નાના બજેટના ફિલ્મ તરીકે ફરી
એક અઠવાડિયું આવ્યું. આ વાર પણ રજૂ થતી ચાર ફિલ્મ્સ માંથી કઈ જોવી એ નક્કી કરતા પહેલા
ચારે ફિલ્મ્સનો અભ્યાસ કર્યો. આજે રજૂ થનારી ફિલ્મ નંબર એક એટલે ’જિગરિયા’. આ
ફિલ્મની વાર્તા લગભગ બે વર્ષ પહેલા શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપરાને સંભળાવવામાં આવી
હતી અને સાંભળવાની સાથે જ ઘસીને ના પાડી દીધી હતી પણ વિનોદ બચ્ચનને પોતાની વાર્તા પર
ગર્વ હતો એટલે બીજા એક લેખક અપ્રતિમ ખરેની મદદ લઈ ફરી પ્રયત્નો કર્યા અને છેલ્લે ડિરેક્ટર
રાજ પુરોહિતે પણ સુધારો કર્યો છતા કોઈ મોટા સ્ટાર ન મળતા નવા હીરો-હીરોઇનને લઈને ફિલ્મ
બનાવી પણ સાંજ સુધીના રિપોર્ટ મુજબ માત્ર એક જ સ્ટાર રીવ્યુમાં જોવા મળ્યો છે! બીજા
નંબરની ફિલ્મ એટલે ’સ્પાર્ક’. નાના બજેટની ફિલ્મ હોવા છતા ફિલ્મ વિદેશ અને દેશમાં ઘણા લોકેશન
પર શૂટ કરવામાં આવી હતી. રાજન દુગ્ગલ અને સુભાશ્રી ગાંગુલી સાથે ગોવિંદ નામદેવ જેવા
કલાકારો હોવાથી લાલચના લિસ્ટમાં હતી પણ મન માંડી વાળ્યું. ત્રીજી ફિલ્મ એટલે ’’ઇક્કીસ
તોપો કી સલામી’. કૉમેડી
ક્યારેય સહેલો વિષય નથી. અનુપમ ખેર, નેહા ધુપીયા, દિવ્યેંદુ શર્મા જેવા કલાકાર હોવા
છતા જ્યારે ફિલ્મનો થીમ જાણ્યો કે પપ્પાને મરતા પહેલા એવી ઇચ્છા હતી કે તેમનું નામ
મોટું થાય. દીકરા જીવતા તો કંઈ કરી ન શક્યા પણ પપ્પાના મૃત્યુ માટે એકવીસ તોપની સલામીની
તૈયારી સાથે ગોટાળા સર્જતી ફિલ્મ. આ ઉપરાંત ડિરેક્ટર રવિન્દ્ર ગૌતમ વિષે પણ વધારે ખ્યાલ
નહોતો એટલે છેલ્લે ’તમંચે-પ્યાર મેં દિલ પે માર દે ગોલી’ જોઈ.
વાત તમંચાની લાગે પણ સરસ લવ સ્ટોરી અને કોઈ ખોટા ફેન ફતુર વગરની ફિલ્મ દિલને વિંધશે
નહીં પણ ગોળી તો મારે જ છે....
ફિલ્મ બનાવવા માટે સૌથી વધુ કોઈ જરૂરિયાત હોય તો સારી વાર્તાની અને
વાર્તા પછી તેના સ્ક્રીનપ્લેની. ’તમંચે’ વાર્તા આમ તો લવ સ્ટોરી જ છે પણ અત્યાર સુધી
ખૂબ સામાન્ય રીતે ચાલતી લવ સ્ટોરી હોય પણ અહીં આ લવ સ્ટોરીના પાત્રો જ વિચિત્ર રીતના
રાખવામાં આવ્યા છે જે પાત્રાલેખન જ વખાણવા લાયક છે. ફિલ્મ લખાય ત્યારે લેખકને એક ખાસ
સૂચના આપવામાં આવે છે કે મુખ્ય પાત્રોનું પાત્રાલેખન સચોટ કરવું. આ ફિલ્મના લેખક શૈલેશ
પ્રતાપ સિંઘે ત્રણ મુખ્ય પાત્રોને ખૂબ જ સરસ રીતે લખ્યા હશે માટે ફિલ્મમાં જોવા ગમે
છે. વાર્તાને કોઈ જ અતિશયોક્તિ નથી આપવામાં આવી. દરેક પ્રસંગ લગભગ પ્રીડીક્ટ થશે પણ
જે રીતે પ્રીડીક્ટ થાય છે એ જ રીતે ફિલ્મને દર્શકો સુધી સરળતાથી પહોંચાડી શકાયું છે...
ફિલ્મના પ્રોડ્યૂસર ડિરેક્ટર સૂર્યવિર સિંઘ બુલરની આ પહેલી ફિલ્મ
છે પણ કોઈ રીતે પહેલું ડિરેક્શન લાગતું નથી. ફિલ્મની નાની નાની ઘટનાઓથી લઈને ઉત્કંઠા
સુધીના તમામ દ્ગશ્યોને એમણે જાણે બારીકાઈથી સમજ્યા હોય અને એ રીતે જ ડિરેક્ટ કર્યા
હોય એવું લાગે છે. ફિલ્મ જે રીતે લખાયું છે એ રીતે જ રજૂ કરી શકાયું હોય તો તેનો પૂરો
યશ ડિરેક્ટરને જ આપવો પડે. હાં ફિલ્મની શરૂઆતમાં ડિરેક્શન જરા નબળું લાગશે અને સાવ
સામાન્ય ફિલ્મ જઈ રહી છે એવું પણ લાગશે પણ કદાચ એ જ ફિલ્મની ડિમાન્ડ હતી એ ફિલ્મ આગળ
જતા ખબર પડશે. કોઈ એક્સ્ટ્રા ઓર્ડીનરી વસ્તુ નથી કાઢી શક્યા પણ એટ લીસ્ટ ડિરેક્ટરની
મહેનત તો દેખાય જ આવે છે. ફિલ્મને બહુ જ ઓછા લોકેશન સાથે આગળ વધારવામાં આવી છે અને
વળી રીચા શર્માને બાદ કરતા કોઈ પણ જાણીતા ચહેરા ફિલ્મમાં લેવામાં નથી આવ્યા છતા સારી
રીતે ફિલ્મ આગળ વધારી શકાણી છે. ફિલ્મનું સંગીત ક્રષ્ણનું છે, સાંભળવું પણ ગમે એવું છે. દાની લોપેઝની સિનેમેટોગ્રાફી
ડિરેક્ટરની જરૂરિયાતો પૂરી કરવા સમર્થ રહી છે. ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર પ્રિતેશ મહેતાનો
છે જે ઘણી વાર ખૂંચે છે, આ પર વધારે સારુ કામ થઈ શક્યું હોત....
જો ફિલ્મમાં રીચા ચડ્ઢાની વાત કરીએ તો રીચા માટે જાણે કોઈ પણ પાત્ર
સહેલું હોય એવું લાગે છે. એક ડ્રગ સપ્લાય કરતી છોકરી એટલે એક પણ એંગલથી તમને કોઈ સંસ્કારી
છોકરી જ ન લાગે. હાં ડાયલોગના રીપીટેશન હોવા છતા પોતાના પાત્ર માટે રીચાની મહેનત સીધી
જ નજર સામે આવે છે. રીચાની એક્ટીંગના અનેક સ્પાર્ક તમને ઠેકઠેકાણે જોવા મળશે. કોઈ પણ
હીરોઇન બેડ સિન્સ આપતી વખતે આર્ટિફીશયલ છે એવું દેખાય આવતું હોય છે પણ રીચા સાચે જ
એક્સાઇટેડ હોય એવું ફીલ કરાવે છે. રીચાના આ પહેલાના મૂવીઝ એટલે કે ’ગેંગ્સ ઑફ વસેપુર’, ’ફૂકરે’ જોયા
પછી આ ફિલ્મ જુઓ તો તમને લાગશે કે આ છોકરી ઘણી આગળ વધશે. રીચાના પ્રેમીની ભૂમિકામાં
નીખીલ દ્વિવેદી ફિલ્મમાં સૌથી નબળો કલાકાર દેખાય છે. નીખીલે આ પહેલા કરેલી ફિલ્મ્સ
જેવી કે ’માય નેઇમ ઇઝ એન્થોની ગોન્સાલ્વીસ’, ’ખલીબલી’, ’રાવણ’, ’શોર
ઇન સીટી’, ’ક્રેકર્સ’ અને
’હેટ સ્ટોરી’ માંથી
એક પણ ફિલ્મમાં વખાણવા લાયક એક્ટીંગ જોવા નથી મળી. આ ફિલ્મમાં પોતાની જાતને એસ્ટાબ્લીસ
કરવાનો તેની પાસે પૂરો મોકો હતો પણ ચૂકી ગયો. ફિલ્મમાં જો નીખીલના સ્થાને કોઈ બીજો
કલાકાર હોત તો વધારે સારી રીતે ફિલ્મ માણી શકાયું હોત. ફિલ્મમાં બાજી મારી જાય છે દમનદીપ
સિંઘ. ફિલ્મના મુખ્ય વિલનનું પાત્ર ભજવતા દમનદીપને આ પહેલા એક શૉર્ટ ફિલ્મ ’વોટ અ પગ’માં
જોયો હતો. દમનદીપ શરીરથી નહીં પણ આંખો, ચહેરા અને ઇમોશન બધાથી આ ફિલ્મમાં એક્ટીંગ કરે
છે. દમનદીપને આગળ ઉપર સારા પાત્રો ભજવવા માટે આ ફિલ્મ પ્લેટફોર્મ સાબિત થશે....
ફિલ્મની સૌથી વખાણવા લાયક વાત હોય તો ક્યાંય પણ વાસ્તવિકતાથી દૂર
નથી કરવામાં આવ્યું. હીરોની વિલન સાથે ફાઇટ થાય તો વિલનના હાથે માર ખાય જ છે અને જેવો
પાઇપ હાથમાં આવે છે એટલે વિલનને મારે છે. રીચાનો ડર હોવા છતા એક સ્ત્રીની અંદર રહેલી
ભાવના શું હોય એ બતાવવામાં જ આવ્યું છે. ક્યાંય પણ પ્રેમ મેળવવા માટે કોઈ વાત છુપાવવામાં
નથી આવી બધું જ સત્ય હોવા છતા પ્રેમ આગળ વધારવામાં આવ્યો છે. લૂંટ જેવો કિસ્સો હોય
તો પણ રીચા-નીખીલને એકાંતનો લાભ ઉઠાવતા બતાવવામાં આવ્યા છે અને જે તમને ધરાર બતાવવામાં
આવ્યું છે એવું ફીલ નહીં જ થવા દે. નાના નાના રોલ ભજવતા લોકો પાસે પણ પાત્રની જરૂરિયાત
મુજબ જ કામ લેવામાં આવ્યું છે. કોઈ આડંબર વગર અંત પણ જેવો હોવો જોઈએ એમ જ આપ્યો છે.
પોલીસ પોતાની રીત મુજબ જ કામ કરે છે અને જ્યાં કરપ્શન પણ છે તો પોતાના કામ પ્રત્યેની
જવાબદારી પણ છે. ફિલ્મ નાના બજેટની હોવાથી અને પૂરતા પ્રમોશનની વ્યવસ્થા ન હોવાથી ફિલ્મ
સફળ થશે કે નહીં એ ખબર નહીં પણ ઓછા ખર્ચે સારી ફિલ્મ કેમ બની શકે એ માટે આ ૪ સ્ટાર
ડીઝર્વ કરતી ફિલ્મ જોવી જ જોઈએ. મોટા બજેટની ફિલ્મ્સ પાસે ૫૦૦૦ સ્ક્રીન હોય છે જ્યારે
’તમંચે’ પાસે
માત્ર ૮૦૦ સ્ક્રીન જ છે એ આપણી ઇન્ડસ્ટ્રીની કમનસીબી છે...
પેકઅપ:
નેહા ધૂપિયા "મારે મોદી
સાહેબને કહેવું છે કે જ્યાં સુધી પુરુષો સ્ત્રીઓ પ્રત્યે ખરાબ દ્ગષ્ટિ રાખશે ત્યાં
સુધી સ્વચ્છ ભારત ક્યાંથી થશે?"
એક વિનંતી નેહાજી તમે પણ થોડા
વધારે કપડા પહેરીને સ્વચ્છતામાં સહાય આપોને...
No comments:
Post a Comment