Friday, 15 August 2014

સિંઘમ રીટર્ન્સ: ફરી એવો જ પંજો






         

         કોણ જાણે કેમ પણ પહેલો ભાગ સફળ રહ્યો હોય ત્યારે બીજો ભાગ ખરાબ જ જોવા મળે, આથી પણ વિશેષ કહીએ તો પહેલાથી પણ વધુ ખરાબ બનાવવાની કોશિશ કરી હોય અને એના માટેના તમામ પ્રયત્નો કર્યા હોય એવું જ લાગે પણ જો ડિરેક્ટર સારા હોય તો પોતે આગલી ફિલ્મ સારી હોવા છતા બીજા ભાગમાં પહેલા ભાગની ભૂલોને સુધારવાની કોશિશ થઈ જ હોય. ’સિંઘમની સફળતા પછી એ સમયે જ બીજા ભાગની વાત તો થઈ જ ચૂકી હતી. અજય દેવગણ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટર્ટેઇન્મેટ અને રોહિત શેટ્ટી ફિલ્મ્સ ત્રણે મળીને ફિલ્મ બનાવવાનું નક્કી કરી જ ચૂક્યા હતા. ફિલ્મની સ્ટોરી રોહિત શેટ્ટીની પોતાની જ છે. ફિલ્મના ડાયલૉગ હમણાં જ ખરાબ ફિલ્મ ’એન્ટર્ટેઇન્મેન્ટ આપી ચૂકેલા સાજીદ-ફરહાદના છે અને સ્ક્રીનપ્લે યુનુષ સજવાલનો છે. જે રીતે પહેલો ભાગ એન્ટર્ટેઇન્મેન્ટથી ભરપૂર હતો એ રીતે જ બીજો ભાગ એટલે કે ’સિંઘમ રીટર્ન્સ પણ એવા જ લોહિયાળ પંજા સાથે ત્રાટક્યું છે...



        ફિલ્મની સારી ગૂંથણીનો શ્રેય સ્ક્રીનપ્લે રાઇટર યુનુષને જાય એથી પણ વધારે એ કલ્પનાઓને સાક્ષાત્ કરવાનો શ્રેય રોહિત શેટ્ટીને જ જાય. રોહિત એટલે માર્કેટનો બાદશાહ. માત્ર ૧૭ વર્ષની ઉમરથી જ ફિલ્મ સાથે રોહિત જોડાયેલો રહ્યો છે. રોહિતે ’ફૂલ ઔર કાંટે આસિસ્ટ કરી હતી. તેના ડિરેક્શનમાં પહેલી ફિલ્મ ’ઝમીન હતી અને એ છેક ૨૦૦૩માં આવી હતી. હવે જો આ રીતે જોઈએ તો રોહિતની આસિસ્ટન્ટશીપની સફર પૂરા ૧૩ વર્ષની થઈ પછી પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી! જો કે પહેલી ફિલ્મને કારણે રોહિતને કોઈ ઓળખતું ન થયું પણ તેણે જેવી ૨૦૦૬માં ’ગોલમાલ ડિરેક્ટ કરી એ સાથે જ જાણીતું વ્યક્તિત્વ થઈ ગયો. આ પછી ૨૦૦૮માં ’સનડે ડિરેક્ટ કરી. જો કે આ ફિલ્મ ઓડિયન્સમાં ખાસ અસર ન જમાવી શકી પણ ક્રીટીક્સ તરફથી વખાણ જ સાંભળવા મળ્યા. આ પછી તો રોહિતનો જાણે સિતારો આસમાન પર ગયો. લગભગ ૧૦૦ કરોડ ક્લબની પાંચ જેટલી ફિલ્મ કરી. રોહિતની છેલ્લી ફિલ્મ ’ચેન્નાઈ એક્સપ્રેસ જોઈને એમ થયું કે આમનું પણ રામ ગોપાલ વર્મા જેવું થશે. જો કે રોહિત હોશિયાર ડિરેક્ટર છે અને સાથે બુધ્ધિશાળી પણ ખરો વળી એટલું તો જાણે જ કે શાહરુખ ખાન હોય તો ફિલ્મમાં આટલું જ મળે! આ ફિલ્મમાં લગભગ બધી જ બાબતોની સંભાળ લેવામાં આવી છે અને હાં રોહિત સ્ટાઇલ ગાડીનો ભુક્કો, ક્લાસ ફાઇટ્સ, કૅરેક્ટરને હાઈલાઇટ કરતા શોટ્સ, દરેક કૅરેક્ટરનો પૂરતો ઉપયોગ જેવી ઘણી બધી બાબતો પર ધ્યાન રાખીને પ્રેક્ષકોને એક સંપૂર્ણ મનોરંજન આપવાનો પ્રયાસ કર્યો છે અને એ પણ ઈમાનદારી પૂર્વક....



        બાબાના પાત્રમાં અમોલ ગુપ્તેને લેવામાં આવ્યા છે. અમોલનો પરિચય સામાન્ય ઓડિયન્સને નહીં હોય. અમોલ ખૂબ સારા સ્ક્રીપ્ટ રાઇટર છે. ’તારે જમીં પે ફિલ્મની સ્ક્રીપ્ટ માટે તેઓ ખૂબ ચર્ચામાં રહી ચૂક્યા છે. અમોલ સારા ડિરેક્ટર પણ છે. ’સ્ટેનલી કા ડીબ્બા જોયું હોય તો તેના ડિરેક્શનના પણ વખાણ કરવા જ પડે. જો કે અમોલ એક્ટીંગ પણ ઘણા સમયથી કરે છે. એઝ અ એક્ટર તેમની પહેલી ફિલ્મ ’હોલી હતી. આ પછી ’જો જીતા વહી સિકંદર, ’કમીને, ’ફંસ ગયા રે ઓબામા, ’સ્ટેનલી કા ડીબ્બા, ’ભેજાફ્રાય જેવી ફિલ્મ્સ કરી. આ ફિલ્મમાં બાબાનો રોલ ખાસ હતો. થોડી આસારામ બાપુની ઝલક પણ આપવાની હતી. બહુ સ્પષ્ટ કહું તો જો નબળામાં નબળી એક્ટીંગ રહી હોય તો અમોલ ગુપ્તેની બાકી સાથે પોલીટીકલ વિલન તરીકે ઝાકીર હુશેન એટલો જ સરસ રોલ નીભાવી શક્યા છે. જો કે ઝાકીર હુશેન માટે તો જે કહીએ એ ઓછું છે. ઝાકીર દરેક રોલમાં ફીટ જ હોય. ૨૦૦૧માં ’દિશાયેંથી પોતાની એક્ટીંગ કેરિયર શરૂ કરના ઝાકીરની લગભગ આ ૫૦મી ફિલ્મ છે. અજય દેવગણની ટીમમાં દયાનંદ શેટ્ટીને એટલે કે ’સી.આઇ.ડી.’ના દયાને પણ સામેલ કરવામાં આવ્યો છે અને હાં દયા પાસે આ ફિલ્મમાં પણ દરવાજો તોડાવવામાં આવ્યો જ છે. કરીના કપૂર સાચે જ મેડ એક્ટ્રેસ છે. એક સમયે જેને એક્ટીંગ આવડે છે કે નહીં એ પ્રશ્ન થતો જ્યારે અત્યારે સાચે જ ફિલ્મમાં તેની એક્ટીંગ માણવા લાયક બનવા લાગી છે. કરીનાના ભાઈના પાત્રમાં મરાઠી એક્ટર સમીર ધર્માધિકાર છે. જો કે સમીરે ’સત્તા, ’ગેઇમ, ’મુંબઈ મેરી જાન, ’રંગ રસિયા જેવી હિન્દી ફિલ્મ્સ પણ કરી છે એમ છતા લોકો તેને ’ઝાંસી કી રાની સિરિયલના લીડ એક્ટર તરીકે વધારે ઓળખે છે...



        ફિલ્મમાં નાના નાના પાત્રો પણ માર્કેટના મંજાયેલા એક્ટર્સને સોંપવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નર તરીકે શરદ સકસેના છે, ગુરૂના પાત્રમાં અનુપમ ખૈર છે, અજય દેવગણના પિતાના પાત્રમાં ગોવિંદ નામદેવ છે, કોન્સ્ટેબલની માતા સરિતા દેસાઇ છે, અજયની ટીમમાં પોમ્પી હંસ છે અને મુખ્યમંત્રી તરીકે મહેશ માંજરેકર છે. બે પાત્રો એવા રહ્યા જેના નામ મને નથી ખબર પણ ખૂબ જ સારુ કામ. અજયની ટીમમાં ગુજરી ગયેલા કોન્સ્ટેબલની પત્ની, એક પુત્રને માર ખાતો બચાવવા આવતી તેની માતા. આ બે દ્રશ્યો પણ એટલાં જ લાજવાબ રીતે કચકડે મઢવામાં આવ્યા છે. અશ્વીની કલસેકર એ.એન.આઇ.ની પત્રકાર લેડીની ભૂમિકામાં છે. અશ્વીની અડધા માર્ક તો પોતાની પર્સનાલીટીના જ લઈ જાય અને રહી જાય તો સારી એક્ટીંગ પણ ખરી...  



        ફિલ્મ માટે હું બે ત્રણ વાતો હર હંમેશા કહેતો આવ્યો છું કે સારી ફિલ્મ બનાવવા માટે સારી સિનેમેટોગ્રાફી, સારો સ્ક્રીનપ્લે અને સારુ ડિરેક્શન ત્રણ વસ્તુ મળે તો જ ફિલ્મ બહાર આવે. ’સિંઘમ રીટર્ન્સની સ્ટોરીની વાત કરો તો આ પહેલા પણ આવી વાતો તમે ક્યાંક ક્યાંક જોઈ ચૂક્યા હશો પણ જો સ્ક્રીનપ્લેની વાત કરો તો આવો સરસ સ્ક્રીનપ્લે બહુ ઓછી ફિલ્મમાં જોવા મળ્યો હશે. ફિલ્મનો રન ટાઇમ ૧૪૨.૦૧ મીનીટનો છે. આજના જમાનામાં જ્યારે લોકો ૨ કલાકથી વધારે ફિલ્મ સહન નથી કરી શકતા ત્યારે અઢી કલાક આસપાસની ફિલ્મ જો તમને બેસાડી રાખે તો તેનું એક કારણ છે ફિલ્મનો સ્ક્રીનપ્લે. સ્ક્રીનપ્લે એટલી સરસ રીતે ગૂંથવામાં આવ્યો છે કે ફિલ્મનું એક પણ દ્ગશ્ય પ્રસંગ વગરનું નથી. ફિલ્મની લવસ્ટોરી પણ મુખ્ય ફિલ્મને ડીસ્ટર્બ કરતી નથી કે ન તો ફિલ્મના ગીતો સ્ટોરીને રોકે છે. આ રીતે જ જો ફિલ્મની સિનેમેટોગ્રાફીની વાત કરીએ તો એકથી એક ગોર્જીયસ દ્રશ્યો તમને જોવા મળશે. હેલીકોપ્ટર શોટ્સનો ખૂબ જ સારો ઉપયોગ થયો છે જે દ્ગશ્યની વિશાળતા લોકોને પકડી રાખે છે. એક ખોટો પ્રયત્ન ચોક્કસ છે કે વધુ પડતો ક્રેઇન, ટ્રૉલી અને જીમીનો ઉપયોગ ક્યાંક ખોટી રીતે ચાલતો લાગે અને ફિલ્મ કૅમેરાના નિયમોને તોડીને જ્યારે પાત્ર સામે આવતું હોય ત્યારે સાઇડ ટ્રૉલી ન ચાલે પણ અહીં ચાલી છે એમ છતા ડૂડલેની સિનેમેટોગ્રાફી સારી જ કહી શકાય....



        માત્ર એન્ટર્ટેઇન્મેન્ટ માટે બનેલી ફિલ્મ્સ આવી જ હોવી જોઈએ. એક મીનીટ માટે તમે સપનાઓની દુનિયામાં જતા રહેવા જો અને તો જ ફિલ્મ બૉક્સ ઓફીસ પર પણ ચાલે. ૫૫૦૦ સ્ક્રીનનું રીલીઝ એ ઓછું રીલીઝ નથી અને વળે તહેવારો એટલે આ ફિલ્મ ગુજરાતમાં તો ધૂમ મચાવશે જ એટલું તો નક્કી જ છે. અને વળી ફિલ્મ  ૪ સ્ટાર મનોરંજન તો છે જ...




પેકઅપ: 

’ઇબોલા વાઇરસનું નામ કદાચ ગુજરાતી સ્ત્રીઓના જાણીતા હથિયાર ’અબોલા પરથી રાખવામાં આવ્યું હશે!

No comments:

Post a Comment