Friday, 9 January 2015

તેવર: આમ માણસોનું એન્ટર્ટેઇન્મેન્ટ







            સાઉથની ફિલ્મ્સ હિન્દી ફિલ્મ કરતા ચળીયાતી છે? આવો સવાલ કરવાને બદલે આપણે તો ફિલ્મને માત્ર ફિલ્મની નજરથી જોઈએ તો એટલું તો કહેવું જ પડે કે ફિલ્મ એન્ટર્ટેઇનીંગ તો હોય જ છે. એવા અનેક કારણો છે કે જેને લીધી સાઉથની ફિલ્મ્સની બોલીવુડ કોપી મારતું થયું છે.સાલ ૨૦૦૩માં ઓક્કડુ નામની તામિલ ફિલ્મ આવી જે બ્લોકબસ્ટર ફિલ્મ બની. આ ફિલ્મના હીરો મહેશ કુમાર અને હીરોઇન ભૂમિકા ચાવલા હતા. આ પછી તરત જ ૨૦૦૪ની સાલમાં તામીલમાં જ વિજય અને ત્રીષ્ના ક્રિષ્નને લઈને આ જ વિષય પર બીજી ફિલ્મ બની ’ગીલ્લી જે પણ ખૂબ સારી ચાલી. ૨૦૦૬ની સાલમાં પૂનીથ રાજ કુમાર અને અનુરાધા મહેતાને લઈને કન્નડ ભાષામાં ’અજય બની અને ૨૦૦૮ની સાલમાં જીતેન્દ્ર મદનાની અને બરસા પ્રિયદર્શનીને લઈને બંગાળી ભાષામાં ’જોર બનાવવામાં આવી એટલે આ રીતે જોઈએ તો આ ફિલ્મનું પાંચમું વર્ઝન કહી શકાય. આગલાં ચાર વર્ઝન જોયા પછી જ્યારે પાંચમું વર્ઝન તૈયાર કરો તો તમે સામાન્ય પ્રેક્ષકોનો ખ્યાલ રાખો જ અને એટલે જ આ ફિલ્મ ખરા અર્થમાં કહીએ તો એન્ટર્ટેઇન્મેન્ટ જ છે...


અમીત રવિન્દ્રનાથ શર્માનું આ પહેલું ફૂલ લેન્થ ફિલ્મ છે. આ પહેલા અમીતે ઘણી ટેલિવિઝન કોમર્સિયલ ડિરેક્ટ કરી છે પણ અમીતનો સાચો અનુભવ એનીમેશન અને વીએફએક્સમાં છે. અમીતે હોલીવુડની ઘણી ફિલ્મ માટે પણ વીએફએક્સ કર્યું છે.  એક ડિરેક્ટરને સારા સ્ટાર વાળુ પહેલું મૂવી જ ડિરેક્ટ કરવા મળે તો એથી સારા નસીબ કોને કહી શકાય? માત્ર એટલું જ નહીં પણ આખી ટીમ સરસ અને મજબૂત મળી છે એટલે અમીતનું ડિરેક્શન ખૂબ જ સારી રીતે ખીલી શક્યું છે. જો તમે ન જાણતા હો કે આ અમીતનું પહેલું ફિલ્મ છે તો તમે કહી જ ન શકો કે આ પહેલું ડિરેક્શન હશે અને આટલું સારુ ડિરેક્શન પહેલીવારમાં થઈ શકે. નાના નાના શોટ અને નાના પ્રસંગોનું જે રીતે ચિત્રાંકન થયું છે તે માટે અમીત શર્માના વખાણ કરવા જ પડે એમ છે. લોકોને મનોરંજન આપતા ડિરેક્ટર્સમાં અમીતનું નામ આ ફિલ્મથી ઉમેરાયું છે...


            નવેમ્બર ૨૦૧૩થી ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. સૌપ્રથમ અર્જૂન કપૂર અને સોનાક્ષી સિંહા સાઇન કરવામાં આવ્યા. ડિસેમ્બર અંતમાં મનોજ બાજપેયીનું નામ સામે આવ્યું અને એક પ્રેસ કોન્ફર્ન્સમાં તેણે જાહેર પણ કર્યું. જાન્યુઆરી ૨૦૧૪માં કાદર ખાન પણ આ ફિલ્મમાં કામ કરવાના છે એવું પ્રેસ આઉટ થયુ હતું પણ પાછળથી આ રોલ એટલે કે અર્જૂનના પિતાનો રોલ રાજ બબ્બરે કર્યો ને માતાનો રોલ દિપ્ત નવલે કર્યો. સુબ્રત દત્તાનું કકડી નામનું કૅરેક્ટર કર્યું છે. અર્જૂન કપૂરને તેની સ્ટાઇલનું કામ મળે એટલે ખૂલીને કામ આપે. મેં અસંખ્ય એક્ટર્સને સમય જતા એક્ટર બનતા જોય છે એમ જ અર્જૂન ઘડાતો જાય છે એમ છતા તેની ટીપીકલ સ્ટાઇલ છોડી તો નથી જ શકતો. અર્જૂન સામે સોનાક્ષી સિંહા છે. સોનાક્ષી ક્યારેક લક્કી તો ક્યારેક અનલક્કી સાબિત થતી આવી છે પણ મોટા ભાગના ફિલ્મ સર્જકોની ફેવરીટ તો રહી જ છે. આ ફિલ્મમાં સોનાક્ષી માટે બહુ જ સરળ રોલ હતો અને જે તેણે સરસ રીતે નિભાવ્યો છે. જો કમાલનું કામ કર્યું હોય તો મનોજ બાજપેયીએ. આમ જુઓ તો સોનાક્ષી સાથે લગ્નની ઇચ્છા ધરાવતો બાહુબલી તરીકે મનોજ બાજપેયી ખૂબ મોટો લાગે છે પણ એક્ટીંગથી તેણે બધું જ બૂરી દીધું છે. એક એક દ્ગશ્યમાં તેની અવળચંડાઈ દેખાય જ આવે છે. મનોજના મોટાભાઈના પાત્રમાં જો હું નામ ન ભૂલતો હોઉં તો રાજન શર્મા છે તે પણ પોતાના હિસ્સાનું કામ સરસ જ કરી ગયા છે. અર્જૂન કપૂરની બહેનનું પાત્ર ભજવતી છોકરીનું નામ જાણી શકાયું નથી પણ સાચે જ ખૂબ મઝા આવે એવો રોલ આ છોકરીએ નિભાવ્યો છે. પોતાના હિસ્સે નાનો રોલ હોવા છતા બધાનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે....


            ૨૧ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ ફિલ્મનું ઓફિસિયલ શૂટીંગ શરૂ થયું. મુંબઈ, મહાબળેશ્વર, આગ્રા, મથુરા, અને પાંધનપુરમાં અલગ અલગ લોકેશન નક્કી થયા. ફિલ્મના લોકેશન્સ ખૂબ જ બદલ્યા છે વળી ફિલ્મની વાત મુજબ બાહુબલી પ્રથા હોય ત્યારે યુપીનો માહોલ બતાવવો પણ એટલો જ જરૂરી હતો. આગ્રાની બજારો, મથુરાનો માહોલ બધું જ બતાવવાનું હતું અને એ પણ પૂરતા ઉપયોગ સાથે. દરેક લોકેશન્સનો પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમને ક્યાંય પણ સેટ જેવું નહીં લાગે એ ખૂબી છે....


               ફિલ્મના ઓરીજીનલ રાઇટર ગુણાશેખર પણ હિન્દી ફિલ્મ માટે શાંતનું શ્રીવાસ્તવે ડાયલૉગ લખ્યા છે. આમ જુઓ તો ચિલ્લા ચાલુ હોવા છતા અમુક સ્પાર્કીંગ સંવાદ પણ છે. સ્ક્રીનપ્લેની ક્રેડિટ અમીત શર્મા ને આપવામાં આવી છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે ખરેખર વખાણવા લાયક છે. એક દ્રશ્યથી બીજા દ્રશ્ય સુધી ખૂબ જ આરામથી દોરી જાય છે. ફિલ્મમાં એક પણ દ્રશ્ય ખોટી રીતે ઉમેરવામાં નથી આવ્યું. સ્ક્રીનપ્લેની ખૂબી એ હોય કે જેમાં કૌંસમાં રહેલી વાતો પણ લખવામાં આવે. જ્યારે ગોળીઓ છૂટી રહી છે ત્યારે કોઈનું ભાગવું, દરવાજો બંધ કરવો વગેરે વગેરે... સૌથી મોટી વાત છે સ્ક્રીનપ્લેમાં ગીતની ગોઠવણ. એક પણ ગીત તમને સ્ટોરીની બહાર લઈ જાય એ રીતે ઉમેરવામાં નથી આવ્યું. આ તમામ બાબતોનું ધ્યાન રાખી સ્ક્રીનપ્લે મજબૂત રાખવામાં સફળ રહ્યા છે....


                 સંજય કપૂર આમ તો ફિલ્મ પ્રોડ્યૂસ કરશે એવા સમાચાર હતા પણ ફિલ્મ બનતા બનતા બોની કપૂર, સંજય કપૂર, સુનીલ લુલ્લા, નરેશ અગ્રવાલ અને સુનીત માનચંદાના નામો પણ ઉમેરાય ગયા. ફિલ્મ માટે કરવામાં આવેલો ખર્ચ જોશો તો તમને પણ થશે કે હાં, આ ફિલ્મ માટે તો વધારે પ્રોડ્યૂસર્સ જોઈએ જ. ખાસ કરીને ગીત માટે જે રીતે સેટ, કોરિયોગ્રાફી, લાઇટીંગ્સનો ખર્ચ કરવામાં આવ્યો છે તે જોતા એમ લાગે છે કે કદાચ ફિલ્મનું ૨૫% બજેટ તો ગીતને શૂટ કરવામાં જ વપરાઈ ગયું હશે. સંગીતની ક્રેડિટ સાજીદ-વાજીદ અને ઇમરાન ખાન બંનેને આપવામાં આવી છે. ’મૈં તો સુપર મેન..’ અત્યારે જોરદાર ચાલી રહેલા ગીતોમાંનું એક બની ગયું છે. બૅકગ્રાઉન્ડ સ્કોર ક્લીન્ટન સેરજોનો છે જે અર્જૂન કપૂર તાજ પાસે બેઠો બેઠો દાળિયા ખાય તો તેનો અવાજ મૂકવાનું પણ ભૂલ્યા નથી. લક્ષ્મણ ઉતેકરની સિનેમેટોગ્રાફી છે. સિનેમેટોગ્રાફી લેવલે લક્ષ્મણનો અનુભવ શું છે એ ખબર નથી પણ અમુક શોટ જે રીતે બનાવ્યા છે એ જોતા લાગે છે કે ફિલ્મને ફિલ્મ બનાવવામાં લક્ષ્મણનો બહુ જ મોટો ફાળો છે. ફિલ્મને ઇરોઝ ઇન્ટરનેશનલ રીલીઝ કરી રહી છે અને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી ૩૦૦૦ સ્ક્રીન મળી છે એટલે ખર્ચની ચિંતા નહીં રહે...


               બસ એક જ વાત પર અફસોસ રહ્યો કે આગલી ચાર ફિલ્મ આ જ કૉન્સેપ્ટ પર બની હોવા છતા એન્ડ પર થોડી વધારે મહેનત ન કરવામાં આવી. હાં સાવ ચિલ્લા ચાલું એન્ડ નથી જ આપ્યો પણ આથી પણ વધારે સારી વાત લાવી શકાણી હોત. ફિલ્મ બધી જ રીતે એન્ટર્ટેઇનીંગ છે માટે ૩.૫ સ્ટાર તો ડીઝર્વ કરે જ છે...



પેકઅપ: 

"આ ફિલ્મ પાસે આત્મા છે. પ્રેમ છે, ઍક્શન છે, સારુ સંગીત છે. આ લોકોની લાગણીઓ પર ખરું ઉતરશે જ"-સોનાક્ષી સિંહા
"મને ખબર જ નહોતી કે આ ભૂતનું ફિલ્મ છે"-આલિયા ભટ્ટ

No comments:

Post a Comment