જો તમે ’લાઇફ ઑફ પાઇ; જોઈ હોય
અને બે મોઢે વખાણ કર્યા હોય તો પહેલાં એ વાતનો વિચાર કરવો પડે કે આ ફિલ્મ બનાવવા પાછળ
કેટલી મહેનત કરવામાં આવી હશે અને ફિલ્મ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો હશે? આ પહેલા
લખી ચૂક્યો છું છતા ફરી યાદ કરાવી દઉં કે ’લાઇફ ઑફ પાઇ’નું
બજેટ ૧૨૦ મીલીયન યુ.એસ. ડોલર હતું, એટલે કે ૭૨૦ કરોડ! પણ જો ભારતમાં વાઇલ્ડ લાઇફને
લઈને ફિલ્મ બનાવવી હોય અને એ પણ વળી લો બજેટ ત્યારે? ભારતમાં ફિલ્મ બનાવવી હોય ત્યારે
એનીમેશનનો અધધ ખર્ચ અને એનીમેશન પાછળ આપવો પડતો સમય ન જ હોય. હવે આવા સંજોગોમાં વીઝ્યુઅલ
સ્પેસીયલ ઇફેક્ટનો સહારો લઈને જ્યારે એક આગવું ક્રીએશન આવે તો એકવાર પ્રોડ્યૂસર ડિરેક્ટર
બંનેને સલામ કરવી જ પડે. ’રોર’ એટલે ખરા અર્થમાં ટેકનીકાલીટીની દહાડ છે...
ફિલ્મ કમલ સદાનાએ ડિરેક્ટ કરી છે. કમલ સદાના જો તમને યાદ હોય તો
૧૯૯૨માં કાજોલ સામે ’બેખૂદી’ ફિલ્મનો હીરો. આ પછી કમલે ’રંગ, ’બાલી ઉમર કો સલામ, ’રોક ડાન્સર,
’હમ સબ ચોર હૈ, ’હમ હૈ પ્રેમી, ’નિર્ણાયક, ’મહોબ્બત ઔર જંગ’ અને ’વિક્ટોરિયા નંબર ૨૦૩’ જેવા
ફિલ્મમાં એક્ટીંગ કરી પણ એક પણ ફિલ્મ જો હીટ રહી હોય તો તમારે સોગંદ ખાવાની છૂટ છે.
જો કે એક વાત ખૂબ જ અગત્યની છે કે આટલી આટલી ફ્લોપ ફિલ્મ હોય એટલે એ અનુભવ પૂરતો હોય
અને જાણતા જ હોય કે ફિલ્મ ડિરેક્ટ કરવી હોય તો એટલીસ્ટ હીટ સ્ટોરી, સારુ એક્ટીંગ, સરસ
સિનેમેટોગ્રાફી બધું જ સારુ જોઈએ નહિતર ડિરેક્શનમાં પણ ફ્લોપનું લેબલ લાગે! પણ કમલ
સદાના જ્યારે પહેલું ડિરેક્શન કરે છે ત્યારે એના માટે એટલું તો કહેવું જ પડે કે વાહ
સાચે જ ખૂબ સરસ ડિરેક્શન કર્યું...
અગાઉ વાત થઈ એમ ફિલ્મને એનીમેટ કરવાને બદલે વિ.એફ.એક્સ.નો ઉપયોગ
થયો છે. વી.એફ.એક્સ. એટલે કોઈ પણ શૂટ ગ્રીન સ્ક્રીન અથવા બ્લ્યૂ સ્ક્રીન રાખીને ફિલ્મ
શૂટ કરવામાં આવે. આ ગ્રીન સ્ક્રીન એડીટીંગ દરમિયાન દૂર કરી દેવામાં આવે અને તેના પર
જે શૂટ કરવામાં આવ્યું હોય તેને લાગતાં વળગતાં દ્ગશ્ય સાથે જોડી દેવામાં આવે. આ ઉપરાંત
વિ.એફ.એક્સ.થી પાત્રને કલર પણ કરી શકાય. અહીં પણ એ રીતે જ કરવામાં આવ્યું છે. લોસ એન્જેલેસ
અને થાઇલેન્ડના ટ્રેઇન્ડ ટાયગર્સને લઈને ગ્રીન/બ્લ્યૂ સ્ક્રીન પર શૂટ કરવામાં આવ્યું
છે. આ પ્રાણીઓના શૂટમાં જ લગભગ ૪ મહીના ગયા હતા. જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં
સુધી મુઝમીલ નાસીર અને કમલ સદાના બંનેએ મળીને ફિલ્મ એડીટ કરી છે. એટલી સરસ રીતે ફિલ્મને
સુંદરવન સાથે મિલાવવામાં આવી છે કે તમારે ફિલ્મના એડીટીંગના વખાણ કરવા જ પડે...
જંગલના વિષય પર જો ફિલ્મ બનાવવી હોય તો સિનેમેટોગ્રાફી સારી જોઈએ.
કમલે સિનેમેટોગ્રાફીમાં કોઈ કૉમ્પ્રોમાઇઝ ન કરતા લોસ એંજેલસના સિનેમેટોગ્રાફર માઇકલ
વોટસનને ડી.ઓ.પી. તરીકે લેવામાં આવ્યા છે. માઇકલ વોટસન એટલે ’ધ ક્યુરીયસ કેસ ઑફ બેંજામીન
બટન’ના સિનેમેટોગ્રાફર. ફિલ્મના એક પણ દ્ગશ્યમાં તમને એવું નહીં લાગે કે રીપીટ થતા
દ્ગશ્યો છે. અમુક દ્ગશ્યોમાં તો એવો કમાલ છે કે તમારે આફરીન કહેવું જ પડશે. જ્યારે
ઑબ્જેક્ટ ગતીમાં હોય ત્યારે ફિલ્મમાં આઉટ ઑફ ફોક્સ દ્ગશ્ય જાય જ પણ માઇકલની સિનેમેટોગ્રાફી
એટલી સરસ રહી કે સતત સુપર સ્પીડ દ્ગશ્યો હોવા છતા એક પણ દ્ગશ્ય આઉટ ઑફ ફોકસ નથી ગયું...
ફિલ્મનો આધાર ફિલ્મની વાર્તા પર હોય છે. ફિલ્મની વાર્તા કમલ સદાના
અને ફિલ્મના પ્રોડ્યૂસર અબીસ રીઝવીએ લખી છે. વાર્તા એક મીનીટ માટે પણ એક સ્થળે રોકાતી
નથી. જ્યારે મૂવીની વાર્તાની વાત આવે ત્યારે એક ખૂબી હોવી જ જોઈએ કે સતત પ્રસંગો બનતા
રહેવા જોઈએ તો જ પ્રેક્ષકો જકડાઈને રહી શકે. ’રોર’ની ખૂબી એ છે કે ફિલ્મ શરૂ થાય
ત્યારથી જ ફિલ્મમાં સતત પ્રસંગો બનતા રહે છે. ફિલ્મ દર્શકોને શ્વાસ લેવાનો મોકો પણ
નથી આપતી. ટાઇટ સ્ક્રીનપ્લેના સારા ઉદાહરણમાં ફિલ્મને મૂકવી પડે એમ છે જ. ક્યાંક ફિલ્મી
લિબર્ટી લેવામાં આવી છે પણ ઓવરઓલ તો વાર્તા, ડાયલૉગ, સ્ક્રીનપ્લે સારા જ કહેવા પડે.
ફિલ્મના પ્રમોશન માટે એક ગીત તૈયાર કરવામાં આવ્યું છે પણ ફિલ્મની અંદર એક પણ ગીત રાખવામાં
નથી આવ્યું. બૅકગ્રાઉન્ડ સ્કોર અદભૂત છે. જ્યાં સુધી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી ભારત
બહાર બૅકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરવામાં આવ્યો છે અને જહોન સ્ટીવર્ટ મ્યુઝિક ડિરેક્ટર
છે...
કોઈ ખાસ જાણીતા ચહેરા ન કહી શકાય તો પણ દરેક આર્ટિસ્ટ પોતાનું યોગ્ય
યોગદાન આપે જ છે. ફિલ્મનું લીડ કૅરેક્ટર એટલે પંડિતનું કૅરેક્ટર અભિનવ શૂક્લાને સોંપવામાં
આવ્યું છે. અભિનવ ઘણા ટેલિવિઝન શો કરી ચૂક્યો છે. અભિનવની આ પહેલી ફિલ્મ છે પણ સારી
રીતે પોતાનું પાત્ર નિભાવી શક્યો છે. અભિનવ સામે ઝુમ્પા નામના કૅરેક્ટર તરીકે હીમર્ષા
વેંકટસામી છે. હીમર્ષા આ પહેલા ’આઇ હેટ લવ સ્ટોરી’માં નાના પાત્રમાં જોવા મળી હતી.
ફોરેસ્ટ ઓફીસરના પાત્રમાં અંચિત કૌર છે. અંચિતની કેરિયરની શરૂઆત ૧૯૯૪માં ઝી ટીવીની
સિરિયલ ’બનેગી અપની બાત’થી થઈ હતી. અંચિત ઘણી ટીવી સિરિયલ ઉપરાંત ’ગુઝારીશ, ’હીરોઇન
’ટુ સ્ટેટ, ’કોર્પોરેટ’ જેવી ઘણી બધી જાણીતી ફિલ્મ્સમાં જોવા મળી હશે. આ ઉપરાંત ભીરા
તરીકે સુબ્રત દત્તા છે. સુબ્રત સૌથી સારી એક્ટીંગ ફિલ્મમાં બતાવી શક્યો છે. સીજે તરીકે
નોરા ફતેહી, કશ્મીરી તરીકે આદિલ ચહલ, ચીના તરીકે વિરેન્દ્રસિંહ ઘુમાન, સુફી તરીકે અરુણ
ચૌધરી અને મધુ તરીકે પ્રણય દીક્ષિત છે. એક પણ પાત્ર પોતાની રીતે નબળું નથી. હાં જો
સૌથી નબળું પાત્ર લાગતું હોય તો હીરોઇન હીમર્ષા છતા બીજાના સારા કામ પાછળ એ ઢંકાઈ જાય
છે...
ફિલ્મનો રન ટાઇમ માત્ર ૧૨૩ મીનીટનો છે પણ આ ૧૨૩મીનીટની અંદર ઘણી
બધી ઘટનાઓ બની જાય છે. ફિલ્મની વાર્તા સુંદરવનના ટાયગર્સની આસપાસ છે. એક વાઇલ્ડ લાઇફ
ફોટોગ્રાફર ફાંસલામાં ફસાયેલા વાઘના બચ્ચાને બચાવે છે અને પોતાના ઘેર લઈ આવે છે. બચ્ચાની
શોધમાં વાઘણ તેને મારી નાખે છે. પોતાના ભાઈની લાશની શોધમાં આવેલ પંડિત જ્યારે વાઘથી
મરેલા લોકોની વિધવાઓને જુએ છે ત્યારે બદલો લેવાનું નક્કી કરે છે. વાઘના શિકાર માટે
પોતાના મિત્રોને સુંદરવન બોલાવે છે. બસ અહીંથી શરૂ થયેલી વાર્તા સતત ભાગતી રહે છે અને
દર્શકોને પણ ભગાવતી રહે છે. વિ.એફ.એક્સ.થી સુંદરવનાના દ્ગશ્યો સાથે મેચ થયેલા વાઘ જોવાની
મઝા જ કંઈ ઓર છે...
આજે સરમન જોષી અને રેખાની ’સુપર નાની’ ફિલ્મ
પણ રીલીઝ થઈ છે. ’રોર’ કરતા ઘણા સારા શો અને થિયેટર ’સુપર નાની’ને મળ્યા
છે પણ મારી દ્રષ્ટિએ જો ખર્ચ કરવો હોય તો ’રોર’ જ જોવાય કેમ કે ઘણા સમયે નવા આર્ટિસ્ટ સાથે
રાખીને વફાદારી પૂર્વક બનાવાયેલું ફિલ્મ છે. જો કંજૂસાઈ કરીને આપો તો પણ ’રોર’ને ૪
સ્ટાર આપવા જ પડે એમ છે....
પેકઅપ:
"ફરાહ ખાનના હસબન્ડ શિરિશ
કુંદરને શાહરૂખ ખાને થપ્પડ મારી હતી.. કદાચ એટલે જ શાહરૂખને ’હેપ્પી ન્યુ ઇયર’માં
લઈને ફરાહે બદલો લીધો હશે..."
Liked :)
ReplyDelete