Thursday, 30 April 2015

ગબ્બર ઇઝ બેક: મનોરંજન ઇઝ બેક








           સમય વહેતો જતો હોય અને હીટ ફિલ્મ માટે લોકો તરસી રહ્યા હોય ત્યારે એક જ વાત ઉગારી શકે કે સાઉથની મસાલા ફિલ્મની રીમેક બનાવો! સિનેમા મનોરંજનનો વિષય છે એટલે હવે લોજિક પર લોકો ધ્યાન નથી આપતા, માત્ર અને માત્ર મઝા જ લૂટે છે. આ કારણોથી જ અગાઉ આ જ વાર્તા પર બનેલી ત્રણ ફિલ્મ હીટ ગઈ હોય ત્યારે અહીં પ્રોડ્યૂસર્સ સંજય લીલા ભણસાલી અને શબીના ખાને નક્કી કર્યું હશે કે ચલો એકવાર હિન્દીમાં પણ થઈ જાય અને તેમાં પણ વાયાકોમ 18 સાથે હોય તો મોટું રીલીઝ મળે એ ખબર જ હોય. આ વાર્તા પરની પહેલી ફિલ્મ હતી ’રમના’ ૨૦૦૨માં તામિલ ભાષામાં હતી અને એ ફિલ્મ બધા જ રેકૉર્ડ તોડવા સમર્થ બની હતી. આ પછી તરત જ ૨૦૦૩ની સાલમાં તેલુગુ ’ટાગોરે’ બની અને ૨૦૦૫માં કન્નડ ’વિશ્નુસેના’ બની. આ રીતે આ થયું ચોથું વર્ઝન. આગલી ત્રણ ફિલ્મ સારી જ રહી છે તો પછી રહી જતી થોડી ઘણી ખામી પણ દૂર કરવાનો મોકો મળે. માત્ર ફિલ્મને ફિલ્મ તરીકે જે જોવો તો કહેવું પડે કે મનોરંજન ઇઝ બેક...


          સાઉથમાં ઘણી હીટ ફિલ્મ આપી ચૂકેલા ક્રીશનું હિન્દી ફિલ્મમાં આ પહેલું ડિરેક્શન છે. જો પ્રભુ દેવા હિન્દી ન જાણતા હોવા છતા હીટ ફિલ્મ્સ આપી શકતા હોય તો ક્રીશને તો ભાંગ્યું તૂટ્યું હિન્દી પણ આવડે છે. સંજય લીલા ભણસાલી પાસે આ પ્રસ્તાવ ક્રીશે જ મૂકેલો કે આ વિષય પર ફિલ્મ બનાવવા જેવી છે અને જેનો સંજયે સ્વીકાર કર્યો. આમ તો બધાની ઇચ્છા આ ફિલ્મનું ટાઇટલ ’રમના’ જ રાખવાની હતી પણ સંજયભાઈ તરફથી રૂપિયા ઉપરાંત પણ કંઈક તો યોગદાન જોઇએ કે નહીં? તો સંજયભાઈએ ફિલ્મનું ટાઇટલ ’ગબ્બર ઇઝ બેક’ નક્કી કર્યું. ફિલ્મ માટે જેટલું જરૂરી હતું એ બધું જ મેનેજ કરીને એક લોકોને ખુશ કરતી ફિલ્મ આપવાનો તેમનો આ સફળ પ્રયોગ કહી શકાય...


          અક્ષય કુમાર છેલ્લા ઘણા સમયથી માત્ર અને માત્ર ઍક્શન ફિલ્મ્સ જ કરી રહ્યા છે. આ વાત એટલી જ અઘરી છે કેમ કે કોમૅડીમાં તેમણે પોતાની જાતને સાબિત કરી બતાવી છે અને છતા કોમૅડીનો સ્વીકાર ન કરવો. એક વાત તો છે જ કે હવે અક્ષયની ઉમર દેખાય છે એટલે કેમિયો રોલમાં કરીના ખાન અને  શ્રુતિ હાસન બંને સામે વડીલ લાગે છે. શ્રુતિને આમ તો ફિલ્મ ગળથૂથીમાં જ મળી છે. ૨૦૦૦ની સાલમાં હોમ પ્રોડક્શનની ફિલ્મ ’હે રામ’માં એક નાનો રોલ કર્યા પછી ઘણી ફિલ્મ્સ કરી પણ સાવ કોમર્સિયલ કહી શકાય તેવી આ પહેલી ફિલ્મ ગણી શકાય.  સુમત તલવાર તામિલ અને તેલુગુમાં ઘણી ફિલ્મ કરી ચૂક્યા છે. મારી જાણમાં છે ત્યાં સુધી કદાચ આ તેમનું પહેલું હિન્દી ફિલ્મ છે. જયદીપ આહલાવત પણ ખૂબ સારા રોલમાં છે. જયદીપનું એક્ટીંગ જોવું હોય તો બસ એક વાર ’ગેંગ્સ ઑફ વસ્સેપુર’ નો પહેલો ભાગ જોઈ લેવો. આ ફિલ્મમાં સ્પેસિયલ કમાન્ડરના રોલમાં જયદીપ ભલે ઇન્ટરવલ પછી આવે પણ રોલ ઊડીને આંખે વળગે તેવો છે. સુનીલ ગ્રોવર કોન્સ્ટેબલના રોલમાં છે. સુનીલ પણ ૨૦૦૨થી ફિલ્મ સાથે જોડાયેલા છે. જો કે અત્યાર સુધીમાં સુનીલને માત્ર ૮ ફિલ્મ્સ જ મળી છે પણ હાં ટેલિવિઝનમાં તેમની સારી બોલબાલા રહી છે. સુનીલના પાત્રને પણ ખૂબ સારુ વજન આપવામાં આવ્યું છે. મૂળ નામ મંજુ વ્યાસ પણ સ્ક્રીનનું નામ ઈશિતા વ્યાસ વિણાના પાત્રમાં છે. ઇશિતાએ ૨૦૧૦માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો અને તરત જ તેને સારી ફિલ્મ ’પીપલી લાઇવ’ મળી. આ પછી લગભગ ૪ ફિલ્મ કરી પણ ઇશિતાને વધારે તો ટેલિવિઝનને લીધે જ લોકો ઓળખે છે...


          ફિલ્મ એવું માધ્યમ છે જ્યાં લોકો જે કરી નથી શકતા એ હીરોને કરતો જોવો ગમે છે. આમ જુઓ તો દરેક સામાન્ય માણસ સપના જોતો જ હોય છે અને પોતાની કલ્પનાની ઇમારત ઊભી કરતો જ હોય છે પણ ફિલ્મમાં તાદ્દશ નજર આવે તો રંગત જામી જાય. અક્ષય કુમારની પત્ની કરીના પ્રેગનેન્ટ છે અને અચાનક જ બિલ્ડર સુમત તલવારના કરપ્શનથી મંજૂરી પામેલ બિલ્ડિંગ પડી જતા મૃત્યુ પામે છે. અક્ષય બદલો લેવા જાય છે પણ દગાથી થયેલા વાર સાથે ઘાયલ થાય છે અને મૃત સમજી તેને ફેંકી દેવામાં આવે છે. મેડિકલ સ્ટૂડન્ટ્સની એક બસ ત્યાં પહોંચે છે અને તેને બચાવે છે. અક્ષય માટે હવે એક જ ધ્યેય છે કે કરપ્શન નાબૂદ કરવું. આ માટે અક્ષય તેની પોતાની યુવાનોની એક ફોજ બનાવે છે જે સૌથી કરપ્ટ ઓફીસર્સને પકડે છે અને પછી ટોપ પર હોય એવા ઓફીસરને મારીને જાહેરમાં ફાંસી આપી દે છે. આ વાતનો ડર કરપ્ટ લોકોમાં બેસતો જાય છે અને કરપ્શન નાબૂદ થવા લાગે છે પણ વાર્તામાં ફેર ત્યાં આવે છે કે શ્રુતિના એક એક્સીડન્ટને લીધે એક હોસ્પિટલમાં જતા ત્યાં તેને હોસ્પિટલમાં ચાલતી અનીતિની ખબર પડે છે. અક્ષય એક મડદાને લઈને ત્યાં જાય છે જે જીવે છે તેમ કહીને હોસ્પિટલ તેની પાસ રૂપિયા માંગતી રહે છે. અક્ષય આ આખી વાત સામે લડે છે અને હોસ્પિટલને મૃત વ્યક્તિને ૫૦ લાખ આપવાનું કહે છે જેના ઝગડામાં સુમત તલવારનો પુત્ર મરી જાય છે. હવે ફરી જૂની અદાવત ખૂલે છે અને બીજી તરફ સ્પેસિયલ એપોઇન્ટેડ કમાંડો જયદીપ આહલાવત સુનીલ ગ્રોવરની મદદથી કેસ સોલ્વ કરવામાં લાગ્યા છે. સૌથી અગત્યની વાત એ છે કે સ્ટોરી લેખકે કોઈ પણ પ્રકારનો મોહ રાખ્યા વગર અક્ષયને પોલીસ સમક્ષ હાજર કર્યો છે અને પબ્લિક તેની સાથે હોવા છતા અંતનો શોટ તેને ફાંસી આપવામાં આવે જ છે....


          ફિલ્મની મૂળ વાર્તા એ.આર. મૃગદોસની છે. આ ફિલ્મનું પહેલું વર્ઝન તેમણે જ ડિરેક્ટ કર્યું હતું. ફિલ્મને ટ્રાન્સલેટ કરીને રજત અરોરાએ હિન્દીમાં લખી છે. મ્યુઝિક ચિરંતન ભટ્ટ, યો યો હની સિંઘ અને મંજ મુસીકે આપ્યું છે. બૅકગ્રાઉન્ડ સ્કોર સંદીપ ચૌટાનો છે. નિરવ શાહની સિનેમેટોગ્રાફી છે. રાજેશ પાંડે એડિટર છે. સંજય લીલા ભણસાલી સાથેના બીજા પ્રોડ્યૂસર શબીના ખાનના અક્ષય ફેવરીટ એક્ટર રહ્યા છે. શબીના આ પહેલા પણ શબીના સાથે ’રાવડી રોઠોર’ કરી ચૂક્યા છે. શબીનાની એક ખૂબી છે કે પોતે એક સમયે એક જ ફિલ્મ કરે છે અને શૂટ દરમિયાન રોજ સેટ પર હાજર રહે છે. ૧૩૧ મીનીટનો રન ટાઇમ ધરાવતી આ ફિલ્મમાં થોડી ઘણી વાત બાકી રહી હોય તો ફિલ્મનું ખોટું લંબાણ. અમુક વાત ન જરૂર હોવા છતા આવી છે અને સાથે ગીતો સારા હોવા છતા ફિલ્મને ડીસ્ટર્બ તો કરે જ છે. એક મનોરંજક ફિલ્મની દ્રષ્ટિએ જ આ ફિલ્મ ૩ સ્ટાર ડીઝર્વ કરે છે...




પેકઅપ:

"રૂપિયા રોકીને મૂર્ખ બને એ પ્રોડ્યૂસર અને રૂપિયા આપીને મૂર્ખ બને એ ઑડિયન્સ"

Friday, 24 April 2015

કાગઝ કે ફૂલ્સ: એપ્રિલ મહિનાનું ફૂલ






          ભારતની પ્રજા કેટલી હદે ક્રિકેટ પ્રેમી છે તે રીલીઝ થતી ફિલ્મ્સ પરથી સમજી શકાય છે. છેલ્લા બે અઠવાડિયાથી રીલીઝ થતી દરેક ફિલ્મ જુઓ તો ખબર પડશે કે જે ફિલ્મ્સને રીલીઝ જ ન મળી શકે તેવી ફિલ્મ્સ જ રીલીઝ થઈ રહી છે. આ અઠવાડિયાની જ વાત કરો તો આ સાથે જ રીલીઝ થયેલી બીજી ફિલ્મ ’ઇશ્ક કે પરીંદે’ પણ ઘણા સમયથી રીલીઝ શોધી રહી હતી જેને આજે રીલીઝ મળ્યું. આ રીતે જ ’કાગઝ કે ફૂલ્સ’ને પણ મહા મહેનતે રીલઝ મળ્યું. જો કે એક વાત ખૂબ જ પોઝીટીવ હતી ફિલ્મનું કાસ્ટિંગ જેને કારણે ફિલ્મ પડદા પર આવી શકી પણ માત્ર કાસ્ટ પર ફિલ્મ ચાલે એવું હોત તો પરેશ રાવલ, અનુ કપૂર, નસીરૂદ્દીન શાહ જેવા મહાન કલાકારોને લઈને બનાવેલું ’ધરમ સંકટ મેં’ પણ કોઈના ધ્યાનમાં ન આવ્યું. ફિલ્મના નામમાં ફુલ નહીં પણ ફૂલ્સ એટલે કે પાગલોની દુનિયા દર્શાવવાની કોશિશ કરી છે અને તમને ફિલ્મ જોઈને ચોક્કસ લાગશે કે આ એપ્રિલ મહિનામાં તમે પણ ફૂલ બની જ ગયા...


            જ્યારે ફિલ્મનો રન ટાઇમ ઓછો હોય ત્યારે ફિલ્મ વધારે ક્રીસ્પી બને છે પણ આ ફિલ્મનો રન ટાઇમ માત્ર ૧૧૦ મીનીટ હોવા છતા ફિલ્મ ખૂબ જ લાંબી લાગશે. આજ દિવસ સુધી તમે ખરાબ ફિલ્મ જોતા હો અને વચ્ચે છોડીને જાવ તો તમને પૂછવાની ઇચ્છા થશે કે પછી આ વાતનું શું થયું? પણ આ ફિલ્મ એટલી ગેરંન્ટેડ ફિલ્મ છે કે તમે ગમે ત્યાંથી છોડીને જાવ કોઈ પણ પ્રશ્ન ઊભો નહીં જ રહે. અનીલ કુમાર ચૌધરીની આ પહેલી ફિલ્મ છે. અનીલ કુમારે જ સ્ક્રીનપ્લે, ડાયલૉગ અને સ્ટોરી બધું જ લખ્યું છે. દરેક ક્રીએટરને પોતાનું ક્રીએશન ગમતું જ હોય પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલો જ ફેર છે કે ત્યાં માત્ર વખાણ જ સાંભળવા મળે, ક્યારેય કોઈ ખરા અર્થમાં સમજાવે કે આવી સ્ટોરી ન ચાલે એ કહેવાની હિમ્મત કોઈમાં નથી હોતી. આ કારણે જ ફિલ્મની કથા જરા પણ આગળ વધતી નથી જે સીધુ જ દેખાય આવે છે. અનીલ કુમારના ઇન્ડસ્ટ્રીમાં સંબંધો સારા હશે કેમ કે વિનય પાઠક, સૌરભ શુક્લા, મુગ્ધા ગોડસે, રાઇમા સેન, રાજેન્દ્ર શેઠી, અમીત બહેલ જેવા કલાકારોને આટલું ખરાબ ફિલ્મ કરવા માટે મનાવી શક્યા...


            ફિલ્મની શરૂઆતમાં જ હથોડા છાપ કૉમેડી આપવામાં આવી કે મરી ગયેલો માણસ વિનય ચોપરા છે કે નહીં તેની તપાસ કરવા માટે  વિનયનો સાળો સૌરભ શુક્લા અને વિનયની પત્ની મુગ્ધા ગોડસે આવે છે. લાશ જોઈને સૌરભ શુક્લા રડે છે. મુગ્ધાના ઓવર રીએક્શન પર કહે છે કે લાશ વિનયની નથી, તો રડે છે શા માટે એવા સવાલ પર કહે છે "કોઈ તો મરા હૈ ઇસ લીએ રો રહા હું". આ હથોડા સતત ચાલુ જ રહે છે. વાત ત્યાંથી ફ્લેશબેકમાં જાય છે. એક પાર્ટીમાં એક રાઇટર અમીત બહેલ મુગ્ધાને સંભળાય તેમ કહે છે કે તેની નોવેલ દર ત્રણ મહિને છપાય છે અને ઘણી નકલો વેચાય ગઈ છે. આ પછી ધાર્યા મુજબ જ પત્ની રાઇટર પતિ પર રાડો પાડે છે કે તેને આગળ નથી વધવું. પત્નીની ટકટકથી કંટાળીને વિનય ઘર છોડી એક બારમાં જાય છે અને જુગાર રમે છે જ્યાં તે જીતે પણ છે અને તેની મુલાકાત રાયમા સેન જે પ્રોસ્ટીટ્યૂટ છે તેની સાથે થાય છે. ખૂબ દારુ પીધેલો વિનય રાયમા સાથે જાય છે અને પોલીસમાં પકડાય જાય છે. આ વાત ઘેર ફોન પર કરે છે તો પત્ની ક્યારેય મોઢું ન બતાવવાનું કહે છે. વિનય રાયમા સાથે રહેવા લાગે છે અને ફરી એકવાર રાજેન્દ્ર શેઠીના બારમાં રમવા જાય છે જ્યાં દસ લાખ જીતે છે. આ તરફ પત્ની માવતર જાય છે અને કોઈ ઘટના વગર બસ ખટપટ ચાલતી રહે છે. વિનય તેની એક બૂક ’એક ઠહેરી હુઈ જિંદગી’ લઈને એક પબ્લીસર પાસે પોતાની બૂક છપાવવા માટે જાય છે પણ રાઇટર સસ્તું સાહિત્ય ઉમેરવા કહે છે. હવે કોઈ કારણ વગર જ વિનય ફરી ઘેર પાછું ફરવાનું નક્કી કરે છે ત્યાં રાજેન્દ્ર શેઠીના માણસો ઉઠાવી જાય છે. ત્યાંથી પોતાની સીધી સારી વાતોથી છૂટે છે અને ઘેર જાય છે. આ તરફ રાયમા સેન તેની નોવેલને ’એક ઠરકી હુઈ જિંદગી’ નામ સાથે રી-રાઇટ કરે છે અને પબ્લીસરને પબ્લીસ કરવાનું કહે છે. નોવેલ માર્કેટમાં આવી જાય છે. આ વાતથી નારાઝ વિનય પોતાની બૂક્સ પાછી ખેંચવા કહી આવે. વાત પૂરી ન કરતા રાયમા અને મુગ્ધાને ભેગાં કરવામાં આવે અને અંત પણ બસ હવે આવું નહીં કરુ કહ્યા પછી પણ ફરી એજ ટકટક શરૂ છે...


            વિનય પાઠક ખૂબ જ સારા આર્ટિસ્ટ છે પણ તેમણે કોણ જાણે કેમ આ ફિલ્મ સિલેક્ટ કરી હશે એ જ સમજી નથી શકાયું! ફિલ્મમાં કાસ્ટિંગ ડિરેક્ટર અમસ્તાં નહીં રાખવામાં આવતા હોય. કાસ્ટિંગ ડિરેક્ટર પાત્ર મુજબનું કાસ્ટિંગ કરે છે. અહીંયાં વિનય સાથે મુગ્ધા ગોડસેને સિલેક્ટ કરવામાં આવ્યા છે. કોઈ પણ એંગલથી મુગ્ધા વિનયની પત્ની નથી લાગતી. જો દ્ગશ્ય મ્યુટ રાખીને જુઓ તો બાપ-દીકરીનો પ્રેમ દેખાય. રાયમા રૂપિયા માટે જ વિનય સાથે હોય કેમ કે એ તેનો ધંધો છે પણ ક્યારેય રૂપિયા પાછળ દેખાણી નથી વળી જુગારમાં જીતેલા રૂપિયા ઉપરાંત તેની પાસે વધારે કોઈ રૂપિયા નથી તો કેમ આટલી સુંદર પ્રોસ્ટીટ્યૂટ વિનય પાછળ છે? આ વાત સમજવી પણ અઘરી જ છે. વળી સ્ક્રીનપ્લે લેવલ પર એટલું ખરાબ લખાયું છે કે વારંવાર ભૂલો સામે આવે છે. વિનય જુગારના જીતેલા રૂપિયા લઈને થેલામાં મૂકે છે અને ઘેર આવી ખીસ્સા માંથી કાઢીને રૂપિયા આપે છે. ફોન પર વાત કરતા મુગ્ધાનું ફ્રીજ ખુલ્લું રહી જાય છે પણ કટ શોટમાં બંધ થઈ જાય છે. પાર્ટીની અંદર ચાલતી વાત અને વિનયના અંદર જવા વચ્ચેનો સમય સ્ક્રેનપ્લેમાં લખવાનું રહી જ ગયું છે...


            ફિલ્મનું મ્યુઝિક સંગીતા પંતે આપ્યું છે અને ખરેખર સારા ગીતો છે પણ એટલી જ હદે ખરાબ નમૂનો બૅકગ્રાઉન્ડ સ્કોર છે જે સુરેન્દર સોડીનો છે. અનીકેત ખાંડગલેની સિનેમેટોગ્રાફી પણ લગ્નના શોટ હોય તેવી છે. એક પણ એંગલે કે એક પણ કટિંગ ફિલ્મ લેવલના નથી. કૉમેડી ફિલ્મ સૌથી અઘરી છે, અન્ય કોઈ ઝોનરની ફિલ્મ હોય તો ચાલી જાય પણ કૉમેડી ટાઇમીંગ અને હાર્ડ કોર લેખકની જ ફિલ્મ હોય છે. આ ફિલ્મમાં બે માંથી એક પણ વાતનો કમાલ નથી. સ્ટાર આપવાની બહુ જ હિમ્મત કરીએ તો ફિલ્મ બનાવવાની શક્તિ માટે ૧ સ્ટાર આપી શકાય....




પેકઅપ:

"કાર, મોબાઇલ, ટીવી અને પત્નીનું સારુ મોડેલ હંમેશા બીજા પાસે જ હોય છે"

Friday, 17 April 2015

મી. એક્સ: સારુ 3D, ખરાબ સ્ટોરી



         


       ટેક્નોલૉજી ક્ષેત્રે ભારત પણ હવે બીજા દેશોથી પાછળ નથી રહ્યું. આ પાછળનું કારણ પણ સાવ સરળ છે કે જે રીતે ભારતના સિનેમાનો ધંધો વિકસતો જાય છે એ રીતે તેની પાછળ થતો ખર્ચ પણ વધતો જ જવાનો. જ્યારે ૩ દિવસમાં જ ફિલ્મ આખીનો ખર્ચ નીકળી જતો હોય અને ફિલ્મ નફો પણ રળી લેતી હોય ત્યારે ટેક્નોલૉજીથી ફિલ્મને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ ન કરવામાં આવે તો જ નવાઈ પામવા જેવી વાત કહેવાય! ખાસ કરીને વિક્રમ ભટ્ટ માટે તો હવે 3D શોખ બની ગયો છે ત્યારે બેસ્ટ શું આપી શકાય તેના પ્રયત્નો હોય જ. હાં, એ વાત અલગ છે કે એક સમયે 3D સિનેમા ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી, જ્યારે અત્યારે હીરોઇન થોડી વધારે નજીકથી જોઈ શકાય એ રીતે બનાવવામાં આવે છે. ’મી.એક્સ’ બધી જ રીતે ખૂબ સારા 3Dનું ઉદાહરણ છે પણ હરી ફરીને જ્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી થાપ ખાય છે તે અહિંયાં પણ થયું કે સારી સ્ટોરીનો અભાવ દેખાય જ આવે છે....

         
          ફિલ્મની વાર્તાની શરૂઆત એક આતંકવાદી બસ પર કબજો કરીને બેઠો છે જ્યાં ઇમરાન અને અમીરા પોલીસ ઓફીસર તરીકે ડ્યૂટી પર છે. ધાર્યા મુજબ જ બસને મુક્ત કરાવે છે. આ પછી ઇમરાન અને અમીરા બંને એક બીજાને અનહદ પ્રેમ કરે છે તે બતાવવામાં આવે છે. ઇમરાન અમીરા લગ્નનું નક્કી કરે છે. બીજા દિવસે જ્યારે બંને લગ્ન કરવાના હોય છે ત્યારે જ મુખ્યમંત્રીને બચાવવાની ડ્યૂટી સોંપવામાં આવે છે. આ ડ્યૂટી સમયે અમીરા જે રૂમમાં છે તેના પર સ્નાઇપર દ્વારા નિશાન પર રાખવામાં આવે છે અને ઇમરાનને જ મુખ્યમંત્રીને મારવાનું કામ સોંપવામાં આવે છે અને તે પણ તેના જ ચીફ અરૂણોધય સિંઘ દ્વારા. પ્રેમને પસંદગી આપતા ઇમરાન મુખ્યમંત્રીને મારી નાખે છે. આ પછી ઇમરાન એક કેમિકલ ફૅક્ટરીમાં ભાગીને જાય છે જ્યાં અરુણોધય અને તેમના સાથીઓ પકડીને આખી ફૅક્ટરીને ઉડાડી દે છે. પણ ઇમરાન પાસે તેના મિત્રની બહેને આપેલી ભગવાનની મૂર્તિ હોય પછી કંઈ થાય? ઇમરાન તેના મિત્ર પોપોને ફોન કરે છે અને તે તેની બહેન જે એક ફાર્માસ્યૂટીકલ કંપનીમાં કામ કરે છે ત્યાં લઈ જાવામાં આવે છે. જ્યાં તેને બચાવવા માટે એન્ટી રેડિયેશન દવા આપવામાં આવે છે જેની અસર રૂપે ઇમરાન અદ્રશ્ય થઈ જાય છે. બીજી તરફ અમીરા પ્રેમને બદલે નફરત કરવા લાગે છે.  ઇમરાન માટે બદલો જ બધું છે માટે તે ફૂટેલા લોકોને મારવા લાગે છે જ્યારે અમીરા પાસે ડ્યૂટી છે જ્યાં તેણે બધાને બચાવવાના છે. ઇમરાન અને અમીરા વચ્ચે સાચી હકીકતનો ખુલાસો તો થાય જ છે પણ અમીરા માટે પ્રેમ સાથે ડ્યૂટી પણ મહત્વની છે એટલે તે પોતાની ડ્યૂટીને વફાદાર રહે છે અને ઇમરાનને પકડાવી દે છે પણ આખરી પ્લાન મુજબ ચીફ અરૂણોધયને ખુલ્લો પાડે છે...


          સ્ટોરી અને સ્ક્રીનપ્લે વિક્રમ ભટ્ટના જ છે જ્યારે ડાયલૉગ શગુફ્તા રફીકના છે. આમ તો શગુફ્તા ખૂબ જ સારુ લખે છે પણ કોણ જાણે આ ફિલ્મના ડાયલૉગ્સમાં પણ દમના લાગ્યો. સ્ટોરી લેવલ પર પણ એટલાં બધા ખાંચાઓ છે કે વાત ન પૂછો. આખી ફૅક્ટરી બૉમ્બથી ઊડી ગઈ હોય પણ એક લેન્ડલાઇન ફોન ચાલુ હોય! ઇમરાન પોતાની વાત અમીરાને કેમ ના કરે એ પણ સમજાશે નહીં અને જ્યારે કહે ત્યારે તરત જ ફરી પાછો એવો ને એવો પ્રેમ જાગૃત થઈ જાય! તેના પિતાને અમીરા ઘેરથી કાઢી મૂકે અને પછી તેની પાસે જ મદદ માંગવા જાય! આટલો બધો પ્રેમ હોવા છતા ચીફ પણ ફૂટેલા છે એવું ઇમરાનનું અમીરાને ન કહેવું એ ગળે જ ઊતરતું નથી! એક વાર એવું બતાવવામાં આવે કે તેના શરીર સાથે કપડા ચોટી ગયા છે જે ક્યારેય નહીં ઉતારી શકાય એટલે આખી ફિલ્મમાં ઇમરાનને એક જ કપડામાં બતાવવામાં આવે છે પણ અમીરા સાથે બેડમાં તો બતાવવામાં આવે છે!!!


          વિક્રમ ભટ્ટના ડિરેક્શનનો અનુભવ ઓછો નથી. વિક્રમ ભટ્ટે ૧૪ વર્ષના હતા ત્યારથી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કરી દીધો હતો. મુકુલ આનંદની ફિલ્મ ’કાનૂન ક્યા કરેગા?’માં તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. તેમણે શેખર કપૂર અને મહેશ ભટ્ટને પણ આસિસ્ટ કર્યા છે. તેમના પોતાના ડિરેક્શનમાં ’જાનમ’ હતી જે મહેશ ભટ્ટે જ પ્રોડ્યૂસ કરી હતી. આ પછીની તેમની ફિલ્મ્સ ’ફરેબ’, ’ગુલામ’, ’કસૂર’, ’રાઝ’, ’આવારા પાગલ દિવાના’ બધી જ હીટ રહી. ૨૦૦૮થી વિક્રમ ભટ્ટ 3Dના રવાડે ચડી ગયા. ’૧૯૨૦’, ’શાપિત’, ’હંટેડ’ જેવી ફિલ્મ આપી. ૧૯૯૨ થી શરૂ કરીને આજની તારીખ સુધી અલગ અલગ ફિલ્મ આપતા આવ્યા છે. વિક્રમ ભટ્ટ ખૂબ જ સારા ડિરેક્ટર છે, બસ જો સ્ટોરી પર વધારે કામ કરે તો ઉત્તમ ફિલ્મ્સ આપી શકે...


          ઇમરાન સાચે જ ખૂબ સારો અભિનેતા છે જે તેણે ઘણી ફિલ્મમાં બતાવ્યું છે પણ તેનો સાચે જ દુરુપયોગ થતો હોય તેમ લાગે છે. ઇમરાન તેની ભૂમિકાને તો પણ વફાદાર હોય છે. ૨૦૦૩ની ’ફૂટપાથ’ તેની પહેલી ફિલ્મ હતી અને અત્યાર સુધીમાં પરિપકવ આર્ટિસ્ટ બની ચૂક્યો છે. અમીરા ૧૩ વર્ષની ઉમરથી જ મોડેલીંગમાં પ્રવેશી ચૂકી હતી.’ઇશ્ક’ તેનું પહેલું ફિલ્મ હતું. અમીરામાં અનુભવની ખામી સીધી જ દેખાય છે. અરુણોધય સિંઘ પણ ૨૦૦૯થી ફિલ્મ કરે છે. ’સિકંદર’, ’આયેશા’, ’મિર્ચ’, ’જિસ્મ’, ’મૈં તેરા હીરો’, અગ્લી જેવી ઘણી ફિલ્મ્સ કરી ચૂક્યો છે. પોતાનું પાત્ર આ ફિલ્મમાં નેગેટિવ હતું જેને યોગ્ય ન્યાય આપવાની કોશિશ કરી છે....


          ફિલ્મની સૌથી સારી વાત એ છે કે ફિલ્મ ઓરીજીનલ 3D કૅમેરાથી શૂટ કરવામાં આવી છે એટલે ફિલ્મ આખી જ તમને થ્રી ડાયમેન્સનમાં માણવા મળશે. ફિલ્મમાં ખાસ ટેક્નોલૉજીથી ડેપ્થ ઊભી કરવામાં આવી છે. ભલે ફ્લેટનો હોલ જ હોય પણ જ્યારે દૂર સુધી આખો હોલ નજર આવતો હોય ત્યારે દ્ગશ્યની ભવ્યતા વધી જાય છે. પ્રવિણ ભટ્ટની સિનેમેટોગ્રાફી સાચે જ કમાલ દેખાડી શકી છે. ફિલ્મના દરેક દ્ગશ્યો તેમણે સુંદર બનાવી આપ્યા છે. જીત ગાંગુલી અને અમિત તિવારીનું મ્યુઝિક સરસ છે. રાજુ સિંઘનો બૅકગ્રાઉન્ડ સ્કોર પણ સારો જ કહી શકાય. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટને પ્રોડ્યૂસરની ક્રેડિટ આપવામાં આવી છે જ્યારે વિશેષ ફિલ્મ્સને પ્રોડક્શન કંપનીની ક્રેડિટ આપવામાં આવી છે. એડિટર કુલદીપે ખૂબ સારી રીતે ફિલ્મ એડીટ કરી છે...


          ફિલ્મ જોવા પ્રેરે તેવું કોઈ તત્વ હોય તો ફિલ્મનું 3D વર્ક, બાકી જો 2Dમાં ફિલ્મ જોઈશો તો રૂપિયા પડી જશે. સ્ટોરી એક ધારી અને પ્રીડીક્ટેબલ રીતે જ ચાલી જાય છે. હીરોઇનને ખાસ્સું મહત્વ આપવામાં આવ્યું છે પણ અનુભવની ખામી ખૂબ જ જોવા મળે છે. અરુણોધય સારી રીતે કામ કરે છે પણ ઓવર એક્ટીંગ દેખાય જ છે. માટે આ ફિલ્મના ત્રીજા ડાયમેન્સન માટે ૨ સ્ટાર...




પેકઅપ:

"નાનપણમાં સારો માણસ બનવાનો શોખ હતો, બાળપણ ખતમ, વાત ખતમ"- સલમાન ખાન

Friday, 10 April 2015

એક પહેલી લીલા: દર્શકો માટે!



       
  



       માણસ ગમે તેટલો આગળ વધે પણ અમુક માન્યતાઓ ગળથૂથીમાં પિવડાવવામાં આવી હોય છે અને એ વાત હંમેશા એક ફેન્ટેસી રહી છે. જ્યારે પણ ભૂત-પ્રેતની વાત આવે ત્યારે લોકો કાન ઊંચા કરીને સાંભળવા લાગે છે અને પોતાની સાથે થયેલ એકાદ અનુભવ પણ સંભળાવી જ દે છે. આવી જ એક વાત છે પુનર્જન્મની. આગલાં ભવની અધૂરી ઇચ્છા પૂરી કરવા ફરી જન્મની વાતો આજકાલથી નથી થતી, એ તો ફિલ્મ માટે ખૂબ જ જાણીતો અને માનીતો વિષય રહ્યો છે. છેક ’મધુમતી'(૧૯૫૮)થી ચાલ્યો આવતો આ વિષય ફરી ’એક પહેલી લીલા'માં જીવતો કરવામાં આવ્યો. અગાઉ આવી ગયેલી બે ફિલ્મ્સ ’મોન્સૂન' અને ’ડીવાઇન લવર્સ'ની ઘણી વાતો આ ફિલ્મમાં ઘુસેડવામાં આવી છે પણ આગલાં બે માંથી એક પણ ફિલ્મ જેવી ગ્રીપ લઈ શકાણી નથી. લેખક ફિલ્મના અંત સુધી પહોંચતા પહેલા નક્કી જ નથી કરી શક્યા કે ફિલ્મ બનાવવા પાછળનો તેમનો હેતુ રાજસ્થાનના લોકેશન બતાવવાનો હતો, ભારોભાર ભરેલા ગીતો બતાવવાનો હતો, સેક્સ બતાવવાનો હતો કે એક સારી ફિલ્મ બનાવવાનો હતો! હવે આ પ્રશ્ન દર્શકોને પણ થશે એટલે સાચી પહેલી તો દર્શકો માટે જ કહી શકાય...


        જાણીતા કોરિયોગ્રાફર અહમદ ખાનના ભાઈ બોબી ખાન આ ફિલ્મ સાથે પોતાનું ડિરેક્શન ડેબ્યૂ કરી રહ્યા છે. જો પહેલા ડિરેક્શનની દ્રષ્ટિએ જોવામાં આવે તો મહેનત કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું પણ વાર્તા તેમણે જ લખી છે છતાં વાતને બહાર નથી લાવી શક્યા એ તેમની મર્યાદા જ ગણાય. તેમણે સંવાદો લખવા માટે બંટી રાઠોરને આપ્યા છે અને સ્ક્રીનપ્લે જોજો ખાને લખ્યો છે. સંવાદો કે સ્ક્રીનપ્લેના કોઈ પણ એંગલથી વખાણ થઈ શકે તેમ નથી...


        જય ભાનુસાલી ટેલિવિઝનમાં જાણીતું નામ બન્યા પછી ફિલ્મ તરફ વળ્યો છે પણ તેની પહેલી ફિલ્મ ’હેટ સ્ટોરી ૨' અને બીજી ’દેશી કટ્ટેબે માંથી એક પણ કમાલ દેખાડી શકી નથી અને હવે આ ત્રીજી ફિલ્મમાં પણ સ્વભાવિક છે કે લોકો જયને નહીં પણ સની લીયોનીને જ જોવા જવાના છે. સની લીયોનીને પોર્ન મૂવીમાં આખી જોઈ ચૂકેલા દર્શકો હજુ પણ થોડું જોવાની લાલચ રોકી નથી શકતા અને એટલે જ સનીને એક પછી એક ફિલ્મ મળતી જાય છે. જયની જેમ જ પોતાને પણ લોકો નહીં જુએ એ જાણતા હોવા છતા રજનીશ દુગ્ગલે પણ ફિલ્મ સ્વીકારી છે. ૨૦૦૫માં મી. ઇન્ટરનેશનલ રનર્સઅપ થઈ ચૂકેલો રજનીશ ઘણી કોમર્સિયલ કરી ચૂક્યો છે. ૨૦૦૮માં ’૧૯૨૦ તેની પહેલી ફિલ્મ હતી અને પછી લગભગ ૧૧ ફિલ્મમાં અભિનય આપી ચૂક્યો છે પણ કોઈ જાણીતી ફિલ્મનું નામ આપી શકાય તેમ નથી. પ્રિન્સ રણવિરના પાત્રમાં મોહિત આહલાવત છે. મોહિત માટે આ ફિલ્મમાં પૂરો સ્કોપ હતો અને મોહિતે તેનો પૂરો ફાયદો પણ ઉઠાવ્યો છે. ફિલ્મમાં અન્ય કોઈના હિસ્સે સારા ડાયલૉગ નથી આવ્યા પણ મોહિતને ચોક્કસ સારા સંવાદો મળ્યા છે. રાહુલ દેવ ૧૯૯૭માં ’દસફિલ્મ સાથે પ્રવેશ કર્યા પછી અનેક ફિલ્મ્સ આપી ચૂક્યા છે. રાહુલ દેવનો દેખાવ જ તેમને નેગેટિવ ભૂમિકા તરફ દોરી જાય છે અને એટલે જ લગભગ ૫૦ ઉપર ફિલ્મ કરી ચૂકેલા રાહુલને આ ફિલ્મમાં ભૈરવ નામના પાત્ર સાથે નેગેટિવ ભૂમિકા જ આપવામાં આવી છે. જશ અરોરા આ ફિલ્મ પહેલા પાંચેક ફિલ્મમાં જોવા મળ્યા છે. આ ફિલ્મમાં પ્રિન્સ વિક્રમનું પાત્ર તેમને આપવામાં આવ્યું છે. હવે આ પાત્ર શું કામ લખવામાં આવ્યું છે એ આખી ફિલ્મ જોયા પછી પણ તમને નહીં જ સમજાય! ફેશન ફોટોગ્રાફર રાધીકાની ભૂમિકામાં શિવાની ટંકશાલે છે. શિવાની ઘણી બધી ફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે...


        ફિલ્મની વાત મોડર્ન સમયથી શરૂ થાય છે, જય ભાનુસાળી (કરણ) અને તેનું ગૃપ મ્યુઝિક ક્રીએટીવ ગૃપ છે જે નવા ઘરમાં રહેવા આવે છે જ્યાં તેમની સાથે એક રેકૉર્ડ આવે છે. આ ઘરમાં આવતાંની સાથે જ જયને અલગ અનુભૂતિ થવા લાગે છે અને સપનામાં તેને કોઈ મારતું હોય તેવું લાગે છે. બીજી તરફ ફિલ્મ લંડનમાં ચાલે છે. સુપર મોડેલ સની લીયોની (મીરા) એક શો કરી રહી છે જ્યાં તેનો પરિચય શિવાની ટંકશાલે (રાધીકા) સાથે થાય છે. સનીના મમ્મી પપ્પા એક પ્લેન એક્સિડંટમાં માર્યા ગયા હોય છે એટલે સની એર ટ્રાવેલ કરતા ગભરાય છે. સનીનું રાજસ્થાનમાં ફોટો શૂટ નક્કી છે પણ પોતે એર ટ્રાવેલ કરવા તૈયાર નથી. રાધીકા અને તેની મિત્ર સનીને ખૂબ જ દારુ પીવડાવે છે અને તેની બેહોશીની હાલતમાં રાજસ્થાન પ્લેનની મુસાફરી કરાવી લે છે. રાજસ્થાનના ફોટો શૂટ દરમિયાન મોહિત આહલાવત (પ્રિન્સ રણવિર સિંઘ)ના એરિયામાં હોય છે. પ્રિન્સ બધાને મહેલમાં ડિનર માટે આમંત્રણ આપે છે અને તેમના મહેલમાં ફોટો શૂટ કરવાની છૂટ આપે છે. બીજી તરફ જયને વિચિત્ર અનુભવો થતા જાય છે અને તે એક નાડી શાસ્ત્રના પંડિત પાસે જાય છે જ્યાંથી વાર્તા ફ્લૅશ બેકમાં શરૂ થાય છે.

       
        સની લીયોની આગલાં જન્મમાં લીલા હોય છે અને રજનીશ દુગ્ગલ (શ્રવણ)ને પ્રેમ કરે છે. રજનીશના ગુરૂ છે રાહુલ દેવ (ભૈરવ) જે એક મહાન મૂર્તિકાર છે. સની્ને જોઈને તેના પર ફીદા થયેલા રજનીશ તેની મૂર્તિ બનાવવાની વાત રજનીશને કરે છે. સનીની મૂર્તિ બનાવતા બનાવતા રાહુલ તેના પ્રેમમાં પાગલ થઈ જાય છે. મૂર્તિ બની ગયા પછી જ્યારે રજનીશ અને સનીને સાથે જોઈ જાય છે ત્યારે રાહુલ બંનેને મારી નાખે છે. આ વાત અહિંયાં અધૂરી મૂકી દેવામાં આવી છે. આ તરફ સની અને મોહિત વચ્ચે પ્રેમ થઈ જાય છે અને બંને લગ્ન કરી લે છે. જય માટે અધૂરો રહેલો કોયડો ઉકેલવો જરૂરી બની જાય છે અને તે રાજસ્થાન જતો રહે છે. આ અધૂરી વાત પૂરી થાય છે અને અંત નહીં લખું કેમ કે જો આખી ફિલ્મમાં કંઈ પણ જોવા લાયક હોય તો એ અંત છે....


        ફિલ્મનું શૂટ જુલાઈ, ૨૦૧૪માં શરૂ કરવામાં આવ્યું હતું અને પહેલું શેડ્યૂલ જોધપૂરમાં રાખવામાં આવ્યું હતું. આ પછીનું શેડ્યૂલ મુંબઈ અને છેલ્લું શેડ્યૂલ લંડન રાખીને ફેબ્રુઆરી, ૨૦૧૫માં પુરુ કરવામાં આવ્યું હતું. ભુષણ કુમાર અને કિશન કુમાર જાણી ગયા છે કે હવે પાયરેસીના જમાનામાં મ્યુઝિક પર કમાણી કરવી શક્ય નથી એટલે હવે માત્ર અને માત્ર ફિલ્મ પર જ જવા માગે છે. જો કે આ ફિલ્મમાં શાયરા ખાન અને અહમદ ખાન પણ પ્રોડ્યૂસર છે. ફિલ્મનું બજેટ માત્ર ૧૫ કરોડ જ છે, જે સાચે જ વખાણવા લાયક કહેવાય. ખૂબ સારા લોકેશન્સ, સરસ મઝાની બશલાલ શૈયદની સિનેમેટોગ્રાફી ખૂબ જ સરસ છે પણ મીત બ્રોઝ અંજાન, અમાલ મલ્લીક, ડો.ઝ્યુસ, ટોની કક્કર અને ઉઝૈર જસ્વાલ જેવા પાંચ પાંચ મ્યુઝિક ડિરેક્ટર્સના ૯ ગીત ફિલ્મની પથારી ફેરવે છે. આ ઉપરાંત એટલાં બધા ખરાબ સંવાદો અને કારણ વગરના પાત્રો પણ ફિલ્મને બગાડવામાં પૂરો ફાળો આપે છે. ફિલ્મ અંત સુધીમાં કોઈ પણ સ્ટાર ડીઝર્વ નથી કરતી પણ અંત માટે ૨ સ્ટાર આપવા જ પડે....




પેકઅપ:

"રૂપિયામાં સાચે જ પાવર હોય છે. સલમાન ખાનના ડ્રાયવરે કહ્યું કે ’ગાડી હું ચલાવતો હતો. હવે જોજો સલમાનના કેસમાં કાળુ હરણ સામે આવીને કહેશે કે ’મેં આત્મહત્યા કરી હતી.."