Friday, 30 January 2015

રહસ્ય: હજુ અકબંધ છે







         આરુષી મર્ડર કેસ લગભગ બધા માટે જાણીતો છે કેમ કે વાત જ એવી હતી કે જેને મીડિયા તરફથી પૂરતું કવરેજ મળ્યું હતું. ૧૫ મે, ૨૦૦૮ના રોજ  ડૉક્ટર દંપતી રાજેશ તલવાર અને નુપૂર તલવારની ૧૪ વર્ષની છોકરીનું ખૂન થયું. પહેલા દિવસે તો ઘરમાં ન દેખાતા નોકર હેમરાજ પર શંકા કરવામાં આવી પણ બીજા જ દિવસે અગાસી પરથી હેમરાજની લાશ પણ મળી. વાતમાં શું તથ્ય છે એ કઢાવવામાં નિષ્ફળ રહેલ દિલ્હી પોલીસ પાસેથી આંચકીને આ કેસ સી.બી.આઇ.ને સોંપવામાં આવ્યો. સી.બી.આઇ. પાસે કોઈ ખાસ પૂરાવા ન હતા પણ આખો કેસ તપાસતા તેમની શંકા રાજેશ તલવાર અને નુપૂર તલવાર તરફ જ જતી હતી. તલવારના આસિસ્ટન્ટ ક્રિષ્ના અને બે નોકરો રાજકુમાર અને વિજયનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો અને પછી ઘણા રહસ્યો ખૂલવા લાગ્યા. આટલાં ખતરનાક વિષય પર ફિલ્મ ભલે જે રિઝલ્ટ આપે છે પણ ડૉ. તલવાર હજુ પણ રહસ્ય અકબંધ રાખીને કોર્ટમાં ફાઇટ આપી રહ્યા છે...


        મનીષ ગુપ્તાનું ડિરેક્શન મને ગમ્યું છે. મનીષને મીકેનીકલ એન્જિનિયર હોવા છતા ફિલ્મમાં જ રસ હતો. મનીષ ગુપ્તા ’સરકાર ફિલ્મની વાર્તા લઈને રામ ગોપાલ વર્માને મળ્યા. રામુજીને વાત બહુ જ ગમી અને તરત જ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આ પછી તો મનીષને તેમણે ’ડી, ’જેમ્સ અને ’ડરના જરૂરી હૈ ત્રણ ફિલ્મ્સ લખવા આપી. મનીષની અંદર રહેલા આર્ટને રામુજી ઓળખી ગયા અને તેમણે ’ડરના જરૂરી હૈની ૬ સ્ટોરી માંથી એક સ્ટોરી ડિરેક્ટ કરવા આપી અને મનીષના ડિરેક્શન કેરિયરની શરૂઆત થઈ. મનીષના ડિરેક્શનમાં બીજી ફિલ્મ હતી ’સ્ટોનમેન મર્ડર જે બહુ ઓછા લોકોને ધ્યાનમાં આવી હતી પણ જેણે પણ જોઈ હશે એ એટલી વાત સાથે તો સહમત થશે જ કે મનીષને ડિરેક્શન આવડે છે. મનીષે ૨૦૧૧માં ’હોસ્ટેલ ડિરેક્ટ કરી જેનાથી પ્રભાવિત થઈ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલે રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રણ આપેલું અને સામાજિક મુદ્દાઓ પર સિનેમાની અસર પર લેક્ચર લેવા કહ્યું જે બહુ જ મોટું સન્માન ગણાય. આ ફિલ્મના ડિરેક્શન વિશે કહું તો આ પહેલાની તેની ફિલ્મ્સ વધારે સારી હતી અથવા એવું પણ કહી શકાય કે મનીષ જ્યારે પોતાના માટે લખે છે ત્યારે કદાચ સારુ નહીં લખી શકતા હોય...


        ફિલ્મમાં ખૂબ જાણીતા આર્ટિસ્ટ્સ લેવાને બદલે જે એકટીંગના એક્કા હોય એવા આર્ટિસ્ટ લેવાનો મનીષનો આગ્રહ પહેલેથી જ રહ્યો છે. આશિષ વિદ્યાર્થી જે ફિલ્મમાં આરુષીના પિતાનું પાત્ર ભજવે છે, તેના માટે તો શું લખવું? આશિષને મેં ડ્રામામાં એક્ટીંગ કરતા જોયા છે અને ફિલ્મમાં પણ. તેની હિન્દીમાં પહેલી ફિલ્મ ’૧૯૪૨ અ લવ સ્ટોરી  ૧૯૯૩માં હતી અને એ જ વર્ષમાં ’સરદાર પણ રીલીઝ થઈ હતી. હિન્દી ઉપરાંત તેમણે તામિલ, તેલુગુ, બંગાળી જેવી લેંગ્વેજમાં પણ કામ કર્યું છે. અત્યાર સુધીમાં તેમણે લગભગ ૧૫૦થી ઉપર ફિલ્મ્સ કરી હશે અને ટેલિવિઝન સિરિયલ્સ વધારામાં. ’દ્રોહકાલના સપોર્ટીંગ એક્ટર તરીકે નેશનલ એવૉર્ડ પણ જીત્યો છે. કેય કેય મેનનનું પણ એવું જ છે. સ્ક્રીપ્ટ જોઈને ફિલ્મ પસંદ કરતો એકમાત્ર કલાકાર છે જે પૈસા ક્યારેય નથી પૂછતા. આમ તો ’કાયનેટીક હોન્ડા અને ’માલબોરો સિગારેટની એડથી એક્ટીંગની શરૂઆત કરી હતી.. ૧૯૯૫માં તેમની પત્ની નિલમ ભટ્ટાચાર્ય સાથે તેમની મુલાકાત થઈ અને પહેલી ફિલ્મ ’નસીમ કરી. આ પછીની તેની કોઈ પણ ફિલ્મ લઈ લો જેમ કે ’બ્લેક ફ્રાયડે, ’સરકાર, ’કોર્પોરેટ, ’દિવાર, ’હાઇવે, ’મુંબઈ મેરી જાં, ’ગુલાલ, ’શહીદ, ’હૈદર કે પછી અનુરાગની શૉર્ટ ફિલ્મ ’લાસ્ટ ટ્રેઇન ટુ મહાકાલી. કેય કેયનું એક્ટીંગ વખાણવા લાયક જ હોય. ફિલ્મમાં આરતીનું પાત્ર ટીશ્કા ચોપરાના ભાગે આવ્યું છે. ૧૯૯૩માં ’ફૂટપાથ ફિલ્મમાં અજય દેવગણ સામે લીડમાં હતી. આ પછી ટીશ્કાએ ૨૫ ફિલ્મ્સ કરી હશે પણ કોઈ ખાસ કહી શકાય એવી ભૂમિકા મળી નથી. બ્રીન્દાના પાત્રમાં મીતા વશિષ્ઠ છે. મીતાના એક્ટીંગનો અંગત રીતે હું ચાહક રહ્યો છું. ૧૯૮૭ની એન.એસ.ડી. ગ્રૅજ્યુએટ મીતા એ જ વર્ષથી ફિલ્મમાં દેખાવવા લાગી હતી. મીતાની પસંદગી કોમર્સિયલ ફિલ્મ્સ કરતા આર્ટ ફિલ્મ્સ વધારે રહી છે. રેમી તરીકે અશ્વીની કાલ્સ્કર છે. અશ્વીનીની પર્સનાલિટી જ એવી છે કે કોઈ પણ પાત્ર તેને શોભે જ. ફિલ્મમાં આરુષીનું નામ આયેશા કરવામાં આવ્યું છે અને એ પાત્ર નવોદિત સાક્ષી સેમને આપવામાં આવ્યું છે. આટલાં સારા આર્ટિસ્ટ હોવા છતા દરેક આર્ટિસ્ટમાં તમને કંઈક ખૂટતું લાગશે જ. જેમ કે સી.બી.આઇ. ઓફીસર તરીકે કેય કેય જેવા આર્ટિસ્ટ હોવા છતા તમને લાગશે જ કે જામતા નથી. આશિષ પાસે ઓવર એક્ટીંગ કરાવીને તેની ઓરીજીનલ સ્ટાઇલ ખોઈ નાખવામાં આવી છે. હાં એક માત્ર સરસ એક્ટીંગ કરી હોય તો અશ્વીની કાલસ્કરની છે પણ એક માત્ર તેમની એક્ટીંગ માટે ફિલ્મ જોવું હિતાવહ નથી....


        ફિલ્મ અગાઉ વાત થઈ એ મુજબ આરુષી મર્ડર કેસ પરથી પ્રભાવિત છે. જો તમે આરુષી મર્ડર કેસ ફોલોવ કર્યો હોય તો તમને ખબર હશે કે તેમાં બનતી ઘટનાઓ રૂવાડા ઊભા કરી દે એવી છે જ્યારે ફિલ્મના નિયમ મુજબ લખવું પડે કે ’આ માત્ર કાલ્પનિક ઘટના છે, આ ફિલ્મને મૃત કે જીવંત લોકો સાથે કંઈ લાગતું વળગતું નથી અને જે વાત સાબિત કરવા માટે ફિલ્મની વાર્તા ફિલ્મી બનાવવામાં આવે છે. અહીં પણ એવી જ વાત બની છે. કેય કેય મેનનને જેમ પીર પંડ્યમાં આવી જતા હોય તેમ બધું જ પ્રીડીક્ટ થવા લાગે અને એ તરફ જ ઇન્ક્વાયરી લઈ જાય. ફિલ્મની અંદર કેય કેય મેનન એક ઇમાનદાર સી.બી.આઇ. ઓફીસર છે એ માટે બે બે વાર પત્ની સાથે રૂપિયાને લઈને થતી હળવી ફરિયાદ દેખાડવામાં આવી જેને ફિલ્મ સાથે સ્નાન સૂતકના પણ સંબંધ નથી. આ રીતે જ જેમ નાટક જોતા હોય એ રીતે છેલ્લે બધાને ઘટના સ્થળે એકઠાં કરવામાં આવે અને પછી કેય કેય સાહેબ આખી સ્ટોરી કહે. હાં એ વાત ફિલ્મમાં પણ સ્વીકારવામાં આવે છે કે આ વાતના કોઈ એવીડન્સ નથી પણ હવે આપણે તો સીધી ઑડિયન્સ એટલે આપણે તો વાતને સ્વીકારીને ઊભું જ થવાનું હોય. ફિલ્મને વધુ પડતી ફિલ્મી બનાવવાની લાયમાં ઘણું બધું મીસ થઈ ગયું છે. આ કરતા જો ’ક્રાઇમ પેટ્રોલના બે હપ્તાની સીરીઝ જોઈ લેશો તો તમને લાગશે કે સાચે જ ટેક્નીકલી આખો કિસ્સો સોલ્વ કરવામાં આવ્યો છે. કૅમેરા વર્ક પણ તમને આ ફિલ્મ કરતા ’ક્રાઇમ પેટ્રોલનું વધારે સારુ લાગશે. ગમે તે રીતે જુઓ તો ફિલ્મ ૧.૫ સ્ટારથી વધારે ડિઝર્વ નથી જ કરતી. આજે વધુ બે ફિલ્મ ’ખામોશિયાં અને ’હવાઇઝાદા રીલીઝ થઈ છે તો જો ફિલ્મના શોખીન હો તો આ બે માંથી કોઈ પણ ફિલ્મની ટ્રાય મારીને મને કહેજો કે કેવી છે....





પેકઅપ:
"ઓબામાની પત્નીને જોઈને ઘણા પતિને સંતોષ થયો છે કે મારી પત્ની વધારે સારી છે"

Friday, 23 January 2015

બેબી: ક્ષણે ક્ષણનું એક્સાઇટમેન્ટ







       મનોજ કુમાર જો કોઈ પણ કારણોસર હીટ ગયા હોય તો લોકોની અંદર પડેલી દેશ પ્રત્યેની દેશભક્તિ. જેના હ્રદયમાં નાના ખૂણે પણ જો ભારત વસેલું હોય તો તે વ્યક્તિને ભારતને રમત-ગમત હોય કે યુદ્ધ બધે જ જીતેલું જોવું ગમે જ. અમેરિકા તો આવી ફિલ્મ્સનું માસ્ટર છે. દેશ માટે ગમે તે જગ્યા પર જઈને એક વ્યક્તિ ગમે તેવું મિશન ફેઇલ કરી દે. આ વાત કદાચ અતિશયોક્તિ ભરેલી લાગે પણ ગમે તો ખરી જ. ભારતમાં જો આ પ્રકારની ફિલ્મ્સ બને છે તો લોજિકની બહારની હોય છે અને ઉપરાંતમાં એટલી બધી અતિશયોક્તિ હોય કે સહન કરવું જ અઘરું પડે પણ જો સરસ સ્ટોરી, સરસ સ્ક્રીનપ્લે, સરસ ડિરેક્શન અને સારા આર્ટિસ્ટ્સ હોય તો પછી શું કહેવું? ’બેબી માટે એટલું જ કહીશ કે એક એક પળ માટે જકડીને રાખી શકે છે અને એક પણ વાતમાં અતિશયોક્તિ નથી. ઘણા સમયે દેશ માટે કાર્ય કરતા સિપાહીની ફોજને આટલી સરસ રીતે રજૂ કરી શકાય છે. ’બેબી એટલે સાચે જ ક્ષણે ક્ષણનું એક્સાઇટમેન્ટ....


        નિરજ પાંડે વિશે તો શું કહેવું? તેની પહેલી જ ફિલ્મ હતી ’વેનસડે. કોઈ જ ખાસ સ્ટાર કાસ્ટ નહીં એમ છતા માત્ર ક્લાસ સ્ક્રીનપ્લેના જોરે અત્યારના યુગમાં જ્યારે એક અઠવાડિયાની લાઇફ લઈને આવતી ફિલ્મ્સના જમાનામાં કોણ જાણે કેટલા અઠવાડિયા ચાલી. એ ફિલ્મની સક્સેસ માટે જો કોઈ પણ જવાબદાર હોય તો માત્ર નિરજ પાંડે. પહેલી જ ફિલ સાથે એવોર્ડ્સની વર્ષા પણ વરસી. ૨૦૦૮માં બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ સ્ટોરી માટે નેશનલ એવૉર્ડ, આઇફામાં બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ડાયલૉગ અને આ ઉપરાંત પણ ઘણા એવોર્ડ્સ જીત્યા. નિરજની બીજી ફિલ્મ એટલે ’સ્પેસીયલ ૨૬. લોકો એ ફિલ્મ જોઈને પણ વાહ પોકારી જ ગયેલા. સામાન્ય રીતે એવું બને કે બે ત્રણ ફ્લોપ પછી કોઈ ડિરેક્ટર સારી હીટ ફિલ્મ આપી શકે પણ સતત સારી ફિલ્મ બનાવતા રહેવું અઘરું છે. નિરજની લગાતાર આ ત્રીજી ફિલ્મ પણ એક લેવલ ઉપરની ફિલ્મ છે. તમને ફિલ્મના એક એક દ્ગશ્યમાં તેના ડિરેક્શનનો ટચ દેખાશે જ. વધારાની વાત તો એ છે કે આ ફિલ્મના ડાયલૉગ, સ્ટોરી, સ્ક્રીનપ્લે બધું જ નિરજ પાંડેનું જ છે. ફિલ્મની પકડ અંત સુધી જમાવી રાખવાની તેમની સ્ટાઇલ આ ફિલ્મમાં પણ જોવા મળશે. નિરજ પાંડે પાસેથી અપેક્ષાઓ વધતી જ જાય છે...


        અજયની પત્ની તરીકે મધુરિમા તુલી છે. ૨૦૦૪માં તેલુગુ ફિલ્મથી પોતાની કેરિયર શરૂ કરનાર આ અભિનેત્રીનું પહેલું હિન્દી ફિલ્મ ’બચના એ હસીનો હતું. આ પછી તેણે લગભગ પાંચ હિન્દી ફિલ્મ્સ કરી પણ એક પણ જાણીતી નથી જો કે ટેલિવિઝનમાં તેની સિરિયલ્સ ’કસ્તુરી અને ’પરિચય સારી હીટ રહી હતી. ફિલ્મમાં સાથી પોલીસ ઓફીસરની ભૂમિકામાં તાપસી પન્નુ છે. તાપસી પણ તેલુગુ ફિલ્મમાં જાણીતી હીરોઇન છે. તાપસીની પહેલી હિન્દી ફિલ્મ ’ચશ્મે બદદ્દૂર હતી. આ પછી તેણે ’રનિંગ શાદી ડોટ કોમ સાઇન કરી પણ ’બેબીનું શેડ્યૂલ પહેલા આવી ગયું માટે આ ફિલ્મ ખતમ કરવામાં આવી. આમ જુઓ તો બંને હીરોઇનના ભાગમાં ખાસ મોટો રોલ નથી પણ જે રીતે જેટલું કામ છે તેટલું ઉત્તમ રીતે કર્યું છે. મૌલાના મહમદ રહેમાનના પાત્રમાં રસીદ નાઝ છે. રસીદ નાઝ ફિલ્મ માટે જાણીતું નામ નથી પણ ઉર્દૂ અને હિન્દી નાટકોના શોખીન લોકો માટે ખૂબ જ જાણીતું નામ રહ્યું છે. તેમણે હિન્દી ફિલ્મ્સ પણ કરી છે પરંતુ જાણીતી કોઈ ફિલ્મ મને યાદ આવતી નથી. રસીદને જોઈને તમને કોઈ એંગલથી એમ નહીં લાગે કે સાચે આ કોઈ પાકિસ્તાની જેહાદના વડા નથી. એકદમ ક્લાસ અભિનયનો પરચો તેમણે આપ્યો છે. ફિલ્મમાં એક સરસ પાત્ર મીકાલ ઝુલ્ફીકારને અસફાક નામ સાથે મળ્યું છે. મીકાલ આમ તો પાકિસ્તાની જ છે પણ તે લંડન જ રહ્યો છે. પાકિસ્તાની ચેનલ હમ ટીવી પર તેની ઘણી સિરિયલ્સ આવી ચૂક્યો છે. કેય કેય મેનનને તો કોઈ પણ પાત્ર આપો એક જ મીનીટમાં આત્મસાત્ કરી લે તેવો કલાકાર. બિલાલ ખાનના પાત્રમાં કેય કેય સાચે જ એક આતંકવાદીની ફીલ આપે છે. નાનામાં નાના પાત્રો પણ જ્યારે સરસ પરફોર્મ કરતા હોય ત્યારે મુખ્ય પાત્રો એટલે કે અક્ષય કુમાર, ડેની ડેન્ઝોપા, રાણા દીગ્ગબુટ્ટી અને અનુપમ ખૈર માટે કંઈ લખવા જેવું રહેતું જ નથી....


        ૪ સપ્ટેમ્બર, ૨૦૧૪થી ફિલ્મની શરૂઆત કરવામાં આવી હતી. નોઇડા, યુ.પી., નેપાળ અને અબુધાબીમાં ફિલ્મ શૂટ કરવામાં આવી હતી. સાંભળવા મળ્યું છે ત્યાં સુધી બધા જ આર્ટિસ્ટ્સ સહમત હતા અને બહુ ટૂંકા શેડ્યૂલમાં ફિલ્મ કરવા માટે રાજી થઈને ડેટ્સ ફાળવી હતી. ટી-સીરીઝ ઉપરાંત, ક્રાઉચીંગ ટાયગર, કેપ ઑફ ગૂડ ફિલ્મ અને ફ્રાયડે ફિલ્મ વર્ક્સ એમ ચાર ચાર પ્રોડક્શન કંપની ઉપરાંત ભૂષણ કુમાર, કિશન કુમાર, શિતલ ભાટિયાના પ્રોડ્યૂસર્સ તરીકે નામ છે. એમ.એમ. કરીમ અને મીત બ્રોસ અન્જાને ગીતો કંપોઝ કર્યા છે. ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મના એક્સાઇટમેન્ટમાં સતત વધારો કરતો રહે એવો છે અને જે સંજોય ચૌધરીએ તૈયાર કર્યો છે. ફિલ્મમાં ઘણા ચેઝીંગ અને સાયલન્ટ સીન્સ છે પણ બૅકગ્રાઉન્ડ સ્કોર તમને એ જણાવવા જ ન દે એટલો મજબૂત છે. સુદીપ ચેટર્જીની સિનેમેટોગ્રાફી પણ એક્સ્ટ્રા ઓર્ડીનરી છે. એક પણ જગ્યા પર ખોટા એંગલ કૅમેરા નહીં જોવા મળે. એક એક દ્ગશ્યની ગોર્જીયસનેસ જોઈને તમને ખૂબ જ મઝા આવશે....


        કોઈ પણ લેખકને જો એક વાતની ખબર પડી જાય કે ફિલ્મ માટે આ દ્ગશ્ય મહત્વનું નથી તો ફિલ્મમાં ન હોવું જોઈએ તો મોટા ભાગની ફિલ્મ્સ સારી બનવા લાગે. આ ઉપરાંત એક કારણ વગરના ઇમોશન્સ પણ જો ફિલ્મ માંથી કાઢી નાખવામાં આવે તો પણ ફિલ્મ્સની કક્ષા સાચે જ ઊંચી આવી જાય. નિરજ પાંડેનો સ્ક્રીનપ્લે એટલે સાચે જ મજબૂત. તમે ’બેબી જોવાની શરૂઆત કરશો ત્યાંથી અંત સુધીમાં તમે એવું એક પણ દ્ગશ્ય નહીં જુઓ કે જે ફિલ્મમાં ન હોય તો ચાલે. આ ઉપરાંત જ્યાં જરૂરી નથી ત્યાં ડાયલૉગ નથી, માત્ર સાયલન્ટ પણ બોલે છે. ફિલ્મમાં વચ્ચે ક્યાંય કારણ વગર ગીત રજૂ કરી ફિલ્મની ગતિ રોકવામાં આવી નથી. ફિલ્મના હીરોને બે છોકરાનો બાપ બતાવવામાં આવ્યો છે જે સાબિત કરે છે કે હીરો ગીરીને બદલે તેના કામનું વધારે મહત્વ છે. અનુપમ ખૈર જેવા ગ્રેટ કલાકાર હોવા છતા તેનો રોલ ઇન્ટરવલ પછી અને અંત પહેલા જ રાખવામાં આવ્યો છે. આ પહેલા ફિલ્મમાં તેની જરૂર ન હતી તો ખોટે ખોટું ઇન્ટ્રોડક્શન આપવામાં નથી આવ્યું. આ રીતે જ કેય કેય મેનન જેલ તોડીને ભાગે છે પછી માત્ર પ્લેનમાં બેઠેલો બતાવીને બધું જ કહી દેવામાં આવ્યું છે. એક એક પાત્રને સરસ રીતે રજૂ કરી શકાયું છે. ફિલ્મને કઠણ કલેજું કરો તો પણ ૪ સ્ટાર આપવા જ પડે...




પેકઅપ:

"મહાન કલાકાર શ્રી ઉપેન્દ્ર ત્રીવેદીના નિધન પછીના સમાચારમાં એક ગુજરાતી ચેનલે બોલીવુડ કા અભિનય સમ્રાટ એવું લખ્યું..."

Thursday, 15 January 2015

અલોન: જૂની બોટલ નવો શરાબ






         એક સુમસામ જગ્યા હોય, અંધારું હોય, તમરાનો અવાજ આવતો હોય, જેમ જેમ આગળ ડગલા ભરાતા હોય એમ માત્ર અને માત્ર પાંદડાનો અવાજ આવતો હોય અને અચાનક જ એક જોરદાર અવાજ સાથે સામે ભૂત આવે એટલે એક મીનીટ માટે તો તમે ઝટકો ખાવાના જ છો. આ હોરર ફિલ્મ એટલે જ ડર વેચવાનો ધંધો. તમે જેટલા વધારે લોકોને ડરાવી શકો એટલાં તમે સારા ફિલ્મ મેકર. બ્લેક & વ્હાઇટના જમાનાથી ’કહીં દીપ જલે કહીં દિલ...’ ગાતી સફેદ સારીમાં એક સ્ત્રી નીકળે અને તમે ભૂતનો અહેસાસ કરતા આવ્યા છો. સમય સાથે ભૂતમાં ઘણો બદલાવ આવ્યો. ’જાની દુશ્મનના ભૂતને જોયા પછી લોકોના મનમાં રીંછ જેવું ભૂત ઘર કરી ગયું હતું એટલે જ રામસે બ્રધર્સના ફિલ્મમાં આવા ભૂત જોવા મળતા પણ અંગ્રેજી ફિલ્મના રસિકોને આથી પણ વધારે ભયાનક ભૂત હિન્દી ઇન્ડસ્ટ્રીમાં જોવા હતા. સમય સાથે પ્લાસ્ટિક મેકઅપ, ટેક્નિક બધી જ બાબતોમાં સુધારો આવતા ભૂતનો દેખાવ પણ બદલાવા લાગ્યો. આજે મોડર્ન ભૂત, મોડર્ન ટેક્નોલૉજી, મોડર્ન મેકઅપ, મોડર્ન બૅકગ્રાઉન્ડ સ્કોર બધું જ છે પણ સ્ટોરી મોડર્ન નથી. એકદમ ઘીસી પીટી સ્ટોરી પર જ ફિલ્મ બને છે અને એટલે જ કહેવું પડે છે કે ’અલોન એટલે ફરી એક વાર જૂની બોટલમાં નવો શરાબ.....


        ભૂષણ પટેલને નસીબ જોગે સીક્વલ જ ડિરેક્ટ કરવા મળી છે અને એ પણ એવી કે જેનો પહેલો ભાગ ખૂબ જ હીટ રહ્યો હોય. જેમ કે ’૧૯૨૦: ઇવિલ રિટર્ન અને ’રાગિણી એમ.એમ.એસ. 2’ આ બંને ફિલ્મનો પહેલો ભાગ અન્ય ડિરેક્ટરે ખૂબ સારી રીતે ડિરેક્ટ કરીને પોતાનું કૌતુક દેખાડી જ દીધું હતું માટે વારસા પ્રથા મુજબ ચાલુ ધંધો સંભાળવાનો જ હતો! એમ છતા પણ જો તમે ’રાગિણી એમ.એમ.એસ.’ જોયું હોય તો તમે સીક્વલને શૂન્ય માર્ક જ આપો. સીક્વલને જે કંઈ ઑડિયન્સ મળ્યું એ સની લીયોની શું બતાવે છે એ જોવા માટેનું જ મળ્યું હતું. પોતાનું કહી શકાય એવું ભૂષણનું આ પહેલું ફિલ્મ છે. આ ફિલ્મમાં ભૂષણના ડિરેક્શનની વાત કરીએ તો ક્યાંય પણ એક ચમકારો જોવા નથી મળ્યો...


        કરણ સિંઘ ગ્રોવર ૨૦૦૮માં ’ભ્રમ જેવી ફ્લોપ ફિલ્મ આપી જ ચૂક્યો છે ત્યારે તેના માટે આ ફિલ્મ ખૂબ મહત્વની બની રહે છે. મોડેલીંગમાંથી એક્ટીંગમાં આવેલા બહુ ઓછા લોકો હીટ થયા છે જેમાં ભલે તમે નાના પડદે ગણો પણ કરણ સિંઘ હીટ તો રહ્યો જ છે. એશિયાના ટોપ ૫૦ સેક્સીયેસ્ટ મેનમાં સ્થાન પામવું એ નાની વાત નથી. ૨૦૦૪માં તેની એક્ટીંગ કેરિયર બાલાજી ટેલિફિલ્મ્સની સિરિયલ ’કીતની મસ્ત હૈ જિંદગીથી થઈ હતી. આ પછી ઘણી હીટ સિરિયલ્સ અને નોન ફિક્શન શો કર્યા. હમણાં સુધી ચાલતી તેની સિરિયલ ’કબૂલ હૈ તો હજુ પણ લોકોની ફેવરીટ છે. આ ફિલ્મમાં આમ તો કંઈ ખાસ કરવાનું ન હતું પણ ઇન્ટીમેટ સિન કરવા સહેલા તો નથી જ અને તેમા પણ જ્યારે બિપાશા બસુ સામે હોય! બિપાશા એક વખતે સેક્સ બૉમ્બ તરીકે પ્રખ્યાત થઈ હતી પણ જો અત્યારના સંજોગોમાં જુઓ તો જાડી સાથળ પરના ડાઘ મેકઅપથી પણ છૂપાવી શકાયા નથી. ઉમર અસર કરે જ છે અને હવે બિપાશાની મોટી ઉમર દેખાય જ આવે છે. આ બંનેને સાથ આપવા માટે મુખ્ય કલાકારમાં ઝાકીર હુશેન પણ છે. ૨૦૦૧ની ફિલ્મ ’દિશાયેંથી એક્ટીંગની શરૂઆત કરનાર ઝાકીર હુશેન આજ દિવસ સુધીમાં લગભગ ૫૦ ફિલ્મ્સ કરી ચૂક્યા છે. એક પછી એક એમના પર્ફૉર્મન્સ જુઓ તો તમારે તેની એકટીંગના વખાણ કરવા જ પડે. આવા અવ્વલ દરજ્જાના કલાકારને પણ આ ફિલ્મમાં એક્ટીંગ કરતા જોઇશો તો તમને થશે કે તે પોતાના પાત્ર સાથે જ સહમત નથી અને ધરાર કામ કરી રહ્યા છે. શુલભા આર્યા ઘરની નોકરાણી અને તેના દીકરાની વહુ તરીકે નીલીમા પ્રિયા સાચે જ પૂરી ફિલ્મમાં જો વખાણવા લાયક હોય તો એ બંનેનું એક્ટીંગ...



        ફિલ્મના સ્ક્રીનપ્લેની વાત કરીએ તો એટલો બધો સાયલન્ટ પાર્ટ રાખવામાં આવ્યો છે કે તમે ઘટના બનવાની રાહ જોતા કંટાળી જાઓ. શીર્ષક આનંદ અને શાંતનુ રે બે વ્યક્તિએ મળીને સ્ક્રીનપ્લે લખ્યો છે પણ અનેક ક્ષતિઓ સીધી જ સામે આવે છે. હોરર ફિલ્મના સ્ક્રીનપ્લેમાં સાયલન્ટ પાર્ટ હોય જ છે પણ આ શાંતિ વાળા પાર્ટમાં ઘણી બધી ઘટનાઓ બની જતી હોય છે. હોરરની એક બીજી ખૂબી પણ હોય છે કે તમને લાગે કે હાશ શાંતિ થઈ હવે કંઈ નહીં બને અને એકાએક કોઈ ભૂત સામે આવે ત્યારે દર્શકોને ઝટકો લાગે. અહીં એવું કરવાની કોશિશ કરી છે પણ સદંતર નિષ્ફળ કોશિશ. હોરર ફિલ્મમાં સૌથી મોટો રોલ હોય તો બૅકગ્રાઉન્ડ સ્કોરનો. બધે જ અપેક્ષા મુજબનો સ્કોર પણ વધારે બોર કરી જાય છે. અમર મોહીલેના બૅકગ્રાઉન્ડ સ્કોર માટેના પ્રયત્નો છે જ પણ જોઈએ તેવી અસર ઉપજાવી શક્યા નથી. શગુફ્તા રફીકના સંવાદો આ પહેલા પણ સાંભળ્યા છે પણ અહીં એક પણ ડાયલૉગ એવો નથી કે જેના માટે વાહ કહેવાનું મન થાય. હોરરની બીજી મઝા હોય છે સિનેમેટોગ્રાફીએ. પ્રકાશ કુટ્ટીની સિનેમેટોગ્રાફી એક પણ એવો કમાલ નથી આપી શકી જે જૂની ફિલ્મ્સમાં જોવા મળતો. હોરર ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ સામાન્ય કરતા અલગ જ હોય છે. કૅમેરા એવા એંગલથી પસાર થાય કે જોનારને ડર જ લાગે. ગીત અંકીત તીવારી, મીથુન અને જીત ગાંગુલીના કંપોઝ કરેલા છે. બહુ ખરાબ સોંગ્સ છે એમ ન કહી શકાય પણ જેટલા સારા છે એટલી સારી રીતે કૅમેરામાં ઝીલી શકાયા નથી....


        ફિલ્મની પોઝીટીવ વાત એ છે કે જો ફિલ્મનો રન ટાઇમ ટૂકો રાખી સ્ટોરી લાઈનને જ પકડી રાખવામાં આવી હોત તો વધુ બેટર થઈ શકત. ફિલ્મનો અંત આમ તો જે ફિલ્મના શોખીન હોય તેમના માટે પ્રીડીક્ટેબલ હશે પણ બીજા માટે નહીં. અંતને ખૂબ જ સારી રીતે રજૂ કરી શકાયો છે. હાં થોડો લંબાવવામાં આવ્યો છે અને ગળે ન ઊતરે એવો પણ છે કેમ કે એક તરફ તમે બે જન્મથી જોડાયેલ બાળકીઓનું ઓપરેશન દેખાડો છો અને બીજી તરફ લાશને ઘરમાં દેખાડો છો એ કેમ એ સમજી શકાયું નથી! મને એક પ્રશ્ન હંમેશા થાય છે કે હોરર ફિલ્મ હોય ત્યારે કેમ એક સાઇકીયાટ્રીસ્ટ મોડર્ન ભૂતમાં માનતો વ્યક્તિ આવતો જ હશે? કેમ પતિ કે પ્રેમી ભૂતમાં ન માનતો હોય એવો જ હોય? કેમ એકાદ પંડિત, પાદરી, પૂજારી, કે તાંત્રિક ભૂતને ભગાડવા આવતો જ હશે? કેમ ભગવાનથી ભૂત દૂર ભાગતું જ દેખાતું હશે? કેમ એક કૂતરો જે ભૂતને ઓળખીને ભસતો હશે? આવી એકસરખી વાતોથી દૂર નહીં થઈ શકતા હોય? તો પણ મને આશા છે કે ક્યારેક તો કોઈક રાઇટર આ બધી બાબતોની બહાર નીકળીને એક સારુ હોરર ફિલ્મ આપશે અને એજ આશામાં ફિલ્મને ૨ સ્ટાર આપવામાં આવે છે....




પેકઅપ:

૧૯૭૦ થી ૧૯૮૫ : સન્ની એટલે સુનીલ ગાવસ્કર
૧૯૮૫ થી ૨૦૧૦ : સન્ની એટલે સન્ની દેઓલ
૨૦૧૦ થી ૨૦૧૫ : સન્ની એટલે સન્ની લીયોની

"ત્રણેનું એક જ કામ છે પણ તમે તમારા વિચાર મુજબ અલગ પાડી શકો છો"

Friday, 9 January 2015

તેવર: આમ માણસોનું એન્ટર્ટેઇન્મેન્ટ







            સાઉથની ફિલ્મ્સ હિન્દી ફિલ્મ કરતા ચળીયાતી છે? આવો સવાલ કરવાને બદલે આપણે તો ફિલ્મને માત્ર ફિલ્મની નજરથી જોઈએ તો એટલું તો કહેવું જ પડે કે ફિલ્મ એન્ટર્ટેઇનીંગ તો હોય જ છે. એવા અનેક કારણો છે કે જેને લીધી સાઉથની ફિલ્મ્સની બોલીવુડ કોપી મારતું થયું છે.સાલ ૨૦૦૩માં ઓક્કડુ નામની તામિલ ફિલ્મ આવી જે બ્લોકબસ્ટર ફિલ્મ બની. આ ફિલ્મના હીરો મહેશ કુમાર અને હીરોઇન ભૂમિકા ચાવલા હતા. આ પછી તરત જ ૨૦૦૪ની સાલમાં તામીલમાં જ વિજય અને ત્રીષ્ના ક્રિષ્નને લઈને આ જ વિષય પર બીજી ફિલ્મ બની ’ગીલ્લી જે પણ ખૂબ સારી ચાલી. ૨૦૦૬ની સાલમાં પૂનીથ રાજ કુમાર અને અનુરાધા મહેતાને લઈને કન્નડ ભાષામાં ’અજય બની અને ૨૦૦૮ની સાલમાં જીતેન્દ્ર મદનાની અને બરસા પ્રિયદર્શનીને લઈને બંગાળી ભાષામાં ’જોર બનાવવામાં આવી એટલે આ રીતે જોઈએ તો આ ફિલ્મનું પાંચમું વર્ઝન કહી શકાય. આગલાં ચાર વર્ઝન જોયા પછી જ્યારે પાંચમું વર્ઝન તૈયાર કરો તો તમે સામાન્ય પ્રેક્ષકોનો ખ્યાલ રાખો જ અને એટલે જ આ ફિલ્મ ખરા અર્થમાં કહીએ તો એન્ટર્ટેઇન્મેન્ટ જ છે...


અમીત રવિન્દ્રનાથ શર્માનું આ પહેલું ફૂલ લેન્થ ફિલ્મ છે. આ પહેલા અમીતે ઘણી ટેલિવિઝન કોમર્સિયલ ડિરેક્ટ કરી છે પણ અમીતનો સાચો અનુભવ એનીમેશન અને વીએફએક્સમાં છે. અમીતે હોલીવુડની ઘણી ફિલ્મ માટે પણ વીએફએક્સ કર્યું છે.  એક ડિરેક્ટરને સારા સ્ટાર વાળુ પહેલું મૂવી જ ડિરેક્ટ કરવા મળે તો એથી સારા નસીબ કોને કહી શકાય? માત્ર એટલું જ નહીં પણ આખી ટીમ સરસ અને મજબૂત મળી છે એટલે અમીતનું ડિરેક્શન ખૂબ જ સારી રીતે ખીલી શક્યું છે. જો તમે ન જાણતા હો કે આ અમીતનું પહેલું ફિલ્મ છે તો તમે કહી જ ન શકો કે આ પહેલું ડિરેક્શન હશે અને આટલું સારુ ડિરેક્શન પહેલીવારમાં થઈ શકે. નાના નાના શોટ અને નાના પ્રસંગોનું જે રીતે ચિત્રાંકન થયું છે તે માટે અમીત શર્માના વખાણ કરવા જ પડે એમ છે. લોકોને મનોરંજન આપતા ડિરેક્ટર્સમાં અમીતનું નામ આ ફિલ્મથી ઉમેરાયું છે...


            નવેમ્બર ૨૦૧૩થી ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. સૌપ્રથમ અર્જૂન કપૂર અને સોનાક્ષી સિંહા સાઇન કરવામાં આવ્યા. ડિસેમ્બર અંતમાં મનોજ બાજપેયીનું નામ સામે આવ્યું અને એક પ્રેસ કોન્ફર્ન્સમાં તેણે જાહેર પણ કર્યું. જાન્યુઆરી ૨૦૧૪માં કાદર ખાન પણ આ ફિલ્મમાં કામ કરવાના છે એવું પ્રેસ આઉટ થયુ હતું પણ પાછળથી આ રોલ એટલે કે અર્જૂનના પિતાનો રોલ રાજ બબ્બરે કર્યો ને માતાનો રોલ દિપ્ત નવલે કર્યો. સુબ્રત દત્તાનું કકડી નામનું કૅરેક્ટર કર્યું છે. અર્જૂન કપૂરને તેની સ્ટાઇલનું કામ મળે એટલે ખૂલીને કામ આપે. મેં અસંખ્ય એક્ટર્સને સમય જતા એક્ટર બનતા જોય છે એમ જ અર્જૂન ઘડાતો જાય છે એમ છતા તેની ટીપીકલ સ્ટાઇલ છોડી તો નથી જ શકતો. અર્જૂન સામે સોનાક્ષી સિંહા છે. સોનાક્ષી ક્યારેક લક્કી તો ક્યારેક અનલક્કી સાબિત થતી આવી છે પણ મોટા ભાગના ફિલ્મ સર્જકોની ફેવરીટ તો રહી જ છે. આ ફિલ્મમાં સોનાક્ષી માટે બહુ જ સરળ રોલ હતો અને જે તેણે સરસ રીતે નિભાવ્યો છે. જો કમાલનું કામ કર્યું હોય તો મનોજ બાજપેયીએ. આમ જુઓ તો સોનાક્ષી સાથે લગ્નની ઇચ્છા ધરાવતો બાહુબલી તરીકે મનોજ બાજપેયી ખૂબ મોટો લાગે છે પણ એક્ટીંગથી તેણે બધું જ બૂરી દીધું છે. એક એક દ્ગશ્યમાં તેની અવળચંડાઈ દેખાય જ આવે છે. મનોજના મોટાભાઈના પાત્રમાં જો હું નામ ન ભૂલતો હોઉં તો રાજન શર્મા છે તે પણ પોતાના હિસ્સાનું કામ સરસ જ કરી ગયા છે. અર્જૂન કપૂરની બહેનનું પાત્ર ભજવતી છોકરીનું નામ જાણી શકાયું નથી પણ સાચે જ ખૂબ મઝા આવે એવો રોલ આ છોકરીએ નિભાવ્યો છે. પોતાના હિસ્સે નાનો રોલ હોવા છતા બધાનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે....


            ૨૧ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ ફિલ્મનું ઓફિસિયલ શૂટીંગ શરૂ થયું. મુંબઈ, મહાબળેશ્વર, આગ્રા, મથુરા, અને પાંધનપુરમાં અલગ અલગ લોકેશન નક્કી થયા. ફિલ્મના લોકેશન્સ ખૂબ જ બદલ્યા છે વળી ફિલ્મની વાત મુજબ બાહુબલી પ્રથા હોય ત્યારે યુપીનો માહોલ બતાવવો પણ એટલો જ જરૂરી હતો. આગ્રાની બજારો, મથુરાનો માહોલ બધું જ બતાવવાનું હતું અને એ પણ પૂરતા ઉપયોગ સાથે. દરેક લોકેશન્સનો પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમને ક્યાંય પણ સેટ જેવું નહીં લાગે એ ખૂબી છે....


               ફિલ્મના ઓરીજીનલ રાઇટર ગુણાશેખર પણ હિન્દી ફિલ્મ માટે શાંતનું શ્રીવાસ્તવે ડાયલૉગ લખ્યા છે. આમ જુઓ તો ચિલ્લા ચાલુ હોવા છતા અમુક સ્પાર્કીંગ સંવાદ પણ છે. સ્ક્રીનપ્લેની ક્રેડિટ અમીત શર્મા ને આપવામાં આવી છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે ખરેખર વખાણવા લાયક છે. એક દ્રશ્યથી બીજા દ્રશ્ય સુધી ખૂબ જ આરામથી દોરી જાય છે. ફિલ્મમાં એક પણ દ્રશ્ય ખોટી રીતે ઉમેરવામાં નથી આવ્યું. સ્ક્રીનપ્લેની ખૂબી એ હોય કે જેમાં કૌંસમાં રહેલી વાતો પણ લખવામાં આવે. જ્યારે ગોળીઓ છૂટી રહી છે ત્યારે કોઈનું ભાગવું, દરવાજો બંધ કરવો વગેરે વગેરે... સૌથી મોટી વાત છે સ્ક્રીનપ્લેમાં ગીતની ગોઠવણ. એક પણ ગીત તમને સ્ટોરીની બહાર લઈ જાય એ રીતે ઉમેરવામાં નથી આવ્યું. આ તમામ બાબતોનું ધ્યાન રાખી સ્ક્રીનપ્લે મજબૂત રાખવામાં સફળ રહ્યા છે....


                 સંજય કપૂર આમ તો ફિલ્મ પ્રોડ્યૂસ કરશે એવા સમાચાર હતા પણ ફિલ્મ બનતા બનતા બોની કપૂર, સંજય કપૂર, સુનીલ લુલ્લા, નરેશ અગ્રવાલ અને સુનીત માનચંદાના નામો પણ ઉમેરાય ગયા. ફિલ્મ માટે કરવામાં આવેલો ખર્ચ જોશો તો તમને પણ થશે કે હાં, આ ફિલ્મ માટે તો વધારે પ્રોડ્યૂસર્સ જોઈએ જ. ખાસ કરીને ગીત માટે જે રીતે સેટ, કોરિયોગ્રાફી, લાઇટીંગ્સનો ખર્ચ કરવામાં આવ્યો છે તે જોતા એમ લાગે છે કે કદાચ ફિલ્મનું ૨૫% બજેટ તો ગીતને શૂટ કરવામાં જ વપરાઈ ગયું હશે. સંગીતની ક્રેડિટ સાજીદ-વાજીદ અને ઇમરાન ખાન બંનેને આપવામાં આવી છે. ’મૈં તો સુપર મેન..’ અત્યારે જોરદાર ચાલી રહેલા ગીતોમાંનું એક બની ગયું છે. બૅકગ્રાઉન્ડ સ્કોર ક્લીન્ટન સેરજોનો છે જે અર્જૂન કપૂર તાજ પાસે બેઠો બેઠો દાળિયા ખાય તો તેનો અવાજ મૂકવાનું પણ ભૂલ્યા નથી. લક્ષ્મણ ઉતેકરની સિનેમેટોગ્રાફી છે. સિનેમેટોગ્રાફી લેવલે લક્ષ્મણનો અનુભવ શું છે એ ખબર નથી પણ અમુક શોટ જે રીતે બનાવ્યા છે એ જોતા લાગે છે કે ફિલ્મને ફિલ્મ બનાવવામાં લક્ષ્મણનો બહુ જ મોટો ફાળો છે. ફિલ્મને ઇરોઝ ઇન્ટરનેશનલ રીલીઝ કરી રહી છે અને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી ૩૦૦૦ સ્ક્રીન મળી છે એટલે ખર્ચની ચિંતા નહીં રહે...


               બસ એક જ વાત પર અફસોસ રહ્યો કે આગલી ચાર ફિલ્મ આ જ કૉન્સેપ્ટ પર બની હોવા છતા એન્ડ પર થોડી વધારે મહેનત ન કરવામાં આવી. હાં સાવ ચિલ્લા ચાલું એન્ડ નથી જ આપ્યો પણ આથી પણ વધારે સારી વાત લાવી શકાણી હોત. ફિલ્મ બધી જ રીતે એન્ટર્ટેઇનીંગ છે માટે ૩.૫ સ્ટાર તો ડીઝર્વ કરે જ છે...



પેકઅપ: 

"આ ફિલ્મ પાસે આત્મા છે. પ્રેમ છે, ઍક્શન છે, સારુ સંગીત છે. આ લોકોની લાગણીઓ પર ખરું ઉતરશે જ"-સોનાક્ષી સિંહા
"મને ખબર જ નહોતી કે આ ભૂતનું ફિલ્મ છે"-આલિયા ભટ્ટ