Friday, 28 February 2014

શાદી કે સાઇડ ઇફેક્ટ્સ: ઇફેક્ટની જ ખામી છે




        ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમુક લોકો સ્ક્રીપ્ટની પસંદગી માટે વખણાય છે. આમિર ખાન એક નહીં અનેક વાર સ્ક્રીપ્ટ વાંચે, કૅરેક્ટર સમજે, પોતાનો રોલ અલગ તારવે અને પછી જ ફિલ્મ સ્વીકારે. આવીને આવી વાત ફરહાન અખ્તર માટે પણ કહેવામાં આવે છે. ’ભાગ મીલ્ખા ભાગ માટે એની મહેનત માટે લખીએ એટલું ઓછું છે. એથલેટ બોડી બનાવવા માટે ફરહાને એક વર્ષ મહેનત કરી હતી પણ જેમ આમિર ખાન ’ધૂમ ૩ જેવી ફિલ્મ પસંદ કરી શકે તો પછી ફરહાન કેમ ’શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ન પસંદ કરે? જોકે આમિર બુધ્ધીશાળી માણસ છે. આમિરને બૅનરની પણ ખબર હતી અને કેટલી ટૉકીઝ રીલીઝ થાય છે એ આંકડો પણ મગજમાં હતો જ, એટલે જ ફિલ્મ ૨૦૦ કરોડનો ધંધો કરી ગઈ પણ ફરહાન પોતે એક્ટર જ છે એટલે આશા હતી કે એ ફિલ્મ યોગ્ય રીતે પસંદ કરતો હશે. ફિલ્મ સારી કે ખરાબ કરતા ટાઇટલની જેમ ઇફેક્ટ વાળી હોવાને બદલે ઇફેક્ટ વગરની નીકળી...


        ફિલ્મની વાત કરતા પહેલા વિદ્યા બાલન કપૂર પર એક આખી વાત માંડવી પડે એમ છે. વિદ્યાને હીરોઇન બનવાનો શોખ હવે પૂરો કરી દેવો જોઈએ કેમ કે જે રીતે વિદ્યાની લાઇફ આગળ વધી છે એ રીતે જ વિદ્યાનું શરીર પણ ખૂબ આગળ વધી ગયું છે. હોટ અને સેક્સી શબ્દો જાણે વિદ્યા માટે બોલાયા હતા એ મૃગજળ જેવા લાગવા માંડ્યા છે. જો કે આ ફિલ્મમાં પાંચ વર્ષની દીકરીની માં બતાવવામાં આવી છે પણ માં બતાવતા પહેલા પત્ની પણ બતાવી જ છે. ફિલ્મના એક ડાયલોગમાં વિદ્યા બોલે છે કે મેં કેટલો ભોગ આપ્યો. નોકરી વાળી લાઇફ છોડીને એક ઘરેલુ સ્ત્રી બની અને મારુ શરીર પણ વધી ગયું. બચારા દર્શકોએ તો ફિલ્મમાં લગ્ન પહેલા અને માતા બન્યા પછી બંને જોઈ હોય ત્યારે શરીર વધી ગયાની વાત કેમ હજમ થાય? અહીં તો હાજમોલા પણ કામ આવે એમ નથી. સિદ્ધાર્થ રોય કપૂરની પત્ની અને એકતા સાથેના સંબંધોને કારણે જ આ ફિલ્મ મળી હોય એવું તમને ફિલ્મ જોતા જ સમજાય જશે. એક વાતનો સંતોષ મેળવવો પડે કે એટલીસ્ટ પાંચ વર્ષની છોકરીની માં તો બતાવી એટલે હવે આગળ જતા ૧૫-૧૬ વર્ષના સંતાનની માં બનીને જોવા મળે તો ગળે વાત ઊતરવા લાગશે...


        સાકેત ચૌધરીના હીસ્સે કંઈ ખાસ ડિરેક્શન પોઇન્ટ્સ હતા જ નહીં પણ અલ્ટીમેટલી સ્ટોરી હીરો હોય છે. સ્ટોરીનો વિષય જૂનો અને જાણીતો હોવા ઉપરાંત સાવ જ જાણીતા પોઇન્ટ સાથે રમતો હતો. સાકેત ચૌધરીની જ સ્ટોરી છે માટે અન્યને દોષ દેવો નકામો છે. આદિત્ય લખતી વખતે એ ભૂલી ગયો કે ફિલ્મ માટે જરૂરી નથી કે લગ્નમાં થતા પ્રોબ્લેમના બધા જ પોઇન્ટ્સ કવર કરી લેવા. એટલાં બધા પોઇન્ટ્સ અને કોઈ પણ કારણ વગર વિર દાસનું પાત્ર ઉમેરી રન ટાઇમ ૧૪૫ મીનીટ સુધી લંબાવવામાં આવ્યો જે તમને સતત હવે પૂરુ થાય તો સારુ એવો અહેસાસ કરાવતો રહે છે. સાકેત ચૌધરી એન્જિનિયર બનવાના હતા અને આવી ગયા માસ કોમ્યુનીકેશનમાં. માસ કોમ્યુનીકેશનના સ્ટુડન્ટ કાં તો પત્રકાર બને કાં તો ફિલ્મમાં ઝંપલાવે. સાકેતના નસીબ સારા કે એમને ફિલ્મ જગતમાં એમને સીધી જ એન્ટ્રી મળી ગઈ. અઝીઝ મિરઝાની ’ફીર ભી દિલ હૈં હિન્દુસ્તાની આસિસ્ટ કરવા મળી. અઝીઝ મીરઝા એટલે એક એકેડેમી જ કહી શકાય. આ દરમિયાનમાં જ ’અશોકા ના સ્ક્રીનપ્લે લખવાનો મોકો પણ એમને મળ્યો. સાકેતના ડિરેક્શનની પહેલી ફિલ્મ હતી ’પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ. ફિલ્મનું બજેટ ખૂબ નાનું હતું છતા ફિલ્મને સારો એવો રીસ્પોન્સ મળ્યો હતો. લોકોને એક લાઇટ કૉમેડી તરીકે ફિલ્મ ખૂબ જ પસંદ પડી હતી. એક ફિલ્મ સફળ રહે એટલે એક યા બીજી રીતે સીક્વલની તૈયારી તો રાખવી જ પડે! જો આ ફિલ્મ ભૂલેચૂકે પણ ચાલે તો હવે ’ડિવોર્સ કે ડાયરેક્ટ ઇફેક્ટ્સ નો બનાવે તો સારુ....


        ફિલ્મનું મ્યુઝિક પ્રિતમે આપ્યું છે. મ્યુઝિક સાચે જ વખાણવા લાયક છે. એક થી વધુ વાર સાંભળીએ તો પણ ગમે એવું છે. મનોજ લંબો અને ઋષિ પંજાબીની સિનેમેટોગ્રાફી છે. ઓછા લોકેશનમાં બનેલું ફિલ્મ હોવાથી સિનેમેટોગ્રાફર માટે ઘટના અઘરી બની જાય. ફિલ્મ પાસે જો લોકેશનની મર્યાદા ન હોય તો તમે સુંદરથી અતિ સુંદર સ્થળો પસંદ કરી શકો પણ આ ફિલ્મ મોટા ભાગે ફ્લેટ, બેચલર રૂમ, હોટેલ રૂમ, સ્ટુડિયો જેવા મર્યાદિત લોકેશન હોવાથી ક્લોઝ શોટ્સ પર જ રમે રાખવું પડે. તો પણ સિનેમેટોગ્રાફી સારી કહી શકાય. રામ કપૂર તો જાણે ’બડે અચ્છે લગતે હૈં ની રેપ્લીકા તરીકે મૂકવામાં આવ્યો હોય એવો જ રોલ છે. એ જ સુષ્ટ રોલ, એવા જ કપડા અને એ રીતે જ રાડો પાડવાની કે શાંત રહેવાની રીત. રતિ અગ્નિહોત્રી ફરી સ્ક્રીન પર દેખાવવા લાગ્યા છે પણ આટલાં નાના અને અસર વગરના રોલ ન કરવા જોઈએ. ઇલા અરુણને જોઈને જીવ બળે છે. એક વખતની ગોર્જિયસ દેખાતી ઇલા અરુણની ઉમર સ્ક્રીન પર બહુ જ મોટી લાગે છે. ઇલાજીના અવાજનો અને એક્ટીંગનો જાદુ હજુ ઓસર્યો નથી...

        ફિલ્મના પ્રોડ્યૂસર એકતા કપૂર, શોભા કપૂર, પ્રિતિશ નંદી અને રંગીતા નંદી છે. ફિલ્મ માટે સૌથી વધુ અભિનંદનને પાત્ર કોઈ હોય તો ફિલ્મ પ્રોડ્યૂસર. ફિલ્મ પ્રોડ્યુસર્સ પોતાના રૂપિયા લગાવે છે અને એમને એ ખબર પણ નથી હોતી કે આ ઘોડું દશેરાને દિવસે દોડશે કે નહીં. અહીં એકતા કપૂર અને શોભા કપૂર માટે નવીનતા નથી કારણ કે એ લોકો હવે માત્ર નામ આપવાથી પ્રોડ્યુસર્સ બની જાય છે. એકતા કપૂરનું નામ જોડાયેલ હોય એટલે રીલીઝ મળવું ખૂબ જ સહેલું બની જાય. ઓછામાં ઓછી ૧૦૦૦ સ્ક્રીન તો મળે જ એટલે રૂપિયા તો મળે જ. મરો તો પ્રિતિશ નંદી અને રંગીતા નંદીનો થશે. એમણે લગાવેલા રૂપિયા એકતાને એનો ભાગ દીધા પછી વધે તો નસીબદાર ગણાશે! આશા રાખીએ કે ખર્ચ કર્યો એટલો તો વસૂલ કરી લે તો બીજી ફિલ્મ બનાવવા માટે હિમ્મત કરી શકે....


        ફરહાન અખ્તર આ ફિલ્મ પરથી કંઈક શીખશે એવી આશા રાખીએ અને વિદ્યા બાલન કપૂર હવે ઉમર વધારશે એવું પણ માની જ લઈએ. ૧૪૫ મીનીટ સુધી સીટ પર બેસવાનું ન ફાવે તો ફિલ્મ જોવાની હિમ્મત કરતા નહીં કેમ કે ફિલ્મ જોઈને રીતસર તમને થાક લાગશે. ફિલ્મની સ્ટોરી કોઈને કહેવી હોય તો ટૂંકમાં એટલું જ કહી શકાય કે હેપ્પી મેરીડ લાઇફમાં પત્ની કહે એ જ સાચું અને પત્ની કહે એ સાચું કેમ કરવું એ શીખવતી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ એટલે ’શાદી કે સાઇડ ઇફેક્ટ્સ. સ્ટાર આપવા હોય તો એક્ટીંગ કે જેમાં કંઈ ખાસ કરવાનું હતું જ નહીં એ માટે અડધો સ્ટાર, મ્યુઝિક માટે અડધો સ્ટાર અને પ્રોડ્યુસરની હિમ્મત માટે એક આખો સ્ટાર મળીને કુલ ૨ સ્ટાર કમને આપું છું...



પેકઅપ:


"પૂજા ભટ્ટની વર્ષો પહેલા ’સડક ફિલ્મ આવી હતી અને વર્ષો પછી તેની બહેન આલિયા ભટ્ટની ’હાઈવે આવી... આટલાં વર્ષોમાં દેશે પ્રગતિ તો કરી જ છે ...."

Friday, 21 February 2014

હાઈવે: થોડું વધારે ખેંચાય ગયું



         ફિલ્મની સુંદરતા એમાં દર્શાવેલા દ્ગશ્યો પર હોય છે. આ દ્ગશ્યો લાઇટ્સ અને કૅમેરા એંગલ પર આધારિત હોય છે. આ કારણથી જ જો સિનેમેટોગ્રાફર અને ડિરેક્ટર વચ્ચે ટ્યુનીંગ ખૂબ જ જરૂરી હોય છે. ’હાઈવેમાં આ કોમ્બીનેશન અદભૂત રીતે જોવા મળ્યું છે. વાર્તાનું મૂળ જ જ્યારે હાઈવે હોય ત્યારે તમે ઇચ્છો ત્યાં કેમેરો લઈને ફરી શકો, લોકેશનની કોઈ મર્યાદા જ નહીં કે તમે એક જગ્યા પર જ શૂટીંગ કરો. આ બધા જ ફાયદા હોય તો પછી સારી રીતે ફિલ્મ રજૂ થઈ શકે પણ જ્યાં દરેક ફિલ્મ નબળી પડે એ છે વાર્તા. એક પછી એક દ્ગશ્યો અને એ દ્ગશ્યો સાથે જોડાયેલી ઘટના મજબૂત ન હોય તો ફિલ્મ સારી હોવા છતા ન જામે. ફિલ્મની સ્ટોરી સાથે સ્ક્રીનપ્લે પણ એટલાં જ સારા જોઈએ. તમે ’હાઈવે જોશો તો એક વાત નજર સામે આવશે કે ઇન્ટરવલ સુધી ફિલ્મ તમને એક સેકન્ડ માટે પણ ફિલ્મથી અળગાં નહીં થવા દે પણ ઇન્ટરવલ પછી ફિલ્મ ગબડતું હોય એમ સતત ફીલ થયા કરે છે કારણ કે ઇન્ટરવલ પછીની વાત થોડી વધારે ખેંચાય ગઈ....


        ઇમ્તીયાઝ અલીનું ડિરેક્શન હોય એટલે લોકોને આશા વધારે હોય જ. ’સોચા ન થાથી એમણે ડિરેક્શન ડેબ્યુટ કર્યું હતું પણ લોકોમાં જાણીતા થયા ’જબ વી મેટથી. આ પછી એમની ’લવ આજ કલ ઠીક ઠીક રહી અને ફરી ’રોકસ્ટાર માટે ચર્ચામાં રહ્યા. ઇમ્તીયાઝ અલી સારા રાઇટર પણ છે. જો તમને યાદ હોય ’કોકટેલ એમણે લખેલી હતી. અને આ ફિલ્મ પણ એમણે જ લખેલી છે. ’સોચા ન થા અને ’લવ આજ કલ તો એમણે એડીટ પણ કરેલી. ડિરેક્ટરને એક્ટીંગનો શોખ તો હોય જ એટલે હાથ અજમાવવા ખાતર ’બ્લેક ફ્રાયડેમાં નાનો રોલ પણ કરેલો. ઇમ્તીયાઝ અલીના કહેવા મુજબ આ ફિલ્મનો પ્લૉટ એમના મગજમાં છેલ્લા ૧૫ વર્ષથી હતો. ૧૯૯૯ માં એક સિરિયલ આવતી ’રિશ્તે જોઈને આ ફિલ્મની વાતના બીજ ત્યારે જ રોપાય ગયા હતા. ફિલ્મ ડેવલોપ થઈ રહી હતી ત્યારે સાથે જોડાયેલા લોકો એમ કહેવા લાગ્યા કે આ તો ’જબ વી મેટ જેવી જ વાત બનતી જાય છે પણ આખરે ફેરફારો સાથે ફિલ્મ ફ્લોર પર આવ્યું અને સૌથી પહેલા બર્લીન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સૌથી પહેલા રીલીઝ થઈ હતી...


ફિલ્મનું શૂટીંગ માર્ચ ૨૦૧૩માં શરૂ કરવામાં આવ્યું અને કન્ટીન્યુ શેડ્યુઅલમાં મે-૨૦૧૩માં તો શૂટ પુરુ કરી દેવામાં આવ્યું. એક વાત તો માનવી જ પડે કે ઘણા બધા લોકેશન વાપરવા છતાં ફિલ્મને સમયસર ખતમ કરી શકાયું છે. બંગાળ, બિહાર, ઓરિસ્સાના હાઈવે ઉપરાંત દિલ્હી, પંજાબ, કાશ્મીર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશમાં પણ શૂટીંગ કરવામાં આવ્યું છે. ઠેકઠેકાણે અટકીને ડેરા નાખવાની મઝા જ કંઈ ઓર છે...


        આલિયા ભટ્ટ માટે તો શું લખવું? આ ઉમરે છોકરી જો આટલું ક્લાસ એક્ટીંગ કરે છે તો ક્યાં જઈને અટકશે? એક પણ દ્ગશ્ય એવું નથી કે જ્યાં એમ કહી શકાય કે આલિયાની એક્ટીંગ ખરાબ છે. આર્ટિસ્ટ જ્યારે કોઈ પણ પ્રકારના ભાર વગર એક્ટીંગ કરે ત્યારે જ એ ખરા અર્થમાં એક્ટીંગ કરી શકે. ફિલ્મની સ્ટોરી વાંચીને જે એવું વિચારે કે મને આ કામના કેટલા રૂપિયા મળશે? એ સામાન્ય કલાકાર અને સ્ટોરી વાંચીને જે એમ કહે કે હું આમા શું આપી શકીશ એ ખરા અર્થમાં કલા પ્રેમી કલાકાર કહેવાય. આલિયાનું એક દ્ગશ્ય જેમાં એ પોતાની સાથે બનેલી નાનપણની એક વાત કહે છે એ રજૂઆત, એ એક્ટીંગ કદાચ ઇન્ડસ્ટ્રીની ખૂબ સારી એક્ટ્રેસથી પણ શક્ય ન બને. આલિયા ફિલ્મ સાઈન કરતી વખતે કન્ફ્યુઝ હતી કે રણબિર હુડા તેનાથી ખૂબ મોટી ઉમરનો છે તો બંનેની પેર કેમ બનશે? રણદીપ પણ ક્યાં ગાજ્યો જાય એવો આર્ટિસ્ટ છે. રણદીપને જો રફ લૂક આપો તો તો વાત જ ખલાસ થઈ જાય. ફિલ્મમાં  એ એક ગૂંડો અને પહેલીવાર બનતો કીડનેપરનો રોલ કરે છે. જે રફનેસ બતાવવી જોઈએ એ આવી જ છે. ફિલ્મ બહુ ઓછા કલાકારોની છે. પાત્રો ખૂબ જ ઓછા છે અને એમાં પણ ૬૦% તો રણદીપ અને આલિયા જ છે. સપોર્ટીંગમાં દુર્ગેશ કુમાર, પ્રદીપ નાગર, સહરસ કુમાર શુક્લા ઉપરાંત હું ન ઓળખતો હોઉં એવા કલાકારો છે પણ દરેકના સપોર્ટીંગ એક્ટર માટે પણ વાહ કહેવું જ પડે...


        ફિલ્મનું સૌથી મોટું જમા પાસું હોય તો ફિલ્મની સિનેમેટોગ્રાફી. ફિલ્મ માટે સિનેમેટોગ્રાફીની ક્રેડિટ અનીલ મહેતાને આપવામાં આવી છે પણ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ફિલ્મમાં ત્રણ કેમેરામેનની સેવા લેવામાં આવી હતી. ફિલ્મનું લાઇટીંગ અદભૂત છે. એક એક દ્ગશ્ય લાઇટથી બહાર આવે છે. ફિલ્મનું કલર કરેક્શન પણ પરફેક્ટ છે. એક પછી એક રજૂ થતા દ્ગશ્યોમાં ક્યુ દ્ગશ્ય વધુ સારુ ગણવું એ પ્રશ્ન થતો હતો. વાઇડ એંગલ લેન્સની મઝા પણ આનંદ અપાવી જાય છે. ઘણા દ્ગશ્યો એવા છે જ્યાં સિનેમેટોગ્રાફરની કમાલ દેખાય જ આવે. ઘણા બધા રાજ્યોમાં શૂટ થયું છે એટલે બેસ્ટ લોકેશન્સનો પૂરતો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ. આર. રહેમાન મ્યુઝિકના પિતામહ જ છે. રાજસ્થાની ફોકની છાંટથી લઈને હિમાચલના ઘરેલુ સંગીત સુધીનો ઉપયોગ તો ઓહોહો...


        આટલાં બધા વખાણ પછી જ્યારે ફિલ્મની ખરાબ વાત કરવી પડે એ સૌથી દુ:ખની વાત છે. ફિલ્મ શરૂ થતા સામાન્ય ફિલ્મ જેવી જ લાગે છે. આલિયાના કીડનેપ પછી વાત ધીમેધીમે બનતી જાય છે. આલિયાના રોલમાં આવ્યા પછી તો સરસ રીતે જાય છે. બંને વચ્ચે એવો પ્રેમ નથી બતાવવામાં કે એકબીજા માટે મરી છૂટવા તૈયાર થાય પણ બંનેની ક્રોનોલોજી જામે છે પણ જેવા બંને ટ્રક માંથી ઊતરે છે અને સ્ટોરી શરૂ થાય છે ત્યાંથી વાત પડી જાય છે. માત્ર એક સ્થળેથી બીજા સ્થળ સુધી જવા માટે લગભગ ૨૦ મીનીટનો સમય લેવામાં આવ્યો છે. એમ લાગે કે ડીસ્કવરી ચેનલ ચાલુ કરી છે અને લોકોની રહેણી કરણી, ડ્રેસ વગેરે કોઈ મોડેલ રજૂ કરી રહી છે. અંત સુધી પહોંચતા પહોંચતા તો રીતસર ફિલ્મ હાંફી રહી હોય એવું લાગે! જો વાતને ડ્રામેટીક બનાવી હોય તો અંત ડ્રામેટીક બનાવવામાં કંઈ ખોટું નથી પણ ડિરેક્ટરનું વિઝન કંઈક અલગ હશે કે બસ એક ઝાટકે જ અંત લાવી દેવામાં આવ્યો. આલિયાની અલગ લાઇફ અને નજર સામે નિહાળાતું બાળપણ દેખાડીને લાગણી જીતવાનો પ્રયત્ન થયો છે પણ ગળે ઊતરે એવો નથી. ઇમ્તીયાઝ અલી જો ૧૫ વર્ષથી આ વાર્તા મગજમાં રાખીને બેઠાં હોય તો વાર્તામાં પણ મેચ્યોરીટી આવવી જોઇતી હતી જે લાવવામાં સફળ નથી રહ્યાં. આશા રાખીએ કે સાજીદ નડિયાદવાલા અને ઇમ્તીયાઝ અલીના રૂપિયા નીકળી જાય. જો કે યુટીવી રીલીઝર છે એટલે વાંધો તો નહીં જ આવે તો પણ દર્શકોનું ક્યાં નક્કી હોય છે? સ્ટાર આપવાની વાત હોય તો ૨.૫ સ્ટાર આપુ છું જે માંથી ૨ સ્ટાર તો એકલી આલિયા માટે જ છે...



પેકઅપ:


"ફિલ્મને પ્રમોટ કરવા માટે ઘણા અખતરા કર્યા છે તો પણ સ્ત્રીથી સારુ પ્રચાર માધ્યમ નથી શોધી શક્યા!!!" 

Friday, 14 February 2014

ગુંડે કાસ્ટ હીટ, સ્ટોરી નોટ ફીટ



        




     યોગ્ય દિવસ એટલે કે ’વેલેન્ટાઇન ડે સિલેક્ટ કરીને રજૂ થયેલ ફિલ્મ હીટ જવાના ચાન્સીઝ વધી જાય એ પ્રોડ્યુસર્સ જાણતા જ હોય. જૂની અને જાણીતી વાત કે જો ફિલ્મ સારી હોય તો ફિલ્મ જુએ, બાકી કોર્નરની ટીકીટ તો હોય જ! આદિત્ય ચોપરાનું પ્રોડક્શન અને યશરાજ ફિલ્મ્સનું બૅનર હોય એટલે એમ પણ લાભ તો મળે જ. આ ઉપરાંત અત્યારે રણવિર સિંઘ સેલેબલ સ્ટાર પણ ખરો. અર્જુન કપૂર બહુ મોટો સેલેબલ સ્ટાર નથી પણ પાત્ર માટે તો ફીટ સ્ટાર જ છે. આમ પણ અર્જુન કપૂરને એક જ પ્રકારનું એક્ટીંગ આવડે છે. ગુંડા સ્ટાઇલથી હસવાનું અને મારફાડ કરવાની! સ્ટોરીની ખાસિયત મુજબ ફિલ્મ શરૂ થાય ત્યારથી ગ્રીપ પકડે છે અને પ્રિયંકા ચોપરાની એન્ટ્રી સુધી સરસ રીતે વાત ચાલતી રહે છે. આ પછીની બધી જ વાતો પ્રીડીક્ટેબલ છે એટલે ખાસ જામતી નથી તો પણ ઇન્ટરવલ સુધી ફિલ્મ ખૂબ સારી રીતે ચાલી છે. ઇન્ટરવલ પછી જો ફિલ્મને કોઈ હીટ કરી શકે તો ફિલ્મનું કાસ્ટ પણ સ્ટોરી ઇઝ નોટ એટ ઓલ ફીટ...


        અલી અબ્બાસ ઝફરની કેરિયરની ડિરેક્ટર તરીકેની શરૂઆત ’મેરે બ્રધર કી દુલહનથી થઈ હતી. આમ તો અલી અબ્બાસ યશરાજ ફિલ્મ્સ સાથે જોડાયેલા જ છે, એમણે સંજય ગઢવી અને વિજય ક્રિશ્નને આસિસ્ટ કર્યા હતા. અલી અબ્બાસ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે. અલી સ્ક્રીનપ્લે લખે છે, ડાયલૉગ લખે છે અને સારા આર્ટ ડિરેક્ટર પણ છે. ઓછા અનુભવની વાત ફિલ્મમાં પણ દેખાય આવે છે. જો કે વાત કેવી મજબૂત એ પર ડિરેક્શનનો ઘણો બધો આધાર હોય છે એટલે જેટલું નબળું છે એ માટે માત્ર અલી અબ્બાસને જ દોષ દેવો યોગ્ય નથી. જો કે ફિલ્મ એક સમયગાળા પહેલાનું બતાવવામાં આવ્યું છે. ૧૯૭૧થી ફિલ્મ શરૂ થાય છે અને ૧૫ વર્ષ એટલે કે ૧૯૮૬ સુધી ચાલે છે અને આ સમયગાળાનું આર્ટ ડિરેક્શન વખાણવા લાયક જ છે. એ સમયના ફોન, એ સમયમાં ચાલતું મ્યુઝિક, એ સમયના ફિલ્મના ગીતો વગેરે માટે ખાસ કાળજી લેવી પડે અને જે લેવામાં આવી છે...


        ફિલ્મની શરૂઆત જે રીતે ભારત અને બાંગ્લાદેશના ભાગલાથી કરવામાં આવી છે. બે મિત્રો બાંગ્લાદેશ જાય છે અને ત્યાં મીલ્ટ્રી કૅમ્પના કમાન્ડરને મારીને ભારત પાછાં આવે છે. આ બાળકો ભારત આવે છે અને હિજરતી તરીકે એમને લાગેલા ઘા સહન ન થતા કલકત્તા પર રાજ કરવાનું શરૂ કરે છે. આ બંને મિત્રોની સલ્તનત પર પાણી ફેરવવા માટે ઇરફાનને ખાસ રોલ આપવામાં આવ્યો છે.  ઇરફાનની એન્ટ્રી પછી પણ બધું સરસ જ જાય છે પણ યુઝવલ ફૉર્મ્યુલા મુજબ એક સ્ત્રીની એન્ટ્રી થતા જ વાતો ફરવા લાગે છે. એ જ ફૉર્મ્યુલા કે એક જ છોકરી બંનેને ગમે. બીજી ફિલ્મ્સથી અલગ બંને એક સાથે પટાવવાની કોશિશ શરૂ કરે. સ્પીરીટ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી છોકરી કોઈ એકને નક્કી ન કરી લે. ઇન્ટરવલમાં અચાનક જ અર્જુન કપૂરના હાથે એક મર્ડર થાય છે અને કોલકતા છોડવું પડે છે. બસ આ ઇન્ટરવલ પોઇન્ટ સુધીની વાત જાણી લીધા પછી શું થશે એ તમે આપોઆપ જ સમજી જશો. ઇરફાનને બુધ્ધીશાળી એસીપી બતાવવામાં આવ્યો છે એટલે બંને મિત્રો સામે મૂકેલી ફૉર્મ્યુલા પણ તમને ફિલ્મ જોતા દરમિયાનમાં સમજાય જ જશે. આગળની સ્ટોરી એટલાં માટે ડિસ્કસ નથી કરતો કેમ કે ફિલ્મને પ્રીડીક્ટ કરવામાં અલગ અલગ લોકો અલગ અલગ રીતે કાબેલ હોય છે. કોઈ આગળની વાતને કલ્પી ન પણ શકે અને ફિલ્મ ગમે કે શું સસ્પેન્સ હતું, જ્યારે કોઈ એવું કહેતા પણ સાંભળવા મળે કે શું યાર આ તો કોથળા માંથી બિલાડું કાઢ્યું! સૌરભ શૂક્લા ફિલ્મમાં સપોર્ટીંગ રોલમાં છે. સૌરભ શુક્લાની એક્ટીંગની વાત આવે તો સબળ એક્ટર ગણવા જ પડે પણ જે રીતે એમનો ઉપયોગ થવો જોઈએ એ રીતે નથી થઈ શક્યો. બાકી અર્જુન કપૂર, રણવિર સિંઘ પરફેક્ટ કાસ્ટિંગ છે. પ્રિયંકાના હિસ્સે બહુ ખાસ કામ નથી પણ જેટલું છે એ કામ સારી રીતે કરી જાણી છે. આમ તો આ ફિલ્મ માટે પહેલા કેટરીનાને પસંદ કરવામાં આવી હતી પણ કેટરીના પાસે ડેટ્સ ન હોવાને લીધે આ કામ પ્રિયંકાને મળ્યું.  ઇરફાન તો જે પાત્ર આપો એને એ યોગ્ય ન્યાય આપે જ છે. એક્ટીંગ બાબતે એટલું કહેવું જ પડે કે બધા જ પોત પોતાની રીતે યોગ્ય જ કરી ગયા છે...


        આ પહેલા ઘણી ફિલ્મ્સ અલગ અલગ ભાષાઓમાં રજૂ થઈ હશે પણ આ ફિલ્મ ખાસ બંગાળી ભાષામાં ડબ કરવામાં આવી છે અને સૌથી મહત્વની વાત એ છે કે બંગાળી ફિલ્મ માટે ઓરીજીનલ ફિલ્મના મ્યુઝિકથી સાવ અલગ મ્યુઝિક સોહૈલ સેને કંપોઝ કર્યું છે. હિન્દીનું મ્યુઝિક પણ સોહૈલ સેને જ આપ્યું છે. ફિલ્મનું એક ગીત ’તુને મારી એન્ટ્રીયાં..’ તો અત્યારે નંબર વન પર ચાલી રહ્યું છે. ગીતો પ્રમાણમાં સારા છે એટલે મ્યુઝિક પણ કમાણી તો કરાવશે જ. ગીત શૂટ દરમિયાન યુનિટે ઘણા પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો હતો. એક ગીતના શૂટ વખતે એક ટ્રક વચ્ચે ઘૂસી ગયો હતો અને ટ્રાફિક એટલો જામ થયો કે આખુ શૂટ બીજા દિવસ પર લઈ જવું પડ્યું. આ રીતે જ ’જશ્ને ઇશ્ક ગીતના શૂટના એક દ્ગશ્યમાં રણવિર સિંઘે માથુ ભટકાવવાનું હતું. ભાઈનું એટલું બધું ઇન્વોલ્વમેન્ટ આવી ગયું કે જોરથી માથું ભટકાવ્યું અને પોતે જ ઇન્જર્ડ થઈ ગયો. આ ગીતનું શૂટ પણ રોકવું પડ્યું હતું. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જુલીયસ પેકીમનું છે અને સારું છે. ખાસ કરીને દુર્ગા પૂજાના દ્ગશ્યો દરમિયાન ઓરીજીનલ જૂના કલકત્તાની દુર્ગા પૂજાની યાદ આવી જાય છે...


        ફિલ્મનો રન ટાઇમ ૧૫૩.૩૦ મીનીટનો છે જે થોડો અતિરેક કરી જાય છે. અસિમ મિશ્રાની સિનેમેટોગ્રાફી પણ સારી છે. એડીટીંગ લેવલે મહેનત કરી છે પણ છતાં એક શોટથી બીજા શોટના કટિંગમાં ક્યાંક ખાંચા દેખાય છે. રામેશ્વર ભગતે ફિલ્મ એડીટ કર્યું છે. અલી અબ્બાસે જ સ્ટોરી લખી છે એટલે એ રાઇટરનો વાંક તો નહીં જ કાઢી શકે. ફિલ્મના અમુક ડાયલૉગ સારા છે કદાચ એ એડીશનલ ડાયલૉગ રાઇટર સંજય માસૂમનો કમાલ હોઈ શકે. ઓવરઓલ ફિલ્મનું કાસ્ટિંગ, બૅનર અને મ્યુઝિક ફિલ્મને હીટ તો બનાવશે જ. ૩૫૦૦ સ્ક્રીન રીલીઝ કરવામાં આવી છે અને આ સાથે કોઈ સારી ફિલ્મ રીલીઝ જ નથી થઈ એટલે એ લાભ પણ મળશે જ. ફિલ્મ ધંધો તો આપશે જ પણ સ્ટાર ૨.૫ થી વધારે આપવા મને યોગ્ય નથી લાગતા....




પેકઅપ:
"વેલેન્ટાઇન ડે ના દિવસે તમારી સાથે કોઈ તમારી/તમારું વેલેન્ટાઇન ન હોય તો ચિંતા ન કરવી કેમ કે ’એઇડ્સ ડે ના દિવસે તમને એઇડ્સ હોવો જરૂરી નથી..."