Friday, 22 August 2014

મર્દાની: મર્દાનગી વાળુ ડિરેક્શન





          એક સમય હતો જ્યારે સ્ત્રીને એક અબળા તરીકે જ બતાવવામાં આવતી હતી. સ્ત્રી પર થતા અત્યાચારની માત્રામાં ફિલ્મ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ વધારો થતો ગયો. સ્ત્રી તરફી ફિલ્મ્સ પણ ઘણી બની પણ ખૂબ અત્યાચાર વેઠ્યા પછી સ્ત્રી બદલો લે અને રણચંડી બને! સતત મેલોડ્રામાથી ભરપૂર આવી ફિલ્મ્સ જોઈને ઘણા લોકો કંટાળી ગયા હતા એટલે સ્ત્રીના વરવા રૂપની શરૂઆત થઈ અને સ્ત્રીને ખરાબ ચીતરવામાં આવવા લાગી. જો આ બંને વચ્ચેનો કોઈ માર્ગ હોય તો લોકોને ગળે ઊતરી પણ શકે. આવી ઉત્તર દક્ષિણની બે વાતોને મધ્યમાં રહીને કામ કરવું હોય ત્યારે સારા ડિરેક્ટરની જરૂરિયાત ઊભી થાય. ફિલ્મ જ્યારે સત્ય ઘટના પર આધારિત હોય ત્યારે વાતને ન્યાય આપવો વધુ અઘરો બની જાય! પણ ડિરેક્ટર પ્રદીપ સરકારે ’મર્દાની બનાવીને મર્દાનગી વાળું ડિરેક્શન બતાવ્યું....


        પ્રદીપ સરકારને હું પહેલેથી જ સારા ડિરેક્ટર માનું છું. તેમની પહેલી ફિલ્મ ૨૦૦૫માં ’ પરીનીતા આવી હતી. ફિલ્મ દરેક એંગલથી હટકે રહી હતી. આજે પણ એ ફિલ્મ ઘણા લોકોની ફેવરીટ ફિલ્મ્સની યાદીમાં રહી શકી છે. તેમની બીજી ફિલ્મ ’લાગા ચૂનરી મેં દાગ હતી. ફિલ્મ બોક્ષ ઓફીસ પર સારી ચાલી ન હતી પણ ક્રીટીક્સ તરફથી વખાણ થયા જ હતા. એ પછી નીલ નીતીન મુકેશ અને દીપિકા પાદુકોણને લઈને એક અલગ અંદાજ વાળી ’લફંગે પરીંદે ડિરેક્ટ કરી. આ ફિલ્મ પણ ખાસ ચાલી નહીં પણ પ્રદીપનું ડિરેક્શન લોકોની નજર ખેંચવામાં સફળ જ રહ્યું. પ્રદીપ સરકારને તેમની પહેલી જ ફિલ્મ ’પરીનીતા માટે ફિલ્મફેર, ઝી સિને એવૉર્ડ ઉપરાંત નેશનલ એવૉર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મની વાત કરીએ તો રાણી ઉપરાંત કોઈ પણ જાણીતા ચહેરા ન હોવા છતા જે રીતે ફિલ્મને વહાવી છે એ માટે પૂરો જશ ડિરેક્ટર તરીકે પ્રદીપ સરકારને જ જાય...


        ફિલ્મ જગતને ન્યુમેરોલોજીનો ખૂબ ક્રેઝ હોય છે એટલે નામ બદલાવતા રહે છે. રાણી સામે ડૉક્ટર પતિનું પાત્ર ભજવતો બિશ્વરૂપ સેનગુપ્તા જે હાલ જીસ્સુ સેનગુપ્તા તરીકે ઓળખાય છે તે બંગાળી એક્ટર છે. જીસ્સુની પોતાની ’બ્લ્યુ વોટર પિક્ચર નામે ફિલ્મ પ્રોડક્શન કંપની છે. જીસ્સુ આ પહેલા શ્યામ બેનેગલ જેવા ધુરંધર ડિરેક્ટર સાથે ’સુભાષચંદ્ર બોઝ- ધ ફરગોટન હીરોમાં કામ કરી ચૂક્યો છે. આ ફિલ્મ લીડ રાની હતી માટે જીસ્સુના હિસ્સે ખાસ કામ ન હતું પણ જેટલો નાનો રોલ હતો એથી વધારે ઈમાનદારીથી નિભાવી શક્યો છે. ફિલ્મમાં વિલનના પાત્રમાં તાહિર ભસીન છે. તાહિરનું આ પહેલું ફિલ્મ છે પણ કોઈ એંગલથી એવું લાગતું નથી કે તાહિરનું આ પહેલું ફિલ્મ હોય. તાહિર નેશનલ ન્યૂઝ કંપનીમાં હાલ બોડી લેંગ્વેજ શિખવાડે છે માટે ફિલ્મમાં તેની બોડી લેંગ્વેજ જોવાની તો મઝા જ પડે. કદાચ આ ફિલ્મ તેના માટે બોલીવુડના ભવિષ્યના ઘણા દરવાજા ખોલશે. રાણી મુખર્જી ઘણા લાંબા સમયથી સારુ ફિલ્મ આપી શકી નથી. રાણીનું છેલ્લે આવેલું ફિલ્મ ’દિલ બોલે હડીપ્પા પણ માથાનો દુખાવો જ નીકળ્યું હતું. જો કે રાણીની એક ખૂબી રહી છે કે જ્યારે પણ સારા ડિરેક્ટરે ફિલ્મ બનાવી હોય ત્યારે રાણી છવાય ગઈ છે. આ ફિલ્મમાં રાણી સોળે કલાએ ખીલી છે. પોતાના સંવાદોથી લઈને એક્ટીંગ સુધીની તમામ વાતમાં રાણીએ ખાસ મહેનત લીધી છે એ દેખાય આવે છે. રાણી સાથે આદિત્યનું નામ જોડાયું ત્યારથી બીજા બૅનરમાં ખાસ કામ કરતી જોવા મળી નથી પણ અહીં તો ઘરનો જ મામલો હતો અને અસ્તિત્વ ખતરામાં હોય એવું પણ હતું જે તેણે સાબિત કરી દીધું કે પોતે હજુ માર્કેટમાં છે જ. ફિલ્મના ડિરેક્ટર તરીકેની એક સૂઝ ત્યાં પણ વખાણવી પડે કે ખૂબ લાંબો રોલ હોવા છતા અનાથ પ્યારીના પાત્રમાં નવી છોકરી પ્રિયંકા શર્માને લેવામાં આવી. એ છોકરી પાસે ઘણું કામ કરાવવાનું હતું છતાં પણ એક અનાથ અને સામાન્ય લાગે એવી જ છોકરીની પસંદ એ ખરી કલા દ્ગષ્ટિ છે. ફિલ્મમાં કામ કરતા મોટા ભાગના આર્ટિસ્ટ્સ નવા હોવાથી નામ નથી જાણી શકાયું પણ દરેક પાત્ર પોતાની રીતે વજનદાર અભિનય કરી ગયું છે....


        આ ફિલ્મને જો સૌથી વધુ સુંદર બનાવતી વાત હોય તો ફિલ્મની સિનેમેટોગ્રાફી છે. અર્તુર ઝુરાસ્કીના કૅમેરાના કમાલ તમને ડગલે અને પગલે જોવા મળશે. મહદ અંશે એવું બનતું હોય છે કે ફિલ્મને સુંદર બનાવવા માટે વધુ પડતી લાઇટ્સનો ઉપયોગ કરી દ્ગશ્યોને ઝાજરમાન બનાવવાનો પ્રયત્ન થતો હોય છે પણ અહીં એવું કંઈ જ કર્યા વગર માત્ર કૅમેરા ફ્રેમ અને મુવમેન્ટ ઑફ કૅમેરાથી જ વાત ઊભી કરવામાં આવે છે. દરેક ફ્રેમ સામાન્ય ફ્રેમથી ઉચ્ચ કક્ષાની છે. એક દ્ગશ્યથી બીજા દ્ગશ્યનું ટ્રાન્સીસનની પણ સંજીબ દત્તાએ એડીટીંગની જવાબદારી સારી રીતે નિભાવી છે.


        ફિલ્મની સ્ટોરી ડ્ર્ગ ડીલર અને સેક્સ રેકેટ ચલાવતા એક હોશિયાર માણસની છે. સ્ટોરીની મૂળ વાત પર જતા પહેલા સ્ટોરીની ડિમાન્ડ મુજબ મૂળ વાત આવતા પહેલા ફીમેલ ઇન્સ્પેક્ટરના પરિચય માટે બે ત્રણ દ્ગશ્યો રાખવામાં આવ્યા છે. આ દ્ગશ્યો પણ સારી રીતે રજૂ થયા છે અને ફીમેલ ઇન્સ્પેક્ટરની પર્સનાલિટી ઉભારી શક્યા છે. એક શેલ્ટર હોમમાં રહેતી છોકરી જેની સાથે ફીમેલ ઇન્સ્પેક્ટરને ખૂબ સારા સંબંધો છે તે અચાનક જ ગુમ થઈ જાય છે. હવે આ છોકરીની શોધ શરૂ થાય છે. પહેલી ક્લ્યુ મળતા જ તે વ્યક્તિનું ખૂન થાય છે. લેડી ઇન્સ્પેક્ટરને ડિપાર્ટમેન્ટનો સપોર્ટ હોવાથી તપાસનો દોર આગળ વધે છે. એક પછી એક વ્યક્તિને શોધતા શોધતા સ્ટોરી છેક દિલ્હી સુધી પહોંચે છે. વચ્ચે સ્ટોરીની ડિમાન્ડ મુજબ ઇમોશનલ દ્રશ્યો પણ નાખવામાં આવ્યા છે તો પણ ગોપી પુથરણની સ્ટોરી એક વાતથી તો સફળ જ કહી શકાય કે બહુ જ ઓછા એવા દ્ગશ્યો છે જેની ફિલ્મમાં જરૂર ન હોય અને નાખવામાં આવ્યા હોય. સ્ક્રીનપ્લે ટાઇટ છે એટલે કંટાળો આવતો નથી. ફિલ્મનો રન ટાઇમ માત્ર ૧૧૩.૦૨ મીનીટનો છે એ ખૂબ જ સારી વાત છે. વાર્તા જેટલી જ ફિલ્મની લંબાઈ છે અને ખોટી ફિલ્મ ખેંચી નથી....


        ફિલ્મની ખરાબ વાત કહીએ તો ઘણી જગ્યા પર લોજિક તૂટે છે. માત્ર ઇન્સ્પેક્ટરની પોસ્ટ ધરાવતી લેડી પાસે આટલી બધી સત્તા ક્યાંથી? જરૂરથી વધારે ઇમોશન પણ ફિલ્મને ડીસ્ટર્બ કરે છે. નાના નાના ઘણ ખાંચા દેખાય છે પણ ઉત્તમ સિનેમેટોગ્રાફી અને ટાઇટ સ્ક્રીનપ્લે દબાવી દે છે. હાં છેલ્લે એક ખૂબ મોટી ભૂલ છે કે રાણી મુખર્જી તાહિર સામે ગન તાકીને ઊભી છે પણ ટ્રીગર પર હાથ નથી. હવે આટલાં સાતીર દિમાગ વિલનની સામે આટલું કૅઝ્યુઅલ કેમ રહેવાય? પણ ફિલ્મની ભાષામાં તેને ફિલ્મ લિબર્ટી કહે છે. ફિલ્મ ૩.૫ સ્ટાર ડીઝર્વ કરે છે...



પેકઅપ:
જે ટ્રક સાથે એક્સિડંટ થાય તેની જ પાછળ લખ્યું હોય છે કે "જિંદગી રહી તો દુબારા મીલેંગે"!!!!

No comments:

Post a Comment