Friday, 1 March 2013

ધ એટેક્સ ઑફ 26/11: એક તો ડોક્યુમેન્ટરી અને પાછી ખોટા સમયે







      ૨૬/૧૧ની ઘટનાંએ આખા ભારતને હચમચાવી દીધું હતું. એક પછી એક જગ્યા પર થતો ગોળીબાર, લોકોનું આક્રંદ, આતંકવાદ પર ફિટકાર વરસાવતું આખુ ભારત અને દરેકના મનમાં ઊઠતો પ્રશ્ન કે શું ભારતમાં સુરક્ષા વ્યવસ્થા જેવું કશું છે? લોકોના મગજમાં જ્યારે ઘટના પડી હોય ત્યારે આ ઘટનાને રોકડી ન કરી લો તો કેમ ચાલે? ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક વણ થંભ્યો નિયમ રહ્યો છે કે જો કોઈ ઘટના હદથી વધારે વખણાઈ હોય કે વખોડાઈ હોય તો આ વાત પર ફિલ્મ કેમ ન બનાવવી? ’નો વન કીલ જેસીકા આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી મૌકા પરસ્ત છે જ એટલે યોગ્ય સમયે યોગ્ય રીતે ફિલ્મ રજૂ કરીને રૂપિયા ભેગાં કરી જ લે છે પણ રામુ ભૈયા તો ગ્રેટ છે એટલે એ ગમે ત્યારે ગમે તે પ્રકારે ફિલ્મ રજૂ કરી શકે! આતંકવાદ અને આતંકવાદી પરની અનેક સફળ નિષ્ફળ ફિલ્મ્સ પછી ૨૬/૧૧ના વિષય પરની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનું સાહસ તો રામુ જ કરી શકે! કોઈ પણ પ્રકારના યોગ્ય સમય વગર, યોગ્ય કારણ વગર, યોગ્ય વાત વગર ફિલ્મ રજૂ કરો અને એ પણ ડોક્યુમેન્ટરી સ્ટાઇલ અને પાછાં ખોટા સમયે તો ફિલ્મ હીટ જવા માટે મને કોઈ કારણો જ નથી મળતા!

        હું હજાર વાર લખી ચૂક્યો છું છતા મને ફરી એકવાર લખવાની ઇચ્છા થાય છે કે ફિલ્મનું મુખ્ય પાસું છે ફિલ્મની વાર્તા. જો વાર્તા માં દમ ન હોય તો ફિલ્મ બનાવવી જ ન જોઈએ પણ જો તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પંકાયેલા માણસ હો તો તમે જે રજૂ કરો એ લોકો જોવાના જ છે. કસાબને ફાંસી આપ્યા પછી આ વાત જાણે લોકો ભૂલી જ ગયા હતા પણ એક વાત કહી દઉં કે ફિલ્મ શરૂ થઈ ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા દયાની અરજી હજુ ફગાવી દેવામાં નહોતી આવી પણ ફિલ્મ રજૂ થાય એ પહેલા આ વાત બની એટલે કસાબને ફાંસી આપવાની વાત પાછળથી ફિલ્મમાં ઉમેરવામાં આવી. રામુ માટે ઇન્ડસ્ટ્રીના લોકો કહેવા લાગ્યા છે કે ’યે સઠિયા ગયા હૈં. હું આ વાત માનતો નહોતો પણ ફિલ્મ જોઈને મને પણ લાગ્યું કે સાચે જ રામુ સઠિયા ગયા હૈં. રામુએ કસાબને ફાંસી વખતે એક સ્ટેટમેન્ટ કરેલું ’કસાબને ફાંસી એટલે ફોરપ્લે વગરનું સેક્સ આ વાત વાંચતા સાથે જ એક વિચાર આવેલો કે જો આતંકવાદ એટલે જો ફોરપ્લે હોય તો હવે આ માણસના મગજમાં સેક્સ ઘર કરી ગયુ છે. હીરોઇન વગરની ફિલ્મ અને સેક્સની વાત ન હોય તો પછી કદાચ રામુ આ ફિલ્મ માટે સેટ ન પણ થઈ શક્યા હોય!

        રામગોપાલ વર્મા સાહેબનું પોતાનું ડિરેક્શન હોય, સ્ક્રીનપ્લે હોય ત્યારે ભાઈએ ખાસ ધ્યાન રાખવું જ પડે એટલે જ એમણે ફિલ્મ શરૂ કરવાનું કહ્યું એ પહેલા જ ઓડીશન ડિક્લેર કરી દીધાં હતા. ઓડીશનમાં રામુજીના નક્કી કર્યા મુજબ એમણે મોટાભાગના નવા કલાકારો જ લેવા હતા. ફિલ્મ જ્યારે ૨૬/૧૧ પર હોય ત્યારે કસાબ એક ખાસ ભૂમિકા હોય એ તો નિશ્ચિત જ હતું. કસાબના પાત્ર માટે લગભગ ૫૦૦ લોકોના સ્ક્રીનટેસ્ટ લેવામાં આવ્યા અને આખરે નક્કી કરવામાં આવ્યો સંજીવ જ્યસ્વાલ. સંજીવ જયસ્વાલ જમશેદપૂરનો છે. પહેલીથી જ એક્ટીંગનો શોખ ધરાવતો સંજીવ દિલ્હીમાં થિયેટર કરવા માટે આવેલો. થોડા નાટકોમાં કામ કરીને મુંબઈ આવેલા સંજીવને એકાદ બે સિરિયલમાં નાના પાત્રો મળ્યા પણ ખરા. સંજીવને માટે ૫૦૦ વ્યક્તિ માંથી સિલેક્ટ થવું એ એક ઘટના જ ગણાય. રામુ માટે પણ આ એક ખાસ વાત હતી એટલે સોશિયલ મડિયાનો પૂરો ઉપયોગ કરતા રામુએ સ્ટેટમેન્ટ શરૂ કરી દીધાં. રામુએ ટ્વિટર પર લખ્યું કે ’ આ ફિલ્મ સાવ નવા કલાકારો સાથે બનાવવામાં આવી રહી છે. વ્યક્તિઓ જે ભાષા બોલે છે એ ભાષાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ માટે ૪૦ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જે ખરા અર્થમાં ૬૬ લોકો માર્યા ગયા હતા એ બતાવશે. મારી દ્રષ્ટિએ સંજીવ જયસ્વાલ એવો એક્ટર છે જે આ રોલ ભજવી શકે. રામુના આ સ્ટેટમેન્ટને જો આપણે સ્વીકારી લઈએ તો એટલી બધી કોન્ટ્રાવર્સી છે કે ફિલ્મમાં મરેલા માણસો બતાવે છે જે ૬૬થી એટલાં બધા વધારે છે કે તમે કલ્પી જ ન શકો. રામુજી માટે સ્ટેટમેન્ટ કરવા એ તો સામાન્ય વાત છે એટલે રામુજીએ મીડિયા સામે એક બીજુ સ્ટેટમેન્ટ પણ કર્યું કે ’’આ ઉમરનો માણસ આ પાત્રની સમજી શકે કે નહીં એ મારા માટે પ્રશ્ન હતો પણ સંજીવનું ભાષા પરનું પ્રભુત્વ જોઈને હું દંગ રહી ગયો. વાત વાંચીને આનંદ જ આવે પણ જો ફિલ્મ જુઓ તો તરત જ સમજાય જાય કે કસાબના પાત્ર પાસે ના તો ભાષાનું પ્રભુત્વ છે કે ના તો ઓવર એક્ટીંગ સિવાય બીજુ કંઈ છે!

        રામુની ફિલ્મ હોય તો ખર્ચ માટે ચિંતા કરવા જેવી હોય જ નહીં. તમને આશ્ચર્ય થશે કે હોટેલ તાજની રેપ્લીકા તૈયાર કરવા માટે ૨.૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગમે તે થાય, ભલે ફિલ્મ બને કે ડોક્યુમેન્ટરી પણ ખર્ચ તો કરવો જ પડે. વાંચકોને ખબર ન હોય તો એક વાત કહી દઉં કે કોઈ પણ ફિલ્મમાં સૌથી નાનો લાગતો પણ જો મોટો ખર્ચ હોય તો ક્રાઉડનો છે. મુંબઈમાં એસોશિયેશન ચાલે છે એટલે ક્રાઉડના એક વ્યક્તિના આઠ કલાકના ઓછામાં ઓછા ભાવ ૫૦૦ રૂપિયા છે. આ હિસાબે રામુએ જે રીતે ક્રાઉડ ભેગું કર્યું છે એનો હિસાબ માંડીએ તો આંકડો તો ઘણે આંબે એમ છે. જો કે રામુએ એક ખર્ચ બચાવવા ફિલ્મમાં ખૂબી પણ કરી હતી કે છત્રપતિ શિવાજી ટર્મિનલ પર ૧૦ કૅમેરા માંડીને સ્ટોક ફૂટેજ અગાઉથી જ ભેગાં કરી લીધેલાં પણ આ તો પૂરક દ્ગશ્યો હતા. મુખ્ય દ્ગશ્ય માટે તો ખર્ચ કરવાનો જ હતો.

        ફિલ્મનું તત્વ જ સ્ટોરી છે. ફિલ્મ માટે ઓપનિંગ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યો કે નાના પાટેકર એક કમિટીને ફેસ કરી રહ્યો છે અને ફિલ્મની ઘટનાઓ એના મુખેથી શરૂ થાય. આખુ ફિલ્મ જોયા પછી પણ તમે નક્કી નહીં કરી શકો કે નાના પાટેકર આ કમિટીને ક્યાં કારણોથી ફેસ કરી રહ્યો છે. ફિલ્મનો મુદ્દો શું છે? આતંકવાદ માટે બોલાતા તમામ ડાયલોગ્ઝ ઘીસા પીટા અને અનેકવાર સાંભળેલા પણ રામુજી રજૂ કરે તો તમારે જોવાના તો રહ્યા જ!. આખરે ફિલ્મની વાર્તા શું કહેવા માગે એ જ સમજાતું નથી. તમે આતંકવાદ ખરાબ છે એવું કહેવા માગો છો? આતંકવાદની તાકાત વધારે છે એવું કહેવા માગો છો? કસાબના વિષયને એન્કેશ કરવા માગો છો? કે પછી તમે ૨૬/૧૧ની આખી ઘટના એક ડોક્યુમેન્ટરીને ફિલ્મ તરીકે બતાવવા માગો છો? હું તો નક્કી નથી કરી શક્યો કે આ ફિલ્મ કેમ બનાવવામાં આવી. જો તમે ફિલ્મ જોઈને કોઈ નિર્ણય પર આવો કે આ ફિલ્મ શા માટે બનાવવામાં આવી હતી તો પ્લીઝ મને કહેજો. વધારામાં મેં તો સાંભળ્યું છે કે આ ફિલ્મ હિન્દી, મરાઠી, અંગ્રેજી અને કદાચ ગુજરાતીમાં પણ ડબ કરવામાં આવશે અને રીલીઝ કરવામાં આવશે. મારા પ્રિય મિત્રો સમયની કિંમત હોય છે અને મારો હોય કે ન હોય તમારો તો સમય કિંમતી છે જ તો તમે ગમે તે ભાષાના માણસ હો મહેરબાની કરીને સમય ન બગાડતા. સ્ટાર આપવાની વાત હોય તો ૧.૫ સ્ટારથી વધારે ન આપી શકાય. આમાંથી અડધો સ્ટાર મ્યુઝિકને મળે છે અને એક સ્ટાર અમુક ખૂબ સારી રીતે ફિલ્માવવામાં આવેલા દ્ગશ્યોને મળે છે.



પેકઅપ:
"તકવાદી અને આતંકવાદી બંનેને એક જ શબ્દમાં કહેવું હોય તો ’રામ ગોપાલ વર્મા કહી શકાય"

1 comment:

  1. રિવ્યુઝ વાંચી ને ફિલ્મ વિષે અભિપ્રાય ન બાંધવો એવું મેં છેલ્લાં એકાદ બે મહિના થી નક્કી કર્યું છે. રામુ ની ફિલ્મ છે અને તમે આવું લખ્યું છે એ સમજી શકાય એવી વાત છે, કારણકે મારાં માટે રામુ એ ગાંડો માણસ છે, એને જે બાબતની ધુન ચડે એ ફિલ્મ બનાવી ને જ રહે છે. તેમ છતાં વિષયવસ્તુ સારી હોવાનાં કારણે, હું આ ફિલ્મ જરૂર જોઇશ.

    ReplyDelete