Friday, 27 September 2013

ધ લંચબોક્ષ: આર્ટ નામે પથ્થરો વેચાય!








         નવા ડિરેક્ટર માટે સફળ થવાનો શ્રેષ્ઠ રસ્તો હોય તો આર્ટ ફિલ્મ બનાવી લોકોની નજરમાં વસી જવું. મેઇન સ્ટ્રીમ સિનેમા કોઈ નાના વ્યક્તિનું કામ જ નથી. મેઇન સ્ટ્રીમ ફિલ્મ બનાવતી વખતે ફિલ્મની વાર્તા, લોકોને ગમે તેવા ગીત, લોકેશન, ફિલ્મનું કાસ્ટિંગ બધું જ ઉચ્ચ કક્ષાનું હોવું જરૂરી છે. આ ઉપરાંત કરોડો રૂપિયાનો ખર્ચ તો ખરો જ. મેઇન સ્ટ્રીમ સિનેમા હંમેશા માસ ઑડિયન્સ માટે બનતું હોય છે એટલે ફિલ્મનું પ્રમોશન પણ એટલાં જ રૂપિયા ખાય જાય છે. જો કે મારી પસંદગી હંમેશા આર્ટ અને સર્જનાત્મક મુવિઝ જ રહ્યા છે કેમ કે અધધ રૂપિયા નાખવા હોય તો કોઈ પણ વ્યક્તિ નો લીમીટ બજેટમાં ફિલ્મ બનાવી શકે. લીમીટેડ રીસોર્સીઝ, અદભૂત ટૅલેન્ટ અને અલ્ટીમેટ કલાનો સંગમ હોય તો આર્ટ સિનેમા છે. એક સમય હતો જ્યારે શ્યામ બેનેગલ, ગોવિંદ નિલહાની જેવા સર્જકોની ફિલ્મ જોઈને આફરીન પોકારી જવાતું. આ પછીના ગાળામાં પણ ઓછા બજેટમાં સારી ફિલ્મ્સ બની જ છે. ’ધ લંચબોક્ષ એટલે આવો જ એક પ્રયાસ. ક્રિટીક્સ પાસે વખાણ ખાસ્સા કરાવ્યા છે અને એક વર્ગ છે જે જોવા પણ ગયો છે અને ભરપૂર વખાણ પણ કર્યા છે છતા હું તો એવું જ કહીશ કે આર્ટ નામે પથ્થર વેચવાનો પ્રયાસ છે!


        રીતેશ બત્રાની આ પહેલી ફૂલ લેન્થ ફિલ્મ છે. આ પહેલા મેં રીતેશની ’ગરીબે નવાઝ કી ટેક્ષી, ’કાફે રેગ્યુલર અને ’કાયરો ત્રણેય શૉર્ટ ફિલ્મ્સ જોઈ હતી. બહુ સારી ન કહી શકાય પણ કોઈ પણ રીતે આ ત્રણ માંથી એક પણ શૉર્ટ ફિલ્મને નબળી તો ન જ કહી શકાય. રીતેશ મુંબઈની ટીફીન વ્યવસ્થા અને ટીફીનવાળાઓ પર એક ડોક્યુમેન્ટરી બનાવવા માટે રિસર્ચ કરતો હતો. આ દરમિયાનમાં એના મગજમાં એક સ્ક્રીપ્ટ આવી અને આ સ્ક્રીપ્ટ લખી એ ઘણા લોકોને મળ્યો હતો. અનુરાગ કશ્યપને મળ્યા પછી એના નસીબનું પાંદડું હટ્યું. અનુરાગ નવા લોકોને મદદ કરવામાં ક્યારેય પાછો નથી પડતો. અનુરાગના કહેવાથી જ ઘણી બધી ફિલ્મ કંપની સાથે જોડાણી. ધર્મા પ્રોડક્શન, યુટીવી સાથે જો નામ ગણો તો લગભગ ૧૫ જેટલા બીજા પ્રોડ્યુસર્સ અને કો-પ્રોડ્યુસર્સ છે. યુટીવી જ્યારે હાથ પકડે ત્યારે ફિલ્મનું રીલીઝ તો નક્કી જ હોય અને એમાં પણ હું જ્યારે રીવ્યુ લખી રહ્યો છું ત્યારે આ ફિલ્મનું બીજુ વીક ચાલે છે. 


        સારી ફિલ્મ બનાવવા માટે સારા કલાકારો અને સારી વાર્તા જરૂરી છે. નવાઝુદ્દીન સીદ્દીકી પહેલેથી જ નક્કી હતો. રીતેશ ઇરફાન ખાનને મળ્યો. ઇરફાનને સ્ક્રીપ્ટ ગમી અને આ ઉપરાંત રીતેશની શૉર્ટ ફિલ્મ્સ પણ. શોધ હતી એક ગૃહિણી લાગે એવી સ્ત્રીની અને એ માટે ઓડીશન ગોઠવવામાં આવ્યું હતું. નીમરત કોરનું ડ્રામા ક્ષેત્રે સારુ એવું યોગદાન છે એટલે ઓડીશનમાં નીમરત બાજી મારી ગઈ. ઇરફાન હોય કે નવાઝુદ્દીન એક્ટીંગ માટે તો બંને એક્કા જ છે એટલે ફિલ્મમાં કોઈ પણ એંગલથી ખામી હોય તો પણ પુરી શકાય. આ બંને કલાકાર એવા છે કે એમની પાસેથી ડિરેક્ટર માંગે એથી પણ ઘણું વધારે આપ્યું જ હોય. નાના પાત્રમાં પણ લીલેટ દુબેનું કામ જમાવટ વાળું જ છે. આ રીતે જ નીમરતના પતિના પાત્રમાં નકુલ વૈદ્ય ખરેખર ખૂબ જ સરસ કામ કરી ગયો છે. આમ જુઓ તો બહુ જ ઓછા પાત્રોમાં ફિલ્મ રમે છે એટલે જેને પણ હિસ્સે જેટલું પણ કામ આવ્યું છે એટલું યથાયોગ્ય યોગદાન આપ્યું જ છે. 


        ફિલ્મની સારી બાબત કહી શકાય તો ફિલ્મ જેટલાં ઓછા લોકેશનમાં શૂટ થયું છે એટલાં ઓછા લોકેશનમાં બહુ જ ઓછા મુવિઝ બન્યા હશે. એક સરકારી ઓફીસ, સરકારી ઓફીસની કેન્ટીન, નીમરતનું ઘર, ઇરફાનના ઘરની અગાસી અને બાકી ટ્રેઇન, રીક્ષા કે બસ. જ્યારે લોકેશનની ભવ્યતા ન હોય ત્યારે સિનેમેટોગ્રાફરની જવાબદારી ખૂબ વધી જાય કેમ કે દરેક વખતે એકને એક લોકેશન બતાવવું પણ અલગ અલગ રીતે તો જ ઓડિયન્સનો રસ જળવાય રહે. સિનેમેટોગ્રાફર માઇકલ સાયમન્ડ્સે આ માટે ઘણી મહેનત કરી છે. આ રીતે જ સિનેમેટોગ્રાફરે જે રીતે નીમરત કોરને દેખાડી છે એ સીધી રીતે જ અધૂરી ઇચ્છા સાથે તડપતી સ્ત્રી દેખાય આવે છે. ફિલ્મમાં રીયલ ટીફીનબોક્ષ આપવા વાળા લોકો પાસે પણ એક્ટીંગ કરાવવામાં આવી છે જો કે એ વાત અલગ છે કે સીધુ જ દેખાય આવે કે આ કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી. ફિલ્મ જોવી હોય તો એક્ટીંગ અને સિનેમેટોગ્રાફી માટે જ જોવાય બાકી સ્ટોરી કે કોઈ થીમ માટે ફિલ્મ જોવી હોય તો જોવાની હિંમત ન કરવી...


        મને એક વિચાર તો આવ્યો જ કે રીતેશે સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખતા પહેલા જરા પણ વિચાર નહીં કર્યો હોય? માની લો કે એણે લખી નાખી તો સાથે આટલાં બધા ધુરંધરો જોડાય તો એમને પણ વિચાર નહીં આવ્યો હોય કે આ વાર્તાનો આખરે હાર્દ શું? ભૂલથી ટીફીન નીમરતના પતિને બદલે ઇરફાનને મળે છે. આ ભૂલ એકવાર થયા પછી બંને વચ્ચે ચિઠ્ઠી વ્યવહાર શરૂ થાય છે. ચિઠ્ઠીની અંદર થતી વાતોની આપ-લે ને વાર્તા સાથે ઘણીવાર સ્નાનસુતક પણ ન હોય એવું લાગે. એ વાતને પણ સ્વીકારી લો કે કદાચ મુગ્ધ પ્રેમ હશે અને ગમે તેવી બકવાસ કરતા હશે તો પણ કોઈ હદ તો હોવી જોઈએ કે નહીં? સ્ક્રીનપ્લેને મજબૂત બનાવવા એક આંટી નામનું પાત્ર માત્ર અવાજ રાખીને ઉમેરવામાં આવ્યું છે. આ વાત આર્ટના નામે ચાલી શકે બાકી એક અવાજ જો સ્ક્રીનપ્લેનો ભાગ હોય તો માત્ર પહેલી ચિઠ્ઠી લખવા પ્રેરવાથી કામ પુરુ નથી થઈ જતું. હાં આ અવાજને ચોક્કસ રૂપે વજન આપવાની કોશિશ થઈ છે પણ નક્કામી! વાર્તાનો મૂળ હાર્દ શું હતો એ તમને ફિલ્મ પુરી કર્યા પછી પણ પ્રશ્ન રહેશે જ. ફિલ્મનો રન ટાઇમ માત્ર ૧૦૪ મીનીટનો છે પણ ગોકળ ગાયની ગતિ સાથે આગળ વધતી ફિલ્મ તમને પૂરતા બગાસાં ખવડાવશે. આર્ટ સિનેમાની એક ખાસિયત હોય છે કે અંત અધ્યાર મૂકી દેવાનો. ડિરેક્ટર-લેખક રીતેશે આવો પ્રયત્ન કર્યો પણ એમણે ખરા અર્થમાં આર્ટ સિનેમા જોયું હોય તો સમજાય કે અધ્યાર મૂકેલી વાતો પછી દર્શકોની કેટલી કલ્પનાઓ વહેવા લાગે છે.


        કરણ જોહર, અનુરાગ કશ્યપ અને ઘણા બીજા લોકોએ આ ફિલ્મને ઓસ્કારમાં નોમીનેટ કરવા માટે ખૂબ ધમપછાડા કર્યા પણ આખરે ’ધ રોડ ગુજરાતી ફિલ્મ જ ઓસ્કારમાં મોકલવામાં આવી. ગુજરાતી પ્રજા માટે આ એક પ્રેરણા પણ છે અને આ રીતે દર્શકો પર પ્રયોગ કરતા લોકોને એક તમાચો પણ છે. હું જાણું છું કે આ ફિલ્મને અત્યારે બીજુ વીક ચાલે છે અને આજે પણ પૂરતા પ્રમાણમાં ઑડિયન્સ મળી રહે છે. સફળતાના આંકડા જોય વગર મારો અંગત અભિપ્રાય એવો છે કે આ ફિલ્મ ૨ થી વધારે સ્ટાર્સ ડીઝર્વ નથી કરતી. ડીવીડી મળતી થઈ ગઈ હોય તો ટૉકીઝમાં જઈને ન જ જોવી... ફરી ખુલાસો કે આ મારો અભિપ્રાય છે જ્યારે મોટાભાગના ક્રીટીક્સ આ ફિલ્મને ૪ સ્ટાર આપી ચૂક્યા છે!




પેકઅપ:

"ભારત સૌથી રોમેન્ટીક દેશ છે... અહીં દરેક વરસાદની રાતે કેન્ડલ લાઈટ ડિનર હોય છે"

Friday, 20 September 2013

ફટા પોસ્ટર નીકલા હીરો: થોડો કાચો, થોડો પાક્કો



           દર અઠવાડિયે એક પછી એક ફિલ્મ રીલીઝ થાય છે અને દરેક ફિલ્મ બે કોન્સેપ્ટથી બનતી હોય છે. એક કૉન્સેપ્ટ એવો હોય છે કે ફિલ્મના મૂળને એટલે કે વિષય વસ્તુને વળગી રહો અને બીજો કૉન્સેપ્ટ એવો હોય છે કે ફિલ્મમાં ઘણો બધો મસાલો પીરસી દો. બંનેના ફાયદા અને ગેરફાયદા એટલાં જ છે. જો તમને માત્ર સરસ મઝાની પંજાબી વાનગી જ આપવામાં આવે તો તમે વાહ કહો અને ઘણીવાર અલગ અલગ વાનગીઓ એક સાથે પીરસવામાં આવે તો પણ વાહ કહો જ. હાં એ વાત ચોક્કસ છે કે સ્વાદ સારો હોવો જોઈએ પણ જો ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, મદ્રાસી બધી જ વાનગીઓને મિક્સ કરી દેવામાં આવે અને પછી તમે એકાદ કટકો એમાંથી ચાખો તો ન ભાવે. ’ફટા પોસ્ટર નીકલા હીરો આવું જ કંઈક મીક્સીંગ છે અને વળી વઘાર પણ ખાસ નથી એટલે એવું કહેવું યોગ્ય હશે કે થોડો કાચો અને થોડો પાક્કો..


        રાજકુમાર સંતોષીના ડિરેક્શનનો હું તો આશિક રહ્યો છું. ’અર્ધ સત્યમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનાર રાજકુમાર સંતોષીના નામે ઘણી એવી ફિલ્મ્સ લખાય ચૂકી છે જે ફૂટમાર્ક ગણવી પડે. ૧૯૯૦માં ’ઘાયલ ફિલ્મથી સ્વતંત્ર ડિરેક્શનની શરૂઆત કરનાર રાજકુમાર સંતોષીની સફળ ફિલ્મ્સનું લીસ્ટ ઘણું લાંબું છે. ’દામીનીમાં એમના ડિરેક્શન પછી લોકોને લાગ્યું કે મારધાર અને રાડો પાડતી ફિલ્મ્સ જ તેઓ બનાવશે પણ એમની એમના પછીની ફિલ્મ ’અંદાઝ અપના અપનાને જીવનમાં જોયેલી સારી કૉમેડી ફિલ્મ્સના લિસ્ટમાં મૂકવા જ પડે. આ રીતે જ ’ચાઇના ગેટ પણ એક એક્સ્ટ્રા ઓર્ડીનરી ફિલ્મ રહી. ’ધ લિજેન્ડ ઑફ ભગતસિંઘ, ’હલ્લા બોલ કે ’અજબ પ્રેમ કી ગજબ કહાની જેવી ફિલ્મ્સના ડિરેક્ટર રહી ચૂકેલા રાજકુમાર સંતોષી આ ફિલ્મમાં માર ખાય ગયા. એક નાની વાત પણ ન ચૂકતા રાજકુમાર સંતોષી મુકેશ તિવારીને લગાવેલી ખોટી દાઢીની નેટ દેખાય એ પણ જોવાનું ચૂકી ગયા છે!


શહીદ કપૂર એક લિજેન્ડ કલાકાર પંકજ કપૂરનો છોકરો હોવા છતા ઘણી સ્ટ્રગલ પછી આગળ આવ્યો છે જો કે એને સફળતા ફટાફટ મળી હતી. પહેલી જ ફિલ્મ ’ઇશ્ક વિશ્કમાં બેસ્ટ ડેબ્યુટ એક્ટરનો ફિલ્મફેર એવૉર્ડ જીત્યો. ’વિવાહ તો સુપર ડુપર હીટ રહી. શહીદ કપૂર માટે ઓવર એક્ટીંગ અઘરી પડતી હોય એવું આ ફિલ્મમાં મને લાગ્યું. હીરોગીરી અને ઇમોશન વચ્ચે બચારો અટવાયેલો રહે છે. ઇલેના ડીકૃઝ થોડા સમય પહેલા જ પોતાના એક્ટીંગ માટે ’બરફીમાં બેસ્ટ ડેબ્યુટ એક્ટ્રેસનો એવૉર્ડ જીત્યો હતો અને ખૂબ જ સારુ કામ કર્યું હતું પણ અહીંયાં ખાસ ઇલેનાનું પાત્ર ફિલ્મમાં ઘુસેડવામાં આવ્યું હોય એવું લાગે છે. ઇલેના ધારે તો પણ ખાસ એક્ટીંગ કરી શકી ન શકે એવી સ્ટોરી છે એટલે જે છે એનાથી જ એણે તો સંતોષ માનવાનો રહ્યો. દર્શન જરીવાલા વિશે તો શું કહું? મારા ઓલ ટાઇમ ફેવરીટ એક્ટર અને ખૂબ જ સારા મિત્ર પણ. હું બહુ ઓછા કલાકારોને જીવનમાં માન આપુ છું પણ દર્શન સર માટે હ્રદયમાં એક ખાસ સ્થાન છે. દર્શન જરીવાલા માત્ર ફિલ્મના જ નહીં પણ નાટકના પણ બાદશાહ છે. એમની સાથેની મારી વાતચીત આપ.કંટ્રોલ એસની યુટ્યુબ લીંક પર જોઈ શકશો. ફિલ્મમાં વિલનના પાત્રમાં એક ખૂબ સારા આર્ટિસ્ટ સૌરભ શુકલા પણ છે. સૌરભ શુક્લા ખૂબ સારા લેખક અને દિગ્દર્શક પણ છે. ’સત્યાના કલ્લુ મામા તરીકે પ્રખ્યાત સૌરભે ’મુદ્દા, ’ચહેરા, ’આઇ એમ ૨૪, ’રાત ગઈ બાત ગઈ અને ’પપ્પુ કાન્ટ ડાન્સ સાલા જેવી ફિલ્મ્સ ડિરેક્ટ કરી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફૂટમાર્ક ફિલ્મ ’સત્યા પણ એમણે જ લખી હતી. રાજકુમાર સંતોષી એ જ ઇન્ટ્રોડ્યુસ કરેલ મુકેશ તિવારી ખૂબ જ તગડો આર્ટિસ્ટ હોવા છતા ખાસ કામ આપી શક્યો નથી. વર્ષો પછી પદમીની કોલ્હાપુરીને મોટા પડદે જોઈ. પદમીનીના ચહેરામાં એક ખામી છે કે એ ક્યારેય ઉમર થઈ હોવા છતા ઉમર લાયક લાગી નથી અને ચહેરા પરની રેખાઓએ એમને યુવાન રહેવા દીધી નથી. સંજય મીશ્રા ફિલ્મમાં ગુરુજીની ભૂમિકામાં છે. સંજયની ફિલ્મોગ્રાફી ખૂબ લાંબી છે. આમ તો ઘણી પ્રકારના પાત્રો ભજવી ચૂક્યો છે પણ છેલ્લા કેટલાંક સમયથી કોઈ પણ કૉમેડી ફિલ્મ હોય સંજય એક જરૂરિયાત બની ગયો છે. હું એવું નથી કહેતો કે એક્ટીંગ ખરાબ હતી પણ સ્ટોરી મુજબ કોઈને ખાસ મોકો મળ્યો નથી.

        ફિલ્મની વાર્તા હીરો આસપાસ જ રહેવાની પણ લેખક રાજકુમાર સંતોષી એ ભૂલી ગયા છે કે હીરોને કૉમેડી કરાવવી, ઇમોશનલ બનાવવો, ફાઇટ કરાવવી, ડાન્સ કરાવવો, પ્રેમ કરાવવો અને ઓવર એક્ટીંગ પણ કરાવવી. હવે એક માણસ પર આટલો બધો બોજ આવી જાય તો ઓડિયન્સને પણ ગળે ન ઉતરે. ફિલ્મની વાર્તા જેમ જૂના જમાનામાં ફિલ્મ્સ આવતી એવી જ છે. એક માં સપનામાં હોય કે મારે મારા છોકરાને પોલીસ ઇન્સ્પેક્ટર બનાવવો છે અને બાળક ફિલ્મ્સના રવાડે ચડેલ હોય. પ્રીડીક્ટેડ વાત મુજબ માં મુંબઈ રોકાવા આવે એટલે એની સામે તો ઇન્સ્પેક્ટર બનીને રહેવું જ પડે એટલે એની આસપાસ કૉમેડી દ્ગશ્યો ઊભા કરી શકાય. એકાદ બે દ્ગશ્યોમાં ઊભી થતી કૉમેડી ખરેખર વખાણવા લાયક છે પણ ગમે તેમ કરીને ફિલ્મનો સમય પૂરો કરવો હોય એ રીતે ફિલ્મ સેકંડ હાફમાં ખેંચાય છે. માં-દીકરાનો પ્રેમ, બાપની અચાનક એન્ટ્રી વગેરે વગેરે કંટાળો અપાવે છે. ફિલ્મના અંતમાં પ્રિયદર્શન સ્ટાઇલ ખીચડો કરવાની કોશિશ કરી છે પણ અંત ગળે ન ઉતરે એવો રહ્યો. શહેરમાં મૂકવામાં આવેલા બૉમ્બ માટે એક કોમ્પ્યુટર અને લાલ લીલા બટનની જૂની સ્ટાઇલ મૂકવામાં આવે ત્યાં સુધી તો ચાલે પણ એક પછી એક વ્યક્તિ આવીને ટાઇમ સ્ટોપ અને સ્ટાર્ટ કરી જાય એ કૉમેડીને બદલે ટ્રેજડી લાગે છે.


        ફિલ્મનું સંગીત ખરેખર વખાણવા લાયક છે સિવાય કે નરગીશ ફક્રી પર ફિલ્માવેલુ આઇટમ સોંગ. પ્રિતમ નવી પ્રકારનું મ્યુઝિક આપે જ છે. મ્યુઝિક સારુ હોવા છતા પ્રૉબ્લેમ એ છે કે ગીતોને જે રીતે ફિલ્માવવામાં આવ્યા છે એ ડિરેક્શનની ખામી જ ગણવી પડે. સિનેમેટોગ્રાફર રવિ યાદવની સિનેમેટોગ્રાફીનો કમાલ ચોક્કસ ગીતોમાં દેખાય છે પણ જરૂર વગર ભભકો નાખી દો તો વાત બગડી જાય. ફિલ્મનું એડીટીંગ બોલીવુડના એડિટર સ્ટીવન બનાર્ડને સોંપવામાં આવ્યું છે. એમણે ઘણી મહેનત લીધી છે પણ એક દ્ગશ્યથી બીજા દ્ગશ્યનું ટ્રાન્સીસન ઇન્ડિયન સ્ટાઇલ એમને ખબર ન હોવાથી વાત બદલે ત્યારે નાના નાના જર્ક આવે છે. જો કે ટીપ્સ મ્યુઝિક ફિલ્મ્સના રમેશ તૌરાનીનું પ્રોડક્શન છે એટલે કદાચ ફિલ્મ ખોટ નહીં કરે કેમ કે ૨૫૦૦ સ્ક્રીન રીલીઝ થઈ છે. સ્ટાર આપવાની વાત આવે તો ૨ સ્ટારથી વધારે આપી શકાય એમ નથી.




પેકઅપ:

"આશારામ બાપુને સલમાને ટ્વિટર પર કહ્યું કે ’મૈને મના કીયા થા મત જાઓ જોધપુર પણ ગયા.... સલમાને રાજકુમાર સંતોષીને પણ કહેવાની જરૂર હતી કે ’ફટા પોસ્ટર નીકલા હીરો મત બનાઓ!"

Friday, 13 September 2013

ગ્રૈંડ મસ્તી: ઓડિયન્સની પ્યૉર મસ્તી





        સમય સાથે ઘણું બદલાતું રહે છે અને એ સાથે સિનેમાના સ્ટાન્ડર્ડ્સ પણ બદલાતા રહ્યા છે. એક સમય હતો જ્યારે ફિલ્મની અંદર એક શબ્દ પણ ખરાબ આવી જાય કે પછી ફિલ્મની હીરોઇન એકાદ દ્ગશ્યમાં બીકીની પહેરે તો ફિલ્મને ’એ સર્ટીફીકેટ આપી દેવામાં આવતું! ગાળોની તો ફિલ્મમાં કલ્પના જ ન થઈ શકે. ફિલ્મમાં જેમ ટેક્નિકમાં વધારો થતો ગયો, જેમ પ્રોડક્શન ખર્ચાળ થતું ગયું એમ જ ફિલ્મની કંટેઇનમાં નગ્ન દ્ગશ્યો અને ફિલ્મના સંવાદોમાં ગાળોનો વધારો થતો ગયો. જો કે બે પ્રકારના ડિરેક્ટર્સ હોય છે જે ફિલ્મના સંવાદોમાં ગાળો રાખે પણ એવી ગાળો કે જે ફિલ્મ માટે જરૂરી હોય, આ રીતે જ સારા ડિરેક્ટર્સ ફિલ્મની જરૂરિયાત મુજબ એડલ્ટ દ્ગશ્યો રાખે પણ એક વર્ગ એવો પણ પાક્યો જે માત્ર સસ્તા મનોરંજન માટે ગમે તે હદે ઊતરી શકે. જ્યાં સુધી આવી વાતો ’સી ગ્રેડની મુવિઝમાં આવતી ત્યાં સુધી સારુ હતું પણ હવે એટલી હદે સિનેમાનું પતન થયું છે કે સારી કક્ષાની કહેવાય એવી ફિલ્મ્સમાં પણ પગ પેસારો થયો છે. ’ગ્રૈંડ મસ્તી એટલે આ પ્રકારની જ અત્યંત હલકી કૉમેડી સાથે સારી ઓડિયન્સની મસ્તી

        ઇન્દર કુમાર ડિરેક્ટર તરીકે મને ક્યારેય ગમ્યા નથી પણ ઓડિયન્સની દ્રષ્ટિએ જોઈએ તો એમણે આપેલી હીટ ફિલ્મ્સ યાદ કરવી જ પડે. ઇન્દર કુમારે ૧૯૯૦માં ’દિલ ફિલ્મથી ડિરેક્શન ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. ફિલ્મ હીટ રહી અને એ પછી ’બેટા, ’રાજા, ’ઇશ્ક બધી જ ફિલ્મ્સ માર્કેટેબલ ફિલ્મ્સ રહી. ફિલ્મમાં ડિરેક્શન નામે કંઈ જ ન મળે પણ ઓડિયન્સની નાડ પારખીને બનાવેલી ઉપરની દરેક ફિલ્મ્સ બોક્ષ ઓફીસ પર સફળ રહી હતી. ’ઇશ્ક પછી એક પણ હીટ ફિલ્મ ન આપી શકેલ ઇન્દર કુમારે છેલ્લો રસ્તો ધરાર કૉમેડી જે સેક્સ અને વલ્ગારીટીના નામ પર ચાલી શકે એવી ફિલ્મ ’મસ્તી આપી. ફિલ્મને સારી તો ન જ કહી શકાય પણ ફરી એકવાર ફિલ્મ સક્સેસફૂલ રહી. મસ્તી સુધી ઇન્દર કુમારને જોવાનો મારો આખો નજરિયો જ જો ફરી ગયો હોય તો ’ધમાલ ફિલ્મમાં. જીવનની ઓછી જોયેલી ક્લાસિક કૉમેડી ફિલ્મમાં જો નંબર આપવો હોય તો ’ધમાલને આપી શકાય. જો કે એ પછીની ’ડબલ ધમાલ સાવ કચરો રહી તો પણ લાગ્યું કે ઇન્દર કુમાર કદાચ સેક્સ કે વલ્ગારીટીનો ભલે સહારો લે પણ સારુ ક્રીએશન કરવા માટે મજબૂત માણસ છે પણ ’ગ્રૈંડ મસ્તી માં તો ખરેખર હદ વટાવી છે. ડિરેક્શન નામે ફિલ્મમાં કંઈ જ નથી...

        વિવેક ઓબેરોય, રીતેષ દેશમુખ અને આફતાબ શિવદાસાનીને રીપીટ કરી તેમની સામે હીરોઇન્સ બદલવામાં આવી છે. વિવેક અને આફતાબને કોઈ સાચવે એમ નથી અને બંનેની ઉમર એટલી બધી ચાડી ખાય છે કે કૉલેજના સ્ટુડન્ટ્સ તરીકે એક દ્ગશ્યમાં દેખાડે છે તે પણ દેખાડી શકાય એમ નથી. વિવેક સામે કરિશ્મા તન્ના પત્ની તરીકે લેવામાં આવી છે. કરિશ્મા ’ક્યોંકી સાંસ ભી કભી બહુ થી, ’કહીં તો મીલેંગે, ’દેશ મેં નીકલા હોગા ચાંદ, ’વિરાસત, ’બાલવિર જેવી ઘણી સિરિયલ્સ કરી ચૂકી છે. આ પહેલા ’દોસ્તી-ફ્રેન્ડ્સ ફોરએવર, ’ગોલુ પપ્પુ, ’શેર જેવી ન જાણીતી ત્રણ ફિલ્મ્સ પણ કરિશ્માએ કરી છે. આફતાબ તો ઓવર એક્ટીંગ પણ નથી કરી શકતો. આફતાબની પત્નીના પાત્રમાં મંજરી ફેડનીસ છે. મંજરી આ પહેલા હિંદી ઉપરાંત તેલુગુ, તામીલ અને બંગાલી ઘણી ફિલ્મ્સ કરી ચૂકી છે. ’જાને તું યા જાને ના હિન્દી ફિલ્મ કદાચ એની પહેલી ફિલ્મ હતી. રીતેષ ખરેખર ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે પણ દૂબળો પાતળો રીતેષ બચારો આવા ડિરેક્ટરના હાથમાં વેડફાય રહ્યો છે. રીતેષની પત્નીના પાત્રમાં સોનાલી કુલકર્ણી છે. સોનાલી આ પહેલા ’ગૌરી ફિલ્મમાં જોવા મળી હતી. આ પછી સોનાલીએ માત્ર અને માત્ર મરાઠી ફિલ્મ્સ જ કરી છે. આ ઉપરાંતના ત્રણ સ્ત્રી પાત્રોમાં ’ખટ્ટા મીઠામાં જોવા મળેલી કાયનાત અરોરા મારલો નામનું પાત્ર ભજવે છે. સાંભળવા મળ્યું છે કે ’હેટ સ્ટોરી-૨ની હીરોઇન કાયનાત છે. મરિયમ ઝાકરિયા સ્વીડનમાં ’બોલીવુડ ડાન્સ સ્કૂલ ચલાવે છે. આ પહેલા આઠ દસ તેલુગુ ફિલ્મ્સ કરી ચૂકી છે પણ હીન્દી સિનેમામાં તો એના ભાગે આઇટમ સોંગ્સ જ આવ્યા છે. ત્રીજુ પાત્ર એટલે કે મેરી એટલે બ્રુના અબ્દુલા. એરેબિક મમ્મી અને બ્રાઝિલીયન પપ્પાનું સંતાન. ભારત આવ્યા પછી બ્રુનાને ’કેશમાં પહેલીવાર આઇટમ સોંગ કરવાનો મોકો મળ્યો. અને ’દેશી બોયઝમાં પણ આઇટમ સોંગ જ મળ્યું. જ્યારે ત્રણે હીરોની પત્નીના ભાગે પણ ખાસ કામ ન હોય ત્યારે વધારાની ત્રણ આઈટમના ભાગે શું કામ આવવાનું? કાયનાત, મરિયમ અને બ્રુના ત્રણેને હીસ્સે ટૂંકા કપડા પહેરવાથી વધુ કંઈ કામ જ નથી. સુરેશ મેનન તગડો કોમેડિયન છે અને છેક ૧૯૯૭થી ફિલ્મ્સમાં કામ કરે છે પણ આ ફિલ્મમાં એક્ટીંગથી વધારે વલ્ગારીટી બતાવવાનો ઉપયોગ થયો હોવાથી એ પણ વેડફાય ગયો છે. વિલનના પાત્રમાં પ્રદીપ રાવત છે. પ્રદીપે નેગેટિવ રોલમાં ઘણી ફિલ્મ્સ કરી છે. એક્ટીંગમાં તો કોઈ પણના વખાણ કરી શકાય એવો ડિરેક્ટરે એક પણ મોકો આપ્યો જ નથી!

        આખે આખી ફિલ્મ બરોડામાં શૂટ કરવામાં આવી છે. જ્યારથી મરાઠી સરકારે રોડ પર શૂટીંગ કરવાની ના પાડી છે ત્યારથી બોલીવુડ ઇન્ડસ્ટ્રી ગુજરાત તરફ વળી છે અને વળી ગુજરાત ટુરીઝમને પ્રમોટ કરવા માંગતી ગુજરાત સરકારે સીધી લાલ જાજમ બિછાવી જ દીધી છે. ફિલ્મનું શૂટીંગ શેડ્યૂલ ઓગસ્ટ ૨૦૧૨માં નક્કી થયું હતું પણ બરાબર એ સમયે જ વિલાસરાવ દેશમુખ ICCUમાં હતા. લેખક મિલાપ ઝવેરીનું કહેવું હતું કે રીતેષ વગર ફિલ્મ શરૂ કરી દેવામાં આવે પણ પ્રોડ્યૂસર અશોક ઠાકેરીયાએ ચોખ્ખી ના પાડી દીધી. જેવા રીતેષના નસીબ બીજુ શું! જો કે માત્ર એક અઠવાડિયા પછી તરત જ ફિલ્મનું શૂટીંગ શરૂ થઈ ગયું. ફિલ્મની સારી વાત હોય તો એક જ છે કે ફિલ્મનો રન ટાઇમ માત્ર ૧૩૭મીનીટનો છે નહિતર વધારે સહન કરવું પડત! મ્યુઝિકની ક્રેડિટ આનંદ રાજ આનંદને આપવામાં આવી છે પણ સંજીવ અને દર્શને પણ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે. જો કે એ વાત અલગ છે કે આ ત્રણે મળીને પણ સારુ મ્યુઝિક આપી શક્યા નથી.

        એવું જરા પણ માનવું નહીં કે વાત એડલ્ટ હોય કે સંવાદો ખરાબ હોય એટલે હું સુષ્ટુ પુષ્ટુ વાતો કરી રહ્યો છું. મને પણ આવી વાતો સાંભળવી કે જોવી ગમતી હોય પણ એટલું ચોક્કસ કે વાત કંઈક ઇન્ટેલીજન્ટ અને ઇન્ટલ એક્ચ્યુલ હોવી જોઈએ. આજની જનરેશનને માટે આવી વાતો બહુ જ સ્વભાવિક છે. આવી વાતો કે જોકની આપ લે મિત્રો કે સહેલીઓ વચ્ચે થતી જ હોય છે પણ જો ચવાય ગયેલા એના એ જ જોક તમને ફરી ફરીને આવે તો જેમ મોબાઇલ પર ગુસ્સો આવે એમ જ આ ફિલ્મ પર પણ તમને ગુસ્સો આવશે. આજે આ ફિલ્મ ઉપરાંત ’હોરર સ્ટોરી અને ’જોન ડે રીલીઝ થઈ છે. જો ફિલ્મ જોવી જ હોય તો આ બે માંથી કોઈ એક જોઈ લેજો પણ ’ગ્રૈંડ મસ્તી જોઈને તમારી જાતની મસ્તી નહીં કરતા. ફિલ્મનું કોઈ જ સ્ટાન્ડર્ડ ન હોવાથી સ્ટાર આપવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો....



પેકઅપ:

ગ્રૈંડ મસ્તી લખવામાં દોઢ વર્ષ લાગ્યું....

તે લાગે જ ને! રોજ નવા નવા એસ.એમ.એસ., વોટ્સ અપ આવતા હોય એ ઉમેરવાનાં ના હોય?

Friday, 6 September 2013

શુદ્ધ દેશી રોમાંસ: શુદ્ધતા સાથેની કૉમેડી



     ફિલ્મને સફળ બનાવવા માટે ઘણા પાસા ધ્યાન પર લેવામાં આવે છે અને એ માટે પૂરતો ખર્ચ પણ કરવામાં આવે છે. મેં એવી ઘણી બધી ફિલ્મ્સ જોઈ છે જેના માટે ખાસ સેટીંગ્સ તૈયાર કરીને ફિલ્મને ભવ્ય બનાવવાનો પ્રયત્ન થયો હોય, મેં એવી પણ ઘણી ફિલ્મ્સ જોઈ છે જે જેને અલગ અલગ એટલાં બધા લોકેશન અને એ પણ ભવ્યતા દર્શાવતા લોકેશન પર શૂટ કરવામાં આવી હોય, મેં એવી પણ ઘણી ફિલ્મ્સ જોઈ છે જેને પ્રમોટ કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોય, મેં એવી પણ ઘણી ફિલ્મ્સ જોઈ છે જેમાં ખૂબ મોટી બ્રાન્ડ્સના સ્ટાર્સ લઈને ફિલ્મ બનાવવામાં આવી હોય... આવા તો ઘણી ઘણી બાબતો હશે કે જે કદાચ નોંધવાની પણ રહી ગઈ હોય પણ આખરે જો ફિલ્મને કોઈ પણ બાબત હીટ કરી શકે અને સુંદર ફિલ્મ આપી શકે તો એ છે ફિલ્મની વાર્તા.. ’શુદ્ધ દેશી રોમાંસ એટલે ફિલ્મ લાઈનનું સૌથી અઘરું ઝોનર કૉમેડી અને ઝોનરની એકદમ શુદ્ધતા સાથેની ક્લાસ કૉમેડી.


        ડિરેક્શન જેટલી જ મહત્વની વાત છે લેખન. જો વાર્તા, ડાયલોગ્ઝ અને સ્ક્રીનપ્લે વ્યવસ્થીત રીતે ગોઠવાયેલ હોય તો ફિલ્મની પકડ ક્યારેય ઢીલી ન પડે. ફિલ્મના રાઇટર જયદીપ સહાનીને એમની વાર્તા ગૂંથવાની સ્ટાઇલ માટે સલામ કરવી જ પડે. આ પહેલા પણ જયદીપ સહાનીએ ’કંપની, બંટી ઔર બબલી, ’ખોસલા કા ઘોંસલા, ’ચક દે ઇન્ડિયા, ’રોકેટ સિંઘ જેવી મજબૂત વાર્તાઓ આપી જ છે. શાહરૂખને ખરા અર્થમાં જો એક્ટીંગ કરી હોય તો ’ચક દે ઇન્ડિયામાં અને શાહરૂખનું આટલું સરસ પાત્ર લખાયું હોય તો જયદીપ સહાની દ્વારા. મોટાભાગે હાલના સમયમાં રીલીઝ થતી ફિલ્મ્સના ગીતો સાંભળો તો બહુ ઓછા ગીતો મળશે કે જેમાં શબ્દોનું મહત્વ હોય પણ આ ફિલ્મના ગીતો સાંભળવા ગમે અને એથી પણ વધારે પ્રસંગો મુજબ ગીતોના શબ્દો પણ છે અને હાં ગીતો પણ જયદીપ સહાનીએ જ લખ્યા છે...


        ફિલ્મનું ડિરેક્શન મનીશ શર્માને સોંપવામાં આવ્યું છે. મનીશ શર્મા યશરાજ બૅનરના માનિતા ડિરેક્ટર બનતા જાય છે. મનીશ શર્મા યુ.એસ.એ.માં કાલ આર્ટ્સમાં ફિલ્મ મેકીંગ વિશે ભણ્યા છે. અભ્યાસ પૂરો કર્યા પછીથી એ યશરાજ બૅનર સાથે જ જોડાયેલા રહ્યા છે. ’ફના, ’આજા નચ લે, ’રબ ને બનાદી જોડી જેવી ફિલ્મ્સ એમણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી અને ૨૦૧૦માં એમના પર યશરાજ બેનરે ભરોસો મૂકીને સ્વતંત્ર ડિરેક્શનમાં ’બેન્ડ બાજા બારાતી સોંપી. પોતાનું હુન્નર એમણે પહેલી ફિલ્મમાં જ બતાવી દીધું. ફિલ્મને તો ઘણા એવોર્ડ્સ મળ્યા જ પણ મનીશ શર્માને બેસ્ટ ડેબ્યુટ ડિરેક્ટરનો પણ એવૉર્ડ મળ્યો. આ પછી એમની બીજી ફિલ્મ હતી ’લેડીઝ વર્સિઝ રીક્કી બહલ . ફિલ્મ ખાસ ચાલી ન હતી પણ ડિરેક્શનનો ચમકારો તો દેખાતો જ હતો પણ જો તમે ’શુદ્ધ દેશી રોમાંસ જોશો તો તમને થશે કે એક પણ જગ્યા પર ડિરેક્શનમાં ખાંચો કાઢી શકાય તેમ નથી. કોઈ પણ પ્રસંગમાં કોઈ નાની વાત પણ ચૂકાવી નથી. સુશાંત સિંઘ પરનીતી ચોપરાને ઘેર પહેલીવાર જાય છે અને રાત રોકાય છે અને સવારે ઊઠે છે ત્યારે એના માથા નીચે ઓશીકું નથી પણ ચાદર વાળીને બનાવેલુ ઓશીકું છે. પરનીતી એકલી રહે છે એટલું સાબિત કરવા માટે આથી વધુ સારુ ડિરેક્શન શું હોઈ શકે?


        સુશાંત સિંઘ રાજપૂતની આ બીજી ફિલ્મ જ છે અને માનવું પડે કે સુશાંત નસીબનો બડિયો છે. તેની પહેલી ફિલ્મ ’કાય પો છે પણ ખૂબ સારી હતી અને તેને મળેલી આ બીજી ફિલ્મ પણ મજબૂત છે. ’કીસ દેશ મેં હૈં મેરા દિલ અને ’પવિત્ર રીશ્તા જેવી સિરિયલ્સમાં જોવા મળતો સુશાંત અચાનક જ સ્ટાર બની ગયો છે. પરનીતી ચોપરા માટે મેં એક સમયે સ્ટેટમેન્ટ કરેલું કે ભવિષ્યની વિદ્યા બાલન છે. પરનીતીને હિસ્સે આવેલ કામ માટે એણે પૂરી મહેનત કરી છે તો પણ ન્યુકમર અને પહેલીવાર ફિલ્મમાં જોવા મળેલી વાણી કપૂર પરનીતી કરતા ફિલ્મમાં વધારે વજન છોડી જાય છે. વાણી કપૂર ઓબેરોય હોટેલમાં નોકરી કરતી અને સાથે સાથે થોડું મોડેલીંગ એસાઇન્મેન્ટ્સ પણ કરતી. મનીશ શર્માના આગ્રહથી આ ફિલ્મમાં લેવામાં આવેલી વાણી માટે યશરાજ બૅનર કદાચ ઇન્ટ્રોડ્યુસર હોવાનો ભવિષ્યમાં ગૌરવ લે!

ફિલ્મનું સૌથી મજબૂત પાંસુ હોય તો  ફિલ્મના ડાયલૉગ છે. એક એક પ્રસંગ પર બોલાતો એક એક સંવાદ પાછળ કેટકેટલી ફિલોસોફી છુપાયેલ છે. ફિલ્મ માટે ખૂબ જ ઓછા લોકેશનનો ઉપયોગ થયો છે. ફિલ્મના લોકેશનમાં પરનીતીનું ઘર, ઋષિ કપૂરની દુકાન, થોડા રોડ શોટ અને થોડા લગ્નના તૈયાર સ્ટેજ બસ આટલાં વચ્ચે જ ફિલ્મ રમે છે. લીડ આર્ટીસ્ટ્સ ગણો તો પણ બહુ જ ઓછાં અને છતા ફિલ્મ એક પણ જગ્યા પર નબળું પડતું નથી. હાં ફિલ્મના અંત માટે ખાસ્સી રકઝક ચાલેલી. બે છોકરીઓ વચ્ચે ઇમોશનથી રમતો સુશાંત આખરે કોની તરફ જશે કે સ્ટોરી મુજબ કોની સાથે જવો જોઈએ એ વાત પર લેખક અને ડિરેક્ટર વચ્ચે ઘણી વાતો થઈ હતી. હું નહીં કહું કે કોની સાથે રહે છે નહિતર તમારો ફિલ્મ જોવાનો રસ ઓછો થઈ જશે. ફિલ્મમાં ઘણા બધા ચુંબનો છે પણ એક પણ ચુંબન અર્થ વગરનું નથી કે નથી સામાન્ય દર્શકોને ઉત્તેજિત કરવા માટે. ફિલ્મમાં એક પણ ખોટો પ્રસંગ પણ નથી ઉમેરવામાં આવ્યો. દરેક પાત્રની પોતાની એક કેમેસ્ટ્રી છે અને એ પાત્ર પોતાની કેમિસ્ટ્રીની અંદર જ રમે છે. ફિલ્મનું સંગીત સચીન-જીગરે આપ્યું છે અને સંગીતના પણ વખાણ કરવા પડે એટલું સરસ છે.


        એક્ટીંગ માટે દરેક પાત્રને માર્ક આપવા પડે પણ એક ખાસ પારા લખવો પડે એવી એક્ટીંગ હોય તો ઋષિ કપૂરની. ઋષિ કપૂર વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે અને એટલાં બધા ચડાવ ઉતાર જોઈ ચૂક્યા છે કે હવે એક્ટીંગ માટે એમને કંઈ કરવાની જરૂર નથી તો પણ આ પહેલા એટલે કે એમની બીજી ઇનિંગમાં ક્યાંક એમની જૂની સ્ટાઇલ દેખાય આવતી પણ અહીં એક રાજસ્થાની લગ્ન માટે કેટરીંગ અને લગ્ન માટેની સાધન સામગ્રીનો ધંધો કરતા એક મારવાડી શેઠની ભૂમિકામાં ખૂબ ખૂબ ગમ્યા.


        ફિલ્મને હીટ કરવા માટેની તમામ સામગ્રી આ ફિલ્મમાં છે. બહુ લાંબા સમયે જોવા મળતી સારી કૉમેડી ફિલ્મ એટલે ’શુદ્ધ દેશી રોમાંસ. ધ ગ્રેટ બચ્ચન સાહેબની ફિલ્મ પરથી બનેલી રીમેક ’ઝંઝીર પણ આજે જ રીલીઝ થઈ છે છતા જો એક જ ફિલ્મ જોવાની પસંદગી કરવાની હોય તો અચૂક પણે ’શુદ્ધ દેશી રોમાંસ જ જોવાય. સ્ટારની વાત કરીએ તો આ ફિલ્મને ૪ સ્ટાર આપવા જ પડે એમ છે.



પેકઅપ:


"રાજીવ ગાંધી પરથી ’મદ્રાસ કાફે બની...અન્ના હજારે પરથી ’સત્યાગ્રહ બની... મને લાગે છે કે ’ગ્રાન્ડ મસ્તી આશારામ બાપુ પરથી બની હશે!"