Saturday, 18 August 2012

શાંઘાઈ: એક એક પળ મગજનો ઉપયોગ



ફિલ્મ બે પ્રકારની હોય છે. એક મગજ મૂકીને જોવાની અને બીજી મગજ મૂકો તો નહીં જોવાની. બોલીવુડ માટે આ પ્રકારની બંને ફિલ્મ્સનો અનુભવ તાજેતરમાં થયો. ’રાવડી રાઠોર એટલે ક્યાંય મગજ નહીં વાપરવાનું અને બસ એન્ટરટાઇન્મેન્ટ જ માણવાનું, જ્યારે શાંઘાઈ માટે તમારે સતત મગજ વાપરતા રહેવું પડે, એક પળ પણ જો મગજને બાજુમાં મૂકો તો ફિલ્મની મઝા મરી જાય. શાંઘાઈની મર્યાદા એ છે કે શાંઘાઈ એક લેવલના માણસો માટેનું ફિલ્મ છે. રાવડી રાઠોરની જેમ માસ માટેનું ફિલ્મ નથી. આ કારણે જ કદાચ બોક્ષ ઓફીસ પર રાવડી રાઠોર જેટલો ધંધો નહીં કરી શકે.

વાસલીસની નોવેલ ’ઝેડ પરથી ફિલ્મ બનાવવાનો વિચાર ૧૯૬૯માં આ નોવેલ પરથી જ ’ઝેડ ફિલ્મ બન્યું હતું પણ વાત થોડી અલગ રીતે રજૂ થઈ હતી. આ ફિલ્મને બેસ્ટ એકેડેમી એવૉર્ડ, બેસ્ટ પિક્ચર એવૉર્ડ અને બેસ્ટ ફોરેન લૅન્ગ્વેજ ફિલ્મ એવા ત્રણ એવૉર્ડ મળ્યા હતા. આ ફિલ્મ પણ એક ક્લાસ માટે બનાવવામાં આવી હતી. ફિલ્મના ડિરેક્ટર છે દિવાકર બેનર્જી. દિવાકરની શરૂઆત એડવર્ટાઇઝ ઇન્ડસ્ટ્રીથી થઈ હતી. લોકો ભૂલી ગયા હશે પણ ૨૦૧૦માં આવેલી કોકાકોલાની બધી જ એડ દિવાકર દ્વારા બનાવવામાં આવી હતી. દિવાકર એ ખોસલા કા ઘોંસલા ડિરેક્ટ કરી છે. ખોસલા કા ઘોંસલા વખતે હું પણ ટીમનો એક મેમ્બર રહ્યો છું અને જે રીતે ફિલ્મ રીલીઝ માટે લોઢાના ચણા ચાવવા પડ્યા છે એનો સાક્ષી રહ્યો છું. ફિલ્મ યુટીવી એ ખરીદી અને ખાસ્સી ચાલી હતી. એ પછી દિવાકર એ ઓયે લક્કી, લક્કી ઓયે ડિરેક્ટ કરી અને બંને ફિલ્મ્સ નેશનલ એવૉર્ડ જીતી ચૂકી છે. શાંઘાઈ બનાવવાનો વિચાર દિવાકર, સંજીવ બાલી, અજય બાલી ત્રણ વ્યક્તિઓ એ મળીને કર્યો. કોઈ અન્યના રૂપિયા લગાડવાને બદલે ત્રણ મિત્રોએ પોતાના જ રૂપિયા લગાડ્યા. ટાઇટલ ઑફ બીટ હતું. ફિલ્મમાં ક્યાંય ચીનનું શાંઘાઈ દેખાડવામાં નથી આવ્યું પણ વાર્તા ટાઇટલની આસપાસ જ ફરે છે. ઘણા મતમતાંતર વચ્ચે શાંઘાઈ ટાઇટલ નક્કી થયું. અહીં એક અનોખી વાત એવી રહી કે અભય દેઓલ બીજા બધા હીરોની જેમ કોઈ પણ ફિલ્મ સ્વીકારી લેતો નથી. આ ફિલ્મ સ્વીકારવા માટે અભય દેઓલનું પહેલું સ્ટેટમેન્ટ એ જ હતું કે ’ટાઇટલ મને ગમ્યું. જે દર્શકો સમજી ન શક્યા હોય એને ખુલાસો કે ફિલ્મની કથા મુજબ ભરતપુર નામનું એક ગામ જેને શાંઘાઈમાં ફેરવા માટેનું પોલીટીક્સ એ મુખ્ય વિષય છે એટલે શાંઘાઈ ટાઇટલ રાખવામાં આવ્યું છે.
પડદા પાછળ કેટ કેટલા લોકોની મહેનત હોય એ દર્શકોને ખબર નથી હોતી. એક નવી ફિલ્મ લખવી અને કોઈ નોવેલ પરથી ફિલ્મ એડપ્ટ કરવી એ બંને વચ્ચે જમીન આસમાનનો ફેર છે. મુખ્ય કથાવસ્તુને વફાદાર રહેવાનું અને છતા વાતને ભારતીય ઢબમાં ઢાળવાની. સ્ક્રીનપ્લે લખવાની જવાબદારી બે વ્યક્તિઓએ લીધી. ઉર્મી જુવેકર અને દિવાકર પોતે. ૬ મહિનાની મહેનતને અંતે સ્ક્રીનપ્લે લખી શકાયો! ફિલ્મનું કાસ્ટિંગ ખૂબ જ અઘરું હતું કેમ કે દરેક પાત્ર આ ફિલ્મ માટે મહત્વનું છે. આ જવાબદારી અતુલ મોંગીયા એ સંભાળી. પીતોબાસ ત્રીપાઠી એટલે ફિલ્મનું પાત્ર ભગ્ગુ. એ જ રીતે ડ્રાયવર તરીકે ફિલ્મમાં અનંત જોગ. કોઈ પણ મસાલા હીરોઇનને લેવાને બદલે કલ્કિ જેવી સીધી સાદી છોકરી. લોકો એ આજ સુધી ઇમરાન હાસમીને એક ચૉકલેટી બોય તરીકે જ જોયો હશે. ઇમરાન હાસમી માટે એવું કહેવું જ પડશે કે જરૂર હોય છે એક સારા ડિરેક્ટરની બાકી ઇમરાન કોઈ પણ પ્રકારના પાત્ર માટે પરફેક્ટ ચૉઇસ બનતો જાય છે. અતુલ મોંગીયા એ પુરેપુરી જહેમત ઉઠાવી અને એકદમ સચોટ પાત્રો ગોઠવ્યા છે. અતુલ એ દિવાકરને વિનંતી કરી કે બેંગોલી ફિલ્મના સુપરસ્ટાર પ્રસોન્જીત ને આ ફિલ્મમાં લાવવાની. બેંગોલી કનેક્શન કામ આવ્યું. ડો. અહેમદી તરીકે અસરદારક ભૂમિકા માટે સલામ કરવી જ પડે. મીસીસ અહેમદીના પાત્રમાં તિલોત્તમા સોમે કે જે મોન્સૂન વેડીંગમાં દેખાયા પછી ખૂબ લાંબા સમય પર આ ફિલ્મમાં જોવા મળી. મોન્સૂન વેડીંગમાં પણ એ પોતાની છાપ છોડી શકી હતી અને શાંઘાઈમાં પણ ખૂબ જ નાના પાત્રમાં પણ પોતે એક સબળ એક્ટ્રેસ છે એ સાબિત કરી શકી. એ રીતે જ સુપ્રિયા પાઠક અને ફારુક શેખ માટે પણ કહી શકાય કે ગમે તેવું પાત્ર હોય એ પાત્રને વફાદાર રહી જીવંત કરવા માટે બંને મજબૂત છે જ.

ફિલ્મનું મહત્વનું પાંસુ સિનેમેટોગ્રાફી છે. શોર્ટ ફિલ્મ માટે જાણીતા અને ફોટોગ્રાફી માટે ઘણા એવૉર્ડ જીતેલા નિકોસ એનડ્રીટ્સાકીસને સિનેમેટોગ્રાફી સોંપવી એ બધા માટે આશ્ચર્ય હતું પણ દિવાકર આ માટે ફર્મ હતા. નિકોસ આમ તો મ્યુઝિક આલબમ, શોર્ટ ફિલ્મ્સ, કોમર્સિયલ એડ વિગેરે કરી ચૂક્યા હતા. નિકોસનું આ પહેલું ફુલલેન્થ ફિલ્મ હતું. નિકોસ કેટલી હદે આ જવાબદારી ઉપાડી શકશે એ કોઈને ખબર ન હતી પણ ફિલ્મ જોઈને એવું લાગે કે આથી સારુ કામ બીજો કોઈ પણ ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી હોત તો ન કરી શક્યો હોત. ફિલ્મમાં વર્ષો પછી એક પ્રયોગ જોવા મળ્યો. ફુલ પેનીંગ એટલે કે કેમેરો એક વ્યક્તિ પરથી બીજી વ્યક્તિ પર એક જ જગ્યા પરથી ફરે. સિનેમેટોગ્રાફીના કેટલાંક નિયમો મુજબ મોટા ભાગે કટ શોટ એટલે કે પહેલા વ્યક્તિના રેફરન્સથી બીજા પર કેમેરો સ્થિર થાય અને બે ટુકડામાં વાત શૂટ થઈ હોય. અહીં આ નિયમનો ભંગ થયો છે પણ વસૂલ છે.
ફિલ્મની વાર્તા એક શહેરની છે જે શહેરને શાંઘાઈ જેવું શહેર બનાવવા માટે તૈયારીઓ થઈ રહી છે. સ્ટેટ, સેન્ટરલ ગવર્નમેન્ટ અને લોકલ પોલીટીક્સ બધા એકબીજા સાથે જોડાયેલા છે. શહેરના વિકાસ માટે લોકલ લોકોની જમીન એક્વાયર કરવામાં આવી રહી છે. આ વાતનો વિરોધ કરતા ડો. અહેમદી શહેરમાં આવે છે. શાલીની સહાય ડૉક્ટરની સ્ટુડંટ ઉપરાંત પ્રેમિકા પણ છે. ડો. અહેમદી જો અહીં આવશે તો એમનું ખૂન થશે એવી વોર્નીંગ શાલીની ને કામવાળી આપે છે. ડો. અહેમદી સાથે જોડાયેલા લોકોને શાલીની વાત કરે છે પણ આ વાતને ખાસ મહત્વ આપવામાં નથી આવતું. ડો. અહેમદી વિરોધ વચ્ચે એક હોલમાં પોતાનો પ્રોગ્રામ આપીને બહાર નીકળે છે ત્યારે એક ટ્રક એને કચડીને જતો રહે છે. પોલીસ બંદોબસ્ત હોવા છતા આ કેમ બન્યું એ પ્રશ્ન મીસીસ અહેમદી દ્વારા ઉઠાવવામાં આવે છે. વધુ પડતો વિરોધ ન થઈ જાય એ માટે એક ઇન્ક્વાયરી કમિશન બેસાડવામાં આવે છે. આ ઇન્ક્વાયરી કમિશનના હેડ તરીકે ટી.એ. ક્રિષ્નનને બેસાડવામાં આવે છે. કોઈ પણ પ્રકારના રસ વગર ક્રિષ્નન આ કામ શરુ કરે છે પણ ઊંડાણમાં જતા ઘણા રહસ્યો ખૂલે છે. બીજી તરફ શાલીની એક લોકલ વિડીઓગ્રાફર જોગી પરમાર સાથે મળીને વાતના મૂળ સુધી પહોંચવાની પોતાની કોશિશ ચાલુ રાખે છે. ઇન્ક્વાયરી કમિશન બંધ કરી ક્રિષ્નનને આઇડીબી પ્રોજેક્ટ માટે પ્રોમોટ કરી દેવામાં આવે છે. આ જાહેરાત થાય એ પહેલાની રાતે શાલીની અને જોગી પુરાવા સાથે ક્રિષ્નનને મળે છે. એ છેલ્લી રાત એટલે ઘણા બધા રહસ્યો ખોલતી રાત.

કુલ ૧૮ કરોડમાં બનેલી આ ફિલ્મ એ ૩ દિવસમાં ૧૬ કરોડનો ધંધો કરી લીધો છે. ૨૦૦ પ્રિન્ટ અને ૮૫૦ ડીજીટલ ટૉકીઝ રીલીઝ કરવામાં આવ્યું. આશા રાખીએ કે લોકો ફિલ્મ સમજશે અને આવતા વીકમાં સારો ધંધો કરી શકશે. એક એક ક્ષણ જકડી રાખતી વાર્તા. જો તમે ફિલ્મના શોખીન હો અને તમને ક્લાસ ફિલ્મ ગમતી હોય તો શાંઘાઈ જોવાનું ચૂકશો નહીં. આ પ્રકારની મજબૂત ફિલ્મ્સ બહુ ઓછી બને છે અને બહુ લાંબા ગાળે જોવા મળે છે.




પેકઅપ:
અમને જણાવતા ગર્વ થાય છે કે અમારા ભાઈએ પાણીમાં ૩૦મીનીટ સુધી શ્વાસ રોકીને રેકૉર્ડ બ્રેક કર્યો છે.
.
ભાઈનું બેસણું શનિવારે રાખેલ છે

No comments:

Post a Comment