દર અઠવાડિયે એક પછી એક ફિલ્મ રીલીઝ થાય છે અને દરેક ફિલ્મ બે
કોન્સેપ્ટથી બનતી હોય છે. એક કૉન્સેપ્ટ એવો હોય છે કે ફિલ્મના મૂળને એટલે કે વિષય વસ્તુને
વળગી રહો અને બીજો કૉન્સેપ્ટ એવો હોય છે કે ફિલ્મમાં ઘણો બધો મસાલો પીરસી દો. બંનેના
ફાયદા અને ગેરફાયદા એટલાં જ છે. જો તમને માત્ર સરસ મઝાની પંજાબી વાનગી જ આપવામાં આવે
તો તમે વાહ કહો અને ઘણીવાર અલગ અલગ વાનગીઓ એક સાથે પીરસવામાં આવે તો પણ વાહ કહો જ.
હાં એ વાત ચોક્કસ છે કે સ્વાદ સારો હોવો જોઈએ પણ જો ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, મદ્રાસી
બધી જ વાનગીઓને મિક્સ કરી દેવામાં આવે અને પછી તમે એકાદ કટકો એમાંથી ચાખો તો ન ભાવે.
’ફટા પોસ્ટર નીકલા હીરો’ આવું જ કંઈક મીક્સીંગ છે અને વળી વઘાર પણ ખાસ નથી એટલે એવું
કહેવું યોગ્ય હશે કે થોડો કાચો અને થોડો પાક્કો..
રાજકુમાર સંતોષીના
ડિરેક્શનનો હું તો આશિક રહ્યો છું. ’અર્ધ સત્ય’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની કેરિયરની
શરૂઆત કરનાર રાજકુમાર સંતોષીના નામે ઘણી એવી ફિલ્મ્સ લખાય ચૂકી છે જે ફૂટમાર્ક ગણવી
પડે. ૧૯૯૦માં ’ઘાયલ’ ફિલ્મથી સ્વતંત્ર ડિરેક્શનની શરૂઆત કરનાર રાજકુમાર સંતોષીની
સફળ ફિલ્મ્સનું લીસ્ટ ઘણું લાંબું છે. ’દામીની’માં એમના ડિરેક્શન પછી લોકોને લાગ્યું કે
મારધાર અને રાડો પાડતી ફિલ્મ્સ જ તેઓ બનાવશે પણ એમની એમના પછીની ફિલ્મ ’અંદાઝ અપના
અપના’ને જીવનમાં
જોયેલી સારી કૉમેડી ફિલ્મ્સના લિસ્ટમાં મૂકવા જ પડે. આ રીતે જ ’ચાઇના ગેટ’ પણ
એક એક્સ્ટ્રા ઓર્ડીનરી ફિલ્મ રહી. ’ધ લિજેન્ડ ઑફ ભગતસિંઘ’, ’હલ્લા
બોલ’ કે
’અજબ પ્રેમ કી ગજબ કહાની’ જેવી ફિલ્મ્સના ડિરેક્ટર રહી ચૂકેલા રાજકુમાર સંતોષી આ ફિલ્મમાં
માર ખાય ગયા. એક નાની વાત પણ ન ચૂકતા રાજકુમાર સંતોષી મુકેશ તિવારીને લગાવેલી ખોટી
દાઢીની નેટ દેખાય એ પણ જોવાનું ચૂકી ગયા છે!
શહીદ કપૂર એક લિજેન્ડ કલાકાર પંકજ કપૂરનો છોકરો હોવા છતા ઘણી
સ્ટ્રગલ પછી આગળ આવ્યો છે જો કે એને સફળતા ફટાફટ મળી હતી. પહેલી જ ફિલ્મ ’ઇશ્ક વિશ્ક’માં
બેસ્ટ ડેબ્યુટ એક્ટરનો ફિલ્મફેર એવૉર્ડ જીત્યો. ’વિવાહ’ તો
સુપર ડુપર હીટ રહી. શહીદ કપૂર માટે ઓવર એક્ટીંગ અઘરી પડતી હોય એવું આ ફિલ્મમાં મને
લાગ્યું. હીરોગીરી અને ઇમોશન વચ્ચે બચારો અટવાયેલો રહે છે. ઇલેના ડી’કૃઝ
થોડા સમય પહેલા જ પોતાના એક્ટીંગ માટે ’બરફી’માં બેસ્ટ ડેબ્યુટ એક્ટ્રેસનો એવૉર્ડ જીત્યો
હતો અને ખૂબ જ સારુ કામ કર્યું હતું પણ અહીંયાં ખાસ ઇલેનાનું પાત્ર ફિલ્મમાં ઘુસેડવામાં
આવ્યું હોય એવું લાગે છે. ઇલેના ધારે તો પણ ખાસ એક્ટીંગ કરી શકી ન શકે એવી સ્ટોરી છે
એટલે જે છે એનાથી જ એણે તો સંતોષ માનવાનો રહ્યો. દર્શન જરીવાલા વિશે તો શું કહું? મારા
ઓલ ટાઇમ ફેવરીટ એક્ટર અને ખૂબ જ સારા મિત્ર પણ. હું બહુ ઓછા કલાકારોને જીવનમાં માન
આપુ છું પણ દર્શન સર માટે હ્રદયમાં એક ખાસ સ્થાન છે. દર્શન જરીવાલા માત્ર ફિલ્મના જ
નહીં પણ નાટકના પણ બાદશાહ છે. એમની સાથેની મારી વાતચીત આપ.કંટ્રોલ એસની યુટ્યુબ લીંક
પર જોઈ શકશો. ફિલ્મમાં વિલનના પાત્રમાં એક ખૂબ સારા આર્ટિસ્ટ સૌરભ શુકલા પણ છે. સૌરભ
શુક્લા ખૂબ સારા લેખક અને દિગ્દર્શક પણ છે. ’સત્યા’ના કલ્લુ મામા તરીકે પ્રખ્યાત
સૌરભે ’મુદ્દા’, ’ચહેરા’, ’આઇ
એમ ૨૪’, ’રાત
ગઈ બાત ગઈ’ અને
’પપ્પુ કાન્ટ ડાન્સ સાલા’ જેવી ફિલ્મ્સ ડિરેક્ટ કરી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફૂટમાર્ક
ફિલ્મ ’સત્યા’ પણ
એમણે જ લખી હતી. રાજકુમાર સંતોષી એ જ ઇન્ટ્રોડ્યુસ કરેલ મુકેશ તિવારી ખૂબ જ તગડો આર્ટિસ્ટ
હોવા છતા ખાસ કામ આપી શક્યો નથી. વર્ષો પછી પદમીની કોલ્હાપુરીને મોટા પડદે જોઈ. પદમીનીના
ચહેરામાં એક ખામી છે કે એ ક્યારેય ઉમર થઈ હોવા છતા ઉમર લાયક લાગી નથી અને ચહેરા પરની
રેખાઓએ એમને યુવાન રહેવા દીધી નથી. સંજય મીશ્રા ફિલ્મમાં ગુરુજીની ભૂમિકામાં છે. સંજયની
ફિલ્મોગ્રાફી ખૂબ લાંબી છે. આમ તો ઘણી પ્રકારના પાત્રો ભજવી ચૂક્યો છે પણ છેલ્લા કેટલાંક
સમયથી કોઈ પણ કૉમેડી ફિલ્મ હોય સંજય એક જરૂરિયાત બની ગયો છે. હું એવું નથી કહેતો કે
એક્ટીંગ ખરાબ હતી પણ સ્ટોરી મુજબ કોઈને ખાસ મોકો મળ્યો નથી.
ફિલ્મની વાર્તા
હીરો આસપાસ જ રહેવાની પણ લેખક રાજકુમાર સંતોષી એ ભૂલી ગયા છે કે હીરોને કૉમેડી કરાવવી,
ઇમોશનલ બનાવવો, ફાઇટ કરાવવી, ડાન્સ કરાવવો, પ્રેમ કરાવવો અને ઓવર એક્ટીંગ પણ કરાવવી.
હવે એક માણસ પર આટલો બધો બોજ આવી જાય તો ઓડિયન્સને પણ ગળે ન ઉતરે. ફિલ્મની વાર્તા જેમ
જૂના જમાનામાં ફિલ્મ્સ આવતી એવી જ છે. એક માં સપનામાં હોય કે મારે મારા છોકરાને પોલીસ
ઇન્સ્પેક્ટર બનાવવો છે અને બાળક ફિલ્મ્સના રવાડે ચડેલ હોય. પ્રીડીક્ટેડ વાત મુજબ માં
મુંબઈ રોકાવા આવે એટલે એની સામે તો ઇન્સ્પેક્ટર બનીને રહેવું જ પડે એટલે એની આસપાસ
કૉમેડી દ્ગશ્યો ઊભા કરી શકાય. એકાદ બે દ્ગશ્યોમાં ઊભી થતી કૉમેડી ખરેખર વખાણવા લાયક
છે પણ ગમે તેમ કરીને ફિલ્મનો સમય પૂરો કરવો હોય એ રીતે ફિલ્મ સેકંડ હાફમાં ખેંચાય છે.
માં-દીકરાનો પ્રેમ, બાપની અચાનક એન્ટ્રી વગેરે વગેરે કંટાળો અપાવે છે. ફિલ્મના અંતમાં
પ્રિયદર્શન સ્ટાઇલ ખીચડો કરવાની કોશિશ કરી છે પણ અંત ગળે ન ઉતરે એવો રહ્યો. શહેરમાં
મૂકવામાં આવેલા બૉમ્બ માટે એક કોમ્પ્યુટર અને લાલ લીલા બટનની જૂની સ્ટાઇલ મૂકવામાં
આવે ત્યાં સુધી તો ચાલે પણ એક પછી એક વ્યક્તિ આવીને ટાઇમ સ્ટોપ અને સ્ટાર્ટ કરી જાય
એ કૉમેડીને બદલે ટ્રેજડી લાગે છે.
ફિલ્મનું સંગીત
ખરેખર વખાણવા લાયક છે સિવાય કે નરગીશ ફક્રી પર ફિલ્માવેલુ આઇટમ સોંગ. પ્રિતમ નવી પ્રકારનું
મ્યુઝિક આપે જ છે. મ્યુઝિક સારુ હોવા છતા પ્રૉબ્લેમ એ છે કે ગીતોને જે રીતે ફિલ્માવવામાં
આવ્યા છે એ ડિરેક્શનની ખામી જ ગણવી પડે. સિનેમેટોગ્રાફર રવિ યાદવની સિનેમેટોગ્રાફીનો
કમાલ ચોક્કસ ગીતોમાં દેખાય છે પણ જરૂર વગર ભભકો નાખી દો તો વાત બગડી જાય. ફિલ્મનું
એડીટીંગ બોલીવુડના એડિટર સ્ટીવન બનાર્ડને સોંપવામાં આવ્યું છે. એમણે ઘણી મહેનત લીધી
છે પણ એક દ્ગશ્યથી બીજા દ્ગશ્યનું ટ્રાન્સીસન ઇન્ડિયન સ્ટાઇલ એમને ખબર ન હોવાથી વાત
બદલે ત્યારે નાના નાના જર્ક આવે છે. જો કે ટીપ્સ મ્યુઝિક ફિલ્મ્સના રમેશ તૌરાનીનું
પ્રોડક્શન છે એટલે કદાચ ફિલ્મ ખોટ નહીં કરે કેમ કે ૨૫૦૦ સ્ક્રીન રીલીઝ થઈ છે. સ્ટાર
આપવાની વાત આવે તો ૨ સ્ટારથી વધારે આપી શકાય એમ નથી.
પેકઅપ:
"આશારામ બાપુને સલમાને ટ્વિટર પર કહ્યું કે ’મૈને મના
કીયા થા મત જાઓ જોધપુર પણ ગયા.... સલમાને રાજકુમાર સંતોષીને પણ કહેવાની જરૂર હતી કે
’ફટા પોસ્ટર નીકલા હીરો’ મત બનાઓ!"


No comments:
Post a Comment