Saturday, 18 August 2012

કોકટેલ: ડાયલોગ્ઝ અને સિનેમેટોગ્રાફીનો કમાલ



ફિલ્મના ઘણા બધા ઝોનર હોય છે. જૂની ફિલ્મ્સ જોઇએ તો જાણવા મળે કે ભગવાન ફિલ્મનું મુખ્યપાત્ર રહેતા. સમય જતા પ્રેમની વાતો પણ આવવા લાગી. એક સમય એવો આવ્યો કે લવ સ્ટોરી ઝોનરની ફિલ્મ્સ જ સફળ થતી. વાત પોલીટીક્સની હોય કે પછી સાંપ્રત સમસ્યાની પણ સાથે જો પેરેલલ ચાલતી લવ સ્ટોરી ન હોય તો ફિલ્મ સફળ નહોતી થતી. લવ સ્ટોરીઝમાં પણ એક વળાંક આવ્યો અને લવ ટ્રાયેંગલ. લવ ટ્રાયેંગલમાં પણ બે વિભાગ રહ્યા છે. એક હીરોઇન અને બે હીરો, બે હીરોઇન અને એક હીરો. અલગ અલગ રીતે રજૂ થતી અનેક ફિલ્મ્સ તમે જોઈ ચૂક્યા હશો પણ એકદમ અત્યારની તાજા સમાજની સ્ટોરી રજૂ કરતી ફિલ્મ એટલે કોકટેલ. ટાઇટલ સિલેક્શન કરવા વાળા વ્યક્તિને વાહ કહેવું જ જોઈએ. બે શરાબનું મીક્સીંગ એટલે કોકટેલ. આવું જ કોકટેલ ફિલ્મમાં પણ સર્જાય છે. છેલ્લા થોડા સમયથી પ્યોર એન્ટરટાઇનર ફિલ્મ વચ્ચે લવ ટ્રાયેંગલ રજૂ કરવાની હિંમત કરવી એ સાચે હિંમતની જ વાત છે! કોઈ પણ પ્રકારના વધારાના મેલોડ્રામા વગર રજૂ થયેલ પ્રણય ત્રિકોણ એટલે ’કોકટેલ

સૈફ અલીખાને આ પહેલા ’એજન્ટ વિનોદ ફિલ્મ પોતાના બેનર હેઠળ બનાવેલી અને લોકોને આંશિક પસંદ પણ પડેલી. ફિલ્મ ખોટ કર્યા વગર બહાર નીકળી શકી એટલે સૈફની બીજી ફિલ્મનું મંડાણ થોડું જલ્દી કરવામાં આવ્યું. ફિલ્મની શરૂઆત મે-૨૦૧૧માં કરવામાં આવી. સ્ક્રિનપ્લે મુજબ ફિલ્મ માટે પૃષ્ઠભૂમિ ભારત જ નક્કી કરવામાં આવી હતી પણ વાત થોડી બોલ્ડલી રજૂ કરવાની થતી હોય લોકેશન યુનાઇટેડ કીંગડમ નક્કી કરવામાં આવ્યું. ખર્ચ બચાવવા મોટાભાગનું ઇન્ડોર શૂટ દિલ્હીમાં જ કરવામાં આવ્યું છે તો પણ ૬૦% જેટલું શૂટ લંડન અને આજુબાજુના વિસ્તારમાં થયું છે. લંડનની એક ક્લબમાં એક ગીત પણ ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીત માટે લંડનના જ ડી.જે. ગૃપને બૂક કરવામાં આવ્યું હતું. ફિલ્મ માટે શરૂઆતથી જ પહેલી પસંદ દીપિકા પાદુકોણ હતી. આ કારણોથી જ ફિલ્મના બંને પાત્રો માંથી દીપિકાને જે પસંદ પડે એ સ્વીકારવાની છૂટ આપવામાં આવી હતી. ફિલ્મની બીજી હિરોઈનનું પાત્ર દીપિકા એ આ અગાઉ ભજવેલા ’લવ આજકલના પાત્ર જેવું જ હતું એટલે દીપિકા એ પોતાની પસંદગી ફિલ્મમાં એકલી રહેતી અને બિન્દાસ છોકરીનું પાત્ર પસંદ કર્યું. ફિલ્મના આ પાત્ર માટે એણે બીકીની પહેરવાની હતી પણ દીપિકા ટૂંકા વસ્ત્રો માટે જાણીતી છે એટલે આરામથી બીકીની પહેરવાની હાં પાડી શકી. ફિલ્મનું બજેટ ૪૫ કરોડનું રહ્યું માટે એકલા સૈફ અલીખાનથી રીસ્ક ન રમી શકાય એ સ્વભાવિક છે. આ કારણોથી પોતાના બેનર ’ઇલ્લુમનતી ફિલ્મ્સ સાથે એન્ડ્ર્યુ હોફમેન, દિનેશ વીજન અને કો-પ્રોડ્યૂસર તરીકે સુનીલ લુલ્લાને પણ સમાવવામાં આવ્યા. ફિલ્મ એકાદ અઠવાડીયુ પણ સારી રીતે ખેંચી શકે તો કમાણી તો કરી જ લેશે. આમ પણ ઇરોઝ એન્ટરટાઇન્મેન્ટ દ્વારા રીલીઝ થઈ રહી છે એટલે વાંધો નહીં જ આવે. ઇરોઝ હવે પોતાની મ્યુઝિક કંપનીને પણ ખૂબ સારી રીતે પ્રોમોટ કરી રહી છે એમ છતા આ ફિલ્મનું મ્યુઝિક ટી-સીરીઝ પર રીલીઝ થયું છે.

ફિલ્મની સફળતાનો ઘણો ખરો આધાર ફિલ્મના મ્યુઝિક પર હોય છે. ઘણી બધી ફિલ્મ્સ એવી રહી છે કે જે માત્ર મ્યુઝિકના જોર પર ચાલી ગઈ હોય. કોકટેલનું મ્યુઝિક પ્રિતમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ફિલ્મના મ્યુઝિકને વધુ લોકપ્રિય કરવા પાકિસ્તાનનું પ્રખ્યાત ગીત ’જુગની લેવામાં આવ્યું. પંજાબી સ્ટાઇલ અને સુપર હીટ નીવડેલુ આ સોંગ યો યો હનીસિંઘ દ્વારા કંપોઝ થયું છે. ફિલ્મના અન્ય ગીતો પણ કર્ણપ્રિય છે. ખાસ કરીને ’દારુ દેશી અને ’તુમ્હી હો બંધુ લોકજીભે ચડેલા ગીતો છે. પ્રિતમને ભલે લોકો ચોર કહે તો પણ પ્રિતમે સાબિત કરી દીધું છે કે પોતે હીટ સોંગ આપવા માટે યોગ્ય પસંદગી છે જ. દરેક એફ.એમ. રેડિયો દ્વારા દર કલાકે એકાદ ગીત તો કોકટેલનું સાંભળવા મળશે જ.આમ છતા પણ ભલે બે ગીતો જ લોકજીભે ચડેલા લાગે પણ ફિલ્મનું એક પણ ગીત નબળું નથી. મ્યુઝિક માટે ફિલ્મને પૂરતા માર્ક મળે જ છે.

ફિલ્મમાં સૌથી વખાણવા લાયક હોય તો ફિલ્મની સિનેમેટોગ્રાફી. એક એક દ્ગશ્યમાં ફોકસ-ડીફોકસ, કૅમેરા મૂવમૅન્ટ, બ્લોક્સ, ફ્રેમ બધું જ વખાણવું પડે. ફિલ્મના દ્ગશ્યો માટે વાપરવામાં આવેલા લેન્સીઝની કમાલ પણ જોવા લાયક છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અનીલ મેહતાની હતી. અનીલ મેહતાના કૅમેરાનો કમાલ વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ. તમે ભૂલી ગયા હશો તો ચાલો એમના કૅમેરાથી કૈદ થયેલા કેટલાક ફિલ્મ્સની યાદી જોઇએ. એમની ફિલ્મ્સ હતી ’ખામોશી-ધ મ્યુઝિકલ, ’લગાન, ’સાથિયા, ’વિરઝારા, ’કભી અલવિદા ના કહેના, ’વેક અપ શીદ, ’રોક સ્ટાર. લગભગ સારી કક્ષાની કહી શકાય એવી ૧૫ જેટલી ફિલ્મ્સનો અનુભવ એ નાનીસુની વાત નથી. ખાસ કરીને જ્યારે ફિલ્મ વિદેશમાં શૂટ કરવાની હોય ત્યારે એવો સિનેમેટોગ્રાફર જ લેવો પડે જે ઝડપ સાથે ટેસ્ટનું કામ પણ આપી શકે. તમે કોઈ ઝોનરની ફિલ્મના શોખીન હો તો ફિલ્મ ન ગમે એવું બને પણ કોકટેલની સિનેમેટોગ્રાફી તો તમને ગમશે જ. ફિલ્મનું બીજુ વખાણવા લાયક પાસું છે સ્ક્રીનપ્લે અને ડાયલોગ્ઝ. ઇમ્તીયાઝ અલી અને સાજીદ અલી દ્વારા લખવામાં આવેલી વાર્તા કરતા પણ ફિલ્મના ડાયલોગ્ઝ વખાણવા જ પડે. એક પણ મેલો ડ્રામેટીક ડાયલોગ્ઝ નથી છતા છે. એટલે ફિલ્મના રીયાલીસ્ટીક ડાયલોગ્ઝમાં મેલોડ્રામાની કાપતા ડાયલોગ્ઝ કમાલ છે. એક એક વાતને ખૂબ સારી રીતે શબ્દો દ્વારા રજૂ કરવામાં આવી છે. એ સાથે ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ ખૂબ મજબૂત છે. એક પછી એક વાત સરળતાથી રજૂ થાય છે. પ્રીડીક્ટેબલ હોવા છતા અનપ્રીડીક્ટેબલ સ્ક્રીનપ્લે છે. ગૂંથણી ખૂબ સારી રીતે કરી શક્યા છે. ઇમ્તીયાઝ અલી અને સાજીદ અલીનો પણ ફિલ્મ્સનો પૂરતો અનુભવ કામ લાગ્યો છે.

ફિલ્મની કથા મુજબ ખૂબ થોડા પાત્રો છે પણ દરેકને પોતાનું પાત્ર ભજવવા માટે પૂરતું ગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં ડાયના પેન્ટીને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. અત્યાર સુધી મોડેલીંગ કરતી ડાયના પ્રથમ ફિલ્મમાં જ પોતાનું હુન્નર બતાવી શકી છે. ફિલ્મમાં ગૌતમ નામના ફ્લર્ટ સોફ્ટવેર એન્જિનિયર તરીકે સૈફ અલી ખાન છે. સૈફની ઉમર થઈ છે માટે એ રોમેન્ટીક પાત્ર ભજવી શકશે કે કેમ એ પ્રશ્ન હતો માટે ડિરેક્ટરની પ્રથમ પસંદ ઇમરાન ખાન હતો પણ હોમ પ્રોડક્શનની ફિલ્મ હોવાથી સૈફને જ લેવો પડે એટલે પ્રશ્નો વચ્ચે પણ સૈફને પસંદ કરવામાં આવ્યો. એક સમયે જરા પણ એક્ટીંગ ન જાણતો સૈફ અત્યારે સારુ કામ કરી શકે છે. સૈફના અમૃતા સાથે લગ્ન થયા ત્યારે લોકો એવું કહેતા હતા કે સૈફ સ્ત્રી જેવો છે અને અમૃતા પુરુષ જેવી એટલે ચાલી જશે પણ ન ચાલ્યું, કારણ કદાચ એ જ હશે કે સૈફ મર્દાના અંદાઝ કેળવી શક્યો છે. દીપિકા માટે એટલું જ કહી શકાય કે આ ફિલ્મમાં દીપીકાનો અભિનય તેની આ પહેલાની કોઈ પણ ફિલ્મ કરતા ચડિયાતો છે. ફિલ્મી ભાષામાં કહીએ તો ’ખાય ગઈ છે. ફિલ્મમાં સૈફના મામાનું પાત્ર બોમન ઇરાનીનું છે. બોમન પાસે વધુ કામ કરવાનો સ્કોપ ન હતો છતા અન્ડર હોય કે ઓવર હોય બોમનના એક્ટીંગ માટે શંકા કરી ન શકાય, થોડું નબળું કામ તો છે જ પણ ચાલે. ફિલ્મમાં સૈફની માતા એટલે ડીમ્પલ કાપડીયા. ડીમ્પલ એટલે ખલ્લાસ. મારો તો પહેલો પ્રેમ. ભલે ડીમ્પલના ચહેરા પર કડચલીઓ દેખાવા માંડી તો પણ (જો સની દેઓલની બીક ના હોત તો) આજે પણ હું ડીમ્પલને પ્રોપોઝ કરવા રેડી જ છું. રણબીર હુડા સ્ટારડમ સુધી નહોતો પહોંચ્યો એ પહેલા આ ફિલ્મ એણે કમીટ કરી હતી. ડાયનાના હસબન્ડ તરીકે ટૂંકા રોલમાં પણ પોતાની છાપ છોડી શક્યો છે. ફિલ્મમાં અચાનક રણબીર હુડાના હાથમાં પ્લાસ્ટર અને નાક પર પટ્ટી જોવા મળે તો પૂછશો નહીં કેમ કે ફિલ્મનું એ દ્ગશ્ય એડીટીંગમાં ઉડાડી દેવામાં આવ્યું છે.

હોમી અડજાનિયા માટે આ ફિલ્મ એ મોકો હતું. એક ફેશન ડીઝાઇનર સાથે લગ્ન કરીને સુખેથી જીવતો હોમી ’બીંયીંગ સાયરસ નામની ફિલ્મનો ડિરેક્ટર અને રાઈટર રહી ચૂક્યો છે. આ ફિલ્મ ૨૦૦૫માં રીલીઝ થઈ હતી. સૈફનો અંગત મિત્ર અને બીયીંગ સાયરસમાં પણ સૈફ જ હીરો એટલે બંનેની કેમેસ્ટ્રી મળેલી જ હતી. લાંબા સમય પછી હોમીની ફિલ્મ આવી. ખૂબ સારુ નહીં પણ ડિરેક્શન સારુ તો રહ્યું જ. જોઈએ આ ફિલ્મ બોક્ષ ઓફીસ પર કેવી સફળ રહે છે એના પર હોમીનું ભવિષ્ય નક્કી થઈ શકશે.





પેકઅપ:
The average woman would rather have beauty than brains, because the average man can see well than he can think”

No comments:

Post a Comment