Friday, 17 October 2014

મુંબઈ ૧૨૫કી.મી.: ફરી એક ખરાબ હોરર






           "ડર સબ કો લગતા હૈ.." આ સત્યોક્તિ પરથી જ ફિલ્મના હોરર ઝોનરની શરૂઆત થઈ હશે! ડર લાગે તો જ ડર વહેંચાય પણ જો તમે ડરો નહીં તો? ભારતમાં બનતી હોરર ફિલ્મનો વાંધો જ એ છે કે ફિલ્મમાં ડરાવવાના પ્રયત્નો તો કરવામાં આવે પણ ફિલ્મ ડરાવવામાં નિષ્ફળ જ રહે છે. હોરર ઝોનરમાં ઘણા દિગ્દર્શકો પ્રયત્ન કરી ચૂક્યા છે પણ કોઈ ને કોઈ રીતે અસફળ જ રહ્યા છે.જો ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર સારો હોય તો સ્ટોરી ખરાબ હોય, લોકેશન સારુ હોય તો સિનેમેટોગ્રાફી ખરાબ હોય, વી.એફ.એક્સ. સારુ હોય તો વાર્તા દમ વગરની હોય. દર્શકો બચારા એટલું માનીને તો જાય જ છે કે હોરર ફિલ્મ છે એટલે ખાસ લોજિક ઉમેરવું નહીં અને માત્ર મનોરંજનની દ્ગષ્ટિથી જ ફિલ્મ જોવું તો પણ ફિલ્મની બહાર નીકળીને કહો કે "યાર આ ફિલ્મના ભૂતમાં ખાસ દમ ન હતો", તો તમારે સમજી જ લેવું કે આપણે ફરી એક ખરાબ હોરર ફિલ્મ જોઈને બહાર નીકળ્યા.....


        હેમંત મધુકરનું હિન્દીમાં આ બીજુ ફિલ્મ છે. આ પહેલા તેમણે ૨૦૧૦માં ’અ ફ્લેટ ડિરેક્ટ કર્યું હતું. સંજય સુરી અને જીમ્મી શેરગીલ જેવા કલાકારો હોવા છતા ફિલ્મ ચાલ્યું ન હતું. આમ તો હેમંત સાઉથની ઘણી ફિલ્મ્સમાં આસિસ્ટન્ટશીપ કરી ચૂક્યા છે એટલે અનુભવની ખામી છે એમ તો ન જ કહેવાય. ૨૦૧૧માં તેમણે ’વાસ્ત દુના રાજા સાઉથની મૂવી ડિરેક્ટ કરી હતી અને આ ઉપરાંત આમ જુઓ તો હેમંત ફિલ્મી ફેમિલી માંથી જ આવે છે. હેમંતના પિતા કે.બાલુરાઉ પણ ડિરેક્ટર જ હતા. આ ફિલ્મ માટે તેમણે સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે પણ ફિલ્મના અમુક સ્ટોક ફૂટેજ લેતા ભૂલી ગયા હશે એટલે તમને વારંવાર એક ને એક દ્ગશ્ય રીપીટ થતું જોવા મળશે. હેમંતને બજેટની મર્યાદા પણ નડી જ હશે એટલે બહુ જ ટૂંકા અને ગોર્જીયસ નહીં એવા લોકેશન શોધ્યા હશે. હોરર માટે જરૂરી એવા ઘણા કૉમ્પ્રોમાઇઝ ફિલ્મમાં સીધા જ દેખાય આવે છે. આશા રાખીએ કે આવતી ફિલ્મમાં તેમને મની શર્માની જગ્યા પર કોઈ વધુ રૂપિયા વાળો પ્રોડ્યૂસર મળે....


        ફિલ્મ થ્રીડી છે અને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી ટુ યુનિટ કૅમેરાથી શૂટ કરવામાં આવી છે. થ્રીડી ફિલ્મને શૂટ કરવાની મેથડ વિશે આ પહેલા વાત કરી ચૂક્યો છું છતા થોડી ટેકનિકલ વાત ફરી કરી દઉં. થ્રીડી ફિલ્મ બે લેન્સ વાળા કૅમેરાથી શૂટ કરવામાં આવે છે. એક જ દ્ગશ્ય બે અલગ એંગલથી શૂટ થયું હોય ત્યારે થ્રીડી બને. આ માટે મુખ્ય બે ટેક્નોલૉજી છે એક થ્રીડી તૈયાર કૅમેરા વાપરવા અથવા એક સર્ટેઇન એંગલ પર બે કૅમેરા ગોઠવી ફિલ્મ શૂટ કરવું. તૈયાર થ્રીડી કૅમેરાના ભાડા ખૂબ મોંઘા હોય છે એટલે બીજી રીત સસ્તા બજેટ માટે વાપરવામાં આવે છે. હવે જ્યારે બે કૅમેરાથી શૂટ કરવાનું હોય ત્યારે સમય ખૂબ બગડે છે માતે થ્રીડી ફિલ્મ સાદી ફિલ્મ કરતા વધારે સમય લે છે. આ કારણોથી જ ફિલ્મના કલાકારોની પસંદગી કરવામાં આવી હશે કે જે વધારે સમય આપી શકે. ફિલ્મનું લીડ કરણ બોહરાને સોંપવામાં આવ્યું. કરણવિર ટેલિવિઝનની દુનિયામાં મોટું નામ. ૧૯૯૯માં કરણની પહેલી સિરિયલ હતી ’જસ્ટ મહોબ્બત આ પછી તેણે ઘણી સિરિયલ્સમાં કામ કર્યું. હાલ તેની ’કબુલ હૈ સિરિયલ ચાલુ જ છે. કરણે ૧૯૯૦માં ’તેજા એઝ તેજાનામની હિન્દી ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. યુવાન થયા પછી નાના રોલમાં ૨૦૦૮માં ’કિસ્મત કનેક્શનમાં જોવા મળ્યો હતો. ૨૦૧૩માં તેની ફિલ્મ ’લવ યુ સોનિયે આવી પણ ચાલી નહીં....

                                   
        ભૂતની તરીકે ઝહીદા મલ્લીક એટલે કે વિણા મલ્લીક છે. મૂળ પાકિસ્તાની પણ ભારતમાં કામ કરવા માટે ઝહીદાએ વિણા નામ સ્વીકાર્યું. જો તમે ન જાણતા હો તો કહી દઉં કે હિન્દી સિનેમા સાથે વિણા છેલ્લા ૧૪ વર્ષથી જોડાયેલ છે. ૨૦૦૦માં તેની પહેલી ફિલ્મ હતી ’તેરે પ્યાર મેં. વિણાને કટકે કટકે ફિલ્મ્સ મળતી જ રહી છે જેમ કે ૨૦૦૨માં ’યહ દિલ આપકા હુઆ, ૨૦૦૫માં ’મહોબ્બતેં સચ્ચાઇ, ૨૦૦૭માં ’કોઈ તુજસા કહાં, ૨૦૦૮માં ’કભી પ્યાર ના કરના, ૨૦૦૮માં જ ’ઇશ્ક બેપરવાહ ઉપરાંત ઘણી પણ ફિલ્મ સારી કે ખરાબનું મૂલ્યાંકન કરીએ તો ખરાબ અને ફ્લોપ ફિલ્મ્સ જ તેના હિસ્સે આવી છે. મોટા ભાગના લોકો વિણાને અંગપ્રદર્શન માટે જ પોતાની ફિલ્મમાં લે છે. વિણાના ઘણા કલેક્શન નેટ પર અવેલેબલ છે ત્યારે હવે લોકો શું વધારે જુએ? ફિલ્મની હીરોઇન તરીકે મારી મિત્ર વેદિતા પ્રતાપ સિંઘ છે. વેદિતા ફિલ્મમાં ખાસ સફળ નથી રહી પણ મોડેલ તરીકે રેમ્પ વોક કરતી ઘણા ફેશન શોમાં જોવા મળી જ હશે. વેદિતાની સારી ફિલ્મ કહેવી હોય તો ’ભીન્ડી બજાર ઇન્કોર્પોરેશન. આ ઉપરાંત વીજે ભાટિયા, જોય ડેબરોય, રાજીવ આનંદ અને અપર્ણા બાજપેયી છે. અપર્ણાનું એક્ટીંગ લીડ વેદિતા કરતા પણ સારુ રહ્યું....


        ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર એટલે કે મણી શર્મા પ્રોડ્યૂસર પણ છે. હોરર ફિલ્મનો હીરો એટલે બૅકગ્રાઉન્ડ સ્કોર અને પ્રોડ્યૂસર પોતે આપે છે છતા યોગ્ય આપી શક્યા નથી. હોરર ફિલ્મનો બીજો હીરો એટલે સિનેમેટોગ્રાફર. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી મનોજ શોની છે. લાઇટ એન્ડ શેડોવના બૅનર નીચે ફિલ્મ પ્રોડ્યૂસ કરવામાં આવી છે. ફિલ્મનું જમાં પાંસુ એટલું જ કે વાર્તાને લોજિક સાથે જોડવાની કોશિશ કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા એટલે સાવ સામાન્ય જેમ જ આગળ વધે છે. પુનાથી ૩૧મી ડિસેમ્બરના રોજ પાર્ટી કરવા માટે ૫ મિત્રો નીકળે છે. જંગલનો રસ્તો જ જોઈએ તો જ ઘટનાઓ બની શકે એમ જંગલનો જ રસ્તો છે. અચાનક જ મુંમઈ ૧૨૫ કી.મી.ના એક વળાંક પાસે ગાડીનો એક્સીડન્ટ થાય છે. બસ આ પછી અહીંથી ઘટનાઓ બનવાની શરૂ થાય છે. સામાન્ય રીતે ફિલ્મમાં એવું બતાવવામાં આવે કે આત્મા સાથે આ સ્થળે કંઈક થયું હોય અને આત્મા બદલો લેતી હોય પણ અહીં લોજિક સરસ આપવામાં આવ્યું છે કે કાર જ્યારે એક્સીડન્ટ કરે છે ત્યારે જ એક કપલ અને તેની નાની બાળકી મૃત્યુ પામે છે. આ સમયે જ સ્ત્રીની આત્મા બાળકને હાથમાં લઈને ઊભી થાય છે અને બદલો લેવાનું શરૂ કરે છે. એક પછી એક મિત્રના મોત થતા જાય છે. ક્યા કારણોસર આત્મા આવું કરી રહી છે એ અંતે જ ખબર પડે એ માટે વેદિતાને હોસ્પિટલમાં બતાવીને ફિલ્મ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આ સ્ત્રીની આત્મા આમ કેમ કરે એ લોજિકને સત્ય પાડવા માટે બાળક થતાની સાથે બાળક માટે જીવતા જ તેને સાયકો બતાવી દેવામાં આવી છે. ફિલ્મના અંતમાં હીરોઇનને જીવતી રાખવામાં કે પછી આત્માને ભગાવી દેવાનો કોઈ પ્રયાસ નથી થયો કે નથી કોઈ બાવા, સાધુ, પાદરી લેવામાં આવ્યા. ફિલ્મ નબળું તો છે જ પણ પ્રયાસ સારો છે. ઓવરઓલ ૨ સ્ટારથી વધારે આપી ન શકાય પણ લોજિક માટે એક અડધો સ્ટાર વધારે આપુ છું તો કુલ ૨.૫ સ્ટાર....



પેકઅપ:

સરવિન ચોપરાનું ’કામસૂત્ર (૩D) છેલ્લા ચાર વર્ષથી બની રહ્યું છે. જેના પર સરવિનની એક સરસ કૉમેન્ટ "જો આટલાં વર્ષો મેં કામસૂત્ર બૂક લખી હોત તો પણ લખાઈ જાત"

No comments:

Post a Comment