Friday, 7 November 2014

રંગ રસિયા: રંગ વગરની રંગત








         ઐતિહાસિક ફિલ્મની વાત કંઈ ઓર જ હોય. વાર્તાને જે સમયની વાત હોય તે સમય, લોકેશન, ડ્રેસિંગ બધો જ અભ્યાસ કરવો પડે અને એમાં જરા પણ ક્ષતિ રહે તો તરત જ લોકો આંગળી ચીંધે કે અરે ત્યાં મોબાઇલનો ટાવર દેખાતો હતો, ત્યાં દિવાલમાં દેખાતી એડ તો હમણાંની કંપનીની હતી, ત્યારે ક્યાં આ કાર હતી? આવી તો અનેક બાબતો ડિરેક્ટરને જ ખરાબ ચીતરે. જો કે એક વાત કહી દઉં કે સાચે એમાં ડિરેક્ટરનો વાંક ન હોય પણ આર્ટ ડિરેક્ટર ક્યાંક ચૂકી ગયો કહેવાય. કેતન મહેતાના ડિરેક્શનમાં છેલ્લી ફિલ્મ ’મંગલ પાંડે-ધ રિટર્ન ૨૦૦૫માં આવી હતી અને જોગાનુંજોગ એ પણ ૧૯મી સદીની વાર્તા હતી અને ’રંગ રસિયાની વાર્તા પણ ૧૯મી સદીની છે. વાત રંગોની છે, કલાની છે, પ્રેમની છે, ધર્મની છે કેમ કે ફિલ્મની વાર્તા વિશ્વની અજીબ કહી શકાય એવી વ્યક્તિ રાજા રવિ વર્માની છે. એ રાજા રવિ વર્મા કે જેનું એક પેન્ટિંગ પણ તમારી પાસે હોય તો તમારે આ જન્મ તો કમાવવાની જરૂર ન રહે. મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા એટલે જ રંગ પણ ફિલ્મની વાત કરીએ તો આવા સરસ વ્યક્તિની ફિલ્મ રંગ વગરની રમત લાગી......


        કેતન મહેતાના ડિરેક્શનની વાત આવે એટલે જાતને ફિલ્મ જોતી રોકવી એ મારા માટે મુશ્કેલ જ હોય. કેતન મહેતા્ના ડિરેક્શન કેરિયરની શરૂઆત ઉપેન્દ્ર ત્રિવેદી અને અનુરાધા પટેલ અભિનીત ’ભવની ભાવાયથી થઈ. ૧૯૮૦માં આવેલી આ ફિલ્મ આજે પણ ગુજરાતી ફિલ્મના ગ્રેટ સર્જનમાં ગણાય છે. ફિલ્મને નેશનલ એવૉર્ડ પણ મળેલો. આ પછી તેમની બીજી ફિલ્મ હતી ’હોલી. તમને જણાવી દઉં કે આ ફિલ્મ આમિર ખાનની પહેલી ફિલ્મ હતી નહીં કે ’કયામત સે કયામત તક. આ પછીની તેમની દરેક ફિલ્મ જેવી કે ’મિર્ચ મસાલા, ’હીરો હીરાલાલ, ’માયા મેમસાબ, ’સરદાર, ’ઓહ ડાર્લિંગ યહ હૈ ઇન્ડિયા, ’આર યા પાર, ’મંગલ પાંડે-ધ રાઇઝ સુધીની કોઈ પણ જુઓ તો ક્યાંય પણ ખાંચો ન કાઢી શકાય. એક પણ ફિલ્મ એવૉર્ડથી વંચિત પણ નથી રહી. ૨૦૦૫ પછી ઘણા લાંબા સમયે તેમની ફિલ્મ આવી એટલે ખુશી હતી પણ સાચે જ બાયો ઇપીક બનાવવા માટે તેઓ સહેજ ટૂંકા પડ્યા હોય એવું લાગે છે....


        સુગંધાના પાત્રમાં કેતન મેહતાની પહેલી પસંદ જ નંદના સેન હતી. નંદના સેન એટલે ભારત રત્ન અને નોબલ લિટરેચર એવૉર્ડ વિનર અમાર્ત્ય સેન અને પદ્મશ્રી વિજેતા નબનીતા દેવ સેનની પુત્રી. આમ તો નંદના ૧૯૯૭થી ફિલ્મ્સ કરે છે પણ ઑફ બીટ ફિલ્મ્સમાં જ વધારે જોવા મળી છે. પોતાની કેરિયરમાં નંદનાએ એક ઇટાલિયન અને ઘણી ઇંગ્લિશ ફિલ્મ્સ કરી છે. હિન્દી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે પણ જાણીતી ન હોય એવી. જો જાણીતી કહી શકાય તેવી તેની ફિલ્મ ગણવી હોય તો ’બ્લેક ગણી શકાય. કેતન મહેતાના મતે સુગંધાના તમામ ભાવ એકમાત્ર તે લાવી શકે એમ હતી. નંદના માટે આ પાત્ર ભજવવા ઘરને મનાવવું મુશ્કેલ હતું કેમ કે જે રીતે ફિલ્મમાં સુગંધાને દેવી બતાવવામાં આવી છે એ રીતે જ અપ્સરા બનીને નગ્નતા પણ બતાવવામાં આવી છે તો પણ નંદનાના કહેવા મુજબ ઉર્વષી પાત્રમાં તેણે બતાવેલું શરીર એટલી કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે કે તેને ભજવતી વખતે જરા પણ સંકોચ થયો ન હતો...


        રાજા રવિ વર્માના પાત્રમાં રણદીપ હુડા છે. કેતન મહેતાએ રણદીપનું સિલેક્શન તેની બે ફિલ્મ્સ ’રિશ્ક અને ’ડી જોઈને કર્યું. મને આશ્ચર્ય એ વાતનું છે કે રણદીપની સૌથી ખરાબ કહી શકાય તેવી બે ફિલ્મ પરથી જો પાત્ર નક્કી કરવામાં આવ્યું હોય તો પછી ફિલ્મમાં પણ પાત્ર નબળું જ લાગે ને! કોઈ પણ એંગલથી રણદીપ રાજા રવિ વર્મા લાગતો નથી. કલાકારના ભાવ કેવા હોય, વર્તન કેવું હોય, રહેણી કરણી કેવી હોય એ બધું જ જુઓ તો આમાંથી એક પણ ભાવ રણદીપમાં જોવા મળતો નથી. આખી ફિલ્મમાં રણદીપને રાજા રવિ વર્મા તરીકે જોવાની કોશિશ કરી પણ કોઈ પણ રીતે ગળે ન ઊતર્યો તે ન જ ઊતર્યો...


        ગૌરવ દ્વિવેદીને રવિ વર્માના ભાઈ રાજ વર્મા તરીકે લેવામાં આવ્યા છે. પોતાના પાત્રને ખૂબ સારી રીતે ભજવવામાં એ સફળ રહ્યો છે. ફિલ્મમાં વકીલની ભૂમિકામાં વિક્રમ ગોખલે છે પણ તેમણે થોડા ડાયલૉગ ફેંકવાથી વિશેષ કંઈ કરવાનું નથી. ચિંતામણીના પાત્રમાં સૌથી શ્રેષ્ઠ કામ દર્શન ઝરીવાલા કરી ગયા છે. દર્શનભાઈની ખૂબી એ છે કે તેઓ પાત્રને આત્મસાત્ કરી શકે છે. ખૂબ થોડું કામ હોવા છતા ફિલ્મમાં જે ડ્રામા ઊભો થાય છે એ માત્ર તેઓ જ કરી શક્યા છે. પાચન નામના નોકર તરીકે વિપિન શર્મા જેવા કલાકારને વેડફવામાં આવ્યા છે. ગોવર્ધન શેઠ તરીકે પરેશ રાવલ છે. પરેશભાઈ પણ જાણે કામ આટોપવાની ઉતાવળમાં હોય એવું લાગ્યું. દિવાનના પાત્રમાં સચિન ખેડેકર છે. પોતાનું કામ યોગ્ય કર્યું છે પણ પાત્રા લેખન નબળું થયું છે. એક અછૂત છોકરી તરીકે કામિનીના પાત્રમાં ત્રીપઠા પરાસરનું કાસ્ટિંગ એક એડ જોઈને થયું છે. જો કે કામિની જેવી સુંદરતા નથી પણ ચાલે. ફેરિયાના વઝૈર રવિ વર્માની મિત્ર ફેનીના પાત્રમાં છે. આ છોકરી માટે ભવિષ્યમાં ઊજળી તક દેખાય છે. જર્મન એક્ટર અને રવિ વર્માનો મિત્ર જીમ બોવેન ખૂબ જ સારુ પાત્ર ભજવી ગયો છે. મારી હમણાં ડિરેક્ટ કરેલી ફિલ્મ ’સાથિયો ચાલ્યો ખોડલધામમાં ચિરાગ મહેતાએ એક પાત્ર માટે ડાંગમાં અવાજ આપ્યો હતો. ચિરાગ આ પહેલા ઘણી એડમાં જોવા મળ્યો છે પણ ફિલ્મમાં તેને પૂરતું ફૂટેજ મળ્યું નથી. આ ફિલ્મમાં ચિરાગને દાદા સાહેબ ફાળકાનો રોલ આપી સરસ ફૂટેજ આપવામાં આવ્યું છે. ચિરાગ માટે આ ફિલ્મ ખરી શરૂઆત કહેવાય....


        બાયો ઇપીક બનાવવા માટે ભારતીય ફિલ્મ સર્જકોએ ઘણી આવી અંગ્રેજી ફિલ્મ્સ જોવી ઘટે કેમ કે બાયો ઇપીક હંમેશા કંટાળાજનક જ હોય પણ જો આ પ્રકારની ફિલ્મને કોઈ બચાવી શકે તો ફિલ્મનો સ્ક્રીનપ્લે. ખૂબ જ સારી કોશિશ કરવા છતા સ્ક્રીનપ્લેની નબળાઈ અને પ્રસંગોનો અભાવ ખૂંચે જ છે. ફિલ્મ લખવામાં કેતન મહેતા અને સંજીવ દત્તા આ બાબતે ફેઇલ ગયા છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અનીલ મહેતાની છે. અનીલ પૂરતા અનુભવી સિનેમેટોગ્રાફર છે છતાં મોડર્ન શોટ ફિલ્મને પિરિયોડીકલ બનાવતી રોકે છે. મને જો ખાસ ઘટતી બાબત લાગી હોય તો જેમ અંગ્રેજી ફિલ્મ જ્યારે કોઈ એક ખાસ સમયની બતાવવામાં આવે છે ત્યારે આખી ફિલ્મને એક અનોખો રંગ આપવામાં આવે છે. આ થીમ કલરથી ફિલ્મ વધું સુંદર લાગે છે અને દર્શકોને જૂના સમયની ફિલ્મ જોઈ રહ્યા છે એવો અહેસાસ કરાવે છે. જરૂરી નથી કે તેમાં ઇસ્ટમેન કલર કે બ્લેક એન્ડ વાઇટ કલર જ કરો પણ એક થીમ કલર તો હોવો જ જોઈએ. વધું સારી ફિલ્મ બની શકી હોત પણ ક્યાંક ઘણું તો ક્યાંક થોડું ખૂટે જ છે. કેતન મહેતા પ્રત્યેના પ્રેમને હિસાબે હું ફિલ્મને ૨.૫ સ્ટાર આપુ છું.....





પેકઅપ:

"ફરાહ, ’હેપી ન્યુ ઇયરની ટીકીટ બધાને મફત આપો અને બહાર નીકળવાના રૂપિયા માંગો. ફિલ્મ કરતા આપણને તેમાં વધારે રૂપિયા મળશે"-શાહરૂખ ખાન

No comments:

Post a Comment