Friday, 29 August 2014

બે યાર: ગુજરાતી ફિલ્મનો નવો યુગ






      મારો પણ એક જમાનો હતો કોણ માનશે? ગુજરાતી ફિલ્મ જે રીતે ખાડે જઈ રહી છે ત્યારે આપણી પાસે ગુજરાતી ફિલ્મના ઇતિહાસના વખાણ કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ ક્યાં છે? એક સમય એ પણ હતો જ્યારે ગુજરાતી ફિલ્મ રીલીઝ થતી ત્યારે હિન્દી ફિલ્મની રીલીઝ પણ પાછળ લઈ જતા હતા. જે જૂના સમયના લોકો હશે એમની પાસે જૂની કોઈ ફિલ્મની વાત કરો તો જોયેલ ફિલ્મ જ નીકળે! પણ સમયનું ચક્ર ફરતું રહે છે જે વિકાસ સાથે વિનાશ પણ લાવે જ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા એવા લોકો આવવા લાગ્યા અને ગુજરાતી ફિલ્મ માટે સૌથી હલકો કહી શકાય એવો શબ્દપ્રયોગ વપરાવવા લાગ્યો કે ગુજરાતી ફિલ્મ એટલે ગામ, ગરબો અને ગોકીરો. જ્યારે કોઈ પણ સિરિયલ ગુજરાતી બૅકગ્રાઉન્ડ વગર ન ચાલતી હોય ત્યારે એમ તો કહી જ ન શકાય કે ગુજરાતી ફિલ્મ પ્રત્યે દર્શકોને લગાવ નથી રહ્યો કેમ કે ગુજરાતી વાતો લોકોને ગમે જ છે પણ હાં એટલું કહી જ શકાય કે ગુજરાતી ફિલ્મ બનાવવા વાળા લોકોએ જ ગુજરાતી ફિલ્મ પ્રત્યે સૂગ ઊભું કરી દીધું છે. થોડા સમયથી પ્રયત્ન તો થતો થયો જ છે એટલે કદાચ અભિષેકનો ’બે યારનો પ્રયત્ન ગુજરાતી ફિલ્મનો નવો યુગ શરૂ કરે તો નવાઈ નહીં...


        અભિષેક જૈન મારો મિત્ર છે. અભિષેક વ્હીસલીંગ વુડ્સ સાથે જોડાયેલ રહ્યો છે એટલે પ્રોફેશનલ ફિલ્મ કેમ બને એટલું તો જાણે જ છે અને વળી અનુભવ માણસને ઘડે છે એ મુજબ ’કેવી રીતે જઈશના અનુભવ પછી જ્યારે બીજી ગુજરાતી ફિલ્મ બનાવે ત્યારે આગલી ફિલ્મમાં રહેલી ક્ષતિઓ દૂર થાય જ. અભિની પહેલી ફિલ્મ ’કેવી રીતે જઈશ જોવા ગયો અને મેં રીવ્યુ લખ્યો ત્યારે ટાઇટલ હતું ’કેવી રીતે જઈશ: ગુજરાતી ફિલ્મ બનાવવાનું પેશન પણ ત્યારે મેં અભિના ડિરેક્શનને ગુજરાતી ફિલ્મ સાથે જ સરખાવ્યું હતું અને એટલાં માટે ગમ્યું હતું કે ગુજરાતી ફિલ્મની સરખામણીમાં ફિલ્મ સાચે જ વખાણવા લાયક હતું. બહુ સાચા શબ્દોમાં કહું તો અભિના બીજા ફિલ્મના ડિરેક્શનમાં પણ એ આશા રાખીને જ ગયો હતો કે ફિલ્મ અન્ય ગુજરાતી ફિલ્મ્સ કરતા સારી હશે પણ ફિલ્મ જોઈને હું કહું છું કે ’બે યાર ગુજરાતી ફિલ્મ સાથે કંપેર કરવાને બદલે હિન્દી ફિલ્મ સાથે કંપેર કરીને જોવા જેવી છે. ફિલ્મમાં માત્ર ગુજરાતી સંવાદો છે બાકી ફિલ્મ હિન્દી જ છે. ટેકનિકલ લેવલ પર એક પણ એંગલથી ફિલ્મ ગુજરાતી નથી જ. ડિરેક્શનની વાત કરીએ તો દિવાલ પર મુક્કો માર્યા પછીના શોટમાં હાથ પર લોહી દેખાવું જોઈએ તો દેખાય જ છે. એક પણ જગ્યા પર ડિરેક્શનનો વાંક કાઢવો અઘરો છે. અભિષેકને કહેવું જ જોઇએ કે થેંક યુ અભિ ગુજરાતની જનતાને એક સારી ગુજરાતી ફિલ્મ આપવા માટે...


        એક્ટીંગની વાત કરીએ તો એક્ટીંગના મહારથીઓ ભર્યાં છે ત્યારે બહુ કંઈ કહેવું ન પડે પણ આ ફિલ્મમાં તો મારા ઘણા સારા મિત્રો જોડાયેલા છે એટલે લખવાની ઇચ્છા રોકી શકાતી નથી. વાત શરૂ કરીએ દર્શન ઝરીવાલાથી. દર્શનભાઈ સાથે મારે વર્ષોથી મિત્રતા છે. મેં એક ફિલ્મમાં ખાસ રોલ માટે દર્શનભાઈને વાત કરી તો એમણે મિત્રતા સાઇડ પર મૂકીને મને સ્પષ્ટ ના પાડી કે મને ફિલ્મની વાર્તા પસંદ નથી તો હું કામ નહીં કરું. દર્શનભાઈ એટલે એવા કલાકાર જેના વખાણ થાય એટલાં ઓછા. પિતાની ભૂમિકામાં સંવેદનથી લઈને સમજ સુધીના દ્ગશ્યોમાં એક તો એવું દ્ગશ્ય બતાવો કે જ્યાં એમના એક્ટીંગમાં ઘટતું મળે! એકાદ બે દ્ગશ્યો માટે તો ઝૂકીને સલામ કરવાની ઇચ્છા થાય. મારા બીજા મિત્ર મનોજ જોશી જે વર્ષોથી ગુજરાતી બનીને હિન્દી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતને એક નામ અપાવી રહ્યાં છે. ફિલ્મમાં નેગેટિવ ભૂમિકામાં જે રીતે ક્નવીન્સ્ડ એક્ટીંગ છે એ માટે કંઈ જ લખી શકાય એમ નથી! મારા અંગત મિત્ર જય વસાવડાએ પણ આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા ભજવી છે. જયને હજુ પણ વધારે જોવાની ઇચ્છા હતી પણ ખૂબ જ નાનો રોલ રહ્યો. મને વર્ષો પહેલાની વાત યાદ આવે છે કે જયને ધરાર એગ્રી કરીને પહેલીવાર સ્ટેજ પર મેં એક્ટીંગ કરાવી હતી અને સેલ્યુટ ટુ જય કે જે આજે પણ એ વાત જાહેરમાં કહે છે! દિવ્યાંગ ઠક્કરનું આ અભિષેક સાથેનું બીજુ મૂવી છે. ક્યાંક થોડો નબળો દેખાય છે પણ ઓવરઓલ રેટીંગ કરીએ તો સારું જ કહેવું પડે. ખાસ કરીને જ્યારે ફ્રેંચ બોલતા આર્ટિસ્ટ પાસે ગુજરાતી મિક્સ ઇન્ગલીશમાં વ્યથા ઠાલવતી વખતે કરેલું એક્ટીંગ. તપનની ભૂમિકામાં પ્રતીક ગાંધીનું પણ દિવ્યાંગ જેવું જ રહ્યું. અમુક જગ્યા પર ઓવર એક્ટીંગ લાગી પણ તો પણ ખૂબ જ બેલેન્સ કહી શકાય એવી ઓવર એક્ટીંગ.  એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી બોલતો કેવિન દવે હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણે જોવા મળ્યો છે પણ કોણ જાણે અહીં બીજાના એક્ટીંગની સરખામણીએ સૌથી નબળું એક્ટીંગ લાગ્યું. પ્રબોધ ગુપ્તાના પાત્રમાં અમીત મિસ્ત્રી કમાલની એક્ટીંગ કરી ગયો છે. અમીત જાણે આ પાત્ર માટે જ સર્જાયેલ હોય એટલી સારી રીતે એક્ટીંગ કરી શક્યો છે. ડ્રેસિંગ, ભાષા, પ્રેઝેન્ટેશન બધી જ વાતમાં અમીતને પૂરા માર્ક મળે છે. ફિલ્મ શરૂ થયું ત્યારે સુપ્રિયા પાઠક નક્કી થયેલા પણ છેલ્લી ઘડીના ફેરફારમાં ન આવ્યા નહિતર ફિલ્મમાં વધારાનો એક સ્ટાર ઉમેરાત. ફિલ્મમાં હીરોઇન કહેવી કે નહીં એ ખબર નથી પણ સામવેદના થોડું કામ હોવા છતા ન્યાય આપી શકી છે. મારા મિત્ર આશિષ કક્કડને ડૉક્ટરના પાત્રમાં જોઈને પણ આનંદ થયો....


        ખૂબ જ સફળ ફિલ્મ ’ઓહ માય ગોડના રાઇટર ભાવેશ માંડલિયા આ ફિલ્મના કો-રાઇટર છે. નીરેન ભટ્ટે ગીતો ઉપરાંત સ્ટોરી પણ લખી છે. ફિલ્મનું મ્યુઝિક સચિન-જીગરે આપ્યું છે. ફિલ્મને ગીતોથી ડીસ્ટર્બ કરવાને બદલે ફિલ્મમાં ફિલ્મને ગીતો આગળ વધારવાનું કામ કરે છે. મ્યુઝિક કર્ણપ્રિય છે. હિન્દી ફિલ્મના ગીતો સાથે કંપેર કરો તો પણ નમતું તો નથી જ. ફિલ્મનો રન ટાઇમ ૧૫૫ મીનીટનો છે. અત્યારના જમાનામાં જ્યારે ફિલ્મ્સનો રનટાઇમ ૧૨૦ મીનીટથી ન વધે એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય ત્યારે ફિલ્મ ૧૫૫ મીનીટના રન ટાઇમ સાથે રીલીઝ કરવી એ પણ એક હિંમતની વાત છે! જો કે એક વાત બહુ જ સરસ રહી કે આ ૧૫૫ મીનીટ માંથી કદાચ જ તમને ૧૦ મીનીટ એવી લાગે કે જે ફિલ્મની જરૂરિયાત ન હતી બાકી બધો જ સમય એક પૈસા વસૂલ ફિલ્મનો છે. 

        મલ્ટીપ્લેક્ષની એક જ્યાદતી હું પણ તાજેતરમાં મારા ફિલ્મ માટે સહન કરી ચૂક્યો છું જે આ ફિલ્મ માટે પણ લાગુ પડે છે. ટૅક્સ ફ્રી ફિલ્મ હોવા છતાં પણ ૧૫૦ રૂપિયા ટીકીટ! આટલાં રૂપિયા ખર્ચીને ગુજરાતી ફિલ્મ જોવા કોણ જાય એવો ગુજરાતીઓને વિચાર આવે પણ હું જો અંગત રીતે કહું તો ખરાબ હિન્દી ફિલ્મ્સમાં મન ફાવે તેમ રૂપિયા નાખવા કરતા એક ગુજરાતી ફિલ્મ માટે આથી પણ વધારે રૂપિયા આપવા પડે તો પૈસા વસૂલ જ છે.


        ફિલ્મને સ્ટાર આપવાની વાત હોય અને જો હું ગુજરાતી ફિલ્મ તરીકે જોઉં તો ૫ માંથી ૫ સ્ટાર આપું પણ આ ફિલ્મને હું હિન્દી ફિલ્મ તરીકે જ જોઉં છું ત્યારે હું ૪ સ્ટાર આપું છું. જો તમે ગુજરાતી હો તો એકવાર આ ફિલ્મ જોજો અને કહેજો કે ગુજરાતી ફિલ્મ પણ સારી બની જ શકે....



પેકઅપ:
"અનુષ્કા એ જ્યારે વિરાટ કોહલીને કહ્યું કે હનીમૂન માટે ઇંગ્લૅન્ડ જવું છે ત્યારે કોહલીએ સ્પષ્ટ ના કહી કેમ કે તેં ત્યાં પરફોર્મ નથી કરી શકતો...."

No comments:

Post a Comment