Friday, 30 May 2014

સીટીલાઇટ્સ: સોલાર લાઇટ જેવું એક્ટીંગ









       ગ્રામ્ય વિસ્તાર માંથી મોટા સપનાઓ સાથે સીટી તરફ પ્રયાણ કરતા હજારો લોકો છે, એકાદ ટકા જેટલાં આગળ વધી જાય છે પણ ૯૯ ટકા લોકો આખર સુધી ઠેબા ખાતા હોય છે. આ વાત આ રીતે જોઈએ તો સાવ સામાન્ય લાગે છે. આમ તો આવી વાર્તા પર અસંખ્ય વાર્તા લખાય ચૂકી છે તો અસંખ્ય ફિલ્મ્સ પણ બની ચૂકી છે. જો આવા જ વિષય પર ફિલ્મ બનાવવી હોય તો સ્ક્રીનપ્લે અને એક્ટીંગ મજબૂત હોય તો જ એક સારી ફિલ્મ બની શકે. જોકે આ ફિલ્મ માટે મઝા એ હતી કે ફિલ્મનો બ્રીટીશ ફિલ્મ "મેટ્રો મનીલા" પરથી તૈયાર કરવામાં આવ્યો છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો એ ભારતમાં મહેશ ભટ્ટ-મુકેશ ભટ્ટ સાથે રાખીને જ રીલીઝ કરવામાં આવી હતી. લેખક રીતેષ શાહ માટે એક તરફ સહેલું તો બીજી તરફ આ કાર્ય અઘરું પણ હતું. સ્ક્રીનપ્લેના થોડા ખાંચાની વાત છેલ્લે કરીશું પણ અત્યારે તો એટલું કહેવું જ પડે બધા જ કલાકારોનું કામ એટલે સોલાર લાઇટ જેવું ઝળહળતું કામ...


        હંસલ મહેતા આ ફિલ્મના ડિરેક્ટર છે. એમણે પોતાના કેરિયરની શરૂઆત ’ખાના ખઝાના પ્રોગ્રામ જે ઝી ટીવી પર આવતો હતો અને જેને સંજીવ કપૂર ભારતના શ્રેષ્ઠ શેફ દ્વારા હોસ્ટ કરવામાં આવતો એના ડિરેક્શનથી થઈ અને પ્રાઉડની વાત એ છે કે આ નામ પરથી જ ઝી ટીવીએ અલગ ચેનલ ઝી ખાનાખઝાના શરૂ કરી છે પણ હંસલ મહેતાની પસંદ ફ્રીકશન જ હતી.  તેમની ’રીસ્તેમાં ડિરેક્ટ કરેલી થોડી સ્ટોરીઝમાં તેમનું ડિરેક્શન સીધુ જ દેખાય આવે એવું હતું. એમની પહેલી ફિલ્મ ’જયતે ખાસ અસર ન પાડી શકી પણ ૧૯૯૭થી ફૂલ લેન્થ ફિલ્મના ડિરેક્શનની શરૂઆત થઈ ગઈ. આ પછી ૩ વર્ષના ગેપ પછી એમની ’દિલ પે મત લે યાર ફિલ્મ આવી. ફિલ્મ એવરેજ રહી અને ફરી બે વર્ષના ગેપ પછી ૨૦૦૨માં ’છલ અને ’યે ક્યા હો રહા હૈં રીલીઝ થઈ અને બંને બોક્ષ ઓફીસ પર ન ચાલી. આ પછીની ૨૦૦૫ની ’અંજાનમાં પણ એવું જ બન્યું. રામ ગોપાલ વર્માની ’દશ કહાનીયાંમાં એમને ભાગે ’હાઇ ઓન હાઇવે આવી હતી જે વખાણવા લાયક હતી. આ પછી એમણે ’વુડ સ્ટોક વિલા, ’રાખ અને ’શહીદ ડિરેક્ટ કરી. ’શહીદને ઘણા એવોર્ડ્સ મળ્યા હતા. આ બધા પછીની એમની ફિલ્મ એટલે ’સીટીલાઇટ્સ જેમાં તમને સીધી જ ખબર પડશે કે હંસલ મહેતા અનુભવે ઘડાયેલા ડિરેક્ટર છે...


        મહેશ ભટ્ટ કૅમ્પની એક ખૂબી છે કે પાત્રો ઇન્ટ્રોડ્યુસ કરવા, ઓછા ખર્ચે ફિલ્મ બનાવવી અને કમાણી કરી લેવી.  આ સામાન્ય ફૉર્મ્યુલામાં હવે તો એટલાં મોટા ફેરફારો આવી રહ્યા છે કે ફિલ્મનું બજેટ ભલે ૨ કરોડ હોય પણ ૪ કરોડ પબ્લીસીટી પાછળ વાપરીને ફિલ્મને હીટ કરાવી દેવું. જો કે ભટ્ટ સાહેબ હોશિયાર એટલાં છે કે આવા રૂપિયા પણ ન બગાડે. ફિલ્મની વાર્તા ઑલરેડી હીટ ફિલ્મની જ હોય ત્યારે આવું કંઈ પણ કરવાને બદલે બસ સારુ મ્યુઝિક અને સારા લીરીક્સ સાથે દર્શકોને આપવામાં આવે ત્યારે અલગ મસાલો ગમે અને ફિલ્મ કમાણી કરી લે. આ ઉપરાંત આ અઠવાડિયે કોઈ પણ મોટા બેનરની ફિલ્મ રીલીઝ નથી થઈ જેમ કે આજે રીલીઝ થનારી ફિલ્મ્સ હતી ’કુકુ માથુર કી ઝંડ હો ગઈ અને ’તુમ હો યારા હવે જ્યારે બાકીની બે ફિલ્મ્સ સાથે કોઈ મોટું નામ ન જોડાયેલ હોય ત્યારે આ ફિલ્મ જોવામાં આવે એમા નવાઈ શું? 


        બૅકગ્રાઉન્ડ સ્કોર રાજુ સિંઘનો છે. ફિલ્મના દ્ગશ્યો સાથે રાજુ સિંઘનો બૅકગ્રાઉન્ડ સ્કોર મેચ થઈ શક્યો છે. સૌથી મહત્વની વાત હોય કે જ્યાં ડાયલૉગ ન હોય ત્યાં મ્યુઝિક ઉપર જાય અને દ્ગશ્ય એસ્ટાબ્લીશ કરે અને હોય ત્યારે એ ડાયલૉગ એસ્ટાબ્લીશ થાય. ઘણા સારા મ્યુઝિસિયન્સ આ વાતમાં થાપ ખાય જાય છે પણ અહિંયાં ખૂબ સારુ કોમ્બીનેશન જોવા મળ્યું છે. ગીતોનું મ્યુઝિક જીત ગાંગુલીનું છે. વિશેષ ફિલ્મ્સની કોઈ પણ ફિલ્મ હોય સંગીત માટે તો કહેવું જ ન પડે. ફિલ્મના ગીતો એટલાં કર્ણપ્રિય છે કે તમને ગમી જ જાય. આ ઉપરાંત ગીત માત્ર ગીત તરીકે જ રજૂ નથી થતા સ્ટોરીને પણ સપોર્ટ કરે છે..

        રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. રાજકુમારે ઘણા સમય સુધી યાદવ સરનેમ વાપરી પણ લક અને જ્યોતિષ જેટલું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રચલિત છે એટલું ક્યાંય પણ નહીં હોય. આવા જ કંઈક વિચાર સાથે રાજકુમારે યાદવને બદલે રાવ સરનેમ વાપરવાનું શરૂ કર્યું છે. ’લવ સેક્સ ઔર ધોખાથી પોતાની કેરિયર શરૂ કરનાર રાજકુમાર સાથે હમણાં મારે એક ફિલ્મ માટે વાત થઈ ત્યારે ખબર પડી કે તેની પાસે આગલાં બે વર્ષ સુધી ખાલી ડેટ્સ નથી. પહેલી ફિલ્મ પછી આ છોકરો ક્યારેય ક્યાંય અટક્યો નથી. અફલાતૂન એક્ટીંગ માટે રાજકુમારના વખાણ થાય એટલાં ઓછા છે. વિશેષ ફિલ્મ્સ તરફથી ઇન્ડસ્ટ્રીને ઘણા નવા કલાકારો મળ્યા છે. આ ફિલ્મમાં સીક્યુરીટી ઓફીસર તરીકે માનવ કૌલને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. એમની અને રાજકુમારની ક્રોનોલોજી ખૂબ જ સરસ રીતે પડદા પર બતાવી શકવામાં ડિરેક્ટર સફળ રહ્યા છે. એમની સાથે સાથે હીરોઇન તરીકે પત્રલેખા પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. નામ જ સાવ અલગ છે અને એટલું જ અલગ આ છોકરીએ એક્ટીંગ પણ કર્યું છે. કોઈ જ ગ્લૅમર ન ધરાવતી આ છોકરી પોતાને ભાગે આવેલા ઓછા કામમાં પણ એક્ટીંગ તો બતાવી જ શકી છે. ફિલ્મમાં બહુ થોડા પાત્રો છે પણ તમને એવું ક્યાંય નહીં લાગે કે આ નબળો કલાકાર છે. એક્ટીંગ માટે પણ ફિલ્મ જોવી જોઈએ...


        વખાણ તો બહુ થયા તો ચાલો થોડી ભૂલોની પણ ચર્ચા કરી લઈએ. ફિલ્મની કથા મુજબ રાજસ્થાન રહેતું રાજકુમારનું ફેમિલી આર્થિક સંકળામણને લીધે મુંબઈ રહેવા આવે છે. રાજકુમારે દુકાન ખાલી કરવી પડે છે અને એ પાછળનું કારણ માત્ર એક લાખ રૂપિયા બતાવવામાં આવે છે જેની સામે તેની દુકાનનો સ્ટોક અને ઘર એટલાં મોટા દેખાડવામાં આવ્યા છે કે બાત કુછ હજમ નહીં હોતી. આ પણ ઠીક ચલો માની લઈએ તો મુંબઈ આવે છે ત્યારે એક મકાન બતાવવા તેને કોઈ લાવે છે. જેનું ભાડું ૧૦ હજાર મહીને કહેવામાં આવે છે અને ભાઈ ઍડ્વાન્સ આપી દે છે. જે માણસ એક લાખ માટે ગામ છોડે અને એક મહીને ૧૦ હજાર ભાડાનું મકાન રાખે એ વાત પણ બંધ બેસતી નથી. ફિલ્મની ખરી શરૂઆત ઇન્ટરવલ પછીની ૧૫ મીનીટ પછી થાય છે કેમ કે ફિલ્મનો મોટો કહી શકાય એવો પ્રસંગ ત્યારે જ બને છે. આ પહેલા માત્રને માત્ર તકલીફો અને ફિલ્મ એસ્ટાબ્લીશમેન્ટનો સમય છે. જો ધાર્યું હોત તો મુખ્ય પ્રસંગને થોડી વધુ સારી રીતે વહેલો લાવીને ફિલ્મ વધુ જમાવી શકાય હોત. તો પણ ઓવરઓલ ફિલ્મ જોવા લાયક છે. ફિલ્મને ગમે તેમ કરીએ તો પણ ૩ સ્ટાર તો આપવા જ પડે...




પેકઅપ:
એક ટૂંકામાં ટૂંકો જોક...’એક સમજદાર પત્ની હતી

Friday, 23 May 2014

કોચડીયાન: રજનીકાંત સ્ટાઇલ એનીમેશન



          આપણે આ પહેલા 3D ટેક્નોલૉજી વિશે વાત કરી ચૂક્યા છીએ અને સાથે સાથે એનીમેશન વિશે પણ વાત કરી ચૂક્યા છીએ પણ અહીંયાં બે વાતોનું મિશ્રણ છે 3D અને એનીમેશન. જ્યારે પણ એનીમેશનની વાત હોય ત્યારે એક ખાસ રેફ્રરન્સ લેવામાં આવતો હોય છે તો જ એક મોડેલ જે રીતે તમારે સ્ક્રીન પર દેખાડવું એમ દેખાય શકે. જો વાત યાદ કરો તો ’લાઇફ ઑફ પાઇ નો ટાયગર એનીમેટેડ હતો પણ એક વાઘ કેવી કેવી રીતે વર્તે, કેમ ખાય, કેમ હુમલો કરે, કેવી રીતે ગુસ્સો કરે આ બધું એનીમેટેડ ટાયગરમાં ભરવા માટે એક વાઘના પીંજરા પર છ મહીના સુધી કૅમેરા ફીટ કરીને અભ્યાસ થયો અને પછી જ વાઘ બનાવવામાં આવ્યો. અહીં ’કોચડીયાન બનાવવા માટે પણ એ જ ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રજનીકાંત, દીપીકા પાદુકોણ, જેકી શ્રોફ, શોભના, આધી, આર.શરથકુમાર, નાસીર, રુકમણી વિજયકુમાર જેવા કલાકારોને એક સ્ટુડિયોમાં બેસાડી દરેક દ્ગશ્ય મુજબ એક્ટીંગ કરાવવામાં આવી અને હુબહુ એના જેવું જ એનીમેશન થાય એ માટે પોઇન્ટ ટુ પોઇન્ટ રેકોર્ડીંગ કરી એનીમેટર્સને બતાવવામાં આવ્યા. ખૂબ સરસ અને અત્યાર સુધીમાં કદાચ ભારતમાં બનેલું સારામાં સારુ એનીમેશન કહી શકાય. એટલે જ તો કહ્યું કે રજનીકાંત સ્ટાઇલ એનીમેશન...


        રેફેરેન્સ માટે યુ.કે., યુ.એસ.એ, હોંગકોંગ, ચાઇના બધે જ શૂટ કરવામાં આવ્યું છે. જેવી રીતે પાત્રો બનાવવા માટે રેફ્રન્સ જોઈએ એ રીતે જ બૅકગ્રાઉન્ડ બનાવવા માટે પણ રેફ્રન્સ જોઈએ જ. આ ફિલ્મ માટે ખાસ કરીને એટલાં માટે ધ્યાન રાખવું પડે કેમ કે હિન્દી, તેલુગુ, ભોજપુરી, બેંગોલી, મરાઠી, પંજાબી અને અંગ્રેજી ઉપરાંત જાપાનીઝ લેંગ્વેજમાં પણ રીલીઝ થવાની છે.  એનીમેશનના બેકડ્રોપ અને અસંખ્ય પાત્રો માટે એટલો સમય અને એટલો જ ભોગ આપવો પડે છે. ફિલ્મની તૈયારીઓ ૨૦૦૭થી શરૂ થઈ ગઈ હતી ત્યારે છેક ૨૦૧૪માં આપણે આ ફિલ્મ જોઈ શકીએ છીએ...


      ફિલ્મની ડિરેક્ટર સૌંદર્યા એટલે રજનીકાંતની પુત્રી. આજકાલ રાજકારણની જેમ જ ફિલ્મમાં પણ ટ્રેન્ડ ચાલે છે કે ફેમિલી એસ્ટાબ્લીશ કરવાનું જ. જ્યારે સૌંદર્યા ડિરેક્ટ કરતી હોય ત્યારે રજનીકાંત પ્રમોસનથી લઈને એક્ટીંગ સુધી બધે જ રસ લે જ. અગાઉ કહ્યું એમ સૌંદર્યા ૨૦૦૭થી આ ફિલ્મ માટે કામ કરતી હતી પણ સમય જતા વાર્તાને વધુ સુંદર બનાવવા માટે કે.એસ. રવિકુમારનો એપ્રોચ કરવામાં આવ્યો. રવિકુમાર અને સૌંદર્યા બંને સાથે મળીને સ્ટોરી પર કામ કરવા લાગ્યા. બંને જ્યારે વાર્તા પર કામ કરી ચૂક્યા ત્યારે અચાનક જ રજનીકાંતની તબિયત બગડી. રજનીકાંતને ડિહાઇડ્રેશન થયું અને રેફ્રન્સ શૂટીંગ અટકી ગયું. સૌંદર્યાએ ફિલ્મનું નામ ’રાણા નક્કી કર્યું હતું પણ રજનીકાંત કહે પછી કોઈથી ના પાડી શકાય? રજનીકાંતના આગ્રહ પર ફિલ્મનું નામ ’કોચડીયાન નક્કી કરવામાં આવ્યું. ઇરોઝ એન્ટરટાઇન્મેન્ટ અને મીડિયા ગ્લોબલ પાર્ટનર બનવા તૈયાર થયા..


        તામિલ મેગેઝીનમાં એક ’કુમુદામ નામથી એક સીરીઝ આવેલી જે ખૂબ હીટ રહી હતી. માર્કેટમાં એવી અફવા હતી કે આ ફિલ્મ એ શ્રેણી પર આધારિત છે. સૌંદર્યાએ પ્રેસ કૉન્ફરન્સ બોલાવી ખુલાસો કરવો પડ્યો કે ’કુમુદામ સાથે આ ફિલ્મને જરા પણ લાગતું વળગતું નથી. ફિલ્મનો ટાર્ગેટ ખૂબ ઉંચો રાખવામાં આવ્યો છે એ માટે જ પહેલેથી જ એવો પ્રચાર કરવામાં આવ્યો છે કે આ ફિલ્મની કંપેરીઝન ’અવતાર અને ’એડવેન્ચર ઑફ ટીનટીન સાથે કરવામાં આવે!


        રજનીકાંત સામે કેઈ હીરોઈનને રેફ્રન્સ શૂટીંગ કરવું એ માટે ઘણીએ હીરોઇન્સનો કૉન્ટેક્ટ કરવામાં આવ્યો હતો.  સુત્રો અનુસાર અનુષ્કા, અશીન, વિદ્યા બાલન ત્રણે સાથે સૌંદર્યાએ વાત કરી હતી પણ જામ્યું નહીં એટલે કેટરીના સાથે વાટાઘાટો શરૂ થઈ પણ છેલ્લે ૨૦૧૨માં દીપીકાને સાઇન કરવામાં આવી. જો કે કાસ્ટ માટે ઘણી અફવાઓ ઊડી હતી. મલયાલમ સુપર સ્ટાર પૃથ્વીરાજ પણ આ ફિલ્મના રેફ્રન્સ પાત્ર તરીકે હશે પણ એ અફવા અફવા જ રહી. જો કે સૌથી વધુ ખુશ તામિલ એક્ટર આધી હતો. એના કહેવા મુજબ "રજનીકાંત સાથે કામ કરવું એ મારુ સ્વપ્ન હતું, જે પુરુ થયું..."હાં એ વાત અલગ છે કે બંને એનીમેશનમાં જ દેખાશે પણ ક્રેઝ તો ક્રેઝ જ છે ને!


        રાજીવ મેનન આમ તો ખૂબ સારા સિનેમેટોગ્રાફર છે પણ જ્યારે એનીમેશનની વાત આવે ત્યારે એમની પણ કસોટી હતી. રેફ્રન્સ શૂટ પૂરતું જ નહીં પરંતુ એનીમેશનમાં પણ કૅમેરા કેમ ફરશે એ એમણે જ નક્કી કરવાનું હતું. એમણે આ ફોટોગ્રાફી સેટ કરવામાં ખૂબ મહેનત પડી પણ એમના જ એક સ્ટેટમેન્ટ મુજબ કહ્યું કે "હું માત્ર એટલું જ કહીશ કે હું ધન્ય થઈ ગયો" મારા માનવા મુજબ કદાચ આ ફિલ્મ પહેલીવાર મે-૨૦૧૩માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રીલીઝ કરવામાં આવી હતી. એક વાત મુજબ મને યાદ છે ત્યાં સુધી કદાચ ૨૦૧૨માં યુ.એસ.એ.માં કાર્બન મોબાઈલ તરફથી આ ફિલ્મનો એક ખાસ શો યોજાયો હતો. હું વાત માટે સ્યોર નથી..


        કોઈ પણ ફિલ્મનું જો વાયરલ એટલે કે નેટ પર અલગ અલગ રીતે પ્રમોશન ન કરવામાં આવે તો ફિલ્મ હીટ થતી નથી અને એમાં પણ રજનીકાંતની ફિલ્મ હોય એટલે આ નામથી ગેઇમ્સથી લઈને ઘણી રીતે ફિલ્મ વાયરલ બનાવવામાં આવે જ. હંગામા, ગેમ્સ શાસ્ત્ર, આઇ.ઓ.એસ. સ્ટોર, ગુગલ પ્લે, વિન્ડોવ ફોન સ્ટોર વગેરે પર લોકોની જીભ પર ચડે એ માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિલ્મના પ્રમોશન માટે અમિતાભ બચ્ચન પાસે પણ સારા વાક્યો બોલાવામાં આવ્યા છે એ રીતે જ એનીમેશનની દુનિયાનું ખૂબ જાણીતું નામ ફીલ સ્ટીલ ગો પણ કહે છે કે " હું ૧૫ વર્ષથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું. હું કોન્ફીડન્સ સાથે કહું છું કે ’કોચડીયાન એ અત્યાર સુધીમાં આવેલી એનીમેશન ફિલ્મમાં શ્રેષ્ઠ ફિલ્મ છે"


        આપણે વખાણ તો કરી લીધા પણ થોડી હકીકતો તરફ પણ નજર કરીએ. એ.આર. રહેમાન સાહેબનું મ્યુઝિક સારુ જ હોય પણ ફિલ્મમાં વધુ પડતા ગીતો ફિલ્મને ડીસ્ટર્બ કરે છે. દ્ગશ્યો ઝાઝરમાન છે પણ જે પાત્રોને તમે જીવંત જોઈ ચૂક્યા હો એ જ પાત્રોને જ્યારે એનીમેશન રૂપે જુઓ એટલે ન હસવું હોય તો પણ હસી પડાય! આ ફિલ્મની વાર્તાને ફિલ્મ તરીકે રજૂ કરવામાં બે મુખ્ય નબળાઇ હતી. એક તો અસંખ્ય મોટી સંખ્યામાં સૈન્ય ઊભું કરવું અને એક કાળના સેટ ઊભા કરવા પણ જો એ માટે જ ફિલ્મને એનીમેશનમાં લઈ જવી હોય તો પછી પાત્રોનો રેફ્રન્સ પણ કાલ્પનિક જ લેવાય. હું એ વાત સાથે સંપૂર્ણ સહમત છું કે ખૂબ જ સારુ એનીમેશન છે પણ ઉમરલાયક તો ઉમરલાયક રજનીકાંત તો જોવા ગમે જ. હાં એ વાત અલગ છે કે દીપીકા ખૂબ નાની લાગે પણ રજનીકાંત માટે બધું જ શક્ય હોય! હજુ ભારતની પ્રજા એનીમેશન ફિલ્મ્સ માટે એટલી ક્રેઝી નથી માટે આ કરોડો રૂપિયાનો ખર્ચ કાઢશે કે કેમ એ તો બોક્ષ ઓફીસ જ નક્કી કરશે... સ્ટારની વાત રહેવા દઇએ કેમ કે રજનીકાંત સાહેબ નારાઝ થઈ જાય તો પછી ક્યારેય રીવ્યુ નહીં લખી શકું...


પેકઅપ:

"બીજેપીને આટલી સીટ અપાવવામાં રજનીકાંત ભલે સફળ ગયા હોય પણ સાલુ આજે ટૉકીઝમાં કુલ ૧૫ સીટ જ ભરેલી હતી..."