Friday, 29 May 2015

વેલકમ ટુ કરાચી: કૉમેડીના નામે મજાક





           આમ જોઈએ તો ફિલ્મ બનાવવી એ જ અઘરો વિષય છે પણ ફિલ્મના વિવિધ ઝોનરમાં સૌથી અઘરું ઝોનર હોય તો કૉમેડી કેમ કે કૉમેડી માટે સારી સ્ક્રીપ્ટ, સારા ડાયલૉગ્ઝ, સારા આર્ટિસ્ટ્સ અને શ્રેષ્ઠ ટાઇમીંગ બધું જ સાથે હોય તો અને તો જ એક સારી ફિલ્મ બની શકે. કદાચ એવું બને કે આમાંથી એકાદ કે બે પાસા નબળા હોય તો પણ ચાલે એવી ફિલ્મ બની શકે પણ જો આખી ફિલ્મ પાસે એક જ સારો આર્ટિસ્ટ હોય તો ફિલ્મને કેમ ખેંચી શકાય? યાર ભગનાની સાહેબ સાવ આવી કૉમેડીના નામે દર્શકોની મજાક થોડી ઉડાડાતી હશે....


            આશિશ આર. મોહન માત્ર ૧૭ વર્ષની ઉમરે જ હિમાચલ છોડીને મુંબઈ આવેલા આશિશને નસીબ જોગે પહેલો જ પરિચય અનીલ દેવગણ સાથે થયો અને અજય દેવગણ અભિનીત ’બ્લેકમેઇલ’માં આસિસ્ટન્ટશીપ કરવા મળી. નસીબ જ્યારે સાથ આપે ત્યારે દરેક વાત પોઝીટીવ થતી જતી હોય છે, આમ જ એ સેટ પર જ તેની મુલાકાત રોહિત શેટ્ટી સાથે થઈ. રોહિતને મળતા સાથે જ તેણે રોહિત સાથે આસિસ્ટન્ટશીપ શરૂ કરી. અશિશે રોહિતને ’ગોલમાલ’, ’ગોલમાલ રિટર્ન’, ’ઓલ ધ બેસ્ટ’, ’ગોલમાલ ૩’માં આસિસ્ટ કર્યા. આશિશને લાગ્યું કે તે હવે કૉમેડી ફિલ્મ જરૂર ડિરેક્ટ કરી શકશે એટલે તેમની પહેલી જ ફિલ્મ અક્ષય કુમાર સાથે ’ખીલાડી 786' પોતાના ડિરેક્શનમાં કરી. ફિલ્મ ખાસ કમાણી કરી શકી નહીં પણ આશિશ ડિરેક્ટર બની ગયા.  હવે એમનું ડિરેક્શન કેવું છે એ જોવા માટે તો તમે ફિલ્મ જોતા જ નહીં કેમ કે ટાઇમીંગ નામે આ ફિલ્મમાં કંઈ જ નથી. મને તો લાગે છે કે આગલી ફિલ્મના તેમના ડિરેક્શનને પ્રોડ્યૂસર્સ તરફથી ખાસ ઓબઝર્વ કરવામાં આવ્યું હશે અને કદાચ આ કારણોથી જ આશિશને ૨૦૧૨ પછી ૨૦૧૫ સુધી રાહ જોવી પડી હશે...


            કોણ જાણે કેમ પણ ફિલ્મ ખૂબ જ હેરાનગતીના અંતે પૂરી થઈ શકી છે. ઑક્ટોબર ૨૦૧૪માં ફિલ્મનો મહુરત શોટ લેવામાં આવ્યો હતો અને એ સમયે લીડ અર્શદ વારસી સાથે ઇરફાન ખાન કરવાના હતા. મહુરત વખતે જ અર્શદે કહ્યું હતું કે ’’એક હીટ ફિલ્મ માટે બે સારા કલાકારથી વધારે શું જોઈએ?". ફિલ્મને યુ.કે. અને સ્કૉટલેન્ડમાં શૂટ કરવાનું નક્કી કરવામાં આવ્યું. પહેલે જ અઠવાડિયે ખબર પડી કે ઇરફાન ફિલ્મ છોડીને જતા રહ્યા છે. ઇરફાનનું ફિલ્મ માંથી હટવાનું કારણ ઇરફાને સજ્જતા દાખવીને આપ્યું નહીં. ઇરફાનની જગ્યા પર પ્રોડ્યૂસર વાસુ ભગનાનીના પુત્ર જેક્કીને લેવામાં આવ્યો. શૂટ શરૂ તો થયું પણ ફરી અટકી ગયું. વાસુ ભગનાની દ્વારા સમાચાર આપવામાં આવ્યા કે તેમના કરોડો રૂપિયાના ફિલ્મ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ચોરી થઈ ગયા અને શૂટ અટકી ગયું છે પણ ખણખોદિયા ફિલ્મ પત્રકારોએ શોધી કાઢ્યું કે ખરેખર હોટેલનું પેમેન્ટ ન કર્યું હોવાથી બધા જ ઇન્સ્ટ્રુમૅન્ટ હોટેલ મેનેજ્મેન્ટ કબ્જે કરી ચૂક્યું હતું. આ ઉપરાંત કોઈ પણ કલાકારને હોટેલ છોડવાની મંજૂરી પણ નહોતી. ગમે તેમ કરીને વાસુ ભગનાનીએ પેમેન્ટ તો કર્યું પણ કાસ્ટ અને કૃ ૧૦ દિવસ સુધી હોટેલમાં જ નજર કેદ રહ્યા! આટલું પૂરતું નહોતું ત્યાં એક નવી મુસીબત આવી કે સ્કૉટલેન્ડ મીલ્ટ્રી સાચા તાલીબાની માનીને બધા આર્ટિસ્ટને પકડી ગઈ. ફરી ૪ દિવસ શૂટીંગ અટક્યું. હજુ હેરાનગતી રહી જતી હતી ત્યાં મીડિયા સામે અર્શદ વારસીએ સ્ટેટમેન્ટ આપ્યું કે "જો ઇરફાન ફિલ્મમાં હોત તો ફિલ્મનો અનુભવ જ કંઈક અલગ હોત. જેક્કી યંગ આર્ટિસ્ટ છે અને વળી અનુભવની ખામી એટલે ફિલ્મ અલગ રીતે બહાર આવશે". જો કે ટ્રેલર લોચીંગ વખતે આ વાત પરથી અર્શદ ફરી ગયો પણ ફિલ્મને અસર તો પડે જ. આટલી મુસીબત પછી પણ ફિલ્મ માટે એટલું તો કહેવું જ પડે કે ઇરફાનના ફિલ્મ છોડ્યા પછી જરૂર આ ફિલ્મની સ્ક્રીપ્ટમાં પણ ફેરફારો થયા હશે. આખી ફિલ્મમાં ક્યાંય પણ ટાઇમીંગ જેવી વાત જ ઊભી નથી થઈ શકી અને એક પણ પંચને બહાર લાવવાનું શક્ય જ નથી બન્યું. ફિલ્મ જોવાનો પણ થાક લાગે એવી હથોડા છાપ કૉમેડી એક દિવસ અગાઉ રીલીઝ કરીને કદાચ જાતે જ શુક્રવારનું ઑડિયન્સ તોડવા માંગતી હશે!!!


            કેરિયર માણસને ક્યાંથી ક્યાં લઈ જાય એ ઘણીવાર નક્કી જ નથી  થતું. ૧૭ વર્ષની ઉમરે ડોર ટુ ડોર વેચાણ કરતો સેલ્સમેન અર્શદ ડાન્સનો શોખીન હતો. તેના આ શોખે જ તેને ૧૯૮૬માં અકબર સામીના ડાન્સ ગૃપ સાથે જોડ્યો. ડાન્સમાં જ સતત રચ્યો પચ્યો રહેતો અર્શદ ઇન્ડિયા લેવલની ડાન્સ કોમ્પીટીશનમાં ચોથા નંબરે આવ્યો. ૧૯૯૨માં ’રૂપ કી રાની, ચોરો કા રાજા’ ફિલ્મના ટાઇટલ ટ્રેકને કોરિયોગ્રાફ કરવાનો તેને મોકો મળ્યો. એક્ટીંગ માટે ક્યારેય વિચાર ન કરતા અર્શદે એ.બી.સી.એલ.ની જાહેરાત જોઈ પોતાનો બાયૉડેટા મોકલ્યો. આમ ૧૯૯૬માં તેને પહેલી ફિલ્મ ’તેરે મેરે સપને’ કરી. આ પછી તેને ફિલ્મ્સ મળતી રહી પણ ’મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ના સર્કિટને તો લોકો પ્રેમ કરવા લાગ્યા અને એ પછી ’ઇશ્કિંયા’નો બબ્બન પણ લોકોના હ્રદયમાં વસી ગયો. કૉમેડીની વાત આવે તો અર્શદનો જોટો શોધવો મુશ્કેલ છે પણ અહીં સાચે જ એક વાત સમજમાં આવી કે અર્શદ એક કો-સ્ટાર તરીકે ખૂબ સારુ કામ કરી શકે છે પણ જો સાથેનો સ્ટાર મજબૂત હોય તો જ. સર્કિટ એટલે જ લોકોને ગમ્યો કેમ કે સામે સંજય દત્ત એટલી જ મહેનત સાથે પંચ આપી અને ઉપાડી શકતો.  અર્શદ સાથે સેકન્ડ લીડમાં જેક્કી છે. જેક્કીની જો કોઈ ખૂબી હોય તો એ કે તેના પિતા પ્રોડ્યૂસર છે.  જેક્કી આ પહેલા પાંચ ફિલ્મ કરી ચૂક્યો છે પણ એમાં એક જ ખૂબી છે કે વાસુ ભગનાનીનો પુત્ર. ગુજરાતી માણસ તરીકે બતાવવામાં આવેલા જેક્કીને જોઈને જેમ સુજ્ઞ પ્રેક્ષકોને દિશા વાંકાણી તરફ દયા આવે એ રીતે જે તેના પર આવે છે. જેક્કીને ડાયલૉગ પણ દિશાની સ્ટાઇલથી જ બોલાવવામાં આવ્યા છે અને જે હસાવવાને બદલે ખૂંચે છે. હીરોઇન તરીકે સ્કૉટલેન્ડની ડાન્સર લોરેન છે. લોરેન ભલે સ્કૉટલેન્ડથી છે પણ હિન્દી ઇન્ડસ્ટ્રી સાથે તેનો નાતો સારો એવો રહ્યો છે. આ પહેલા તે ’એબીસીડી’ અને ’ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’માં નાના નાના રોલ પણ કરી ચૂકી છે બાકી ઘણા ડાન્સ ડિરેક્ટર્સ સાથે કામ કરી ચૂકી છે. ફિલ્મમાં તેને આપવામાં આવેલો એક માત્ર ડાન્સ સારી રીતે કર્યો છે પણ સામે મ્યુઝિક એટલું જ ખરાબ છે કે ગીત યાદગાર નહીં જ બની શકે. દિલીપ તાહિલ જેવા વર્ષોના અનુભવી કલાકાર પણ એટલાં જ ખરાબ લાગે છે જેટલું ફિલ્મ....


            ફિલ્મને થોડી ઘણી પણ રોચક બનાવવા કૌશલ બક્ષી, આશિશ મોહન સાથે અર્શદ વારસીએ પણ મહેનત કરી છે. મારા સારા મિત્ર વ્રજેશ હીરજીએ ફિલ્મ લખી છે પણ તેની ઓરીજીનલ વાર્તા અને ફિલ્મ વચ્ચે ખૂબ મોટો તફાવત છે માટે વ્રજેશને કંઈ કહેવું યોગ્ય નથી. સંગીત જીત ગાંગુલી, કે.કે. અને અમજદ નદીમનું છે. સિનેમેટોગ્રાફી માર્ક ન્યુટ્કીન્સની છે અને જે જોઈને તમને થશે કે જો ફોરેનના સિનેમેટોગ્રાફરને લીધો હોય અને છતા દ્ગશ્યો આઉટ ફોકસ જતા હોય તો શા માટે આવી મહેનત કરવી? પ્રોડક્શન કંપની તરીકે પૂજા એન્ટરટેઇન્મેન્ટને ક્રેડિટ આપવામાં આવી છે અને એ.એ. ફિલ્મ્સ ફિલ્મને ડીસ્ટ્રીબ્યૂટ કરી રહી છે. ફિલ્મને માત્ર અર્શદ વારસી માટે જ ૧.૫ સ્ટાર આપી શકાય....




પેકઅપ:
"આ ફિલ્મમાં શ્રેષ્ઠત્તમ અભિનય આપ્યો છે"-જેક્કી ભગનાની.... આવું સ્ટેટમેન્ટ ન કરાય જેક્કી ભાઈ કોઈ કાસ્ટ જ નહીં કરે.....

Thursday, 21 May 2015

તનુ વેડ્સ મનુ રીટર્ન્સ: મજબૂત સિક્વલ







           ફિલ્મનો એક ભાગ હીટ જાય એટલે બીજા ભાગની તૈયારી થવા જ લાગે પણ ભાગ્યે જ એવું બનતું હોય કે બીજો ભાગ જોવા લાયક હોય! અને એમાં પણ જો પહેલા ભાગથી બીજો ભાગ ચળિયાતો હોય તો કહેવું જ શું? સિક્વલ બનાવવા માટે સૌથી પહેલા તો ખૂબ સારી વાર્તા જોઈએ અને એ પણ એવી કે લોકોને એમ લાગે કે હાં ધરાર સિક્વલ બનાવવામાં નથી આવી. હિંમાશુ શર્માને દાદ આપવી પડે કે પહેલા ભાગ કરતા મુઠ્ઠી ઊંચુ ફિલ્મ લખવામાં સફળતા મેળવી અને એક મજબૂત સિક્વલ આપી શક્યા...


            આનંદ એસ. રાય એટલે ડિરેક્ટર રવિ રાયના ભાઈ. કોમ્પ્યૂટર એન્જિનિયર હોવા છતા તેમનું ધ્યેય હતું એટલે રવિ રાયને તેમની સિરિયલમાં આસિસ્ટ કરવા મુંબઈ આવી ગયા. આ પછી તેમણે એક બે સિરિયલ પણ ડિરેક્ટ કરી પણ ધ્યેય ફિલ્મ હોવાથી ૨૦૦૭માં ’સ્ટ્રેન્જર’ ફિલ્મ ડિરેક્ટ કર્યું. જેની નોંધ ન લેવાણી. આ પછી ૨૦૦૮માં ’થોડી લાઇફ થોડા મેજિક’ ડિરેક્ટ કરી, એ પણ ન ચાલી. ૨૦૧૧માં ’તનુ વેડ્સ મનુ’ ખૂબ સારી ચાલી અને એ સાથે તેમનું સ્થાન નિશ્ચિત થઈ ગયું. આ પછીની તેમની ફિલ્મ ’રાંઝણા’ સાથે તો આનંદ રાયનું નામ સારા ડિરેક્ટર્સમાં આવવા લાગ્યું. પહેલો ભાગ હીટ હતો અને ડિરેક્શન પણ સારુ જ હતું તો પણ બીજા ભાગ માટે  એમ કહેવું પડે કે શ્રેષ્ઠ ડિરેક્શન. એવી ઘણી બધી ઘટનાઓ છે જ્યાં ઇચ્છે તો ડિરેક્ટર સહેલાઇથી દ્ગશ્ય દેખાડી અને જતું કરી શકે પણ ફિલ્મના એક પણ દ્ગશ્યમાં કૉમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવ્યું. એક એક રીએક્શન પણ એટલી જ ખૂબી સાથે લેવામાં આવ્યું છે. આનંદ રાય આ ફિલ્મ સાથે નક્કી પૂરતી ક્રેડિટ કમાશે જ....


            કંગના રનૌત ભલે ગમે તેવી સાયકો બિહેવીયર કરતી હોય પણ એક્ટીંગની વાત આવે ત્યારે કંગનાના વખાણ જ કરવા પડે. કંગના ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેને અંગ્રેજી બોલતા નહોતું આવડતું. ઘણા અખબારોમાં કંગના વિષે ઘણું નેગેટિવ લખાતું હતું, જેની અસર કંગના પર થતી. વિચિત્ર વર્તન દ્વારા સતત સમાચારમાં રહેતી કંગના માટે લોકોના માનસમાં એવી જ છાપ હતી કે માત્ર પોતાની જાતને હાઇલાઇટ કરવા આવું વર્તન કરે છે અને કંગનાને એક્ટીંગ આવડતી જ નથી. આ વાતનો જવાબ આપતા ૨૦૦૬ની પહેલી ફિલ્મ ’ગૅંગ્સ્ટર’થી શરૂ કરીને છેક ૨૦૧૧ની ’તનુ વેડ્સ મનુ’ સુધીની સફર ખેડવી પડી! અને ૨૦૧૪ની ’ક્વિન’ પછી તો તેણે લોકોની બોલતી બંધ કરી દીધી. આ ફિલ્મમાં હરિયાણવી ભાષામાં કંગનાને બોલતી જોવી એ એક લહાવો છે. સૌથી નોંધવા લાયક વાત એ છે કે કંગના ડબલ રોલમાં છે અને એક મીનીટ માટે પણ તમને એમ નહીં જ લાગે કે આ એક જ હીરોઇન છે જે બે રોલ કરી રહી છે.  આર. માધવન પણ સતત મહેનત કરતો કલાકાર છે. ટેલિવિઝન એડથી પોતાની કેરિયર શરૂ કરનાર માધવનની પહેલી ફિલ્મ ૧૯૯૬માં ’ઇસ રાત કી સુબહા નહીં હોગી’ હતી. આ પછી હિન્દી ઉપરાંત તામિલ અને અંગ્રેજી ફિલ્મ્સ પણ કરી. માધવનની સૌથી મોટી ખૂબી એ છે કે એ હંમેશા અંડર એક્ટ કરે છે જે તેને અન્ય કલાકારોથી અલગ પાડે છે. જીમ્મી શેરગીલ રાજા અવસ્થીના પાત્રમાં છે. લોકોને યાદ નહીં હોય પણ જીમ્મીની કેરિયરની પહેલી ફિલ્મ ૧૯૯૬માં ગુલઝાર સાહેબની ’માચીસ’ હતી. જીમ્મીને આ પછી સતત ફિલ્મ્સ મળતી રહી છે. હિન્દી ઉપરાંત તે પંજાબી ફિલ્મ્સનો પણ માનીતો અને જાણીતો કલાકાર રહ્યો છે....


            આ મુખ્ય કલાકારો ઉપરાંત પણ બધા આર્ટિસ્ટ્સ ખૂબ સારી રીતે સિલેક્ટ કરવામાં આવ્યા છે. પપ્પી તરીકે દીપક ડોબ્રીયાલ છે. દીપક મૂળભૂત રીતે ડ્રામા આર્ટિસ્ટ છે. ટીપીકલ દેખાવને લીધે તેને સારા સારા ડિરેક્ટર્સ તરફથી સ્પેસિયલ રોલ મળતા જ રહ્યા છે. જસ્સી તરીકે એઝાઝ ખાન છે. એઝાઝ પણ ૧૯૯૯થી ફિલ્મ સાથે જોડાયેલ છે પણ તેની ખાસ નોંધ લેવાય તેવું કોઈ પાત્ર હજુ સુધી મળ્યું નથી. પાયલ રાઠોર તરીકે સ્વરા ભાસ્કર છે. આ સુંદર કન્યા લીડને લાયક છે પણ તેને સપોર્ટીંગ રોલ્સ જ મળ્યા છે અને જે તેણે પૂરી ઈમાનદારી પૂર્વક નિભાવ્યા છે. ચિન્ટુ તરીકે ઝીશાન અયૂબ છે. ઝીશાન એક પછી એક રોલમાં પોતાની ઓળખ વધારતો જ જાય છે. બહુ જ ટૂંકા સમયમાં ઝીશાન જાણીતું નામ બનશે એ નક્કી છે. તનુના પિતાના પાત્રમાં રાજેન્દ્ર ગુપ્તા અને માતાના પાત્રમાં નવની પરિહાર છે. વર્ષોના અનુભવી કે.કે. રૈના મનુના પિતાની ભૂમિકા ભજવે છે. તનુંનું બીજુ પાત્ર એટલે દત્તો અને દત્તોના ભાઈની ભૂમિકામાં રાજેશ શર્મા છે...


            પહેલો ભાગ સફળ થયાના એક મહિના પછી જ બીજો ભાગ ડિક્લેર કરવામાં આવ્યો હતો. એ સમયે ફિલ્મનું ટાઇટલ ’તનુ વેડ્સ મનુ-સિઝન 2’ નક્કી કરવામાં આવ્યું હતું પણ સમય જતા જ્યારે લોંચ થઈ ત્યારે ’તનુ વેડ્સ મનુ રીટર્ન્સ’ થઈ ગયું. એક વાત એવી પણ સાંભળવા મળી હતી કે આર. માધવનની જગ્યાએ શહીદ કપૂરને લેવામાં આવશે. આમ તો ફિલ્મ તરત જ બનાવવાની હતી પણ આનંદ રાય ’રાંઝણા’ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા એટલે પ્રોજેક્ટ પાછળ ઠેલાય ગયો. આ સમય દરમિયાન એવી વાત સાંભળવા મળી કે સિક્વલમાં ઇમરાન ખાન અને અનુષ્કા વર્મા મુખ્ય પાત્રો ભજવશે પણ છેલ્લે એ જ પાત્રો સાથે ઑક્ટોબર ૨૦૧૪માં ફિલ્મ શરૂ કરવામાં આવી. લોંચ થતા સાથે જ ફિલ્મને વિવાદમાં સપડાવું પડ્યું. જૂના પ્રોડ્યૂસર્સ તરફથી દાવો માંડવામાં આવ્યો કે તેમની મંજૂરી વિના બીજો ભાગ ડિરેક્ટર ન બનાવી શકે પણ કોર્ટ તરફથી આનંદ રાયનો જવાબ ગ્રાહ્ય રાખવામાં આવ્યો કે તેમણે કોઈ એવો એગ્રીમેન્ટ સાઇન નથી કર્યો કે તે બીજો ભાગ ન બનાવી શકે...


            પતિ અને પત્નીના સંબંધો એક સમય પછી એક બીજાને બોજ લાગવા લાગે છે. માધવન અને કંગનાના મેન્ટલ હોસ્પિટલના ઝગડાથી શરૂ થયેલી ફિલ્મ એટલી સરળતાથી આગળ વધે છે કે તમને સતત ગમતી જ રહેશે. પતિને એમ લાગે છે કે પત્ની તેને ત્રાસ આપે છે અને પત્નીને એમ લાગે છે કે પતિ તેને ત્રાસ આપે છે. પતિને મેન્ટલ હોસ્પિટલમાં છોડીને પત્ની કાનપુર આવી જાય છે. માધવનને દીપક છોડાવી દેશ પરત લાવે છે. માધવનનો પરિચર દત્તો એટલે કે બીજી કંગના સાથે થાય છે. નસીબ ખરાબ કે દત્તો માટે તેના ભાભીએ જોઈ રાખેલો છોકરો એટલે જીમ્મી શેરગીલ જ છે જે પહેલા ભાગમાં કંગના સાથે લગ્ન કરવાનો હતો. આ બધી જ લમણાઝીંક વચ્ચે ઘણા પાત્રો પોત પોતાનો રોલ ભજવે છે. અંત પર આવતા ફિલ્મ ઇમોશનલ થઈ જાય છે. કંગનાને ખબર પડે છે કે દત્તો સાથે માધવન લગ્ન કરી રહ્યો છે ત્યારે સત્યનો પરિચય થાય છે અને એ પછીની તેની માનસિક હાલત એટલે ફિલ્મનો શ્રેષ્ઠ ભાગ. એક એક દ્ગશ્ય વચ્ચે આવતી કૉમેડી હોય કે પછી ઇમોશનલ દ્ગશ્ય હોય ખૂબ માવજત સાથે કૅમેરામાં ઝીલવામાં આવ્યા છે. ફિલ્મને દરેક એંગલથી માણી શકાય એવી ફિલ્મ બની શકી છે...


            કિશોર લુલ્લા અને આનંદ રાય બંને પ્રોડ્યૂસર્સ છે. પ્રોડક્શન કંપનીની ક્રેડિટ કલર યલ્લો પીક્ચર્સને આપવામાં આવી છે. ગીતો તનીષ્ક-વાયુએ કંપોઝ કર્યા છે. ઇરોઝે ફિલ્મ ડીસ્ટ્રીબ્યૂટ કરી છે. ફિલ્મની સૌથી મોટી ક્રેડિટ જો કોઈ પણને આપવી હોય તો હિંમાશુ શર્માને આપવી પડે. ફિલ્મના દ્ગશ્યો તો શ્રેષ્ઠ લખ્યા જ છે પણ સંવાદો તો એક થી એક ચડે એવા છે. ફિલ્મને કંજૂસાઈ સાથે સ્ટાર આપવાનાં હોય તો પણ ૪ સ્ટાર આપવા જ પડે...



પેકઅપ:

"વાળ કપાવતી વખતે મારા વાણંદે પૂછ્યું કે ’સાહેબ ટૂંકા કરી દઉં?" મેં જવાબ આપ્યો કે "લાંબા તો નથી જ કરી શકવાનો તો ટૂંકા જ કરી દે"

Friday, 15 May 2015

બોમ્બૅ વેલ્વેટ: કોટન જેવી રાહત પણ ન મળી!





               તમે જે ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોતા હો અને આ આતુરતાના અંતે તમને ફિલ્મ જોવા મળે ત્યારે અપેક્ષા વધી જ જતી હોય છે અને તેમાં પણ ખાસ કરીને અનુરાગ કશ્યપ જેવા ડિરેક્ટરની ફિલ્મ હોય! ફિલ્મ હંમેશા અંગત ગમા કે અણગમા સાથે જોડાયેલ હોય છે. ઘણી વાર મને ગમતી ફિલ્મ બીજા કોઈને ન ગમે એવું પણ બની શકે માટે જ રિવ્યૂ લખતા સમયે એક ખાસ વાત ધ્યાનમાં રાખવી પડે કે કોઈ વાંચકની અંગત લાગણી દુભાય નહીં. તો આ ખૂબ આતુરતાથી રાહ જોવડાવતી ’બોમ્બૅ વેલ્વેટ’ એટલી સામાન્ય રહી કે વેલ્વેટનો લાસો અનુભવ લેવો હતો પણ કોટન જેવી રાહત પણ ન મળી...


          ભારતના શ્રેષ્ઠ ડિરેક્ટર્સમાં નામ લેવાતા અનુરાગ કશ્યપની મહેનત જરા પણ ઓછી નથી. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ૫૫ ફિલ્મ્સ જોઈને ઇમ્પ્રેસ થયેલા અનુરાગ સાયન્ટિસ્ટ બનવાનું છોડી, ૫૦૦૦ રૂપિયા ગજવામાં મૂકીને મુંબઈ આવી ગયા. મુંબઈમાં એમ કામ મળવું સહેલું ન હતું અને ૫૦૦૦ રૂ. વપરાતા પણ વાર ક્યાં લાગવાની હતી? રોડ પર, બોય્ઝ હોસ્ટેલની ટાંકી નીચે ઊંઘીને દિવસો પસાર કર્યા. ખૂબ મહેનતના અંતે પૃથ્વી થિયેટરમાં એક નાટકમાં ૫૦૦૦ રૂપિયાની નોકરી મળી પણ નસીબ ખરાબ કે ડિરેક્ટરનું અવસાન થતા એ પણ છૂટી ગઈ. અનુરાગનો સંકલ્પ હતો કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું જ છે એટલે સંનિષ્ઠ પ્રયત્નો દ્વારા સ્પોટ બોય, લાઇટમેન તરીકે પણ કામ કર્યા. અનુરાગને સૂઝ્યું કે લખવું જોઈએ અને એ માટે પણ પ્રયત્નો શરૂ કર્યા. ૧૯૯૭માં તેને ’કભી કભી’ નામની ટેલિવિઝન સિરિયલના એપીસોડ લખ્યા. આ દરમિયાન મનોજ બાજપેયી સાથે તેની સારી મિત્રતા થઈ અને મનોજે અનુરાગની ઓળખાણ રામ ગોપાલ વર્મા સાથે કરાવી, રામ ગોપાલે સૌરભ શુક્લા અને અનુરાગને ’સત્યા’ લખવા આપી. બસ પછી તો અનુરાગ એક પછી એક સારી ફિલ્મ આપવા લાગ્યા પણ તેનું ડિરેક્શનનું સ્વપ્ન તો ’લાસ્ટ ટ્રેઇન ટુ મહાકાલી’ શૉર્ટ ફિલ્મથી થઈ. અનુરાગની કોઈ પણ ફિલ્મ જોઈ લો વખાણ જ કરવા પડે. જો કે આ ફિલ્મ માટે નોંધવા લાયક વાત એ છે કે અનુરાગનું આ પહેલું કોમર્સિયલ ફિલ્મનું ડિરેક્શન કહી શકાય. અનુરાગ હટીને ફિલ્મ બનાવવા ટેવાયેલા છે પણ જો ૮૦ કરોડ જેવું અધધ બજેટ લઈને ફિલ્મ બનાવવાની વાત હોય તો અનુરાગ કશ્યપને સલાહ દેવી જ પડે કે બહુ ઓછા બજેટની તેમની ફિલ્મ્સ કોમર્સિયલ ફિલ્મ કરતા વધારે સારી બની છે...


          સ્ટ્રીટ ફાઇટર જહોની બલરાજ એટલે કે રણબીર કપૂર. ઘણીવાર એમ થાય કે રણબીરને એક્ટીંગ આવડતું નથી તો ઘણી વાર એમ થાય કે વાહ શું સરસ આર્ટિસ્ટ છે. આ પાછળનું કારણ રણબીર ડિરેક્ટરનો એક્ટર રહ્યો છે. આ વાર ખૂબ સારા ડિરેક્ટરના હાથમાં હોય ત્યારે એક્ટીંગ માટે શું કહેવું? અનુષ્કા શર્મા એટલે ફિલ્મની રોઝી. ધીમે ધીમે એક્ટીંગની દુનિયામાં પોતાની જાતને સાબિત કરતી અનુષ્કાને હું પહેલી ફિલ્મથી સારી એક્ટ્રેસ માનતો આવ્યો છું. આ ફિલ્મમાં તો અનુષ્કા એટલે ફિલ્મ જોવાનો લહાવો.  કરણ જોહર પોતે એક સારો ડિરેક્ટર હોવાથી એક્ટીંગ વિષે જાણતો હોય એ સામાન્ય વાત છે. એક ટીપીકલ પાત્ર કૈઝાદ ખંભાતા તરીકેનો તેનો રોલ પણ નબળો નથી જ પણ કોણ જાણે ડિરેક્શનના ક્યા એંગલથી રણબીર કપૂરના હાથ પર આંગળી ફેરવતો બતાવવામાં આવ્યો હશે એ સમજ ન પડી!  કરણ આ પહેલા પણ સ્ક્રીન પર આવી ચૂક્યો છે પણ કોઈ ખાસ પાત્ર તરીકે નહીં. બહુ જ નાના નાના રોલ કરીને થાકેલા કરણ માટે આ મોટો બ્રેક કહી શકાય. ફિલ્મ દરમિયાન એક એક્ટ માટે કરણ સલાહ આપવા ગયો અને એ સાથે જ અનુરાગે કહ્યું કે "તું માત્ર આ ફિલ્મમાં એક્ટર જ છો, માટે જે કહેવામાં આવે એ જ કર". કેય કેય મેનન એટલે ફિલ્મના ઇન્સ્પેક્ટર કુલકર્ણી. અનુરાગની પહેલી ફિલ્મથી શરૂ કરીને આજ સુધી જોડાયેલા કેય કેય એટલે એક્ટીંગના એક્કા જ ગણી શકાય. ફિલ્મમાં મનીષ ચૌધરી જીમ્મી મિસ્ત્રી ન્યૂઝ એડિટરના પાત્રમાં છે. મનીષ ૨૦૦૩થી ફિલ્મ કરી રહ્યા છે. તેમની એક પણ ફિલ્મ ખાસ નામ આપી શકી નથી. હવે જોઈએ આ ફિલ્મ પછી તેને શું ફાયદો થાય છે. ક્વિઝ શો શું કહેવાય તેનું જ્ઞાન આપનાર સિદ્ધાર્થ બસુ રોમી પટેલ નામના કૅરેક્ટર સાથે ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત સારા ડાન્સર અને એક્ટર એવા રેમો ફર્નાડીસ પણ પોર્ટૂગીસ વ્યક્તિના પાત્ર તરીકે છે. રણબીરના મિત્ર તરીકે સત્યદીપ મિશ્રા આ ફિલ્મ સાથે પહેલી ફિલ્મ કરી રહ્યા છે. નસીરુદ્દીન શાહના પુત્ર વિવાન ટોની નામના પાત્રમાં છે. એક એક પાત્ર માટે જાણે ખાસ મહેનત લેવામાં આવી હોય એ રીતે બધા જ પાત્રો સિલેક્ટ કરવામાં આવ્યા છે...


          જ્ઞાન પ્રકાશની બૂક ’મુંબઈ ફેબલેસ’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. વસન બાલા, અનુરાગ કશ્યપ, જ્ઞાન પ્રકાશ અને એસ. થાનકાચલમ જેવા ચાર ચાર લેખકોએ મળીને સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ પર મહેનત કરી છે. અમિત ત્રીવેદીના મ્યુઝિક માટેની મહેનતનો પણ કોઈ જવાબ જ નથી. એક એક ગીત વખતે અનુરાગ અને અમિત બંને હાજર રહેતા અને જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી એરેન્જમેન્ટ પર કામ ચાલતું જ રહેતું. બૅકગ્રાઉન્ડ સ્કોર પણ અમિતને જ સોંપવામાં આવ્યો હતો. અમુક જગ્યા પર જૂના ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરીને પાશ્વસંગીતની મઝા પણ અદભૂત કરાવી છે. રાજીવ રવિની સિનેમેટોગ્રાફી પણ અમુક કમાલના લાઇટીંગ અને એંગલ સાથે માણવા જેવી છે. ફિલ્મનું બજેટ ૮૦ કરોડનું છે ત્યારે ૧૦૦ કરોડ ક્રોસ કરવા તો રહ્યા જ અને કદાચ એટલે જ સ્ટાર ફોક્સ સ્ટુડિયોને ફિલ્મનું ડીસ્ટ્રીબ્યુશન સોંપવામાં આવ્યું. પ્રોડ્યૂસર તરીકેની ક્રેડિટ વિકાશ બહેલ અને વિક્રમાદિત્ય મોટવાણેને આપવામાં આવી છે. પ્રોડક્શન કંપની તરીકે ફેન્ટમ ફિલ્મ્સનું નામ રાખવામાં આવ્યું છે...


          ફિલ્મને ૧૯૪૯થી શરૂ કરવામાં આવી છે અને ૧૯૬૯ સુધીનો ગાળો દેખાડવામાં આવ્યો છે. જ્યારે પિરિયોડીકલ ફિલ્મ બનાવવી હોય ત્યારે સૌથી અઘરી વાત એ હોય કે ડ્રેસિંગ, આર્ટ ડિરેક્શન, પ્રૉપર્ટી, એસેસરીઝ બધું જ એ સમય કાળનું જોઈએ નહિતર દર્શકો તરત જ પકડી પાડે. ફિલ્મમાં સિગારેટ સળગાવવા માટે વાપરવામાં આવેલી માચીસ હોય કે પછી રોડ પરનું પાસિંગ કરતી કાર હોય તમે ક્યાંય પણ ખાંચો નહીં કાઢી શકો. ફિલ્મની વાર્તા આમ તો લવ સ્ટોરી જ છે. ભાગલા સમયે મુંબઈ આવેલો રણબીર અને પોર્ટુગીઝ રેમો ફર્નાડીસના જાળ માંથી છટકેલ અનુષ્કા શર્માની લવ સ્ટોરી છે. એક પ્રશ્ન થાય છે કે જો માત્ર લવ સ્ટોરી જ હોય તો ફિલ્મને એક પિરિયોડમાં લઈ જવાની શું જરૂર છે? જેમ કે ’વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’ બનાવવું હોય તો હાજી મસ્તાનના સમયમાં સરવું જ પડે પણ અહિંયાં સ્ટોરી સાથે આ ટાઇમ પિરિયોડને કંઈ જ લાગતું વળગતું નથી તો પછી આટલો ખર્ચ શા માટે? મુંબઈના પરિચયમાં જે હશે તેમને ખબર હશે જ કે ’અપન કો યે માંગતા’ વાળી બોલવાની સ્ટાઇલ ખરેખર ૧૯૯૦ પછી આવી છે તો રણબીરને એ સ્ટાઇલના ડાયલૉગ આપવાનું કારણ શું? ફિલ્મના સ્ક્રીનપ્લે પર ખૂબ મહેનત લેવામાં આવી છે પણ કદાચ સ્ટોરીનું રીડિંગ બરાબર નહીં થયું હોય! અનુરાગ પાસે અપેક્ષા વધારે જ હોય ત્યારે ફિલ્મ નિરાશ કરી જાય છે. બધી જ રીતે ઉત્તમ અભિનય, ઉત્તમ આર્ટ ડિરેક્શન, ઉત્તમ સંગીત, ઉત્તમ સંવાદો વચ્ચે પણ ફિલ્મને ૨.૫ સ્ટાર જ આપી શકાય....



પેકઅપ:
"સલમાનને બે દિવસ માટે બેલ મળ્યા એ પર આલ્યા ભટ્ટને મોટું આશ્ચર્ય થયું કે ખેતી વગર સલમાન બેલનું શું કરશે?"