Thursday, 15 January 2015

અલોન: જૂની બોટલ નવો શરાબ






         એક સુમસામ જગ્યા હોય, અંધારું હોય, તમરાનો અવાજ આવતો હોય, જેમ જેમ આગળ ડગલા ભરાતા હોય એમ માત્ર અને માત્ર પાંદડાનો અવાજ આવતો હોય અને અચાનક જ એક જોરદાર અવાજ સાથે સામે ભૂત આવે એટલે એક મીનીટ માટે તો તમે ઝટકો ખાવાના જ છો. આ હોરર ફિલ્મ એટલે જ ડર વેચવાનો ધંધો. તમે જેટલા વધારે લોકોને ડરાવી શકો એટલાં તમે સારા ફિલ્મ મેકર. બ્લેક & વ્હાઇટના જમાનાથી ’કહીં દીપ જલે કહીં દિલ...’ ગાતી સફેદ સારીમાં એક સ્ત્રી નીકળે અને તમે ભૂતનો અહેસાસ કરતા આવ્યા છો. સમય સાથે ભૂતમાં ઘણો બદલાવ આવ્યો. ’જાની દુશ્મનના ભૂતને જોયા પછી લોકોના મનમાં રીંછ જેવું ભૂત ઘર કરી ગયું હતું એટલે જ રામસે બ્રધર્સના ફિલ્મમાં આવા ભૂત જોવા મળતા પણ અંગ્રેજી ફિલ્મના રસિકોને આથી પણ વધારે ભયાનક ભૂત હિન્દી ઇન્ડસ્ટ્રીમાં જોવા હતા. સમય સાથે પ્લાસ્ટિક મેકઅપ, ટેક્નિક બધી જ બાબતોમાં સુધારો આવતા ભૂતનો દેખાવ પણ બદલાવા લાગ્યો. આજે મોડર્ન ભૂત, મોડર્ન ટેક્નોલૉજી, મોડર્ન મેકઅપ, મોડર્ન બૅકગ્રાઉન્ડ સ્કોર બધું જ છે પણ સ્ટોરી મોડર્ન નથી. એકદમ ઘીસી પીટી સ્ટોરી પર જ ફિલ્મ બને છે અને એટલે જ કહેવું પડે છે કે ’અલોન એટલે ફરી એક વાર જૂની બોટલમાં નવો શરાબ.....


        ભૂષણ પટેલને નસીબ જોગે સીક્વલ જ ડિરેક્ટ કરવા મળી છે અને એ પણ એવી કે જેનો પહેલો ભાગ ખૂબ જ હીટ રહ્યો હોય. જેમ કે ’૧૯૨૦: ઇવિલ રિટર્ન અને ’રાગિણી એમ.એમ.એસ. 2’ આ બંને ફિલ્મનો પહેલો ભાગ અન્ય ડિરેક્ટરે ખૂબ સારી રીતે ડિરેક્ટ કરીને પોતાનું કૌતુક દેખાડી જ દીધું હતું માટે વારસા પ્રથા મુજબ ચાલુ ધંધો સંભાળવાનો જ હતો! એમ છતા પણ જો તમે ’રાગિણી એમ.એમ.એસ.’ જોયું હોય તો તમે સીક્વલને શૂન્ય માર્ક જ આપો. સીક્વલને જે કંઈ ઑડિયન્સ મળ્યું એ સની લીયોની શું બતાવે છે એ જોવા માટેનું જ મળ્યું હતું. પોતાનું કહી શકાય એવું ભૂષણનું આ પહેલું ફિલ્મ છે. આ ફિલ્મમાં ભૂષણના ડિરેક્શનની વાત કરીએ તો ક્યાંય પણ એક ચમકારો જોવા નથી મળ્યો...


        કરણ સિંઘ ગ્રોવર ૨૦૦૮માં ’ભ્રમ જેવી ફ્લોપ ફિલ્મ આપી જ ચૂક્યો છે ત્યારે તેના માટે આ ફિલ્મ ખૂબ મહત્વની બની રહે છે. મોડેલીંગમાંથી એક્ટીંગમાં આવેલા બહુ ઓછા લોકો હીટ થયા છે જેમાં ભલે તમે નાના પડદે ગણો પણ કરણ સિંઘ હીટ તો રહ્યો જ છે. એશિયાના ટોપ ૫૦ સેક્સીયેસ્ટ મેનમાં સ્થાન પામવું એ નાની વાત નથી. ૨૦૦૪માં તેની એક્ટીંગ કેરિયર બાલાજી ટેલિફિલ્મ્સની સિરિયલ ’કીતની મસ્ત હૈ જિંદગીથી થઈ હતી. આ પછી ઘણી હીટ સિરિયલ્સ અને નોન ફિક્શન શો કર્યા. હમણાં સુધી ચાલતી તેની સિરિયલ ’કબૂલ હૈ તો હજુ પણ લોકોની ફેવરીટ છે. આ ફિલ્મમાં આમ તો કંઈ ખાસ કરવાનું ન હતું પણ ઇન્ટીમેટ સિન કરવા સહેલા તો નથી જ અને તેમા પણ જ્યારે બિપાશા બસુ સામે હોય! બિપાશા એક વખતે સેક્સ બૉમ્બ તરીકે પ્રખ્યાત થઈ હતી પણ જો અત્યારના સંજોગોમાં જુઓ તો જાડી સાથળ પરના ડાઘ મેકઅપથી પણ છૂપાવી શકાયા નથી. ઉમર અસર કરે જ છે અને હવે બિપાશાની મોટી ઉમર દેખાય જ આવે છે. આ બંનેને સાથ આપવા માટે મુખ્ય કલાકારમાં ઝાકીર હુશેન પણ છે. ૨૦૦૧ની ફિલ્મ ’દિશાયેંથી એક્ટીંગની શરૂઆત કરનાર ઝાકીર હુશેન આજ દિવસ સુધીમાં લગભગ ૫૦ ફિલ્મ્સ કરી ચૂક્યા છે. એક પછી એક એમના પર્ફૉર્મન્સ જુઓ તો તમારે તેની એકટીંગના વખાણ કરવા જ પડે. આવા અવ્વલ દરજ્જાના કલાકારને પણ આ ફિલ્મમાં એક્ટીંગ કરતા જોઇશો તો તમને થશે કે તે પોતાના પાત્ર સાથે જ સહમત નથી અને ધરાર કામ કરી રહ્યા છે. શુલભા આર્યા ઘરની નોકરાણી અને તેના દીકરાની વહુ તરીકે નીલીમા પ્રિયા સાચે જ પૂરી ફિલ્મમાં જો વખાણવા લાયક હોય તો એ બંનેનું એક્ટીંગ...



        ફિલ્મના સ્ક્રીનપ્લેની વાત કરીએ તો એટલો બધો સાયલન્ટ પાર્ટ રાખવામાં આવ્યો છે કે તમે ઘટના બનવાની રાહ જોતા કંટાળી જાઓ. શીર્ષક આનંદ અને શાંતનુ રે બે વ્યક્તિએ મળીને સ્ક્રીનપ્લે લખ્યો છે પણ અનેક ક્ષતિઓ સીધી જ સામે આવે છે. હોરર ફિલ્મના સ્ક્રીનપ્લેમાં સાયલન્ટ પાર્ટ હોય જ છે પણ આ શાંતિ વાળા પાર્ટમાં ઘણી બધી ઘટનાઓ બની જતી હોય છે. હોરરની એક બીજી ખૂબી પણ હોય છે કે તમને લાગે કે હાશ શાંતિ થઈ હવે કંઈ નહીં બને અને એકાએક કોઈ ભૂત સામે આવે ત્યારે દર્શકોને ઝટકો લાગે. અહીં એવું કરવાની કોશિશ કરી છે પણ સદંતર નિષ્ફળ કોશિશ. હોરર ફિલ્મમાં સૌથી મોટો રોલ હોય તો બૅકગ્રાઉન્ડ સ્કોરનો. બધે જ અપેક્ષા મુજબનો સ્કોર પણ વધારે બોર કરી જાય છે. અમર મોહીલેના બૅકગ્રાઉન્ડ સ્કોર માટેના પ્રયત્નો છે જ પણ જોઈએ તેવી અસર ઉપજાવી શક્યા નથી. શગુફ્તા રફીકના સંવાદો આ પહેલા પણ સાંભળ્યા છે પણ અહીં એક પણ ડાયલૉગ એવો નથી કે જેના માટે વાહ કહેવાનું મન થાય. હોરરની બીજી મઝા હોય છે સિનેમેટોગ્રાફીએ. પ્રકાશ કુટ્ટીની સિનેમેટોગ્રાફી એક પણ એવો કમાલ નથી આપી શકી જે જૂની ફિલ્મ્સમાં જોવા મળતો. હોરર ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ સામાન્ય કરતા અલગ જ હોય છે. કૅમેરા એવા એંગલથી પસાર થાય કે જોનારને ડર જ લાગે. ગીત અંકીત તીવારી, મીથુન અને જીત ગાંગુલીના કંપોઝ કરેલા છે. બહુ ખરાબ સોંગ્સ છે એમ ન કહી શકાય પણ જેટલા સારા છે એટલી સારી રીતે કૅમેરામાં ઝીલી શકાયા નથી....


        ફિલ્મની પોઝીટીવ વાત એ છે કે જો ફિલ્મનો રન ટાઇમ ટૂકો રાખી સ્ટોરી લાઈનને જ પકડી રાખવામાં આવી હોત તો વધુ બેટર થઈ શકત. ફિલ્મનો અંત આમ તો જે ફિલ્મના શોખીન હોય તેમના માટે પ્રીડીક્ટેબલ હશે પણ બીજા માટે નહીં. અંતને ખૂબ જ સારી રીતે રજૂ કરી શકાયો છે. હાં થોડો લંબાવવામાં આવ્યો છે અને ગળે ન ઊતરે એવો પણ છે કેમ કે એક તરફ તમે બે જન્મથી જોડાયેલ બાળકીઓનું ઓપરેશન દેખાડો છો અને બીજી તરફ લાશને ઘરમાં દેખાડો છો એ કેમ એ સમજી શકાયું નથી! મને એક પ્રશ્ન હંમેશા થાય છે કે હોરર ફિલ્મ હોય ત્યારે કેમ એક સાઇકીયાટ્રીસ્ટ મોડર્ન ભૂતમાં માનતો વ્યક્તિ આવતો જ હશે? કેમ પતિ કે પ્રેમી ભૂતમાં ન માનતો હોય એવો જ હોય? કેમ એકાદ પંડિત, પાદરી, પૂજારી, કે તાંત્રિક ભૂતને ભગાડવા આવતો જ હશે? કેમ ભગવાનથી ભૂત દૂર ભાગતું જ દેખાતું હશે? કેમ એક કૂતરો જે ભૂતને ઓળખીને ભસતો હશે? આવી એકસરખી વાતોથી દૂર નહીં થઈ શકતા હોય? તો પણ મને આશા છે કે ક્યારેક તો કોઈક રાઇટર આ બધી બાબતોની બહાર નીકળીને એક સારુ હોરર ફિલ્મ આપશે અને એજ આશામાં ફિલ્મને ૨ સ્ટાર આપવામાં આવે છે....




પેકઅપ:

૧૯૭૦ થી ૧૯૮૫ : સન્ની એટલે સુનીલ ગાવસ્કર
૧૯૮૫ થી ૨૦૧૦ : સન્ની એટલે સન્ની દેઓલ
૨૦૧૦ થી ૨૦૧૫ : સન્ની એટલે સન્ની લીયોની

"ત્રણેનું એક જ કામ છે પણ તમે તમારા વિચાર મુજબ અલગ પાડી શકો છો"

No comments:

Post a Comment