વિદ્યા બાલનના મુખે બોલાયેલો ડાયલૉગ "ફિલ્મે સિર્ફ તીન
ચીઝોં સે ચલતી હૈં, એન્ટરટેઇન્મેન્ટ, એન્ટરટેઇન્મેન્ટ ઔર એન્ટરટેઇન્મેન્ટ" એટલો
બધો પ્રખ્યાત થયો કે લગભગ બધાએ સાંભળ્યો હશે અને રીપીટ પણ કર્યો હશે. આ ડાયલૉગ પરથી
જ કદાચ રમેશ તુરાણી અને જેન્તીલાલ ગડાને વિચાર આવ્યો હશે કે જો ફિલ્મનું નામ જ એન્ટરટેઇન્મેન્ટ
રાખી દેવામાં આવે તો પછી ફિલ્મ ચાલશે જ પણ એ તો ભૂલી જ ગયા કે ફિલ્મમાં પણ એન્ટરટેઇન્મેન્ટની
જરૂર પડે! માત્ર કૂતરાનું નામ એન્ટરટેઇન્મેન્ટ રાખી દેવાથી ફિલ્મનો કૉન્સેપ્ટ નવો નથી
થઈ જતો. દર્શકો રૂપિયા ખર્ચે છે તો એન્ટરટેઇન્મેન્ટ માટે નહીં કે કોઈનું નામ એન્ટરટેઇન્મેન્ટ
હોય એના માટે. ખૂબ લાંબા સમયથી ફિલ્મ પ્રમોટ થઈ રહ્યું છે છતા પણ જો ફિલ્મમાં કંઈ પણ
ઘટતું હોય તો એ છે ’એન્ટરટેઇન્મેન્ટ’.....
સાજીદ-ફરહાદની
બેલડીનું આ પહેલું ડિરેક્શન છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની એન્ટ્રી ગીતકાર તરીકે થઈ
હતી. ’મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’નું ’એમ. બોલેતો...’ ગીત એમનું લખેલું છે. ગીત માંથી
સ્ટોરી તરફ વળવાનો પહેલો મોકો તેમને રામ ગોપાલ વર્માએ આપેલો. આ જોડીનું લખેલું પહેલું
ફિલ્મ ’શિવા’ હતું.
આ પછી તેમણે ’સન્ડે’, ’ડબલ ધમાલ’, ’ગોલમાલ રીટર્ન્સ’, ’ઓલ
ધ બેસ્ટ’, ’હાઉસફૂલ’, ’રેડ્ડી’, ’ગોલમાલ
૩’, ’ચશ્મે
બદ્દુર’, ’હિમ્મતવાલા’, ’ચેન્નાઈ
ઍક્સ્પ્રેસ’ જેવી
ફિલ્મ્સ લખવાનો મોકો મળ્યો. ૧૫ ઓગસ્ટ રીલીઝ થતી ’સિંઘમ રીટર્ન્સ’ પણ
એમની જ લખેલી છે. હવે ઉપરના લીસ્ટની ફિલ્મ્સ તમને ગમી હોય કે ન હોય પણ આમાંથી ઓછામાં
ઓછી પાંચ ફિલ્મ્સ સો કરોડના આંકડાને વટાવી ચૂકી છે. તમે કેવું લખો છો કરતા કેવું ચાલે
છે એ વધારે જરૂરી છે. સાજીદ-ફરહાદને થયું કે ચાલો જો આટલું બધું કર્યું તો પછી ડિરેક્શન
પર પણ હાથ જમાવી લઈએ. કે. સુભાષની સ્ટોરી પર સ્ક્રીનપ્લે અને ડાયલૉગ આ જોડીએ જ લખ્યા
છે માટે હવે તો બીજા પર દોષ મૂકી શકાય તેમ પણ નથી! ફિલ્મના નબળા ડિરેક્શનની ખબર તમને
તરત જ પડી જશે અને ધીમે ધીમે તમે આશા રાખતા જશો કે કદાચ ક્યાંક સારો વળાંક લે પણ છેલ્લે
તો હતાશ થઈને પૈસા પડી ગયાની લાગણી સાથે બહાર નીકળશો...
અક્ષય કુમાર
હજુ પણ પોતાની જાતને ફીટ રાખી શક્યો છે. અક્ષયને ખૂબ સારી રીતે ગાંડા કાઢતા આવડે છે
પણ હવે જ્યારે ફિલ્મની કથા જ નબળી હોય ત્યારે અક્ષય પણ શું કરી શકે? તમન્નાહ ભાટિયા
બોલીવુડ તરફ આવવા માંગે છે પણ કોણ જાણે કેમ એના નસીબમાં ફ્લોપ ફિલ્મ જ આવે છે. તમન્નાહનું
ઓરીજીનલ નામ તમન્ના જ હતું પણ ન્યુમોરોલોજીના ચક્કરમાં તમન્નાહ કર્યું. ૧૩ વર્ષની ઉમરથી
પૃથ્વી થિયેટર સાથે જોડાયેલી તમન્નાહની પહેલી ફિલ્મ ૨૦૦૫માં ’ચાંદ સા રોશન ચહેરા’ હતી
પણ કોઈને ખબર ના રહી કે ક્યારે આવી અને ક્યારે જતી રહી. આ પછી તમન્નાહે નામ બદલાવી
સાઉથની વાટ પકડી. તમન્નાહ ત્યાં તામિલ અને તેલુગુ બંને ઇન્ડસ્ટ્રીમાં સારુ નામ બનાવી
શકી. સાજીદ ખાન સાથેના તેના સારા સંબંધોને કારણે સાજીદ લાંબા સમય પછી ’હિમ્મતવાલા’ માટે
ફરી બોલીવુડ તરફ ખેંચી આવ્યો અને એ પછીની તેની જ બીજી ફિલ્મ ’હમશકલ્સ’માં
પણ તમન્નાહને રોલ આપ્યો. હાય રે નસીબ બંને ફ્લોપ! આ ફિલ્મ પણ ૯૯% તો ફ્લોપના લીસ્ટમાં
વધારો કરશે જ...
નાના નાના રોલ
માટે ઘણા બધા કલાકારોને લાવવામાં આવ્યા છે. હ્રીતેષ દેશમુખ. હિતેન તેજવાણી, રેમો, શ્રેયસ
તલપડે વગેરે પણ એ લોકોની તાકાત નથી કે ફિલ્મ તારી શકે કે ન તો એવડી મોટી ફેન ક્લબ પણ
નથી કે કેમિયો રોલ માટે પણ લોકોમાં ક્રેઝ ઊભો થાય. દર્શન ઝરીવાલાને હિસ્સે ખૂબ નાનો
રોલ છે પણ થોડીવાર માટે આવીને વેડફાયા છે. ક્રિષ્ના ફિલ્મ માટે ખૂબ વલખા મારતો હતો
અને એના માટે સારી કહી શકાય એવી ઉપરાંત વધુ રોલ વાળી આ પહેલી ફિલ્મ છે. કૉમેડી સર્કસનો
કીંગ અહીં બિલાડી બની ગયો છે. ’બોલ બચ્ચન’ પછી એના માટે સારો ચાન્સ કહી શકાય. જો કે
લોકોને ખબર નહીં હોય કે ક્રિષ્ના આ પહેલા ’હમ તુમ ઔર મધર’, ’ઔર
પપ્પુ પાસ હો ગયા’, ’જહાં જાયેગા હમે પાયેગા’, ’દેશદ્રોહી’, ’હુક
ઔર કૃક’ જેવી
ન જાણીતી ફિલ્મ્સ કરી ચૂક્યો છે. પ્રકાશ રાજ એક ગજાનો આર્ટિસ્ટ છે અને એ રીતે જ સોનુ
સુદને પણ ખરાબ આર્ટિસ્ટ ન જ કહી શકાય. આ બંને કલાકારોને રીતસર એટલી હદે મૂર્ખ બતાવવામાં
આવ્યા છે કે ફિલ્મ જોઈને તેમને પણ પોતાની જાત પર નીચું જોવા જેવું થશે. જહોની લીવર
જેવો કલાકાર પણ ખાસ પર્ફૉર્મન્સ દેખાડી શક્યો નથી....
કૉમેડી ફિલ્મમાં
બે રીતે કૉમેડી પીરસવામાં આવે છે, એક સીચ્યુએશનલ કૉમેડી અને બીજી ડાયલૉગ કૉમેડી. અહીં
બેય પ્રકારે કોશિશ કરવામાં આવી છે એટલે બાવાના બેય બગડ્યા છે. ફિલ્મની શરૂઆત જૂન ૨૦૧૩માં
કરવામાં આવી હતી આ પછી બેંગકોકમાં ત્રણ મહિના લાંબું શેડ્યૂલ થાઇલેન્ડમાં કરવામાં આવ્યું.
લગભગ ૯૦% શૂટીંગ થાઈલેન્ડ અને ખાસ કરીને બેંગકોકમાં કરવામાં આવ્યું છે. એપ્રિલ ૨૦૧૪માં
બાકી રહેલું એક ગીત મુંબઈ શૂટ કરવામાં આવ્યું અને એ સાથે જ ફિલ્મનું પ્રમોશન પણ શરૂ
કરી દેવામાં આવ્યું. ફિલ્મના ટ્રેઇલરની એક ખૂબી હોય છે કે એ જોઈને ફિલ્મ જોવાની ઇચ્છા
થાય પણ સાથે ઑડિયન્સ માટે એટલું ખરાબ હોય છે કે ફિલ્મના ટ્રેઇલરમાં જે હોય છે એથી વધારે
કંઈ જ નથી હોતું. તમે જો ’એન્ટરટેઇન્મેન્ટ’નું ટ્રેલર જોયું હોય તો કહી દઉં કે તેમાં
જે કૉમેડી પંચ છે એટલાં જ સારા છે...
ફિલ્મનું મ્યુઝિક
સચીન-જીગરનું છે. મ્યુઝિકમાં કંઈ ખાસ ખાટી જવા જેવું નથી. કદાચ એ કારણે જ પાછળથી ’ડી.જે.નું
બુલવા દો...’ ગીત ઉમેરવામાં આવ્યું અને છેલ્લે શૂટ કરવામાં આવ્યું. મને એક વિચાર સતત
ખટકે છે કે કોઈ પણ ફિલ્મ બનાવતા પહેલા સ્ટોરી સીટીંગ થતું હોય છે ત્યારે જ કેમ કોઈ
કહેવા વાળુ નહીં મળતું હોય કે આવી ફિલ્મ ન બનાવાય! ફિલ્મની વાર્તા ખૂબ જ સીધી સાદી
છે. કરોડપતિ બાપના દીકરા હોવાની અક્ષય કુમારને ખબર પડતા જ ૩૦૦૦ કરોડની સંપતી હડપવા
બેંગકોક પહોંચી જાય છે ત્યારે ખબર પડે છે કે સંપતી તો કૂતરાના નામ પર કરી દેવામાં આવી
છે. હવે કૂતરાને મારવાના પેતરા શરૂ થાય છે અને ધરાર કૉમેડી ઊભી કરવાની કોશિશ કરવામાં
આવે છે. કૂતરું અક્ષય કુમારનો જીવ બચાવે પછી ભાઈને પસ્તાવો થાય ત્યાં સેકન્ડ કઝીન્સ
એટલે કે પ્રકાશ રાજ અને સોનુ સુદ પ્રૉપર્ટી પચાવી પાડે. અક્ષય કુમાર એન્ડ ગૃપ મળીને
આ પ્રૉપર્ટી પાછી લેવા મહેનત કરે અને અંતે ખાધું પીધુને રાજ કર્યું. કૂતરાની ભૂમિકામાં
જુનિયર નામનું ગોલ્ડન રીટ્રીવર છે જેનું ફિલ્મમાં નામ એન્ટરટાઇન્મેન્ટ છે. અંત તો એટલી
હદે ખરાબ બનાવ્યો છે કે રડવાને બદલે દયા આવી જાય છે. કૂતરો અક્ષય કુમારને લાગતી ગોળી
વચ્ચે પડીને પોતે ખમી લે. કુતરાના શ્વાસ બંધ થઈ ગયા હોય ત્યારે મુક્કો મારે અને કૂતરાનું
હ્રદય ફરી ધડકવા લાગે. તમે જો તમારી ધડકન સલામત રાખવા માગતા હો તો આ ૨ સ્ટારથી વધારે
ડીઝર્વ ન કરતા ફિલ્મ માટે ખર્ચ કરતા પહેલા વિચાર કરજો....
પેકઅપ:
"સાજીદ-ફરહાદ સર તમારી ફિલ્મમાં સૌથી સારી એક્ટીંગ કોની
રહી?"
સાજીદ-ફરહાદ: "કૂતરાની"
No comments:
Post a Comment