લગભગ ત્રણ અઠવાડિયાના લાંબા સમય
પછી આજે ફિલ્મ જોવા જવાનું થયું અને એ પણ જ્યારે પ્રભુ દેવાનું ડિરેક્શન હોય ત્યારે
એક આશા તો રાખી જ શકાય કે ગમે તેમ હશે ફિલ્મમાં મનોરંજન તો હશે જ. આથી પણ વધારે જ્યારે
અજય દેવગણ હીરો છે ફાઇટ્સ પણ કમાલની હશે! પણ આવા કમાલની કલ્પના સાથે ફિલ્મ જોવા ગયો
ત્યારે રીવ્યુ ન લખવાનો હોત તો ગઈ કાલનો થાક ઉતારવા ઊંઘ ખેંચી જ લેત પણ જાગીને આખુ
ફિલ્મ સહન કરવું જ પડ્યું. ફિલ્મની લેન્થ પણ ૧૪૪.૩૫ મીનીટ એટલે આદર્શ રીતે વિચારો તો
માણસ બે કલાકની ઊંઘ ખેંચી લે તો ઘણો આરામ મળી રહે. તમે જો સરસ નીંદર કરવા માગતા હો
અને ૧૭૦ રૂપિયા ખર્ચવા માંગતા હો તો નીંદર કરવા માટે એકદમ યોગ્ય ફિલ્મ છે....
ફિલ્મની શરૂઆત જોતા તમને ફિલ્મમાં દમ હશે એવો ભાસ ઊભો થશે પણ જેવી
સોનાક્ષી સિંહાની એન્ટ્રી થશે કે તરત જ ફિલ્મ આખરે શું બતાવવા માગે છે એ પ્રશ્ન ઉપસ્થિત
થશે. તમે ઇન્ટરવલ સુધી સતત એ આશામાં રહેશો કે ફિલ્મમાં હવે ચોક્કસ કંઈક બનાવ બનશે પણ
તમારી એ આશા છેક ઇન્ટરવલમાં પૂરી થશે જ્યારે એક અજય દેવગણ તમારાથી સહન નહીં થતો હોય
અને અચાનક જ બીજો અજય દેવગણ તમારી સામે આવશે પણ તમારે એ પ્રશ્ન નહીં જ કરવાનો કે ઇન્ટરવલ
સુધી જે સમય ગયો એનું શું? ઇન્ટરવલ પછી બીજા અજય દેવગણ આવશે અને તે પોતાની સ્ટોરી કહેવા
લાગશે એટલે બીજી લવ સ્ટોરીમાં તમે લગભગ અંત સુધી પહોંચી ગયા હશો એટલે છેલ્લી ૧૫ કે
૨૦ મીનીટ તો ટાઇટલ જ્યારે ’ઍક્શન જેકશન’ રાખ્યું હોય ત્યારે એકશનને આપવી જોઈએ કે
નહીં? હાં તો ઈમાનદારી પૂર્વક આ છેલ્લી ૨૦ મીનીટ આપી ફિલ્મમાં ઍક્શન ઉમેરવાની કોશિશ
કરવામાં આવી છે પણ આખી ફાઇટ જેમ અગાઉ ઘણી ફિલ્મ્સમાં તમે જોઈ ચૂક્યા હશો એમ જ ચાલે
છે....
સિરાઝ અહેમદ, એ.સી. મુઘલ અને ખુદ પ્રભુ દેવા એમ ત્રણ વ્યક્તિએ મળીને
ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો છે ત્યારે મને એક વિચાર આવે છે કે ત્રણ માંથી એક પણને એવો
વિચાર નહીં આવ્યો હોય કે ફિલ્મ પાસે એક કે બે પ્રસંગો જ છે તો જ્યારે એન્ટરટેઇન્મેન્ટની
દુનિયામાં જ પ્રવેશતા હોઈએ તો પછી સ્ટોરી એ પ્રકારની હોવી જોઈએ. જ્યારે કોમર્સિયલ ફિલ્મ
બનાવવામાં આવે ત્યારે એક ખાસ વાત ધ્યાનમાં લેવામાં આવે છે કે જ્યાં લોજિકને સાઇડ પર
મૂકીને ફિલ્મને માણી શકાય તેવી જ બનાવવી. જેમ કે ફિલ્મમાં ફાઇટ દરમિયાનમાં બંદૂક હોવા
છતા તલવાર વાપરવામાં આવે તો હીરોને એ હક્ક હોય, ગમે તેટલી દિશા માંથી ગોળીઓ છૂટતી હોય
તો પણ હીરોને એક પણ ગોળી ના લાગે એ પણ માની લઈએ, ગમે તેટલી ગોળી હીરોને લાગે પણ હીરોને
કંઈ ન થાય એ પણ માની જ લઈએ પણ લોકોને એક વાત તો જોઈએ જ કે ફિલ્મમાં વાર્તા તત્વ તો
હોવું જ જોઈએ. માત્ર કૉમેડીના એક બે પ્રસંગો મૂકી દો અને ભવ્ય લાગે એવી બે ત્રણ ફાઇટ્સ
મૂકી દો એટલે ફિલ્મ જોરદાર બને જ એવું શક્ય નથી. પ્રભુ દેવા એન્ટરટેઇન્મેન્ટના તો માસ્ટર
ગણાય છે. સાઉથની સાથે સાથે તેમણે હિન્દી ઇન્ડસ્ટ્રી પર પણ પોતાનો કમાલ દેખાડ્યો જ છે.
આમ જોઈએ તો રોહિત શેટ્ટી અને પ્રભુ દેવા એવા બે જ ડિરેક્ટર્સ છે જે લોકોને ખરા અર્થમાં
મનોરંજન પૂરુ પાડે છે...
મુગુર સુંદરના પુત્ર એટલે પ્રભુ દેવા. મુગુર સુંદર પણ સાઉથની ફિલ્મના
કોરિયોગ્રાફર જ હતા. પ્રભુ દેવાના ડાન્સ ડિરેક્શનમાં પહેલું ફિલ્મ ૧૯૮૯માં ’વેત્રી
વિઝ્હા’. તમની
ફિલ્મ ડિરેક્શનની સફર શરૂ થઈ હતી છેક ૨૦૦૫માં અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમનું
પહેલું ડિરેક્ટેડ મૂવી હતું ’વોન્ટેડ’. આ ફિલ્મ પછી લોકો સ્વીકારવા લાગ્યા કે એન્ટરટેઇન્મેન્ટ
હી બીકતા હૈ. ’રાવડી રાઠોર’ પછી તો લોકોને લાગવા માંડ્યું કે પ્રભુ દેવાની ફિલ્મ મનોરંજક
જ હોય પણ એ પછીની તેમની બે ફિલ્મ એટલે કે ’આર. રાજકુમાર’ અને
’રમૈયા વસ્તાવૈયા’ જોઈને લાગ્યું કે જો હવે સિલેક્ટેડ મૂવી નહીં કરે તો લોકો
જેમ સાજીદ ખાન, ફરાહ ખાનથી ભાગે છે એમ જ ભાગતા થઈ જશે. કદાચ આ ફિલ્મ પણ આવી ખરાબ ફિલ્મમાં
થયેલો એક વધારો જ સાબિત થશે....
ફિલ્મમાં આમ તો સાઉથની ઘણી ફિલ્મ કરી ચૂકેલા આનંદ રાજને મુખ્ય વિલન
તરીકે લેવામાં આવ્યા છે પણ ખરી વિલનની ભૂમિકા મનસ્વી મંગઈની છે. આનંદ રાજની બહેનની
ભૂમિકામાં છોકરીએ ઘણી મહેનત કરી છે એ દેખાય આવે છે પણ એમ છતા નબળી આર્ટિસ્ટ લાગે જ
છે. મનસ્વી ૧૪ વર્ષની ઉમરથી ડાન્સીંગ ક્ષેત્રે નામ ધરાવે છે. ડાન્સ માટેના ઘણા એવોર્ડ્સ
મનસ્વીને મળ્યા છે. આ ઉપરાંત મનસ્વી ઇલાઇટ મોડેલ મૅનેજમેન્ટ ઇન્ડિયા તરફથી ઇલાઇટ મોડેલ
લૂક એવૉર્ડ પણ જીતી ચૂકી છે અને ૨૦૧૦માં ફેમીના મીસ ઇન્ડિયા પણ રહી ચૂકી છે. ડાન્સીંગને
હિસાબે પ્રભુ દેવા સાથે ખાસ પરિચિત હોવાથી આ ફિલ્મમાં તેને રોલ ઑફર થયો અને તેણે સ્વીકારી
પણ લીધો. ફિલ્મને ન્યાય આપવા માટે મનસ્વીએ અંગ પ્રદર્શનમાં પણ છોછ નથી રાખ્યો તો પણ
મનસ્વીનું આ પહેલું ફિલ્મ છે એ દેખાય જ આવે છે. સોનાક્ષી સિંહા માટે તો એટલું જ કહેવું
પડે કે હવે તે બહુ જલ્દી સાઉથની ફિલ્મ્સ તરફ વળી જશે એવું લાગે છે કેમ કે શરીર દરેક
ફિલ્મ વખતે વધુ અને વધુ મજબૂત બનતું જાય છે. અજય દેવગણની સારી ઇનિંગ પછી તે પણ કોમર્સિયલ
થઈ ગયો છે પણ એક ગેરફાયદો એ થયો કે ’હિમ્મતવાલા’ જેવી ફિલ્મ પણ સાઇન કરતો થઈ
ગયો. લોકોની નજરમાં વસવા ઘણો સમય લાગે છે પણ ઊતરતા ખાસ નહીં. અજયને આ વાત વહેલી સમજાય
તો સારુ. યામી ગૌતમ માટે કોઈ સ્કોપ જ નહોતો એટલે બસ હાજરી પૂરતી જ નોંધ લેવાણી છે.
પુરુ રાજકુમાર એક નાનકડી ભૂમિકામાં છે. પુરુની એન્ટ્રી એવી રીતે લેવામાં આવી છે કે
આ રોલ કદાચ મહત્વનો હશે પણ ખાસ રોલ નથી....
હ્રિમેશ રેશમિયા પણ બીજી ઇનિંગમાં સારા મ્યુઝિકની ઝલક આપી ચૂક્યો
છે પણ આ ફિલ્મ માટે જાણે મહેનત વગર જે હાથમાં આવે એ પીરસી દીધું છે. આખી ફિલ્મમાં એક
પણ સોંગ એવું નથી કે જે કર્ણપ્રિય હોય અને લાંબુ આયુષ્ય ધરાવતું હોય. ફિલ્મમાં એમ થાય
કે હવે કંઈક જામશે ત્યારે જ ગીત આવી જાય અને તમને સરસ રીતે ડીસ્ટર્બ કરી જાય. ગીતો
ન હોય તો ફિલ્મની લેંથ પણ ટૂંકી રાખી શકાણી હોત અને થોડું તો એન્જોય કરી શકાય એવું
બની શક્યું હોત. ફિલ્મની સિનેમેટોગ્રાફી ખૂબ જ સારી છે અને લોકેશન સરસ છે. ટેક્નોલૉજીની
દ્રષ્ટિએ ફિલ્મ સારી બનાવવાની કોશિશ થઈ છે પણ અન્ય નબળાઈને લીધે ફિલ્મ માણવા લાયક નથી
જ. સ્ટારની વાત કરીએ તો ફિલ્મ ૧.૫ સ્ટારથી વધારે ડીઝર્વ નથી કરતી....
પેકઅપ:
"જો તમારો મોબાઇલ સ્વિચ
ઑફ હોય અને તો પણ રીંગ વાગે તો ઉપાડી સીધું જ કહેવું ’બોલો રજનીકાંત સર શું કામ હતું?"
No comments:
Post a Comment