Saturday, 18 August 2012

હેટ સ્ટોરી: કૅમેરાની કમાલ, સ્ટોરીનું લોજિક ગુમ



લોકોને ગરમાગરમ દ્ગશ્યો અને વાર્તા બન્ને ગમે પણ જો પુરી રીતે સેક્સ કે સ્ટોરી બંને ન પીરસવામાં આવે તો થોડુંક તો ખટકે ભાઇ! તમે જો સંપૂર્ણ પણે કંઈક એવા દ્ગશ્યોની અપેક્ષા સાથે જતા હો તો નારાજગી સહેવી પડે. જો કે એમાં કોઈ જ નવીન વાત નથી કેમ કે પોસ્ટર અને ફિલ્મના દ્ગશ્યો બંને વચ્ચે તફાવત તો રહેવાનો જ. ’જંગલ મેં મંગલ ફિલ્મના પોસ્ટરો જોઈને ફિલ્મ જોવા ગયેલા લોકોએ જે રીતે થિયેટરમાં આગ લગાડી હતી એવું ન કરવું હિતાવહ છે. આજના આધુનિક યુગમાં તો આ બધાથી પણ એક સ્ટેપ આગળ ’યુ ટ્યૂબ માટે એક અલગ પ્રોમો તૈયાર કરવામાં આવે જે લોકોને સિનેમા સુધી ખેંચી લાવવામાં ખાસ ઉપયોગી સાબિત થયું છે.

ચાલો ત્યારે પહેલા વાર્તા પર નજર કરીએ. કાવ્યા ક્રિષ્ના (પાઓલી ડેમ) એક નીડર પત્રકાર છે. મિત્ર નીખીલ (વીક્કી દ્વિવેદી) સાથે મળીને સિદ્ધાર્થ ધનરાજગીર (ગુલશન દેવૈયા)ની કંપનીના એક કૌભાંડને ખુલ્લું પાડે છે અને ફ્રંટ પેઇજ ન્યૂઝ બને છે (ફ્રંટ પેઇજ ન્યૂઝ મેળવવા ફિલ્મમાં એક જ ઘટના જોઈએ બાકી પત્રકાર જગતમાં ૨૦વર્ષ કામ કરીને પણ ફ્રંટ પેઇજ મારી નથી શકાયું એ હકીકત જાણનારા ઘણા પત્રકારો છે). કાવ્યા ક્રિષ્નાને  મળવા માટે સિદ્ધાર્થ (સિદ) બોલાવે છે અને પોતાની કંપનીમાં નોકરી માટે ઑફર કરે છે. અપેક્ષા મુજબ જ કાવ્યા આ નોકરી સ્વીકારી લે છે. પોતાની જાતને સાબિત કરી છે પણ લેખકનું તો એવું છે કે ટ્વિસ્ટ માટે કંઈ પણ કરી શકાય! સિદ કાવ્યાના ફ્રંટ પેઈજ ન્યુઝનો બદલો લે છે અને કંપની માંથી કાઢી તો મૂકે જ છે પણ સાથે અપમાન પણ કરે છે. આ વચ્ચે થયેલા પ્રણય સંબંધોની પણ પરવા કર્યા વગર.  ફરી નીખીલ પાસે જાય છે. આ દરમિયાન કાવ્યાને ખબર પડે છે કે એ પ્રેગનેન્ટ છે. આ વાતનો ફાયદો લેવા માટે એ સિદ પાસે જાય છે અને કહે છે કે DNA ટેસ્ટ દ્વારા એ સાબિત કરશે કે એના પેટનું બાળક સિદનું છે અને સિદની અડધી પ્રૉપર્ટી આરામથી મેળવી લેશે. સિદભાઇ પણ એમ ગાજ્યા જાય એવા નહીં એટલે ગુંડાઓ દ્વારા કાવ્યાનું અપહરણ કરાવી બાળક તો પડાવી જ લે છે પણ સાથે સાથે એવું ઓપરેશન કરાવે છે કે કાવ્યા ક્યારેય પણ માં બની ના શકે. (અહીં ફિલ્મમાં કોઈ સારા ડૉક્ટર પરિચયમાં નહીં હોય એટલે બંને ઓવરી રીમૂવ કરી નાખી છે એવું કહી શક્યા નહીં). હવે કાવ્યા માટે એક જ રસ્તો બચ્યો છે કે બદલો આ બદલો લેવા માટે એ દિલ્હીની મોટામાં મોટી પ્રોસ્ટીટ્યુટ બને છે. કંપનીના સીઇઓ જય(જોય સેનગુપ્તા)નો ઉપયોગ કરી કાવ્યા કંપનીના બધા જ રાઝ જાણી લે છે અને એક પછી એક સ્ટેપ લેતા ધીમે ધીમે સિધ્ધાર્થને બરબાદ કરવા તરફ આગળ વધે છે. આ દરમિયાન સીઇઓનું ખૂન થાય છે અને કાવ્યાને ફસાવવામાં આવે છે પણ કાવ્યા મીનીસ્ટર (મોહન કપૂર)નો ઉપયોગ કરીને છૂટી જાય છે અને ગવર્નમેન્ટ એપોઇન્ટેડ બોર્ડ મેમ્બર તરીકે સિદની કંપનીમાં આવે છે. મિત્ર તો મદદ માટે જ હોય છે ને! નીખીલ સિદની કંપનીના કૌભાંડ શોધવામાં કાવ્યાની મદદ કરે છે અને અંતે સિદના પપ્પા કે જેની સામે સિદ બોલવામાં પણ અટકાતો હોય એ કંપની માંથી તમામ હક્ક જતા કરાવી દે છે. વાત બદલાની છે એટલે છેલ્લે કાવ્યાએ મરવું તો પડે જ. સીઇઓની પત્ની(ઇરાવતી હર્ષે) ગોળી મારી કાવ્યાને શ્રીરામ શરણ મોકલી આપે છે.

ચાલો તમે સ્ટોરી વાંચી જ લીધી છે તો થોડા લોજિક જોઈએ જે ફિલ્મમાં ગળે ઊતર્યા નથી. જો કાવ્યા ખૂબ સારી સરળ અને કમીટેડ પત્રકાર છે તો રૂપિયાની લાલચમાં એણે સિદની નોકરી શા માટે સ્વીકારી? પોતે દિલ્હીની સૌથી સારી પ્રોસ્ટીટ્યુટ બનવાનું નક્કી કરે છે પણ ફિલ્મમાં તો મગજ વાપરીને જ સિદને હરાવે છે તો પછી શું પ્રોસ્ટીટ્યુટ થવાનું કારણ દર્શકોને ગલગલિયાં કરાવવાનું જ હતું? સિદભાઇ એમના પિતા સામે હકલાયને બોલે છે પણ એનું કારણ તો કંઈ મળ્યું જ નહીં! મીનીસ્ટર સાહેબ ૪૦૦ કરોડ રૂપિયા આરોગી જાય છે અને કાવ્યા સાથે મઝા કરવા એની બધી જ માગણીઓ સ્વીકારી લે છે. (૪૦૦ કરોડ લેવા વાળા માણસને એક છોકરી પાગલ કરી શકે એ વાત માનવી જ શક્ય નથી).

પાઓલી એ મહેનત સારી કરી છે પણ તનુશ્રી દત્તા જેવી લાગવાથી તનુશ્રી જેવો હોટ ફીગર આવવો શક્ય નથી. ફિલ્મને જે રીતે પ્રોમોટ કરવામાં આવી એ રીતે કોઈ ખાસ અસર છોડી શકી નહીં પણ એવરેજ દર્શકોને રીઝવવાના પ્રયાસમાં કદાચ ફિલ્મ ચાલી પણ જાય. ગુલશન આ અગાઉ પણ પોતાની અભિનય ક્ષમતા દેખાડી ચૂક્યો છે. આ ફિલ્મમાં પણ ગુલશનને પૂરા માર્ક આપવા જ પડે. હર્ષિત સક્સેનાનું મ્યુઝિક વખાણી શકાય. સાથેસાથે સિનેમેટોગ્રાફીના પણ વખાણ કરવા જ પડે. એડીટીંગ પણ એક લેવલનું છે છતા જંપ કટનો અતિરેક થયો છે. (જંપ કટ એટલે દ્ગશ્ય એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી જાય. જેમ કે ગાડી એકાએક રોડથી દરવાજા સુધી આવી જાય). વિવેક અગ્નીહોત્રીને સારા ડીરેક્ટરની ક્રેડિટ આપવી જ પડે કેમ કે હંમેશા નવા કલાકારોને લઈને સારુ કામ આપવું એ મહેનતનું કામ છે.

હેટ સ્ટોરી અને વીક્કી ડોનર બે ફિલ્મો એક સાથે રીલીઝ થઈ પણ સેક્સ લોકોના મગજમાં હોય છે માટે મુંબઈનું પહેલા બે દિવસનું કલેક્શન ૩.૫ કરોડ રહ્યું જ્યારે વીક્કી ડોનર ૨ કરોડનો જ ધંધો કરી શક્યું છે.



પેકઅપ: સેક્સ માણસના મગજમાં એ હદે ભરાયેલું છે કે ગુગલ ઇમેજમાં ભગવાન લખો તો પણ એકાદ ઇરોટીક ફોટો આવી જ જાય!

No comments:

Post a Comment