ટેક્નોલૉજી ક્ષેત્રે
ભારત પણ હવે બીજા દેશોથી પાછળ નથી રહ્યું. આ પાછળનું કારણ પણ સાવ સરળ છે કે જે રીતે
ભારતના સિનેમાનો ધંધો વિકસતો જાય છે એ રીતે તેની પાછળ થતો ખર્ચ પણ વધતો જ જવાનો. જ્યારે
૩ દિવસમાં જ ફિલ્મ આખીનો ખર્ચ નીકળી જતો હોય અને ફિલ્મ નફો પણ રળી લેતી હોય ત્યારે
ટેક્નોલૉજીથી ફિલ્મને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ ન કરવામાં આવે તો જ નવાઈ પામવા જેવી વાત
કહેવાય! ખાસ કરીને વિક્રમ ભટ્ટ માટે તો હવે 3D શોખ બની ગયો છે ત્યારે બેસ્ટ શું આપી
શકાય તેના પ્રયત્નો હોય જ. હાં, એ વાત અલગ છે કે એક સમયે 3D સિનેમા ખાસ કરીને બાળકોને
ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી, જ્યારે અત્યારે હીરોઇન થોડી વધારે નજીકથી જોઈ શકાય
એ રીતે બનાવવામાં આવે છે. ’મી.એક્સ’ બધી જ રીતે ખૂબ સારા 3Dનું ઉદાહરણ છે પણ હરી ફરીને
જ્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી થાપ ખાય છે તે અહિંયાં પણ થયું કે સારી સ્ટોરીનો અભાવ દેખાય
જ આવે છે....
ફિલ્મની વાર્તાની શરૂઆત એક આતંકવાદી બસ પર
કબજો કરીને બેઠો છે જ્યાં ઇમરાન અને અમીરા પોલીસ ઓફીસર તરીકે ડ્યૂટી પર છે. ધાર્યા
મુજબ જ બસને મુક્ત કરાવે છે. આ પછી ઇમરાન અને અમીરા બંને એક બીજાને અનહદ પ્રેમ કરે
છે તે બતાવવામાં આવે છે. ઇમરાન અમીરા લગ્નનું નક્કી કરે છે. બીજા દિવસે જ્યારે બંને
લગ્ન કરવાના હોય છે ત્યારે જ મુખ્યમંત્રીને બચાવવાની ડ્યૂટી સોંપવામાં આવે છે. આ ડ્યૂટી
સમયે અમીરા જે રૂમમાં છે તેના પર સ્નાઇપર દ્વારા નિશાન પર રાખવામાં આવે છે અને ઇમરાનને
જ મુખ્યમંત્રીને મારવાનું કામ સોંપવામાં આવે છે અને તે પણ તેના જ ચીફ અરૂણોધય સિંઘ
દ્વારા. પ્રેમને પસંદગી આપતા ઇમરાન મુખ્યમંત્રીને મારી નાખે છે. આ પછી ઇમરાન એક કેમિકલ
ફૅક્ટરીમાં ભાગીને જાય છે જ્યાં અરુણોધય અને તેમના સાથીઓ પકડીને આખી ફૅક્ટરીને ઉડાડી
દે છે. પણ ઇમરાન પાસે તેના મિત્રની બહેને આપેલી ભગવાનની મૂર્તિ હોય પછી કંઈ થાય? ઇમરાન
તેના મિત્ર પોપોને ફોન કરે છે અને તે તેની બહેન જે એક ફાર્માસ્યૂટીકલ કંપનીમાં કામ
કરે છે ત્યાં લઈ જાવામાં આવે છે. જ્યાં તેને બચાવવા માટે એન્ટી રેડિયેશન દવા આપવામાં
આવે છે જેની અસર રૂપે ઇમરાન અદ્રશ્ય થઈ જાય છે. બીજી તરફ અમીરા પ્રેમને બદલે નફરત કરવા
લાગે છે. ઇમરાન માટે બદલો જ બધું છે માટે તે
ફૂટેલા લોકોને મારવા લાગે છે જ્યારે અમીરા પાસે ડ્યૂટી છે જ્યાં તેણે બધાને બચાવવાના
છે. ઇમરાન અને અમીરા વચ્ચે સાચી હકીકતનો ખુલાસો તો થાય જ છે પણ અમીરા માટે પ્રેમ સાથે
ડ્યૂટી પણ મહત્વની છે એટલે તે પોતાની ડ્યૂટીને વફાદાર રહે છે અને ઇમરાનને પકડાવી દે
છે પણ આખરી પ્લાન મુજબ ચીફ અરૂણોધયને ખુલ્લો પાડે છે...
સ્ટોરી અને સ્ક્રીનપ્લે વિક્રમ ભટ્ટના જ
છે જ્યારે ડાયલૉગ શગુફ્તા રફીકના છે. આમ તો શગુફ્તા ખૂબ જ સારુ લખે છે પણ કોણ જાણે
આ ફિલ્મના ડાયલૉગ્સમાં પણ દમના લાગ્યો. સ્ટોરી લેવલ પર પણ એટલાં બધા ખાંચાઓ છે કે વાત
ન પૂછો. આખી ફૅક્ટરી બૉમ્બથી ઊડી ગઈ હોય પણ એક લેન્ડલાઇન ફોન ચાલુ હોય! ઇમરાન પોતાની
વાત અમીરાને કેમ ના કરે એ પણ સમજાશે નહીં અને જ્યારે કહે ત્યારે તરત જ ફરી પાછો એવો
ને એવો પ્રેમ જાગૃત થઈ જાય! તેના પિતાને અમીરા ઘેરથી કાઢી મૂકે અને પછી તેની પાસે જ
મદદ માંગવા જાય! આટલો બધો પ્રેમ હોવા છતા ચીફ પણ ફૂટેલા છે એવું ઇમરાનનું અમીરાને ન
કહેવું એ ગળે જ ઊતરતું નથી! એક વાર એવું બતાવવામાં આવે કે તેના શરીર સાથે કપડા ચોટી
ગયા છે જે ક્યારેય નહીં ઉતારી શકાય એટલે આખી ફિલ્મમાં ઇમરાનને એક જ કપડામાં બતાવવામાં
આવે છે પણ અમીરા સાથે બેડમાં તો બતાવવામાં આવે છે!!!
વિક્રમ ભટ્ટના ડિરેક્શનનો અનુભવ ઓછો નથી.
વિક્રમ ભટ્ટે ૧૪ વર્ષના હતા ત્યારથી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કરી દીધો હતો. મુકુલ આનંદની
ફિલ્મ ’કાનૂન ક્યા કરેગા?’માં તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. તેમણે શેખર કપૂર અને મહેશ
ભટ્ટને પણ આસિસ્ટ કર્યા છે. તેમના પોતાના ડિરેક્શનમાં ’જાનમ’ હતી જે મહેશ ભટ્ટે જ પ્રોડ્યૂસ
કરી હતી. આ પછીની તેમની ફિલ્મ્સ ’ફરેબ’, ’ગુલામ’, ’કસૂર’, ’રાઝ’, ’આવારા પાગલ દિવાના’
બધી જ હીટ રહી. ૨૦૦૮થી વિક્રમ ભટ્ટ 3Dના રવાડે ચડી ગયા. ’૧૯૨૦’, ’શાપિત’, ’હંટેડ’ જેવી
ફિલ્મ આપી. ૧૯૯૨ થી શરૂ કરીને આજની તારીખ સુધી અલગ અલગ ફિલ્મ આપતા આવ્યા છે. વિક્રમ
ભટ્ટ ખૂબ જ સારા ડિરેક્ટર છે, બસ જો સ્ટોરી પર વધારે કામ કરે તો ઉત્તમ ફિલ્મ્સ આપી
શકે...
ઇમરાન સાચે જ ખૂબ સારો અભિનેતા છે જે તેણે
ઘણી ફિલ્મમાં બતાવ્યું છે પણ તેનો સાચે જ દુરુપયોગ થતો હોય તેમ લાગે છે. ઇમરાન તેની
ભૂમિકાને તો પણ વફાદાર હોય છે. ૨૦૦૩ની ’ફૂટપાથ’ તેની પહેલી ફિલ્મ હતી અને અત્યાર સુધીમાં
પરિપકવ આર્ટિસ્ટ બની ચૂક્યો છે. અમીરા ૧૩ વર્ષની ઉમરથી જ મોડેલીંગમાં પ્રવેશી ચૂકી
હતી.’ઇશ્ક’ તેનું પહેલું ફિલ્મ હતું. અમીરામાં અનુભવની ખામી સીધી જ દેખાય છે. અરુણોધય
સિંઘ પણ ૨૦૦૯થી ફિલ્મ કરે છે. ’સિકંદર’, ’આયેશા’, ’મિર્ચ’, ’જિસ્મ’, ’મૈં તેરા હીરો’,
અગ્લી જેવી ઘણી ફિલ્મ્સ કરી ચૂક્યો છે. પોતાનું પાત્ર આ ફિલ્મમાં નેગેટિવ હતું જેને
યોગ્ય ન્યાય આપવાની કોશિશ કરી છે....
ફિલ્મની સૌથી સારી વાત એ છે કે ફિલ્મ ઓરીજીનલ
3D કૅમેરાથી શૂટ કરવામાં આવી છે એટલે ફિલ્મ આખી જ તમને થ્રી ડાયમેન્સનમાં માણવા મળશે.
ફિલ્મમાં ખાસ ટેક્નોલૉજીથી ડેપ્થ ઊભી કરવામાં આવી છે. ભલે ફ્લેટનો હોલ જ હોય પણ જ્યારે
દૂર સુધી આખો હોલ નજર આવતો હોય ત્યારે દ્ગશ્યની ભવ્યતા વધી જાય છે. પ્રવિણ ભટ્ટની સિનેમેટોગ્રાફી
સાચે જ કમાલ દેખાડી શકી છે. ફિલ્મના દરેક દ્ગશ્યો તેમણે સુંદર બનાવી આપ્યા છે. જીત
ગાંગુલી અને અમિત તિવારીનું મ્યુઝિક સરસ છે. રાજુ સિંઘનો બૅકગ્રાઉન્ડ સ્કોર પણ સારો
જ કહી શકાય. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટને પ્રોડ્યૂસરની ક્રેડિટ આપવામાં આવી છે જ્યારે
વિશેષ ફિલ્મ્સને પ્રોડક્શન કંપનીની ક્રેડિટ આપવામાં આવી છે. એડિટર કુલદીપે ખૂબ સારી
રીતે ફિલ્મ એડીટ કરી છે...
ફિલ્મ જોવા પ્રેરે તેવું કોઈ તત્વ હોય તો
ફિલ્મનું 3D વર્ક, બાકી જો 2Dમાં ફિલ્મ જોઈશો તો રૂપિયા પડી જશે. સ્ટોરી એક ધારી અને
પ્રીડીક્ટેબલ રીતે જ ચાલી જાય છે. હીરોઇનને ખાસ્સું મહત્વ આપવામાં આવ્યું છે પણ અનુભવની
ખામી ખૂબ જ જોવા મળે છે. અરુણોધય સારી રીતે કામ કરે છે પણ ઓવર એક્ટીંગ દેખાય જ છે.
માટે આ ફિલ્મના ત્રીજા ડાયમેન્સન માટે ૨ સ્ટાર...
પેકઅપ:
"નાનપણમાં સારો
માણસ બનવાનો શોખ હતો, બાળપણ ખતમ, વાત ખતમ"- સલમાન ખાન


No comments:
Post a Comment