરુ થઈ ત્યારથી કૅમેરા ક્ષેત્રે ઘણી બધી ટેકનિકલ ક્રાંતિ આવી છે. ફિલ્મ કૅમેરા રીલ પર જ શૂટ થઈ શકે એવી એક માન્યતાને અચાનક જ તૂટી ગઈ જ્યારે ડીજીટલ કૅમેરાનો યુગ શરુ થયો. Red 1, Red 2 અને પછી Red 3નું આગમન થયું અને ડીજીટલ ફિલ્મનો યુગ શરુ થયો. એ સાથે સાથે ઘણા બધા Red કૅમેરાને કોમ્પીટ કરે એવા PMW EX-1, EX-3 જેવા કૅમેરા સોની કંપનીએ સીનેવિસ્ટા શરુ કર્યા. અચાનક જ એક DSLR કેમેરો એવો આવ્યો કે જેણે માન્યતા બદલી નાખી કે ફોટોગ્રાફીના કૅમેરામાં શૂટીંગ ન થઈ શકે. એ કેમેરો છે Canon 5D Mark-II. (Mark-III પણ આવી ગયો છે). રામગોપાલ વર્માનો ફેવરીટ કેમેરો. રામુજીને પ્રયોગ કરવા ગમે એટલે એમણે ડિપાર્ટમેન્ટ માટે એક અનોખો પ્રયોગ કરવાનું નક્કી કર્યું. કોઈ સિનેમેટોગ્રાફર જ નહીં. આખુ ફિલ્મ ગમે ત્યાં કૅમેરા લગાવીને શૂટ કરવાનું. કોઈ સિનેમેટોગ્રાફીના નિયમોને અનુસરવાનાં નહીં. Mark II નાનો કેમેરો એટલે ગમે ત્યાં લગાવી દેવાનો, ગમે તે રીતે એંગલ બનાવવાના, ગમે તેવું લાઈટીંગ યુઝ કરવાનું અને ફિલ્મ બનાવવું. રામુભાઇ માટે પ્રયોગ પણ બચારા દર્શકોનું શું વાંક?

ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સંજય દત્ત, રાણા દગ્ગુબાટી, વિજય રાઝ જેવા ધુરંધર કલાકારોનો કાફલો હોય અને ખાલી એક પ્રયોગ માટે વેડફી નાખવાના? સિનેમેટોગ્રાફરનું કામ એટલાં માટે હોય કે દરેક કલાકાર સુંદર લાગે અને સાથે જોડાયેલુ બૅકગ્રાઉન્ડ પણ સુંદર લાગે પણ અહીં તો જાણે દરેક આર્ટીસ્ટને ભૂંડો કેમ લાગે એ માટેની સ્પર્ધા હોય એવું જ લાગે. ’કેમેરો ગમે ત્યાંથી મૂકીને પ્રયોગ ન થઈ શકે ભાઇ રામુ એવું કહેવાની કદાચ આ દિગ્ગજ કલાકારોમાં હિંમત નહીં હોય! એક એક દ્ગશ્યને ખરાબ લગાડવા માટે યુનિટના દરેક સભ્યોએ પૂરેપુરી કોશિશ કરી છે, પછી એ હાથમાં કેમેરો બાંધીને ચા માટેની ટી-પેન હોય, માથામાં કેમેરો લગાવીને સામેના વ્યક્તિનો ચહેરો હોય કે પછી કારના વ્હીલ સાથે કેમેરો લગાવીને ચેઝીંગ હોય. રામુજી ત્યાં સુધી પણ અટક્યા નહીં અને કોઈ પણ કારણ વગર એક રોડમાં કેમેરો લગાવીને ગોળગોળ ફેરવતા રહ્યા. સિનેમાંની દુનિયામાં કહેવાય છે કે ૧૮૦ ડિગ્રી પર કેમેરો ફરે નહીં પણ અહીં કોઈ પણ ડિગ્રી પર કેમેરો ફરી શકે!

કોઈ પણ ફિલ્મ માટે સામાન્ય રીતે ક્રિટીક્સ અલગ અલગ અભિપ્રાય ધરાવતા હોય પણ કોણ જાણે પહેલી વાર એક ચમત્કાર થયો કે એકસામટા બધા જ ક્રિટીક્સ સહમત થયા અને બધાંએ આ પ્રયોગને દર્શકો પરનો જુલ્મ ગણ્યો. કદાચ જો આ માટે ભારતીય કાયદામાં કોઈ સજા હોત તો રામુજી અત્યારે જેલમાં હોત! ઘણીબધી વાર ફિલ્મને ગીતો ઉગારી લેતા હોય છે પણ અહીં ત્રણ ત્રણ મ્યુઝિક ડિરેક્ટર ભપ્પી લહેરી, ધરમ-સંદીપ અને વિક્રમ માગીને લેવા છતા એક પણ ગીત કર્ણપ્રિય ન રહ્યું. નટાલીયા કૌરને ખાસ આઇટમ સોંગ માટે લાવવામાં આવી અને એ પણ ખૂબ જ ટૂંકા વસ્ત્રો સાથે એમ છતા રામુજી ફરી એકવાર ફેઇલ થયા. ગણેશ જેવા ગ્રેટ ડાન્સ ડિરેક્ટર પણ કોઈ ખાસ કમાલ દેખાડી શક્યા નહીં. સિધ્ધાંત ઓબેરોય અને અમીત શર્માની જોડે જ્યારે આ ફિલ્મના પ્રોડક્શન માટે ચર્ચા થઈ ત્યારે બંને પ્રોડ્યુસર્સ એટલાં બધા ઉત્સાહિત હતા કે આ ફિલ્મ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મિશાલ બનશે. બંને ભાઈઓ એ બોલીવુડ હંગામાં પર ઇન્ટર્વ્યુઝ રીલીઝ કર્યા, ઘણા બધા અખબારોમાં એક અનોખી ફિલ્મ તરીકે રજૂ થઈ છે એવી વાતો કરી અને તમને બધાને આશ્ચર્ય થશે કે ખરેખર અનોખી જ ફિલ્મ બની! એવી અનોખી કે થિયેટરમાં પહેલા દિવસ પછીથી માંડ માંડ ૨૦ લોકો જોવા મળ્યા.

લોકોની દ્રષ્ટિએ ફિલ્મનું કથાનક પણ નબળું હતું પણ મારો પોતાનો અભિપ્રાય આપુ તો નિલેશ ગીરકર એ પોતાની રીતે ફિલ્મનું કથાનક, ડાયલૉગ બધા પર ખૂબ મહેનત કરી હોય એવું દેખાય છે. ફિલ્મને સફળ બનાવવા માટે સ્ટોરીને જે રીતે ટ્વીસ્ટ કરી છે એ જોતા કથાસાર ખરાબ હતો એવું કહી ન શકાય. રામુના ફેવરીટ વિષય અન્ડરવર્લ્ડ પરની વાત હોય એટલે રામુજી વાર્તામાં તો ખાસ ધ્યાન આપે જ એવું મારુ માનવું છે. અન્ડરવર્લ્ડની તાકાતને નાથવા માટે એક ખાસ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવે છે. આ ડિપાર્ટમેન્ટના વડા તરીકે મહાદેવ ભોસલે (સંજય દત્ત)ને મૂકવામાં આવે છે. મહાદેવ ભોસલે એક ટીમ બનાવે છે. ગુસ્સા અને એનકાઉન્ટરના કારણે સસ્પેન્ડ થયેલા ઇન્સ્પેક્ટર શિવનારાયણ (રાણા દગ્ગુબાટી)ને ટીમમાં જોડવામાં આવે છે. અંડરવર્લ્ડ બે મહાસત્તા દ્વારા ચાલતું હોય છે. ગૌરી અને સવાતીયા(વિજય રાઝ). સવાતીયાની ટીમનો મુખ્ય માણસ ડી.કે (અભિમન્યુ સિંઘ) ડી.કે. ની પ્રેમિકા નાસિર (મધુ શાલીની) બંને સવાતીયા સાથે હોવા છતા વિરોધી હોય છે. આ ઉપર એક ત્રીજી સતા પોલીટીક્સ પણ હોય છે અને એના લીડર છે સરજેરાવ ગાયકવાડ (અમિતાભ બચ્ચન). ફિલ્મમાં કોણ કોની સાથે ભળેલુ છે અને કોણ કોના માટે કામ કરે છે એ પ્રશ્ન આખર સુધી ઊભો જ રહે છે. લાગણી, ફરજ, મિત્રતા અને વફાદારી વચ્ચે મહાદેવ તરીકે સંજય દત્ત એ ખૂબ સારી રીતે ન્યાય આપ્યો છે અને સાથ આપતી બંને હીરોઇન લક્ષ્મી માંચુ અને અંજના સુખાનીના ભાગે વધુ કામ ન હતું પણ છતા જેટલું કરવું જોઇએ એટલું કામ તો કર્યું જ છે.
રામુ એ ખૂબ સારા કલાકારો લેવાના કારણે ફિલ્મનું બજેટ ૩૦ કરોડ રહ્યું. ભારતભરમાં ૪૦૦૦ ટૉકીઝ રીલીઝ કરી પણ હાય રે નસીબ કે હાય રે પ્રયોગ બોક્ષ ઓફીસનું ત્રણ દિવસનું કલેક્શન માત્ર ૭ કરોડ જ થયું. જો કે રામુભાઇ આથી ગભરાય એવા નથી. દર્શકોને ફરી આવું કંઈક નવું સહન કરાવવાની તૈયારીમાં લાગી જ ગયા હશે. આ ફિલ્મ માટે વિનય અભિજીતને એડીટીંગ માટે સલામ કરવી જ પડે. ૬ કૅમેરાથી શૂટીંગ અને કોઈ પણ જાતના નિયમો વગર એમ છતા વિનય એ જે રીતે એડીટ કર્યું અને જે રીતે દર્શકોનું માથુ દુખાડયું, ભાઇ વખાણ તો કરવા જ પડે.




પેકઅપ: ફિલ્મમાં હીરો થવા માટે મેઇલ આર્ટિસ્ટ હવે ખાલી રૂપિયા આપીને છૂટી શકતા નથી.

ક્યા સુપર કૂલ હૈં હમ: અશ્લીલ જોકનો ખજાનો





ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગયુ અઠવાડીયું અને આ અઠવાડીયું બંને ખરાબ રહ્યા. ગયા અઠવાડીયે એક પણ ફિલ્મ રીલીઝ ન થયું અને આ અઠવાડીયે ફિલ્મ રીલીઝ થયુ તો પણ એવું કે આ કરતા ઘેર બેઠાં રહીએ તો સારુ. ક્યા કૂલ હૈં હમની વલ્ગારીટી ઘણા લોકોને નહોતી ગમી તો ઘણા લોકોને ગમી પણ ખરી. સેક્સ લોકોના મગજમાં હોય છે. ખરાબ વાતો ગમે પણ છે તો પણ ખરાબ વાતોની પણ એક લીમીટ હોય છે. દ્વિઅર્થી સંવાદો પણ લોકોને ગમી શકે પણ વાતની અંદર એક સેન્સ જોઈએ. સેન્સલેસ વાત ક્યારેય પણ હજમ થઈ શકે નહીં. જો તમે દ્વિઅર્થી વાત અને જૂની ચવાય ગયેલી વાત સ્વીકારવા તૈયાર હો તો ક્યા સુપર કૂલ હૈં હમ જોવા જજો નહિતર ઘેર બેસીને એક ચા, કોફી કે પેગ પીવામાં વધારે મઝા આવશે.

સીક્વલની સીઝન ચાલુ જ છે તો ગરમ તવામાં એકાદ ભજયુ શેકી લેવામાં કંઈ વાંધો નથી એવા વિચાર સાથે ક્યા કૂલ હૈં હમની સીક્વલ ક્યા સુપર કૂલ હૈં હમ પ્રોડ્યુસ કરવામાં આવી. એકતા કપૂરને રૂબરૂ ગાળો ભાંડતા સાંભળવાનો મોકો મને મળ્યો છે એટલે હું તો એવું કહી શકીશ કે ગાળો બોલવી એ એક જ ટાર્ગેટ સાથે આ ફિલ્મ બનાવવામાં આવી છે. હું ક્યારેય પણ એવું નથી માનતો કે દ્વિઅર્થી વાતો કે વલ્ગર જોક્સ ખરાબ હોય શકે પણ જો એક જ વાત અને જે વાતમાં પંચ ન હોય તો એવી રીતે રજૂ ન થાય તો એનો કોઈ જ અર્થ નથી. આવી અર્થ વગરની ફિલ્મ એટલે ક્યા સુપર કૂલ હૈં હમ. ક્યા કૂલ હૈં હમના ડિરેક્ટર હતા સંગીથ સેવન અને આ ફિલ્મ લખી હતી સચીન યાર્ડીએ. સચીન યાર્ડી ગાળો ખૂબ સારી બોલે છે એટલે એકતા કપૂરના ફેવરીટ બની ગયા. ક્યા સુપર કૂલ હૈં હમ લખવા માટે એમને જ આપવામાં આવી અને એકતાની દ્રષ્ટિએ ખૂબ સારુ લખવાના કારણે ડિરેક્શન પણ એમને જ સોંપવામાં આવ્યું. રોહિત શેટ્ટીને પણ ફિલ્મમાં એકતા કપૂરના સંબંધોના હિસાબે કામ કરવું પડ્યું. કૉમેડી સર્કસના સેટ પર એક પણ દ્વિઅર્થી સંવાદ આવે તો તરત જ વોર્નિંગ આપતા રોહિત શેટ્ટીને હક્ક છે કે એ ગોલમાલમાં બેફામ ગાળો બોલાવી શકે. સફળતાને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સલામ કરતી આવી જ છે એટલે આપણે પણ આ સફળતાને સ્વીકારીને કહેવું કે વાહ શું કૂલ વાત છે…

ફિલ્મ મેકીંગનો એક પાર્ટ રહેવાને લીધે ફિલ્મ પ્રોડક્શનના તમામ પાસાઓથી હું વાકેફ છું. કોઈ પણ ફિલ્મ બનાવતા પહેલા સ્ક્રીપ્ટ રીડિંગનું એક સેશન રાખવામાં આવે છે. આ સેશનમાં બુધ્ધિજીવી લોકો બેસે છે અને સ્ક્રીપ્ટના વાંધાઓ રજૂ કરે છે. મૂળ વાત પર વિચાર કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આ વાત યોગ્ય છે અને આ વાત યોગ્ય નથી. તમારે સાથેસાથે ખૂશામતખોરોને પણ સાચવવા જ પડે. આ ખૂશામતખોરોને એક વાત જ કહેવાની હોય છે કે ’વાહ ક્યા બાત હૈં, યે બાત તો હટકે હૈં. સુપર કૂલ હૈં વખતે આવા ’જી હજૂરિયાની ફૌજ વધારે હશે. એકતા કપૂર માટે આ ફિલ્મ એ ખોટનો વિષય નહી રહે કેમ કે ૨૦૦૦ ટૉકીઝમાં ૪ શો રીલીઝ ઉપરાંત આ અઠવાડીયે એક પણ ફિલ્મ રજૂ નથી થઈ એટલે ફરજિયાત તમારે આ ફિલ્મ જ જોવાની રહી. હું ફિલ્મ જોવા ગયો ત્યારે આખી ટૉકીઝ ફૂલ હતું અને ઇન્ટરવલમાં લગભગ અડધી પબ્લિક છોડીને જતી રહી હતી પણ મલ્ટીપ્લેક્ષની ૧૫૦ રૂપિયાની ટીકીટનો ૭૦% હિસ્સો તો એકતા કપૂરના ઘેર પહોંચી જ ગયો છે.

આપણે ખરાબ એસ.એમ.એસ. ફૉર્વર્ડ કરવા માટે ટેવાયેલા છીએ. મોટાભાગના મિત્રો ફ્રી એસ.એમ.એસ. આ કારણસર જ કરાવતા હોય છે કે થોડી ગંદી વાતો મિત્રો વચ્ચે શેર કરી શકીએ અને થોડું હ્યુમર પીરસી શકીએ પણ જો એક જ એસ. એમ. એસ. તમને દશેક વાર મળી ચૂક્યો હોય તો? આવું જ ક્યા સુપર કૂલ હૈં હમમાં થયું. જ્યારે ચવાય ગયેલી વાતોને એક્ટીંગ દ્વારા રજૂ કરવી હોય ત્યારે તમારી અંદર ગમે તેટલું ટૅલેન્ટ પડી હોય તો પણ તમને રજૂ કરવામાં મુશ્કેલી તો પડે જ.  હ્રિતેષ દેશમુખ એક અચ્છો આર્ટિસ્ટ છે એ સાબિત કરી શક્યો છે પણ અહીં જો ધ્યાન પૂર્વક જોવો તો ખ્યાલ આવશે કે ફિલ્મમાં ખરેખર મહેનત કરીને પોતાની જાતને એસ્ટાબ્લીશ કરવી પડી છે. તુષાર કપૂર પાસે એક ટૅલેન્ટ તો છે જ કે એ એકતા કપૂરનો ભાઈ છે. તુષારનો અવાજ પણ ખૂબ શાંતિથી સાંભળો તો ખબર પડશે કે હથોડો જ છે. ગોલમાલમાં લોકો તુષારને કદાચ આ કારણસર જ પસંદ કર્યો કે એણે એ ઓઓઇઇ સિવાય બીજુ કંઈ કરવાનું નહોતું. નવી બે છોકરીઓ નેહા શર્મા અને સરાહને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. નેહા દેખાવમાં સારી અને એક્ટીંગમાં પણ સારી કહી શકાય. ફિલ્મમાં નેહાનું પાત્ર તુષારની ગર્લફ્રેન્ડનું છે. નેહા પાસે ફ્યુચરમાં આશા રાખી શકાય. જ્યારે સરાહ એક ફેશન મોડેલ છે પણ ફિલ્મમાં કોઈ પણ પ્રકારનું ગ્લૅમર આ છોકરીમાં જોવા નથી મળ્યું. પાત્રો જો અદલ બદલ કરવામાં આવ્યા હોત તો કદાચ વધુ સારુ રહ્યું હોત પણ જ્યારે તુષારને જ મહત્વ આપવાનું એકતાએ નક્કી કર્યું હોય ત્યારે સારી દેખાતી છોકરી તુષારને જ આપવી પડે. ચંકી પાંડે આઉટ ઑફ ડેટ થયા છતા સારા કેમ્પેનીંગને હિસાબે ફિલ્મ્સ મેળવી શકે છે. આ ફિલ્મમાં બાબા તરીકે થાય એટલું ઓવર એક્ટીંગ કરવાનું હતું. ફિલ્મ્સમાં ઘણીવાર ઓવર એક્ટીંગ જરૂરી હોય છે પણ જ્યારે ઓવર એક્ટીંગનો પણ ઓવરડોઝ થઈ જાય ત્યારે શું કરવું? આવું જ સરસ કામ ચંકી પાંડે એ કર્યું છે. પૈસા માટે ફિલ્મ એક્ટર્સ કોઈ પણ કામ કરે છે એમ છતા જ્યારે તમે અનેકવાર એસ્ટાબ્લીસ કરી ચૂક્યા હો ત્યારે તમારે એક લેવલથી નીચે ઉતરીને કામ ન કરવું જોઈએ. મને તો બહુ મોટુ આશ્ચર્ય એ થયું કે અનુપમ ખૈર આવી હલકી કક્ષાની ફિલ્મમાં કામ કરે. પોતાના કામને પૂરો ન્યાય આપવા છતા અનુપમ ખૈર એ પોતાની છાપ બગાડી એવું મારુ માનવું છે. ફિલ્મના એકાદ બે દ્ગશ્યો સારા રહ્યા એ અનુપમ ખૈર અને હ્રિતેષ દેશમુખની કેમેસ્ટ્રી.

ગોવા ગવર્નમેન્ટ કોઈ પણ ફિલ્મ માટે ખાસ સબસિડી આપે છે એટલે કોઇ પણ રીતે ગોવા હવેની ફિલ્મ્સમાં ઉમેરી દેવામાં આવે છે. અહીં પણ ગોવાને ધરાર ફિલ્મમાં ઘુસેડી દેવામાં આવી. ગોવા પાસે સુંદર લોકેશન્સ છે પણ અહીં તો વલ્ગારીટીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એટલે લોકેશન્સથી પણ વધારે દ્વિઅર્થી સંવાદો વધુ જોર પકડે છે. ફિલ્મનું મહત્વનું અંગ સિનેમેટોગ્રાફી તો જાણે સ્કૂલ લેવલના શિખાવ માણસને સોંપવામાં આવી હોય એવું લાગે છે. ખર્ચ બચાવવા માટે સંગીત જાણીતા ન હોય એવા સંગીત નિર્દેશક સચિન-જીગરને સોંપવામાં આવી. એક સમયનું સુપર હીટ સોંગ ’દિલવાલો કે દિલ કા કરાર લૂટને…મૈં આઈ હું યુપી બિહાર લૂટનેનું રીમેક બનાવવામાં આવ્યું પણ સંગીતનો એક પણ જાદુ અહીં કામમાં લાગ્યો નથી. નવા સંગીતકાર જ્યારે પણ આવે ત્યારે પોતાનું બધું જ આર્ટ પહેલા આલ્બમમાં આપી દે છે પણ જો આ સંપૂર્ણ આર્ટ હોય તો એવું કહેવાય કે બસ કરો હવે વધુ સહન નહીં થઈ શકે.

જો તમે એસ.એમ.એસ.ના શોખીન હો તો ભેગાં કરવાનું ચાલુ કરી દો કોણ જાણે કાલ એકતા કપૂર આ વાંચીને તમને પણ રાઈટર કે ડિરેક્ટર બનાવી દે!. તમે ફિલ્મ જોવા ચોક્કસ જવા જઈ શકો પણ જો સારા ફૅમિલીને બિલોંગ્સ કરતા હો તો એકલાં જજો અને સાથે થોડી પેઇન કીલર ટેબ્લેટ્સ પણ લેતા જજો. આ ફિલ્મમાં તો ચોક્કસ કામ લાગશે જ.



પેકઅપ:
ગાલી પર સે યાદ આયા, ભાભીજી કૈસી હૈં?

જીસ્મ ૨: ન જોવું ગમે એવું શરિર




ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું કહેવાય છે કે જ્યારે કંઇ પણ ન વેંચાય ત્યારે સેક્સ તો ચોક્કસ વેંચાય છે. આમ પણ ઇતિહાસ રહ્યો છે કે જે ડિરેક્ટર્સ આર્ટના નામ પર સેક્સ વેંચવા નિકળ્યા છે એમનો ધંધો જોરશોરથી ચાલ્યો છે. ખાસ કરીને રાજ કપૂર ઉત્તમ ઉદાહરણ બની શક્યા છે. જે સમયે લોકો માટે બીકીની આશ્ચર્ય હતું એ સમયે રાજ કપૂર બ્લેક & વ્હાઇટ ફિલ્મમાં પણ બીકીની બતાવી ચૂક્યા છે. આ રીતે જ એમની તો ઘણી બધી ફિલ્મ્સમાં માત્ર સેક્સ જ પીરસવામાં આવ્યુ છે. હાં ફેર એટલો છે કે એ કલાત્મક રીતે રજૂ થયુ છે એટલે ફિલ્મની જરૂરિયાત ગણાય. આ પછી તો બસ ટ્રેન્ડ જ શરૂ થયો કે ફિલ્મ્સમાં કોઈ ને કોઈ બહાને સ્ત્રીને નગ્ન બતાવવી. ભારત હજુ પણ પુરુષ પ્રધાન દેશ છે એટલે સ્ત્રીઓને જ આ વાતનો ભોગ બનવું પડે. ભારતમાં ધીમે ધીમે ગાળોનો પણ ફિલ્મમાં છૂટથી ઉપયોગ થવા લાગ્યો અને ટૂંકા વસ્ત્રો તો સાવ સામાન્ય બની ગયા. મહેશ ભટ્ટ કેમ્પ આ પ્રકારની ફિલ્મ્સ માટે પ્રખ્યાત થવા લાગ્યો. કોઈ પણ એમની ફિલ્મ હોય એની અમૂક ખાસીયતો રહી જેવી કે શ્રેષ્ઠ સંગીત, ઓછુ બજેટ, સેક્સનો ભરપૂર ઉપયોગ અને એમ છતા લોકોને ગમે તેવી ફિલ્મ્સ બનાવવી. મહદ અંશે સફળતા પણ મળી. જીસ્મ જ્યારે રજૂ થયુ ત્યારે મુખ્ય વાત સેક્સ જ હતી. લોકોએ આ પ્રકારની સેક્સ ફિલ્મ પસંદ પણ કરી હતી. જીસ્મ બોક્સ ઓફીસ પર ખૂબ સફળ ફિલ્મ સાબિત થઈ ચૂકી હતી. બસ ત્યારથી જ નિર્માત્રી પૂજા ભટ્ટના મગજમાં જીસ્મ ૨નો કીડો સરવળતો હતો. જીસ્મમાં એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં પ્રખ્યાત મોડેલ જહોન અબ્રાહમને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. ઘણા બધા ક્રિટીક્સ અને આમ લોકો માટે પ્રશ્ન તો હતો જ કે શું એક મોડેલ એક્ટીંગ કરી શકે? પણ પૂજા ભટ્ટે સ્થાપિત કર્યુ કે એક્ટીંગ ન કરી શકે તો પણ મોડેલ ફિલ્મમાં ચાલી તો જાય જ. એ વાત અલગ છે કે જહોન અબ્રાહમ સમય જતા એક સારો કલાકાર બની શક્યો છે અને હાલ સારો નિર્માતા પણ કહી શકાય.

હવે વાત આવી જીસ્મ2ની. કુદરતી રીતે બીગ બોસ જેવા હીટ પ્રોગ્રામમાં સની લીયોનને બોલાવવામાં આવી. મહેશ ભટ્ટ મહેમાન તરીકે બીગ બોસમાં હાજરી આપી આવ્યા હતા. પૂજા ભટ્ટને જીસ્મ2 માટે પણ આવો જ વિચાર આવ્યો કે એક પોર્ન સ્ટાર શા માટે હિરોઈન ન બની શકે? તરત જ અમલ કરવામાં આવ્યો અને સનીને જીસ્મ2 માટે સિલેક્ટ કરવામાં આવી. તાબડતોડ તૈયારીઓ શરૂ થઈ અને તવો ગરમ છે ત્યાં જ ભજીયુ તળી તેવાનું નક્કી કરી લેવામાં આવ્યું. પહેલી એપ્રીલ ૨૦૧૨થી ફિલ્મની શરૂઆત કરવામાં આવી. ફિલ્મની શરૂઆત કરવાની તારીખ જ એ રીતે નક્કી કરવામાં આવી હતી કે દર્શકોએ સમજી જવુ જોઈતુ હતુ કે એપ્રીલ ફૂલ તો બનવાના જ છીએ. જયપુર, ગોવા અને શ્રીલંકા જે હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખાસ શૂટીંગ સ્થળો બની ચૂક્યા છે તો પૂજા ભટ્ટ પણ કેમ બાકી રહી જાય? ગોવા ગવર્નમેન્ટ સામાન્ય સ્ટેટ કરતા એક ડગલું આગળ જ રહે છે. છેલ્લા ત્રણ વર્ષથી ગોવા ગવર્નમેન્ટે જાહેરાત કરી છે કે જો કોઈ પણ ફિલ્મનું ૫૦%થી વધુ શૂટીંગ ગોવામાં થશે અને એ ફિલ્મ રીલીઝ થશે તો એ ફિલ્મને ૨૦ લાખ રૂપિયાની સબસીડી આપવામાં આવશે અને ફિલ્મ જો વધુ બજેટની અને સારી હશે તો આ સબસીડી ૧ કરોડ સુધી પણ જઈ શકે. નિર્માતાઓ માટે આ ખાસ લોભાવનારી વાત છે અને સાથે સાથે ફિલ્મથી ગોવા ગવર્નમેન્ટને કરોડોની કમાણી પણ થાય છે એ વાત અલગ. આ વાતનો લાભ લેવા માટે ફિલ્મનું નિર્માણ સ્થળ ગોવા નક્કી કરવામાં આવ્યુ હશે. એ સાથે જ ફિલ્મ માટે જયપુરમાં તો ગમે ત્યારે સેટ લાગેલા જ હોય છે. આ તૈયાર બનેલા સેટનો પૂજા ભટ્ટે લાભ લઈ લીધો. શ્રીલંકા નિર્માણ માટે સૌથી સસ્તુ એટલે વિદેશ પણ ગણાય જાય અને બજેટ પણ ન વધે. માત્ર ચાર મહિનામાં જ ફિલ્મ પૂરુ કરી દેવામાં આવ્યુ. વાત અશક્ય લાગશે પણ શક્ય બની કેમ કે સની લીયોને તો કંઈ જ કરવાનું નથી સિવાય કે પોતાનું શરિર બતાવવું! એક્ટીંગનો પાર્ટ તો રણદીપ હૂડા, અરુણોદય સિંઘ, આરીફ ઝકારીયા વિગેરેને હિસ્સે હતી.

ઇન્ટરનેટનો જમાનો, ખુલ્લી બજાર, માંગો તે મળે જેવી સ્થિતિ હોય ત્યારે સની લીયોનને કપડા સાથે જોવાનો ખર્ચ કોણ કરે? તો પણ પ્રેક્ષકો માટે તો સેક્સ રસનો જ વિષય રહ્યો છે માટે ફિલ્મ જોવા તો જવાના જ છે પણ મલ્ટીપ્લેક્ષમાં ૧૮૦ની ટીકીટ દીધા પછી સમજશે કે સનીનું બધું જ જોવું હોય તો માત્ર એક કલાક ગુગલ દેવતાને શરણે જઈને સની લીયોન લખે કે તરત જ મળી જાય. હવે જ્યારે સનીને પોર્ન મૂવીમાં બધું કરતી અને બધું જ જોઈ ચૂક્યા હો ત્યારે થોડુ થોડુ કોને ગમે? ફિલ્મ જોઈને પછી નેટ પર સર્ચ કરવા વાળાની સંખ્યામાં પણ વધારો તો થશે જ પણ સર્ચમાં કટકાઓ હાથમાં આવી જાય એટલે એવું કહેવાની ઇચ્છા થશે કે શની ભારે નથી! સની લીયોને જે કામ પોર્ન મૂવીમાં કર્યું છે એ કામ અહીં તો કરવાનું નહોતુ એટલે એ સિવાયની એક્ટીંગની તો બિચારી પાસે આશા પણ કેમ રાખવી? યુપીની કોઈ યુવતી હોય એવું દેખાડવાની પુરી કોશિશ કરવામાં આવી છે અને મહદ અંશે સફળતા પણ મળી છે એમ છતા જ્યારે એક્ટીંગની વાત આવી ત્યારે ખબર પડી કે સની લીયોન માત્ર અને માત્ર પોર્ન મૂવી માટે જ સર્જાયેલ છે. માછલીને પાણીમાં જ રહેવા દેવા જોઈએ, એની સુંદરતા જોઈને જો ધરતી પર મૂકવામાં આવે તો એ મરી જાય છે. આ રીતે જ સની લીયોનને પોર્ન મૂવીમાં જ રહેવા દેવી જોઈતી હતી. ફિલ્મમાં બતાવીને ઘણાના ડ્રીમ્સ પર પાણી ફરી ગયુ છે.
ફિલસૂફીની વાતની જેમ રમતા સંવાદો ફિલ્મ માટે એક પણ ફિલસૂફી રજૂ નથી કરી શક્યા. બાઇબલના રેફરન્સ શરૂ થતી ફિલ્મ પણ ધાર્મિકતા જેવું કંઇ જ નહીં. મહેશ ભટ્ટના લેખનનો કમાલ આપણે જોઈ જ ચૂક્યા છીએ. જ્યારે મહેશ ભટ્ટે ફિલ્મ સ્ક્રીપ્ટ લખી હોય ત્યારે દર્શકોને એટલું તો લાગે જ કે વાતમાં કંઈક દમ હશે જ. એ સાથે એ વિચાર પણ આવે કે સેક્સને તો પૂરો ન્યાય આપવામાં આવ્યો જ હશે. જો સની દેઓલને ફિલ્મમાં લેવામાં આવે અને રાડો પાડીને થાંભલાઓ ન તોડાવવામાં આવે તો એનો અર્થ શું? એવી જ રીતે જ્યારે સની લીયોનને ફિલ્મમાં રોલ આપવામાં આવ્યો હોય અને જો નગ્નતા પડદા પર ન જોવા મળે તો એનો અર્થ શું? જો કે પૂજા ભટ્ટ માત્ર પોર્ન મૂવી જ નહોતી બનાવતી એટલે વચ્ચે સ્ટોરી પણ ઉમેરવામાં આવી છે. એ વાત અલગ છે કે સ્ટોરી કે સેક્સ બે માંથી એક પણ વાત પર જોર આપી શકાયુ નથી. બાવાના બેય બગડ્યા જ છે. ફિલ્મનું કથાનક તમને શરૂઆતમાં એવુ ફિલ કરાવે કે વાત કંઈક જોરદાર બનશે અને સેક્સ, લસ્ટ, લવ, ધોખા, ખૂન ખરાબા ઘણું બધુ જોવા મળશે પણ હાય રે કિસ્મત આવું તો કંઈ જ ના થયું. હું તો રૂપિયા બગાડી આવ્યો, મારા વહાલા દર્શકો મને ખબર છે કે તમે સની લીયોન માટે જ ફિલ્મ જોવા જશો તો પ્લીઝ નહીં જતા એના કરતા એકાદ કલાક યુ ટ્યુબ દેવી કે ગુગલ દેવતાને શરણે જઈને સની લીયોનને જોઈ લેજો….




પેકઅપ:
આંબાના ઝાડ પર બેઠેલા ડિરેક્ટરને વાંદરાએ પૂછ્યુ “શું આવ્યા છો?” ડિરેક્ટરે જવાબ આપ્યો “બદામ ખાવા”. વાંદરાએ આશ્ચર્ય વચ્ચે કહ્યું કે “આ તો આંબાનું ઝાડ છે!”. ડિરેક્ટરે તરત જ જવાબ આપ્યો “તું તારુ કામ કર, બદામ મારા ખીસ્સામાં છે”

હેટ સ્ટોરી: કૅમેરાની કમાલ, સ્ટોરીનું લોજિક ગુમ



લોકોને ગરમાગરમ દ્ગશ્યો અને વાર્તા બન્ને ગમે પણ જો પુરી રીતે સેક્સ કે સ્ટોરી બંને ન પીરસવામાં આવે તો થોડુંક તો ખટકે ભાઇ! તમે જો સંપૂર્ણ પણે કંઈક એવા દ્ગશ્યોની અપેક્ષા સાથે જતા હો તો નારાજગી સહેવી પડે. જો કે એમાં કોઈ જ નવીન વાત નથી કેમ કે પોસ્ટર અને ફિલ્મના દ્ગશ્યો બંને વચ્ચે તફાવત તો રહેવાનો જ. ’જંગલ મેં મંગલ ફિલ્મના પોસ્ટરો જોઈને ફિલ્મ જોવા ગયેલા લોકોએ જે રીતે થિયેટરમાં આગ લગાડી હતી એવું ન કરવું હિતાવહ છે. આજના આધુનિક યુગમાં તો આ બધાથી પણ એક સ્ટેપ આગળ ’યુ ટ્યૂબ માટે એક અલગ પ્રોમો તૈયાર કરવામાં આવે જે લોકોને સિનેમા સુધી ખેંચી લાવવામાં ખાસ ઉપયોગી સાબિત થયું છે.

ચાલો ત્યારે પહેલા વાર્તા પર નજર કરીએ. કાવ્યા ક્રિષ્ના (પાઓલી ડેમ) એક નીડર પત્રકાર છે. મિત્ર નીખીલ (વીક્કી દ્વિવેદી) સાથે મળીને સિદ્ધાર્થ ધનરાજગીર (ગુલશન દેવૈયા)ની કંપનીના એક કૌભાંડને ખુલ્લું પાડે છે અને ફ્રંટ પેઇજ ન્યૂઝ બને છે (ફ્રંટ પેઇજ ન્યૂઝ મેળવવા ફિલ્મમાં એક જ ઘટના જોઈએ બાકી પત્રકાર જગતમાં ૨૦વર્ષ કામ કરીને પણ ફ્રંટ પેઇજ મારી નથી શકાયું એ હકીકત જાણનારા ઘણા પત્રકારો છે). કાવ્યા ક્રિષ્નાને  મળવા માટે સિદ્ધાર્થ (સિદ) બોલાવે છે અને પોતાની કંપનીમાં નોકરી માટે ઑફર કરે છે. અપેક્ષા મુજબ જ કાવ્યા આ નોકરી સ્વીકારી લે છે. પોતાની જાતને સાબિત કરી છે પણ લેખકનું તો એવું છે કે ટ્વિસ્ટ માટે કંઈ પણ કરી શકાય! સિદ કાવ્યાના ફ્રંટ પેઈજ ન્યુઝનો બદલો લે છે અને કંપની માંથી કાઢી તો મૂકે જ છે પણ સાથે અપમાન પણ કરે છે. આ વચ્ચે થયેલા પ્રણય સંબંધોની પણ પરવા કર્યા વગર.  ફરી નીખીલ પાસે જાય છે. આ દરમિયાન કાવ્યાને ખબર પડે છે કે એ પ્રેગનેન્ટ છે. આ વાતનો ફાયદો લેવા માટે એ સિદ પાસે જાય છે અને કહે છે કે DNA ટેસ્ટ દ્વારા એ સાબિત કરશે કે એના પેટનું બાળક સિદનું છે અને સિદની અડધી પ્રૉપર્ટી આરામથી મેળવી લેશે. સિદભાઇ પણ એમ ગાજ્યા જાય એવા નહીં એટલે ગુંડાઓ દ્વારા કાવ્યાનું અપહરણ કરાવી બાળક તો પડાવી જ લે છે પણ સાથે સાથે એવું ઓપરેશન કરાવે છે કે કાવ્યા ક્યારેય પણ માં બની ના શકે. (અહીં ફિલ્મમાં કોઈ સારા ડૉક્ટર પરિચયમાં નહીં હોય એટલે બંને ઓવરી રીમૂવ કરી નાખી છે એવું કહી શક્યા નહીં). હવે કાવ્યા માટે એક જ રસ્તો બચ્યો છે કે બદલો આ બદલો લેવા માટે એ દિલ્હીની મોટામાં મોટી પ્રોસ્ટીટ્યુટ બને છે. કંપનીના સીઇઓ જય(જોય સેનગુપ્તા)નો ઉપયોગ કરી કાવ્યા કંપનીના બધા જ રાઝ જાણી લે છે અને એક પછી એક સ્ટેપ લેતા ધીમે ધીમે સિધ્ધાર્થને બરબાદ કરવા તરફ આગળ વધે છે. આ દરમિયાન સીઇઓનું ખૂન થાય છે અને કાવ્યાને ફસાવવામાં આવે છે પણ કાવ્યા મીનીસ્ટર (મોહન કપૂર)નો ઉપયોગ કરીને છૂટી જાય છે અને ગવર્નમેન્ટ એપોઇન્ટેડ બોર્ડ મેમ્બર તરીકે સિદની કંપનીમાં આવે છે. મિત્ર તો મદદ માટે જ હોય છે ને! નીખીલ સિદની કંપનીના કૌભાંડ શોધવામાં કાવ્યાની મદદ કરે છે અને અંતે સિદના પપ્પા કે જેની સામે સિદ બોલવામાં પણ અટકાતો હોય એ કંપની માંથી તમામ હક્ક જતા કરાવી દે છે. વાત બદલાની છે એટલે છેલ્લે કાવ્યાએ મરવું તો પડે જ. સીઇઓની પત્ની(ઇરાવતી હર્ષે) ગોળી મારી કાવ્યાને શ્રીરામ શરણ મોકલી આપે છે.

ચાલો તમે સ્ટોરી વાંચી જ લીધી છે તો થોડા લોજિક જોઈએ જે ફિલ્મમાં ગળે ઊતર્યા નથી. જો કાવ્યા ખૂબ સારી સરળ અને કમીટેડ પત્રકાર છે તો રૂપિયાની લાલચમાં એણે સિદની નોકરી શા માટે સ્વીકારી? પોતે દિલ્હીની સૌથી સારી પ્રોસ્ટીટ્યુટ બનવાનું નક્કી કરે છે પણ ફિલ્મમાં તો મગજ વાપરીને જ સિદને હરાવે છે તો પછી શું પ્રોસ્ટીટ્યુટ થવાનું કારણ દર્શકોને ગલગલિયાં કરાવવાનું જ હતું? સિદભાઇ એમના પિતા સામે હકલાયને બોલે છે પણ એનું કારણ તો કંઈ મળ્યું જ નહીં! મીનીસ્ટર સાહેબ ૪૦૦ કરોડ રૂપિયા આરોગી જાય છે અને કાવ્યા સાથે મઝા કરવા એની બધી જ માગણીઓ સ્વીકારી લે છે. (૪૦૦ કરોડ લેવા વાળા માણસને એક છોકરી પાગલ કરી શકે એ વાત માનવી જ શક્ય નથી).

પાઓલી એ મહેનત સારી કરી છે પણ તનુશ્રી દત્તા જેવી લાગવાથી તનુશ્રી જેવો હોટ ફીગર આવવો શક્ય નથી. ફિલ્મને જે રીતે પ્રોમોટ કરવામાં આવી એ રીતે કોઈ ખાસ અસર છોડી શકી નહીં પણ એવરેજ દર્શકોને રીઝવવાના પ્રયાસમાં કદાચ ફિલ્મ ચાલી પણ જાય. ગુલશન આ અગાઉ પણ પોતાની અભિનય ક્ષમતા દેખાડી ચૂક્યો છે. આ ફિલ્મમાં પણ ગુલશનને પૂરા માર્ક આપવા જ પડે. હર્ષિત સક્સેનાનું મ્યુઝિક વખાણી શકાય. સાથેસાથે સિનેમેટોગ્રાફીના પણ વખાણ કરવા જ પડે. એડીટીંગ પણ એક લેવલનું છે છતા જંપ કટનો અતિરેક થયો છે. (જંપ કટ એટલે દ્ગશ્ય એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી જાય. જેમ કે ગાડી એકાએક રોડથી દરવાજા સુધી આવી જાય). વિવેક અગ્નીહોત્રીને સારા ડીરેક્ટરની ક્રેડિટ આપવી જ પડે કેમ કે હંમેશા નવા કલાકારોને લઈને સારુ કામ આપવું એ મહેનતનું કામ છે.

હેટ સ્ટોરી અને વીક્કી ડોનર બે ફિલ્મો એક સાથે રીલીઝ થઈ પણ સેક્સ લોકોના મગજમાં હોય છે માટે મુંબઈનું પહેલા બે દિવસનું કલેક્શન ૩.૫ કરોડ રહ્યું જ્યારે વીક્કી ડોનર ૨ કરોડનો જ ધંધો કરી શક્યું છે.



પેકઅપ: સેક્સ માણસના મગજમાં એ હદે ભરાયેલું છે કે ગુગલ ઇમેજમાં ભગવાન લખો તો પણ એકાદ ઇરોટીક ફોટો આવી જ જાય!