Friday, 30 January 2015

રહસ્ય: હજુ અકબંધ છે







         આરુષી મર્ડર કેસ લગભગ બધા માટે જાણીતો છે કેમ કે વાત જ એવી હતી કે જેને મીડિયા તરફથી પૂરતું કવરેજ મળ્યું હતું. ૧૫ મે, ૨૦૦૮ના રોજ  ડૉક્ટર દંપતી રાજેશ તલવાર અને નુપૂર તલવારની ૧૪ વર્ષની છોકરીનું ખૂન થયું. પહેલા દિવસે તો ઘરમાં ન દેખાતા નોકર હેમરાજ પર શંકા કરવામાં આવી પણ બીજા જ દિવસે અગાસી પરથી હેમરાજની લાશ પણ મળી. વાતમાં શું તથ્ય છે એ કઢાવવામાં નિષ્ફળ રહેલ દિલ્હી પોલીસ પાસેથી આંચકીને આ કેસ સી.બી.આઇ.ને સોંપવામાં આવ્યો. સી.બી.આઇ. પાસે કોઈ ખાસ પૂરાવા ન હતા પણ આખો કેસ તપાસતા તેમની શંકા રાજેશ તલવાર અને નુપૂર તલવાર તરફ જ જતી હતી. તલવારના આસિસ્ટન્ટ ક્રિષ્ના અને બે નોકરો રાજકુમાર અને વિજયનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો અને પછી ઘણા રહસ્યો ખૂલવા લાગ્યા. આટલાં ખતરનાક વિષય પર ફિલ્મ ભલે જે રિઝલ્ટ આપે છે પણ ડૉ. તલવાર હજુ પણ રહસ્ય અકબંધ રાખીને કોર્ટમાં ફાઇટ આપી રહ્યા છે...


        મનીષ ગુપ્તાનું ડિરેક્શન મને ગમ્યું છે. મનીષને મીકેનીકલ એન્જિનિયર હોવા છતા ફિલ્મમાં જ રસ હતો. મનીષ ગુપ્તા ’સરકાર ફિલ્મની વાર્તા લઈને રામ ગોપાલ વર્માને મળ્યા. રામુજીને વાત બહુ જ ગમી અને તરત જ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આ પછી તો મનીષને તેમણે ’ડી, ’જેમ્સ અને ’ડરના જરૂરી હૈ ત્રણ ફિલ્મ્સ લખવા આપી. મનીષની અંદર રહેલા આર્ટને રામુજી ઓળખી ગયા અને તેમણે ’ડરના જરૂરી હૈની ૬ સ્ટોરી માંથી એક સ્ટોરી ડિરેક્ટ કરવા આપી અને મનીષના ડિરેક્શન કેરિયરની શરૂઆત થઈ. મનીષના ડિરેક્શનમાં બીજી ફિલ્મ હતી ’સ્ટોનમેન મર્ડર જે બહુ ઓછા લોકોને ધ્યાનમાં આવી હતી પણ જેણે પણ જોઈ હશે એ એટલી વાત સાથે તો સહમત થશે જ કે મનીષને ડિરેક્શન આવડે છે. મનીષે ૨૦૧૧માં ’હોસ્ટેલ ડિરેક્ટ કરી જેનાથી પ્રભાવિત થઈ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલે રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રણ આપેલું અને સામાજિક મુદ્દાઓ પર સિનેમાની અસર પર લેક્ચર લેવા કહ્યું જે બહુ જ મોટું સન્માન ગણાય. આ ફિલ્મના ડિરેક્શન વિશે કહું તો આ પહેલાની તેની ફિલ્મ્સ વધારે સારી હતી અથવા એવું પણ કહી શકાય કે મનીષ જ્યારે પોતાના માટે લખે છે ત્યારે કદાચ સારુ નહીં લખી શકતા હોય...


        ફિલ્મમાં ખૂબ જાણીતા આર્ટિસ્ટ્સ લેવાને બદલે જે એકટીંગના એક્કા હોય એવા આર્ટિસ્ટ લેવાનો મનીષનો આગ્રહ પહેલેથી જ રહ્યો છે. આશિષ વિદ્યાર્થી જે ફિલ્મમાં આરુષીના પિતાનું પાત્ર ભજવે છે, તેના માટે તો શું લખવું? આશિષને મેં ડ્રામામાં એક્ટીંગ કરતા જોયા છે અને ફિલ્મમાં પણ. તેની હિન્દીમાં પહેલી ફિલ્મ ’૧૯૪૨ અ લવ સ્ટોરી  ૧૯૯૩માં હતી અને એ જ વર્ષમાં ’સરદાર પણ રીલીઝ થઈ હતી. હિન્દી ઉપરાંત તેમણે તામિલ, તેલુગુ, બંગાળી જેવી લેંગ્વેજમાં પણ કામ કર્યું છે. અત્યાર સુધીમાં તેમણે લગભગ ૧૫૦થી ઉપર ફિલ્મ્સ કરી હશે અને ટેલિવિઝન સિરિયલ્સ વધારામાં. ’દ્રોહકાલના સપોર્ટીંગ એક્ટર તરીકે નેશનલ એવૉર્ડ પણ જીત્યો છે. કેય કેય મેનનનું પણ એવું જ છે. સ્ક્રીપ્ટ જોઈને ફિલ્મ પસંદ કરતો એકમાત્ર કલાકાર છે જે પૈસા ક્યારેય નથી પૂછતા. આમ તો ’કાયનેટીક હોન્ડા અને ’માલબોરો સિગારેટની એડથી એક્ટીંગની શરૂઆત કરી હતી.. ૧૯૯૫માં તેમની પત્ની નિલમ ભટ્ટાચાર્ય સાથે તેમની મુલાકાત થઈ અને પહેલી ફિલ્મ ’નસીમ કરી. આ પછીની તેની કોઈ પણ ફિલ્મ લઈ લો જેમ કે ’બ્લેક ફ્રાયડે, ’સરકાર, ’કોર્પોરેટ, ’દિવાર, ’હાઇવે, ’મુંબઈ મેરી જાં, ’ગુલાલ, ’શહીદ, ’હૈદર કે પછી અનુરાગની શૉર્ટ ફિલ્મ ’લાસ્ટ ટ્રેઇન ટુ મહાકાલી. કેય કેયનું એક્ટીંગ વખાણવા લાયક જ હોય. ફિલ્મમાં આરતીનું પાત્ર ટીશ્કા ચોપરાના ભાગે આવ્યું છે. ૧૯૯૩માં ’ફૂટપાથ ફિલ્મમાં અજય દેવગણ સામે લીડમાં હતી. આ પછી ટીશ્કાએ ૨૫ ફિલ્મ્સ કરી હશે પણ કોઈ ખાસ કહી શકાય એવી ભૂમિકા મળી નથી. બ્રીન્દાના પાત્રમાં મીતા વશિષ્ઠ છે. મીતાના એક્ટીંગનો અંગત રીતે હું ચાહક રહ્યો છું. ૧૯૮૭ની એન.એસ.ડી. ગ્રૅજ્યુએટ મીતા એ જ વર્ષથી ફિલ્મમાં દેખાવવા લાગી હતી. મીતાની પસંદગી કોમર્સિયલ ફિલ્મ્સ કરતા આર્ટ ફિલ્મ્સ વધારે રહી છે. રેમી તરીકે અશ્વીની કાલ્સ્કર છે. અશ્વીનીની પર્સનાલિટી જ એવી છે કે કોઈ પણ પાત્ર તેને શોભે જ. ફિલ્મમાં આરુષીનું નામ આયેશા કરવામાં આવ્યું છે અને એ પાત્ર નવોદિત સાક્ષી સેમને આપવામાં આવ્યું છે. આટલાં સારા આર્ટિસ્ટ હોવા છતા દરેક આર્ટિસ્ટમાં તમને કંઈક ખૂટતું લાગશે જ. જેમ કે સી.બી.આઇ. ઓફીસર તરીકે કેય કેય જેવા આર્ટિસ્ટ હોવા છતા તમને લાગશે જ કે જામતા નથી. આશિષ પાસે ઓવર એક્ટીંગ કરાવીને તેની ઓરીજીનલ સ્ટાઇલ ખોઈ નાખવામાં આવી છે. હાં એક માત્ર સરસ એક્ટીંગ કરી હોય તો અશ્વીની કાલસ્કરની છે પણ એક માત્ર તેમની એક્ટીંગ માટે ફિલ્મ જોવું હિતાવહ નથી....


        ફિલ્મ અગાઉ વાત થઈ એ મુજબ આરુષી મર્ડર કેસ પરથી પ્રભાવિત છે. જો તમે આરુષી મર્ડર કેસ ફોલોવ કર્યો હોય તો તમને ખબર હશે કે તેમાં બનતી ઘટનાઓ રૂવાડા ઊભા કરી દે એવી છે જ્યારે ફિલ્મના નિયમ મુજબ લખવું પડે કે ’આ માત્ર કાલ્પનિક ઘટના છે, આ ફિલ્મને મૃત કે જીવંત લોકો સાથે કંઈ લાગતું વળગતું નથી અને જે વાત સાબિત કરવા માટે ફિલ્મની વાર્તા ફિલ્મી બનાવવામાં આવે છે. અહીં પણ એવી જ વાત બની છે. કેય કેય મેનનને જેમ પીર પંડ્યમાં આવી જતા હોય તેમ બધું જ પ્રીડીક્ટ થવા લાગે અને એ તરફ જ ઇન્ક્વાયરી લઈ જાય. ફિલ્મની અંદર કેય કેય મેનન એક ઇમાનદાર સી.બી.આઇ. ઓફીસર છે એ માટે બે બે વાર પત્ની સાથે રૂપિયાને લઈને થતી હળવી ફરિયાદ દેખાડવામાં આવી જેને ફિલ્મ સાથે સ્નાન સૂતકના પણ સંબંધ નથી. આ રીતે જ જેમ નાટક જોતા હોય એ રીતે છેલ્લે બધાને ઘટના સ્થળે એકઠાં કરવામાં આવે અને પછી કેય કેય સાહેબ આખી સ્ટોરી કહે. હાં એ વાત ફિલ્મમાં પણ સ્વીકારવામાં આવે છે કે આ વાતના કોઈ એવીડન્સ નથી પણ હવે આપણે તો સીધી ઑડિયન્સ એટલે આપણે તો વાતને સ્વીકારીને ઊભું જ થવાનું હોય. ફિલ્મને વધુ પડતી ફિલ્મી બનાવવાની લાયમાં ઘણું બધું મીસ થઈ ગયું છે. આ કરતા જો ’ક્રાઇમ પેટ્રોલના બે હપ્તાની સીરીઝ જોઈ લેશો તો તમને લાગશે કે સાચે જ ટેક્નીકલી આખો કિસ્સો સોલ્વ કરવામાં આવ્યો છે. કૅમેરા વર્ક પણ તમને આ ફિલ્મ કરતા ’ક્રાઇમ પેટ્રોલનું વધારે સારુ લાગશે. ગમે તે રીતે જુઓ તો ફિલ્મ ૧.૫ સ્ટારથી વધારે ડિઝર્વ નથી જ કરતી. આજે વધુ બે ફિલ્મ ’ખામોશિયાં અને ’હવાઇઝાદા રીલીઝ થઈ છે તો જો ફિલ્મના શોખીન હો તો આ બે માંથી કોઈ પણ ફિલ્મની ટ્રાય મારીને મને કહેજો કે કેવી છે....





પેકઅપ:
"ઓબામાની પત્નીને જોઈને ઘણા પતિને સંતોષ થયો છે કે મારી પત્ની વધારે સારી છે"

No comments:

Post a Comment