Friday, 25 January 2013

રેસ-૨: ઍક્શન અને સસ્પેન્સ વચ્ચે દોડતું મનોરંજન



      

       બોલીવૂડના બદલાયેલા ટ્રેન્ડમાં વહેતી ગંગામાં ડૂબકી મારીને બૉક્સ ઓફિસ પર શક્ય એટલું  પુણ્ય કમાઈ લેવાની રેસ ઘણા નિર્માતાઓ વચ્ચે લાગેલી જ છે. નિર્ભેળ હાસ્યપ્રધાન ફિલ્મના દોર ની સાથે સાથે ઍક્શન ફિલ્મ્સનો મારો પણ સતત ચાલી રહ્યો છે. રોમાન્સના નામે રોમાંચિત કરી દેતા દ્ગશ્યો અને ગીતો માટે બૂક કરાતી અભિનેત્રીઓ અને સ્ટંટ એ જ અભિનય ની થિયરી માટે તૈયાર કરાતા અભિનેતાઓનો સરવાળો કરવા અંગ્રેજી ફિલ્મ્સના ગણિતમાંથી કેટલીક રકમો તફડાવી નવા દાખલાઓ બોલીવૂડના ફિલ્મ સર્જકો  બનાવે જ રાખે છે. રહસ્ય ઉપર સારી હથોટી ધરાવતી દિગ્દર્શક બેલડી અબ્બાસ-મસ્તાનની ’રેસ-2’ એના નિર્માણ સમયથી જ બહુચર્ચિત હતી જ.કરીના કપૂર અને પ્રિયંકા ચોપરાની રાહ જોવામાં સમય બગાડ્યા પછી દીપિકા પાદુકોણ સાથે જહોન અબ્રાહમ અને જેકવીલીન ફર્નાડીસને લઈને જૂની સફળ ફિલ્મ ’રેસની સીકવલ બનાવવા નિર્માતા રમેશ તૌરાણી અને દિગ્દર્શક બેલડી અબ્બાસ-મસ્તાને, ’રેસ કરતા વધુ સારી વાર્તા મળશે તો જ એની સીકવલ બનાવીશું,  વાળી એમની જ ઉક્તિને દોહરાવવા ’રેસના જ લેખક શિરાજ અહેમદ સાથે મળીને ’રેસ-2’ ની વાર્તા તૈયાર કરી છે. ’રેસના જૂના પાત્રો ’રણબીર કપૂર અને ’રોબર્ટ ડીકોસ્ટા ના મજેદાર કિરદારમાં અનુક્રમે સૈફઅલી ખાન અને અનીલ કપૂર તો ફાઇનલ હતા જ. ’ચેરીની શોધ કરતા ચિત્રાંગદા સિંઘ અને મલ્લિકા શેરાવતના નામ પણ રેસમાં હતા અંતે જોડી જામી અનીલ અને અમીષા પટેલની. બ્લેક કેટ બિપાશાના મર્ડર અને એના બદલાની આસપાસ ચકરાવા લેતી ફિલ્મ અબ્બાસ-મસ્તાન સ્ટાઇલની ઍક્શન સસ્પેન્સ ફિલ્મ છે.

        ઇસ્તંબૂલ-ટર્કીના નયનરમ્ય દ્ગશ્યો અને કેટલાક ખરેખર માણવા લાયક ઍક્શન-સ્ટંટ પ્રેક્ષકોને થિયેટરમાં બેસાડી રાખી શકે. અલબત્ત ગીતો યુવા દર્શકોમાં જરૂર લોકપ્રિય થાય પરંતુ દીપિકા ને જેક્વીલીનના રોમાંચિત કરી દે એવા રોમાંશના દ્ગશ્યો અને જહોન-સૈફની સારી ટક્કર છતા ઇન્ટરવલ પછી ધીમી પડી જતી ફિલ્મ માટે સિરાજ અહેમદના સ્ક્રીનપ્લે અને કીરીન કોટિયાલના સંવાદોને જવાબદાર ગણવા કે ’રેશની સફળતા પછી એ જ સ્ટાઇલની ઇલાસ્ટીસીટીને જાણ્યા વિના વાર્તાને શૂટ કર્યે જવાની અબ્બાસ મસ્તાનની સ્ટાઇલને જવાબદાર ગણવી એ આ ફિલ્મના સસ્પેન્સ જેવું જ સસ્પેન્સ છે. જરૂરી ન હોય એવા પાત્રો, ડ્રામેટીક ટ્વીસ્ટનો અભાવ અને સારુ હોવા છતા ઓવરડોઝના કારણે ખટકતું સંગીત પ્રેક્ષકોને જરૂર નિરાશ કરે.

        ’રેશ સાથે ’રેશ-2’ની સરખામણી કરવાનો કોઈ અર્થ જ નથી. ’રેસને જોઈ ચૂકેલા પ્રેક્ષકોને એની એ જ વાત ગળે ઉતારવામાં જરૂર તકલીફ પડે જ. એક્શનના શોખીન લોકો માટે પુરતો મસાલો છે પણ સસ્પેન્સના ચાહકોને પ્રી-ડીસાઇડેડ ટ્વીસ્ટમાં જરૂર કંઈક ઊણપ દેખાય. સંગીતના ચાહકોને પણ ગીત બહાર સાંભળવા જ વધારે ગમશે. દર થોડા અંતરે મુકાયેલા ગીતો કથાનકમાં પ્રેક્ષકોને ઓતપ્રોત થવા દેતા જ નથી એ કદાચ સંગીતકાર પ્રીતમની નહીં તો દિગ્દર્શકની નબળી કડી ગણી શકાય. અબ્બાસ-મસ્તાન સારા ડિરેક્ટર્સ રહ્યા છે કે ખરાબ એ દરેકના અંગત મંતવ્ય પર આધાર રાખે તો પણ અત્યાર સુધીમાં આ ડિરેક્ટર બેલડીએ ઘણી હીટ ફિલ્મ્સ આપી છે. આમ તો ગુજરાતી ફિલ્મ ’મોતી વેરાણા ચોકમાં’ એમની પહેલી ફિલ્મ હતી. આ પછી બોલીવૂડમાં એમનું પ્રથમ પગલું હતું ’અગ્નીકાલ જે ખૂબ ખરાબ રીતે પછડાટ સહન કરી ચૂકયુ હતું પણ એમની બીજી ફિલ્મ ’ખીલાડી સાથે બોલીવૂડમાં દબદબો જમાવી શક્યા. અક્ષય કુમારને ખીલાડીનું બિરુદ અપાવનારી આ દિગ્દર્શક બેલડી સાથે અક્ષય કુમાર ગમે ત્યારે કામ કરવા તૈયાર હોય છે એવું જાહેર નિવેદન આપે એ અબ્બાસ-મસ્તાનની પોપ્યુલારીટી સાબિત કરે છે. અબ્બાસ-મસ્તાનના ડિરેક્શનમાં બનેલી આ પછીની ફિલ્મ્સ જેમ કે ’બાજીગર, ’સોલ્જર, ’અજનબી, ’36 ચાઇના ટાઉન, ’નકાબ અને ’રેશ બોક્ષ ઓફીસ પર સફળતાનો સ્વાદ ચાખી ચૂકી છે. બોલીવૂડમાં ઉંમર ખાઈ ચૂકેલા આ દિગ્દર્શક લોકોને કેવી રીતે દોરવા એ સારી રીતે જાણે છે.

        ફિલ્મ છે તો હીરોઇન જોઈએ જ બાકી આ ફિલ્મ હીરોઇન વગર પણ બની શકી હોત. આમ પણ અબ્બાસ-મસ્તાનની ફિલ્મમાં હીરોઇનના ભાગે થોડું અંગ પ્રદર્શન, થોડા ઠૂમકા મારવા, એકાદ કે બે ગીત ગાવાથી વધુ કામ હોતું નથી. આ ફિલ્મની બંને હીરોઇન પોતાનું કામ વફાદારી પૂર્વક નિભાવી શકી છે. જો કે અનિલ કપૂરની નવી સેક્રેટરી ચેરીના રોલમાં અમીષા પટેલ વર્ષો પછી મોટા પરદે જોવા મળી અને મેદાન મારવામાં સફળ રહી. લોકોની માન્યતા હતી કે અમીષાની હવે ઉમર દેખાશે પણ ભેજાગેપ ચેરીના રોલમાં અનીલ કપૂર સાથે સેક્સી સીન અને ગીતના લટકા-ઝટકા બંનેમાં હીરોઇન કરતા આગળ નીકળી ગઈ છે. અનીલ કપૂર તો લાજવાબ છે જ. આટલાં વર્ષોનો અનુભવ અને અનેક ડિરેક્ટર્સ સાથે કામ કરી ચૂકેલો અનીલ કપૂર પોતાની છાપ છોડવામાં અહીં પણ સફળ રહ્યો છે. જહોન અબ્રાહમ અને સૈફઅલી ખાન વચ્ચે ચાલતી ટક્કરમાં સ્વભાવિક રીતે જ વાર્તાને અનુલક્ષીને સૈફનો હાથ ઉપર રહ્યો છે. કદાચ જૂની ’રેશ અને અબ્બાસ-મસ્તાનનો સાથ એને કામ લાગ્યો હશે. તો પણ જહોન અબ્રાહમ ધીમેધીમે મોડેલ માંથી એક્ટર બનતો જાય છે. નાનકડી એન્ટ્રીમાં પણ આદિત્ય પંચોલીએ પોતાના અભિનયથી વાર્તાને પોતાના ખભે ઊંચકી લીધી છે. એકંદરે અભિનયને માણવા ગયેલા પ્રેક્ષકો નિરાશ ન થાય એની કાળજી રાખવામાં આવી છે.

        અબ્બાસ-મસ્તાન સાથે કૅમેરા સંભાળી ચૂકેલા સિનેમેટોગ્રાફર રવિ યાદવ કદાચ હવે જાણી ચૂક્યા છે કે દિગ્દર્શકને શું જોઈએ છે. આ પહેલા એ  ’હમરાઝ, ’ઐતરાઝ, ’પ્લેયર્સ, ’૩૬ ચાઇના ટાઉન, ’ટારઝન- ધ વન્ડર કાર, ’રેસ જેવી ફિલ્મ્સમાં પોતાની આગવી છટા દેખાડી ચૂક્યા છે. ’રેસ-૨માં ટર્કીના નયનરમ્ય દ્ગશ્યો અને ઍક્શન દ્ગશ્યોમાં રવિ યાદવની આગવી સૂઝ દેખાઈ આવે છે. અમુક દ્ગશ્યો માટે તો ખરેખર એમની સિનેમેટોગ્રાફી વાહ બોલાવી દે છે.

        'રેસની વાર્તાને આગળ વધારવા માટે નવીન પ્લોટની ઝાઝી માથાકૂટમાં પડ્યા વિના ’રેશની જોડી રણવીર-સાનિયાને તોડી નાખી સાનિયા (બિપાશા બાસુ)નું મર્ડર કરાવવું અને બિપાશાને ખૂબ ચાહતા સૈફ દ્વારા એના હત્યારાઓ સામે બદલો લેવા ચોક્કસ સ્ટાઇલની ગેઇમ રમવી એ જ ’રેસ-૨ની વાર્તા. ટાઇટ સ્ક્રીનપ્લેમાં જ્યાં કંઈ ન સૂઝે ત્યાં ગીતો મૂકી દેવાથી વાર્તાનું સસ્પેન્સ જળવાઈ રહેવાને બદલે વાર્તા ઇન્ટરવલ પછી એટલી ધીમી પડી જાય છે કે પ્રેક્ષકો થિયેટરમાં બેઠાંબેઠાં જ હવે શું આવી શકે એની સફળ ચર્ચા કરતા થઈ જાય છે. જો કે વાર્તાને વધારે ગૂંચવીને પ્રેક્ષકોને વિચારતા કરી દેવા કેટલાંક ન જોઇતા પાત્રો, આદિત્ય પંચોલીની એન્ટ્રી અને જહોન અબ્રાહમની રીંગ ફાઈટનો સહારો લેવાયો છે જે વાર્તામાં કોઈ રીતે બંધ બેસતો લાગતો જ નથી.

        જો કે અત્યારના બદલાયેલા ટ્રેન્ડમાં ’દબંગની દબંગાઈ અને રાવડી રાઠોડના ધમાકા પછી નિર્માતા રમેશ તૌરાણીએ ’રેસ-2’માં કંઈ ગુમાવવાનું તો નથી જ. આમેય અબ્બાસ-મસ્તાનની ફિલ્મ્સ મોટેભાગે સફળ ફૉર્મ્યુલા ફિલ્મ્સ જ હોય છે એટલે બોક્ષ ઓફીસ પર સફળતાનો સ્વાદ તો જરૂર ચાખશે જ. ઇન્ટરવલ પછીની ધીમી ગતી માટે દોઢ સ્ટાર કાપતા ૩.૫ સ્ટાર આપી શકાય.



પેકઅપ:

"હું આ ડ્રેસમાં જાડી લાગુ છું ડિયર?"
"પ્લીઝ હવે ડ્રેસ પર આરોપ મૂકવાનું બંધ કરીશ?"


Friday, 18 January 2013

ઇન્કાર: જોવાનો ઇન્કાર કરો તો વાંધો નહીં!







            ઓછા ખર્ચે ફિલ્મ બનાવવી અને કમાણી કરી લેવી એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પાયાનો ફંડા છે પણ આવી ફિલ્મ માટે એક પાયાની શરત પણ છે કે ફિલ્મની વાર્તા સુંદર હોવી જોઈએ, સ્ક્રીનપ્લે મજબૂત હોવો જોઈએ અને એક્ટીંગ અદભૂત હોવી જોઈએ. આ ત્રણ વસ્તુઓનું કોમ્બીનેશન થાય તો જ ઓછા બજેટની ફિલ્મ્સ હીટ થઈ શકે નહિતર ખર્ચ તો ચોક્કસ કાઢી જ લે પણ ધાર્યા પ્રમાણેની કમાણી ન કરી શકે. ઓછા બજેટમાં સારી ફિલ્મ બનાવવા માટે મહેશ ભટ્ટ કૅમ્પ અને એકતા કપૂર પ્રખ્યાત છે. મહેશ ભટ્ટની કેટલી બધી એવી ફિલ્મ્સ છે જે અધધ કમાણી કરી ચૂકી છે. જો તમે ખાસ રિમાર્ક કર્યું હોય તો ખ્યાલ હશે જ કે ઉપરની ત્રણે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવી હશે અને એમાં પણ મહેશ ભટ્ટ કૅમ્પની ફિલ્મ હોય તો મ્યુઝિક પર પણ સરસ કામ થયુ હોય એટલે સોનામાં સુગંધ ભળે. એકતા કપૂર પણ ધીમેધીમે આ રસ્તા પર ચાલી રહી છે. ’રાગિણી એમ.એમ.એ. એક જ લોકેશન હોવા છતા હીટ ફિલ્મ બની શકી. ઇન્કાર પાછળ પણ સુધીર મિશ્રાની આવી જ ભાવના રહી હશે. કેમ ના હોય? એમની પ્રખ્યાત ફિલ્મ્સ જેમ કે ’ઇસ રાત કી સુબહા નહીં હોગી, ’ધારાવી, ’હજારો ખ્વાઇશેં ઐસી, ’ખોયા ખોયા ચાંદ, ’યે સાલી જિંદગી જેવી લો બજેટ ફિલ્મ્સ દ્વારા પોતાની જાતને એસ્ટાબ્લીશ કરી જ ચૂક્યા છે. પણ ઇન્કાર માટે તમે ઇન્કાર કરી દો તો વધુ કંઈ ગુમાવવાનો અફસોસ નહીં રહે.


        સુધીર મિશ્રા એક અચ્છા સ્ક્રીનપ્લે રાઇટર રહ્યા છે એટલે આ ફિલ્મના સ્ક્રીનપ્લે માટે એમનાથી ઘણી બધી આશાઓ હતી. વાંચકોની જાણ માટે કહી દઉં કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજની તારીખે પણ બેસ્ટ કૉમેડી ફિલ્મ ગણાતી હોય તો ’જાને ભી દો યારો છે. સુધીર મિશ્રા આ ફિલ્મના સ્ક્રીનપ્લે રાઇટર છે. એ રીતે જ ઇન્ડસ્ટ્રીની ફૂટ માર્ક સસ્પેન્સ ફિલ્મ ’ખામોશના સ્ક્રીનપ્લે રાઇટર પણ સુધીર મિશ્રા જ છે. હવે જ્યારે એમણે જ ફિલ્મ લખવાની હોય અને ડિરેક્ટ કરવાની હોય ત્યારે આપણે એટલી આશા તો રાખી જ શકીએ કે ફિલ્મનો સ્ક્રીનપ્લે તો એટલો મજબૂત હશે જ કે ફિલ્મ ખેંચી જાય પણ ન જામ્યું યાર! ફિલ્મ માટે જરૂરી હોય છે ફિલ્મને વફાદાર રહેવાનું અને વફાદારી તો જ નીભાવી શકાય જો ફિલ્મનું એક સ્ટેન્ડ હોય. એવું બની શકે કે દર્શકોને કન્ફ્યુઝ કરવા માટે મૂળ વાત બહાર ન લાવવામાં આવે અને દરેકને અલગ વિચારવા માટે મજબૂર થવું પડે પણ અહીંયાં ડિરેક્ટર કોના તરફ છે એ જ સમજાયું નહીં! સુધીર મિશ્રા એક સારા રાઇટર-ડિરેક્ટર હોય ત્યારે થોડું દુ:ખ થાય. સુધીર મિશ્રા એક સારા એક્ટર પણ છે. જો તમને યાદ હોય તો મધુર ભંડારકરની ફિલ્મ ’ટ્રાફિક સિગ્નલમાં વિલનની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે.


        ફિલ્મની વાત ખૂબ જ સામાન્ય છે. રાહુલ વર્મા (અર્જૂન રામપાલ) એક એડ એજન્સીનો સી.ઇ.ઓ. છે. એડવર્ટાઇઝીંગ ઇન્ડસ્ટ્રીમાં પોતે એક રુતબો ધરાવે છે. અચાનક એક કોપીરાઇટર છોકરી માય લુથરા (ચિત્રાંગદા સિંઘ) મળી જાય છે. રાહુલ માટે માયા ખાસ છે. માયાને રાહુલ એડ ઇન્ડસ્ટ્રીની તમામ રીતભાત શિખવાડે છે. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાય છે પણ એક ઝગડા અનુસંધાને માયા દિલ્હી ઓફીસ શીફ્ટ થઈ જાય છે અને ત્યાંથી ન્યુયોર્ક જતી રહે છે. એ જ્યારે ત્યાંથી પરત ફરે છે ત્યારે માયાને સીધુ જ પ્રમોશન મળે છે. માયાને ક્રીએટીવ ડિરેક્ટર ઓન બોર્ડ લેવામાં આવે છે. માયા કંપનીના સી.ઇ.ઓ. પર સેક્સ્યુલ હેરેસમેન્ટનો કેશ દાખલ કરે છે. આ કેશ કંપની બોર્ડની અંદર એક સોશિયલ વર્કર દિપ્તી નવલના નેજા હેઠળ ચલાવવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે ખરેખર આ સેક્સ્યુલ હેરેસમેન્ટ છે કે એક બીજાના ઇગો નો અથવા કંપનીના પોલીટીક્સનો ભાગ છે. એક પછી એકને બોલાવીને થતા સવાલો અને સવાલો વચ્ચે ચાલતો ફ્લેશબેક અંત સુધી જકડી રાખવામાં તો નિષ્ફળ ગયો જ પણ ડિરેક્ટરનો વ્યુ પકડવામાં પણ નિષ્ફળ ગયો છે. જ્યાં સુધી સ્ક્રીનપ્લે મજબૂત ન હોય ત્યાં સુધી એક્ટર્સ પણ પોતાનું યોગ્ય એક્ટીંગ આપી શકતા નથી. સ્ક્રીનપ્લે સાથેના ડાયલોગ્ઝ પણ ક્યાંય ખાસ અસર છોડી શક્યા નથી. વિષય એકદમ સામાન્ય છે. આવી ઘટનાઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે એડ ઇન્ડસ્ટ્રી માટે નવાઈ પમાડે તેવી નથી. સ્ત્રી પોતાની મરજીથી સંબંધો રાખે ત્યાં સુધી એ હેરેસમેન્ટ નથી પણ વાંધો પડતા એ રેપ, હેરેસમેન્ટ બની શકે છે. તમે ફિલ્મ જોશો તો ફિલ્મના અંતે થશે કે ઓહો આ બધું આ કારણોસર હતું ત્યારે તમને લાગશે કે મૂળ વાત પર પહોંચવા માટે આટલાં લાં...બાં... સ્ક્રીનપ્લેની જરૂર ન હતી!


        અર્જૂન રામપાલને જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં જોઉં છું ત્યારથી એક વાત રિમાર્ક કરી છે કે એ ડિરેક્ટરનો એક્ટર રહ્યો છે. અર્જૂનને તમે નબળી એક્ટીંગ કરતા પણ જોયો હશે અને સારી પણ. ’રાજનીતિના નાનકડા રોલ માટે પણ તમારે વખાણ જ કરવા પડે. આ ફિલ્મમાં મજબૂત એક્ટરને વેડફ્યો છે. આ રીતે જ ચિત્રાંગદા મને દરેક વખતે ગમી છે. આ ફિલ્મમાં પણ પોતાના રોલને વફાદાર રહી જ છે પણ વાર્તાને વફાદાર રહેવામાં ચિત્રાંગદાનું કન્ફ્યુઝન સીધે સીધુ દેખાય આવે છે. વિપીન શર્મા ફિલ્મમાં ગુપ્તાનું પાત્ર ભજવે છે. વિપીનની એક ખાસિયત છે કે દર્શકોને સીધો જ વિલન દેખાય આવે. આ ફિલ્મમાં ખૂબ બેલેન્સ રહીને પોતાના પાત્રને એ ભજવી શક્યો છે. ખાસ ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હોય તો આશિષ કપૂર. ફિલ્મમાં પ્રફુલ્લ નામનું પાત્ર ભજવતો આશિષ ખરેખર ભવિષ્યમાં સારા રોલ મેળવશે જ. મારી એક ખાસ મિત્ર આંકાક્ષા નહેરાને ફિલ્મમાં પાયલનો રોલ ભજવતી જોઈને ખુશ થઈ જવાયું. હું એને પ્રેમથી અક્કી કહું છું. અક્કીમાં પણ સ્પાર્ક દેખાય જ છે. વર્ષોથી અભિનયને પચાવીને બેઠેલી દિપ્તી નવલ અંત પહેલા સુધી સારુ એક્ટીંગ કરી શકી છે પણ ફરી અંતે એ જ સ્ટોરી કન્ફ્યુઝન આગળ ઊભી કરેલી છાપને ભૂંસી નાખે છે. અહીં એક ખાસ વાત અલબત રહી છે કે નાના નાના પાત્રો પણ સ્ક્રીન પર દેખાય શક્યા છે. બધા પાસે કંઈને કંઈ પરફોર્મ કરવાનો મોકો હતો જ.


        ફિલ્મની સિનેમેટોગ્રાફી સચીન ક્રિષ્ન એ સંભાળી હતી. ઘણા એવા દ્ગશ્યો હતા જ્યાં સિનેમેટોગ્રાફર રમી શકે પણ બોર્ડરૂમમાં ચાલતા સિનના એક પછી એક કટ લગભગ સરખા જ જોવા મળતા હતા. કૅમેરા પેન થતી વખતે દ્ગશ્યો જે રીતે બ્લર થઈ જતા હતા એ જોતા લાગ્યું કે સારો ફોકસ પુલર પણ સાથે નહીં હોય. બોર્ડરૂમમાં ચાલતા કેશ દરમિયાન સમય બદલાતો રહે છે પણ લાઈટીંગ એમનું એમ જ છે. સમય સાથે કૅમેરા દ્વારા લાઇટ્સની થોડી રમત થઈ હોત તો જામી શકત. શાંતનુ મિત્રાનું મ્યુઝિક સારુ હોવા છતા યોગ્ય રીતે ફિલ્મીંગ ન થવાને લીધે ખાસ અસર છોડી શક્યું નથી. ઇન્કાર રીલીઝ કરવામાં પણ ત્રણેક તારીખો ફરી. કદાચ વાયાકોમ 18 જાણતું હશે કે કોઈ સારી ફિલ્મ સાથે કોમ્પીટ કરી શકે એટલું સક્ષમ ફિલ્મ નથી બન્યું. ફિલ્મના પ્રોમો જોઈને જેટલો આનંદ થયો હતો એટલો આનંદ ફિલ્મ જોઈને ન થયો. લગભગ બધા જ ક્રિટીક્સ તરફથી ૨ કે ૩ સ્ટાર મળ્યા છે પણ હું ૨.૫ સ્ટાર આપીશ કેમ કે આખરે મહેનતનો અડધો સ્ટાર તો મળે કે નહીં?




 પેકઅપ:
"જજ સાહેબ મારે મારા પતિ પાસેથી કંઈ જ નથી જોઈતું, બસ જે હાલતમાં હતી એ હાલતમાં છોડી દે"

"તમે કઈ હાલતમાં તમારા પતિને મળ્યા હતા?"

"વિધવા"

Friday, 11 January 2013

મટરુ કી બિજલી કા મન્ડોલા: માસ અને ક્લાસ વચ્ચેનું કન્ફ્યુઝન


         

          

       વર્ષ દરમિયાનમાં ઘણી બધી ફિલ્મ્સ આવતી અને જતી રહેતી હોય છે પણ કોઈક ફિલ્મ એવી હોય છે જેની આપણે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. આ આતુરતા પાછળના ઘણા કારણો હોઈ શકે. એક-ફિલ્મ સાથે કોઈ કોન્ટ્રાવર્સી જોડાયેલી હોય, બે-ફિલ્મ સાથે મોટા આર્ટીસ્ટ્સના નામ જોડાયેલા હોય, ત્રણ-ફિલ્મ ફૂટમાર્ક ફિલ્મ તરીકે એસ્ટાબ્લીશ થવાની સંભાવના હોય, ચાર-ફિલ્મનું સંગીત એટલું બધું પ્રચલિત થઈ ચૂક્યું હોય કે ફિલ્મ રીલીઝની રાહ જોવાતી હોય, પાંચ-ફિલ્મની પબ્લીસીટી ખૂબ જ થઈ હોય, છ-ફિલ્મ સાથે દિગ્ગજ ડિરેક્ટરનું નામ જોડાયેલુ હોય. આ ઉપરાંત પણ અનેક કારણો હોઈ શકે પણ મારા માટે તો આકર્ષણનું કારણ હતું ’વિશાલ ભારદ્વાજ અને ’પંકજ કપૂર. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ બંને વ્યક્તિઓ અતિ રીસ્પેક્ટેડ અને અતિ ક્રીએટીવ માનવામાં આવે છે. વિશાલે આ પહેલા પણ અનોખી ફિલ્મ્સ આપી છે. વિશાલ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે. લીરીસીસ્ટ, મ્યુઝિક ડિરેક્ટર, સ્ટોરી-સ્ક્રીનપ્લે રાઇટર અને જરૂર પડ્યે એક સારો સિંગર. આટલાં બધા ગુણો સાથે સજ્જ વિશાલ ભારદ્વાજ જ્યારે ફિલ્મ બનાવે ત્યારે એવું માનીને જ ફિલ્મ જોવા જવું પડે કે એક ક્લાસનું ફિલ્મ હશે પણ ’મટરુ કી બિજલી કા મન્ડોલા જોયા પછી એક વાત પર શંકા થઈ કે શું વિશાલ માસ અને ક્લાસ વચ્ચે કન્ફ્યુઝ હતો?

        આમ તો વિશાલ ભારદ્વાજ યુ.પી. તરફના બૅકગ્રાઉન્ડના શોખીન રહ્યા છે પણ આ વખતે એણે હરિયાણાના એક નાના ગામથી વાત લખી. હરિયાનવી સંવાદો પર જો ધ્યાન ન આપો તો ઘણી બધી વાતોનો અર્થ સમજી નહીં શકાય. બીજા કોઈ પણ ડિરેક્ટર્સ જે વાત સરળતાથી રજૂ કરે એને વિશાલ અઘરી રીતે રજૂ કરે એમાં નવાઈની વાત નથી. ફિલ્મની વાર્તા સાવ સામાન્ય જ છે. ખેડૂતો પર પોલીટીશ્યન અને સાહુકાર તરફથી થતો અન્યાય, ખેડૂતોને બચાવવા પ્રયત્ન કરતો એક યુવાન, શાહુકારની છોકરી અને સામાન્ય યુવાન વચ્ચેનો પ્રેમ અને અંતે સૌ સારા વાના. વાત સામાન્ય લાગીને? પણ આ વાતનું સામાન્ય રીતે ફિલ્માંકન નથી થયુ. વાત સાથે જોડાયેલા એક એક પ્રસંગ અને એક એક વ્યક્તિની એક્ટીંગ માટે આહ! અને વાહ! નીકળી જ જાય. ફિલ્મના સ્ક્રીનપ્લે ઉપર અલગ રીતે જ વર્ક થયુ છે એ ફિલ્મ જોઈને જ સમજી શકાય. વાત રજૂ કરવા માટે કોઈ ખોટા પાત્રોનો સહારો લેવામાં નથી આવ્યો કે ના તો ફિલ્મની વાર્તા કોઈ ધીરગંભીર સ્વરૂપમાં તમારી સામે આવે છે. ફિલ્મ સાથે જોડાયેલા એક એક પ્રસંગ પાછળ કોઈને કોઈ અર્થ નીકળે છે. એક એક વાત પર તમને હસવું આવશે જ એ નક્કી છે. ફિલ્મમાં ઘણા બધા પાત્રો સાથે જોડાયેલ છે એક ગુલાબી ભેંસનું પાત્ર. ભેંસનો એટલી સરળતાથી ઉપયોગ કરવામાં આવ્યો છે કે તમને ભેંસ વગર ફિલ્મ અધૂરી લાગશે. ફિલ્મ માટેનું લોકેશન આપણું કાઠિયાવાડ રાખવામાં આવ્યું હતું. વાંકાનેરના બંને મહેલ, વાંકાનેરની વીડી અને ખેતરો. વાત અને પાત્રોને અનુરૂપ બરાબર લોકેશન હતું પણ જો ખૂટતું હતું તો આર્ટ ડિરેક્શન. મહેલ સુંદર છે, વિશાળ છે પણ મહેલની અંદર રાચ રચીલું એટલું નથી કે ફિલ્મની દરેક ફ્રેમને ભરી શકે. લગભગ બધા જ દ્ગશ્યોમાં બેકડ્રોપ ખાલી લાગે છે. ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ સ્થળ બદલી જવા છતા ફરી ફરીને કરવામાં આવ્યો છે. ફિલ્મની કલર થીમ પકડી રાખવી એ વિશાલ ભારદ્વાજની ખાસિયત છે અને આ ફિલ્મમાં પણ એણે પુરેપુરી આ વાત પ્રત્યેની વફાદારી નીભાવી છે.



        ફિલ્મના કાસ્ટિંગમાં હીરો તરીકે પહેલી પસંદગી અજય દેવગણ જ હતો પણ જ્યાં સુધી સંભળાય છે ત્યાં સુધી વાયાકોમ તરફથી વધારે પૈસા અને સારી ઓપોર્ચ્યુનીટી મળતા અજયે આ ફિલ્મ માટે ના પાડી. આ પછી શહીદ કપૂરનો કૉન્ટેક્ટ કરવામાં આવ્યો હતો પણ કોઈ કારણસર એ પણ ન શક્ય બન્યું. આખરે ફિલ્મમાં મટરુ તરીકે ઇમરાન ખાનને લેવામાં આવ્યો. ઇમરાનને આ પહેલા પણ અભિનય કરતો જોયો છે પણ ડિરેક્ટર કેટલો ફેર કરી શકે છે એ આ ફિલ્મમાં જોઈને ખબર પડી. ઇમરાન પોતાનું પાત્ર ખૂબ જ વફાદારી પૂર્વક નિભાવી શક્યો છે. ઇમરાન સામે હીરોઇન એટલે કે બિજલી એટલે અનુષ્કા શર્મા. અનુષ્કાને ’જબ તક હૈં જાન અને આ ફિલ્મમાં જુઓ તો દેખીતી રીતે ફેર નજર પડે છે. એકદમ ક્લાસ અભિનય કરીને અનુષ્કાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન વધુ પાક્કુ કરી લેશે એવું માનવું પડે. શબાના આઝમી એક પોલીટીશ્યન લેડી, નામ છે ચૌધરી દેવી. પોતાના સ્વાર્થ માટે ગમે તે હદે જઈ શકે એટલી ખતરનાક. શબાના માટે તો વધુ લખવાની જરૂર છે જ નહીં કેમ કે એક્ટીંગ તો એની નસેનસમાં વહે છે. શબાનાનો છોકરો એટલે ફિલ્મમાં બાદલ-આર્ય બબ્બર. આર્ય બબ્બર રાજ બબ્બરનો પુત્ર છે. આર્ય પાસે આમ તો વધારે કંઈ કામ ન હતું પણ એણે જેટલું કામ આપ્યું એ બરાબર કરી ગયો છે. એક્ટીંગની જ વાત કરીએ તો એક્ટીંગનો એન્સાક્લોપેડીયા એટલે પંકજ કપૂર. ફિલ્મમાં ’મન્ડોલા નામનું કૅરેક્ટર ભજવી રહેલા પંકજ કપૂરની પર્સનાલિટી છે. એક દારૂ પીધા પહેલાની અને બીજી દારૂ પીધા પછીની. દારૂ પીધા પછી પંકજ કપૂર એક ઉદાર, ખેડૂતોને પ્રેમ કરતો, મટરુનો મિત્ર અને દારૂ પીધા પહેલા કે ઊતર્યા પછી એક બિઝનેસમૅન. જે ખેડૂતોની જમીન પડાવવા માગે છે અને ત્યાં સ્પેશિયલ ઇકોનોમીક ઝોન બનાવવા માગે છે. અનેકવાર દારુ પીવાનું છોડવાની વાત કરતા પંકજ કપૂર માટે દારૂ પીવાનું બહાનું જ ઘણું છે. અસલી જિંદગીમાં ક્યારેય પણ દારૂને હાથ ન અડાડતા પંકજ કપૂરની એક્ટીંગ લાજવાબ છે. પંકજ કપૂરની આંખ, જીભ, હાથ, ચાલ બધું જ એક્ટીંગ કરતું હોય છે. માત્ર આંખના ભાવ આપીને ઘણું કહી જતા પંકજ કપૂર માટે તો આ ફિલ્મ જોવું જ જોઈએ.



        ફિલ્મ માટે દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ અલગ હોય છે. હું વિશાલ ભારદ્વાજને સારા ડિરેક્ટર માનુ જ છું એમ છતા મને ’મકબૂલ, ’ઓમકારા કરતા આ ફિલ્મ વધારે ગમ્યું. ’સાત ખૂન માફ ક્રિટીક્સની દ્રષ્ટિએ ખાસ ફિલ્મ ન હતું પણ મને ગમેલુ. આ રીતે જ આ ફિલ્મ મને વિશાલ ભારદ્વાજના એક કેટેગરીના ફિલ્મ્સમાં મૂકવા લાયક લાગ્યું. ફિલ્મનું મ્યુઝિક વિશાલ ભારદ્વાજે જ આપ્યું છે. ફિલ્મના મ્યુઝિક માટે પૂરા માર્ક્સ આપવા જ પડે. ગુલઝારે આ પહેલાના વિશાલ ભારદ્વાજના લગભગ બધા જ ફિલ્મ્સમાં ગીતો લખ્યા છે. આ ફિલ્મમાં પણ આ પરંપરા ચાલુ રહી. ગુલઝાર ક્યારે ક્યા શબ્દોનો કેમ ઉપયોગ કરે એ સમજવું અઘરું છે અને એટલે જ ગુલઝાર શ્રેષ્ઠ લેખક બની શક્યા છે. ફિલ્મનું ગીત ’ખામખા સાંભળશો એટલે સમજાય જશે.



        દરેક પાત્ર પોતાના પાત્રને ન્યાય આપે છે પણ ફિલ્મમાં એમ છતા થોડીક ક્ષતિઓ દેખાય આવે છે. કદાચ આ ફિલ્મ બનાવતા પહેલા વિશાલ ભારદ્વાજ નક્કી નહીં કરી શક્યા હોય કે ફિલ્મ ક્લાસ પબ્લિક માટે બનાવવું કે માસ માટે. માસ માટેની વાતો ઉમેરતા ક્યાંક ક્લાસીકનેશ ચૂકાઈ ગઈ છે. જેમ કે ફિલ્મની શરૂઆત થાય છે ત્યારે લીમોઝન એક દેશી દારુના ઠેકાની અંદર પંકજ કપૂર ઘુસેડે છે. તમે ફિલ્મ જોઈને આવો પછી વિચારજો કે છેક ગામની બારોબાર, ખેતરોની વચ્ચે અને રોડ વચ્ચોવચ આ ઠેકો કેમ રાખવામાં આવ્યો હશે? વિશાલ ભારદ્વાજ જેવા ડિરેક્ટર આવી વસ્તુ ચૂકે તો શંકા જાય જ કે આ માસનું ફિલ્મ છે કે ક્લાસનું. સ્ટારની વાત આવે તો આવી ક્ષતિ છતા પૂરા ચાર સ્ટાર આપવા જ પડે.



પેકઅપ:
પત્ની: " જુઓ છાપામાં લખ્યું છે કે આ વર્ષે દારૂને લીધે આપણા શહેરમાં ૫૦૦ વ્યક્તિ ગુજરી ગયા"
પતિ: "શું વાત કરે છે? આજથી બંધ..."
પત્ની: "શું?"
પતિ: "છાપું"

Friday, 4 January 2013

ટેબલ નં. 21 : રસ ન પડે તેવી રમત



       



        ફિલ્મ રીલીઝ કરવા માટે ઘણીવાર એક સારો સમય નક્કી થતો હોય છે તો ઘણીવાર વગર વિચાર્યે ફિલ્મ રીલીઝ થતું હોય છે. તો પણ સારી ફિલ્મ્સ હંમેશા બીજી ફિલ્મ સાથે કોમ્પીટ કરવામાં પાછળ ન રહી જાય એ માટે ખાસ સમયે રીલીઝ થતી હોય છે. બોલીવુડ માટે નવા વર્ષમાં ધંધો મેળવી લેવાની આશાથી આ શુક્રવારે એક સામટી ત્રણ ફિલ્મ રીલીઝ થઈ. ’દેહરાદૂન ડાયરી, ’રાજધાની એક્સપ્રેસ અને ’ ટેબલ નં. 21’. સામાન્ય રીતે એક વિચાર કરીએ તો ’દેહરાદૂન ડાયરીમાં રતિ અગ્નિહોત્રી સિવાય કોઈ જાણીતા કલાકારો નથી એટલે સૌથી પહેલા વોચ લીસ્ટ માંથી બાદ થઈ ગઈ, આ પછી નક્કી કરવાનું હતું એક ફિલ્મ. ફિલ્મમાં જ્યારે પરેશ રાવલ હોય ત્યારે પહેલી પસંદગીમાં ’ ટેબલ નં. 21’ આવે એ વાજબી છે. ફિલ્મની વાર્તા વિશે ચર્ચા કરીશું જ પણ એ પહેલા કહી દઉં કે ’ ટેબલ નં. 21’ એ એક ગેઈમનું નામ છે પણ આ રમતમાં રસ પડે એમ નથી...

        ફિલ્મના લોંચીંગ માટે ખૂબ તૈયારીઓ કરવામાં આવી હતી. કલાકારોની પસંદગી માટે પણ પૂરતો સમય લેવામાં આવ્યો હતો. ફિલ્મમાં સૌથી પહેલું કાસ્ટિંગ પરેશ રાવલનું થયુ હતું અને પરેશ રાવલના દેખાવ પર ખૂબ વિચાર કરવામાં આવ્યો હતો. પરેશ રાવલ એક અનોખાં લૂકમાં ચોક્કસ પણે જોવા મળ્યા પણ એમનું એક ખાસ લૂક અને એવરગ્રીન એક્ટીંગ નબળી વાતને કેમ ઉગારી શકે? રાજીવ ખંડેલવાલને ફિલ્મમાં સિલેક્શન મળવાનું કારણ રાજીવનો હીટ શો ’સચ કા સામના હતો. આ ફિલ્મનો પણ આ પ્રકારનો જ થીમ હોવાથી ડિરેકટરે માન્યું કે રાજીવ જ સાચું સિલેક્શન સાબિત થશે. રાજીવે પૂરતી મહેનત કરી પણ જામ્યું નહીં તો નહીં જ. ફિલ્મમાં હીરોઇન ટીના દેસાઈ સિલેક્ટ થઈ. ટીનાનું બ્રીટીશ ડ્રામા ’ધ બેસ્ટ એક્ઝોટીક મેરીગોલ્ડ હોટેલ લોકોને ખૂબ પસંદ પડ્યું હતું. એ પછી તો ટીનાનું ફિલ્મ ’યે ફાંસલે તો એકદમ ફ્લોપ રહ્યું હતું. અહીં ફિલ્મમાં ઇન્ટરવલ સુધી ટીના જોવી ગમે છે પણ ઇન્ટરવલ પછી ટીના જરા પણ સારી લાગતી નથી. એકાએક ટીના માંથી હીરોઇન મટીરિયલ દૂર થઈ ગયુ હોય એવો અહેસાસ થાય છે. બાકી સપોર્ટીંગ કલાકારોમાં કોઈ ખાસ કંઈ ઉકાળી શક્યું નથી.

        આદિત્ય દત્તની આ પહેલી મહત્વાકાંક્ષી ફિલ્મ કહી શકાય. આ પહેલા આદિત્ય એકાદ બે ફિલ્મ્સ લખી ચૂક્યો છે. ’આશીક બનાયા આપનેની વાર્તા આદિત્યની લખેલી હતી. ’ગુડ લક આદિત્ય ડિરેક્ટ પણ કરી ચૂક્યો છે પણ આ ફિલ્મ માટે આદિત્યને ખૂબ આશા છે. હવે જો ફિલ્મ હીટ જાય તો ઠીક છે (જાય એવું તો લાગતું નથી) બાકી તો આદિત્ય હજુ યંગ છે એટલે ફરી સુનીલ લુલ્લા અને વિક્કી રાજાણી જેવા પ્રોડ્યુસર્સ મળી જ રહેશે. આદિત્ય માટે સૌથી સારી ઘટના એ રહી કે ઇરોઝ દ્વારા ફિલ્મ ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવી. આશા રાખીએ કે ફિલ્મ ખર્ચ તો કાઢી જ લેશે. આમ જુઓ તો આદિત્ય વધુ કંઈ કરી શકે એમ નહોતો કેમ કે વાત જ ખૂબ નબળી છે. શીર્ષક, શાંતનુ, અભિજિત અને આદિત્ય પોતે ફિલ્મની વાર્તા લખવા માટે પૂરતી મહેનત કરી, ચાર ચાર રાઇટર્સ તો પણ એક ચોંટી જાય તેવી વાત ન બનાવી શક્યા તો ન જ બનાવી શક્યા. હશે ઑડિયન્સ ના નસીબ બીજુ શું?

        ’ટેબલ નં. 21’ ફિલ્મ માટે પ્રોડ્યુસર્સ તરફથી ખર્ચ કરવાની પૂરી છૂટ હતી. ફિલ્મ માટેનું બૅકગ્રાઉન્ડ ’ફીજી નક્કી થયું. ’ફીજી વિશે વાંચકો ન જાણતા હોય તો કહી દઉં કે ’ફીજી ગણતંત્ર માટે એવું કહેવાય છે કે ત્યાં સુંદરતા છલોછલ છે. ’ફીજીના બીચ એક થી એક ચડે એવા છે. ’ફીજી પર ઘણા પ્રાઇવેટ આઇલેન્ડ્સ છે જે ખૂબ સુંદર છે. આ ફિલ્મ માટે જ્યારે આટલું સુંદર લોકેશન હોય ત્યારે સિનેમેટોગ્રાફી તો સુંદર થઈ જ શકે. સિનેમેટોગ્રાફર જેટલું બને એટલું સુંદર ’ફીજી અને સાથેસાથે હીરો-હીરોઇનને પણ સુંદર બતાવવાની કોશિશ કરી પણ અગેઈન એન્ડ અગેઈન યાર વાત સરસ ના હોય તો કોઈ પણ શું કરી શકે?

        ભારતથી લઈને ગમે તેટલા દેશનો ઇતિહાસ તપાસો તો તમને જોવા મળશે કે ગેઈમ એ આપણો શોખનો વિષય રહ્યો છે. આટલાં વર્ષો પછી પણ ’કૌન બનેગા કરોડ પતિ હીટ શો જ છે. અને જો આ પ્રકારના શો અંદર જો રીયાલીટી ઉમેરાય તો? આ કારણોથી ’સચ કા સામના ભારતમાં ખૂબ હીટ રહેલી સિરિયલ બની શકી. ફિલ્મનો થીમ આ બંને વાત પર અટકેલી છે. ફિલ્મની વાત એક મધ્યમ વર્ગના કપલ પર અટકેલી છે. વિવાન અને સીર્યા એક મધ્યમ વર્ગનું કપલ છે. એક કોમ્પીટીશનમાં એ એક ટ્રિપ જીતે છે. વિવાન સપના સાથે જીવતો યુવાન છે અને સૂર્યા ઘણા સ્વપ્નો સાથે જીવતી પત્ની છે. આ ટ્રિપમાં અચાનક એમને એક આઇલેન્ડ પર જવાનું આમંત્રણ મળે છે. આ આમંત્રણને સ્વીકારીને બંને એક આઇલેન્ડ પર જાય છે. આ આઇલેન્ડ પર એમની મુલાકાત મી. ખાન સાથે થાય છે. મી. ખાને એમને એક ગેઈમ રમવા માટે પ્રોત્સાહિત કરે છે. આ ગેઈમના થોડાક નિયમો છે. એક આ ગેઈમમાં એક સવાલ સાથે એક ટાસ્ક આપવામાં આવે છે, બે આ ગેઈમ છોડીને પ્લેયર જઈ શકતો નથી, જો પ્લેયર ખોટું બોલે તો એને મારી નાખવામાં આવશે. પ્લેયર્સે માત્ર આઠ સવાલ અને આઠ ટાસ્ક પુરા કરવાના છે અને ઇનામ છે   મીલીયન ફીજી ડોલર્સ એટલે કે ૨૧ કરોડ રૂપિયા.  એક  સ્ત્રીની લાલચ અને એક બેકાર યુવાનના ફ્યુચર માટે આ રૂપિયા પૂરતા છે.  સ્ત્રીની લાલચ પુરુષને ગેઈમ રમાડવા માટે તૈયાર કરી લે છે. શરૂઆત તો ખૂબ સારી અને સહેલી રહે છે પણ જેમ જેમ ગેઈમ આગળ વધતી જાય છે તેમ તેમ વાતો જટિલ થતી જાય છે. વચ્ચે આ કપલ ગેઈમ છોડવાની પણ વાત કરે છે પણ ફોર્સ ફુલ્લી ગેઈમના રુલ મુજબ એમને ફરજિયાત રમવા માટે મજબૂર કરવામાં આવે છે. જેણે પણ સ્ક્રીનપ્લે લખ્યો છે એ ગણિતના માસ્ટર નહીં જ હોય કેમ કે આ ગેઈમમાં કુલ આઠ સવાલ જ છે અને પાંચ સવાલ સુધી તો દરેક સવાલ દીઠ માત્ર એક કરોડ રૂપિયા જ મળે છે. જો તમે આખુ ફિલ્મ જોઈને આ ૨૧ કરોડ કેમ થાય છે એ કહી શકો તો મારા તરફથી  રૂપિયાનું ઇનામ ચોક્કસ પણે લઈ જ જજો. ગેઈમ ધીમે ધીમે કરતા છેલ્લા સવાલ પર પહોંચે છે અને છેલ્લા સવાલ પર બધા જ ખુલાસા થાય ત્યારે ખબર પડે કે આ તો કોથળાં માંથી બિલાડું નીકળ્યું.  હવે યાર રાઇટર્સ છે તો ગમે તે વાત ને ગમે ત્યાં જોડી શકે! મી. ખાન આ ગેઈમ રમાડે છે એ પાછળનું કારણ છે એનો છોકરો અક્રમ. એકાએક જ છેલ્લે એક નવી વાર્તા નીકળે કે મી. ખાનના છોકરાને કૉલેજમાં આ કપલે રેગીંગ કરેલું અને છોકરો તૂટી ગયેલો. તમે જ્યારે એક જોરદાર સસ્પેન્સની રાહ જોતા હો અને અચાનક જ ખબર પડે કે ઓહો! આ તો સાવ આટલી અમસ્તી વાત હતી! આ દ્રષ્ટિએ ફિલ્મ જુઓ તો બસ તમે છેલ્લી  મીનીટ જોઈ લો તો એક સારુ શોર્ટ મૂવી જોઈને બહાર નીકળા હો એવું લાગે. કોઈ પણ ગેઈમ જ્યારે ખેલાડીની ક્ષમતા અને ખેલાડીની મરજીથી રમાતી હોય ત્યારે એ ગેઈમ ઇન્ટરેસ્ટિંગ છે પણ જો એ ગેઈમ ફરજિયાત હોય તો ગેઈમની મજા કરતા મજબૂરી બોર કરતી જાય છે.

        ફિલ્મ માટે જો કોઈને પણ દોષ દેવો હોય તો સ્ક્રીનપ્લે અને વાર્તાને દઈ શકાય. ચાર ચાર રાઇટર્સ ભેગાં થાય તો પણ ન્યાયની વાત ન કરી શકે તો લેખકોની નબળાઈ જ કહી શકાય. ફીજી જેવું લોકેશન, પરેશ રાવલ જેવો કલાકાર, બજેટની મર્યાદા વગરનું ફિલ્મ અને છતાં આટલું નબળું? હશે જેવા ઓડિયન્સના નસીબ. આશા રાખીએ કે આ ફિલ્મી લોકો એટ લીસ્ટ એકવાર ફિલ્મની કથા પર વિચાર કરે અને સારુ ફિલ્મ આપે. સ્ટારની વાત કરીએ તો ટુ સ્ટારથી વધારે આપવાની હિમ્મત થતી નથી. તમે તો ટેલિવિઝનમાં ફિલ્મની આવવાની રાહ જોજો....



પેકઅપ:
પતિ (ફોન પર): "ડાર્લિંગ મારી સાથે લંડન ટ્રિપમાં આવીશ?"
પત્ની: " હાં...હાં... પણ તમે કોણ બોલો છો?"