Saturday, 18 August 2012

હાઉસફુલ ૨: ઝાઝા કાગડે ઘુવડ ઘેરાયું





આમ તો છેલ્લા ત્રણ મહિનાથી ફિલ્મ બની ચૂકી હતી પણ બીજી ફિલ્મોની રીલીઝની પાછળ થોડો સમય રાહ જોઈને સારા મહુરત પર રીલીઝ થયેલી ટાઇમપાસ ફિલ્મ હાઉસફુલ-૨ આ પહેલા ૨૦૧૦માં રજૂ થયેલી હાઉસફુલની કડી છે પણ એક્સ્પીરયંસ મેઇક્સ મેન પરફેક્ટ (વુમન પણ) પહેલી હાઉસફુલની સરખામણી એ ઘણી સારી કહી શકાય એવી ફિલ્મ રહી.

૧૯૯૮માં મલયાલમ ફિલ્મ મટ્ટુપતિ મચ્ચન’ બનેલી અને ઘણા લાંબા સમય પછી ૨૦૦૩માં એક તામિલ ફિલ્મ બની બંદા પરમશિવમ’. આ ફિલ્મ ખૂબ સારી ચાલેલી અને એની જ રીમેઇક એટલે હાઉસફુલ ૨. અગાઉ જ્યારે એકવાર તગડી કમાણી કરી ચૂક્યા હોય એટલે સીક્વલ તો કરવી જ પડે એવા વિચાર સાથે ફિલ્મ શરુ કરવામાં આવી. સાજિદ નડિયાદવાલા દ્વારા ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી અને ઇરોઝ એન્ટરટેઇન્મેન્ટ તેમજ નડિયાદવાલા ગ્રાન્ડ સન એન્ટરટેઇન્મેન્ટ દ્વારા ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવી. ધાર્યા કરતા સારા પરિણામો આપીને પ્રોડ્યુસરને ખુશ કરવામાં સાજિદ ખાનનો પૂરો ફાળો કહી શકાય અને વળી એથી પણ વિશેષ નડિયાદવાલા ખાનદાન ગ્રાન્ડસન સુધી પહોંચી ગયું અને યુ.કે. માં પણ ફિલ્મ રીલીઝ કરી કમાણીમાં ઉમેરો કરાવ્યો. ધુરંધર કલાકારોને લઈને કોઈ ફિલ્મ બનાવવી હોય તો વધુ બજેટની તૈયારી રાખવી જ પડે. ફિલ્મ્સ શરુ થઈ ત્યારે ૩૦ કરોડનું બજેટ નક્કી કરેલું હતું પણ સમય સાથે અને બે શેડ્યૂલ વચ્ચે ગેપ આવતા બજેટ ૪૫ કરોડ સુધી પહોંચી ગયું પણ હિન્દી સિનેમાનો ઇતિહાસ રહ્યો છે કે જે ફિલ્મને યોગ્ય રીલીઝ મળે એ ફિલ્મ પૂરતી કમાણી કરે જ છે. ગુમાવવાનું બિચારાં પ્રેક્ષકોએ જ હોય છે.

સાજિદ ખાનને એક સારા ડિરેક્ટર તરીકેની ક્રેડિટ આપવી જ ઘટે કેમ કે રણધીર કપૂર, ઋષિ કપૂર અને મિથુન ચક્રવર્તી જેવા સ્ટારને એક તાંતણે બાંધી શક્યો. જો કે રણધીર કપૂરની ઉમર ઊડીને આંખે વળગે છે . ગળાની તકલીફ, નાદુરસ્ત તબિયતને લીધી પોતે સમય ન આપી શક્યા હોવાથી એમના માટે ડબીંગ પુનિત ઇસ્સાર એ કર્યું. રણધીર કપૂરના મુખ પર પુનિત ઇસ્સારનો અવાજ થોડો વધારે નથી લાગતો? મિથુન ચક્રવર્તી ધીમે ધીમે પોતાનું સ્થાન કૉમેડીમાં પણ જમાવતા જાય છે અને કેમ ન જમાવે આટલાં વર્ષો સુધીનો નીચેના વર્ગનો અનુભવ અને પ્રેમ એમની સાથે છે! ઋષિ કપૂર પોતાની યુવાની આજની તારીખે પણ જાળવી રાખી શક્યો છે, જ્યારે ફિલ્મમાં જહોન અબ્રાહમની ઉમર ચાડી ખાય છે. અક્ષય કુમાર સામે અસીન ઘણી નાની લાગે છે પણ અક્ષય એક્ટીંગને ગળે ઉતારી ચૂક્યો છે જેથી પોતાની ઉમરને દેખાવા દીધી નથી અને ફિલ્મ દરમિયાન કોઈ પણ અક્ષય કુમાર માટે કજોડું કહી શકે એમ નથી. કૉમેડી ઝોનરમાં હ્રીતેષ દેશમુખ પોતાનું સ્થાન અને પક્કડ બન્ને જમાવતો જાય છે એ ફિલ્મમાં દેખાય જ છે. લગ્ન પછી માણસ નક્કામો થઈ જાય છે એવું માનતા લોકો માટે હાઉસફુલ ૨ માં હ્રીતેષ દેશમુખ પ્રેરણા સ્ત્રોત છે. ખૂબ જ ટેલેન્ટેડ પણ હવે લગભગ સપોર્ટીંગ આરટીસ્ટની કેટેગરીમાં ફીટ રહી ગયેલો શ્રેયસ તલપડે ફિલ્મમાં વેડફાઇ ગયો છે અને એવી જ રીતે એક્સ્ટ્રા ઓર્ડીનરી ટેલેન્ટ ધરાવતા બોમન ઇરાનીને પણ ડીરેક્ટરે વેડફ્યા જ છે.  જરાવાર માટે આવીને પણ ફિલ્મમાં પોતાની છાપ છોડી જવા માટે રણજીત સફળ રહ્યા. હવે તો મોટા ગજાની પ્રોડ્યુસર કહી શકાય એવી મલ્લયકા અરોરા ખાન પણ નાનું નાજુક પાત્ર ભજવવામાં સફળ રહી અને અહીં પણ મલ્લયકાને કામ કરવા માટે રાજી કરવા બદલ સાજીદ ખાનને બિરદાવવા જ પડે અને સાથે સાથે દબંગ ૩ને અગાઉથી વિદેશ રાઇટ્સ ખરીદી લેવાના નડિયાદવાલાના ઉપકારનો બદલો પણ ગણવો પડે! જેક્લીન, ઝરીન અને શાહઝનને હિસ્સે ટૂંકા કપડા સાથે પગ અને ક્લેવેજીસ બતાવવા સિવાય કંઇ વધારે કામ ન હતું માટે શક્ય તેટલો ન્યાય આપવાની કોશિશ કરી છતા અનુભવે પંકાયેલા કલાકારો સામે ખૂબ નબળી સાબીત થઈ. સાજીદ-વાજીદ હાલ બોલીવૂડના સૌથી વધુ ડીમાન્ડ ધરાવતા મ્યુઝીક ડીરેક્ટર બની ચૂક્યા છે અને હંમેશાની માફક એક સરસ મજ્જાનું ગીત લોક જીભ પર ચડાવવાની સ્ટાઇલ આ ફિલ્મમાં પણ જાળવી શક્યા છે. જો કે અહીં એક સ્ટેપ આગળ કહી શકાય કેમ કે કોઈ પણ રેડિયો ચેનલ પર બે ગીત સાંભળવા મળે જ અનારકલી ડીસ્કો ચલીઅને પાપા બેન્ડ બજાયે’. સુખવિંદર, શ્રેયા ઘોંષાલ, શાન, સુનિધી ચૌહાણ, મમતા શર્માના સુરીલા અવાજ માટે મ્યુઝીક ઘણા બધા માર્ક લઈ જાય છે.

ફિલ્મ માટે બધા જ ક્રીટીક્સ અલગ અલગ બોલ્યા છે. કોઈ ખૂબ સારુ તો કોઈ મગજ મૂકીને માણવાની કોમેડી કહે છે પણ બોક્સ ઓફીસ પર ધનનન્ન કરતા આંકડાઓ ફરતા જાય છે જે ક્રીટીક્સની કોમેન્ટ કરતા વધારે મહત્વના છે. છેલ્લે તો કમાણી જ સાથ આપવાની ને? પહેલા દિવસે ૧૩.૫ કરોડ, બીજા દિવસે ૧૫ કરોડ અને પ્રથમ અઠવાડીયે ભારતમાં ૪૯.૮૫ કરોડનો ધંધો કરવો એ સહેલી વાત તો નથી જ. એઝ યુઝવલ ગુજરાતીઓને તો ફિલ્મ રીલીઝ કરતા પહેલા ધ્યાનમાં રાખવા જ પડે એટલે બટુક પટેલનું પાત્ર ખાસ લખવામાં આવ્યું અને કેમ લખવામાં ન આવે? આ ફિલ્મનું પણ ૪૯.૮૦% કલેક્શન ગુજરાત માંથી જ તો આવ્યું છે. આ સાથે નડિયાદવાલા ગ્રાન્ડ સન એન્ટરટેઇન્મેન્ટ દ્વારા ફિલ્મ યુ.કે.માં પણ રીલીઝ થઈ અને ત્યાં પહેલા જ દિવસે ૧,૧૨,૦૭૫ પાઉન્ડનો ધંધો કરી લીધો. યુ.કે. ઉપરાંત યુ.એ.ઇ., યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ સારી એવી આવક કરવામાં સફળ રહી. કુલ એક જ અઠવાડીયામાં ૧૫૪.૮૫ કરોડનો ધંધો લાવીને હાઉસફુલ ૩ની તૈયારી માટે નડિયાદવાલાને વિચારતા કરી દીધા.

ઓવરઓલ ખૂબ વધુ પડતા કલાકારોને લઈને કોમેડી સર્જવાનો ખૂબ સારો પ્રયત્ન પણ આટલા બધા કલાકારોનો કાફલો સાથે હોય તો ગુજરાતી કહેવત ઝાઝા કાગડે ઘુવડ ઘેરાયની માફક બધાને ન્યાય આપવો શક્ય ન પણ બને. કોમેડીમાં લોજીક ચલાવવાની મનાઈ હોય છે માટે ફિલ્મ લોજીક વગર જ જોવું.



પેકઅપ:  હાઉસફુલનું બોર્ડ હાઉસફુલવાંચીને બહાર નીકળી ન જવું, ટીકીટ્સ મળે જ છે.

No comments:

Post a Comment