Friday, 31 October 2014

રોર: ટેક્નીકાલીટીની દહાડ






           
         જો તમે ’લાઇફ ઑફ પાઇ; જોઈ હોય અને બે મોઢે વખાણ કર્યા હોય તો પહેલાં એ વાતનો વિચાર કરવો પડે કે આ ફિલ્મ બનાવવા પાછળ કેટલી મહેનત કરવામાં આવી હશે અને ફિલ્મ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો હશે? આ પહેલા લખી ચૂક્યો છું છતા ફરી યાદ કરાવી દઉં કે ’લાઇફ ઑફ પાઇનું બજેટ ૧૨૦ મીલીયન યુ.એસ. ડોલર હતું, એટલે કે ૭૨૦ કરોડ! પણ જો ભારતમાં વાઇલ્ડ લાઇફને લઈને ફિલ્મ બનાવવી હોય અને એ પણ વળી લો બજેટ ત્યારે? ભારતમાં ફિલ્મ બનાવવી હોય ત્યારે એનીમેશનનો અધધ ખર્ચ અને એનીમેશન પાછળ આપવો પડતો સમય ન જ હોય. હવે આવા સંજોગોમાં વીઝ્યુઅલ સ્પેસીયલ ઇફેક્ટનો સહારો લઈને જ્યારે એક આગવું ક્રીએશન આવે તો એકવાર પ્રોડ્યૂસર ડિરેક્ટર બંનેને સલામ કરવી જ પડે. ’રોર એટલે ખરા અર્થમાં ટેકનીકાલીટીની દહાડ છે...


        ફિલ્મ કમલ સદાનાએ ડિરેક્ટ કરી છે. કમલ સદાના જો તમને યાદ હોય તો ૧૯૯૨માં કાજોલ સામે ’બેખૂદી ફિલ્મનો હીરો. આ પછી કમલે ’રંગ, ’બાલી ઉમર કો સલામ, ’રોક ડાન્સર, ’હમ સબ ચોર હૈ, ’હમ હૈ પ્રેમી, ’નિર્ણાયક, ’મહોબ્બત ઔર જંગ’ અને ’વિક્ટોરિયા નંબર ૨૦૩ જેવા ફિલ્મમાં એક્ટીંગ કરી પણ એક પણ ફિલ્મ જો હીટ રહી હોય તો તમારે સોગંદ ખાવાની છૂટ છે. જો કે એક વાત ખૂબ જ અગત્યની છે કે આટલી આટલી ફ્લોપ ફિલ્મ હોય એટલે એ અનુભવ પૂરતો હોય અને જાણતા જ હોય કે ફિલ્મ ડિરેક્ટ કરવી હોય તો એટલીસ્ટ હીટ સ્ટોરી, સારુ એક્ટીંગ, સરસ સિનેમેટોગ્રાફી બધું જ સારુ જોઈએ નહિતર ડિરેક્શનમાં પણ ફ્લોપનું લેબલ લાગે! પણ કમલ સદાના જ્યારે પહેલું ડિરેક્શન કરે છે ત્યારે એના માટે એટલું તો કહેવું જ પડે કે વાહ સાચે જ ખૂબ સરસ ડિરેક્શન કર્યું...


        અગાઉ વાત થઈ એમ ફિલ્મને એનીમેટ કરવાને બદલે વિ.એફ.એક્સ.નો ઉપયોગ થયો છે. વી.એફ.એક્સ. એટલે કોઈ પણ શૂટ ગ્રીન સ્ક્રીન અથવા બ્લ્યૂ સ્ક્રીન રાખીને ફિલ્મ શૂટ કરવામાં આવે. આ ગ્રીન સ્ક્રીન એડીટીંગ દરમિયાન દૂર કરી દેવામાં આવે અને તેના પર જે શૂટ કરવામાં આવ્યું હોય તેને લાગતાં વળગતાં દ્ગશ્ય સાથે જોડી દેવામાં આવે. આ ઉપરાંત વિ.એફ.એક્સ.થી પાત્રને કલર પણ કરી શકાય. અહીં પણ એ રીતે જ કરવામાં આવ્યું છે. લોસ એન્જેલેસ અને થાઇલેન્ડના ટ્રેઇન્ડ ટાયગર્સને લઈને ગ્રીન/બ્લ્યૂ સ્ક્રીન પર શૂટ કરવામાં આવ્યું છે. આ પ્રાણીઓના શૂટમાં જ લગભગ ૪ મહીના ગયા હતા. જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી મુઝમીલ નાસીર અને કમલ સદાના બંનેએ મળીને ફિલ્મ એડીટ કરી છે. એટલી સરસ રીતે ફિલ્મને સુંદરવન સાથે મિલાવવામાં આવી છે કે તમારે ફિલ્મના એડીટીંગના વખાણ કરવા જ પડે...


        જંગલના વિષય પર જો ફિલ્મ બનાવવી હોય તો સિનેમેટોગ્રાફી સારી જોઈએ. કમલે સિનેમેટોગ્રાફીમાં કોઈ કૉમ્પ્રોમાઇઝ ન કરતા લોસ એંજેલસના સિનેમેટોગ્રાફર માઇકલ વોટસનને ડી.ઓ.પી. તરીકે લેવામાં આવ્યા છે. માઇકલ વોટસન એટલે ’ધ ક્યુરીયસ કેસ ઑફ બેંજામીન બટન’ના સિનેમેટોગ્રાફર. ફિલ્મના એક પણ દ્ગશ્યમાં તમને એવું નહીં લાગે કે રીપીટ થતા દ્ગશ્યો છે. અમુક દ્ગશ્યોમાં તો એવો કમાલ છે કે તમારે આફરીન કહેવું જ પડશે. જ્યારે ઑબ્જેક્ટ ગતીમાં હોય ત્યારે ફિલ્મમાં આઉટ ઑફ ફોક્સ દ્ગશ્ય જાય જ પણ માઇકલની સિનેમેટોગ્રાફી એટલી સરસ રહી કે સતત સુપર સ્પીડ દ્ગશ્યો હોવા છતા એક પણ દ્ગશ્ય આઉટ ઑફ ફોકસ નથી ગયું...


        ફિલ્મનો આધાર ફિલ્મની વાર્તા પર હોય છે. ફિલ્મની વાર્તા કમલ સદાના અને ફિલ્મના પ્રોડ્યૂસર અબીસ રીઝવીએ લખી છે. વાર્તા એક મીનીટ માટે પણ એક સ્થળે રોકાતી નથી. જ્યારે મૂવીની વાર્તાની વાત આવે ત્યારે એક ખૂબી હોવી જ જોઈએ કે સતત પ્રસંગો બનતા રહેવા જોઈએ તો જ પ્રેક્ષકો જકડાઈને રહી શકે. ’રોરની ખૂબી એ છે કે ફિલ્મ શરૂ થાય ત્યારથી જ ફિલ્મમાં સતત પ્રસંગો બનતા રહે છે. ફિલ્મ દર્શકોને શ્વાસ લેવાનો મોકો પણ નથી આપતી. ટાઇટ સ્ક્રીનપ્લેના સારા ઉદાહરણમાં ફિલ્મને મૂકવી પડે એમ છે જ. ક્યાંક ફિલ્મી લિબર્ટી લેવામાં આવી છે પણ ઓવરઓલ તો વાર્તા, ડાયલૉગ, સ્ક્રીનપ્લે સારા જ કહેવા પડે. ફિલ્મના પ્રમોશન માટે એક ગીત તૈયાર કરવામાં આવ્યું છે પણ ફિલ્મની અંદર એક પણ ગીત રાખવામાં નથી આવ્યું. બૅકગ્રાઉન્ડ સ્કોર અદભૂત છે. જ્યાં સુધી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી ભારત બહાર બૅકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરવામાં આવ્યો છે અને જહોન સ્ટીવર્ટ મ્યુઝિક ડિરેક્ટર છે...


        કોઈ ખાસ જાણીતા ચહેરા ન કહી શકાય તો પણ દરેક આર્ટિસ્ટ પોતાનું યોગ્ય યોગદાન આપે જ છે. ફિલ્મનું લીડ કૅરેક્ટર એટલે પંડિતનું કૅરેક્ટર અભિનવ શૂક્લાને સોંપવામાં આવ્યું છે. અભિનવ ઘણા ટેલિવિઝન શો કરી ચૂક્યો છે. અભિનવની આ પહેલી ફિલ્મ છે પણ સારી રીતે પોતાનું પાત્ર નિભાવી શક્યો છે. અભિનવ સામે ઝુમ્પા નામના કૅરેક્ટર તરીકે હીમર્ષા વેંકટસામી છે. હીમર્ષા આ પહેલા ’આઇ હેટ લવ સ્ટોરીમાં નાના પાત્રમાં જોવા મળી હતી. ફોરેસ્ટ ઓફીસરના પાત્રમાં અંચિત કૌર છે. અંચિતની કેરિયરની શરૂઆત ૧૯૯૪માં ઝી ટીવીની સિરિયલ ’બનેગી અપની બાતથી થઈ હતી. અંચિત ઘણી ટીવી સિરિયલ ઉપરાંત ’ગુઝારીશ, ’હીરોઇન ’ટુ સ્ટેટ, ’કોર્પોરેટ જેવી ઘણી બધી જાણીતી ફિલ્મ્સમાં જોવા મળી હશે. આ ઉપરાંત ભીરા તરીકે સુબ્રત દત્તા છે. સુબ્રત સૌથી સારી એક્ટીંગ ફિલ્મમાં બતાવી શક્યો છે. સીજે તરીકે નોરા ફતેહી, કશ્મીરી તરીકે આદિલ ચહલ, ચીના તરીકે વિરેન્દ્રસિંહ ઘુમાન, સુફી તરીકે અરુણ ચૌધરી અને મધુ તરીકે પ્રણય દીક્ષિત છે. એક પણ પાત્ર પોતાની રીતે નબળું નથી. હાં જો સૌથી નબળું પાત્ર લાગતું હોય તો હીરોઇન હીમર્ષા છતા બીજાના સારા કામ પાછળ એ ઢંકાઈ જાય છે...


        ફિલ્મનો રન ટાઇમ માત્ર ૧૨૩ મીનીટનો છે પણ આ ૧૨૩મીનીટની અંદર ઘણી બધી ઘટનાઓ બની જાય છે. ફિલ્મની વાર્તા સુંદરવનના ટાયગર્સની આસપાસ છે. એક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ફાંસલામાં ફસાયેલા વાઘના બચ્ચાને બચાવે છે અને પોતાના ઘેર લઈ આવે છે. બચ્ચાની શોધમાં વાઘણ તેને મારી નાખે છે. પોતાના ભાઈની લાશની શોધમાં આવેલ પંડિત જ્યારે વાઘથી મરેલા લોકોની વિધવાઓને જુએ છે ત્યારે બદલો લેવાનું નક્કી કરે છે. વાઘના શિકાર માટે પોતાના મિત્રોને સુંદરવન બોલાવે છે. બસ અહીંથી શરૂ થયેલી વાર્તા સતત ભાગતી રહે છે અને દર્શકોને પણ ભગાવતી રહે છે. વિ.એફ.એક્સ.થી સુંદરવનાના દ્ગશ્યો સાથે મેચ થયેલા વાઘ જોવાની મઝા જ કંઈ ઓર છે...


        આજે સરમન જોષી અને રેખાની ’સુપર નાની ફિલ્મ પણ રીલીઝ થઈ છે. ’રોર કરતા ઘણા સારા શો અને થિયેટર ’સુપર નાનીને મળ્યા છે પણ મારી દ્રષ્ટિએ જો ખર્ચ કરવો હોય તો ’રોર જ જોવાય કેમ કે ઘણા સમયે નવા આર્ટિસ્ટ સાથે રાખીને વફાદારી પૂર્વક બનાવાયેલું ફિલ્મ છે. જો કંજૂસાઈ કરીને આપો તો પણ ’રોરને ૪ સ્ટાર આપવા જ પડે એમ છે....



પેકઅપ:

"ફરાહ ખાનના હસબન્ડ શિરિશ કુંદરને શાહરૂખ ખાને થપ્પડ મારી હતી.. કદાચ એટલે જ શાહરૂખને ’હેપ્પી ન્યુ ઇયરમાં લઈને ફરાહે બદલો લીધો હશે..."

Friday, 17 October 2014

મુંબઈ ૧૨૫કી.મી.: ફરી એક ખરાબ હોરર






           "ડર સબ કો લગતા હૈ.." આ સત્યોક્તિ પરથી જ ફિલ્મના હોરર ઝોનરની શરૂઆત થઈ હશે! ડર લાગે તો જ ડર વહેંચાય પણ જો તમે ડરો નહીં તો? ભારતમાં બનતી હોરર ફિલ્મનો વાંધો જ એ છે કે ફિલ્મમાં ડરાવવાના પ્રયત્નો તો કરવામાં આવે પણ ફિલ્મ ડરાવવામાં નિષ્ફળ જ રહે છે. હોરર ઝોનરમાં ઘણા દિગ્દર્શકો પ્રયત્ન કરી ચૂક્યા છે પણ કોઈ ને કોઈ રીતે અસફળ જ રહ્યા છે.જો ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર સારો હોય તો સ્ટોરી ખરાબ હોય, લોકેશન સારુ હોય તો સિનેમેટોગ્રાફી ખરાબ હોય, વી.એફ.એક્સ. સારુ હોય તો વાર્તા દમ વગરની હોય. દર્શકો બચારા એટલું માનીને તો જાય જ છે કે હોરર ફિલ્મ છે એટલે ખાસ લોજિક ઉમેરવું નહીં અને માત્ર મનોરંજનની દ્ગષ્ટિથી જ ફિલ્મ જોવું તો પણ ફિલ્મની બહાર નીકળીને કહો કે "યાર આ ફિલ્મના ભૂતમાં ખાસ દમ ન હતો", તો તમારે સમજી જ લેવું કે આપણે ફરી એક ખરાબ હોરર ફિલ્મ જોઈને બહાર નીકળ્યા.....


        હેમંત મધુકરનું હિન્દીમાં આ બીજુ ફિલ્મ છે. આ પહેલા તેમણે ૨૦૧૦માં ’અ ફ્લેટ ડિરેક્ટ કર્યું હતું. સંજય સુરી અને જીમ્મી શેરગીલ જેવા કલાકારો હોવા છતા ફિલ્મ ચાલ્યું ન હતું. આમ તો હેમંત સાઉથની ઘણી ફિલ્મ્સમાં આસિસ્ટન્ટશીપ કરી ચૂક્યા છે એટલે અનુભવની ખામી છે એમ તો ન જ કહેવાય. ૨૦૧૧માં તેમણે ’વાસ્ત દુના રાજા સાઉથની મૂવી ડિરેક્ટ કરી હતી અને આ ઉપરાંત આમ જુઓ તો હેમંત ફિલ્મી ફેમિલી માંથી જ આવે છે. હેમંતના પિતા કે.બાલુરાઉ પણ ડિરેક્ટર જ હતા. આ ફિલ્મ માટે તેમણે સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે પણ ફિલ્મના અમુક સ્ટોક ફૂટેજ લેતા ભૂલી ગયા હશે એટલે તમને વારંવાર એક ને એક દ્ગશ્ય રીપીટ થતું જોવા મળશે. હેમંતને બજેટની મર્યાદા પણ નડી જ હશે એટલે બહુ જ ટૂંકા અને ગોર્જીયસ નહીં એવા લોકેશન શોધ્યા હશે. હોરર માટે જરૂરી એવા ઘણા કૉમ્પ્રોમાઇઝ ફિલ્મમાં સીધા જ દેખાય આવે છે. આશા રાખીએ કે આવતી ફિલ્મમાં તેમને મની શર્માની જગ્યા પર કોઈ વધુ રૂપિયા વાળો પ્રોડ્યૂસર મળે....


        ફિલ્મ થ્રીડી છે અને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી ટુ યુનિટ કૅમેરાથી શૂટ કરવામાં આવી છે. થ્રીડી ફિલ્મને શૂટ કરવાની મેથડ વિશે આ પહેલા વાત કરી ચૂક્યો છું છતા થોડી ટેકનિકલ વાત ફરી કરી દઉં. થ્રીડી ફિલ્મ બે લેન્સ વાળા કૅમેરાથી શૂટ કરવામાં આવે છે. એક જ દ્ગશ્ય બે અલગ એંગલથી શૂટ થયું હોય ત્યારે થ્રીડી બને. આ માટે મુખ્ય બે ટેક્નોલૉજી છે એક થ્રીડી તૈયાર કૅમેરા વાપરવા અથવા એક સર્ટેઇન એંગલ પર બે કૅમેરા ગોઠવી ફિલ્મ શૂટ કરવું. તૈયાર થ્રીડી કૅમેરાના ભાડા ખૂબ મોંઘા હોય છે એટલે બીજી રીત સસ્તા બજેટ માટે વાપરવામાં આવે છે. હવે જ્યારે બે કૅમેરાથી શૂટ કરવાનું હોય ત્યારે સમય ખૂબ બગડે છે માતે થ્રીડી ફિલ્મ સાદી ફિલ્મ કરતા વધારે સમય લે છે. આ કારણોથી જ ફિલ્મના કલાકારોની પસંદગી કરવામાં આવી હશે કે જે વધારે સમય આપી શકે. ફિલ્મનું લીડ કરણ બોહરાને સોંપવામાં આવ્યું. કરણવિર ટેલિવિઝનની દુનિયામાં મોટું નામ. ૧૯૯૯માં કરણની પહેલી સિરિયલ હતી ’જસ્ટ મહોબ્બત આ પછી તેણે ઘણી સિરિયલ્સમાં કામ કર્યું. હાલ તેની ’કબુલ હૈ સિરિયલ ચાલુ જ છે. કરણે ૧૯૯૦માં ’તેજા એઝ તેજાનામની હિન્દી ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. યુવાન થયા પછી નાના રોલમાં ૨૦૦૮માં ’કિસ્મત કનેક્શનમાં જોવા મળ્યો હતો. ૨૦૧૩માં તેની ફિલ્મ ’લવ યુ સોનિયે આવી પણ ચાલી નહીં....

                                   
        ભૂતની તરીકે ઝહીદા મલ્લીક એટલે કે વિણા મલ્લીક છે. મૂળ પાકિસ્તાની પણ ભારતમાં કામ કરવા માટે ઝહીદાએ વિણા નામ સ્વીકાર્યું. જો તમે ન જાણતા હો તો કહી દઉં કે હિન્દી સિનેમા સાથે વિણા છેલ્લા ૧૪ વર્ષથી જોડાયેલ છે. ૨૦૦૦માં તેની પહેલી ફિલ્મ હતી ’તેરે પ્યાર મેં. વિણાને કટકે કટકે ફિલ્મ્સ મળતી જ રહી છે જેમ કે ૨૦૦૨માં ’યહ દિલ આપકા હુઆ, ૨૦૦૫માં ’મહોબ્બતેં સચ્ચાઇ, ૨૦૦૭માં ’કોઈ તુજસા કહાં, ૨૦૦૮માં ’કભી પ્યાર ના કરના, ૨૦૦૮માં જ ’ઇશ્ક બેપરવાહ ઉપરાંત ઘણી પણ ફિલ્મ સારી કે ખરાબનું મૂલ્યાંકન કરીએ તો ખરાબ અને ફ્લોપ ફિલ્મ્સ જ તેના હિસ્સે આવી છે. મોટા ભાગના લોકો વિણાને અંગપ્રદર્શન માટે જ પોતાની ફિલ્મમાં લે છે. વિણાના ઘણા કલેક્શન નેટ પર અવેલેબલ છે ત્યારે હવે લોકો શું વધારે જુએ? ફિલ્મની હીરોઇન તરીકે મારી મિત્ર વેદિતા પ્રતાપ સિંઘ છે. વેદિતા ફિલ્મમાં ખાસ સફળ નથી રહી પણ મોડેલ તરીકે રેમ્પ વોક કરતી ઘણા ફેશન શોમાં જોવા મળી જ હશે. વેદિતાની સારી ફિલ્મ કહેવી હોય તો ’ભીન્ડી બજાર ઇન્કોર્પોરેશન. આ ઉપરાંત વીજે ભાટિયા, જોય ડેબરોય, રાજીવ આનંદ અને અપર્ણા બાજપેયી છે. અપર્ણાનું એક્ટીંગ લીડ વેદિતા કરતા પણ સારુ રહ્યું....


        ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર એટલે કે મણી શર્મા પ્રોડ્યૂસર પણ છે. હોરર ફિલ્મનો હીરો એટલે બૅકગ્રાઉન્ડ સ્કોર અને પ્રોડ્યૂસર પોતે આપે છે છતા યોગ્ય આપી શક્યા નથી. હોરર ફિલ્મનો બીજો હીરો એટલે સિનેમેટોગ્રાફર. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી મનોજ શોની છે. લાઇટ એન્ડ શેડોવના બૅનર નીચે ફિલ્મ પ્રોડ્યૂસ કરવામાં આવી છે. ફિલ્મનું જમાં પાંસુ એટલું જ કે વાર્તાને લોજિક સાથે જોડવાની કોશિશ કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા એટલે સાવ સામાન્ય જેમ જ આગળ વધે છે. પુનાથી ૩૧મી ડિસેમ્બરના રોજ પાર્ટી કરવા માટે ૫ મિત્રો નીકળે છે. જંગલનો રસ્તો જ જોઈએ તો જ ઘટનાઓ બની શકે એમ જંગલનો જ રસ્તો છે. અચાનક જ મુંમઈ ૧૨૫ કી.મી.ના એક વળાંક પાસે ગાડીનો એક્સીડન્ટ થાય છે. બસ આ પછી અહીંથી ઘટનાઓ બનવાની શરૂ થાય છે. સામાન્ય રીતે ફિલ્મમાં એવું બતાવવામાં આવે કે આત્મા સાથે આ સ્થળે કંઈક થયું હોય અને આત્મા બદલો લેતી હોય પણ અહીં લોજિક સરસ આપવામાં આવ્યું છે કે કાર જ્યારે એક્સીડન્ટ કરે છે ત્યારે જ એક કપલ અને તેની નાની બાળકી મૃત્યુ પામે છે. આ સમયે જ સ્ત્રીની આત્મા બાળકને હાથમાં લઈને ઊભી થાય છે અને બદલો લેવાનું શરૂ કરે છે. એક પછી એક મિત્રના મોત થતા જાય છે. ક્યા કારણોસર આત્મા આવું કરી રહી છે એ અંતે જ ખબર પડે એ માટે વેદિતાને હોસ્પિટલમાં બતાવીને ફિલ્મ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આ સ્ત્રીની આત્મા આમ કેમ કરે એ લોજિકને સત્ય પાડવા માટે બાળક થતાની સાથે બાળક માટે જીવતા જ તેને સાયકો બતાવી દેવામાં આવી છે. ફિલ્મના અંતમાં હીરોઇનને જીવતી રાખવામાં કે પછી આત્માને ભગાવી દેવાનો કોઈ પ્રયાસ નથી થયો કે નથી કોઈ બાવા, સાધુ, પાદરી લેવામાં આવ્યા. ફિલ્મ નબળું તો છે જ પણ પ્રયાસ સારો છે. ઓવરઓલ ૨ સ્ટારથી વધારે આપી ન શકાય પણ લોજિક માટે એક અડધો સ્ટાર વધારે આપુ છું તો કુલ ૨.૫ સ્ટાર....



પેકઅપ:

સરવિન ચોપરાનું ’કામસૂત્ર (૩D) છેલ્લા ચાર વર્ષથી બની રહ્યું છે. જેના પર સરવિનની એક સરસ કૉમેન્ટ "જો આટલાં વર્ષો મેં કામસૂત્ર બૂક લખી હોત તો પણ લખાઈ જાત"

Friday, 10 October 2014

તમંચે: પ્યાર મેં દિલ પે માર દે ગોલી






          નાના બજેટના ફિલ્મ તરીકે ફરી એક અઠવાડિયું આવ્યું. આ વાર પણ રજૂ થતી ચાર ફિલ્મ્સ માંથી કઈ જોવી એ નક્કી કરતા પહેલા ચારે ફિલ્મ્સનો અભ્યાસ કર્યો. આજે રજૂ થનારી ફિલ્મ નંબર એક એટલે ’જિગરિયા. આ ફિલ્મની વાર્તા લગભગ બે વર્ષ પહેલા શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપરાને સંભળાવવામાં આવી હતી અને સાંભળવાની સાથે જ ઘસીને ના પાડી દીધી હતી પણ વિનોદ બચ્ચનને પોતાની વાર્તા પર ગર્વ હતો એટલે બીજા એક લેખક અપ્રતિમ ખરેની મદદ લઈ ફરી પ્રયત્નો કર્યા અને છેલ્લે ડિરેક્ટર રાજ પુરોહિતે પણ સુધારો કર્યો છતા કોઈ મોટા સ્ટાર ન મળતા નવા હીરો-હીરોઇનને લઈને ફિલ્મ બનાવી પણ સાંજ સુધીના રિપોર્ટ મુજબ માત્ર એક જ સ્ટાર રીવ્યુમાં જોવા મળ્યો છે! બીજા નંબરની ફિલ્મ એટલે ’સ્પાર્ક. નાના બજેટની ફિલ્મ હોવા છતા ફિલ્મ વિદેશ અને દેશમાં ઘણા લોકેશન પર શૂટ કરવામાં આવી હતી. રાજન દુગ્ગલ અને સુભાશ્રી ગાંગુલી સાથે ગોવિંદ નામદેવ જેવા કલાકારો હોવાથી લાલચના લિસ્ટમાં હતી પણ મન માંડી વાળ્યું. ત્રીજી ફિલ્મ એટલે ’’ઇક્કીસ તોપો કી સલામી. કૉમેડી ક્યારેય સહેલો વિષય નથી. અનુપમ ખેર, નેહા ધુપીયા, દિવ્યેંદુ શર્મા જેવા કલાકાર હોવા છતા જ્યારે ફિલ્મનો થીમ જાણ્યો કે પપ્પાને મરતા પહેલા એવી ઇચ્છા હતી કે તેમનું નામ મોટું થાય. દીકરા જીવતા તો કંઈ કરી ન શક્યા પણ પપ્પાના મૃત્યુ માટે એકવીસ તોપની સલામીની તૈયારી સાથે ગોટાળા સર્જતી ફિલ્મ. આ ઉપરાંત ડિરેક્ટર રવિન્દ્ર ગૌતમ વિષે પણ વધારે ખ્યાલ નહોતો એટલે છેલ્લે ’તમંચે-પ્યાર મેં દિલ પે માર દે ગોલી જોઈ. વાત તમંચાની લાગે પણ સરસ લવ સ્ટોરી અને કોઈ ખોટા ફેન ફતુર વગરની ફિલ્મ દિલને વિંધશે નહીં પણ ગોળી તો મારે જ છે....


        ફિલ્મ બનાવવા માટે સૌથી વધુ કોઈ જરૂરિયાત હોય તો સારી વાર્તાની અને વાર્તા પછી તેના સ્ક્રીનપ્લેની. ’તમંચે વાર્તા આમ તો લવ સ્ટોરી જ છે પણ અત્યાર સુધી ખૂબ સામાન્ય રીતે ચાલતી લવ સ્ટોરી હોય પણ અહીં આ લવ સ્ટોરીના પાત્રો જ વિચિત્ર રીતના રાખવામાં આવ્યા છે જે પાત્રાલેખન જ વખાણવા લાયક છે. ફિલ્મ લખાય ત્યારે લેખકને એક ખાસ સૂચના આપવામાં આવે છે કે મુખ્ય પાત્રોનું પાત્રાલેખન સચોટ કરવું. આ ફિલ્મના લેખક શૈલેશ પ્રતાપ સિંઘે ત્રણ મુખ્ય પાત્રોને ખૂબ જ સરસ રીતે લખ્યા હશે માટે ફિલ્મમાં જોવા ગમે છે. વાર્તાને કોઈ જ અતિશયોક્તિ નથી આપવામાં આવી. દરેક પ્રસંગ લગભગ પ્રીડીક્ટ થશે પણ જે રીતે પ્રીડીક્ટ થાય છે એ જ રીતે ફિલ્મને દર્શકો સુધી સરળતાથી પહોંચાડી શકાયું છે...


        ફિલ્મના પ્રોડ્યૂસર ડિરેક્ટર સૂર્યવિર સિંઘ બુલરની આ પહેલી ફિલ્મ છે પણ કોઈ રીતે પહેલું ડિરેક્શન લાગતું નથી. ફિલ્મની નાની નાની ઘટનાઓથી લઈને ઉત્કંઠા સુધીના તમામ દ્ગશ્યોને એમણે જાણે બારીકાઈથી સમજ્યા હોય અને એ રીતે જ ડિરેક્ટ કર્યા હોય એવું લાગે છે. ફિલ્મ જે રીતે લખાયું છે એ રીતે જ રજૂ કરી શકાયું હોય તો તેનો પૂરો યશ ડિરેક્ટરને જ આપવો પડે. હાં ફિલ્મની શરૂઆતમાં ડિરેક્શન જરા નબળું લાગશે અને સાવ સામાન્ય ફિલ્મ જઈ રહી છે એવું પણ લાગશે પણ કદાચ એ જ ફિલ્મની ડિમાન્ડ હતી એ ફિલ્મ આગળ જતા ખબર પડશે. કોઈ એક્સ્ટ્રા ઓર્ડીનરી વસ્તુ નથી કાઢી શક્યા પણ એટ લીસ્ટ ડિરેક્ટરની મહેનત તો દેખાય જ આવે છે. ફિલ્મને બહુ જ ઓછા લોકેશન સાથે આગળ વધારવામાં આવી છે અને વળી રીચા શર્માને બાદ કરતા કોઈ પણ જાણીતા ચહેરા ફિલ્મમાં લેવામાં નથી આવ્યા છતા સારી રીતે ફિલ્મ આગળ વધારી શકાણી છે. ફિલ્મનું સંગીત ક્રષ્ણનું  છે, સાંભળવું પણ ગમે એવું છે. દાની લોપેઝની સિનેમેટોગ્રાફી ડિરેક્ટરની જરૂરિયાતો પૂરી કરવા સમર્થ રહી છે. ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર પ્રિતેશ મહેતાનો છે જે ઘણી વાર ખૂંચે છે, આ પર વધારે સારુ કામ થઈ શક્યું હોત....


        જો ફિલ્મમાં રીચા ચડ્ઢાની વાત કરીએ તો રીચા માટે જાણે કોઈ પણ પાત્ર સહેલું હોય એવું લાગે છે. એક ડ્રગ સપ્લાય કરતી છોકરી એટલે એક પણ એંગલથી તમને કોઈ સંસ્કારી છોકરી જ ન લાગે. હાં ડાયલોગના રીપીટેશન હોવા છતા પોતાના પાત્ર માટે રીચાની મહેનત સીધી જ નજર સામે આવે છે. રીચાની એક્ટીંગના અનેક સ્પાર્ક તમને ઠેકઠેકાણે જોવા મળશે. કોઈ પણ હીરોઇન બેડ સિન્સ આપતી વખતે આર્ટિફીશયલ છે એવું દેખાય આવતું હોય છે પણ રીચા સાચે જ એક્સાઇટેડ હોય એવું ફીલ કરાવે છે. રીચાના આ પહેલાના મૂવીઝ એટલે કે ’ગેંગ્સ ઑફ વસેપુર, ’ફૂકરે જોયા પછી આ ફિલ્મ જુઓ તો તમને લાગશે કે આ છોકરી ઘણી આગળ વધશે. રીચાના પ્રેમીની ભૂમિકામાં નીખીલ દ્વિવેદી ફિલ્મમાં સૌથી નબળો કલાકાર દેખાય છે. નીખીલે આ પહેલા કરેલી ફિલ્મ્સ જેવી કે ’માય નેઇમ ઇઝ એન્થોની ગોન્સાલ્વીસ, ’ખલીબલી, ’રાવણ, ’શોર ઇન સીટી, ’ક્રેકર્સ અને ’હેટ સ્ટોરી માંથી એક પણ ફિલ્મમાં વખાણવા લાયક એક્ટીંગ જોવા નથી મળી. આ ફિલ્મમાં પોતાની જાતને એસ્ટાબ્લીસ કરવાનો તેની પાસે પૂરો મોકો હતો પણ ચૂકી ગયો. ફિલ્મમાં જો નીખીલના સ્થાને કોઈ બીજો કલાકાર હોત તો વધારે સારી રીતે ફિલ્મ માણી શકાયું હોત. ફિલ્મમાં બાજી મારી જાય છે દમનદીપ સિંઘ. ફિલ્મના મુખ્ય વિલનનું પાત્ર ભજવતા દમનદીપને આ પહેલા એક શૉર્ટ ફિલ્મ ’વોટ અ પગમાં જોયો હતો. દમનદીપ શરીરથી નહીં પણ આંખો, ચહેરા અને ઇમોશન બધાથી આ ફિલ્મમાં એક્ટીંગ કરે છે. દમનદીપને આગળ ઉપર સારા પાત્રો ભજવવા માટે આ ફિલ્મ પ્લેટફોર્મ સાબિત થશે....


        ફિલ્મની સૌથી વખાણવા લાયક વાત હોય તો ક્યાંય પણ વાસ્તવિકતાથી દૂર નથી કરવામાં આવ્યું. હીરોની વિલન સાથે ફાઇટ થાય તો વિલનના હાથે માર ખાય જ છે અને જેવો પાઇપ હાથમાં આવે છે એટલે વિલનને મારે છે. રીચાનો ડર હોવા છતા એક સ્ત્રીની અંદર રહેલી ભાવના શું હોય એ બતાવવામાં જ આવ્યું છે. ક્યાંય પણ પ્રેમ મેળવવા માટે કોઈ વાત છુપાવવામાં નથી આવી બધું જ સત્ય હોવા છતા પ્રેમ આગળ વધારવામાં આવ્યો છે. લૂંટ જેવો કિસ્સો હોય તો પણ રીચા-નીખીલને એકાંતનો લાભ ઉઠાવતા બતાવવામાં આવ્યા છે અને જે તમને ધરાર બતાવવામાં આવ્યું છે એવું ફીલ નહીં જ થવા દે. નાના નાના રોલ ભજવતા લોકો પાસે પણ પાત્રની જરૂરિયાત મુજબ જ કામ લેવામાં આવ્યું છે. કોઈ આડંબર વગર અંત પણ જેવો હોવો જોઈએ એમ જ આપ્યો છે. પોલીસ પોતાની રીત મુજબ જ કામ કરે છે અને જ્યાં કરપ્શન પણ છે તો પોતાના કામ પ્રત્યેની જવાબદારી પણ છે. ફિલ્મ નાના બજેટની હોવાથી અને પૂરતા પ્રમોશનની વ્યવસ્થા ન હોવાથી ફિલ્મ સફળ થશે કે નહીં એ ખબર નહીં પણ ઓછા ખર્ચે સારી ફિલ્મ કેમ બની શકે એ માટે આ ૪ સ્ટાર ડીઝર્વ કરતી ફિલ્મ જોવી જ જોઈએ. મોટા બજેટની ફિલ્મ્સ પાસે ૫૦૦૦ સ્ક્રીન હોય છે જ્યારે ’તમંચે પાસે માત્ર ૮૦૦ સ્ક્રીન જ છે એ આપણી ઇન્ડસ્ટ્રીની કમનસીબી છે...


પેકઅપ:

નેહા ધૂપિયા "મારે મોદી સાહેબને કહેવું છે કે જ્યાં સુધી પુરુષો સ્ત્રીઓ પ્રત્યે ખરાબ દ્ગષ્ટિ રાખશે ત્યાં સુધી સ્વચ્છ ભારત ક્યાંથી થશે?"
એક વિનંતી નેહાજી તમે પણ થોડા વધારે કપડા પહેરીને સ્વચ્છતામાં સહાય આપોને...

Thursday, 2 October 2014

હૈદર: સ્ટોરીનું કન્ફ્યુઝન



         



           આ પહેલી વાર નથી બન્યું કે કોઈ ફિલ્મ શુક્રવાર ને બદલે બીજા કોઈ વારે રીલીઝ થઈ હોય પણ જ્યારે મોસ્ટ અવેઇટીંગ મૂવી ગુરૂવારે રીલીઝ થાય અને એ પણ ગાંધી જયંતી જેવા પવિત્ર દિવસે ત્યારે મારા જેવા ચાહક માટે જાણે દિવસ સુધરી ગયો કહેવાય. જો તમે સાહિત્યના શોખી હો તો તમે ’હેમલેટ વાંચ્યું જ હશે પણ ફિલ્મ મેકરે જ્યારે આટલાં પ્રખ્યાત નાટકનો બેઝ લઈને ફિલ્મ બનાવવાની હોય ત્યારે તેના માટે લોઢાના ચણા ચાવવા બરાબર હોય છે! આવ ચણા ચાવવાની હિંમત એક જ વ્યક્તિ કરી શકે અને એ છે વિશાલ ભારદ્વાજ. ઘણી નોવેલ, નાટક પરથી ફિલ્મ બન્યા છે અને બનતા રહેશે પણ ખરા અર્થમાં એ વાતને ભારતીય પૃષ્ઠભૂમિ પ્રમાણે ઢાળવી અને ન્યાય આપવો એ જેવા તેવાનું તો કામ નથી જ અને એ કામ હાથમાં લીધા પછીનું પહેલું કામ હોય સ્ટોરી લખવાનું કામ વિશાલ ભારદ્વાજ અને બશરત પીરે મળીને કર્યું પણ બે રાઇટર્સ મળીને પણ સ્ટોરીનું કન્ફ્યુઝન દૂર નથી કરી શક્યા...


        વિશાલ ભારદ્વાજ એટલે અજાણ્યા ગઝલ સિંગર્સ સાથે હાર્મોનિયમ વગાડતો એક સામાન્ય કલાકાર. એવા ઘણા લોકો છે જે વર્ષો સુધી પોતે જે વાદ્ય વગાડતા હોય એમાં જ પડ્યા રહે અને આગળ ન વધે પણ જેની અંદર હિર પડ્યું હોય અને જેણે પ્રગતિ જ કરવી હોય તે સતત પોતાના રસ્તા શોધતાં જ રહે. વિશાલની મુલાકાત ગુલઝાર સાથે થયા પછી તેમની કેરિયરની ખરી શરૂઆત થઈ. જો તમને જૂની કૉમિક સિરિયલ ’જંગલ બૂક યાદ હોય તો આ સિરીઝનું મ્યુઝિક વિશાલે આપેલું હતું. લોકો વિશાલના મ્યુઝિકના દિવાના થવા લાગ્યા. ફિલ્મ ’ગોડ મધરના મ્યુઝિક માટે તેમને પહેલો નેશનલ એવૉર્ડ મળ્યો હતો અને જે ’ઇશ્કીંયાના મ્યુઝિકમાં રીપીટ થયો. વિશાલના ડિરેક્શનની શરૂઆત બાળ ફિલ્મ ’મકડીથી થઈ. પહેલી ફિલ્મમાં જ પોતે સામાન્ય ડિરેક્ટર નથી તેનો પરિચય આપી દીધો હતો. વિશાલ માટે આઇડલ પર્સનાલિટી એટલે વિલિયમ શેક્સપિયર અને એટલે જ તેમનું બીજુ ફિલ્મ ’મેકબેથ પરથી એડપ્ટ થયેલું ’મકબુલ. આ પછી તેમને ચિલ્ડ્રન ફિલ્મનો ક્રેઝ હોવાના કારણે એક ચિલ્ડ્રન ફિલ્મ ’બ્લ્યુ અંબ્રેલા પણ કરી. આ પછીનું એમનું એડપ્શન હતું ’ઓથેલો એટલે કે ’ઓમકારા જો શૈફ અલી ખાનને એક્ટર તરીકે કોઈ સ્વીકારતા થયા હોય તો તેમાં ’ઓમકારાનો સૌથી મોટો ફાળો છે. વિશાલનો અવાજ પણ જાદુ જેવો છે. તેમના ગાયેલા ગીત હ્રદય માંથી હટાવવા મુશ્કેલ હોય છે. આટલી બધી પ્રતિભા એક સાથે ક્યાં મળે? વિશાલ એટલે સાચે જ ફિલ્મના એનસાઇક્લો પેડ્યા છે અને એટલે જ જ્યારે વિશાલનું પોતાનું લખેલું, મ્યુઝિક આપેલું અને ડિરેક્ટ કરેલું મૂવી હોય ત્યારે સ્ટોરી માટેની શ્યોરીટી ન મળે તો દિલ ભાંગીને ભુક્કો થઈ જાય....


        શહીદ માટે આ ફિલ્મ ખૂબ જ મહત્વનું હતું. આમ તો વિશાલ અને શહીદ બંને વચ્ચે વાત થઈ ત્યારે ’કમીનેની સીક્વલ બનાવવા માટે જ વાત થઈ હતી પણ જ્યારે આ ફિલ્મની વાત આવી ત્યારે આ ફિલ્મને પ્રાથમિકતા આપવામાં આવી. ફિલ્મના એક્ટીંગની વાત કરીએ તો શહીદનું અત્યાર સુધીમાં જોયેલું શ્રેષ્ઠ એક્ટીંગ છે. આ રીતે જ તબ્બુ માટે પણ ક્યાં કંઈ કહેવું પડે? કેય કેય મેનન માટે તો કોઈ પણ એક્ટીંગ રમત બરાબર જ હોય! શ્રદ્ધા આ ફિલ્મની પ્રોડ્યૂસર પણ છે એટલે થોડી એક્ટીંગમાં એક્સ્ટ્રા મહેનત દેખાય આવે છે. શહીદના પિતાના પાત્રમાં નરેન્દ્ર ઝા પણ જામે છે. શ્રદ્ધાના પિતાના પાત્રમાં લલીત પરીમુ હોય, શ્રદ્ધાના ભાઈના પાત્રમાં આમીર બસીર હોય, આતંતવાદીના પાત્રમાં અસ્વાથ ભટ્ટ હોય કે નાના હૈદરના પાત્રમાં અંશુમન મલ્હોત્રા હોય બધા જ એક્ટીંગ કરીને ફિલ્મને જિવાડે છે. માત્ર નાના બે કૅરેક્ટર આશિશ વિદ્યાર્થી અને ઇરફાન ખાન પણ વાહ બોલાવી જાય છે. શહીદનું એક સ્ટુડન્ટથી શરૂ કરીને પાગલ કે પછી આતંકવાદી સુધીનું ટ્રાન્સીશન અદભૂત છે. શહીદ ૫૦૦૦ માણસો સામે જ્યારે પાગલ બનીને અભિનય કરે છે ત્યારે પંકજ ભટ્ટ સામે તરી આવે છે. આ એક્ટીંગ માટે શહીદે પૂરા ૪ કલાકનો સમય લીધો હતો...


        ફિલ્મની સિનેમેટોગ્રાફી પંકજ કુમારની છે. કાશ્મીર જેવું સુંદર લોકેશન હોય તો પછી સારી સિનેમેટોગ્રાફી માટે શું ઘટે? એક એક લોકેશનનો અને કાશ્મીરની સોફ્ટ લાઇટ્સનો પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાં આરીફ શૈખનું એડીટીંગ ક્યાંક નબળું લાગે છે પણ ચાલી જાય. વિશાલ ભરદ્વાજનું પોતાનું જ મ્યુઝિક હોય એટલે સાંભળવું તો ગમે જ. ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે. ફિલ્મના શૂટીંગની શરૂઆત નવેમ્બર ૨૦૧૩માં દાલ લેકથી કરવામાં આવી હતી અને છેલ્લું શેડ્યૂલ જાન્યુઆરી ૨૦૧૪માં રાખવામાં આવ્યું હતું. સાંભળવા મળ્યું છે ત્યાં સુધી સેન્સરમાં ફિલ્મને ખૂબ હેરાન કરવામાં આવી હતી. ૪૧ કટ પછી ફિલ્મને સેન્સર પાસ કરવામાં આવી છે. આપણું સેન્સર બોર્ડ ખરેખર ગજબ જ છે. ’ગ્રાન્ડ મસ્તી જેવી થર્ડ ક્લાસ ચીપ ફિલ્મ કટ વગર પાસ થાય અને એક ક્લાસિક ફિલ્મ આટલું ભોગવે....


        આ બધી સારી વાતો થઈ ગઈ તો હવે ફિલ્મમાં શું કન્ફ્યુઝન છે એ વાત પણ કરી લઈએ. ફિલ્મનું જ્યારે એડપ્શન થાય ત્યારે એક વાત તો નક્કી હોવી જ જોઈએ કે પરફેક્ટ એડપ્શન કરવું છે કે માત્ર પ્લૉટ જ ઉપાડવો છે. બસ વાત અહીંથી બગડી. વિશાલ એ નક્કી ન કરી શક્યા કે તેમને બેવફાઈ બતાવવી છે, કાશ્મીરમાં ગુમ થતા લોકોની સમસ્યા બતાવવી છે, માં-પુત્રનો પ્રેમ બતાવવો છે, આતંકવાદ રજૂ કરવો છે, લવ સ્ટોરી બતાવવી છે કે મીલ્ટ્રીનો સારો કે ખરાબ રોલ બતાવવો છે. હવે આટલાં બધા કન્ફ્યુઝન વચ્ચે લખાયેલી સ્ટોરીનો રન ટાઇમ ૧૬૨ મીનીટનો થઈ ગયો. સ્ટોરીને એસ્ટાબ્લીસ કરવા માટે બતાવવામાં આવેલા પહેલા દ્ગશ્યમાં તમે અભિભૂત થઈ જશો પણ એ પછી સ્ટોરી આગળ વધતી જશે એમ ઇન્ટરવલ સુધીમાં બનેલા બનાવો વિશે વિચારશો તો ખબર પડશે કે ફિલ્મ કંઈ ખાસ આગળ વધી નથી. ઇન્ટરવલ પછી અચાનક જ એટલાં બધા પ્રસંગો બનવા માંડશે કે એ નહીં સમજાય કે ક્યા કારણસર આ બધું બતાવવામાં આવી રહ્યું છે! વિશાલ જેવા રાઇટર જ્યારે લખતા હોય ત્યારે એમ થાય કે આવું કેમ થઈ શકે? વિશાલના ડિરેક્શનમાં નાની નાની વાતોનો પણ ખ્યાલ રાખવામાં આવ્યું હોય ત્યારે ડો. બિલાલના ઘરની બહાર લાગેલું બોર્ડ ’એમ.ડી. સર્જન હસાવી ગયું. એમ.ડી. ડૉક્ટર ક્યારેય ઓપરેશન ના કરે એટલું પણ કોઈએ નહીં કહ્યું હોય?


        ફિલ્મને સીધી હરીફાઈ આજે જ રીલીઝ થયેલી ઋત્વિક રોશન અને કેટરીના કૈફની ’બેંગબેંગ સામે છે. જો કે એક એ પણ હકીકત છે કે સારી ફિલ્મ કરતા મસાલા ફિલ્મ વધારે ચાલે છે માટે જ્યારે અમે જોવા ગયા ત્યારે ’બેંગબેંગ ફૂલ હતું અને ’હૈદરમાં ૬૦ થી ૭૦ માણસો માંડ માંડ હતા. એક વાત તો નક્કી છે કે માઉથ પબ્લીસીટી થઈ ગઈ તો ’હૈદર માટે દર્શકો શોધવા મુશ્કેલ પડશે. આમ તો ફિલ્મ પણ ૨.૫ સ્ટારથી વધારે ડીઝર્વ નથી કરતી....પછી જેવા નસીબ....



પેકઅપ:
"શાહરૂખ ખાનના દીકરાની ક્લિપ આજકાલ ચર્ચામાં છે જે જોઈને ગૌરીને શાંતિ થઈ કે હાશ પિતા જેવો તો નથી થયો!"