Friday, 29 March 2013

હિમ્મતવાલા: હિમ્મત હોય તો જોવાય



        





           ૧૯૮૦ થી ૧૯૯૦નો દાયકો ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે વિશેષ હતો. આ અરસામાં લોકો માટે ફિલ્મ જીવનનો એક હિસ્સો હતો. ૧૯૮૩માં ઘણી બધી રીમાર્કેબલ ફિલ્મ્સ આવી. "સૌતન", "હીરો", "અગર તુમ ના હોતે", "અવતાર", "બેતાબ", "કુલી", "મવાલી", "જસ્ટિસ ચૌધરી", "સદમા" અને "હિમ્મતવાલા" જેવી ફિલ્મ્સ આવી. જો માત્ર ૧૯૮૩ની જ ફિલ્મ જોવામાં આવે તો હીટ ફિલ્મ્સમાં ત્રણ ફિલ્મ તો જીતેન્દ્રની હતી. જીતેન્દ્રનો એક જમાનો હતો. ભલે જીતેન્દ્ર સુપર સ્ટાર ન હતા પણ લોકો જીતેન્દ્રની ફિલ્મ્સ પસંદ કરતા. ૧૯૮૩ની ફિલ્મ "હિમ્મતવાલા" આમ તો સાઉથની ફિલ્મ "ઓરીકી મોનાગડુ"નું હિન્દી વર્ઝન હતું. જમાનો મેલો ડ્રામાનો હતો. વિલનનો પાવર, ગરીબ પરિવાર, પૂજારી પર થતો અત્યાચાર, વહુ પર થતો અત્યાચાર જેવા વિષયો પર પબ્લીકને રડાવવાનો કીમિયો કામ કરી જતો. જીતેન્દ્રની ડાન્સ સ્ટાઇલ અને આનંદ અપાવતા ગીતો ફિલ્મને વધુ હીટ કરવામાં મદદરૂપ થતા. છેક ૧૯૮૩ પછી ૨૦૧૩માં "હિમ્મતવાલા"ની રીમેક બનાવવી એ પણ એક હિમ્મતનું જ કામ છે અને દર્શક તરીકે આ ફિલ્મ જોવા માટે પણ તમારે એક હિમ્મત ભેગી કરવી જ પડશે તો જ સહન કરી શકશો!


        ફિલ્મમાં બેફામ ગાળો બોલાતી હોય, આરામથી ગોળીઓ છૂટતી હોય, મોબાઇલ પર પ્લાનિંગ થતા હોય એવા જમાનામાં રામપુર જેવા ગામમાં કોઈ આધુનિક હથિયારો વગર જનતા પર દમામ વર્તાવતા સરપંચની વાત હોય ત્યારે સાજીદ ખાન જાણતો જ હશે કે કૉમેડીનું એક્સ્ટ્રા તત્વ ઉમેરીએ તો કદાચ પબ્લિક સ્વીકારી શકે. આ ઉપરાંત અજય દેવગણ જેવો સેલેબલ સ્ટાર હોય અને જેને પોતાની જાતને તેમજ પોતાની ફિલ્મને માર્કેટ કરતા આવડતું હોય ત્યારે ફિલ્મ હીટ જવાના ચાન્સ વધી જાય છે. અજય પોતાની ફિલ્મ ક્યારે રજૂ કરવી અને સૌથી વધુ થિયેટર રીલીઝ કરવાની કળા પણ જાણે છે. આ અઠવાડિયે "હિમ્મતવાલા" ઉપરાંત એક પણ ફિલ્મ રીલીઝ થઈ નથી. જાણવા મળેલા આંકડા મુજબ ૪૫૦૦ સ્ક્રીન રીલીઝ મેળવવામાં યુટીવી સફળ રહી છે. યુટીવી મોશન પીકચર્સ સાથે કામ કરવું એટલે લગભગ ફિલ્મને કમાણી કરાવીને જ નીકળવું એટલું સત્ય ફિલ્મ પ્રોડ્યુસર્સ જાણી ચૂક્યા છે. એમાં પણ જ્યારે સિદ્ધાર્થ રોય કપૂર એટલે કે યુટીવીના સીઇઓ પોતે ફિલ્મમાં રસ લે ત્યારે ૪૫૦૦ ટૉકીઝ રીલીઝ મળે એમાં નવાઈ પામવા જેવું નથી. સિધ્ધાર્થની કદાચ આ બધી ખૂબી વિદ્યા બાલન જાણતી જ હશે એટલે જ એની સાથે લગ્ન કર્યા હશે!


        સાજીદ ખાન મને ક્યારેય સારો ડિરેક્ટર લાગ્યો નથી પણ ફિલ્મની દ્રષ્ટિએ સાજીદ હીટ ડિરેક્ટર રહ્યો છે. સાજીદની પહેલી ડિરેક્ટેડ ફિલ્મ હતી "ડરના જરૂરી હૈં". આ ફિલ્મ બોક્ષ ઓફીસ પર ખાસ અસર દેખાડી શકી ન હતી એટલે સાજીદે કૉમેડી ટ્રેક પકડ્યો. સાજીદની એ પછીની ફિલ્મ "હેય બેબી" ચીપ કૉમેડી હતી પણ દરેક પ્રકારનું ઑડિયન્સ હોય જ છે એટલે આ ફિલ્મ થોડી ઘણી ચાલી ગઈ. આ પછીની ફિલ્મ "હાઉસફૂલ" પણ આ જ કેટેગરીની હતી. આ ફિલ્મ સારી એવી હીટ રહી એટલે સાજીદને "હાઉસફૂલ2" પણ મળી. ગમે તેમ હોય પણ આ બંને ફિલ્મ્સ સાજીદ ખાનને માર્કેટના ડિરેક્ટરમાં મૂકી ચૂકી હતી. જો કે આ બંને ફિલ્મ પછી આવેલી "ડર્ટી ડઝન" ખૂબ ખરાબ ફિલ્મ સાથે ખાસ ન કમાયેલી ફિલ્મ હતી પણ સાજીદના વર્ષો જૂના સંબંધો એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ પાસે કામ કરાવવા માટે પૂરતા છે. સાજીદ અને અજય તો ખાસ મિત્રો એટલે ફિલ્મ માટે બંને પૂરતી મહેનત કરે જ. "હિમ્મતવાલા" જો હીટ જશે તો સાજીદના ડિરેક્શન કરતા અજય અને સિધ્ધાર્થનું પ્રમોશન વધુ મહત્વનું સાબિત થશે. આ ફિલ્મમાં તો ડિરેક્શનના એટલાં બધા લોચા નજર આવે છે કે પ્રશ્ન થાય ખરેખર આ ફિલ્મ બન્યા પછી પણ એ લોકોએ નહીં જોઈ હોય? ફિલ્મના એક દ્ગશ્યમાં ચાચા રાજેન્દ્ર અજય અને હ્રિતેશને રસ્તામાં મળી જાય છે. હ્રિતેશ એમને ઓળખી જાય છે અને બોલાવે છે. હવે આશ્ચર્યની વાત તો એ છે કે આગળ વધતા ચાચા વાત પૂરી થતા પાછળ વળી જાય છે! રસ્તો સીધો છે ચાચા આગળ જઈ રહ્યા છે તો પાછાં કેમ વળ્યા એવો પ્રશ્ન ડિરેક્ટરને કટ લેતી વખતે નહીં થયો હોય? આ રીતે જ અજય જ્યારે ઓરીજીનલ રવિ નથી એવી ખબર પડતા અજયની બહેન એટલે જે લીના જુમાની ઝગડો કરીને પાછી વળે છે ત્યારે ગુંડાઓ લીનાને પકડી લે છે. અજય બહેનને બચાવવા આવે એ તો સમજી શકાય પણ એટલી જ વારમાં અજયભાઈ કપડા ક્યાં બદલી આવ્યા એ સમજી શકાયું નહીં! આવા તો અનેક ખાંચાઓ નજરે પડે છે પણ આમ ઑડિયન્સ કદાચ આ જોઈ નહીં શકે એવું બધાંએ માની લીધું હશે. સાજીદ ખાન એક ખૂબ સારો કોમેડિયન છે અને હાલ "નચ બલિયે" નો સારો જજ પણ છે. સાજીદે એ જ કરવાની જરૂર છે.


        અગાઉ કહ્યું એમ અજય દેવગણ પોતાની ફિલ્મને પ્રોમોટ કરવા માટે પૂરતો રસ લે જ છે. આ કારણથી જ આ ફિલ્મનો પ્રોમો પહેલા "દબંગ2" સાથે કરવાનો હતો પણ અટકાવી દેવામાં આવ્યો, આ પછી "ખીલાડી ૭૮૬" અને "રેસ2" સાથે પ્રોમોટ કરવી એવું પણ નક્કી થયુ પણ અજય અને સલમાન, અજય અને અક્ષય મિત્રો એટલે સહેજ વિચારીને અન્ય ફિલ્મ્સને રોકીને આ ફિલ્મનું પ્રમોશન શરૂ કરવામાં આવ્યું. અક્ષયે જેમ "ઓહ માય ગોડ"માં સોનાક્ષી પાસે સ્પેશીયલ ગીત કરાવ્યું એમ જ અજયે પણ આ ફિલ્મમાં સોનાક્ષી પાસે ગીત કરાવી અક્ષય વાળી કરી! અજયની ઇચ્છા તો ફિલ્મમાં કેટરીના અથવા અનુષ્કા લેવાની હતી પણ કદાચ વાર્તા સાંભળીને બંને એ ના પાડી હશે એટલે છેલ્લે તમ્મનાહ પર પસંદગી ઉતારવામાં આવી. તમ્મનાહ નામ થોડું વિચિત્ર લાગે છે ને? લાગે જ કેમ કે ઓરીજીનલ નામ સાથે ચેડા કરી ન્યુમેરોલોજી મુજબ સેટ કરેલું નામ છે. તમ્મનાહ આ પહેલા અભિજીત સાવંતના આલબમ "લફ્ઝોં મેં કહે ના શકે"માં  જોવા મળી હતી અને એ પહેલા ૨૦૦૫માં "ચાંદ સા રોશન ચહેરા" નામની ફ્લોપ ફિલ્મ કરી ચૂકી છે. આ પછી એણે સીધી નજર કરી સાઉથ તરફ. સાઉથની ફિલ્મ "શ્રી" તેલુગુ ભાષામાં હતી. આ ફિલ્મ ચાલી ગઈ, બસ પછી તો તામીલ અને તેલુગુ ફિલ્મ્સ જ કરતી રહી. આમ તો આ છોકરી મુંબઈની છે અને સિંધી પરિવારની છે પણ સાઉથમાં કામ કરીને સાઉથ ઇન્ડિયન વધુ લાગવા લાગી છે. એક્ટીંગ જોતા એવું લાગે છે કે ફરી કદાચ સાઉથ જ એના માટે શ્રેષ્ઠ રહેશે!

        અજય દેવગણે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે "હું ઇચ્છુ છું કે લોકો કંપેરીઝન કરે કારણ કે મેં ઓરીજીનલને ન્યાય આપયો છે" જીતેન્દ્રના ડાન્સ સાથે અજયના ડાન્સની કંપેરીઝન? આવી ગુસ્તાખી કરવાની હિમ્મત કોણ કરે? અજયભાઇને ડાન્સ સાથે કંઈ જ લેવાદેવા નથી જ્યારે જીતેન્દ્રને ડાન્સ માસ્ટર તરીકે લોકો ઓળખતા. જો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વખાણ કરવા એ સાવ સામાન્ય વાત છે. ફરાહ ખાને પણ સ્ટેટમેન્ટ કર્યું કે " મને આશા નહોતી કે અજય જીતેન્દ્ર જેવો ડાન્સ કરી શકશે પણ અજયે જ્યારે પહેલો શોટ આપ્યો કે તરત જ આખા યુનીટે ઊભા થઈને તાલીઓથી વધાવી લીધો". આ સ્ટેટમેન્ટ મેં અગાઉ વાંચેલુ અને ફિલ્મ જોઈ ત્યારે થયું કે આખા યુનીટે અજયના ડાન્સને જોઈને માથા કૂટ્યા હોત તો સારુ હોત! હશે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એટલે ફરી કામ સાથે કરવાનું હોય જ અને એ પણ હકીકત છે કે કઈ ફિલ્મ ક્યારે હીટ જાય એ નક્કી નહીં. આવા સંજોગોમાં "ક્યા હટ કે ફિલ્મ બનાઈ હૈં" જેવું બોલવું જ પડે અને એથી પણ વિશેષ ફરાહના ભાઈની ફિલ્મ હોય ત્યારે તો ’ભાઈ મરે અને બહેન કૂટવામાં બાકી રાખે?’ જેવી સ્થિતિ થાય. ૧૯૮૩ની "હિમ્મતવાલા" કે.રાઘવેન્દ્ર રાવે ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મની ઓરીજીનલ તામીલ ફિલ્મ પણ એમણે જ ડિરેક્ટ કરી હતી. એ સમયે મેલોડ્રામા ફિલ્મની જરૂરિયાત હતી. આ મોડર્ન સમયમાં મેલોડ્રામા સાથે થોડી કૉમેડીનો લટકો છે પણ ફિલ્મમાં જરા પણ ચટકો નથી! પરેશ રાવલ અને મહેશ માંજરેકર જેવા ધુરંધર આર્ટીસ્ટ્સ પણ વેડફયા છે. સ્ટાર આપવાની વાત હોય તો 2 સ્ટારથી વધારે આપવાની હિમ્મત આ "હિમ્મતવાલા" ફિલ્મ માટે મારી નથી!





પેકઅપ:
"દરેક દિવસે દારૂ પીવા વાળાને દારૂડિયા કહેવામાં આવે છે..... હાશ! ગુજરાતીઓ રાતે જ દારૂ પીવે છે"

Friday, 22 March 2013

રંગરેઝ: પ્રિયદર્શનનો ટચ ખરો, પણ ઓછો






          સાઉથની ફિલ્મ્સ પરથી ફિલ્મ બનાવવાનો ક્રેઝ અમસ્તો નથી આવ્યો. સાઉથની પબ્લિક આપણાથી વધુ બુધ્ધિજીવી છે એવું આપણે ન માનીએ તો પણ એટલું તો માનવું જ પડે કે સાઉથના લોકો આખી ઇન્ડસ્ટ્રી કરતા વધુ ફિલ્મ પ્રેમી છે. લોકોનો ટેસ્ટ પણ સાઉથ તરફ વધતો ગયો છે અને એટલે જ સાઉથની રીમેક ફિલ્મ્સ હીટ થવા લાગી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ફિલ્મને હીટ કરવાનો જાણે આ એક મંત્ર હોય. ૨૦૦૯માં તામીલ હીટ ફિલ્મ ’નાડોદીગુલની પહેલી રીમેક બની તેલગુમાં. તામીલ વર્ઝન તો હીટ હતું જ પણ તેલુગુ વર્ઝન પણ એટલું જ સુપર ડુપર હીટ રહ્યું. આ પછી આ જ ફિલ્મની વાર્તાને લઈને કન્નડ વર્ઝન પણ તૈયાર થયું અને સદનસીબે એ પણ હીટ રહ્યું. જ્યારે ત્રણ ભાષાના લોકો સફળતા મેળવી ચૂક્યા હોય ત્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બાકી કેમ રહી જાય? નિર્માતા વાસુ ભગનાની પાસે પોતાના પુત્રને હાઇલાઇટ કરવા માટે આથી સારો મોકો ક્યો હોય? એમાં પણ જ્યારે લોકોની નજરે હીટ ડિરેક્ટર પ્રિયદર્શનનો સાથ મળી જાય એટલે ફિલ્મ હીટ થવાના ચાન્સ વધી જાય. ’રંગરેઝમાં પ્રિયદર્શનના ડિરેક્શનનો ટચ દેખાય છે પણ ઓછો!


        પ્રિયદર્શન સાઉથની માટે ઘણી ફિલ્મ્સ ડિરેક્ટ કરી ચૂક્યા છે અને જેમાંથી ઘણી બધી સુપર હીટ પણ રહી છે. પ્રિયદર્શને બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત કરી ’ગર્દીશ ફિલ્મથી. ભાગ્યે જ કોઈ હશે જેને ’ગર્દીશ પસંદ ન પડ્યું હોય. બોલીવુડમાં આગમન સાથે જ પ્રિયદર્શનની બોલબાલા શરૂ થઈ ગઈ હતી પણ ૧૯૯૩ પછી છેક ૧૯૯૭માં એમણે બીજી ફિલ્મ આપી ’વિરાસત. આ ફિલ્મ પણ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ ગઈ. લોકો પ્રિયદર્શનને એક ઉત્તમ કક્ષાના ડિરેક્ટર માનવા લાગ્યા. આ પછી ૨૦૦૦માં ’હેરાફેરી સાથે પ્રિયદર્શને પોતાની આગવી ઓળખ ઊભી કરી. એક સિરિયસ ડિરેક્ટર કૉમેડી ફિલ્મ ડિરેક્ટ કરે અને એ પણ એવી કૉમેડી જે ઓલ ટાઇમ હીટ એ તો આશ્ચર્યની જ વાત હતી. આ પછી બોલીવુડનું તો એવું છે કે જે ચાલે એને ચલાવવું માટે પ્રિયદર્શનની ’હંગામા, ’હલચલ, ’ગરમ મસાલા, ’ભાગંભાગ, ’ચૂપકે ચૂપકે, ’ઢોલ, ’દે ધનાધન, ’ખટ્ટામીઠ્ઠા જેવી ઘણી કૉમેડી ફિલ્મ્સ ડિરેક્ટ કરી પણ ધીમે ધીમે દેખીતી રીતે લોકોને સમજાવા લાગ્યું કે પ્રિયદર્શનની કૉમેડી ફિલ્મ હવે જોવી નહીં. ’ઢોલ જેવી ખરાબ કૉમેડી તો મેં મારા જીવનમાં નથી જોઈ!. પ્રિયદર્શનને પણ કદાચ આ વાત સમજાય ગઈ એટલે જે એમણે ફરી સિરિયસ ફિલ્મ પર હાથ અજમાવવાનો શરૂ કર્યો. ૨૦૧૦માં અઘરો સબ્જેક્ટ પર ’આક્રોશ ડિરેક્ટ કરી પણ લોકોનો આક્રોશ સહન કરવો પડ્યો. ૨૦૧૨માં ફરી એક એવી જ ખરાબ ફિલ્મ ’તેઝ ડિરેક્ટ કરી. ’તેઝના રીવ્યુમાં મેં લખ્યું હતું કે રફતાર વગરની ફિલ્મ. મારી પ્રિયદર્શન પરથી આશાઓ પૂરી થઈ ગઈ હતી પણ ’રંગરેઝ જોઈને લાગ્યું કે પ્રિયદર્શન હજુ પણ સારા ડિરેક્ટર હોવાની ક્ષમતા ધરાવે છે. આ ફિલ્મમાં પ્રિયદર્શનના ડીરેક્શનનો અમુક જગ્યાએ સુપર્બ ટચ જોવા મળે છે.


        વાસુ ભગનાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી છે. હાલ ફરી સક્રિય થવાનું કારણ એમનો પુત્ર છે. તમને યાદ હોય તો ’કુલી નં ૧ એમણે બનાવ્યું હતું. આ પછી નં ૧ એમને ફાવી ગયું. ’હીરો નં ૧, ’બીવી નં ૧ સુધી આ સિરીઝ ચાલુ રાખી. આ પછી વચ્ચે ઘણી ફિલ્મ્સ બનાવી પણ મોટાભાગની ફ્લોપ રહી એટલે ફરી નંબર ૧ની ફૉર્મ્યુલા ઉપર ૨૦૦૫માં પાછાં ફર્યા ’શાદી નં ૧થી પણ ખાસ લાભ ન મળ્યો. વાસુ ભગનાનીના અમુક કાર્યો પ્રસંશનીય પણ છે. ઓનીર સાથે મળીને એમણે બનાવેલી ’સોરી ભાઈ ખરેખર વખાણવા લાયક ફિલ્મ હતી. ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય થઈને એમણે ’અજબ ગજબ લવ અને ’ફાલતુ બનાવી. આ ફિલ્મ્સ બનાવવા પાછળનું મુખ્ય કારણ હતું એમના પુત્ર જેકી ભગનાનીને લોંચ કરવો. જેકી ’કલ કીસને દેખા ફિલ્મ માટે ’આઇફા સ્ટાર ડેબ્યુટ એવૉર્ડ જીતેલો. આ પછીની બંને ફિલ્મ્સ ફ્લોપ રહી તો પણ વાસુ ભગનાનીએ નક્કી જ કરી લીધું છે કે દીકરાને ગમે તેમ સફળ કરવો. ’રંગરેઝમાં ફરી જુગાર રમ્યો છે. ફિલ્મ જોરદાર હીટ ન થાય તો પણ ફિલ્મ ચાલી જરૂર જશે. આશા રાખીએ કે વાસુજીના પુત્ર માટે બીજા કોઈ પણ ફિલ્મ બનાવે.

        ફિલ્મને હીટ કરવા માટે જાણીતા અભિનેતા-અભિનેત્રી લેવાની રીતથી અલગ જઈને ઓછા જાણીતા કે નવા લઈને ફિલ્મ બનાવવી હિમ્મતનું કામ છે. ’રંગરેઝમાં આવો જ કંઈક પ્રયોગ કરવામાં કરવામાં આવ્યો છે. જેકી સામે સાઉથની જાણીતી હીરોઇન પ્રિયા આનંદને લેવામાં આવી છે. પ્રિયાનું ખરા અર્થમાં કહીએ તો આ પહેલું બોલીવુડ મૂવી છે. પ્રિયા આ પહેલા ’ઇગ્લીશ વિંગ્લીશમાં નાનું પાત્ર કરી ચૂકી છે. પ્રિયાના હિસ્સે આમ તો હીરોઇન મટીરિયલ જેવું જ કામ છે પણ જેટલું કામ છે એટલું સારી રીતે નિભાવ્યું છે. ફિલ્મ મુખ્ય ચાર મિત્રો પર છે. અમિતોષ નાગપાલ, જેકી ભગનાની, વિજય વર્મા અને રાઘવ ચનાના ચાર મિત્રોની વાર્તા છે. થીમ ખૂબ સાદી રીતે શરૂ થાય છે. મિત્ર માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય એનુ  નામ જ મિત્રતા પણ વાર્તા જ્યારે અંત પર આવે છે ત્યારે આ વળાંક માણવો ગમે છે. અમિતોષને હું અંગત રીતે અળખુ છું. અમિતોષ ખૂબ સારો લેખક પણ છે. અમિતોષ ’દબંગમાં સોનાક્ષીનો ભાઈ થયો હતો. નસીબ જોગે ’દબંગમાં એનો ખાસ્સો રોલ કટ થઈ ગયો હતો પણ આ ફિલ્મમાં સારો રોલ મળ્યો છે પણ હાય રે નસીબ આમાં પણ લંગડાનો જ રોલ!. ફિલ્મમાં સૌથી વધુ વખાણવા લાયક એક્ટીંગ રહ્યું હોય તો પકિયાનો રોલ ભજવતો વિજય વર્મા. કદાચ વિજય વર્માનું આ પહેલું ફિલ્મ છે પણ આ છોકરામાં દમ છે. ભલે આ છોકરો લીડ રોલ ન કરે પણ ભવિષ્યમાં સપોર્ટીંગ રોલ તો સારા કરશે જ. મીનીસ્ટરના પુત્રનું પાત્ર ભજવતો રાઘવ ચનાના ખાસ જામ્યો નથી પણ રાઘવ સામે કામ કરતી આકાંક્ષા ગૌડા સારી અભિનેત્રી બનવાના લક્ષણો ધરાવે છે. છોકરીના પિતા બ્રીજ બિહારી પાંડે એટલે કે પંકજ ત્રિપાઠી માટે તો વધુ લખવાની જરૂર જ નથી. લગભગ સારા ડિરેક્ટર્સની અંડરમાં પંકજ કામ કરી ચૂક્યો છે. રાજપાલ યાદવને ઘણા સમય પછી પોતાની આગવી છટામાં જોયો. દરેક એક્ટર્સની કાંઈ ને કાંઈ ખાસિયત હોય છે. રાજપાલ યાદવની ખાસિયત છે કે એ બોડી લેંગ્વેજથી પણ એક્ટીંગ કરી શકે છે. રાજપાલને આ ફિલ્મમાં જોવો એ એક લહાવો છે. જેકીના પિતાના પાત્રમાં સુનીલ સિંહા છે. સુનીલ સિંહા કૅરેક્ટર રોલ માટે પર્ફેક્ટ આર્ટિસ્ટ રહ્યો છે. જેકીના મમ્મીના પાત્રમાં સોના નાયરને લેવામાં આવી છે. સોના આ પહેલા ’માલામાલ વીકલીમાં પ્રિયદર્શન સાથે કામ કરી ચૂકી હતી.


        ફિલ્મના બે ગીતો ઓરીજીનલ તામીલ ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર સુંદર સી બાબુના છે અને બૅકગ્રાઉન્ડ સ્કોર પણ બાબુનો જ છે. એમણે આ ફિલ્મનું તૈયાર કરેલુ ગીત ’શિવ શંભુ ખૂબ જ સરસ છે. આ ઉપરાંત ’યારો ઐસા હૈં પણ ઓરીજીનલ તામીલ ગીતનું જ વર્ઝન છે. બાકીના ત્રણ ગીતો સાજીદ-વાજીદે કંપોઝ કર્યા છે. આ ગીતો એવેરેજ છે પણ યંગ સ્ટાઇલને સ્ટાઇલનું છેલ્લું ગીત પસંદ આવી પણ શકે. ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી સંતોષ સિવનને સોંપવામાં આવી છે. સંતોષ સિવન અને પ્રિયદર્શનનો મિલાપ ૧૫ વર્ષ પછી થયો છે. આ પહેલા ૧૯૯૬માં ’કાલાપાનીમાં બંને સાથે કામ કરી ચૂક્યા હતા. સિનેમેટોગ્રાફી ઉત્તમ ન જ કહી શકાય પણ સારી તો છે જ.  ફિલ્મનું સૌથી નબળું પાસું છે સમય. ફિલ્મનો રન ટાઇમ હાલની ફિલ્મ્સ કરતા ઘણો વધારે છે. વચ્ચે વચ્ચે તમને કંટાળો આવી શકે કદાચ એટલે જ ફિલ્મના લોચીંગ પહેલા આખી ટીમ ગોલ્ડન ટૅમ્પલ આશીર્વાદ લેવા ગઈ હશે! ફિલ્મને ૩ સ્ટાર ચોક્કસ આપી શકાય.




પેકઅપ:
"હું જ્યારે પણ રૂમમાં જાઉં ત્યારે મારો છોકરો કોમ્યુટરનું ડેસ્કટોપ જ જોવામાં વ્યસ્ત હોય છે..."

Friday, 15 March 2013

૩જી: ભૂતની વાતો આપણને ન આવડે





        એક સમય હતો જ્યારે રામસે બ્રધર્સ એક માત્ર પાસે ભૂતની ફિલ્મ્સની ફ્રેંચાઇઝી હતી! ગમે તેવા મેકઅપના થથેડા કરીને ધરાર ભૂત સાબિત કરવાની પરંપરા ચાલુ હતી. આ પહેલા પણ બ્લેક & વ્હાઇટ ફિલ્મ્સના જમાનામાં પણ ઘણા ડિરેક્ટર્સ ભૂત પર હાથ જમાવી ચૂક્યા હતા અને ’જાની દુશ્મન તો કોને યાદ નહીં હોય? પણ જેમ જેમ સિનેમામાં બદલાવ આવ્યો એમ એમ ભૂતનું સ્ટાન્ડર્ડ પણ સુધરતું ગયું. સુધરેલા ભૂત પર રામ ગોપાલ વર્મા, મહેશ ભટ્ટ કૅમ્પ બધા જ કામ કરી ચૂક્યા છે ત્યારે અન્ય લોકો પણ કેમ રહી જાય? એમ છતા પણ એક ખાસ વાત રિમાર્ક કરેલી છે કે હોલીવુડની આ બાબતે માસ્ટરી રહી છે. ’ઇવીલ ડેડ ફિલ્મ જોતા લોકોને હાર્ટ ઍટેક આવી ગયા હતા એવી વાતો બચપણમાં સાંભળી હતી અને એડલ્ટ મુવી હોવા છતા છાનામાના અમે જોવા ઘૂસેલા. ડર તો ખાસ ન લાગ્યો પણ જ્યારે ભારતની હોરર ફિલ્મ્સ જોઈ ત્યારે કંપેરીઝન તો થઈ જ શકી કે શું સારુ અને શું ખરાબ! રામસે બ્રધર્સના ભૂતોને તો કૉમેડીની જેમ જ માણ્યા છે. આવો જ એક વધારાનો પ્રયત્ન એટલે ’૩જી. ભૂતની વાત પણ મોડર્ન સ્ટાઇલમાં. અન્ય ભૂતની ફિલ્મ્સની જેમ આ ફિલ્મમાં સાવ લોજિક વગરની વાતો નથી તો પણ એવું લખવું પડે છે કે ભૂતની ફિલ્મ બનાવતા હોલીવુડ વાળાને જ આવડે આપણને ન આવડે!



        નીલ નિતીન મુકેશ અને બદલાવેલા નામમાં કહીએ તો નૈલ માટે આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. આપણી નીલ જ કહીશું. આ પ્રોજેક્ટ માટે સાંભળવામાં આવ્યું છે કે નીલે બે ફિલ્મ્સ પડતી મુકી. નીલ માટે આ ફિલ્મમાં કામ કરવું એટલાં માટે મહત્વનું હતું કે આ ફિલ્મમાં એક જ પાત્રમાં બે પાત્રો ભજવવાના હતા. આ રીતે જ સોનલ ચૌહાણ માટે પણ આ પ્રોજેક્ટ મહત્વાકાંક્ષી હતો. પહેલીવાર સોનલ ચૌહાણ નામ સાંભળો એટલે એવી માન્યતા થાય કે ગુજરાતી કુડી હશે પણ સોનલ ઉત્તરપ્રદેશથી છે. સોનલના પપ્પા પોલીસ ઇન્સ્પેક્ટર છે. સોનલ જે પ્રકારના કપડા પહેરે છે એ જોતા પ્રશ્ન થશે કે સોનલના પપ્પા એને કંઈ નહીં કહેતા હોય? સોનલે કેરિયરની શરૂઆત હ્રિમેશ રેશમિયા સાથે કરેલી ’આપકા શુરુરથી કરેલી. સોનલ સાથે ફિલ્મી ઢબે જ ફિલ્મમાં જોરશોરનો પ્રવેશ થયો છે.  કુણાલ દેશમુખ સોનલને એક રેસ્ટોરન્ટમાં જોઈને એનો નંબર માગ્યો અને માત્ર એક અઠવાડિયામાં સોનલને ઇમરાન હાસમી સામે ’જન્નત મળી. આ પછી એકલ દોકલ તામીલ અને કન્નડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. સોનલ કોમર્સિયલ એડમાં ઘણી જગ્યાએ જોવા મળી છે જેમ કે ’હીરો હોન્ડા પેશન, ’નોકીયા, ’હિન્દુસ્તાન ટાઇમ્સ, ’પોન્ડ્સ વગેરે. જો કે અહીં ’૩જીમાં તો સોનલને ભાગે બીકીની કે ચડ્ડી પહેરીને ફરવું, એક બે ગીત ગાવા અને હીરો સાથે ફર્યા રાખવાથી વધારે કોઈ કામ નહોતું. સોનલ કદાચ અંગપ્રદર્શનને લીધે સફળ થશે એવું માનતી હોય તો ખોટી માન્યતા છે. શરીર સાથે એક્ટીંગ પણ એટલી જ મહત્વની છે. તમને ’અપહરણ ફિલ્મ યાદ હોય તો તેમાં આઇટમ સોંગ કરી ચૂકેલી મ્રિણાલીની શર્માને નાનકડો રોલ આ ફિલ્મમાં આપવામાં આવ્યો છે. મ્રિણાલીનીને પણ અંગપ્રદર્શનમાં બહુ જાજો છોછ નથી અને વળી આ પહેલાની એની ફિલ્મ્સ જેવી કે ’આવારાપન, ’હાઇડ & સીક, ’જોડી બ્રેકર્સ જેવી ન જાણીતી ફિલ્મ્સમાં નાના પાત્રો કરી ચૂકી છે. ’૩જીમાં રહસ્યના મૂળ તરીકે આ પાત્ર છે પણ વધુ કામ ભાગે ન આવેલુ હોવાથી બહુ ખરાબ કે સારુ કંઈ જ કહી શકાય નહીં. 



         ફિલ્મમાં કાસ્ટિંગ થયા પછી સોનલે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે ’ આ ફિલ્મની કંપેરીઝન કરવી હોય તો સારામાં સારી હોરર ફિલ્મ સાથે થઈ શકે અને એ પણ હોલીવુડ ફિલ્મ્સ જેવી કે ’સીક્સ્થ સેન્સ, ’વોટ લાઇઝ બીનેથ, કે પછીએ ’ધ ઓમેન. બહેન આવું બોલી તો ગયા અને કદાચ બોલવું પણ પડે! ફિલ્મ આ એક પણ ફિલ્મ્સની કંપેરની છે જ નહીં. ’૩જીમાટે એટલું તો કહી જ શકાય કે અન્ય હોરર ફિલ્મ્સની જેમ ખોટા વેવલા વેડા, ક્રોસ, માતાજી, ભગવાન, પાદરી કે કોઈ પણના સહારાથી ભૂતને ભગાવવું જેવી કોઈ ચીલ્લાચાલુ વાર્તા નથી કે નથી કોઈ પુનર્જનમની વાતો. ફિલ્મની વાર્તા ચોક્કસ પણે નવી છે. ફિલ્મને ખરા અર્થમાં ૩જી ટેક્નોલૉજી સાથે જોડવામાં આવી છે. ફિલ્મમાં મૂળ સુધી પહોંચવા માટે કરાતું ચેઝીંગ પ્રીડીક્ટેડ છે. નીલની એક્ટીંગ ખૂબ જ સરસ છે. નીલ પાસે એક્ટીંગ કેપેસીટી તો છે જ. ’સાત ખૂન માફમાં નીલે કરેલુ કામ ઓલ ટાઇમ ફેવરીટમાં છે. જો હોરર ફિલ્મ્સના તમે શોખીન હો તો તમારા માટે આ ફિલ્મ જોવું જ રહ્યું કેમ કે ત્રીશૂલ, ક્રોસ, માતાજીની ચૂંદડી જેવા વેવલા વેડાથી ભૂતને ભગાડવા કે પછી કોઈ પાદરી, કોઈ તાંત્રિક, કોઈ સ્મશાનનું રખોપું કરતું પાત્ર જેવા લોકોની મદદ નથી લેવામાં આવી. ડિરેક્ટર્સ માટે ’૩જીમાં ફોન એ એક સબ્જેક્ટ છે. ડિરેક્ટર્સ આ ફોનને વફાદારીથી ચોંટી રહ્યા છે. ફિલ્મનું મ્યુઝિક મીથુનનું છે. એકંદરે આધુનિક યુવા વર્ગને ગમે તેવું છે. મીથુનનું માત્ર એક જ સર્જન ’મર્ડરનું મ્યુઝિક એની કેરિયર માટે કાફી છે. જો કે આ પછી ’લમ્હા, ’અગર, ’અનવર જેવી ફિલ્મ્સમાં મ્યુઝિક આપ્યું છે પણ એકાદ બે ગીત સિવાય બીજું કંઈ ખાસ આપી શક્યો નથી. 




        ડિરેક્ટર્સ માટે તેમની આ પ્રથમ ફિલ્મ હતી. પ્રથમ ફિલ્મમાં જ જ્યારે ડિરેક્ટર્સ હોરર ફિલ્મ પસંદ કરે ત્યારે એમની હિંમતને દાદ આપવી પડે. હોરર ફિલ્મ સાથે મોટાભાગે સેન્સરનું ’એ સર્ટીફીકેટ લટકામાં આવવાનું જ છે. આ ઉપરાંત ફિલ્મ વિશાળ વર્ગને અપીલ ન જ કરી શકે. હોરર ઝોનરના દર્શકો ભારતમાં ખૂબ ઓછા છે. શાહરુખને ૪૫ વર્ષે પણ રોમાન્સ કરતો દેખાડી પ્રોડ્યુસર્સ કમાણી કરી શકે છે ત્યારે પોતાના ઓડિયન્સની સંખ્યા લીમીટેડ રાખીને ફિલ્મ બનાવવાની હિંમત તો વખાણવી જ પડે. આ ફિલ્મના ડિરેક્ટર્સ શીર્ષક આનંદ અને શાંતનુ રેય બંને સારા મિત્રો છે. આ પહેલા બંને સાથે મળીને ’આ દેખે જરા અને ’ટેબલ નં ૨૧ ની સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખી ચૂક્યા છે. બંને એકબીજાની કેમિસ્ટ્રીથી પરિચિત હોવાથી ’૩જી પણ સાથે મળીને જ ડિરેક્ટ કરવાનું નક્કી કરી ચૂક્યા હતા. સુનીલ લુલ્લા અને વીકી રાજાણી બંને પ્રોડ્યુસર્સ ફિલ્મ બનાવવા રાજી થયા એટલે ડિરેક્ટર્સને પ્રયોગ કરવાનો મોકો મળ્યો. પ્રથમ પ્રયત્નના પ્રમાણમાં ખૂબ જ સારો પ્રયત્ન એવું તો કહેવું જ પડે. ફિલ્મ માટે ચડાણ તો કપરાં છે જ. આ અઠવાડિયે ’જોલી એલ.એલ.બી અને ’મેરે ડેડ કી મારૂતી પણ આ ફિલ્મ સાથે જ રીલીઝ થઈ છે. બોમન ઇરાની અને અર્શદ વારસીની કૉમેડી સામે હોરર ફિલ્મ સફળ જશે કે કેમ એ પ્રશ્ન છે. સ્ટાર આપવાની વાત કરીએ તો નવા આધુનિક હોરર કથાનક માટે ૩સ્ટાર આપી શકાય.






પેકઅપ:

"કેવી ખરાબ રીત છે આ સમાજની. જમવા માટે તો ’ચાલો જમવા આરામથી કહીએ છીએ પણ સૂતા હોય તો ’ચાલો સુવા એક છોકરીને કહ્યું તો માર ખાવો પડ્યો..."